શુદ્ધ ખરખરો

નારાયણ દેસાઈ
19-05-2021

એ વખતના આઝાદીની લડતના આગેવાનો - મૌલાના મહમદઅલી અને મૌલાના શૌકતઅલી એક વેળા અમદાવાદની મુલાકાતે આવ્યા. સાલ હશે 1923.

તેમની એક લાંબી મુલાકાત મહાદેવભાઈ 04-11-‘23ના नवजीवनમાં છાપે છે. તેમના જેલના અનુભવોમાં ‘મ્હાવા’ નામના એક ગુનેગાર કેદીનું ચિત્રણ તો ભલભલા પથરાને પીગળાવે તેવું છે :

‘એક ‘મ્હાવો’ કરીને ભંગી ફાંસીની સજા ખાઈને આવ્યો હતો. તેનો કિસ્સો કહેતાં મૌલાના અપાર આવેશમાં આવી જાય છે અને સામાની ઉપર પણ અજબ અસર પાડે છે. મ્હાવો બિચારો એક વાર નશામાં ચકચૂર થઈ પોતાની ગર્ભવતી સ્ત્રીનું ખૂન કરીને આવ્યો હતો. સજા પછી અપીલ વગેરે થયા પછી ફાંસીનો દિવસ નક્કી થઈ ચૂક્યો હતો. અને આ ફાની દુનિયા ઉપર રહેવા વિશે તેણે હાથ ધોઈ નાખ્યા હતા. મૌલાનાની પાસે પાસે જ તેની ખોલી હતી. તેનો મૌલાના સાથે પ્રસંગ પડતાં મૌલાનાએ આખી વાત તેને પૂછી. મૌલાના કહે છે કે સાચા પશ્ચાતાપથી તેણે બધી વાત મારી આગળ કરીને જણાવ્યું કે, ‘મને સજા થઈ છે તે વાજબી થઈ છે, હવે તો જેટલી ઘડી રહી છે તેટલી ઘડી કિરતારનું ભજન કરવામાં મજા છે.’ એક દિવસ રાત્રે પાસેથી નાચવાનો અને ગાવાનો અવાજ આવ્યો. પેલા ભાઈ કિરતારના ભજનમાં ગુલતાન થઈ નાચતાં નાચતાં ગાતા હતા :

’કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજનકે ઘર જાના હોગા;
માટી બિછાના, માટી ઓઢાના,
માટી કા સિરહાના હોગા.’

આ પ્રસંગ કહેતાં મૌલાનાની આંખમાં પાણી આવી ગયાં. આ રાત પેલાની ફાંસીએ જવાની આગલી રાત હતી. ફાંસીનો હુકમ મળ્યો કે બહાદુરની માફક નીકળ્યો, જે માંચડા ઉપર જઈને ફાંસી લેવી પડે છે તેના ઉપર દોડતો દોડતો હસતો હસતો ચડ્યો, માથા ઉપર ફાંસી ખાનારની ટોપી પહેરાવવામાં આવતાં જ પોકાર કર્યો, ‘મહાત્મા ગાંધી કી જે,’ − આખી જેલમાં કેદીઓએ પડઘો આપ્યો : ‘મહાત્મા ગાંધી કી જે.’ − બીજો પોકાર કર્યો ‘શોકતઅલી બાપુ કી જે’ − મૌલાના રાજકોટમાં શૌકતઅલી બાપુ કહેવાતા. પછી ‘રામ’, ‘રામ’, ‘રામ’; ચોથે રામે તેનું ધડ મસ્તકથી જુદું થઈ ગયું હતું. બધા કેદીઓએ આવીને આ ઘટનાનું વર્ણન આપતાં મૌલાનાને કહ્યું, ‘છેલ્લાં પંદર-વીસ વર્ષમાં આવું મરણ જોયું નથી.’ સુપરિન્ટેન્ડેન્ટે પણ કહ્યું, ‘આવું બહાદુર મરણ કદી નથી જોયું.’ સુપરિન્ટેન્ડેન્ટે આશ્ચર્યથી પૂછ્યું, − ‘આવા ભંગીને પણ મહાત્માં ગાંધી સાથે શું લેવાદેવા છે ?’ મૌલાનાઓ જવાબ આપ્યો, ‘કારણ, આવતો અવતાર આપે તો ઈશ્વર મને ઢેડભંગીનો અવતાર આપજે એમ કહેનાર દુનિયામાં મહાત્મા ગાંધી એકલા છે.’

એક દિવસમાં ત્રણ વાર આ કિસ્સો મૌલાનાએ કહી સંભળાવ્યો અને કહ્યું, ‘મહાત્માં ગાંધીને પ્રથમ મારું શિર ઝૂકે છે, તે પછી મારું શિર પેલા બહાદુર મ્હાવાને પણ ઝૂકે છે. આવી રીતે હથેળીમાં માથું લઈને ફરતાં આવડવું જોઈએ. થોડા માણસ આવા નીકળે તો આપણો ઉદ્ધાર ચોક્કસ છે. મ્હાવામાં પોતાના અપરાધ માટે શુદ્ધ ખરખરો હતો, ખુદાનો બરોબર ડર હતો અને મરતાં ખુદાની આંખ તેણે જોઈ હતી. એટલે જ તે ગાતો હતો અને નાચતો હતો, એટલે જ તેને મરણ મીઠી નિદ્રામાં પડવા જેવું લાગ્યું.’

[‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, પૃ. 308-9]

Category :- Gandhiana