કવીશ્વર દલપતરામ અને બુદ્ધિપ્રકાશ

દીપક મહેતા
31-05-2021

‘અમારા વાચનારાઓને બહુ ખુશીથી ખબર આપીયે છિયે જે કવેશ્વર દલપતરામ ડાહ્યાભાઈને વરનાક્યુલર સોસાયટીનાં આશીશ્ટેંટ સેક્રીટેરી તથા બુદ્ધિપ્રકાશ ચોપાનીયાના એડીટર ઠરાવા છે.' બુદ્ધિપ્રકાશ જુન ૧૮૫૬ (અહીં અને હવે પછી અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

‘એમની આંખે હરકત થવાથી રાજીનામું મોકલી ગુ.વ. સોસાયાટીના આસિષ્ટંટ સેક્રેટરીની નોકરી તથા આ બુદ્ધિપ્રકાશ ચલાવવાનું કામ છોડી દીધું તે હું ખેદ સહીત જાહેર કરું છુ.’ બુદ્ધિપ્રકાશ માર્ચ ૧૮૭૯

એટલે કે બુદ્ધિપ્રકાશ અને સોસાયટી સાથેનો દલપતરામનો સંબંધ લગભગ ૨૩ વરસનો. અલબત્ત, આ સમયગાળામાં એક યા બીજા કારણસર તેમની જવાબદારી બીજા કોઈએ કામચલાઉ ધોરણે સંભાળી હોય એવું બન્યું છે. ૧૮૫૯ના એપ્રિલની પહેલી તારીખથી આઠ મહિનાની રજા લઈને આંખની તકલીફની સારવાર કરાવવા દલપતરામ મુંબઈ ગયા તે દરમ્યાન આસિસ્ટન્ટ સેક્રેટરી તથા ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે રણછોડભાઈ ઉદયરામે જવાબદારી સંભાળી હતી. ૧૮૬૩માં ફાર્બસે દલપતરામને મુંબઈ બોલાવ્યા એટલે ૧૩મી એપ્રિલથી બે મહિના માટે રજા લઈને દલપતરામ મુંબઈ ગયા હતા. એ વખતે બુદ્ધિપ્રકાશના મે ૧૮૬૩ના અંકમાં આ નોંધ છપાઈ છે : ‘બુદ્ધિપ્રકાશના અધિપતિનું હમણાં બે મહિનાની રજા લેઈ મુંબઈ જવું થવાથી આ ચોપાનિયું લખવાનું કામ બીજા એક શખ્સને સોંપવામાં આવ્યું છે … બીજું, ચોપાનિયાના પુંઠાનાં કાગળો અગાઉથી એક તરફ છપાવી મુક્યા છે, તેથી અંગ્રેજી જાહેરખબરમાં ફેરફાર કરી શકાતો નથી.’ ફાર્બસ અને કર્ટીસની સલાહની અવગણના કરીને દલપતરામે સોસાયટીની નોકરીમાંથી રાજીનામું આપીને શેર બજારમાં ઝંપલાવ્યું ત્યારે વ્રજલાલ શાસ્ત્રીની આસિસ્ટન્ટ સેક્રેટરી અને બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે નિમણૂક થઈ હતી. પણ પછી શેર બજાર ભાંગ્યું અને દલપતરામને મોટી ખોટ ગઈ તે ભરપાઈ કરવાની વ્યવસ્થા તો ફાર્બસે કરી જ પણ સાથોસાથ દલપતરામને ફરી નોકરીએ રાખવા કર્ટીસને આગ્રહ કર્યો, અને તેથી દલપતરામ સોસાયટીમાં ફરી જોડાયા. બુદ્ધિપ્રકાશના ઓગસ્ટ ૧૮૬૬ના અંકમાં દલપતરામની સહીથી આ પ્રમાણેની ‘સુચના’ છપાઈ છે : ‘તા. ૯ જુલાઈથી વ્રજલાલ શાસ્ત્રીને બીજું કામ સોંપ્યું છે, અને આસીસ્ટંટ શેક્રેટરીનો ચાર્જ મેં લીધો છે.’

