આગમની ગાન: ગિરિ, ગણેશ છે શુભકારી!

નંદિની ત્રિવેદી
22-04-2021

હૈયાને દરબાર

ચૈત્રી નવરાત્રિ હમણાં જ પૂરી થઈ. એ દરમ્યાન કંઈક નવાં ગીત-ગરબા શોધી રહી હતી. પારંપરિક ગુજરાતી ગરબા તથા બેઠા ગરબાથી આપણે પરિચિત છીએ એટલે એ વિશે તો કંઈ લખવું નહોતું. અન્ય રાજ્યોમાં આ સમયે શું ગવાતું હશે એ શોધખોળમાં ‘આગમની ગાન’ વિશે જાણવા મળ્યું. આ નામ અગાઉ સાંભળ્યું હતું, પરંતુ એના વિશે વિશેષ જાણકારી નહોતી. દરમ્યાન, જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા સંતૂરવાદક સ્નેહલ મુઝુમદારે બહુ રસપ્રદ માહિતી આપી. તેમણે કહ્યું કે આમ તો શારદીય નવરાત્રિમાં આગમની ગીતો ગવાય છે. ખાસ કરીને બંગાળમાં. તેઓ અત્યારે આગમની ગીતો સ્વરબદ્ધ કરવાનું કામ કરી રહ્યા છે, પરંતુ એ વિશે મૂળ સંશોધન સતીશચંદ્ર વ્યાસે કર્યું છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવન કવનથી આકર્ષાઈને બંગાળી ભાષાના અધ્યયનમાં ડૂબેલા સતીશચંદ્ર વ્યાસ, આચાર્ય ક્ષિતિમોહન સેનની ખોજયાત્રા સાથે જોડાઈને બાઉલ ભજનો અને શાક્ત પદાવલિનો પ્રગાઢ આસ્વાદ લેતાં લેતાં આગમની પદોના રસાત્મક આસ્વાદ્ય સુધી પહોંચ્યા છે, પામ્યા છે અને આત્મસાત્ કર્યાં છે.

જામનગરમાં વસતા સતીશચંદ્રભાઈએ બંગાળી, પંજાબી, રાજસ્થાની લોકગીતો, ભક્તિગીતો તથા રવીન્દ્ર સંગીત ઉપર પુષ્કળ સંશોધન કર્યું છે. છસો જેટલાં આગમની ગીતોનો કાવ્યાત્મક અનુવાદ કર્યો છે. આગમની ગીતોની કથા જાણવા સતીશચંદ્રને ફોન કર્યો તો ખૂબ બધી અજાણી અને રસપ્રદ વાતો જાણવા મળી. આગમની ગીતો વિશે સતીશચંદ્ર કહે છે, "છસો વર્ષ પહેલાં આ ગીતો બંગાળમાં લખાયાં છે. આ ગીતો દેવી પાર્વતીના સ્વગૃહે આગમન માટે ગવાય છે. બંગાળમાં વ્યાપક રીતે શારદીય નવરાત્રિમાં લોકો ભાવપૂર્વક પાર્વતી પુત્રીની રાહ જુએ છે. દુર્ગા પૂજા મહોત્સવ સાથે ઘણી પૌરાણિક કથાઓ ગૂંથાયેલી છે. એક કથા અનુસાર પ્રભુ શિવજીનાં અર્ધાંગિની ઉમા, એટલે પાર્વતી પોતાના પિતૃગૃહે - માતા મેનાવતી જે મેનકા તરીકે ઓળખાય છે એ અને પિતા ગિરિરાજને ઘરે આવે છે. લોકો પણ પોતાની સગી દીકરી આવવાની હોય એ રીતે રાહ જુએ છે, આવકારે છે, તેની સ્થાપનાનાં, વિરહનાં, સ્વાગતનાં ગીતો ગાય છે. આ ગીતોમાં મેનકાનો માતૃપ્રેમ ગહન અને હૂબહૂ છલકે છે. એ ગીતો એટલાં ભાવપૂર્ણ હોય છે કે ક્યારેક તો કવિ ભાવાવેશમાં આવી જાણે જગતપતિ, જમાઈ શિવજીની ભર્ત્સના (ટીકા) પણ કરે છે. આપણે ત્યાં જેમ ફટાણાં ગાવાની પરંપરા છે એ રીતે આગમની ગીતોમાં આ ભાવનાં ગીતો છે.

