૨૦૧૯માં ગુજરાતમાં કોમી હિંસા

હિરેન ગાંધી
14-03-2021

એક તરફ ‘કોરોના મહામારી’ સામેનું દ્વંદ્વ અને બીજી તરફ દેશની રાજધાનીને ચોતરફથી ઘેરીને ત્રણ નવા કૃષિ કાનૂનોના વિરોધમાં દેશના કિસાનોના આંદોલનનો વાસંતી વાયરો. આવા સમયમાં છેલ્લા ચાર દાયકાથી ગુજરાતમાં ધમધમતી સામાજિક-સાંસ્કૃતિક ફાસીવાદની પ્રયોગશાળા વિશે વાત કરવી કેટલી જરૂરી છે ? અલબત્ત જરૂરી છે. કેમ કે એનાં પરિણામો આજે દેશભરમાં પડઘાવા માંડ્યાં છે. એનું બીજું અત્યંત મહત્ત્વપૂર્ણ કારણ એ પણ છે કે, ગુજરાતમાંની એ પ્રયોગશાળા બંધ નથી થઈ ગઈ. દેશભરની રાજનીતિ ઉપર પોતાની સત્તા અને વર્ચસ્વની સ્થાપના કર્યા પછી પણ એ પોતાની સત્તાને હંમેશ માટે એકચક્રી બનાવવાની યોજનાઓ ઘડવાના અવિરત પ્રયાસો ચાલુ રાખવા માંગે છે.

‘બુનિયાદ’. ગુજરાતનું ભાંખોડિયા ભરતું નાનકડું સ્વૈચ્છિક સંગઠન. ગુજરાતનો નાગરિક સમાજ પણ એનાથી હજુ ખાસ પરિચિત નથી. હા, એનું નેતૃત્વ કરનાર યુવા સાથીઓને એ જરૂર ઓળખે છે, કેમ કે લગભગ ૨૦૦૨માં સર્જવામાં આવેલા ‘ગુજરાત જનસંહાર’ના સમયથી એ સાથીઓ કોમી એક્તા, ન્યાય, શાંતિ અને પ્રજાતંત્રની પુનઃસ્થાપનાના ઉદ્દેશ્યોને પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યા છે. આ જ ઉદ્દેશ્યોને માટે છેલ્લાં ત્રણેક વર્ષથી એમણે આ સંગઠન સક્રિય કર્યું છે. સાથે સાથે ‘અલ્પસંખ્યક અધિકાર મંચ’ નામનું એક અનૌપચારિક ખુલ્લું પ્લેટફોર્મ પણ કાર્યરત કર્યું છે. ગુજરાતમાં ક્યાં ય પણ સાંપ્રદાયિક હિંસાની કોઈ ઘટનાની ખબર મળે તો એકઠી કરે છે, એનો અભ્યાસ અને વિશ્લેષણ કરે છે તથા શક્ય હોય તો એક સમિતિ બનાવી એ ઘટનાનું ‘ફૅક્ટ ફાઇન્ડિંગ’(તથ્યોની શોધ) કરીને એ વિશે અહેવાલ અને વિશ્લેષણ તૈયાર કરે છે. છેલ્લાં બે વર્ષથી તેઓ ગુજરાતમાં બનતી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ વિશે સવિસ્તર વાર્ષિક અહેવાલ પણ તૈયાર કરે છે. ‘કોરોનાની મહામારી’ અને સંસાધનોની મર્યાદાના કારણે ૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં થયેલ સાંપ્રદાયિક હિંસાની કેટલીક ઘટનાઓ વિશેનો ખૂબ જ નોંધપાત્ર અહેવાલ તેમણે ૨૦૨૦ના ડિસેમ્બર અંતમાં પ્રકાશિત કર્યો. એ અહેવાલ ગુજરાત અને દેશભરના નાગરિક સમાજની આંખ ઉઘાડનારો છે અને સંવેદનશીલ આમ જનતાને ચોકાવનારો છે, કેમ કે ૨૦૦૨ પછી આજ સુધી ગુજરાત ‘શાંત’ છે, ‘વિકાસ’ની હરણફાળ ભરીને દેશના અન્ય રાજ્યો માટે ‘વિકસિત રાજ્ય’નું મોડેલ બની ચૂક્યું છે એવો પ્રચાર દેશભરના રાજકારણીઓ ઢોલ પીટી પીટીને કરી રહ્યાં છે.

