મોતની તાકાત શી મારી શકે ... 'ઈર્શાદ'ને !!

અરવિંદ વાઘેલા
19-03-2021


'ઈર્શાદ' હવે આજ પછી એક શબ્દ થઇ ગયો,
પર્વતને નામે પથ્થર ને પાણી બની વહી ગયો.'

વસંતના પૂરબહાર દિવસોમાં, ૧૯મી માર્ચ ૨૦૧૭ના દિવસે, શબ્દસ્થ થયેલા સર્જક ચિનુ મોદીની વિદાયથી ગુજરાતી સાહિત્યમાં ન પૂરી શકાય એવો અવકાશ ઊભો થયો છે. એમના શબ્દો પ્રમાણે -

'શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો
તાંતણો કેવો હતો? તૂટી ગયો'

ગુજરાતી સાહિત્યના  પ્રતિભાશાળી સર્જક અને ઝિંદાદિલ શાયરને 'અભિદ્રષ્ટિ' સાદર શ્રદ્ધાંજલિ - શબ્દાંજલિ પાઠવે છે ત્યારે રમેશ પારેખના આ શબ્દો યાદ આવે છે.

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહિ મૌનમાં શું બોલીએ ?
 બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
 આ અમે ઊભા છીએ તસ્વીરમાં શું બોલીએ ?

સર્જક ચિનુ મોદીનાં વ્યક્તિત્વના બે પાસાં છે, એક સાહિત્યિક અને બીજું બિન સાહિત્યિક, અંગત છતાં બિનઅંગત એવાં એમના બંને પાસાં ખૂબ પ્રબળ છે. એટલે જ તો કવિ ખુમારીપૂર્વક કહી શકે છે. -

'ઠાઠ ભપકા એ જ છે ઇર્શાદના !
ઘર બળે તો તાપી જોવું જોઈએ.'

વતનનું ગામ કડી, જન્મ વિજાપુરમાં, ઉછેર મોસાળ ધોળકામાં અને ઘડતર અમદાવાદમાં ૩૦મી સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ માતા શશિકાન્તાબહેન અને પિતા ચંદુલાલ મોદીના ઘરે જન્મેલ ચિનુ મોદી બાલ્યાવસ્થાથી જ વિદ્રોહી સ્વભાવના હતા. પાંચમાં પૂછાતા પ્રતિષ્ઠિત પિતાની ઈચ્છા હતી કે પુત્ર 'કાવ્ય ફાવ્યના ચાળા છોડી' I.A.S.ની પરીક્ષા આપે. પરંતુ સ્વતંત્ર મિજાજના ચિનુભાઈએ પિતાને ધરાર ના પાડી. - 'એ નહિ બને.' પિતાનો પિત્તો છટક્યો અને વ્યંગસભર વાકબાણ નીકળ્યાં - 'તો ગુજરાતી લે જો ને માસ્તર થજો' સાચે જ ચિનુ ભાઈએ પિતાના આ શબ્દોને સાચા ઠેરવ્યા ! એસ્થર ડેવિડ જેવાં વિદુષી એમને વિષે નોંધે છે કે -' Chinu Modi is a Poet born out of rebellion, everything in his life more or less against 'THE SYSTEM’. (પૃ. ૯૩, ઈંટર વ્યુ) બંડખોર મિજાજના ચિનુભાઈને હંમેશાં 'ઓથોરિટી' સામે સખત વિરોધ રહ્યો છે. પછી એ પિતા હોય કે પરમાત્મા !! નમતું ન જોખે , નમે પણ નહિ, જીવનમાં અને સર્જનમાં ક્યારે ય સમાધાન ન કરે એવા ખુમારીવાળા સર્જક. જે.કૃષ્ણમૂર્તિના આ શબ્દો એમને માટે બિલકુલ યથાર્થ છે. 'મન, વિચાર અને માન્યતાથી મુક્ત હોય છે ત્યારે જ (સર્જક) સાચી રીતે સક્રિય બને છે.' એમના જીવનનું પ્રતિબિંબ એમના આ શેરમાં જોઈ શકાય છે કે -

 'કયારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
 થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી'

