કર્મઠ રંગકર્મી ભરત દવે

સુભાષ બ્રહ્મભટ્ટ
01-06-2021

ગુજરાતી રંગભૂમિનાં દોઢસો વર્ષની સંધ્યાએ રંગભૂમિનો એક પ્રજ્વલિત પ્રકાશ કોરોનાની મહામારીમાં બુઝાઈ ગયો. તા. ૧૫મી મે, ૨૦૨૦ની સવારે દસ વાગ્યાની આસપાસ સમાચાર વહેતા થયા કે કોરોના સામેની લડાઈમાં વૅન્ટિલેટર, ઑક્સિજન રેમડેસિવિર ઇંજેક્શન તથા અનેક દવાઓના શસ્ત્રસંરજામ સાથે ડૉક્ટરોની નિગરાનીમાં ભરતભાઈ હારી ગયા.

અનેક નાટ્યકર્મીઓ અને ભરતભાઈનાં સ્વજનોની પ્રાર્થનાઓ પણ કારગત ન નીવડી. વૉટ્સઅપ મૅસેજિસની વણઝાર વચ્ચે ૫૦ વર્ષની ભરતભાઈની કારકિર્દી વીજળીવેગે અગ્નિસંસ્કાર સમયે પ્રજ્વલિત થઈ ઊઠી.

આજે સવાલ એ ઊઠે છે આ ભરત દવે એટલે કોણ? નાટ્યનિર્માતા ? નાટ્યદિગ્દર્શક? નાટ્યવિવેચક? નાટ્યલેખક? રૂપાંતરકાર? અભિનેતા કે નાટ્યયાત્રાના રંગકર્મી? સિતારવાદક ભરત દવે કહું કે ચિત્રકાર કહું? કે પછી નાટ્યલેખકોના આંતરમનના પ્રવાસી ભરત દવે? અથવા ઇસરોના-ડેકુના ટી.વી. પ્રોડક્શનના પ્રખર પ્રોડ્યુસર ભરત દવે? બહુઆયામી છે આ ભરત દવે. દરેક વિશેષણ સાથે ભરત દવે સાંગોપાંગ સમર્પિત રહ્યા હતા. માટે જ, એમને કર્મઠ રંગકર્મી તરીકે જ ઓળખીએ. ઉપર્યુક્ત કોઈ પણ એક વિશેષણથી તો ભરત દવેની ઓળખ અધૂરી જ રહેવાની.

ભરતભાઈને ઓળખવા એક આખો ગ્રંથ તૈયાર કરવો પડે. એમનાં નાટકોની ભજવણી વિશે તો પીએચ.ડી.નો થીસિસ તૈયાર થઈ શકે. છેલ્લાં દસ વર્ષમાં એમણે લખેલાં પુસ્તકો પર અલાયદો અભ્યાસ કરવો પડે. જો કે એમના કેટલાક ગ્રંથો તો પ્રકાશિત થવાની રાહ જુએ છે.

આજે અહીં માત્ર ભરત દવે નિર્મિત કેટલાંક નાટકોની જ વાત કરીશું. ભરતભાઈએ દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં એક ઉત્તમ નાટ્યકર્મી અલકાઝીસાહેબ પાસે નાટ્યવિદ્યાની તાલીમ લીધી. અહીં તેઓ ખૂબ પલોટાયા. વિશ્વ રંગભૂમિ અને વિશ્વસ્તરના રંગકર્મીઓ વિશે ખૂબ અભ્યાસ કર્યો. મહાન નાટ્યલેખકોની નાટ્યકૃતિઓનો વિશદ અભ્યાસ કર્યો. રંગભૂમિની અવનવી પ્રગોગાત્મક નાટ્યશૈલીમાં અભૂતપૂર્વ નાટકો ભજવ્યાં. ઍક્ટર તરીકે નાના-મોટા રોલ પણ કર્યાં. સેટ ડિઝાઇન કર્યાં, ચિત્રો દોર્યાં, સંગીત શીખ્યા અને નાટકોનું સહદિગ્દર્શન પણ કર્યું. દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં રંગભૂમિનાં અનેક પાસાંનો ઊંડો અભ્યાસ કરી મુંબઈ જવાને બદલે અમદાવાદમાં આવ્યા. અહીં દર્પણ એકૅડેમીમાં મૃણાલિની સારાભાઈ સાથે જોડાયા. દર્પણમાં નાટ્યકર્મી કૈલાસ પંડ્યા અને દામિનીબહેન મહેતાનો સહયોગ પ્રાપ્ત થયો.