આ ચિંતાજનક પરિદ્રશ્યની વચ્ચે ‘બુનિયાદ’નો ગુજરાતમાં કૌમી હિંસા વિશેનો ૨૦૧૯નો અહેવાલ શાંત પાણીમાં પથરાની જેમ પડે છે. શીર્ષક છે ‘પીસફુલ ગુજરાતઃ ઍન ઇલ્યુઝન ઑર ટ્રુથ?’ (‘શાંત ગુજરાતઃ ભ્રમણા કે સચ્ચાઈ?’).

અહેવાલની શરૂઆત ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા વિશેની કેટલીક પાયાગત માહિતીથી થાય છે. તેમાં ૨૦૧૯ની ઘટનાઓ અને ૨૦૧૮ની એવી ઘટનાઓના મહત્ત્વપૂર્ણ આંકડા રજૂ કરાયા છે. એ આંકડાઓનો એન.સી.આર.બી.(નેશનલ ક્રાઇમ રિપોટ્‌ર્સ બ્યૂરો)માં રજૂ થયેલ એ પ્રકારના ગુજરાતનાં આંકડાઓ સાથેનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરાયો છે. સંસ્થાની અભ્યાસ પદ્ધતિ તથા તેની મર્યાદિત પહોંચ અંગેની સ્પષ્ટતા કરાઇ છે. અહેવાલમાં જેની વિગતે ચર્ચા કરાઇ છે એવા સાંપ્રદાયિક હિંસાના બે મુખ્ય સ્વરૂપો - રમખાણ અને ભીડ દ્વારા હુમલો(મૉબ લિંચિંગ)ની વ્યાખ્યાઓ અને સમજૂતી રજૂ કરાઇ છે. આ ઉપરાંત એમાં આ પ્રકારની હિંસા પાછળનાં તત્કાળ કારણોની યાદી બનાવાઇ છે. તેમ જ માહિતી એકત્રીકરણ માટેનાં તેમનાં સંસાધનો અને પદ્ધતિની વાત કરી છે. મુખ્ય ધારાનાં બે અંગ્રેજી અખબારોમાં પ્રકાશિત થયેલ ખબરો ઉપરાંત કેટલાંક સ્થળે ‘તથ્ય તપાસ સમિતિ’ બનાવી પ્રત્યક્ષ રીતે પણ માહિતી એકઠી કરી છે. અલબત્ત એક દ્રષ્ટિએ આ અહેવાલ ‘સંશોધન અહેવાલ’ (રિસર્ચ પેપર) જેટલી ઝીણવટભરી અને તમામ માહિતીઓને નથી સમાવતો, પરંતુ એ પ્રતીકાત્મક અને ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાનાં વ્યાપક પરિદૃશ્યનો ઘણો ઉપયોગી અંદાજ જરૂર આપે છે.

અહીં ૨૦૧૯માં ગુજરાતમાં ‘કોમી હિંસા’માં કુલ છ બનાવોની છણાવટ કરાઇ છે. તેમ જ બે ‘મૉબ લિંચિંગ’ની ઘટનાઓ સમાવાઇ છે. એન.સી.આર.બી.ના આંકડા જોઈએ તો કુલ ૩૯ સાંપ્રદાયિક રમખાણો ગુજરાતમાં ૨૦૧૮માં નોંધાયા છે. જો કે ૨૦૧૯માં ‘કોમી હિંસા’ કે ‘મૉબ લિંચિંગ’નાં આંકડા રજૂ નથી કરાયાં. ૨૦૧૮ના આ સંદર્ભના આંકડાઓ ઉપર નજર કરીએ - સાંપ્રદાયિક રમખાણો ‘બુનિયાદ’ની નોંધ પ્રમાણે કુલ ૧૩ છે, અને ‘મોબ લિંચીંગ’ની ઘટનાઓ કુલ ૫ છે, જ્યારે એન.સી.આર.બી.ના અહેવાલ પ્રમાણે રમખાણો ૩૯ છે, ‘મૉબ લિંચિંગ’ કુલ ૪ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ એન.સી.આર.બી. પોલીસ સ્ટેશનો તથા ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ આંકડા દ્વારા એકઠા કરે છે. એ ‘મૉબ લિંચિંગ’ના આંકડા અલગથી નથી એકત્રિત કરતું. ‘બુનિયાદ’ની નોંધ પ્રમાણે ૨૦૧૯માં કુલ ૧૬ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ અને ૨૦૧૮માં ૩૩ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે ‘એન.સી.આર.બી.’ પ્રમાણે ૨૦૧૮માં ૫૯ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ. તેમ જ ૨૦૧૮માં ૩ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો અને ૨૦૧૯માં એક પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