આમ છતાં હિંમત હાર્યા વિના સતત સંઘર્ષ કર્યો, સંઘર્ષ પણ કેવો ? ગામડેથી અમદાવાદ આવ્યા ત્યારે સતત લઘુતાગ્રંથિથી પીડાય. બાહ્ય દેખાવ પણ સાવ ભદ્દો અને ભોટ જેવો, એમાં પાછી ઊંચાઈ ઓછી  ... મોંમાંથી લાળ નીંગળે, નાકમાંથી લીંટ ...! શિક્ષકોનો માર અને મિત્રોની મશ્કરી સહન કરી અંદર અંદર મૂંઝાય, આંસુ સારે, દસમું પાસ કર્યા પછી પ્રિ.આર્ટસના વર્ગમાં સ્કૂલ યુનિફોર્મ પહેરીને ગયેલા અને તેમાં પાછા મોડા પડ્યા. વર્ગમાં જવા એસ.આર. ભટ્ટ સાહેબની રજા માંગી તો ભટ્ટ સાહેબે સ્કૂલનો છોકરો ગણી કહેલું કે - 'બાબાભાઈ આ તો કોલેજ છે, સ્કૂલ નથી’. પોતાનું નાનકડું શરીર અને બેંચો મોટી ! આથી ભટ્ટ સાહેબે છોકરીઓની બેંચ પર બેસાડેલા !

આટલી બધી તકલીફોમાંથી ચિનુ મોદી કેવી રીતે બહાર આવ્યા હશે ? કેવી રીતે આટલી બધી કન્યાઓના પ્રિય બન્યા હશે ? કેવી રીતે કવિતા કે ગઝલ કરતાં શીખ્યા હશે ? જિંદગીના આ ઉબડખાબડ રસ્તાઓ વચ્ચે માર્ગ કાઢી કઈ રીતે નરસિંહ મહેતા જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યો હશે ? કઈ રીતે વિદ્યાર્થીઓમાં આટલી બધી લોકપ્રિયતા મેળવી હશે ? એમના વિદ્યાર્થીઓ કહેતા કે - 'આવતે જન્મે બાપ બદલાય તો ચાલશે પણ અધ્યાપક તો તમે જ અને વિદ્યાર્થિનીઓ કહેતી કે આ જન્મે વર ગમે તે મળે પણ સર તો તમે જ !!' સલામ છે આ માણસને વ્યક્તિત્વનો આટલો વિકાસ ! એમનું ખમીર અને ખુમારી જ એમને અહીંયા સુધી લઇ ગયા.

ચિનુ મોદી સમયની સાથે સતત બદલાતા રહેલા સર્જક છે. જાતની કોઈ પણ નબળાઈ ને હિંમતપૂર્વક કબૂલી લેવાની એમની ભાવના. અનુભૂતિની સચ્ચાઈના સંવેદનને આલેખનાર ચિનુ મોદીને છુપાવવા જેવું કાંઈ નથી. જેવા છે તેવા જ દેખાય છે. 'જેઓ એમને ચાહે છે, એમના માટે ચિનુ મોદી છત બની જાય, જો કોઈ એમને સળી કરવા જાય તો કવિમાંથી કરવત બની જાય.' ચિનુભાઈ એ જાણતા કે મૈત્રી સાચી પણ હોય અને મૈત્રી કાચી પણ હોય છે, મૈત્રી સુખની અને સગવડની હોય છે, મિત્રોમાં કેટલાક તાળી-મિત્રો, થાળી-મિત્રો અને પ્યાલી-મિત્રો પણ હોય છે. આવી કહેવાતી મૈત્રી એ પામર મૈત્રી છે. કદાચ એટલેજ આ શેર આવ્યો હશે.

-'પથ્થરો પોલા હશે કોને ખબર ?
મિત્રો સહુ બોદા હશે કોને ખબર ?
એમની આંખો ભીંજાઈ 'તી ખરી,
આંસુઓ કોરા હશે કોને ખબર ?'