દલપતરામ જોડાયા તે પહેલાં સોસાયટી તરફથી ૧૮૪૯ના મે મહિનાની બીજી તારીખથી ‘વરતમાંન’ નામનું અઠવાડિક શરૂ થયું હતું અને અગાઉ વિદ્યોત્તેજક સભાએ ૧૮૫૦માં શરૂ કરેલું બુદ્ધિપ્રકાશ માસિક ૧૮૫૪ના માર્ચથી સોસાયટીએ પોતાને હસ્તક લીધુ હતું. એ વખતે દલપતરામ સોસાયટી સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા એટલે આ બંને શરૂ કરવામાં તેમનો ફાળો નહિવત. બલકે બુદ્ધિપ્રકાશના નવાવતાર વખતે દલપતરામ અમદાવાદમાં જ નહોતા.  ૧૮૫૩ના ઓક્ટોબરમાં ફાર્બસની ભલામણથી તેઓ સાદરાના પોલિટિકલ એજન્ટની સરકારી નોકરીમાં જોડાયા હતા. પણ આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા પછી ૧૮૫૫ના જુલાઈ અંકથી દલપતરામ બુદ્ધિપ્રકાશના તંત્રી બન્યા. એ અંકના પહેલા પાના પર છપાયેલા નિવેદનમાં દલપતરામે લખ્યું : ‘હવેથી સોસાઈટી તરફથી બુદ્ધિપ્રકાશ ચોપાનીયાં(માં) જે છપાશે તેમાં કેટલાએક વિષય મારા બનાવેલા હશે. તો મારી મહેનત સાંમું જોઈને મહેરબાની કરીનેં આ ચોપાનીયું ખુબ દિલ લગાડીનેં તમારે વાંચવું. નેં બીજાઓને વાંચી સંભળાવવું ને જે રીતે એ ચોપાનીયાંનો વધારે ફેલાવ થાય, એ રીતે કરવામાં મેહેનત લેવી જોઈએ, કે જેથી આપણા દેશનું કલ્યાણ થાય. લોકોની બુદ્ધિનો વધારો થાય. એ કામ મોટા પરોપકારનું છે.’

તે પછી તેમણે વાચકો માટે છ સૂચના લખી છે તેમાં પાંચમી આ પ્રમાણે છે : 'આ ચોપાનીયામાં કોઈ વખત ઘણી સારામાં સારી વાત તમને પસંદ પડે એવી છપાય ત્યારે તમારે અમને લખી જણાવવું. કે જેથી અમને માલમ પડે કે આવી વાતો વાંચવાથી તમો ખુશી છો તો પછી તેવી બાબતો વીશેષ લખીશું. જે તે બાબત તમને મુદ્દલ પસંદ ન પડે તો તે પણ લખી જણાવશો તો તે વીશે વીચાર કરીશું.’ પત્રકારત્વનો અગાઉનો અનુભવ ન હોવા છતાં આપસૂઝથી આ વાક્યો લખાયાં છે. અખબાર કે સામાયિકના વાચકને ભાગીદાર બનાવવાની જરૂર આજના કરતાં પણ નવયુગના મંડાણના એ જમાનામાં ઘણી વધારે હતી, અને એ વાત દલપતરામે સ્વીકારી અને જાહેર કરી હતી.

દલપતરામ જોડાયા તે પહેલાંના બુદ્ધિપ્રકાશના અંકો જોતાં જણાય છે કે ખાસ કોઈ ફોકસ વગર તેમાં લખાણો છપાતાં હતાં. તેમાં જે છપાતું તેને બાંધે ભારે નવી માહિતી આપનારાં લખાણ કહી શકીએ. જ્યારે દલપતરામે પોતાના તંત્રીપણા નીચેના પહેલા જ અંકથી બુદ્ધિપ્રકાશને એક ફોકસ આપ્યું. જુલાઈ ૧૮૫૫ના અંકમાં જ ‘ચોપાનીયું વાંચવાથી ફાયદા વીશે’ નામના લેખમાં લખે છે : ‘સ્વદેશનો સુધારો થવાનો ઊપાય આવાં ચોપાનીયાં પ્રગટ કરવાં એથી જ મળી આવશે. દેશનો સુધારો એટલે એ કે જેવા વિલાયતના લોકો વિદ્યા તથા હુનરમાં કુશલ છે, ને એક સંપથી મળીને હરેક કામ કરે છે, તેમ જ આપણા દેશના રાજા તથા પ્રજા એવા સુધરેલા થાય, ને આબરૂ, ધન તથા વિદ્યાનો વધારો કરીને તેનો ઊપભોગ સારી રીતે કરે એવું થાય એનું નામ સુધારો કહેવાય.’ દલપતરામની સુધારાની આ વ્યાખ્યા પુસ્તકિયા નથી પણ વ્યવહારિક છે. સુધારો એ મુખ્ય ઉદ્દેશ. તેની સીડીનાં પગથિયાં ત્રણ : વિદ્યા, હુન્નર, અને સંપ. અને તે માટેનો આદર્શ તે વિલાયતના લોકો. અને સુધારાની જરૂર માત્ર લોકોને જ નથી, ‘આપણા દેશના રાજા’ને પણ છે. અહીં દલપતરામને દેશી રાજ્યોના રાજવીઓ અભિપ્રેત હશે તેમ માની શકાય. પરિણામે બુદ્ધિપ્રકાશના સંપાદનમાં પણ સુધારો કેન્દ્રમાં, અને તેની આસપાસનાં ત્રણ વર્તુળ તે વિદ્યા, હુન્નર, અને સંપ. અને આ માટે આદર્શ વિલાયતના લોકો. એ જ અંકમાં દલપતરામ વણમાગી કબૂલાત આપે છે : ‘આપણા દેશના સુધારા વિશે મહારા તનમનધનથી હું ખુબ મેહેનત લેવા ચાહું છુ.’