‘બુનિયાદ’ના ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા સંદર્ભે પ્રકાશિત થયેલ અહેવાલમાં રજૂ થયેલ ઘટનાઓ ઉપર એક નજર નાંખીએ તો -

૧) ખંભાતઃ અહીં ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ના દિવસે ત્રણ દરવાજા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે એક રાષ્ટ્રીય મુદ્દાને લઈને સોશ્યલ મીડિયા ઉપર થયેલ વાદ-વિવાદના કારણે રમખાણ થયું હતું. મુદ્દો હતો - એ જ માસમાં કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય જવાનો ઉપર થયેલ આતંકવાદી હુમલો. આ ઘટના ઉપરથી બે મહત્ત્વપૂર્ણ તારણો સ્પષ્ટ થાય છે.

(અ) સોશ્યલ મીડિયા સાંપ્રદાયિક તણાવ - તોફાનો વધારવા માટે એક નોંધપાત્ર સાધન બની શકે છે. અને તેનો એ પ્રકારનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષોમાં સતત વધી રહ્યો છે.

(બ) રાષ્ટ્રીય સ્તરના મુદ્દા અને નફરતભરેલ સંદેશાઓ સ્થાનિક તંગદિલીમાં અંગારાનું કામ કરે છે.

આ પ્રસંગ પછીના બે જ દિવસમાં ત્યાં બે અલગ અલગ કોમનાં નાનાં બાળકો વચ્ચે ઝઘડો થયો અને એમાંથી હુલ્લડ ફાટી નીકળ્યું. થોડાં વર્ષ અગાઉથી ખંભાત ઉપર નજર નાખીએ તો સાંપ્રદાયિકતાના સંદર્ભે એ અત્યંત સંવેદનશીલ પુરવાર થતું રહ્યું છે.  

• ૨૦૧૨માં વકફ બોર્ડની જમીનો ઉપર દુકાનો બાંધવાના મુદ્દે ચુનારા (દલિત) અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયાં હતાં અને પાંચ ઘરોને એસીડ બલ્બ્સ, પેટ્રોલ બૉંબ વડે ખેદાન-મેદાન કરી નંખાયાં હતાં.

• ૨૦૧૬માં પીઠ બજાર નામના વિસ્તારમાં બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં બે કોમો સામસામે આવી ગઈ હતી. એમાંથી થયેલાં હુલ્લડો કેટલાંક વિસ્તારોમાં પ્રસર્યાં હતાં તેમ જ કેટલાંક ઘરો ઉપર પણ હુમલા થયા હતા. તથા એક મંદિર, મસ્જિદ અને દરગાહને પણ આગ ચંપાઈ હતી. ૨૦૧૭-૧૮માં પણ કેટલીક છૂટીછવાઈ ઘટનાઓ ત્યાં નોંધાઈ હતી.

૨) કોટડા ગડી (સાબરકાંઠા જિલ્લો) : ગામમાં એક આદિવાસી કિશોરી અને મુસ્લિમ યુવક લાંબા સમયના પ્રેમસંબંધને કારણે ગામ છોડીને ભાગી ગયેલ. સમય જતાં તેઓ ગામમાં પરત આવેલ. આ કારણે બંને સમુદાયો વચ્ચે ‘સમાધાન’ કરાવાયું હતું. શરતો મુજબ યુવક ફરી કદી ગામમાં પ્રવેશી ના શકે અને એના પરિવારે કિશોરીના પરિવારને રૂપિયા ૩૫,૦૦૦ ચૂકવવાના હતા. થોડા દિવસ પછી ફરીથી કિશોરી અને એ જ યુવક ફરાર થઈ ગયાં. પરિણામે આદિવાસી સમુદાયે ગામનાં મુસ્લિમ સમુદાય ઉપર હુમલો કર્યો અને બાર મુસ્લિમ પરિવારોએ હંમેશ માટે ગામ છોડીને ચાલ્યા જવું પડ્યું.

