કવિતા વિલાપ

રેખા સિંધલ
19-05-2021

હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રાજ્યમાં શબવાહિની ગંગા

કોરોનાથી ઘવાયેલી લોહિયાળ મર્દાનગીને ઢંઢોળવા કવયિત્રી પારુલ ખખ્ખર જ્યારે હૈયાફાટ સંવેદનશીલતા સાથે કાવ્યરૂપે ચીખી ઊઠી છે, ત્યારે આ વિશ્વવ્યાપી વેદનાનો કંપ હ્રદયને થરથરાવી રહ્યો. મડદાં ઊભાં થઈ જાય એવો આ ચાબખો કાવ્ય દ્વારા એકી સાથે અનેકને ઢંઢોળશે એવી તો કદાચ કવયિત્રીને પણ કલ્પના નહીં હોય. કાવ્યમાં આલેખાયેલું નગ્ન સત્ય જીરવવું કેટલાંક માટે અસહ્ય થઈ પડ્યું અને કવયિત્રીની આ ધારદાર સહજ અભિવ્યક્તિ રાજકીય હથિયાર બની ગઈ. પ્રતિભાવોના જે પૂર અચાનક ઊમટ્યા તે પણ વિસ્મયકારક ઘટના છે. અભિવ્યક્તિની રૂંધામણનો આ વિસ્ફોટ ઘણાને ડરથી થરથરાવી ગયો તો ઘણાને અનુકંપાથી! આ ઊહાપોહની કવયિત્રી પર શી અસર થઈ છે તે એના શબ્દોમાં જાણવાની ઉત્કંઠા થાય છે. બાબુ સુથારે ફેસબુક પરની એક પોસ્ટમાં વિચારદારિદ્રયની વાત કરી છે. પારુલ ખખ્ખરની કવિતાના પ્રતિભાવોમાં આ દારિદ્રય સ્પષ્ટ થાય છે.

આ રચનામાં રાજા અને પ્રજા બંને પર ચાબુક વિંઝાયો છે. નાગો રાજા અને નામર્દ પ્રજા વચ્ચે ડૂબતી આશાના કરુણાજનક વિલાપની કથા અને વ્યથા આ કાવ્યમાં છે. દરેક પંક્તિએ છલકાતી અસહ્ય વેદનાથી વિચલિત થયેલાં કેટલાં ય લોકોનું ધ્યાન કાવ્ય કરતાં ય વધુ કવયિત્રીની સંવેદનાની ધાર બુઠ્ઠી કરવા તરફ કેંદ્રિત થયું, તે તો હદની ય હદ થઈ. શાસકો સામે બકરી થઈ બેઠેલા લોકો એક ભાવુક સ્ત્રી સામે વાઘ થવા નીકળ્યા છે. પોતાનું ઘર ચલાવવામાં નિષ્ફળ ગયેલા જ્યારે દેશ ચલાવતા હોય, ત્યારે અંધેર હોવાની નવાઈ નથી. આ અંધેરમાં કઠોરતા અને મક્કમતા વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો જણાય છે. બે વિરોધી પક્ષોમાં આવેશમય પ્રશંસા અને ટીકાઓ દ્વારા જે વિવાદ સર્જાર્યો તેમાં સર્જકને કે એના સર્જનને સમજવાના પ્રયત્નની ઊણપ જણાય છે. કોઈ પારુલની હિંમતને દાદ આપે છે, ત્યારે મને પ્રશ્ન થાય છે કે વેદનાની ધારદાર સહજ અભિવ્યક્તિ માટે શું હિંમત કેળવવી પડે? આ કે આવાં કોઈ કાવ્યને પ્રગટ કરવા માટે હિંમત કે મંજૂરીની જરૂર પડે એ સ્થિતિ જ લોકશાહી ખતરામાં છે તે સૂચવે છે. કાવ્ય દ્વારા પડેલી વ્યાપક અસરની રાજકીય ચર્ચામાં જોડાયા વગર પરિસ્થિતિને સમજી શકવાની ક્ષમતાનો અભાવ ભાવકોમાં પણ વર્તાય છે.

પારુલ  જ નહીં હજારો લોકોના વાણી સ્વાતંત્ર્ય ઝૂંટવી લેવાયાં છે. એમાં સાહિત્યકારો પણ છે જેઓ દંડ નહીં તો દામ, શામ કે ભેદથી હારી ચૂક્યા છે. શાસકોની શરણાગતિ સ્વીકારી લીધી હોય તેવા લોકો પાસે સહકારની અપેક્ષા વ્યર્થ છે. ગુલામી માનસ ધરાવતી ભારતની પ્રજા લોકશાહીને લાયક નથી એમ માનનારા પણ છે. અનેક વાડાઓમાં વહેંચાયેલાં જૂથોના અંદરોઅંદરના કુસંપનો દોષ આપણે શાસકો પર નાખી શકીએ નહીં. રાજકારણીઓ આવી પરિસ્થિતિ સુધારવાને બદલે લાભ કે ગેરલાભ લે તે વાત અલગ છે. નાગરિક તરીકેની આપણી ફરજોમાંથી ચ્યૂત થઈ આપણે હકો માંગવા ઝંડા લઈને નીકળી પડીએ છીએ.

પારુલ ખખ્ખરે ‘હોય મરદ તો આવી બોલો’ પંકતિમાં પ્રજા સામે પણ પડકાર ફેંક્યો છે. નાગરિક તરીકે આપણે આપણા દોષો જોતા ક્યારે શીખીશું? અન્યના દોષો જોવા ટેવાયેલી આપણી દ્રષ્ટિ ચીંથરેહાલ પ્રજાની આસપાસ વીંટળાઈને પડેલા પ્રશ્નો તરફ ફરશે ખરી?  વિચારદારિદ્રયમાં કદાચ રાજા અને પ્રજા બંને સરખા છે. આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા બેસીએ છીએ ત્યાં સુધીમાં તો કેટલું ય ભસ્મીભૂત થઈ ચૂક્યું હોય છે. વાણી સ્વાતંત્ર્ય પરનો ખતરો કંઈ આજકાલનો નથી. કોરોનાને કારણે સત્યનો સામનો કરવાની ફરજ પડી એટલે લોકો વધારે આકુળ વ્યાકુળ થઈ ઊઠ્યા. કેટલીકવાર સામૂહિક પ્રશ્નોને પણ આપણે વ્યક્તિગત ધોરણે જ મૂલવીએ છીએ. વાકચાતૂર્ય ધરાવતા કોઈ નેતા વિષેની આપણી માન્યતાઓ સાચી છે કે જૂઠી તે ચકાસ્યા વગર વિરોધ કે તરફેણ કરતા હોઈએ છીએ. મતદાનમાં પણ જૂથવાદ અને જ્ઞાતિવાદ ભાગ ભજવે છે. દેશ કે રાજ્યના હિતમાં સૌનું હિત જોનારા કેટલા? ઊંચનીચના ભેદનું વિષ તો કેન્સરની જેમ આખા વિશ્વમાં ફેલાયેલું છે. ભારત એમાંથી કેમ બાકાત રહે? પાયાની આ નબળાઈઓ દૂર કર્યા વગરની પ્રગતિ પત્તાના મહેલ જેવી પૂરવાર થાય તો નવાઈ નથી.

પારુલ ખખ્ખરની રચનાથી જાગીને ખળભળી ઊઠેલો વર્ગ ફરીથી ઘેનમાં સરી ન જાય અને પ્રજામાં હિંમત અને જુસ્સો પ્રેરતો રહે તે આશા સાથે સત્યમેવ જયતે!  

e.mail : [email protected]

Category :- Opinion / Literature