મોહનદાસ કરમચંદ ગાંધી ના જીવન પર આધારિત હિન્દી મહાનવલઃ ‘પહેલા ગીરમીટિયા'
સુપ્રસિદ્ધ હિન્દી નવલકથાકાર ગિરિરાજ કિશોરની સશક્ત કલમે લખાયેલ 'પહેલા ગિરમીટિયા'ને તેના 905 પૃષ્ઠના કદ તથા ફલકની દૃષ્ટિએ મહાનવલ કહેવી સાર્થક છે. વર્ષ 1999માં પ્રકાશિત આ મહાનવલ 10 વર્ષ બાદ અંગ્રેજી અનુવાદરૂપે પણ પ્રકાશિત થઈ. આ નવલકથાના કેન્દ્રસ્થાને છે દક્ષિણ આફ્રિકાની દાદા અબ્દુલા એન્ડ કંપનીના કામે એક વર્ષના એગ્રિમેન્ટ પર ત્યાં આવેલ ભારતીય બેરિસ્ટર યુવક મોહનદાસ કરમચંદ ગાંધી. આ નવલકથા મોહનદાસના આફ્રિકામાં વિતાવેલાં વર્ષોની વાત માંડે છે. પરંતુ આ વાત કોઈ એક વ્યક્તિવિશેષ સુધી સીમિત નથી. મોહનદાસના જીવનની સાથોસાથ તે ત્યાંના સમગ્ર સમાજ, આબોહવા, પર્યાવરણ, અંગ્રેજી શાસન તથા તેમાં કુલીઓનાં દમન તથા તેની વિરુદ્ધ ગાંધીએ આપેલ અહિંસક લડતની વાત પણ કરે છે. પોરબંદર તથા રાજકોટનો સાધારણ મોનિયો આ ધરતી પર અસાધારણ જનનાયક બનતો જોવા મળે છે.
આઠ વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી ગાંધીના જીવન વિશે સંશોધન કરીને હિન્દી નવલકથાકાર ગિરિરાજ કિશોરે લખેલ આ નવલકથા વિશે લખતાં તેઓ કહે છે, 'મહાત્મા ગાંધીના જીવનના ત્રણ તબક્કા છેઃ 1. મોનિયા તબક્કો, 2. મોહનદાસ કે ગાંધીભાઈ તબક્કો અને 3. મહાત્મા તબક્કો. આ ત્રણેય તબક્કા પર આધારિત નવલકથા લખવાનું મારું સ્વપ્ન હતું. જો તે પૂરુ થઈ શક્યું હોત તો મને વિશ્વના સઘળા સાગરો તરી ગયાનો સંતોષ થયો હોત ... પણ પસંદગીના વિષયની વિશાળતા જોતાં મેં આ ત્રણ તબક્કાઓમાંથી માત્ર એકને જ પસંદ કર્યો. એ તબક્કો હતો દક્ષિણ આફ્રિકાના 'ગાંધીભાઈ'ના જીવનનો. મારો આ નિર્ણય પણ મને સઘળા હિન્દ મહાસાગર તરવા જેટલો વિકટ લાગેલો ... આ મહાનવલના લેખનકાર્ય દરમિયાન ઘણીવાર મને એમ થતું કે હું કિનારે નહીં પહોંચી શકું, હું ડૂબી જઈશ. પરંતુ ગાંધીભાઈની સંઘર્ષકથા પ્રત્યેની મારી આસ્થાએ મને પાર પાડ્યો. આશા છે આ ગ્રંથનું વાંચન સર્વેને પ્રેરણાદાયી નિવડશે.’(પૃ. 7)
પ્રસ્તુત મહાનવલની સમીક્ષા કરતા સુભાષ જોશી લખે છે, 'કહેવાય છે કે સંઘર્ષના દિવસોમાં મહાભારતથી ઉત્તમ કોઈ વાંચન ન હોઈ શકે. તે જ રીતે આંતરિક અને બાહ્ય સંઘર્ષના આ સાંપ્રત સમયમાં 'પહેલા ગિરમીટિયા' સમું પ્રેરણાદાયી પુસ્તક અન્ય કોઈ ન હોઈ શકે. મોહનદાસ કરમચંદ ગાંધીના કુલી-બેરિસ્ટરમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયાનું આનાથી વધુ સારું વિશ્લેષણ ક્યાં ય નહીં મળે. 'પહેલા ગિરમીટિયા' જે વાત લઈને આવે છે તે મેં આ પહેલાં કદી વાંચી નથી અને કદાચ ભવિષ્યમાં પણ વાંચીશ નહીં.'