૩) ધૂનાદ્રા (ઠાસરા જિલ્લો) : અહીં રમખાણ એક બિન-હિન્દુ યુવતીની જાનના કારણે થયું હતું. જાન બેન્ડ-વાજાં વગાડતી અને ફટાકડા ફોડતી હતી. એ જ્યારે એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે ત્યાંના સ્થાનિક રહીશોએ બેન્ડવાજાં ના વગાડવાની અને ફટાકડાં ના ફોડવાની વિનંતી કરી. આ કારણે ત્યાં બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી.

૪) નાંદોલિયા (તાલુકો - કડી) : ઉત્તરાયણ દરમિયાન અહીં એક મુસ્લિમ યુવાને ભરવાડ યુવાનની પતંગ કાપી. એમાંથી ઝઘડો શરૂ થયો. મુસ્લિમ યુવક ઉપર ગાળાગાળી કરવાનો આક્ષેપ મૂકાયો. ઝઘડો વધ્યો ગામમાં વાતાવરણ તંગ થઈ ગયું. ગામના આગેવાનોએ મુસ્લિમ યુવકને ગામની બહાર કાઢી મૂક્યો. થોડા સમય પછી એ ગામમાં પાછો આવ્યો અને ભરવાડ યુવક સાથે ઝઘડવા માંડ્યો. પરિણામે ભરવાડ યુવકોએ ભેગા મળી ત્યાંના મુસ્લિમ રહીશો ઉપર હુમલો કર્યો અને એમનાં ઘરોમાં તોડફોડ કરી. પરિણામે ૩૫ મુસ્લિમ પરિવારો ગામ છોડી અન્યત્ર ચાલ્યા ગયાં.

૫) મોટી ખાવડી (જિ. જામનગર ) : અહીં પાંત્રીસેક વર્ષની માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ઉપર સાત જણાનાં ટોળાએ ચોરીનો આક્ષેપ મૂકી લાકડાં અને પ્લાસ્ટીકની લાઠીઓ વડે માર મારતાં મારતાં એને સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

૬) શાહીબાગ (અમદાવાદ) : મહેશ પરમાર નામના અઢાર વર્ષના એક દલિત ઉપર ચોરીનો આરોપ મૂકી ટોળાએ એને ઘાયલ કર્યો હતો. પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી જેલમાં પૂર્યો હતો. એની ખૂબ વિનવણીઓ પછી પોલીસે એને સિવિલમાં દાખલ કરાવ્યો હતો. મામલામાં કોઈના ઉપર ગુનો નોંધાયો નહોતો.

૭) એમ.એસ. યુનિવર્સિટી (વડોદરા) : આ યુનિવર્સિટીના કેમ્પસમાં એક સ્ટુડન્ટ યુનિયન ‘એન્ટી રેગીંગ (મહિલાઓની છેડછાડના વિરોધમાં) આંદોલન કરી રહ્યું હતું ત્યારે એ આંદોલનને યુવતીઓને આકર્ષવાનો મુદ્દો બનાવી એને ‘લવ જેહાદ’માં ખપાવી કેટલાંક હિન્દુ વિદ્યાર્થીઓએ પ્રચારિત કરવા માંડ્યો, કેમ કે આંદોલન કરનાર યુનિયનનાં ઘણાંબધાં વિદ્યાર્થીઓ મુસ્લિમ હતાં. મામલો બીચક્યો. પરસ્પર અથડામણો થઈ. અને છેવટે આઠ મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે પોલીસે એફ.આઈ.આર. દાખલ કરી.

