મોક્ષ

પ્રતિષ્ઠા પંડ્યા
18-04-2021

લે ઉછીના શ્વાસ આપું હું તને એકાદ-બે
ડૂબાડ એમાં રહીસહી સઘળી ય જિજીવિષા
ને બંધ આંખોની તળેટીના અંધકારમાં
લપાઈ જા ચૂપચાપ, જીદ ન કર અજવાસની
રહી અટકી ડૂમાની જેમ વચોવચ હજી
એ જીવ-ઝંખના ....
વહી જવા દે
જવા દે ઓગળી એને
એમ્બ્યુલન્સોની વિહ્વળ સાયરનોની જેમ હવામાં
ચારેતરફ રહ્યાં પડઘાતા મંત્રોચાર સમા આક્રંદમાં
કાન ઉપર દઈ દે દાબી સજડ
સડક પર પથરાઈ  ભારીખમ નિર્જન
ધગધગતી એકલતા બધી
સુકાઈ ગઈ છે તુલસી ઘરની
લે ધરી નારાયણી નામ ગમતું તારી જીભે
દે ઉતારી ગટગટ ગળામાં
યાદોના ગંગાજળિયા ઘૂંટ બે.
ધોઈ પછી ઉના આંસુઓમાં દેહને  
લીંપ ચંદન સ્પર્શનાં સ્વપ્ન અંગેઅંગ તું
ને પછી જોડીને હાથ પોતાના પોતાની છાતી ઉપર
ઓઢી લે ધોળીધબ વેદનાના પોત તું માથા પરે  
બંધ આંખોમાં રાખી ટગમગતી પ્રેમજ્યોત પાતળી  
આ ખોખલા શરીર તળે
થઇ સુક્કા ઘાસનો ઢગલો પડી જે જિંદગી
રાહ જોતી વર્ષોથી કોઈ અગનઝાળની  
નાખી એક નિસાસો સળગતો આખરી એ પરે  
પેટાવ તું આજ ભડભડ ચિતા પંડની.

Category :- Poetry