આ મુશ્કેલ સમયમાં (56)

સુમન શાહ
04-05-2021

પોસ્ટમૉડર્નિસ્ટ ગણાયેલા પ્રશસ્ત અમેરિકન વાર્તાકાર ડોનાલ્ડ બાર્થેલ્મ મારા પ્રિય વાર્તાકાર છે. જન્મ ફિલાડેલ્ફિયામાં, 1931. ભલે એમ ગણાયા પણ તેઓ પોતે પોસ્ટમૉડર્નિઝમ અને ડીકન્સ્ટ્રક્શનમાં ન્હૉતા માનતા. એમનું લેખન પિતાજીને ન્હૉતું ગમતું, પિતાજી આર્કિટેક્ચરના પ્રૉફેસર પણ અડિયલ સ્વભાવના અને આ ભાઈ ઉદણ્ડ.

પણ બાર્થેલ્મે પિતા-પુત્રના સમ્બન્ધ અનુષંગે એક સરસ વાર્તા લખી છે, ‘વ્યૂઝ ઑફ માય ફાધર વીપિન્ગ’. મેં એનો અનુવાદ શરૂ કરેલો, અધૂરો પડ્યો છે, વરસો થઈ ગયાં. પણ મેં એમની બીજી બે-ત્રણ વાર્તાઓના અનુવાદ કરેલા ને મારા ‘ખેવના’-માં કે કોઈ બીજા સામયિકોમાં પ્રકાશિત થયા હતા.

એક વાર્તા છે, Glass Mountain, મેં અનુવાદ કરેલો ‘કાચડુંગરો’. વાર્તા એનો નાયક પોતે જ કહે છે - ફર્સ્ટ પર્સન નૅરેશન. આજે એ વાર્તાની વાત કરવી છે.

ડોનાલ્ડ બાર્થેલ્મ / Donald Barthelme 

Picture Courtesy : Wall Street Journal

બાર્થેલ્મ ભારે પ્રયોગશીલ વાર્તાકાર છે. આ વાર્તા એમણે ૧૦૦ વાક્યોમાં લખી છે, અને તે પણ 1 2 3 4 … એમ નમ્બર નાખીને.

પહેલું વાક્ય છે, હું કાચના ડુંગર પર ચડવા મથી રહ્યો છું. પછીનાં વાક્યોમાં વીગતો મળે છે કે --કાચડુંગરો ૧૩-મી સ્ટ્રીટની ૮-મી ઍવન્યૂના એક છેડે છે - લોકો એને ચડતો જોઈ રહ્યા છે - પોતે પાડોશીઓમાં નવોસવો હતો - જો કે કેટલાંક એને ઓળખે છે - પગ હાથ બધું પોતે બરાબ્બર બાંધ્યું છે - ૨૦૦ ફીટ તો ચડી જવાયું છે - ઓળખીતાં એ બધાં પરિચિતો હિમ્મત આપવાને નીચે ભેગાં થયાં છે, વગરે. જો કે એને - શિથહેડ, ઍસહોલ, વગેરે પણ સાંભળવા મળે છે.

કહે છે : કાચડુંગરો શ્હેર આખામાં જાણીતો છે. અહીં રહેનારાં પાસે ડુંગરાની ઘણી વાર્તાઓ છે. મુલાકાતીઓને ડુંગરો આંગળી કરીને બતાડાય છે. ડુંગરાને અડનારો ઠંડક અનુભવે છે. અંદર ઝાંખનારને ચળકતાં સફેદ-ભૂરાં ઊંડાણો જોવા મળે છે. ડુંગરાનું ટૉપ વાદળાંમાં ભળી જાય છે, અને વાદળાં ન હોય એવા દિવસોમાં સૂર્યમાં … વગેરે. પેલાં ઓળખીતાંઓ હવે ‘ડમ્બ મધરફકર’ પણ કહે છે, ‘જાળવજે ભઈલા’ પણ કહે છે, વળી જાતભાતનું કહ્યા કરે છે.