૮) ધોળકાઃ અયોધ્યાની બાબરી મસ્જિદ અને રામ જન્મ સ્થળ નિમિત્તે લાંબા સમયથી ચાલતા કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો. એના અનુસંધાને અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩૬૧ની સાલમાં બંધાયેલી ટાંકા મસ્જિદ સંદર્ભે કેટલાંક અસામાજિક તત્ત્વોએ એક જબરદસ્ત વિવાદ ઊભો કર્યો. એમણે સોશ્યલ મીડિયાનાં માધ્યમથી એવી અફવા ફેલાવવા માંડી કે આ મસ્જિદની જગ્યાએ એક મંદિર હતું અને તેને તોડી પાડીને મસ્જિદ બનાવાઇ છે. એ તત્ત્વો ૨૯ અને ૩૦ ઑગસ્ટ દરમિયાન મસ્જિદમાં ઘૂસી પણ ગયાં. છેવટે નાગરિક સમાજની એક સંસ્થાના હસ્તક્ષેપને કારણે પોલીસે મસ્જિદને રક્ષણ પૂરું પાડ્યું. સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદે શાસનકર્તાઓને એક મેમોરેન્ડમ આપ્યું અને દાવો કર્યો કે આ મસ્જિદના સ્થળે અગાઉ ‘ભીમનું રસોડું’ હતું અને ‘પાંડવોની શાળા’ હતી.

૯) શેહરા (જિ. પંચમહાલ) : અહીંની એક હિન્દુ યુવતી તેની માતાની સારવાર માટે માતા-પિતા સાથે અમદાવાદ ગઈ હતી અને ગુમ થયેલ. એને ‘લવ જેહાદ’નો ભોગ બનેલ યુવતી બનાવી કેટલાંક હિન્દુ સંગઠનોએ ‘હિન્દુ સમાજ’ના બૅનર નીચે એને શોધી લાવવાની હાકલ કરતી અને હિન્દુ સમુદાયને ઉશ્કેરણી કરતી એક રેલી કાઢી હતી તેમ જ ‘બંધ’નું એલાન પણ આપ્યું હતું.

૧૦) મહેસાણા : એક કૉલેજમાં અભ્યાસ કરતા એક મુસ્લિમ યુવાન અને હિન્દુ યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાને લઈને ‘વિશ્વ હિન્દુ પરિષદનો’ એક યુવા કાર્યકર ધમકીઓ આપતો હતો. એ અરસામાં અન્ય કોઈ ઝઘડાના કારણે કોઈએ એ કાર્યકરને માર્યો. માર ખાધેલ યુવકે સોશ્યલ મીડિયા અને અખબારો, ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર એવો પ્રચાર ફેલાવ્યો કે હિન્દુ યુવતી ‘લવ જેહાદ’નો ભોગ બની છે. માધ્યમોએ એ પ્રચાર કરનારને ‘હીરો’ ગણાવવા માંડ્યો. સ્થાનિક વાતાવરણ આ ઘટનાથી ખાસ્સું તંગ થઈ ગયું. છેવટે પોલીસે એને વ્યક્તિગત ઝઘડાનો મુદ્દો જાહેર કરી મામલો  થાળે પાડ્યો.

૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં બનેલ કોમી હિંસા અંગેની આ માહિતી ઉપર નજર નાંખતાં જ આપણને ખ્યાલ આવે છે કે. ‘શાંત’ ગુજરાતની જાહેરાતો કેટલી પોકળ અને ગેરમાર્ગે દોરનારી છે!

