ધૂંધળા કેડા પર મશાલ લઈને ઊભો છું : વિપુલ કલ્યાણી

સોનલ પરીખ
16-05-2021

‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકોને ‘લંડન કૉલિંગ’ કૉલમ અને એના લેખક વિપુલ કલ્યાણી જરૂર યાદ હશે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, શિક્ષકો અને પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં-કરાવ્યાં છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.

••••••

‘હું જન્મ્યો આફ્રિકામાં. મોટો થયો ઢેબરભાઈવાળા ગુજરાતમાં અને ગાંધી-વિનોબાના ભારતમાં. ભણ્યો મુંબઈની વિલ્સન કૉલેજમાં. યુનિવર્સિટીમાં એમ.એ. કરતો ત્યારે ઉષાબહેન મહેતા અને આલુબહેન દસ્તૂર મારાં શિક્ષકો હતાં. મણિભવન, ભારતીય વિદ્યાભવન અને ફાર્બસમાં અવરજવર. ચોપાટીની જાહેરસભાઓ, બેઠકોમાં જાઉં. રાજાજી જોડે સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાનસાહેબને લેવા એરપોર્ટ પણ ગયો હતો. 60-70ના એ દાયકાઓ કોઈ પણ મુંબઈગરા માટે ગોલ્ડન પિરિયડ સમા હતા. મોટા પત્રકારો-તંત્રીઓ-લેખકો અને દિગ્ગજ નેતાઓ ત્યારે પાક્યા હતા. એમાં પાછી કૉલેજમાં મને પ્રખર સ્વાતંત્ર્યસૈનિકની દીકરી કુંજ મળી ને અમે પરણ્યાં. આમ મનની માટી એવી તૈયાર થતી આવી કે કંઈ ન નીપજે તો જ નવાઈ.’

‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે વિપુલ કલ્યાણી અને એમની કલમ અજાણ્યા નથી. આ પૃષ્ઠો પર પ્રગટ થયેલી એમની કૉલમ ‘લંડન કૉલિંગ’ આપણે માણી છે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, પાઠ્યપુસ્તકો અને શિક્ષકો તૈયાર કરાવ્યા છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયા. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસીના વાચકો’ માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.

1975માં કટોકટી આવી ત્યારે વિપુલભાઈ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પત્રકાર હતા. બ્રિટિશ પાસપોર્ટ તો હતો જ. તેઓ લંડન ચાલ્યા ગયા અને ત્યાં જ સ્થાયી તયા. બ્રિટનમાં અંગ્રેજી ભાષાનું અને યુરોપના બીજા દેશોમાં જે તે દેશની ભાષાનું સામ્રાજ્ય. આ દેશોમાં વસતા ગુજરાતીઓમાં ગુજરાતી ભાષા પ્રત્યેની સમજણ અને લગાવ આવે તેવો ત્યારથી જ વિપુલભાઈનો પ્રયત્ન રહ્યો. એ પહેલા છૂટાંછવાયાં કામો અને પ્રવૃત્તિ થતાં. સામયિકો, કાર્યક્રમો, કવિઓ, લેખકો અને લહિયાઓ, ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો બધું ખરું, પણ એકવાક્યતા નહીં. તેથી ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જ પ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતી સંસ્કૃતિનો પ્રસાર-પ્રચાર કરવા 1977માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરવામાં આવી.’ અકાદમીનું મહામંત્રીપદ વિપુલભાઈએ 1978ના અરસામાં 37 વર્ષની ઉંમરે સંભાળ્યું અને સન 2010ના માર્ચ અંતે સિત્તેરની ઉંમરે નિવૃત્ત તે પદેથી થયા.

અકાદમીના ઉપક્રમે નવ ‘ભાષા-સાહિત્ય પરિષદો’ યોજાઈ. મુશાયરા, નાટક, કૃતિવાંચનસભા, વગેરે પણ યોજાતાં રહ્યાં. છ પાઠ્યપુસ્તકો મુંબઈસ્થિત ‘નવભારત સાહિત્ય મંદિરે’ પ્રકાશિત કરેલાં. ‘આચમન’ નામે ડાયસ્પોરિક સાહિત્યસંગ્રહની ચોપડી થઈ. મર્યાદિત અને સીમિત સહકાર સતત મળતો રહ્યો. અકાદમી, અકાદમીની પ્રવૃત્તિ તેમ જ વ્યક્તિ તરીકે વિપુલભાઈ અરસપરસ રસાયાં, સમૃદ્ધ બન્યાં અને વિકસ્યાં.

