ઉકેલ

રવીન્દ્ર પારેખ
13-03-2021

‘આ ઠીક નથી !’ આરતી બોલી.

‘હું પણ સમજું છું, પણ ...’

આશય આગળ બોલી ન શક્યો. એ જાણતો હતો કે આરતી ખોટી નથી, પણ પપ્પાને કંઈ પણ કહેવાની તેની હિંમત નો’તી.  

એને સમજાતું નો’તું કે પપ્પાને રોકવા કઈ રીતે? આજ સુધી પપ્પાએ કોઈ વાતે આશયને રોક્યો નો’તો. તે આરતી જોડે પરણવાની વાત લઈને આવ્યો ત્યારે મમ્મીએ સાફ ના પાડી દીધેલી, ’એ મરાઠી છોકરી આપણને નહીં ચાલે. એનાં આમટી ને અનારસા ...’

પણ, પપ્પાએ મમ્મીને સમજાવેલી, ’દીકરાએ આપણને જાણ કરી તે એણે ભૂલ કરી છે? એને આશીર્વાદ આપ!’

‘પણ, એના ખંડોબા ને હલદીકુંકુ … એના રીતરિવાજો ને ...’

‘એ બધું હોય છે તો જીવવા માટે જ ને? અહીં આવીને આપણું શીખી જશે ને ન શીખે તો ભલે ! એની સાથે જીવવાનું આશયે છે … એને વાંધો ન હોય તો ...’

- ને મમ્મી માની ગયેલી. એણે આશિષ આપેલા આરતીને!

એ આરતી કહેતી હતી, ‘આ ઠીક  ...’

આમ તો કશું નક્કી નો’તું, પપ્પાએ તો જસ્ટ એક વિચાર મૂક્યો હતો, ’આશય, બેટા, મને એવું થાય છે કે … હું ...’ પપ્પા અટકેલા.

આશય બોલેલો, ’બોલી નાખો, અતુલભાઈ! તમે વળી અચકાતા ક્યારથી થયા?’

પણ અતુલભાઈ ખરેખર અચકાયેલા. વાત જ એવી હતી કે -

એ સાચું હતું કે કોઈ વાતે કંઈ ઓછું નો’તું. આશય બધી જ જરૂરિયાતો પૂરી કરતો હતો. અતુલભાઈ ઘણીવાર કહેતા પણ ખરા, ‘મારાં પેન્શનમાંથી લઈ લેને ! તું શું કામ આપે, મારું બિલ? લે, આ ડેબિટકાર્ડ!’

આશય એ કાર્ડ લેતો નહીં, ગમ્મત કરતો, 'આજે નથી લેતો, કારણ,પછી તો બધું મારું જ ...’બંને હસતા. આરતી પણ હસતી, ‘પપ્પા, તમારો દીકરો જ નથી ઈચ્છતો કે તમે લાંબું ...’

‘તું છે, પછી એ એવું ઈચ્છી જ કઈ રીતે શકે?’

‘પપ્પા !’ આરતી ચિડાતી.

‘ગમ્મત કરું છું, દીકરા !’ અતુલભાઈ હસતા.

‘દીર્ઘાયુ ભવ !’ આરતી પણ આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કરતી ને સૌ હસતાં.

આરતી ઘણીવાર તેના પિયરમાં કહેતી પણ ખરી, ’મને તો લાગતું જ નથી કે મલા સાસરે આહે ... એમ લાગે છે કે એક પપ્પા માહેરમાં છે ને એક સાસરીમાં ..’ પછી ઉમેરતી, ’પપ્પા સામે કહેતા સંકોચ થાય, પણ સાસરીના પપ્પા સામે? જરા ય નહીં!’

એ આરતી કહેતી હતી, ‘આ ઠીક ...’

*

ડોરબેલ વાગ્યો. અતુલભાઈ વોટ્સ એપ મેસેજ ટાઈપ કરતા કરતા ઊઠ્યા. બારણું ખોલ્યું, ’આવી ગયો, બેટા?’

‘હા, દાદા, તમે જમી લીધું?’

‘ના. તારી રાહ જોઉં છું, બેટા !’

‘હું જમીને આવ્યો છું. કાલે કહેલું તો ખરું! સ્કૂલમાં પાર્ટી છે -’

‘અરે ! હું તો ભૂલી જ ગયો.’

‘તમારી થાળી કરી આપું?’

‘તું થાળી કરશે?’ અતુલભાઈ હસી પડ્યા,’ રહેવા દે, હું લઈ લઈશ ! તારે ટયૂશને જવાનું હશે ને!’