સોશ્યલ મીડિયાની ભૂમિકાઃ

આજના સમયમાં સોશ્યલ મીડિયા પ્રચાર માટેનું એક હાથવગું સાધન બની ચૂક્યું છે. જનતાની માનસિકતા ઘડવાની એની તાકાત મુખ્ય ધારાનાં સંચાર માધ્યમો જેટલી જ પ્રભાવશાળી બની ગઈ છે. ઉપર નોંધેલ મોટા ભાગની ઘટનાઓ માટે ઘણે અંશે સોશ્યલ મીડિયા જવાબદાર રહ્યું છે. ધોળકાની ટાંકા મસ્જિદનો વિવાદ હોય કે મહેસાણાનો ‘લવ જેહાદ’નો વિવાદ હોય. ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી ‘માહિતી’ વાયુવેગે આમ જનતા સુધી પહોંચી જાય છે. વાતાવરણ પળવારમાં ઉશ્કેરાટભર્યું તથા હિંસક બની જાય છે. આજનો શાસક પક્ષ અને એની જનેતા સમાન સંગઠન દ્વારા અસ્તિત્વમાં આવતાં સંગઠનો, સંસ્થાઓ અને જૂથો એનો ઉપયોગ બખૂબી જાણે છે. માત્ર સોશ્યલ મીડિયા જ નહીં લગભગ તમામ પ્રકારનાં સંચાર માધ્યમો ઉપર એમણે કબ્જો જમાવી દીધો છે.

વર્ચસ્વવાદી સંગઠનોઃ

ગુજરાતને તો ગઈ સદીના આઠમા દાયકથી આ સંગઠનો પોતાની સાંપ્રદાયિક ફાસીવાદની પ્રયોગશાળા બનાવી ચૂક્યાં છે. છેલ્લાં અઢી દાયકાથી તો રાજકીય સત્તાની ધુરી પણ એમની જ રાજકીય પાર્ટી - બી.જે.પી.ના હાથમાં રહી છે. અહીંના એમના પ્રયોગોને કારણે આજે છેલ્લાં છ વર્ષથી દેશની સત્તા પણ તેઓ ભોગવી રહ્યાં છે. દેશભરમાં આજે તેઓ સાંપ્રદાયિક ફાસીવાદના જે પ્રયોગો અજમાવી રહ્યાં છે એ તમામ ગુજરાતની પ્રયોગશાળામાં સફળ પુરવાર થઈ ચૂકેલા પ્રયોગો છે. ગુજરાતમાં થયેલી ૨૦૧૯ની કૌમી હિંસાના સંદર્ભમાં જોઈએ તો શહેરામાં બનેલા કાલ્પનિક ‘લવ જેહાદ’નો પ્રસંગ હોય કે ધોળકાની ટાંકા મસ્જિદનો પ્રસંગ હોય, સાબરકાંઠાના કોટડા ગડી ગામમાં ઊભી કરાયેલ ‘લવ જેહાદ’ની ઘટના હોય કે મહેસાણાની કૉલેજની ઘટના - આ તમામ હિંસા આ સંગઠનોએ જ સાકાર કરેલી છે.

પોલીસની ભૂમિકાઃ

કોમી હિંસાના પ્રસંગોમાં પોલીસની ભૂમિકા મોટે ભાગે ભેદભાવપૂર્ણ રહી છે. અને મુસ્લિમ સમુદાય એનો ભોગ બનતો રહ્યો છે. એ સમુદાય એક તરફથી જાન-માલનું નુકસાન ભોગવતો રહે છે તો બીજી તરફ પોલીસ એને અપરાધી ઠરાવી જેલોમાં ધકેલતી રહી છે. અગાઉ નોંધેલા ત્રણ કિસ્સામાં (વડોદરા, ખંભાત અને ધુનાદ્રામાં) પોલીસે કુલ ૮૫ ધરપકડો કરી હતી. તેમાંથી ૬૩ મુસ્લિમોની હતી. વળી ગુનો નોંધાયા પછી ન્યાય મેળવવો પણ એ સમુદાય માટે ખૂબ જ મુશ્કેલ બની રહે છે. પરિણામે એ સમુદાયે નાછૂટકે ‘સમાધાનો’ કરાવવાં પડે છે.

આ અહેવાલમાં નોંધાયેલ એક કિસ્સો તો ચોંકાવનારો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સેમરડી ગામમાં રહેતા એક મુસ્લિમ બૂટલેગરને ધારીના પોલીસ સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો. અને પોલીસે તેની અને તેના પિતાની ધરપકડ કરી હતી. બીજે દિવસે ધારીના પોલીસે અમરેલીના બીજા પોલીસદળો અને જંગલ ખાતાના કર્મચારીઓને સાથે લઈ સેમરડી ગામમાં રહેતાં બલોચ-મુસ્લિમોના ઘરોમાં ખાસ્સી તોડફોડ કરી અને સ્ત્રીઓ, બાળકો અને પુરુષોને ધક્કે ચડાવ્યા હતા. હજુ આટલું ઓછું હોય તેમ પશ્ચિમ ગુજરાતના વીજળી વિભાગને સાધી મુસલમાનોના વિસ્તારમાં બે દિવસ સુધી વીજળી ગુલ કરી દીધી હતી. આ ઘટનાથી મુસ્લિમો એટલા ડરી ગયા હતા કે તેઓ ગામ છોડીને એમનાં સગાં-સંબંધીઓના ત્યાં આશ્રય લેવા જતાં રહ્યાં હતાં.

