સુભાષબાબુનું પુણ્યસ્મરણ

નરહર કુરુંદકર
01-03-2021

સુભાષ − 125

ઈ.સ. ૧૮૯૭માં જન્મેલા નેતાજી સુભાષચંદ્ર બોઝનું આ એકસો પચીસમું વરસ છે. સ્વાતંત્ર્યસંગ્રામના અનન્ય યોદ્ધાઓમાં જેનો પાટલો મંડાય છે, એવી આ શખ્સિયતની ૧૨૫મી જયંતી, પશ્ચિમ બંગાળના ચૂંટણીમાહોલ વચ્ચે શરૂ થઈ એથી એક પા પ્રાંતીય અભિમાન અને બીજી પા પોતાની તરેહનું અભિયાન એમ બેઉ છેડેથી એમના મૂલ્યાંકનને વણછાથી માંડીને વળ અને આમળાની શક્યતાઓ સાફ છે.

આવાં નિમિત્તોથી સ્વતંત્રપણે એક સમગ્ર ચિત્ર અને સ્વસ્થ મૂલ્યાંકન શક્ય બને તે દૃષ્ટિએ અહીં નરહર કુરુંદકરનો અભ્યાસલેખ ઉતારતી વખતે કટોકટીકાળના વડોદરાના જેલદિવસોનું આનંદભર્યું સ્મરણ થઈ આવે છે, જ્યારે સમાજવાદી પૃષ્ઠભૂ ધરાવતા સદાશિવ કુલકર્ણી અને સી.પી.એમ.ના વસંત મહેંદળે મારફતે મને નરહર કુરુંદકુરના વિશેષવાચનનો સુયોગ મળ્યો હતો.

મરાઠી વાચનની પ્રારંભિક ટેવ કેળવતો હતો ત્યારે દુર્ગા ભાગવતના ‘વ્યાસપર્વ’ અને ઇરાવતી કર્વેના ‘યુગાન્ત’ સાથે જે મિલનયોગ બની આવ્યો એ અલબત્ત હૃદય સરસો છે અને રહેશે. પણ સ્વાતંત્ર્યસંગ્રામની વૈચારિક પિછવાઈ અને પગેરું સમજી જનનાયકોને સમગ્ર પરિપ્રેક્ષ્યમાં જોવા-મૂલવવા ને બૂજવાની દૃષ્ટિએ કુરુંદકરનો પરિચય (જેની આછી શરૂઆત સાને ગુરુજીના ‘સાધના’ પત્રથી થઈ હતી) હૃદ્ય રહ્યો. મહેંદળે દ્વારા અનુવાદિત ‘કુરુંદકરના લેખો’માંથી સંપાદિત કરી સુભાષબાબુ પરનો લેખ, હમણાં જ કહ્યું તેમ સમગ્ર ચિત્ર અને સ્વસ્થ મૂલ્યાંકનની સોઈ સારુ ‘નિરીક્ષક’ના વાચકોને સુલભ કરીએ છીએ.                

— ‘નિરીક્ષક’ તંત્રી

કેટલાક નેતાઓને જનતાના હૃદયસિંહાસન પર વિરાજમાન થવાનો યોગ પ્રાપ્ત થાય છે. બીજા નેતાઓ ગમે તેટલા મોટા હોય, તેમનું કાર્ય બહુ જ મહત્ત્વનું હોય તો પણ એ નેતાઓ ઇતિહાસનો એક ભાગ બની જાય છે. તેઓ અંગે વિઘાનોમાં ચર્ચા ચાલે છે. રાનડે અને ગોખલે, ચિત્તરંજનદાસ અને દાદાભાઈ, આ નેતાઓ હવે ઇતિહાસના ભાગ બની ગયા છે. પણ કેટલાક નેતાઓ મૃત્યુ પછી પણ લોકમાનસમાં જીવિત રહે છે. તેઓ વિશે જનતાના દિલમાં રહેલી અપાર શક્તિ તેમને ઇતિહાસનો ભાગ બનવા દેતી નથી. એ જાણે વર્તમાન સમયમાં પણ આત્મશક્તિથી જીવિત રહે છે. ભારતના રાજકીય નેતાઓમાં આવા આદરણીય, પ્રાતઃસ્મણીય નેતાઓમાં નેતાજી હતા અને આજે પણ છે.