‘વાર છે, પણ માસીને ત્યાં જાઉં છું. ત્યાંથી જ ટ્યૂશને -’

‘તું જપીશ જરા? ઘરમાં તો ટકતો જ નથી. મારી પાસે થોડું બેસે તો ...’

‘દાદુ, પાસે બેસીશને તો તમે મેસેજ સેન્ડ નહીં કરી શકો.’

‘તું બેસે તો મારે મેસેજ કરવા જ શું કામ પડે? નાનો છે તો નાનો જ રહે ને!’ અતુલભાઈ હસવા ગયા, પણ હસાયું નહીં, ‘સારું, ધવલ, જ્યાં જવું હોય ત્યાં જા, પણ પાણી પીને જા!’

‘સારું’, બોલતો ધવલ ગયો ને અતુલભાઈ વોટ્સ એપ લઈને બેઠા. થોડા મેસેજ એમણે ડિલિટ કર્યા. વોલક્લોકમાં એક વાગ્યો હતો ... હજી એક જ ...?’

અતુલભાઈથી નિસાસો નખાઈ ગયો. રસોડામાં કારણ વગર એમ જ આંટો મારી આવ્યા. ડ્રોઈંગરૂમમાં જઈ આવ્યા તો લાગ્યું કે ત્યાં પણ ત્રણેક આંટા તો થયા જ હતા. નેટ બંધ હતું એટલે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનું ઠેકાણું પડ્યું ન હતું. જો કે મોબાઈલમાં પણ એ બધું હતું જ, પણ આંખો બહુ ખેંચાતી હતી. હવે ૭૮ વર્ષની આંખો તો કેવીક હોય? એટલું સારું હતું કે દેખાતું તો હતું, પણ એ દેખાતું ન હતું કે પોતે વિચારે છે તે બરાબર ...

*

આશયને કહેવા તો ગયા અતુલભાઈ, પણ એને બેંકમાં જવાનો ટાઈમ થતો હતો ને આરતી તો વહેલી જ નીકળી ગઈ હતી એટલે સાંજે એ આવ્યો ત્યારે કહેવાની કોશિશ કરી જોઈ, પણ આરતી આવી ચડી એટલે વાત અટકી. આરતી સમજી ગઈ ને રસોડામાં જતી રહી ત્યારે માંડ જીભ ઊપડી હતી. અતુલને પહેલાં તો ભરોસો જ ન પડ્યો કે પપ્પા આવી વાત કરશે ! એણે રાત્રે અંધારામાં આરતીને કહ્યું તો આરતીએ સ્વિચ ઓન કરી. આશયને એણે ધારીને જોયો. એ પૂરો ગંભીર હતો.

‘આ ઠીક નથી!’ આરતી બોલી હતી.

*

એક રાતે અતુલભાઈને એકદમ જ સણકો ઊઠ્યો ને પછી પીઠમાં એટલું દુખ્યું કે મરવાથી થોડુંક જ છેટું રહી ગયાનું લાગ્યું. એમને થયું ય ખરું કે આશયને બૂમ મારીને ઉઠાડે, પણ એ દિવસોમાં એ ટ્રેઈનિંગમાં હતો એટલે મોબાઈલ થઈ ગયો તે પણ કટ કર્યો. જાતે કોશિશ તો કરી, પણ હાથ દુખાવા સુધી પહોંચતો નો’તો. ક્રીમ આંગળી પર લીધું ય ખરું, પણ હાથ ટૂંકો જ પડ્યો. આરતીને ઉઠાડવાનો વિચાર આવ્યો. આમ તો બાજુની રૂમમાં જ હતી, એમણે નંબર પણ લગાડ્યો, પણ ઠીક ન લાગતા અટક્યા. જીવ નીકળી જશે એવું લાગ્યું, પણ વેઠવાનું જ હતું એટલે ...

સવારે આરતીને કહ્યું ય ખરું, ‘કાલે રાતના એટલું દુખ્યું કે -‘

‘મને ઉઠાડવી’તી ને!’

‘તને જગાડવાનું ઠીક ન લાગ્યું.’

‘મારા પપ્પાએ ઉઠાડી હોત તો એમને ના પાડી હોત?’ આરતી હસી પડી,’ કાય તુમી પણ, પપ્પા!’

‘પણ પીઠ પર ક્રીમ ...’

