ત્રણ કાવ્યો

ભરત વિઝુંડા
01-05-2021

આબાદ રહેવી જોઈએ

વસ્તીઓ આબાદ રહેવી જોઈએ,
સૃષ્ટિ ઝિંદાબાદ રહેવી જોઈએ !

લોહીથી ખરડાયેલા ઇતિહાસની,
એ કથાઓ યાદ રહેવી જોઈએ !

લોકશાહી એટલે સરકાર નહીં,
વ્યક્તિઓ આઝાદ રહેવી જોઈએ !

ઇચ્છીએ પણ એવું તો ક્યાં શક્ય છે,
ના કોઈ ફરિયાદ રહેવી જોઈએ !

કોઈ મર્યાદા વિકસવાની નથી,
તે છતાં મરજાદ રહેવી જોઈએ !

ધરતીના ટુકડાઓ પાડી નહીં શકો,
અહીં બધી ઓલાદ રહેવી જોઈએ !

એક છે

રાષ્ટ્રવાદી, કોમવાદી એક છે,
શબ્દની આ ચાલબાજી એક છે !

આમ તો વસ્તી ઘણી છે ગામની,
કંઈક હાજી છે ને કાજી એક છે !

પ્રશ્ન છે સાંપ્રત સમયનો એક આ,
લોકશાહી છે ને ગાદી એક છે !

છે જુદા કૂવા, જુદાં છે માટલાં,
વરસતાં વાદળનાં પાણી એક છે !

કઈ રીતે એને અલગ ગણશો તમે,
બેઉ આંખોનું  પ્રવાહી એક છે !

ઍક્ટિવિસ્ટ હું

હા, ખરેખર એમ ઍક્ટિવિસ્ટ હું,
તું અનુચર એમ ઍક્ટિવિસ્ટ હું !

ત્રાજવાં સરખાં સહુનાં રાખતો,
જેમ ઈશ્વર એમ ઍંક્ટિવિસ્ટ હું !

એ કહે તે સાંભળી લે તું બધું,
આપું ઉત્તર એમ ઍંક્ટિવિસ્ટ હું !

ગાંધીજીની લાકડી જેવો ભલે,
તો ય આખર એમ ઍંક્ટિવિસ્ટ હું !

પગ મને પૂછીને ચાલે છે હજી,
મારી ભીતર એમ ઍંક્ટિવિસ્ટ હું !

કોઈના શ્વાસે નહીં જીવી શકું,
ધડકનો પર એમ ઍંક્ટિવિસ્ટ હું !

તારી ચિંતા તારે નહીં મારે જ છે,
તું કબૂતર એમ ઍંક્ટિવિસ્ટ હું !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 14

Category :- Poetry