અમદાવાદને આંગણે ડૉ. વિક્રમ સારાભાઈ ફૅસ્ટિવલમાં ભરતભાઈએ ફ્રૅન્ચ નાટ્યકાર મોલિયેરનું ‘ધ સ્કૅપીન’ પર આધારિત કૉમેડિયા-દલા-આર્ટશૈલીમાં ‘વાહ વાહ રે મેં’ જીવંત સંગીતમઢ્યું નાટક ટાગોર હૉલમાં ભજવ્યું. પ્રયોગાત્મક નાટ્યશૈલી અને રંગસભર કૉશ્ચ્યુમ અને માસ્ક સાથે કલાકારોના મોટા કાફલા સમેત હાસ્યરસથી સભર આ નાટક દિવસો સુધી પ્રેક્ષકોના મનોજગતમાં રમતું રહ્યું. તત્કાલીન નાટ્યવિવેચક શશિકાંત નાણાવટીએ ‘ગુજરાત સમાચાર’માં દાયકાના શ્રેષ્ઠ નાટક તરીકે ‘રંગમ્’ કૉલમમાં નવાજ્યું હતું. કલાકારો પાસે એક નવી જ શૈલીમાં જે અભિનય કરાવ્યો તે અને મંચસજ્જા અભૂતપૂર્વ હતાં. નાટકનું જીવંત પાશ્ચાત્ય સંગીત બહુ મોટું જમાપાસું હતું. દિગ્દર્શનની આગવી સૂઝ અને કૃતિની પસંદગીમાં ભરતભાઈનો જોટો જડે. આ નાટકની રજૂઆત થકી અમદાવાદમાં પહેલા નાટકથી જ એમની એક આગવી ઓળખ ઊભી થઈ.

આ દરમિયાન રઘુવીર ચૌધરીએ એક સર્જનશીલ નાટ્યપ્રેમી અધ્યાપક તરીકે ભરતભાઈને શ્રી એચ.કે. આટ્ર્સ કૉલેજમાં નિમંત્રણ આપી, શરદબાબુની ‘દત્તા’ નવલ પર આધારિત ‘વિજ્યા’ નામે નાટક તૈયાર કરાવ્યું. કૉલેજના નવોદિત કલાકારો પાસે એક અઘરી નાટ્યકૃતિ તૈયાર કરવી એ બહુ મોટી ચૅલેન્જ હતી પણ ભરતભાઈની ધીરજને દાદ આપવી ઘટે. આ નાટક ભાવનગર સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ ભજવાયું.

એ દિવસોમાં, ૮૦ના દાયકામાં ભરતભાઈએ ગ્રીક નાટક ‘મીડિયા’ આધારિત ચં.ચી. મહેતા લિખિત ‘મદિરા’ નાટક ભજવ્યું. આ નાટકના વાચન દરમિયાન અનેક ગ્રીક ટ્રૅજેડીના કલાકારોનો અભ્યાસ કરાવ્યો. પ્રો. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને પ્રો.નલિન રાવળને ગ્રીક સંસ્કૃતિ ઉપર બોલવા નિમંત્રણ આપી ગ્રીસની રંગભૂમિ વિશે કલાકારોને અવગત કરાવ્યાં. સાથે-સાથે એમણે ગ્રીક નાટ્યશૈલીનો સાંગોપાંગ અભ્યાસ પણ કરાવ્યો. ગ્રીક રંગભૂમિ વિશે નવું નવું વંચાવે અને ગ્રીક નાટકો આધારિત ફિલ્મ પણ બતાવે. કેટલાંક પુસ્તકોમાંથી ગ્રીક નાટકોના ફોટોગ્રાફ્સ પણ બતાવે. એમ કહો કે, ગ્રીક નાટકો પર દરેક સાંજે વર્કશૉપ યોજાય. પૂરા હોમવર્ક અને સમયની પાબંધી સાથે રિહર્સલમાં ઉપસ્થિત રહે. ચં.ચી. મહેતાએ જે અપદ્યા-ગદ્યશૈલીમાં નાટક લખ્યું હતું, એ જ શૈલીમાં ભજવવું ખૂબ અઘરું હતું. દિવસો સુધી માત્ર વાચિક અભિનય પર કામ થતું. અધકચરા કલાકારોને ખૂબ ધીરજ સાથે સલુકાઈથી અભિનય શીખવે અને પ્રેક્ષકોની દાદ મેળવવા સુધી તૈયાર કરે. આ ‘મદિરા’ નાટક પહેલીવાર ટાગોર હૉલમાં ભજવાયું, ત્યારે પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. સુખાન્ત નાટકો જોવા ટેવાયેલો અમદાવાદનો પ્રેક્ષકવર્ગ આ દુઃખાન્ત નાટક જોઈને હતપ્રભ રહી ગયો.