પરંતુ ચિનુ મોદીની મિત્રતા ઉદાહરણરૂપ હતી. તેઓ મિત્રોના મિત્ર હતા. 'આદિલ' મન્સૂરી અને લાભશંકર ઠાકર સાથેની એમની મિત્રતા અનોખી છે. મનહર મોદી, રમેશ શાહ, સરૂપ ધ્રુવ, દલપત પઢિયાર જેવાં અનેક સમકાલીનો સાથે એમને પાકી મિત્રતા રહી એ એમના સ્વભાવની નિખાલસતાને કારણે જ.

ચિનુ મોદી, આદિલ મન્સૂરી અને લાભશંકર ઠાકરની ત્રિપુટીએ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા સંદર્ભે નવોન્મેષ પ્રગટાવ્યો. ગુજરાતી સાહિત્ય જગતમાં એમના પરાક્રમો ખૂબ જાણીતા છે. છંદના મહારથી એવા આ ત્રણે સર્જકોએ છંદ છોડી અછાંદસ લખવાનો નિર્ણય કર્યો અને આદિલના શબ્દોમાં 'છંદ પરંપરામાંથી સ્પિરીચ્યુઅલ વોકઆઉટ' કર્યો. 'કુમાર'ના બચુભાઈને આનાથી ભારે આઘાત લાગ્યો હતો. પરંતુ નવા પ્રયોગો માટે કટિબદ્ધ બનેલા આ ધુરંધરોએ ' રે ' નામનું પરંપરાભંજક મેગેઝિન શરૂ કર્યું અને  શરૂઆત એના સ્પેલિંગથી જ કરી, આદિલ મન્સૂરીએ 'રે'નો ઉટપટાંગ સ્પેલિંગ 'ZREAYGH' રાખી સૌને બોચી ખંજવાળતા કરી દીધેલા. આ ઉપરાંત 'ઉન્મૂલન', 'ઓમિસિયમ' જેવા પરંપરાથી ઊફરા ચાલનાર સામયિકો ચલાવ્યા. ચિનુ મોદીએ આમાં તંત્રી તરીકે સેવા આપેલી.

'રે'ની પાછળ ‘મઠ' લગાવી 'રે મઠ’ નામની સંસ્થા સ્થાપી, લા.ઠા.ની ક્લિનિકના ઉપરના માળે એનું કાર્યાલય રાખ્યું અને સરનામું પણ કેવું આપ્યું ? -  'રે મઠ' સારંગપુર ચકલા, મૂતરડી સામે, સાક્ષરભૂમિ, અમદાવાદ. આ સંસ્થાના ઉપક્રમે અનેક પ્રયોગશીલ કૃતિઓ રચાઈ તો વળી આ સંસ્થાએ થોડા અજુગતા લાગે તેવા કાર્યક્રમો પણ આપ્યા. જેમાં ખાસ કરીને સંસ્થાના સભ્યોએ જાહેરમાં બુટપોલિશ કરવાનો, ગળતેશ્વર નદીના પટમાં જીવતે જીવ મરી ગયેલા સાક્ષરોને અંજલિ આપવાનો (આ કર્મકાંડ અબોટિયું પહેરી નદીમાં ઊતરીને રાજેન્દ્ર શુક્લએ કરેલો) અને સાહિત્યકારને ઘોડાની નાળ ચંદ્રકરૂપે આપવાનો ટીખળી અને તોફાની કાર્યક્રમ કરી વિદ્રોહનું સૂચન કરી દીધું . 'આકંઠ સાબરમતી' અને 'શનિ સભા' પણ એમની આધુનિક વિચારધારાની સંસ્થાઓ રહી.

કવિ ચિનુ મોદી ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ સર્જક હતા. જીવનને તેઓ પોતાની શરતોથી જીવ્યા. એસ્થેટિક પ્લેઝર - આનંદ એ જ એમની સર્જનાત્મક પ્રવૃત્તિનો ઉદ્દેશ હતો. સમાજ અને સાહિત્યના વિધિ નિષેધો સામે હંમેશાં બંડ પોકારનાર ચિનુ મોદીને આ કારણથી ઘણું વેઠવું પડ્યું. 'વિધાન' માટે સુમન શાહે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપતાં તેઓ નિખાલસ કબૂલાત કરે છે કે - 'મારા અસ્વીકાર માટે મારી કૃતિઓ કરતાં, મને જે લાગ્યું તે કહેવાની ટેવ કારણરૂપ છે. ઉમાશંકરથી માંડીને મેં કોઈને છોડ્યા નથી . 'ઉન્મૂલન'માં મેં ઘણાના ઢીમ ઢાળી દીધેલાં; પણ, એમાંના કેટલાક જીવતાં રહ્યા તે ગણી ગણીને વેર વાળી રહ્યા છે. વાંક મારો છે, અન્યનો નથી. સત્યની કિંમત ચૂકવવાનો આનંદ અનેરો છે.' (પૃ. ૩૬, ઈંટરવ્યુ) એટલે જ આ શેરમાં તેઓ કહે છે કે - 

'કયારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી'

બહુમુખી પ્રતિભાના સ્વામી ચિનુ મોદીના વ્યક્તિત્વના વિવિધ રંગો આપણને એમની સાચી ઓળખ કરાવે છે. એક વાર સાહિત્ય અકાદમીના એક કાર્યક્રમમાં કાવ્યપઠન નિમિત્તે મિત્રો સાથે હૈદ્રાબાદ જવાનું થયેલું. ત્યાં ઉતારે ચિનુભાઈ લુંગી - ચુંગી(સિગારેટ)ના બિન્દાસ્ત વેશમાં પત્તાબાજીમાં મશગૂલ, વિનોદ ભટ્ટે ચિનુભાઈના આ અભદ્ર સંનિવેશ અંગે ટકોર કરી તો એમણે બેધડક ચોપડાવેલું - 'તું જાણે છે કે હું તો નાગો માણસ છું' (પૃ.૨૪, ઈંટરવ્યુ) તો વળી એકવાર વર્ગમાં ગુરુ ઉમાશંકર જોશીએ એક સોનેટ પાછું ફરી સુધારવા આપ્યું. ચિનુ મોદીએ ઉમાશંકર જોશીને - 'પેલું કરી કાઢ્યું' એમ કહેલું તો હળવા મૂડમાં ઉમાશંકર જોશીએ કહ્યું કે - 'આ તો તમે લઘુઓ જ બદલ્યા છે.' હાજર જવાબી ચિનુ મોદીએ તરત કહેલું કે - 'ગુરુઓ તો ક્યાંથી બદલાય ?' કવિના મજાકિયા સ્વભાવના આ ઉદાહરણ સાથે એમની  સંવેદનશીલતાને દર્શાવતો આ પ્રસંગ જુઓ - 'એક વાર ત્રણ દરવાજાથી ભઠિયારગલી પાસેના પાનના ગલ્લાવાળા બારેક વર્ષના એક મુસ્લિમ છોકરાએ ચિનુ મોદીને કવિ હોવાને લીધે કપૂરી, કમ ચૂના, લવલી, ઈલાયચી, સેવર્ધનવાળું પાન પોતાના તરફથી વગર પૈસે ખવડાવેલું ત્યારે આવા નિર્વ્યાજ પ્રેમે એમની આંખમાં આંસુ લાવી દીધેલા. આ સંદર્ભે કવિ કહે છે કે આવા અપેક્ષારહિત સંબંધ બાંધનારા મને મળ્યા નથી અને એટલે હું ગઝલ લખ્યા કરીશ. એક વ્યક્તિના કેટકેટલા રંગો ?