અતુલભાઈએ વાત હસવામાં ઉડાવી દીધી. જો કે એ આખી રાત અતુલભાઈને સતત એમ જ થયું હતું કે આવે વખતે આશયે અહીં હોવું જોઈતું હતું, પણ એ નો’તો ને ... આરતીને કહ્યું હોત તો એણે ના ન પાડી હોત, પણ મોડી રાતે જીભ ઊપડી નો’તી.

જો કે દિવસે કહેવાનું હોત તો પણ જીભ ઊપડી હોત કે કેમ તે ...

ને કહેતે પણ કોને? કોઈ હોવું ય જોઈએ ને ! અગિયારેક પછી તો ઘરમાં જ કોઈ ... આશય ને આરતી તો નોકરીએ નીકળી ગયાં હોય ને ધવલ સ્કૂલે હોય એટલે ...

એ તો સારું હતું કે મોબાઈલ હતો તો ફેસબુક કે વોટ્સએપ પર ચેટિંગમાં વખત જતો હતો. બેચાર સારા મિત્રો મળી ગયા હતા સોશિયલ મીડિયા પર, પણ એ પણ આરસીમાં દેખાતા ચહેરા જેવું જ હતું. આરસી સામે હો એટલી જ વખત સામે કોઈ હોય, પછી તો એ ય ખાલી જ -

આવે વખતે કોઈ ઘરમાં હોય તો બે ઘડી ...

પહેલી વાર વિચાર આવ્યો તેવો જ દાબ્યો, સજ્જડ રીતે. પોતાને જ એટલું અજુગતું લાગ્યું કે ....

પછી બહુ જ નિર્મમતાથી વિચારતાં લાગ્યું કે કમસે કમ દીકરાને કાને વાત તો નાખવી જ જોઈએ ને એમણે કહ્યું જ, ‘આશય મને એમ લાગે છે કે -‘

અતુલભાઈ અચકાયા. આશયે કહ્યું પણ ખરું, ‘બોલી નાખો, અતુલભાઈ! તમે વળી અચકાતા -‘

*

રાત્રે આરતીને કહ્યું, ‘પપ્પા લગ્ન કરવાની વાત કરે -’

આરતીએ સ્વિચ ઓન કરી, ’ગમ્મત કરે છે?’

‘ના.’

‘આ ઠીક નથી,’ આરતી બોલી.

‘હું પણ સમજું છું, પણ -‘

‘આ ઉંમર લગ્નની છે?’

‘નથી જ. લગ્નની ઉંમરે પણ ન પરણ્યા. એકાવનના હતા, મમ્મી ગઈ ત્યારે.’

‘ત્યારે કૈંક ઠીક પણ હોત!’

‘એ ઠીક એમણે ન કર્યું ને છેક આ ઉંમરે -‘

‘ઠીક નથી!’

*

ધવલ રમવા ગયો હતો ને આવતાંની સાથે જ આશયે વાત છેડી હતી, ‘પપ્પા, હું જાણું છું કે તમે વિચાર્યું જ હશે, પણ આ ઉંમરે લગ્ન-‘

‘તને એમ લાગે છે કે હું પિતા બનવા આવું ...’

‘એવું નથી,પપ્પા,’ આરતી સોફા પર સામે બેસતાં બોલી, ‘કારણ ગમે તે હોય, પણ આ ઉંમરે પરણો તો વાતો તો થાય.’

‘તે તમે પરણ્યાં ત્યારે ય ક્યાં નો’તી થઈ?’ અતુલભાઈ ટેવ જેવું હસ્યા.

‘અમારી વાત જુદી હતી,પપ્પા.’ આશયે સમજાવવાની કોશિશ કરી જોઈ,’ પ્રશ્ન ઉંમરનો છે.’

‘તે તો ઘટે એમ નથી.’ અતુલભાઈ વળી હસ્યા.

‘માઝે વડીલ કરતાં તમને મેં વધારે માન્યા છે,’ આરતીએ બહુ જ ભાવથી કહ્યું, ‘તમને શું ઓછું પડ્યું કે -‘

‘કૈં જ ઓછું નથી પડ્યું, આરતી, તમે લોકો પૂરતું ધ્યાન રાખો જ છો, પણ એમ લાગે છે કે મારે -‘

‘વારુ, કોઈ પાત્ર નક્કી કર્યું છે? કોઈ જોડે વાત કે એવું કંઈ ...?’

અતુલભાઈ હળવાશથી બોલ્યા, ’કંઈ નક્કી કરી બેઠો છું એવું નથી, આશય ! ધારો કે તમે લોકો ‘હા’ પાડો તો પણ, એ નથી જાણતો કે શું કરીશ? કોઈ મને પરણવા તૈયાર થશે કે કેમ એ પણ ... ને મારી તૈયારી હોય તો પણ સામે ...?  અરે !  કોઈ તૈયાર થશે પણ કે કેમ તે ...’