ગ્રીક નાટ્યશૈલીનો પરિવેશ, એ જ શૈલીનું સંગીત અપદ્ય-ગદ્યશૈલીમાં બોલાતા સંવાદો વચ્ચે અભિનયની તીવ્રતા સાથે ભજવાયેલું ‘મદિરા’ નાટક મુક્તકંઠે પ્રશંસા પામ્યું. જાણીતા કલાકાર રાજુ બારોટ અને અદિતિ દવેનો અભિનય ખૂબ વખણાયો. એમાં ભરતભાઈની રાત-દિવસની મહેનત ઝળકી ઊઠી.

ભરતભાઈ જ્યારે નાટકને પસંદ કરે, ત્યારે સમાજ સાથેનો અનુબંધ જોડે. સમાજમાં બનતી વિધવિધ ઘટનાઓને લક્ષમાં લે અને માનવીય સંવેદનાઓનો સળવળાટ ચકાસે એ પછી જ નાટકને હાથમાં લે.

સામાજિક અવસ્થાની અનુકૃતિ રૂપે નાટક ભજવે છતાં ય એમનાં નાટકો શેરીનાટકો ન હતાં. એમને નાટકની ઝાકમઝોળ તો ગમે જ ગમે. સંગીત, સંનિવેશ, આહાર્ય, રૂપસજ્જા અને અભિનયની કાબેલિયત, આ બધું જ અનિવાર્ય ગણાવે. એથી જ એમનાં નાટકો એક પરફેક્ટ પ્રોડક્શન તરીકે પંકાતાં.