શીર્ષકમાં પ્રયોજિત 'ગિરમીટિયા' શબ્દની વ્યુત્પત્તિ રસપ્રદ છે. 1850ની આસપાસના વખતમાં દક્ષિણ આફ્રિકા પર અંગ્રેજોનું રાજ હતું. દક્ષિણ આફ્રિકાની ધરતી એટલે ખનીજ તથા શેરડીના પાકની સંભાવનાથી ભરી ધરતી. પણ શાસક ગોરાઓને શારીરિક શ્રમ કરવામાં સહેજે ય રસ નહોતો એટલે તેમણે ભારત જેવા ગરીબ દેશોમાં ભૂખે ટળવળતા લોકોને બંધણિયાત મજૂર તરીકે દક્ષિણ આફ્રિકા લાવીને, તેમની પાસે આફ્રિકાની ધરતી પર લગભગ ગુલામ રૂપે રહેવાની સંમતિ આપતો એગ્રિમેન્ટ કરાવી લઈને સખત શારીરિક શ્રમ કરાવવાની યુક્તિ ઘડી કાઢી. નવેમ્બર 17, 1860ના દિવસે ભારતના મદ્રાસ બંદરેથી ઉપડેલ સ્ટીમર ભારતીય મજૂરોના પ્રથમ જથ્થાને દક્ષિણ આફ્રિકા લઈ ગઈ. જ્યાં ઊતરતાંની સાથે તેમણે એગ્રિમેન્ટ સહી કરીને બંધણિયાત મજૂર તરીકે ત્યાં વસવાનું કબૂલ-મંજૂર રાખ્યું. આ અશિક્ષિત ભારતીય મજૂરો એગ્રિમેન્ટને 'ગિરમીટ' કહેતા અને તેથી પોતાની જાતને 'ગિરમીટિયા'ઓ તરીકે ઓળખાવતા.
આ ગ્રંથના પ્રથમ 57 પૃષ્ઠો દક્ષિણ આફ્રિકાનાં હવાપાણી, પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાં વસતા ગિરમીટિયાઓનાં જીવનનો તાદૃશ ચિતાર આપે છે. પુસ્તકના છેક 58માં પૃષ્ઠ પર નાયક ગાંધીનો પ્રથમ વાર ઉલ્લેખ થાય છે! 1893માં ગાંધી એક બેરિસ્ટરની હેસિયતથી દક્ષિણ આફ્રિકા ગયેલા. ત્યારે તેમની પાસે એક વર્ષનો એગ્રિમેન્ટ સહી કરાવવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ગાળેલ પ્રથમ અઠવાડિયામાં જ ગાંધીને સમજાઈ ગયું કે તેઓ એવી ધરતી પર આવી ચડ્યા છે કે જ્યાં પોતાના દેશબાંધવો ભયંકર યાતના તથા અન્યાયોના શિકાર છે. તેમના દેશબાંધવોને અહીં લોકો ગિરમીટિયા કહીને બોલાવે છે અને ધિક્કારે છે. અને પ્રથમ અઠવાડિયામાં જ એ 24 વર્ષના અતિ સામાન્ય દેખાતા યુવકે પોતાના દેશબાંધવોને આત્મગૌરવ અપાવવાની પ્રતિજ્ઞા કરી અને તેમની સાથે ઓતપ્રોત થવાના હેતુથી તે પોતાની જાતને ગિરમીટિયા તરીકે ઓળખાવા માંડ્યા. ગાંધી એટલે દક્ષિણ આફ્રિકામાં વસતા ગિરમીટિયાઓનો આગેવાન અને તેટલે 'પહેલો ગિરમીટિયો'. આવા અર્થમાં આ મહાનવલમાં 'પહેલા ગિરમીટિયા' શબ્દ પ્રયોજાયો છે.
ગાંધીના જીવનની અનેક નાનીમોટી દસ્તાવેજી ઘટનાઓ આ નવલકથામાં હારબદ્ધપણે વણાઈ છે. જેવી કે દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં ધોળા ન્યાયાધીશનો બેરિસ્ટર ગાંધી ફેંટો ઊતારે તેવો આગ્રહ. અને તેના પ્રતિભાવરૂપે એડવોકેટ ગાંધીનું કોર્ટમાંથી ચાલી જવું. ગાંધીએ ત્યાંના પ્રેસને લખેલ અગણિત પત્રો. આ પત્રો દ્વારા દક્ષિણ આફ્રિકાના ગોરા અમલદારોનું તેમના પ્રત્યેનું કુતૂહલ જેવી ઘટનાઓ કલ્પનાના મેઘધનુષના સ્પર્શ સાથે અહીં કાગળ પર ઉતરે છે. જેથી દસ્તાવેજીકરણની નિરસતા ક્યાં ય વરતાતી નથી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યાના થોડા જ અઠવાડિયામાં તૈયબ શેઠ દ્વારા યોજાયેલ એક સભામાં બોલાયેલ ગાંધીના ઉદ્દગારો જોઈએ.