‘ઓપિનિયન’ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પત્રકાર-લેખકના જીવને આંદોલન માટે કોઈક પત્રિકા તો જોઈએ. પત્રિકા વગર લોકઘડતરનું કામ થઈ શકે નહીં. ચારે તરફ ફેલાયેલા ગુજરાતીઓ માટે એક પ્લેટફોર્મ પણ ઊભું કરવું હતું. એટલે ૧૯૯૫માં ‘ઓપિનિયન’ શરૂ કર્યું. એ અંગે મારે બે વ્યક્તિઓનાં પ્રદાનને ખાસ યાદ કરવું જોઈએ. પછીતે રહીને સૌથી મોટો ભોગ કુંજે આપ્યો છે. ઘરખટલાથી મને બને તેટલો મુક્ત રાખે. ઉપરાંત લેખો જુવે-વાંચે, ટીકા પણ કરે, સમજણ પણ આપે. એનું વાંચન મારા કરતાં પણ અગાધ અને સમજણવાળું છે. બીજા મારા મિત્ર રમણભાઈ ડી. પટેલે ‘ઓપિનિયન’ને ઊભું કરવા માટે તન-મન-ધનથી જહેમત ઉઠાવી. ‘ઓપિનિયન’ નામ સૂચવે છે તેમ તેમાં અભિપ્રાય, મત, વિચાર વગેરેને સ્થાન હતું. પણ ‘ઓપિનિયન’નો વિશાળ અર્થ પ્રગટ કરે તેવો ગુજરાતી પર્યાય મળ્યો નહીં તેથી એ જ નામ રાખ્યું. ઉપરાંત મહાત્મા ગાંધીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ તો ખરું જ, પણ અમારા ટાન્ઝાનિયાના ઝાંઝીબારમાં વર્ષો પહેલાં ‘જંગબાર ઓપીનિયન’ શરૂ થયેલું અને હું વિલ્સન કૉલેજમાં મુંબઈ ભણતો ત્યારે ત્યાં એ.ડી. ગોરવાલા નામના એક આઈ.સી.એસ. ઓફિસરે નિવૃત્ત થયા પછી ‘ઓપીનિયન’ નામની પત્રિકા બહાર પડેલી. એ પોતે બહાર નીકળીને લોકોને વહેંચતા, અને એમાં મુખ્ય પ્રવાહનાં છાપાંઓ અને સામયિકો લેતાં ડરે એવી સામગ્રી મૂકતા. ‘ઓપિનિયન’ નામ પાછળ આ ત્રણનો પ્રભાવ પણ ખરો. ‘ઓપિનિયન’માં ગુજરાતી ડાયસ્પોરાના પ્રશ્નોની રજૂઆત કરતાં લેખો, કાવ્યો વગેરે બધું જ આપી શકાયું છે, અને એને આધારે કેટકેટલાં પુસ્તકો પણ થયાં છે. સંઘર્ષ તો આવે. હિતો પણ ટકરાય. પણ ટટ્ટાર ઊભા રહેવાનું – સ્વાન્તસુખાય.’

‘શરૂઆતનાં પંદર વર્ષ તો એ મુદ્રિત સ્વરૂપે આવતું. એ વખતે લેખો પસંદ કરવાના, ટાઈપ કરવાના, પ્રિન્ટ કાઢવાની, પાનાં બાંધવાનાં, અંકો પોસ્ટ કરવાના બધું ઘરમાં જ, એકલે હાથે કરતો. સવારે 3-4 વાગ્યે ઊઠું ને કામે વળગું. સામગ્રી માનવધર્મને સંકોરે ને છેવાડાના માણસનું હિત ચિંતવે એવી પસંદ કરું. પછીનાં ત્રણ વર્ષ ડિજિટલ સ્વરૂપે પી.ડી.એફ.માં આવ્યું અને એ વર્ષોમાં વેબસાઈટ ઉપર ગયું છે. રોજેરોજ કંઈક નવી સામગ્રી એની વેબસાઈટ ઉપર મૂકાતી આવે છે. 76 લાખથી વધારે વિઝિટર્સ થયા છે. એના વાચકો માત્ર યુનાઈટેડ કિંગ્ડમ અને ભારતમાં નથી, પણ નાના નાના દેશોમાં પણ એના વાચકો છે. પાકિસ્તાનના મિત્રો પણ ‘ઓપિનિયન’ જોતા હોય છે.’