ભરત દવેએ એક જ ઢાંચામાં નાટકો નથી કર્યાં. અનેક પ્રયોગો હાથ ધર્યા. નાટકો ભજવવાની એમની રેન્જ ઘણી મોટી હતી. નાટકો ભજવવાનાં એમનાં સ્થળોમાં પણ ઘણું મોટું વૈવિધ્ય હતું. ‘લવ ધાય નેબર’ જેવું નાટક ઉન્નતિ વિદ્યાલયની અગાશીમાં ભજવ્યું. તો ‘લડાઈ’ જેવું નાટક ક્યાંક શૉપિંગ મૉલમાં પ્રેક્ષકોને ચોતરફ બેસાડીને ભજવ્યું. તો વળી ક્યારેક ગુજરાતી સાહિત્ય પરિષદના ઘેઘૂર લીમડા નીચે પણ ‘બરી ધ ડેડ’ જેવું યુદ્ધવિરોધી નાટક પણ ભજવે. આ નાટકની અસરકારકતા દર્શાવવા આર્મી પાસેથી જીપ ભાડે લઈ આવ્યા. આ નાટકમાં કલાકારો પાસે કબરો ખોદાવી. હૂબહૂ દૃશ્યો ઊભાં કરવાની એમની આવડત બેનમૂન હતી. તો, સાહિત્ય પરિષદના પટાંગણમાં પન્નાલાલ પટેલના માંડલી ગામનો આબેહૂબ સેટ ઊભો કરી ‘માનવીની ભવાઈ’ જેવી દીર્ઘ નવલકથા પર આધારિત નાટક બાર દિવસ સુધી ભજવ્યું. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ તેમ જ રઘુવીર ચૌધરી જેવા સાહિત્યકારો પલાંઠી વાળીને બેસીને નાટક જુએ. નિરંજન ભગત તો સુરેશ રાજડા અને ‘ગુજરાત સમાચાર’ના માલિક શ્રેયાંશ શાહને પણ લઈ આવ્યા. ભગતસાહેબ બાળસહજ ઉત્સુકતા સાથે આ નાટક જોઈને ભારે અચરજ પામ્યા હતા. તો વળી ‘હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર’ની ઢોળાવવાળી લૉનમાં સર્વેશ્વર દયાલનું ભ્રષ્ટાચારવિરોધી ‘લડાઈ’ નાટક કરાવે, તો ક્યારેક હાસ્યરસથી ભરપૂર સંગીતમઢ્યું ‘ગિલોટીનનો ગોટો’ જેવાં નાટકો ભજવે. આ નાટક લિયો ટૉલ્સ્ટૉયની વાર્તા ‘ટુ ડીઅર’ પર આધારિત હતું, જેનું નાટ્યરૂપાંતર ખુદ ભરતભાઈએ કર્યું હતું. ગંડુરાજા જેવા આજના રાજકારણીઓના વર્તન પર આધારિત આ નાટક હિન્દીમાં પણ અનુવાદિત થયું અને દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની રેપરટરીમાં પણ ભજવ્યું. અમદાવાદના ખૂબ જાણીતા કલાકાર પી. ખરસાણી પાસે અદ્ભુત કામ લીધું હતું. ખુદ પી. ખરસાણીએ ભરતભાઈની દિગ્દર્શનક્ષમતાનાં મોંફાટ વખાણ કર્યાં હતાં અને પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ રોલ ભજવ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પુરસ્કૃત ‘માનવીની ભવાઈ’ નવલકથાનું નાટ્યરૂપાંતર રઘુવીર ચૌધરી પાસે કરાવ્યું અને ભજવતા પહેલાં કલાકારોની આખી ટીમને લઈને માંડલી ગામનો પ્રવાસ પણ કરાવ્યો. નવલકથામાં આવતા પ્રસંગો સાથે જોડાયેલાં સ્થળોનું નિદર્શન કર્યું, ગ્રામ પરિવેશ નિહાળ્યો અને સેટિંગ્ઝમાં જરૂરી હતી તેવી જૂનીપુરાણી ચીજવસ્તુઓ તથા ગાડાનાં તૂટેલાં પૈડાં સાથે લઈ આવ્યાં. ગોવર્ધન પંચાલ જેવાં વયોવૃદ્ધ સેટ ડિઝાઇનર પાસે આબેહૂબ માંડલી ગામનો સેટ સાહિત્ય પરિષદના પટાંગણમાં ઊભો કરાવ્યો. આટલું ઓછું હોય તેમ પાત્રોના સંવાદની સચોટતા ઊભી કરવા માટે રઘુવીરભાઈનાં પત્ની પારુબહેનને બોલાવી રાજુ બારોટ અને દીપ્તિ જોશીને એ તળપદી ભાષા અને બોલીનો લહેકો શીખવ્યો. ૧૨ નવેમ્બરથી ૧૮ નવેમ્બર ૧૯૮૭ દરમિયાન કલાપ્રેમી પ્રત્યેક પ્રેક્ષક સાહિત્ય પરિષદને આંગણે ભજવાતા આ નાટકને જોઈને અચંબો પામતા. કવિવર ઉમાશંકર જોશી તો આ નાટક નિહાળી એટલા પ્રભાવિત થયા હતા કે ઝભ્ભાનાં બંને ખિસ્સાંમાં જેટલા રૂપિયા હતા, તે બધા જ ખર્ચ પેટે ભરતભાઈના હાથમાં મૂકી દીધા. આ ઘટના મેં નજરે નિહાળી હતી.

એક આખી નવલકથાનો નિચોડ માત્ર બે જ કલાકમાં અસરકારક રીતે રજૂ કરવો ખૂબ કઠિન કામ હતું. નવલકથામાં આવતું ખલનાયિકા માલી ડોશીનું પાત્ર જાણીતાં કલાકાર અન્નપૂર્ણા શુક્લ પાસે એવું તો આબેહૂબ કરાવ્યું કે અન્નાબહેનને લોકો કરડાકી નજરે જોતાં. મુખ્ય પાત્રો રાજુ અને કાળુના પાત્રમાં દીપ્તિ જોશી અને રાજુ બારોટને ગ્રામપરિવેશમાં ભરતભાઈએ આબેહૂબ તૈયાર કર્યાં હતા. નવલકથાનાં અન્ય પાત્રોનું આલેખન પ્રત્યેક દૃશ્યની માવજત અને નવલકથાનું મુખ્ય હાર્દ લાઇટિંગ અને ગીતસભર સંગીતની માવજત સાથે જે રીતે રજૂ થયું એ જોઈને કેટલાક ગરવા ગુજરાતીઓેએ નવલકથાની પ્રત બજારમાંથી ખરીદી લીધી હતી. કેટલાક મિત્રો તો નવલકથા વાંચીને નાટક જોવા આવતા. લેખક પ્રત્યેની નિષ્ઠા અને સમાજ સાથેની નિસબત સાથે છપ્પનિયા કાળનો દુષ્કાળ ઉપસાવવાની ભરતભાઈની કાબેલિયત એમના નાટ્યદિગ્દર્શનનો નિચોડ હતો.

ભરત દવેએ વિદેશી નાટ્યકારોનાં અનેક નાટકો ગુજરાતીમાં ભજવ્યાં છે. એની ચર્ચા ક્યારેક કરીશું. નાટકની પસંદગી વેળાએ લેખકના આંતરમનમાં જે દ્વન્દ્વ ચાલતું એને પકડતા અને કૃતિમાં રહેલી માનવીય સંવેદનાઓને નાટકની તપોભૂમિ પર તપાવતા. આ સાથે કલાકારની આંતરચેતનાને એની સાથે જોડી આપતા. આ કપરું કામ મુખ્ય પાત્રો પાસે કરાવતા. કલાકારનું પાત્ર સાથે સો ટકા ઇન્વૉલમેન્ટ ઊભું થાય એ માટે તેઓ મથ્યા રહેતા. એનું પરિણામ એ આવતું કે કલાકારનું આંતરતેજ પ્રગટી ઊઠતું અને અભિનય દીપી ઊઠતો.

ભરતભાઈ નાટકના આંતરિક પ્રવાહને પ્રગટાવતા. પાત્રોનાં મનોમંથન સંયમિત રીતે બહાર કઢાવતા અને સંવાદની સચોટતા સાથે લેખકની આભાને મંચ ઉપર પ્રગટાવતા.

ભરત દવે અતિસંવેદનશીલ દિગ્દર્શક હતા. બીજા વિશ્વયુદ્ધપૂર્વે જર્મન સરમુખત્યાર હિટલરે યહૂદી પ્રજા ઉપર જે કાળો કેર વર્તાવ્યો હતો અને ગેસ ચેમ્બર્સમાં લાખો યહૂદીઓને હોમી દીધા હતા, એ ઘટનાથી તેઓ ખૂબ દુઃખી થયા હતા. દર્શકે આ ઘટનાઓને લઈને તથા હિટલરના જીવન પર આધારિત ત્રણ ઉત્તમ નાટકો લખ્યાં હતાંઃ ‘સોદો’, ‘હેલન’ અને ‘અંતિમ અધ્યાય’. ભરતભાઈએ ત્રણે નાટકો તૈયાર કરાવવામાં ભારે જહેમત ઉઠાવી. હિટલરને સ્ટેજ ઉપર જીવંત કરવા અરવિંદ વૈદ્ય જેવા દિગ્ગજ કલાકારને પસંદ કર્યા. હિટલરની પ્રતિભા ઉપસાવવા માટે ત્રણ દિવસ સુધી મેકપનાં રિહર્સલ થયાં હતાં. અંતે અરવિંદ વૈદ્યના મેકપ સહિતના ચહેરાના ફોટોગ્રાફ્સ પડાવ્યા અને એને હિટલરની જુદી-જુદી મુખમુદ્રાઓવાળી તસવીરો સાથે સરખાવી. આમ મેકપમાં પણ ભરત દવે ખૂબ ચીકાશ કરે ... ‘પરફેક્શન’ના એ અતિ આગ્રહી. હિટલરના સમયનાં વસ્ત્રો શોધવા અમદાવાદમાં છેક ત્રણ દરવાજાથી પાંચકૂવા સુધીની અનેક જૂનાં વસ્ત્રોની દુકાનો અમે સાથે ખૂંદી વળ્યા હતા.