એક વાર એ દર્શાવે છે કે મને ચેતવવાને એ લોકો જે કારણો આપે છે એ બરાબર નથી. પછી તરત ઉમેરે છે કે - પણ સારાં કારણો હમેશાં હોય છે.

સંભવ છે કે બાર્થેલ્મનો વ્યંગ ગ્લાસ માઉન્ટેઇન ઉપરાન્ત, મહાનગરોમાં કાચથી મઢેલાં હાઈરાઈઝ્ડ બિલ્ડિન્ગો વિશે પણ હોય. કેમ કે નાયક કહે છે એમ એની નીચે ઘણી દર્દનાક વાસ્તવિકતાઓ દટાયેલી સૂતી હોય છે. એક વાર એ કહે છે : ૨૦૬ ફીટે ઠંડી હતી ને મેં નીચે જોયું તો હું નિરાશ થઈ ગયો. ઘોડા અને એમના અસવારોનાં શબ ડુંગરાને તળિયે હતાં ને મરી રહેલા કેટલાક માણસો ઊંહકારા ભણતા’તા.

એમ વાર્તા ક્રમે ક્રમે પ્રતીકામક ગામ્ભીર્ય પકડે છે.

એક વાર એ આવા મતલબનું કહે છે : શું પ્રતીકથી નિર્ભ્રાન્ત થવા માટે માણસે કાચ ડુંગરો ચડવાનો? ને તે ય આવી અંગત તકલીફ વેઠીને? શું આજના સશક્ત હું-ધારકોને હજી પણ પ્રતીકોની જરૂરત છે? પછી જણાવે છે કે - મેં માની લીધું કે આ પ્રશ્નોના ઉત્તર ‘હા’-માં જ મળવાના …

Xiaohua Wen નામની એક ચીની પ્રૉફેસરે આ વાર્તાનો સુન્દર અભ્યાસ કર્યો છે. એણે વાર્તાને ત્રણ પરિપ્રેક્ષ્યથી જોઇ છે : વાર્તાની સંરચના, ભાષા અને કથાકથન. એ કહે છે કે - વાર્તામાં છે એ ઍબ્સર્ડિટીની નીચે છે, સૉશ્યલ રીયાલિટી : જેમ કે, સિસ્ટમ્સમાં - કૅપિટાલિસ્ટ સિસ્ટમમાં - પ્રવર્તતી અવ્યવસ્થા. ભાવનાત્મક અથડામણ અનુભવતા લોકો. શાન્તિ અને વ્યવસ્થા માટેના પ્રજાના સંઘર્ષો. જાતભાતની બેઢંગ પરિસ્થિતિઓ, ને વળી એકબીજાં સાથેના એમનાં મતભેદ, અતડાઈ, તાટસ્થ્ય.

પ્રૉફેસર બાનુ જણાવે છે કે - આ બધાંને કારણે બાર્થેલ્મ આજની એ સામાજિક વાસ્તવિકતાથી વ્યથિત દીસે છે, પરન્તુ છેવટે તો બાર્થેલ્મ સહજ સરળ સમાજ ઇચ્છે છે, સંવાદ ઝંખે છે.

બાર્થેલ્મની એ ઇચ્છા ન જ ફળી અને એ અનુભવવાને એઓ ન બચ્યા, 1989માં એમનું અવસાન થયું.

આ સરળ લાગતી પણ ‘અઘરી’ વાર્તા સૌ વાંચે તો અંદાજ આવશે કે કોરોના પ્રગટ્યો અને હાલ ભારતમાં અતિ વકર્યો છે તે વાસ્તવ સાવ જ ઍબ્સર્ડ છે પણ તેની પાછળ સ્ટેટ, સમાજ અને પ્રજા કેટલાં જબાવદાર છે …

= = =

(May 3, 2021: USA)

Category :- Opinion / Opinion