પોતાનાં કાર્યો પ્રત્યે સ્પષ્ટ હોવાને કારણે જીવનમાં કદીયે ગિલ્ટનો અનુભવ કર્યો નથી. તેઓ પોતે કબૂલે છે કે '.... એવું હું કરતો જ નથી કે જે મને ખોટું લાગતું હોય. સમાજને કદાચ ખરાબ લાગતું હોય, ખોટું લાગે, અનિષ્ટ લાગે, અનૈતિક લાગે પણ હું મને જે અનૈતિક લાગે એવું ક્યારે પણ કરતો નથી. ' (પૃ. ૮૪, ઈંટરવ્યુ) પોતાના બીજા લગ્ન વિશે પણ નિખાલસ અને પેટ છૂટી વાત કરતા કહે છે. ત્રણ ત્રણ વાર સમજાવીને પાછી કાઢેલી છોકરી 'જ્યારે ચોથી વાર ઘર છોડીને આવી ગઈ ત્યારે મને લાગ્યું કે આ છોકરી મારા વગર જીવી નહિ શકે. હું એની સાથે પરણવા તૈયાર થઇ ગયો' (પૃ. ૬૩, ઈંટરવ્યુ ) ૧૯૭૭ના મે માસની ૧૬મી તારીખે ચિનુ મોદીમાંથી 'ઈર્શાદ' અહેમદ ઈર્શાદ બન્યો. ધર્મપરિવર્તન કરી મુસલમાન બનેલા ચિનુભાઈએ સરૂપ ધ્રુવ અને દલપત પઢિયાર જેવા મિત્રોની સાક્ષીએ મીનાક્ષી સાથે નિકાહ પઢી. તેવીસ દિવસનો પ્રેમ ચિનુભાઈની ચેતનાને ચલિત કરી ઈર્શાદ બનાવે છે અને ચોવીસમાં દિવસે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા, પણ આ લગ્ન ૨૪ કલાક પણ ન ટક્યા !! દુલ્હનના પિતાએ ભોળપણનું એવું ષડયંત્ર રચ્યું કે મીનાક્ષીની ચેતવણી - 'તમે મારા બાપના વચનમાં વિશ્વાસ ન મુકશો; એ મને … તમારા હાથમાં નહી સોંપે.' (પૃ. ૬૫, ઈંટરવ્યુ) છતાં હું સસરાની જાળમાં ફસાયો અને ૨૪ કલાક પહેલાં જ દુલ્હન ગુમાવી. મારો 'ઈર્શાદગઢ' તૂટીને ધરાશાયી થઈ ગયો. બીજી વારની પત્ની પાસેથી મને માત્ર અને માત્ર એક તખલ્લુસ મળ્યું  'ઈર્શાદ' ! પ્રેયસી અને પત્ની ગુમાવ્યાં પછી કવિની ગઝલ વધુ ચોટદાર બની. પ્રિયતમા ગુમાવવાની એ વેદના ક્યાંક ને ક્યાંક મૃત્યુપર્યંત આ રીતે અભિવ્યક્ત થતી રહી.             

- 'આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
 આંખને ખૂણે હજીયે ભેજ છે.' 

ચિનુ મોદી બિલકુલ ટ્રાન્સપરંટ - પારદર્શક માણસ હતા. તેઓ પોતાના એક ઈંટરવ્યુમાં કહે છે કે - 'મારું જીવન એક્સ રેની પ્લેટ જેવું છે. બધું આરપાર જોઈ શકાય તેવું. એમાં ક્યાંક કાળાં ધાબાં છે તો એ પણ જોઈ શકાય તેવા છે. ' (પૃ. ૬૩, ઈંટરવ્યુ) કવિની કુંડળીમાં શુક્ર સંદર્ભે અભિનવ કાન્તાગ્રહ સતત સળવળાટ કરતો રહ્યો છે. એને કારણે એમના વિશે અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું. સુભાષ શાહને એમણે એક વાર કહેલું કે - 'મારા વિશે જેટલી લોકોને જાણ હોય છે એટલી મને નથી હોતી. એટલે કોની સાથે મને સંબંધ થયો, કોની સાથે ના થયો !! મારી એક વાત નક્કી છે કે પુરુષોની ઈર્ષાએ મને બહુ પોપ્યુલર બનાવ્યો છે.'  (પૃ. ૫૨, ઈંટરવ્યુ ) અને આમ પણ 'ગરુડની જેમ ઊંચે ઉડ્ડયન કરવાની ક્ષમતા કેળવાય એ પછી જ પારધીઓની નજર તમારા પર પડતી હોય છે.' ( એકત્રીસ સુ.મુ. પૃ.૨૩૦) 'ઈર્શાદ'ને જેટલા વગોવવામાં આવ્યા છે એટલા ખરાબ જણ એ નથી. એનું એક જ ઉદાહરણ કાફી છે. ચિનુભાઈની વિદ્યાર્થિનીઓ જ્યારે એમ કહે કે - 'આ જન્મે વર ગમે તે મળે પણ સર તો ચિનુ મોદી જ' અને એટલે જ કદાચ સાહિત્યકાર કરતાં શિક્ષક તરીકે તેઓ વધુ સંતોષ વ્યક્ત કરે છે.