અને પછીના વરસોમાં દલપતરામે બુદ્ધિપ્રકાશને અજવાળવા ખરેખર ખૂબ મહેનત કરી છે. ખૂણેખાંચરેથી એ જમાનામાં માહિતી એકઠી કરીને વાચકો સામે મૂકી છે. અને એ માહિતી, કે સુધારાની વાત, બને તેટલી આકર્ષક રીતે, મનોરંજક રીતે પોતાનાં અને બીજાનાં લખાણો દ્વારા રજૂ કરી છે. વાચકોના મનોરંજન માટેનાં તેમના હાથમાં લેખો ઉપરાંત બીજાં બે સાધન : કવિતા અને વારતા. કવિતા મોટે ભાગે પોતે રચેલી. મધ્યકાલીન પરંપરાને અનુસરીને છેલ્લી પંક્તિમાં પોતાના નામની છાપ મૂકતા એટલે ઓળખવી સહેલ. પણ એ જમાનાનાં બીજાં સામયિકોની જેમ બુદ્ધિપ્રકાશમાં પણ ઘણાં લખાણો – ખાસ કરીને ગદ્યલખાણો – લેખકના નામ વગર છપાતાં. એટલે એ કોનાં લખેલાં એ આજે કળવું મુશ્કેલ. પણ જેને આપણે ભલે ટૂંકી વાર્તા ન કહીએ, પણ તેની પ્રોટોટાઈપ તો કહી જ શકીએ એવી ઘણી કૃતિઓ ૧૯મી સદીના બુદ્ધિપ્રકાશના અંકોમાં જોવા મળે જ છે, અને તે બધી નહિ તો તેમાંની ઘણી દલપતરામે લખેલી છે. પણ આમ ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? કારણ આવી વારતાઓ માટે દલપતરામે જે ઘાટ અપનાવ્યો છે તેમાં આરંભે અને અંતે પદ્યની પંક્તિઓ મૂકે છે, અને અંતની પંક્તિમાં પોતાના નામની છાપ મૂકે છે. એટલે આવી વારતાઓનું કર્તૃત્ત્વ તો દલપતરામનું જ એ સિદ્ધ થાય છે.

દલપતરામની મુખ્ય ઓળખાણ કવીશ્વર તરીકેની. એટલે તેમનાં ગદ્ય લખાણો તરફ થોડું ઓછું ધ્યાન અપાયું છે. વળી તેમની કવિતાનો સંગ્રહ દલપતકાવ્ય (ભાગ ૧, ૧૮૭૯) દલપતરામની હયાતીમાં પ્રગટ થયો. ભલે આંખની તકલીફને કારણે તેમણે પોતે સંપાદન ન કર્યું, પણ તેમની રોજિંદી દેખરેખ નીચે સંપાદનનું કામ તેમના અંતેવાસી બુલાખીદાસ કાળીદાસે કર્યું. કવિ નાનાલાલ કહે છે : ‘બુલાખીદાસ એટલે પ્રજ્ઞાચક્ષુ દલપતવ્યાસજીના લહિયા ગણેશજી … દલપતરામના ઘરનું મુનીમનું રીતનું કામકાજ કરતાં, ને ઘરનાં અંગ જેવા હતા. બુલાખીદાસ એટલે જાણે અમારા છઠ્ઠા ભાઈ. બાર વર્ષના હતા ત્યારથી દલપતરામ કને રહ્યા હતા.’ (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ) પરિણામે, દલપતકાવ્યમાં કવીશ્વરની ઘણીખરી કાવ્યકૃતિઓ સમાવી લેવાઈ છે. અલબત્ત, બુદ્ધિપ્રકાશના અંકો ફંફોસતાં બીજાં થોડાં કાવ્યો પણ મળી આવે ખરાં.