નેતાજીની જયંતી પ્રસંગે તેમના ગૌરવની ભાવના હિલ્લોળે ચઢી હોય તેવા પ્રસંગે પણ મારા જેવા માણસ સમક્ષ બીજા અનેક સવાલો ઊભા થાય છે. ગમે તે હોય આ દેશમાં આઝાદી અને લોકશાહી ધીરે-ધીરે દૃઢમૂલ થઈ રહી છે, મજબૂત થઈ રહી છે, એ વાતનો ઇન્કાર થઈ શકે નહીં. આ પ્રક્રિયા ચાલુ છે ત્યારે જ આપણા સ્વતંત્રતાસેનાનીઓનું વધારે સભાનતાથી મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા પણ એક કર્તવ્ય છે. આઝાદીની લડત આખરે એક લડત હતી, અને રણમેદાનમાં દરેક પ્રશ્નનો તટસ્થતાથી, નિર્વિકાર મનોવૃત્તિથી વિચાર કરવાની શક્યતાનો સંભવ ઓછો હોય છે. જ્યારે લડાઈ ચાલુ હોય ત્યારે લાખોના જનસમુદાયની લાગણીને આવાહન કરવાનું કામ મહત્ત્વનું હોય છે. એ લાગણી પાછળ વૈચારિક ભૂમિકા હોય છે જ છતાં એ ભૂમિકાનો ઊંડાણમાં અભ્યાસ અને ચિકિત્સા કરવાનો સમય હોતો નથી. અને જ્યારે આઝાદી મળી, ત્યારે પણ બધા જ સવાલોની કતારો સામટી વિચારવી પડી, ત્યારે પણ શાંત મનઃસ્થિતિ રાખી વિચાર કરવા અવસર હતો નહીં.

ચર્ચા અને ચિકિત્સાથી પ્રીતિ અને આદર ઘટતાં નથી, પણ પ્રીતિ અને આદર સભાન બને છે. આપણા રાષ્ટ્રનેતાઓ કોઈ અજસ્ર શક્તિશાળી રાક્ષસો ન હતા કે નૂતન સૃષ્ટિ સર્જનાર પરમેશ્વર ન હતા. અમર્યાદ કાર્યશક્તિ, અનંત જીદ અને સર્વાંગીણ બુદ્ધિવૈભવના નમૂના છતાં તમારા મારા જેવા જ આ જ માટીમાં જન્મ લેનાર, ગુણદોષોથી યુક્ત જીવતાજાગતા માનવી હતા. તેમની પાષાણમૂર્તિ કરી પૂજા કરવામાં કોઈ અર્થ સરતો નથી. સુભાષ જેવા નેતા તો ત્યાગમાં, કર્તૃત્વશક્તિમાં, બુદ્ધિવૈભવમાં ભારતના કોઈ પણ અગ્રણી કરતાં ઊતરતી શ્રેણીમાં ન હતા. આઇ.સી.એસ. જેવી પરીક્ષા સહેલાઈથી પાસ કરવા જેટલી તીક્ષ્ણ બુદ્ધિ અને એ પદવી એક રદ્દી કાગળ ગણી ફાડીને ફેંકી દેવા જેટલી ઉગ્ર લાપરવાઈ એ બંને શક્તિઓનો સુંદર સમન્વય નેતાજીમાં હતો.

છતાં, કારણ ગમે તે હોય, જનમાનસમાં સુભાષબાબુ અંગે ગાઢ ભક્તિ અને આદર સાથે જ ઘોર અજ્ઞાન પણ પ્રવર્તે છે. સુભાષચંદ્ર એટલે ભાવનાશીલ, ક્રાન્તિકારક, ઉત્કટ દેશભક્ત, હિંદુત્વના કટ્ટર અભિમાની, અધ્યાત્મવાદી, વિરક્તયોગી એ પ્રમાણમાં કંઈક ગૂઢ અને ધૂમિલ પ્રતિમા લોકમાનસમાં છે. કેટલાક માને છે કે એ પંડિતજીના પ્રતિસ્પર્ધી હતા, નહેરુના મનમાં તેમના અંગે સ્પર્ધા અને ખુન્નસ હતાં, પંડિત નહેરુ વિશે જેમના મનમાં ખુન્નસ હતું, તેઓ સુભાષને નજીકના માનતા. હિંદુત્વવાદી વિચારસરણીવાળાઓએ નિર્માણ કરેલ આ ખોટી પ્રતિમા તપાસવાનો સમય આવી ગયો છે. આ દેશની આઝાદીની લડતનો પ્રત્યેક નામવંત સેનાની જાણે હિંદુત્વવાદી હતો એવી રજૂઆત કરી પોતાની નિષ્ક્રિયતા પર શાલ ઢાંકવાનો એક પ્રચાર તેઓએ શરૂ કર્યો છે. આ બધી પ્રચારપદ્ધતિ જડમૂળમાંથી તપાસવાની જરૂર છે. ગાંધી અને નહેરુથી, લોકમાન્ય તિલક, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝને જુદા પાડી તેઓ જાણે કટ્ટર હિંદુત્વવાદી હતા, એવો ભ્રમ પેદા કરવાનું આજે ચાલે છે.

