વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’

ચિરાગ ઠક્કર
22-04-2021

પ્રસ્તાવના

આમ તો 'જય જગત' વિનોબાજીએ આપણને સૌને આપેલો જીવનમંત્ર છે, પણ મારા માટે તેનો એક અંગત અર્થ પણ છે જેનો ઉઘાડ કરવામાં 'ઓપિનિયન' સામાયિકે મહત્વની ભૂમિકા ભજવી છે. 'ઓપિનિયન' મેગેઝિનના આ રજત રાણ પ્રસંગે એ અંગત વાત અપ્રસ્તુત નહીં ગણાય એમ માનું છું. કારણ કે એ વાત પણ મૂળે તો સ્વથી આગળ વધીને સર્વ સાથે જોડાવાની, માનવમાંથી વિશ્વમાનવ બનવાની દિશામાં અગ્રેસર થવાની જ વાત છે.

જય જગત

તો સૌ પ્રથમ તો આ જય જગતના સ્થૂળ અર્થમાં જય એટલે હું કારણ કે મારા નામ ચિરાગ ઠક્કર પાછળ હું 'જય'નું ઉપનામ અવશ્ય જોડતો હોઉં છું. અને એ જયનાં જગતનો મહત્તમ વિકાસ થયો છે યુનાઇટેડ કિંગ્ડમ નિવાસ દરમિયાન, 'ઓપિનિયન' સામાયિક અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’(યુનાઇટેડ કિંગ્ડમ)ના સંસર્ગથી.

વાંચન અને લેખન તો બાળપણથી હાડમાં ઉતરેલી આદત હતી. જ્યારે 2006માં યુ.કે. આવવાનું બન્યું ત્યારે વધારે સમય મળતાં એ પ્રવૃત્તિ પણ વધી. 2008માં બ્લોગિંગ શરૂ કર્યું અને સોશિયલ મીડિયા થકી એ બ્લોગ પહોંચ્યો પંચમ શુક્લ પાસે. તેમણે સામેથી મારો સંપર્ક સાધ્યો, અનિલ જોશીના એક કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું અને હું આ શું હશે તેમ વિચારતો વિચારતો પહેલી વાર તે કાર્યક્રમમાં ગયો. એ કાર્યક્રમ હૃદયને એટલો બધો સ્પર્શી ગયો કે તેના વિષે બ્લોગ ઉપર લખ્યું. અને વિપુલભાઈએ એ લેખ 'ઓપિનિયન' મેગેઝિનમાં લેવા માટે મંગાવ્યો.

મારા માટે એ અત્યંત નવાઈની વાત હતી. ગુજરાતમાં તો સાહિત્યિક સામાયિકોમાં કંઈક છપાય એ માટે કેવાં શામ-દામ-દંડ-ભેદ ચાલતાં હોય છે એના વિષે તો બધાં જાણે જ છે. ગુણવત્તા કરતાં ત્યાં ઓણખાણ મોટા ભાગે વધારે મહત્ત્વની બની રહે છે. માટે મેં એ લેખ સાદર મોકલાવ્યો અને આવી રીતે 'ઓપિનિયન' તેમ જ GLA (U.K.) સાથે મારો પ્રેમસંબંધ શરૂ થયો.

એ પછી જેમ હેરી પોટરના મનોજગતને હોગવર્ટ સ્કૂલના આચાર્ય ડમ્બલડોર વિસ્તારે અને વિકસાવે છે એમ પ્રિય વિપુલ કલ્યાણીએ આ જયના જગતને વિસ્તારવા અને વિકસાવવા માંડ્યું. એમની શૈલી પાછી નિરાળી. એ સીધે-સીધું કશું જ કહે કે સૂચવે નહીં. બધાનો ઓપિનિયન પ્રગટ કરનારા એ પોતે સીધે-સીધો ક્યારે ય પોતાનો 'ઓપિનિયન' રજૂ જ ન કરે. પણ કંઇક એવું વાંચવા તરફ આંગળી ચીંધે કે એવા કોઈ કામમાં સામેલ કરે કે આપણે આપોઆપ વિસ્તાર અને વિકાસની દિશામાં અગ્રેસર થઈએ.

હું બ્લોગ પર જે લખું તેને વિપુલભાઈ 'ઓપિનિયન' મેગેઝિનમાં શબ્દશઃ છાપે. તેમાંથી પાછું ક્યારેક પ્રકાશભાઈ 'નિરીક્ષક'ના પાનાં પર પણ ઉતારે ને ક્યારેક કોઈ બીજા ગુજરાતી સામાયિકમાં પણ છપાય. આમ 'ઓપિનિયન' મેગેઝિન અને GLA(UK)ની ટીમે મારા અવાજને સ્પષ્ટ અને ઘેરો બનાવ્યો.

એ અવાજ લઈને હું સાતેક વર્ષ ડાયસ્પોરાની ભૂમિમાં વીતાવીને વારસાની ભૂમિ પર પાછો ફર્યો. અહીંયા એ સફર ચાલુ રાખી છે અને તેનાં પાયામાં 'ઓપિનિયન' રહેલું છે તેનો ઋણસ્વીકાર કરું છું.