પચીસ વર્ષ પૂરા કરવાની ઘટના માટે વિપુલભાઈએ ‘રજત રાણે ઓપિનિયન’ એવા શબ્દો યોજ્યા છે, ‘રજતને પચીસ વર્ષની વાત સાથે સાંકળું, અને રા’ણનું બહુ સરસ મજાનું વૃક્ષ અને રાયણનાં મીઠાં, મજેદાર ફળ. તો એને છાંયડે બેસીને એક પડાવ કર્યો છે. શરૂ કર્યું ત્યારે કુંજની દસ વર્ષની મર્યાદા હતી, મારી પંદર વર્ષની હતી, એ વધીને આજે પચીસે પહોંચાયું છે. આ છવીસમું વર્ષ છે. મને ખબર નથી કે હવે કેટલું લાંબુ ખેંચી શકાશે.

અકાદમી અને ડાયાસ્પોરા લેખકો વિશે તેઓ કહે છે. ‘અકાદમીએ નક્કર કાર્યો ઘણાં કર્યાં છે. પણ બ્રિટનમાં આજે ગુજરાતી ભાષા એવી જગ્યાએ ઊભી છે જ્યાંથી કેડો ધૂંધળો થતો લાગે છે. યુરોપ અને અમેરિકામાં ગુજરાતી ભાષાનો સૂર્ય હળવે હળવે આથમતો જવાનો છે તે વાત નક્કી. ગુજરાતી ડાયસ્પોરાના બંકાઓ પોતાની કલમ સતત ઘસ્યા કરે; વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસ કર્યા કરે તો તે લેખક, કવિ થાય ખરા. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પબળ હોય, અભ્યાસ અને અધ્યાસ પણ હોય તો તે સાહિત્યકાર પણ બની જાય અને પછી તળને અને બૃહદ્દને ઝળાંહળાં કરી જાય તેમ બને.’

વર્તમાન પરિસ્થિતિ વિશે તેઓ ખેદપૂર્વક કહે છે, ‘હવે ધોરણો કથળી ગયાં છે. આપણે કથળવા દીધાં છે. ધનની, સત્તાની છડેચોક પૂજા થાય છે. ગાંધીજી પૂરા વિવેકથી વર્તતા ને સત્તાને, શોષણને પડકારતા એ તાકાત રહી નથી. જાતને પૂછવાની જરૂર છે કે ક્યાં શું ચૂક્યા છીએ.’

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પ્રકાશ ન. શાહ ચૂંટાયા એ પછીની સભામાં વિપુલભાઈએ જે કહ્યું તેમાં ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા-સાહિત્ય તરફની એમની વ્યાપક ખેવના દેખાય છે : ‘આપણા પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી કહેતા તેમ પરિષદે ગુજરાતના અને ભારતના સીમાડાઓ ઓળંગવા જોઈશે. અમે બ્રિટનમાં નક્કર કામ કર્યું છે. અન્ય દેશોએ સરસ ગુજરાતી કવિલેખકો આપ્યાં છે, તે દરેકને ગુજરાતી સાહિત્ય પરિષદે પોતાના કેન્દ્રવર્તી દાયરામાં સક્રિયપણે દાખલ કરવા જ રહ્યાં. ગુજરાતનાં ગામોથી માંડી દુનિયાના ખંડે ખંડે વિસ્તરેલી ગુજરાતી જમાત પરાયી નહીં રહેવી જોઈએ. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં મહાત્મા ગાંધીએ કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો’, આમ કહી વિપુલભાઈએ એક સદી પહેલાનું પણ અર્થદૃષ્ટિએ તાજુંમાજું એ પ્રસિદ્ધ અને પ્રેરણાદાયક ગાંધી-અવતરણ ટાંક્યું હતું, ‘મારું ઘર બધી બાજુએ દીવાલોથી ઘેરાયેલું રહે અને એનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’

જીવનના આ તબક્કે વિપુલભાઈ શું અનુભવે છે? ‘મને જીવાડ્યો છે ગાંધી-વિનોબા-જયપ્રકાશની અને લિંકન-મંડેલા-જૉન સ્ટુઅર્ટ આ બધાની પેઢીએ. આંખ મિંચાય ત્યારે મારી ફરજ ચૂક્યો નથી એવો સંતોષ લઈને જઈશ. કંઈક સારું કામ કરી શક્યાનો આંનદ ખૂબ માણ્યો છે ને એને કારણે કેટકેટલાં મિત્રો અને એમનો સ્નેહ મળ્યા છે. વધારે શું જોઈએ?’ 

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ,“જન્મભૂમિ - પ્રવાસી”, 16 મે 2021

Category :- Diaspora / Features