દલપતકાવ્યના પહેલા ભાગની શરૂઆતમાં મૂકાયેલા દલપતરામના લખાણમાં એક વાક્ય આ પણ જોવા મળે છે : ‘સન ૧૮૫૪થી બુદ્ધિપ્રકાશ ચોપાનીઊં પ્રગટ થયું ત્યારથી આજ સુધીમાં મારું લખાણ તેમાં ઘણું છે.’ અહીં ‘લખાણ’ શબ્દથી તેમને ‘ગદ્યલખાણ’ અભિપ્રેત હોવાનો પૂરો સંભવ છે. પણ આજ સુધી દલપતરામનાં આવાં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થયેલાં ગદ્ય લખાણો તરફ નથી ઝાઝું ધ્યાન અપાયું કે નથી તે ગ્રંથસ્થ થયાં. ઈ.સ. ૨૦૦૦માં પ્રગટ થયેલ દલપત ગ્રંથાવલિના બીજા ભાગમાં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થયેલી છ લેખમાળા અને થોડાક છૂટક લેખો સમાવ્યા છે, પણ હજી ઘણું વધારે ગદ્યલખાણ ગ્રંથસ્થ થવાની રાહ જોઈ રહ્યું છે. આવી કેટલીક લેખમાળા :

૧. રાસમાળાની વાત : ૧૮૫૮-૧૮૫૯ (૧૨ હપ્તા)

૨. રામદાસ શેઠની મુસાફરી ૧૮૬૭ (૭ હપ્તા) કાલ્પનિક નાયક રામદાસની દેશનાં કેટલાંક જાણીતાં સ્થળોની મુલાકાત.

૪. માથેરાનની મુસાફરી : ૧૮૭૦ (૨ હપ્તા. આ જ વરસે મે મહિનામાં મંગળદાસ નથુભાઈના આમંત્રણથી કવીશ્વર અમદાવાદથી માથેરાન ગયા હતા.)

૫. કાવ્યતરંગ (ગદ્ય-પદ્ય મિશ્રણ) ૧૮૭૪-૧૮૭૬ (૨૧ હપ્તા)

આ ઉપરાંત બીજાં ઘણાં છૂટક ગદ્ય લખાણો છે – જેમ કે મુંબઈ અને વડોદરા વિશેના લેખ – જે   આજ સુધી ગ્રંથસ્થ થયા નથી. આપણે કવીશ્વરની દ્વિશતાબ્દી તો રંગેચંગે ઊજવી, પણ તેમનું સાચું તર્પણ કરવું હોય તો બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થયેલાં તેમનાં બધાં ગદ્ય લખાણો વહેલી તકે ગ્રંથસ્થ કરી લેવાં જોઈએ.

બુદ્ધિપ્રકાશના જે અંકમાં (માર્ચ ૧૮૭૯) દલપતરામના રાજીનામાની જાહેરાત હતી એ જ અંકમાં સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી અને બુદ્ધિપ્રકાશના તંત્રીની જગ્યા માટેની જાહેર ખબર પણ ઓનરરી સેક્રેટરી મહીપતરામ રૂપરામની સહીથી છપાઈ હતી. તેમાં લખ્યું હતું : ‘અરજ કરનાર ઉમેદવારને ઇન્ગ્રેજી ભાષાનું તથા શુદ્ધ ગુજરાતી ભાષાનું સારૂં જ્ઞાન હોવું જોઈએ. અને તેની જોડે જેને સંસ્કૃત ભાષા આવડતી હશે તેણે નિમાવાની વધારે આશા રાખવી. વિદ્વત્તાની તથા સારી ચાલની ખાતરી કરવી પડશે. હરકોઈ સાધારણ ઇન્ગ્રેજી પુસ્તકનું શુદ્ધ ગુજરાતીમાં ભાષાંતર કરતાં કે તેનો સાર શુદ્ધ ગુજરાતીમાં લખતાં તથા બુદ્ધિપ્રકાશને માટે વિષયો લખતાં તથા નિબંધો રચતાં ઉમેદવારને આવડવું જોઈએ.’ આ જગ્યાએ ફૂલ ટાઈમ કામ કરે તો પગાર મહીને પચાસ રૂપિયા અને પાર્ટ ટાઈમના ૩૦ રૂપિયા! પણ આવી વ્યક્તિ લાંબા સમય સુધી મળી નહિ હોય તેમ લાગે છે કારણ આ જાહેર ખબર છપાયા પછી ઘણા વખત સુધી બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે કોઈનું નામ છપાયેલું જોવા મળતું નથી.