એક ખાસ દૃષ્ટિથી જોઈએ તો નહેરુ અને ગાંધી બંને હિંદુઓના જ નેતા હતા અને સાવધાનતાથી અને શાણપણથી હિંદુ જનતાના હિતનો વિચાર તેમની નજર સમક્ષ કાયમ રહ્યો જ હતો. લોકમાન્ય તિલક કે સરદારને કોઈ સમાજવાદી ન જ કહે. તેઓ સમાજવાદી ન હતા, છતાં તેઓ પણ આઝાદીની લડતના સેનાની હતા. જનતાના પ્રતિનિધિ હતા અને એક જ પ્રવાહના પ્રવાસી હતા. સુભાષબાબુ તો સમાજવાદી પણ હતા. લોકમાન્ય, સરદાર અને નેતાજી રાજકીય જિંદગીના પ્રારંભમાં, મધ્યમાં અને અંત સુધી કૉંગ્રેસવાદી જ હતા, એ વાત જ આપણે ભૂલી જઈએ છીએ. કારણ કૉંગ્રેસ જ આઝાદી પહેલાં અને પછી પણ હિંદુજનતાની સહુથી વધુ મજબૂત સંગઠના હતી. આ વાત પણ આપણે ભૂલી ગયા છીએ. આપણામાંના વરિષ્ઠ વર્ણોના લોકોએ જે લોકોએ બહુસંખ્ય હિંદુજનતાનું પીઠબળ મેળવ્યું, એ બધાને જ મુસલમાનોના પક્ષપાતી ગણાવ્યા છે. અને હિંદુ સમાજના બહુસંખ્ય લોકોએ જેમને નજીકના નેતા માન્યા તેઓને જ હિંદુઓના એકમેવ પ્રતિનિધિ માનવામાં અને અંકગણિતના સામાન્ય નિયમને ઠુકરાવવામાં જ પોતાની વાંઝણી બુદ્ધિ ખર્ચ કરી છે.

ઈ.સ. ૧૮૯૭માં ૨૩ જાન્યુઆરીના દિવસે બંગાળના એક ધની પરિવારમાં તેમના પિતાજીના નવમા પુત્ર તરીકે એમનો જન્મ થયો. બાળપણમાં જ તેમની અસામાન્ય બુદ્ધિમત્તા અને હિંમતનો પરચો બધાની નજરે ચઢ્યો. વિલાયતનું શિક્ષણ પૂર્ણ કરી ૧૯૨૧માં સુભાષબાબુ ભારતમાં આવ્યા અને રાજકારણમાં તેઓએ પ્રવેશ કર્યો. તે વખતે તેમની ઉંમર ૨૪ વર્ષની હતી. ૨૪મા વર્ષે રાજકારણમાં પ્રવેશ કરનાર આ યુવક સમક્ષ નેતાના રૂપમાં બે વ્યક્તિઓ હતી. એક મહાત્મા ગાંધી અને બીજા દાસબાબુ ચિત્તરંજનદાસ. સુભાષના રાજકારણપ્રવેશની આ ઘટના જ તેમના વિશે આજે પ્રચલિત પ્રચારના વિરુદ્ધનો પુરાવો છે. ઇતિહાસ, વિસ્મરણશીલ સ્વપ્નરંજન માટે પુરાવો રજૂ કરવાનું કામ કરી શકતો નથી. ઇતિહાસ પ્રત્યક્ષ બતાવે છે. બૅરિસ્ટર ઝીણાનું સ્વપ્નું ગોપાલકૃષ્ણ ગોખલે બનવાનું હતું અને ઝીણા તિલકના વિશ્વાસપાત્ર નેતા હતા. આમ બને છે એનું એક જ કારણ એ કે ગોખલે અને તિલક બંનેએ પોતપોતાની રીતે અલગ મતાધિકારને માન્યતા આપી હતી અને ઝીણાએ બંને નેતાઓને મુસ્લિમોના મિત્ર તરીકે માન્યા હતા. ઝીણા જેવા ચાલાક બૅરિસ્ટર ઠગાયા કે તિલકગોખલેની આપણા મનમાંની પ્રતિમા ભૂલભરેલી છે તે ફરી તપાસવું પડશે.

૧૯૨૧માં, લોકમાન્ય તિલકના મૃત્યુ પછી, તિલકને માનનાર કૉંગ્રેસના મહાત્મા ગાંધી વારસદાર બન્યા. તે વખતની જનતા ગાંધીજીને તિલકના વારસ તરીકે જ ