માનવતાનું પુષ્પ ડૉ. જીવરાજ મહેતા

કિશોર બી. જોશી
02-05-2021

રાજકારણે જેમને તરછોડ્યા પણ પ્રજાએ પ્રેમથી અપનાવ્યા.

માર્ચ ૨૦૦૮માં મેં ડૉ. જીવરાજ મહેતા પર દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ પર એક ડોક્યુમેન્ટરીનું નિર્માણ કરેલું. જેનું પ્રસારણ ૩૧ માર્ચ, અને ૧, મે ૨૦૦૮માં થયેલું.

મારું એક નાનકડું સ્મરણ છે.

લગભગ ૧૯૬૩માં મારાં વતન મોટા સમઢિયાળાના નજીકના ગામ રૂગનાથપુર નજીકની દેદુમલ નદીની એક સિંચાઈ યોજનાના ઉદ્ઘાટન માટે ડૉ. જીવરાજ મહેતા આવ્યા ત્યારે મારા પિતાશ્રી ભાનુશંકર કાળિદાસ જોશી હાથમાં ફાનસ લઇને એમની સામે રોડ પર ઊભા રહી ગયા. ગુજરાતના મુખ્ય મંત્રી પોતાના સાથીદારને ફાનસ સાથે જોઈને ગાડીમાંથી ઊતરી ગયા અને પૂછ્યું કે ભાનુભાઈ આ શું છે....?

મારા બાપુજીએ કહ્યું કે અમારા ગામમાં વીજળી નથી. ડૉ. જીવરાજ મહેતાએ ફાનસ હાથમાંથી લઈ લીધું અને પોતાની સાથે ગાડીમાં લઈ લીધા. એમના કાફલા સાથેની એક જીપમાં હું જિંદગીમાં પહેલીવાર જીપમાં બેઠો ત્યારે ત્રીજા ધોરણમાં હતો.

મોટા સમઢિયાળામાં  ૧૯૬૫માં વીજળી આવી ગઈ.

ડૉ. જીવરાજ મહેતાને આપણે સંત રાજકારણી કહી શકીએ એટલું ઉન્નત એમનું ચારિત્ર્યબળ હતું.

૧લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન અને ડૉ. જીવરાજ મહેતાનું અનુસંધાન એક સિક્કાની બે બાજુ જેવાં છે.

ગુજરાતનાં કૉન્ગ્રેસી રાજકારણનો એક કમનસીબ મુદ્દો ગુજરાત વિરુદ્ધ સૌરાષ્ટ્રનો હતો.

સંયુક્ત મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય જ્યારે અલગ થયું, ત્યારે ગુજરાત માટે ખૂબ મોટી રકમ રૂપિયા દસ કરોડ નવાં પાટનગર ગાંધીનગરનાં નિર્માણ માટે અને ૪૫ કરોડ રૂપિયા પુરાંતના ભાગરૂપે  ડૉ. જીવરાજ મહેતા કુનેહપૂર્વક મંજૂર કરાવી શકેલા.

ડાંગનો પ્રદેશ ગુજરાતને મળ્યો તે ડૉ. જીવરાજ મહેતાને આભારી છે. નર્મદા યોજનાનો શિલાન્યાસ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર, પંચાયતી રાજ, નવી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના, લોક ફરિયાદનું નિવારણ, દુષ્કાળ રાહત, ભરૂચમાં ભૂકંપ સમયની કામગીરી આ બધું ડૉ. જીવરાજ મહેતાનું પ્રદાન છે.

અમદાવાદમાં વિધાનસભા ગૃહ, સચિવાલય, સરકારી કચેરીઓ, એક લાખ જેટલાં કર્મચારીઓ માટે બદલીનાં સ્થળે રહેણાંકની સુવિધા માટે ડૉ. જીવરાજ મહેતાની સૂઝબૂઝ અને સાદગી માટેનો આગ્રહ ગુજરાતનાં નિર્માણ માટે નિર્ણાયક બની રહ્યા.

ડૉ. જીવરાજ મહેતાએ તેમનાં મંત્રી મંડળનાં સાથીઓ રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી, ઠાકોરભાઈ દેસાઈને સાથે રાખી ગુજરાતમાં સ્વચ્છ અને શિસ્તબદ્ધ વહીવટીતંત્રનાં નિર્માણ માટે રીતસર તપ કર્યું એમ કહી શકાય.

ડૉ. જીવરાજ મહેતાએ મોરારજીભાઈ દેસાઈનું સર્વોપરીપણું આંધળી રીતે સ્વીકારવાની ના પાડી દીધેલી. ડૉ. જીવરાજ મહેતા હોદ્દા પર હતા ત્યારે ગુજરાતનાં રાજકારણનો પ્રકાર આજનાં રાજકારણ કરતાં જુદો હતો. એ રાજકારણનાં કેન્દ્રમાં રહેલા ડૉ. જીવરાજ મહેતાનું મુખ્ય મંત્રી તરીકેનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું.

બે ઉદાહરણ અહીં મૂકવા છે.

ડૉ. જીવરાજ મહેતા પુનઃ મુખ્યમંત્રી ના બની શકે એ જોવા મોરારજીભાઈ દેસાઈ ખૂબ ઉત્સુક અને સક્રિય હતા. ૧૯૬૨ની ચૂંટણીમાં ડૉ. જીવરાજ મહેતાને બાકાત રાખવા મોરારજીભાઈ દેસાઈના સંચારથી ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસે નિયમ કર્યો કે એકધારા દસ વર્ષ સુધી કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્ય તરીકે રહ્યાં હોય એમને ટિકિટ ના આપવી.

રતુભાઈ અદાણી એમના મંત્રીમંડળમાં હતા. એક યોજના માટે બે કરોડ રૂપિયાની મંજૂરી માટે ફાઈલ સાથે તેઓ ડૉ. જીવરાજ મહેતાને મળ્યા. ડૉ. જીવરાજ મહેતાએ કહ્યું કે બળવંતરાય મહેતાની નેતાગીરી સામે હું સ્પર્ધામાં છું. તમારો મને પૂરો ટેકો જોઈએ છે.

રતુભાઈ અદાણીએ ના પાડી. એક નિઃશ્વાસ સાથે ડૉ. જીવરાજ મહેતાએ ફાઈલ ખોલી. યોજનાને મંજૂરી આપી દીધી. રતુભાઈ અદાણીને ખૂબ નવાઈ લાગી ત્યારે ડૉ. જીવરાજ મહેતાએ જવાબ આપ્યો કે કોઈને એમ ના થવું જોઈએ કે મેં કિન્નાખોરી રાખી છે.

બીજો એક કિસ્સો.

રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખનાં કારણે આખી સરકારને જવું પડે તેમ હતું. આ બન્ને મહાનુભાવો પોતાના રાજીનામા સાથે ડૉ. જીવરાજ મહેતાને મળ્યા. અને કહ્યું કે અમારા લીધે આપની સરકારને જવું પડે એ બરાબર નથી. ડૉ. જીવરાજ મહેતાએ જવાબ આપ્યો કે સત્તાની અંદર કે બહાર આપણે સાથે જ છીએ. રાજીનામું હું સ્વીકારતો નથી. મોરારજી દેસાઈ તો એવું જ ઈચ્છે છે. તમારે ખાતરી કરવી હોય તો કરી લો.

એ ખાતરી સાચી પડી હતી.

અમરેલીમાં સંસદની એક ચૂંટણી તેઓ હારી ગયેલા. ચૂંટણીમાં ખૂબ જ ખર્ચ થયેલો. ત્યારે દેવું ચૂકવવા માટે ડૉ. જીવરાજ મહેતાએ અમરેલીનું પોતાનું મકાન વેચી નાખેલું.

સર્વોદય અગ્રણી ગુણવંતરાય પુરોહિત રાજકીય રીતે ડૉ. જીવરાજ મહેતાની વિરોધી છાવણીમાં હતા.  ડૉ. જીવરાજ મહેતા પરની ડોક્યુમેન્ટરીનાં નિર્માણ માટે મારે એક અઠવાડિયું અમરેલીમાં રહેવાનું થયું ત્યારે ગુણવંતરાય પુરોહિતે મને સ્પષ્ટ કહી દીધું કે કિશોર તારે સરકીટ હાઉસમાં રહેવાનું નથી. રાત્રે તારે સર્વોદય આશ્રમ, બાબાપુરમાં આવી જવાનું રહેશે.

ગુણવંતરાય પુરોહિત સાંજે મારી રાહ જોતાં હોય. ગુણવંતરાય પુરોહિત આઝાદીની ચળવળ સમયે મારા બાપુજીના સાથીદાર હતા. એ સંબંધે તેઓ મને એમના પરિવારનો સભ્ય ગણતા. સાથે જમ્યા પછી રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી દરરોજ સાથે બેસવાનું. એમની સાથે જે ગોષ્ઠિ કરવા મળી એ જીવનનો એક અદ્ભુત સમય હતો.

ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નીજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત −
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

સૌજન્ય : લેખક કિશોરભાઈ બી. જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Samantar Gujarat / Samantar