દર્શકનાં આ ત્રણે નાટકોમાં એક તરફ ક્રૂરતા અને બીજી તરફ માનવસહજ સંવેદનાઓની મથામણને દર્શાવવા એ કલાકારોની પાછળ મથ્યા રહેતા. અગત્યનાં પાત્રોવાળા કલાકારોને અલગ બોલાવી એક જ પાત્ર સાથે કલાકો સુધી રિહર્સલ કરાવે. હિટલરનાં અમાનવીય કરતૂતો, બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ અને યુદ્ધ દરમિયાન થતા સોદાઓને દર્શાવતાં દૃશ્યોની એ ભારે માવજત લેતા. હિટલરનાં પરાક્રમો અને એના વ્યક્તિત્વ પર જે-જે પુસ્તકો લખાયાં હતાં એ બધાં જ એમણે ફંફોસી નાંખ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધના કેટલા બધા ફોટોગ્રાફ્સ એમણે એકઠા કર્યા હતા! સંબંધિત ફિલ્મો એ પોતે તો જુએ જ અને સૌ કલાકારોને પણ દર્શાવે. આ નાટકોની ભજવણીમાં અતિશયોક્તિ પણ નહીં અને સત્યથી કશું ઓછું પણ નહીં. જૂના ફોટોગ્રાફસ આધારિત સેટ ડિઝાઇન કરે. વેશભૂષા પણ એ જ સમયની. એટલું જ નહીં. પરંતુ પ્રો. યોગેન ભટ્ટ પાસે બીજા વિશ્વયુદ્ધના સમયમાં ઉપયોગમાં લેવાતાં વાજિંત્રો આધારિત સંગીત તૈયાર કરાવ્યું હતું.

દર્શકની ઉપસ્થિતિમાં આ નાટકો સણોસરામાં ભજવ્યાં. મનુભાઈએ પૂરો સંતોષ વ્યક્ત કર્યો, એ પછી ઠેર ઠેર એના શો કર્યા. નાટક પ્રત્યેનો લગાવ, લેખક પ્રત્યેની વફાદારી, કલાની રજૂઆતનું નાવીન્ય અને પ્રેક્ષકોમાં રસરુચિ કેળવવાની આવી આંતરસૂઝ ભરત દવેમાં અખૂટ હતી. આ નાટકો થકી પ્રેક્ષકોને તત્કાલીન કાલપ્રવાહમાં રસતરબોળ કરવા અને એમની રસરુચિને એક ઊંચા સ્તર સુધી લઈ જઈ શિક્ષિત કરવાનો ઉદ્દેશ રહેલો હતો.

દરેક નાટકની ભજવણી પહેલાં ભરતભાઈ પ્રસૂતિ જેટલી જ પીડા અનુભવતા. એક દિગ્દર્શક તરીકે એમને સંતોષ ન થાય ત્યાં સુધી નાટક મંચસ્થ ન થતું.

નાટક પ્રત્યેનો આ કર્મઠ ભાવ અને દિગ્દર્શક તરીકેની કોઠાસૂઝ શોધવા હવે ક્યાં જઈશું? ભરતભાઈ નખશિખ એક કલાકાર હતા. તેમનું દિગ્દર્શન અને લેખન જોતાં કહી શકાય કે તેઓ મુંબઈગરા ગુજરાતી નાટકોથી અલગ ચીલો ચાતરી અવેતન રંગભૂમિના કર્ણધાર રંગકર્મી હતા.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 08-09

Category :- Opinion / Opinion