Reverse Racism

આરાધનાબહેન ભટ્ટે જે રેસિઝમ અને રિવર્સ રેસિઝમની વાતની માંડણી કરી, તે વાત ખૂબ મહત્ત્વની છે. મને જીવનના થોડા-ઘણા અનુભવે એમ શીખવ્યું છે કે સામેવાળું આપણાથી કોઈક રીતે અલગ છે એમ દર્શાવવું એ રેસિઝમનો સૂક્ષ્મ પ્રકાર જ છે.

અને એ સૂક્ષ્મ રેસિઝમ ડાયસ્પોરા વિશ્વના આપણા ગુજરાતીઓમાં અને ભારતીયોમાં અવશ્ય જોવા મળે છે. બે અજાણ્યા ગુજરાતીઓ મળે ત્યારે 'તમે કયાં ગામના?' અને 'તમે કેવા?' એવી પૃચ્છા કરવી હજું પણ ત્યાં એકદમ સામાન્ય છે.

આપણે આ પ્રશ્નો પૂછવાનું બંધ કરીને માનવમાંથી વિશ્વમાનવ બનવા તરફ આગળ વધી શકીશું એમ લાગે છે. આ દિશામાં પણ 'ઓપિનિયન' પોતાનો નક્કર અભિપ્રાય રજૂ કરતું રહેશે એવી અપેક્ષા છે.

રતિલાલ ચંદેરિયાનું સ્મરણ

રોહિતભાઈ બારોટે રતિલાલ ચંદેરિયાનું સ્મરણ કર્યું છે. તેમને મારા વંદન. એ વ્યક્તિત્વનો પરિચય તો નહોતો થયો, પરંતુ ઓળખાણ 'ઓપિનિયન' થકી જ થઈ હતી અને અત્યારે તેમના દ્વારા સર્જાયેલી ગુજરાતીલેક્ષિકોન.કોમનો મારા જેટલો નિયમિત ઉપયોગ ભાગ્યે જ કોઈ કરતું હશે.

સૂચક વાત

નટવરભાઈ ગાંધીએ ડાસ્પોરા વિશ્વની બીજી અને ત્રીજી પેઢી વિષે એમ સૂચક વિધાન કર્યું કે એ પેઢીએ "અમેરિકામાં ઉછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું [તે] પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે." આ પ્રાસ્તાવિક વાતને વારસાની ભૂમિના સંદર્ભે પણ મૂકી શકાય છેઃ "21મી સદીમાં ઉછરીને 21મી સદીના વૈશ્વિક ભારતીય ન થવું અને 19મી કે 20મી સદીનાં ભારતીય બની રહેવું, તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે.

'ડાયસ્પોરા' શબ્દ

આ બેઠકમાં લોર્ડ ભીખુ પારેખે ડાયસ્પોરા શબ્દ સામે વાંધો નોંધાવીને કહ્યું કે તેમના અનુસાર ડાસ્પોરા શબ્દમાં અત્યંત લઘુમતીમાં હોવાની અને વતનમાં પાછા ફરવાની ઝંખના હોવી જોઈએ. 42 દેશોમાં વિખરાયેલો ભારતીય સમાજ 22 દેશોમાં નોંધપાત્ર સંખ્યા ધરાવે છે અને મહદઅંશે કોઈ પાછા ફરવાની ઝંખના સેવતું નથી. માટે એ સમાજ માટે 'ડાયસ્પોરા' શબ્દ વાપરવો કેટલો યોગ્ય છે અને તે ન વાપરી શકાય તો ગુજરાતીમાં કયો શબ્દ યોગ્ય રહેશે તેમ પણ તેમણે પૂછ્યું હતું.

જેમ અંગ્રેજી ભાષા વિદેશી શબ્દો યથાતથ સ્વીકારે છે કે તેમાં નવી અર્થછાયા ઉમેરે છે, તેમ ગુજરાતીએ પણ પોતાના યાયાવર સંતાનો માટે 'ડાયસ્પોરા' શબ્દનો બહુધા સ્વીકાર કર્યો છે અને ધીમે-ધીમે તેની અર્થછાય પણ વધારે સ્પષ્ટ બનતી જશે એમ માનવું અસ્થાને નહીં ગણાય.

સમાપન

બેઠકમાં હાજર વિપુલ કલ્યાણી, પંચમ શુક્લ, નીરજ શાહ, અશોક કરણિયા, ભદ્રા વડગામા ઉપરાંત અનિલ વ્યાસ, વલ્લભ નાંઢા, મારા પ્રિય અદમ ટંકારવી, ધવલ વ્યાસ, ધ્વનિ ભટ્ટ એ સૌનાં મધુર સ્મરણ સાથે વિરમું છે.

e.mail : [email protected]

(‘રજત રાણ પડાવે ઓપિનિયનઅવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જય જગત’” નામક અવકાશી બેઠકમાંવાચકસભામાંહેની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Category :- Diaspora / Features