 ગુજરાતી સાહિત્યના આ મહાન સર્જકની શબ્દોપાસના તરફ પણ એક નજર કરીએ તો એમના સર્જક વ્યક્તિત્વની ઊંચાઈને પામી શકાય.

- 'પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
 'ઈર્શાદ' આપણે તો ઈશ્વરને નામે વાણી.'  

કવિતાને પોતાનો FIRST LOVE ગણતા ચિનુ મોદી, ગઝલને પોતાની રોજનીશી કે આત્મકથા તરીકે ઓળખાવે છે. આથી અનેકોના આગ્રહ છતાં એમને આત્મકથા લખવાની ખાસ ઈચ્છા નહોતી પરંતુ પછી - 'સ્વયંને જ કહેવાની ઈચ્છા થઇ' અને ગુજરાતી ભાવકોને જલસા કરાવી દે એવી આત્મકથા ' જલસા અવતાર ' આપી. કવિતામાં 'ઊણઁનાભ', 'દેશવટો, 'ક્ષણોના મહેલમાં' અને 'ઈર્શાદગઢ' એ સિવાય નાટક, નવલકથા, નવલિકા, ખંડ કાવ્ય, આખ્યાન, સંશોધન, સંપાદન, વિવેચન અને અનુવાદ જેવા વિવિધ પ્રકારોમાં સફળતાપૂર્વક કલમ ચલાવી લગભગ ૫૫ જેટલાં પુસ્તકો આપનાર ચિનુ મોદીના મતે  કવિતામાં એમને પોતાની ગઝલો પ્રત્યે અનન્ય લગાવ છે. આ સિવાય ૭,૦૦૦ પંક્તિઓમાં લખાયેલું દીર્ઘકાવ્ય 'બાહુક', એક જ છંદ શિખરીણીમાં ૩૦૦ પંક્તિઓ રચી 'વિ - નાયક' આપ્યું, પ્રેમાનંદની આખ્યાનશૈલી પ્રમાણે રચાયેલું 'કાલાખ્યાન' એ એમને પ્રિય કૃતિઓ છે. નાટકને Make believeની કલા માનનાર સર્જક, નાટકને પ્રેક્ષકના જીવાતા જીવન સાથે સંબંધિત હોવું અનિવાર્ય પણ માને છે. પ્રેક્ષકોની કલ્પનાશક્તિ પર ભરોસો રાખનાર આ સર્જક - દિગ્દર્શક પાસેથી ‘જાલકા', 'ઔરંગઝેબ', ‘અશ્વમેઘ', જેવાં નોંધપાત્ર નાટકો મળ્યાં છે. નવલકથામાં 'કાળો અંગ્રેજ' અને  લિસોટા (લીલા નાગ) ખૂબ ગમે છે. એકાંકીઓ 'ડાયલના પંખી', 'કોલબેલ', 'હુકમ માલિક' તેમ જ એબ્સડઁ એકાંકીઓ બધા જ ગમે. નવલિકાઓમાં 'ઘોડો', 'તડકો'  અને ' સાદી સમજ' ને તેઓ  શ્રેષ્ઠ ગણે છે. સંશોધન ક્ષેત્રે - 'ખંડ કાવ્ય સ્વરૂપ -વિકાસ' વિશે નોંધપાત્ર કામ કર્યું. 'વસંત વિલાસ'નો અનુવાદ પ્રારંભે કરેલું મહત્ત્વનું પ્રદાન છે. આટલું માતબર પ્રદાન કરનાર ચિનુ મોદીનો પ્રથમ પ્રેમ તો ગઝલ જ છે. જુઓ એમના જ શબ્દોમાં -        

'લાખ જણ લખતા જીવીને કેટલા લખતા ગઝલ ?
આપણી પાસે ફક્ત 'ઈર્શાદ'નું દ્રષ્ટાંત છે.' 