વિશ્વની એકેય ભાષામાં આગમની ગીતો જેટલી ભાવાભિવ્યક્તિ તમને જોવા નહીં મળે. જુદા જુદા ધર્મોમાં ભગવાન જુદી જુદી રીતે પૂજાય છે. માતા-પિતા તરીકે આપણે ઈશ્વરને પૂજીએ જ છીએ, પરંતુ ક્યાંક સખા ભાવ (કૃષ્ણ-અર્જુન), ઈસ્લામમાં સખી ભાવ (ઈશ્ક-એ-હકીકી) જેમાં ઈશ્વરને માશૂકા તરીકે પૂજવામાં આવે છે તો ક્યાંક વળી દાસીભાવ જોવા મળે છે, પરંતુ આગમની ગીતોમાં ભક્ત પિતા છે અને ભગવાન પુત્રી પાર્વતી છે. આવો ભાવ કોઈ સાહિત્યમાં જોવા મળતો નથી. નવરાત્રિના પહેલા દિવસથી પુત્રીની રાહ જોવામાં આવે છે. એને રીઝવતાં ગીતો ગવાય છે. દિવ્ય પુત્રીના વિરહમાં બેબાકળી બનેલી માતા પતિ ગિરિરાજને મનોદશા વર્ણવતાં ગાય છે; ‘ગિરિ, ઉમા છે મુજ જીવન આધાર, ઉમાના મુખ ચંદ્ર વિના મને ઘરમાં લાગે છે અંધાર ..!’ પુત્રપ્રેમથી ખેંચાઈને દીકરી આવે એ માટે ભાણેજને પહેલાં બોલાવવામાં આવે. ભાણેજ એટલે પાર્વતીપુત્ર ગણેશ. ભાણેજને પહેલાં બોલાવો એટલે માતા પાછળ આવે જ. એ રીતે પહેલાં ગણેશજીનાં ગીતો ગવાય. જેમાંનું એક ગીત છે; ‘ગિરિ, ગણેશ આમાર શુભકારી’ એટલે કે ‘ગિરિ, ગણેશ છે શુભકારી, એની પૂજાથી માતા મળે ને થશું, ચંદ્રમાળા અધિકારી ...!’ ત્યાર બાદ શિવજીની ભર્ત્સનાનાં ગીતો ગવાય કે ‘શિવજી, તમે તો ગંજેરી છો, ગળે નાગ વીંટાળીને ધ્યાનમગ્ન રહેતા ભેખધારી સાધુ છો, વ્યાઘ્રચર્મ પહેરીને ફરો છો અને અમારી દીકરીનું કંઈ ધ્યાન નથી રાખતાં’ એવાં ગીતો ગવાય. એ પછી પાર્વતી આવે ત્યારે નવરાત્રિના છઠ્ઠા દિવસે એમની ઘરમાં બિલિના વૃક્ષ નીચે સ્થાપના કરવામાં આવે. આખી મૂર્તિ ઘડાઈ જાય પછી ‘ચોખેર દાન’ એટલે કે ચક્ષુદાન કરી મૂર્તિ પર આંખો લગાડવામાં આવે ત્યારે એની પ્રાણપ્રતિષ્ઠા થઈ કહેવાય. નવમીના વિદાય દિને સુહાગણ સ્ત્રીઓ ‘સિંદૂર ખેલા’ રમીને એકબીજાને સિંદૂરની ડબ્બી આપે અને પુત્રીરૂપે પધારેલાં મા પાર્વતીને અશ્રુભરી વિદાય કરે. આમ, અઢળક ભાવ પ્રગટ કરતાં આગમની ગીતો નવરાત્રિના નવે દિવસ આજે ય બંગાળમાં ગવાય છે.

