ગઝલ

સાહિલ કંદોઈ
03-05-2021

વાત મોડેમોડેથી સમજાય છે
કાળ આવે કાળ પણ બદલાય છે.

ભાગ જ્યાં પણ હાટડી લઈ બેસે ત્યાં
કાણો પૈસો લાખોમાં વેચાય છે.

ભીડ ટાણે ભાગતા ભડવીરની
ખાનદાની ટાકણે પરખાય છે.

પાંખને ગીરે મૂકી પારેવડું  
સોને મઢ્યાં પાંજરે પસ્તાય છે

પૂછતા પંડિત થનારા ના રહ્યા
ભોળા થઇ સૌ કામ કાઢી જાય છે

રોજગારીના હુનર બદલી ગયા
બોલવાથી બોર ક્યાં વેચાય છે.

નૃપની નિર્દયતા પૂજાય ત્યાં
પ્રાણવાયુ પ્રાણઘાતક થાય છે.

e.mail : [email protected]

Category :- Poetry