ચિનુ મોદીની 'ગરલ' વિજાપુરીમાંથી 'ઈર્શાદ' બનવા સુધીની જીવન અને સર્જનયાત્રા અનેક ઉતાર ચઢાવવાળી અને રોમાંચક રહી છે. સૌ પ્રથમવાર જવાહરલાલ નહેરુ પર કવિતા લખી બીતાં બીતાં નિરંજન ભગતને બતાવી. ભગત સાહેબે ગુરુમંત્ર આપ્યો - 'તને આ ઉમરે જે થાય છે તેની કવિતા લખ અને છંદમાં લખ .... છંદ શીખી જા'. ૧,૬૦૦ વીઘાં જમીનનો વારસદાર કવિ ન બની શકે, પણ ૧૬ વર્ષની સુંદરીએ આ ચમત્કાર કર્યો .. અમદાવાદમાં પડોશમાં રહેતી એક ખ્રિસ્તી છોકરી સાથે ચિનુ મોદીને પ્રેમ થયો અને પ્રથમ કાવ્ય રચાયું ..

- 'અંતર મારું એકલવાયું કોને ઝંખે આજ,
કામણ કોના થઇ ગયા કે ના સૂઝે રે કાજ'.

ભગત સાહેબને આ કાવ્ય ખૂબ ગમ્યું. કવિ બનવાની લગની એવી લાગી કે રતિલાલ જોગી પાસેથી છંદ શીખ્યા, મનહર દિલદાર નામના મિત્રએ રદિફ - કાફિયા, મત્લા-મક્તાની તાલીમ આપી અને કવિ ગઝલ તરફ વળ્યા. માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક, જીવન પ્રત્યેની નિર્ભ્રાંતી, જીવનની એકવિધતા અને કંટાળો જેવા વિષયો અને આધુનિક સંવેદના એમની ગઝલની ઓળખ બનવા માંડી. એમની આ વિદ્રોહી વિચારધારાને 'રે મઠ' અને 'આકંઠ સાબરમતી' જેવી પરંપરાભંજક સંસ્થાનું platform મળ્યું. આથી નૂતન અભિગમવાળી પ્રયોગશીલ રચનાઓ ચિનુ મોદી અને મિત્રોએ આપી.

ચિનુ મોદી નિરીશ્વરવાદી હતા છતાં તેમની ગઝલોમાં, ઈશ્વર અને મૃત્યુ જેવા વિષયો સતત  પડઘાતા રહ્યા છે. કદાચ આ એક નિરીશ્વરવાદી કવિની પોતાના શબ્દ પ્રત્યેની આસ્થા છે. 'ઈર્શાદ'ને મરવું ગમતું નથી, મૃત્યુની એમને બીક લાગે છે. સમય સામે સંઘર્ષ કરવા તેઓ છેલ્લી ક્ષણ સુધી લઢી લેવા ઈચ્છે છે. તેઓ તો કહે છે કે -

'મને એ ખબર પડતી નથી કે મારે શા માટે મરવું પડે,
જીવવામાં જલસા પડે છે. '
(પૃ. ૧૧૬, ઈંટરવ્યુ)

 - 'હવે થોડા સમયમાં આ જગાને છોડવી પડશે
તમારે, ઓ ખુદા, આવી પ્રથાને છોડવી પડશે.
મને અઢળક મજા આવી રહી છે જીવવામાં, તો
મને સમજાવશો, શાને ધરાને છોડવી પડશે ?'    

આ જિજીવિષાને કારણે જ તેઓ ભીષ્મની જેમ ઈચ્છામૃત્યુનું વરદાન ચાહે છે. પરંતુ પેલી તુર્કી કહેવત પ્રમાણે 'મૃત્યુનું કાળું ઊંટ એક વાર તો જરૂર દરેકને બારણે આવીને ઊભું રહે છે. '(ઝલક. પૃ.૨૬) એમ ૧૯મી માર્ચ ૨૦૧૭ના રોજ એમને પણ મૃત્યુ આપણી વચ્ચેથી દૂર લઇ ગયું. યમને કોઈ નિયમ નથી હોતા, મૃત્યુ મારી જીવવાની ઈચ્છાને ચલાવી લેવાનું નથી એવું તેઓ જાણે છે. ગઝલગુરુ ગાલીબના શબ્દોમાં એ પોતાને પણ જુએ છે કે - 'મર્યા પછી જ મારું ખરું મૂલ્યાંકન થવાનું છે, દરેક સર્જક માટે સાચા સિદ્ધ થવાનો આ એક જ ઉપાય છે : મૃત્યુ'.  'આપણો જન્મ એ આપણી ઈચ્છાનું પરિણામ નથી એમ આપણું મૃત્યુ પણ હંમેશાં આપણી ઈચ્છાની વાત નથી’ (ઝલક. પૃ.૧૫). પરમ આગળ આપણે પામર છીએ એટલું જાણી જઈએ તો એ પણ  પરમ તરફ જવાનો પુરુષાર્થ જ છે. કદાચ નિરીશ્વરવાદી ચિનુ મોદી એ જાણી ચુક્યા હતા એટલે જ તો ખુમારીથી કહી શકે છે.