૧૮૯૮ના માર્ચની ૨૫મી તારીખે દલપતરામનું અવસાન થયું તે અંગેની નોંધ બુદ્ધિપ્રકાશના મે ૧૮૯૮ના અંકના ચોથા કવર પર છપાઈ છે તેમાં બીજી વિગતો ઉપરાંત લખ્યું છે : ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને અને આ ચોપાનીયાને જન્મ આપી તેનો ઉત્કર્ષ કરનાર તે જ ગૃહસ્થ હતા. માટે તેમના સ્વર્ગવાસથી ગુજરાતને ઘણી રીતની ખોટ પડી છે. આ ચોપાનીયું છપાઈ રહ્યા પછી આ ખબર મળવાથી તેમના વિષે સવિસ્તર હકીકત આવતા અંકમાં આપવામાં આવશે.’ જૂન અંકમાં જીવરામ અજરામરગોર તથા બાઈ એસ્તર ખીમચંદનાં અંજલી કાવ્યો છાપ્યાં છે, પણ અગાઉની જાહેરાત પ્રમાણે ‘સવિસ્તર હકીકત’ જોવા મળતી નથી. માત્ર ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી.આઈ.ઈ. સ્મારક ફંડ’ સ્થાપવા માટે ૧૩મી એપ્રિલે મળેલી સોસાયટીની જનરલ સભાનો અહેવાલ છાપ્યો છે. આ અંકમાં સોસાયટીના કોઈ હોદ્દેદારે અંજલી આપી નથી એ જોઈ થોડી નવાઈ લાગે.

શરૂઆઅતથી લિથોગ્રાફ પ્રેસમાં છપાતું બુદ્ધિપ્રકાશ દસ વરસ પછી મુવેબલ ટાઈપ વાપરીને છપાતું થયું તે પણ દલપતરામને પ્રતાપે. ૧૮૪૫ પહેલાં તો અમદાવાદમાં એક પણ છાપખાનું નહોતું. એટલું જ નહિ, ૧૮૬૪ સુધી જેટલાં છાપખાનાં હતાં તે બધાં લિથોગ્રાફ હતાં. ૧૮૬૩ની મુંબઈની મુલાકાત દરમ્યાન દલપતરામ દફતર આશકારા પ્રેસના માલિક બેહરામજી ફરદુનજી મર્ઝબાનને મળ્યા હતા. બેહરામજીએ કહ્યું કે અમદાવાદ જેવા શહેરમાં મુવેબલ ટાઈપ વાપરતું એકે છાપખાનું નથી એ શરમાવા જેવી વાત છે. તમારી સોસાયટી દ્વારા અથવા બીજી ગમે તે રીતે તમારે આવું છાપખાનું શરૂ કરવું જોઈએ. દલપતરામ, રણછોડલાલ હીરાચંદ, કેવળદાસ દેવકરણદાસ, અને જીવણલાલ માણેકચંદ એ ચાર ભાગીદારોએ પાંચ હજાર રૂપિયાના ખર્ચે મુંબઈથી માલસામાન મગાવીને મુવેબલ ટાઈપ વાપરતું પ્રેસ શરૂ કર્યું. આ પ્રકારનું અમદાવાદનું એ પહેલું પ્રેસ. શરૂઆતમાં તેનું નામ ‘અમદાવાદ યુનાઈટેડ પ્રેસ કંપની’ રાખવામાં આવ્યું. પછીથી બદલીને ‘યુનાઈટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સી’ રાખવામાં આવ્યું. એ વખતે ભાગીદારોની સંખ્યા વધારીને ૧૮ની કરવામાં આવી. દરેક નવા ભાગીદારે એક-એક હજાર રૂપિયા રોક્યા હતા. તેમાંના કેટલાક ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નોકરિયાતો હતા. ૧૮૬૪ના જાન્યુઆરી અંકથી ‘બુદ્ધિપ્રકાશ’ આ નવા પ્રેસમાં છપાવા લાગ્યું. દલપતરામની નિવૃત્તિ પછી પણ ઘણાં વરસ આ જ પ્રેસમાં બુદ્ધિપ્રકાશ છપાતું રહ્યું. આમ, બુદ્ધિપ્રકાશના બાહ્ય કલેવરના રૂપાંતરમાં પણ દલપતરામનો મહત્ત્વનો ફાળો.

આ બધાંને પરિણામે એક જમાનામાં બુદ્ધિપ્રકાશ અને દલપતરામ જાણે કે એકબીજાના પર્યાય જેવા બની ગયા હતા.

xxx xxx xxx

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kala Nagar, Bandra (East), Mumbai 400 051

Email: [email protected]

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, મે 2021

Category :- Opinion / Literature