સતીશચંદ્રજીના કહેવા મુજબ, આ ગીતોની અસર બંગાળ પછી ઓરિસ્સા, બિહાર, મધ્ય પ્રદેશ અને છેક ગુજરાત સુધી જોવા મળી છે. ગુજરાતના દેવીદાસ કૃત પ્રસિદ્ધ ઈશ્વર વિવાહમાં મેનકાનો રોષ મહાશિવ પુરાણ કરતાં બંગાળના આગમનીની વધુ નજીક લાગે છે. આ ગીતોમાં અભિવ્યક્ત થતી કોમળ અને મધુર લાગણીઓ વાતાવરણને પ્રેમ અને ભક્તિમય બનાવે છે. સતીશચંદ્રે આ આગમની ગીતોનું ગુજરાતી ભાષાંતર કર્યું છે.

બંગાળી લખાણોમાં ઉચ્ચારણ ફરક છે. ગીતો મૂળ બંગાળી મૂળાક્ષરો પ્રમાણે સામાન્ય રીતે લખાયેલાં છે, પરંતુ અમુક સ્થાને ઉચ્ચાર પ્રમાણે પણ લખાણ કરેલું હોવાથી ગુજરાતી સમાજને અભિપ્રેત એવા ભાવાર્થ એમાં રજૂ કરવામાં આવ્યા છે. બંગાળી આગમની ગાનનું બેલુર મઠ દ્વારા થયેલું અંગ્રેજી ભાષાંતર, રામચરિત્ર કથામૃતમાં રામકૃષ્ણ પરમહંસ દ્વારા થયેલું વિવરણ તથા ક્ષિતિમોહન સેન દ્વારા અપાયેલા આગમની ગાનની સમજૂતી દ્વારા આ ગીતો સમજાવવામાં આવ્યાં છે.

દાસરથી રાય જેવા પ્રાચીન કે પછી હરીન્દ્ર કુમાર બસુ જેવા ઠીક ઠીક અર્વાચીન કવિઓની કલમ અને કંઠથી ટપકતાં આ ગીતો ભક્તિરસને અનેક પટ ચઢાવીને ભાવકને અદ્ભુત અનુભૂતિ કરાવે છે. નાની ઉંમરે સાસરે વળાવેલી પુત્રી તરફ માતાના વાત્સલ્ય ભાવની અભિવ્યક્તિ, ઉમામાં પુત્રીભાવનું આરોપણ, જમાઈ ગમે તેટલો સારો હોય તો પણ સ્વાભાવિક અણગમો પણ આ પદોમાં વર્તાય છે. લાડમાં ભાણેજને ખાઉધરો અને પાંચમોઢાળો કહેવાની ચમત્કૃતિ, શ્વશુર ગૃહનું ઐશ્વર્ય એ ઉમાની જ દેન છે અને તેના વડે જ શિવજીનો સંસાર ચાલે છે. ઉમા વિના બધું ય શૂન્ય છે ... જેવા અનેક ભાવની ઝાંખી આગમની ગીતોમાં છે. કેટલી ય ગુજરાતી ભક્તિરચનાઓમાં આગમની ગીતોનો પ્રભાવ જોવા મળે છે.

સ્નેહલ મુઝુમદાર કહે છે, "આગમની ગીતોમાં શાસ્ત્રીય સ્પર્શ છે, પરંતુ શાસ્ત્રીય સંગીતનો ભાર બિલકુલ ન જણાય. વહેતાં ઝરણાં જેવાં સરળ, સુંદર અને ભાવપૂર્ણ આ ગીતો હોવાથી સતીશચંદ્ર વ્યાસે અનૂદિત કરેલાં ગુજરાતી આગમની ગીતો હું મૂળ ઢાળને બરકરાર રાખી મારી રીતે સ્વરબદ્ધ કરી રહ્યો છું. કેટલાંક ગીતો નવો સ્પર્શ આપીને બનાવું છું. મૂળ ગીતો રાગ-તાલ સાથે જુદા જુદા કવિઓએ રચ્યાં છે. મુંબઈમાં આગમની ગીતોનો કાર્યક્રમ થયો હોય એવું ધ્યાનમાં નથી, પરંતુ આ ખૂબ અનોખો પ્રોજેક્ટ છે.