ગુજરાતની પોલીસની માનસિકતા અને વર્તણૂકને સમજવા આ ઉદાહરણ પૂરતું છે.

રાજ્યની ભૂમિકાઃ

ગુજરાતને સાંપ્રદાયિક ફાસીવાદની સફળ પ્રયોગશાળા તરીકે વિકસાવવામાં રાજ્યની ભૂમિકા સૌથી નોંધપાત્ર રહી છે. છેલ્લા સાડા ત્રણ દાયકાથી કોમી હિંસાને બેલગામ બનાવવામાં રાજય એક રીતે સીધું સંડોવાયેલું રહ્યું છે. ૨૦૦૪માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાને (હાલમાં દેશના વડા પ્રધાને) ‘ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ’ (ગુજકોક) નામના કાનૂનનો મુસદ્દો તૈયાર કર્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિએ એના ઉપર મંજૂરીની મહોર મારી નહીં. ત્રણ વાર સરકારે એ માટે પ્રયાસો કર્યા, પરંતુ એ સફળ ના થઈ. એ પછી ૨૦૧૫માં ગુજરાત સરકારે એ જ વિધેયકને નામ બદલીને ‘ગુજટોક’ના નામે ફરીથી રજૂ કર્યું. એમાં એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી હતી. એ જોગવાઈ મુજબ પોલીસ કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરીને, એમાંની વાતચીત અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકે. આખરે ૨૦૧૯માં આ કાયદાને મંજૂરી મળી ગયેલ છે.

એ જ રીતે ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં તત્કાલીન ગૃહ ખાતાના રાજય પ્રધાને વિધાનસભામાં ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (ડી.એ.) રજૂ કરી મંજૂર કરાવ્યો હતો. આ કાયદા મુજબ સરકાર જેને ‘ડિસ્ટર્બ્ડ એરિયા’ જાહેર કરે ત્યાં માલ-મિલકત, મકાન/દુકાનની લેવડ-દેવડની બાબતો જિલ્લા કલેક્ટરની મંજૂરી મેળવ્યા પછી જ થઈ શકે. હાલમાં આ કાયદા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, હિંમતનગર, ગોધરા, કપડવંજ અને ભરુચમાં કુલ ૭૭૦ વિસ્તારોને આવરી લેવાયાં છે. ખંભાતમાં પણ આ કાયદાનો અમલ લાગુ કરવામાં આવ્યો છે. આમાંના મોટાભાગના વિસ્તારો મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ધરાવે છે. આ કાયદાના પરિણામે ગુજરાતમાં ધાર્મિક સમુદાયોનું ધ્રુવીકરણ વધુ ઝડપી અને મજબૂત બન્યું છે. સમુદાયો વચ્ચેનું પારસ્પરિક સાંસ્કૃતિક આદાન-પ્રદાન લગભગ નહિવત્‌ બનતું જાય છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે - આ કાયદાને કારણે સાંપ્રદાયિક તણાવ અને હિંસાની જમીન વધારે ફળદ્રુપ અને ઉપજાઉ બને છે. વળી આ પ્રકારના કાયદા લોકતાંત્રિક માળખાનાં સંસ્થાનોના પાયા પણ હચમચાવી નાંખતા પુરવાર થાય છે.

આ અહેવાલમાં રજૂ થયેલ તારણો વિશે નાગરિક સંગઠનો અને સંવેદનશીલ, બુદ્ધિજીવી નાગરિકોએ ઊંડું મનોમંથન કરવાની ખૂબ જ તાતી જરૂરત છે. આ અહેવાલમાંના આધારે થતા સ્પષ્ટ કેટલાંક અત્યંત વિચારણીય તારણો નીચે મુજબ છે.