 - 'સ્વર્ગની લાલચ ન આપો શેખજી ,
 મોતનો પણ એક મોભો હોય છે.'

સર્જકની અસંપ્રજ્ઞાત ચેતનામાં પડેલ મૃત્યુ જાણે - અજાણ્યે એમના સર્જનમાં અભિવ્યક્ત થતું રહ્યું છે. પણ એમાંયે બેફિકર અને બિન્દાસ્ત મિજાજના શાયર મૃત્યને હંમેશાં પડકારતા રહ્યા છે. જુઓ આ શેર - 

- 'પાંદડાઓ ખરે તો ડરતો નહિ,
વૃક્ષને 'ઈર્શાદ' કરગરતો નહિ.'

ચિનુ મોદીની સર્જક્તાએ એમને શીખવ્યું છે કે વિચાર, મૃત્યુ અને કળાકૃતિ સદાના અતિથિ છે, એમને પોંખવા ક્ષણે ક્ષણે જાગતા રહેવું પડે. એમને આવવાનું કોઈ મુહૂર્ત નક્કી નથી હોતું. આ સંવેદનને કવિ આ શબ્દોમાં મૂકે છે. -

'પોંખવાની પૂરી તૈયારી થઇ 
આવવા હા - ના હવે કરતો નહિ. આ સંદર્ભે'

અનિલ ચાવડાનો શેર  જાણે ચિનુભાઈને માટે હોય એવું લાગે છે. જુઓ -

- 'શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?’

                                   (અનિલ ચાવડા)

ખરેખર પ્રેમાળ સર્જક ચિનુ મોદી આપણને એકલા મૂકી અનંતની વાટે ચાલી નીકળ્યા છે ત્યારે, આ લખનારને ગુજરાતી ભાષાના આ ઝિંદાદિલ શાયરનો પ્રેમ સંપાદન કરવાની નજીકના ભૂતકાળ જે એક - બે તક મળી એને મારું સદ્દભાગ્ય સમજુ છું એમની વિદાય રમેશ પારેખના શબ્દોમાં વર્ણવું તો -

- 'સાત જનમનો ડૂમો મારી આંખમાં ઘોળાતો,
 ડૂસકે ડૂસકે જાય ઢોળાતી વણબોલાતી વાતો.'
(  ર.પા. ત્વ પૃ.૧૪૧  )

મારા મુરબ્બી સર્જક પ્રત્યેનો આદર અહીં શબ્દાંજલિ રૂપે અર્પું છું પણ ….. ચિનુભાઈ તો એના પણ મોહતાજ નથી. એક સંતની અદાથી તેઓ તો કહે છે કે ...

- 'કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એ ય ઈચ્છા છે, હવે એ પણ ન હો.'

સી.યુ. શાહ આર્ટ્સ કૉલેજ, અમદાવાદ 380 001

**************

સંદર્ભ ગ્રંથ -

૧, જલસાઘર - ચિનુ મોદી

૨, ઈંટર વ્યૂ  - સંપાદક : ડૉ. જીતેન્દ્ર મેકવાન

૩, ઝલક - સુરેશ દલાલ

૪, એકત્રીસ સુવર્ણમુદ્રાઓ - સૌરભ શાહ 

૫, રમેશ પારેખની કાવ્યકળા - ડૉ. વર્ષા પ્રજાપતિ 

Category :- Opinion / Literature