આગમની ગીતોમાં ગિરીશચંદ્ર ઘોષ જે ભાવ લાવે છે એ સૌથી નિરાળો છે. અન્ય ગીતોમાં માતા દીકરીને સ્વગૃહે આવવા વીનવે છે, જ્યારે આ ગીતમાં દીકરી માતાને કહે છે કે ‘તું ય ભૂલી ગઈ મા! હતી હું વ્યસ્ત હર સેવામાં! જે મારા વિણ કશું ન ભાળે એ શિવજીને સુખ દેવામાં!’ શિવજી જેવા યોગીની પત્ની તરીકે પડતી તકલીફોનું પણ એ ગીતમાં વર્ણન છે.

આ લખાય છે ત્યારે રામનવમી છે. એ વિશે પણ સતીષચંદ્રજીએ રસપ્રદ વાત કરી. આપણે ત્યાં દેવઊઠી અને દેવપોઢી અગિયારસ છે. અષાઢી એકાદશીથી કારતક મહિનાની એકાદશી સુધી દેવી-દેવતાઓ આરામ કરે એમ કહેવાય છે, પરંતુ રામનવમીએ ભગવાન રામે રાવણનો વધ કરવા મા દુર્ગાને જગાડ્યાં હતાં. બંગાળનું કૃતવાસ રામાયણ વિશિષ્ટ છે, કારણ કે તેમાં મા દુર્ગાની સ્તુતિ કરતા ભગવાન રામને સુપેરે વર્ણવેલા છે. તેથી ચૈત્ર માસમાં ભગવાન રામચંદ્રજીનો જન્મ અને ચૈત્રી નવરાત્રિ બન્નેનું સંમિશ્રણ કરી સંયુક્ત ભક્તિગાન કરી શકાય એવા પ્રબંધ આ રામાયણમાં છે. માતાને જગાવવાની ક્રિયાને બંગાળીમાં પાતિયાબોધન કહે છે તેનું જે પ્રસિદ્ધ ચિત્ર છે એ જ લેખમાં સામેલ કરવામાં આવ્યું છે.

આમ, આ ચૈત્રી નવરાત્રિ દરમ્યાન સંગીતનું એક નવું જ પાસું જાણવા મળ્યું એ આનંદ સાથે મા દુર્ગા અને ભગવાન શ્રીરામ પાસે એક જ પ્રાર્થના કરીએ કે વાઇરસરૂપી રાક્ષસનો વધ થાય અને આપણે ફરીથી સામાન્ય જીવન જીવી શકીએ.

--------------------

ગિરિ, ગણેશ છે શુભકારી!
એની પૂજાથી માતા મળે ને થશું,
ચંદ્રમાળા અધિકારી ...!
ગિરિ, ગણેશ છે શુભકારી!

બીલી વૃક્ષ નીચે કરીશું સ્થાપન
ગણપતિ સાથે ગૌરીનું આગમન!
ગૌરીનું ભ્રમણ, ગૌરીનું શ્રવણ
સાથે આવશે શિવ જટાજૂટ ધારી
ગણેશ છે શુભકારી! ગણેશ છે શુભકારી!

લખમી સરસ્વતી માતાના ખોળે
આભમાં ચઢ્યા બે ચંદ્ર હિલોળે!
સુરેશ અને ગણેશ વિના ભીંજાઈ જાતી
આંખ અમારી!
ગણેશ છે શુભકારી! ગિરિ, ગણેશ છે શુભકારી!

કવિ : દાસરથી રાય    •   ભાષાંતર : સતીશચંદ્ર વ્યાસ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=689166

Category :- Opinion / Opinion