૧) ૨૦૦૨ના મુસ્લિમ જનસંહાર પછી ગુજરાતમાં કોમી હિંસા ગ્રામીણ વિસ્તારો તરફ આગળ વધી રહી છે.

૨) કોમી હિંસા અવનવાં સ્વરૂપો ધારણ કરવા માંડી છે.

૩) શહેરોમાં તો પહેલેથી હતું જ, પરંતુ હવે તો નાનાં નગરો અને ગામડાંઓમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ ઝડપથી થવા માંડ્યુ છે.

૪) મુસ્લિમ સમુદાય જબરદસ્ત અસલામતી અને ગૂંગળામણ અનુભવી રહ્યો છે.

૫) ગુજરાતના દલિત અને પછાત ગણાતા સમુદાયો પણ એક તરફથી સાંપ્રદાયિક હિંસાનો હાથો બની રહ્યાં છે બીજી તરફથી એનો ભોગ પણ બની રહ્યાં છે, અને સાથે સાથે હાંસિયાકૃત (માર્જિનલાઇઝ્‌ડ) પણ થઈ રહ્યાં છે.

૬) માનવઅધિકાર પંચ જેવાં લોકતાંત્રિક સંસ્થાનો લગભગ નિષ્ક્રિય અને સુષુપ્ત બની ચૂક્યાં છે. કેટલાંક સંસ્થાનોને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાયાં છે.

આજના સમયમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરવાર થતો આ દસ્તાવેજ તૈયાર કરવા બદલ ‘બુનિયાદ’ને અભિનંદન આપવાની સાથે સાથે હું બે સૂચનો પણ આપવા માંગું છું.

૧) અહેવાલની નકલ ગુજરાતીમાં તૈયાર કરી ગુજરાતભરમાં પહોંચાડવાની જરૂર છે.

૨) આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવી જોઈએ.

* આ લેખ પૂરો કરતો હતો ત્યારે જ ગુજરાતના વરિષ્ઠ અને નિસબત ધરાવતા પત્રકાર રાજીવ શાહ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર રજૂ થતી ‘કાઉન્ટરવ્યૂ’ નામની પત્રિકાનો ૮ ડિસેમ્બરનો અંક મળ્યો. એમાં એમણે આ અહેવાલ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી મૂકી છે. ‘બુનિયાદ’ના અહેવાલમાં એક નાની નોંધ એ મુજબની છે કે ૨૦૧૪થી ગુજરાતનાં ગ્રામીણ પ્રદેશોમાં કોમી હિંસા અને ધ્રુવીકરણ વધવા માંડ્યાં જ્યારે રાજીવભાઈએ ૨૦૦૪માં સુરતના ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ’ના સંશોધક બિશ્વરૂપ દાસ અને વડોદરાના ‘સેન્ટર ફૉર કલ્ચર એન્ડ ડેવલોપમેન્ટ’ના સ્થાપક ફા. લાન્સી લોબો દ્વારા ૨૦૦૪માં મધ્ય ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારોમાં કરાયેલ પ્રત્યક્ષ ઈંટરવ્યૂઝમાં તેમણે સ્પષ્ટ રીતે નોંધ્યું હતું કે ગામડાનાં સુખી પરિવારોમાં “કોમવાદ” વિશેનાં ખ્યાલો તથા વલણો ખાસ્સાં ઊંડે સુધી ઊતરી ગયેલાં હતાં. એમના એ સંશોધન પેપરનું નામ હતું ‘જ્યોગ્રાફી ઓફ ગુજરાત રાયટ્‌સ’.

ફા. લાન્સીએ આપેલ માહિતી મુજબ એ પેપર ૨૦૦૬માં ‘કોમ્યુનલ વાયોલન્સ એન્ડ માઈનોરિટી’ નામની પુસ્તિકામાં રાવત પ્રકાશને ઉપલબ્ધ કરાવેલ છે.

૯ જાન્યુઆરી, ૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 07-09

Category :- Samantar Gujarat / Samantar