‘તો પછી કેમ આવું વિચારો છો?’

‘ઓકે. નથી વિચારતો, બસ!’

અતુલભાઈએ પૂર્ણવિરામ મૂકી દીધું ને પોતાની પાછળ ફરીને જોયું. ક્યાંક કોઈ ઉગ્રતા તો નથી આવી ગઈને, અવાજમાં ! પણ એવું નો’તું. આશય સામેથી ઊઠીને અતુલભાઈની પાસે બેઠો. એમનો હાથ હાથમાં લીધો. બહુ જ વહાલથી એમની હથેળી પોતાની હથેળીઓ વચ્ચે હળવેથી દબાવી, ’પપ્પા, તમે અમારું સારું જ કર્યું છે. મમ્મીને ગયાંને ૨૭ વર્ષ થયાં ત્યારે તમે પરણી શક્યા હોત, પણ ત્યારે તમને ઠીક ન લાગ્યું ને આજે -’

‘અમારી ત્યારે ય ના ન હતી ને આજે ય નથી, પપ્પા.’ આરતીએ પૂરા સદ્દભાવથી કહ્યું.

અતુલભાઈએ આરતીની સામે જોયું. પછી આભારવશ હસ્યા. આશય કશુંક પૂછવા જતો હતો પણ  અટક્યો. અતુલભાઈએ એ જોયું ને એનો સવાલ કળી ગયા હોય તેમ સ્વગત બોલ્યા, ‘તમે કોઈ નથી હોતાં એવા ઘણા કલાકો હું ઘરમાં વીતાવું છું. મને ખબર છે કે કોઈ મને એકલો પાડવા માંગતું નથી,  પણ ...’ અતુલભાઈના અવાજમાં ભીનાશ ઊતરી આવી, ’હું બહુ એકલો ...’

ચારે તરફથી આ ત્રણની વચ્ચે મૌન આવીને ગોઠવાઈ ગયું ને પળવારમાં તો બરફની જેમ જામવા માંડ્યું. અતુલભાઈને એમ પણ લાગ્યું કે વચ્ચે ખડક થઈ ગયું તો મૌન તોડવાનું પછી અઘરું થઈ પડશે. એટલે ડૂસકું બનવા લાગે તે પહેલાં જ તે બોલ્યા, ‘તમે સૌ મારા છો, તો ય એવું લાગે છે કે કોઈ મારું ...’

‘પપ્પા,’ આરતીને કંઈક સમજાતું હતું, પણ તેના શબ્દો બનતા ન હતા, તો ય બોલી,’ હું નોકરી છોડી દઉં, પપ્પા?’

‘ના, દીકરા’, અતુલભાઈ તરત જ બોલ્યા, ’નોકરી તને ફાવે છે તો -’

‘ફાવે એટલે ન છોડાય એવું નથી.’ આરતી મલકાઈ.

‘તને યાદ છે ને તે રાત્રે મને દુખાવો ઉપડ્યો ત્યારે તું ઘરમાં જ હતી, પણ ...’

ત્યાં જ ‘મમ્મી’ બોલતો ધવલ દોડતો આવ્યો. તે રડતો હતો ને આંખો ચોળતો હતો. આશયે તેને રોકતા પૂછ્યું, ’શું થયું?’

તેને નજીક ખેંચવા તેણે હાથ લંબાવ્યા.

પણ, ઉઘાડબંધ આંખે ધવલ મમ્મી તરફ દોડ્યો ને તેને વળગી પડતા બોલ્યો, ‘નીચે મારામારી થઈ તેમાં -’

આરતીએ તેને માથે હાથ ફેરવતાં કહ્યું, ‘જોવા તો દે,’ ને તેની આંખો જોવા લાગી,’ થેંક ગોડ ! આંખો તો ઠીક  છે ... ’

‘બધું ઠીક થઈ જશે’, અતુલભાઈએ હસતા હસતા કહ્યું, ‘મમ્મીનો હાથ માથે છે પછી … ચિંતા શું કરે છે ...?’

આશય બોલ્યો તો નહીં, પણ તેને થયું તો ખરું કે માથે હાથ ફેરવનારું કોઈ ...

0 0 0

e.mail : [email protected]

પ્રગટ : “નવનીત-સમર્પણ”નાં માર્ચ, 2021માં આવેલી વાર્તા

Category :- Opinion / Short Stories