'આ સુંદર મુલકમાં આવે હજી મને મહિનો પણ પૂરો થયો નથી. આ દેશનું સૌંદર્ય જોઈને હું ચકિત છું. આંખ પહોંચે ત્યાં સુધી લીલીછમ લીલોતરી અને મધ્યમ કદના પહાડો. તે પહાડો પર થઈને દોડતી પગદંડીઓ ... આ બધું અતિ સુંદર છે. મારા વતનના આકાશચુંબી પહાડો મનુષ્યને ભયભીત કરે છે પણ આ દેશની પહાડીઓ તેમને જાણે મિત્રવત્ આમંત્રણ આપે છે. તેમને હાથ ઝાલીને પોતાની પગદંડીઓ પર ચલાવીને પહાડીને પેલે પાર આવેલ ગંતવ્ય પર પહોંચાડવા જાણે તત્પર ન હોય ... અહીં વસતા કબિલાઓ મને મારા દેશના માલધારી અને વણઝારા પ્રજાતિઓની યાદ અપાવે છે. નાનીશી અભિલાષાઓ સાથે જીવતા કેવા ભોળા અને સરળ મનુષ્યો ! તેમની મહત્વાકાંક્ષાઓ નથી કોઈનો તોડતી કે નથી પોતે તૂટતી ... પણ અમે હિન્દુસ્તાનીઓ રોજીરોટીની શોધમાં સાત સમુદ્ર પાર પોતાના વહાલા વતનથી હજારો જોજન દૂર અહીં આવી ચડ્યા છીએ. વતનમાં વસતા અમારાં સગાંઓને અમારા જીવતા હોવાના વાવડ સુદ્ધાં મોકલી શકાતા નથી ... પોંડીચેરીથી ઉપડેલ એક વહાણમાં 376 મજૂરો હતા. એ વહાણ નેટાલ પહોંચ્યા પહેલાં જ ડૂબી ગયું. અને અહીંના છાપાવાળાઓએ એક લીટીમાં એ ભારતીય મજૂરોનું તર્પણ કરી દીધું ... કહેવાનો અર્થ એ છે કે અમે ભારતીયો સુખદ ભવિષ્યના સ્વપ્ન સાથે વતન છોડીએ છીએ. અહીં પહોંચતા પહોંચતા જો જીવિત બચીએ છીએ તો અમારું એ સ્વપ્નભર્યું મન મરી પરવારે છે. ભૂખ્યો મનુષ્ય લોટના કણક સમો હોય છે. ઇચ્છો તેમ ઘાટ આપી શકો. બંધણિયાત મજૂરને 11 સિલીંગનો પગાર મળે છે. મનુષ્યના સ્વાતંત્ર્યની કિંમત માત્ર 11 સિલીંગ ?... હું પણ એ બંધણિયાતોમાંનો એક છું. એક વર્ષ માટે એગ્રિમેન્ટ સહી કરીને દાદા અબ્દુલ્લાની કંપનીના કામે આવેલ એક ગિરમીટિયો. જો મારે બેરિસ્ટરની પૂંછડી ના હોત તો મારા ય અન્ય ગિરમીટિયાઓ સમા ભૂંડા હાલ થાત.' (પૃ.161)
એક વર્ષ માટે દક્ષિણ આફ્રિકા આવેલ 'ગાંધીભાઈ' પોતાના દેશબાંધવોના હિતમાં 21 વર્ષ જેટલા લાંબા સમય માટે ત્યાં રોકાઈ જાય છે. એટલું જ નહીં પોતાના પરિવારને પણ તેઓ રાજકોટથી દક્ષિણ આફ્રિકા લઈ આવે છે. અને અંગ્રેજો વિરુદ્ધ ગિરમીટિયાઓને હક્ક અપાવવાની લડત દ્વારા તેઓ એક જનનાયક તરીકે ઉપસે છે. ગાંધીના અહિંસા અને અસહકાર જેવા અમોઘ શસ્ત્રો આ ધરતી પર આકાર લે છે. અને જેમ જેમ સમય જાય છે અને ગોરાઓ સાથેની અથડામણો વધે છે તેમ તેમ આ શસ્ત્રોની ધાર તેજ થતી જાય છે. ફિનિક્સ આશ્રમની સ્થાપના જેવી મહત્ત્વપૂર્ણ ઘટના પણ આ કથાનકમાં વણાય છે.
જાહેર જીવનમાં અતિ વ્યસ્ત અને સફળ ગાંધીનો પારિવારિક પક્ષ વર્ણવવાનું નવલકથાકાર નથી ભૂલતા. અતિ સામાન્યમાંથી અસામાન્ય બનતા ગાંધીભાઈના જીવનમાં પત્ની અને બાળકો મહત્ત્વપૂર્ણ હોવા છતાં અવગણાયા હતા તે સત્ય આ પુસ્તકમાં સુપેરે વણાય છે. પુત્ર હરિદાસ સાથેના પિતા ગાંધીજીના વિસંવાદી સંબંધો અને તેમાંથી જન્મતો પરિતાપ જનનાયક ગાંધીને અવારનવાર વિહવળ બનાવે છે. તો વળી ઘણી બાબતોમાં ટેકીલી પત્ની કસ્તૂર સાથેની ચડભડ પણ ગાંધીભાઈને વ્યગ્ર બનાવે છે. બાળકોનું શિક્ષણ ગાંધીભાઈ તથા કસ્તૂર માટે સતત વિખવાદનું કારણ રહેલા. આ સઘળું ગાંધીને સંવેદનશીલ મનુષ્ય તરીકે પ્રસ્તુત કરે છે. વર્ષોના સંઘર્ષને અંતે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર ગિરમીટિયાઓને પોતાનો હક્ક તથા આત્મસન્માન અપાવનાર મહાનાયક તરીકે સ્થાપિત થાય છે. એક એવો નાયક જેનો સ્વીકાર ગરીબ ગિરમીટિયાઓ તો કરે જ છે પરંતુ ધોળી સરકારના અમલદારો પણ કરે છે. ટોલ્સ્ટોય તથા રસ્કિન જેવા વિચારકોથી પ્રભાવિત ફિનિક્સ આશ્રમની સ્થાપના કરનાર ગાંધીભાઈ એક અસામાન્ય નેતાના કદ સાથે ભારત પાછા ફરે છે.
આ ગ્રંથનું અંતિમ દૃશ્ય ગાંધીને દક્ષિણ આફ્રિકાની ધરતીને અલવિદા કહેતા બતાવે છે. હજારોની જનમેદની ગાંધી તથા તેમના પરિવારને વિદાય આપવા કેપ ટાઉનના રેલવે સ્ટેશન પહોંચે છે. અતિપ્રિય એવી પોતાની કર્મભૂમિ તથા ત્યાં વસતા પ્રેમાળ લોકોને અલવિદા કહેતા ગાંધીની આંખ ભરાઈ આવે છે. તેઓ કહે છે, 'આજથી બરાબર 21 વર્ષ પહેલાં નેટાલના મેડિંગ્ટન બીચ પર એક ભયભીત નવયુવક ઊતરેલો. તે એક બેરિસ્ટર ગિરમીટિયો હતો. દાદા અબ્દુલ્લાએ પોતાની કંપની માટે ભારતથી આણેલ ગિરમીટિયો ... તેમણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર નાનકડા છોડની જેમ રોપ્યો અને પ્રેમપૂર્વક સિંચ્યો. આજે તેઓ આપણી વચ્ચે નથી. જો તેઓ હોત તો હું તેમને અવશ્ય કહેત કે તમારો 'ધોળો હાથી 'હવે 'કાળો હાથી' બનીને સ્વદેશ પાછો જઈ રહ્યો છે ... દક્ષિણ આફ્રિકા મારા રોમ રોમમાં વસે છે. અંતમાં એટલું જ કહું કે દક્ષિણ આફ્રિકાની તમારી ખાણોમાં હીરા ભર્યા છે. પણ મારા દેશબાંધવોના મન હીરાસમા છે. જરૂર છે તો ફક્ત હીરાપારખુ આંખની.'
દક્ષિણ આફ્રિકાની આવી ભાવભરી વિદાયના પ્રસંગને બાપુએ 'ઇન્ડિયન ઓપિનિયન'માં તેમણે છગનલાલને લખેલ પત્રમાં હૂબહૂ વર્ણવ્યો. બાપુના એ હૃદયસ્પર્શી પત્રના અંતિમ શબ્દો મીરાંબાઈની એક કાવ્યપંક્તિ હતી : 'અસુવન જલ સીંચ સીંચ પ્રેમ બેલ બોઈ' (પૃ. 905)
'પહેલા ગિરમીટિયા' પ્રત્યેક વાચકને પ્રેરણા આપે છે કે મનુષ્ય માત્રમાં સામાન્યમાંથી અસામાન્ય બનવાની સંભાવનાઓ પડેલી હોય છે.
E-mail : [email protected]
પ્રગટ : "નવનીત સમર્પણ"
Category :- Gandhiana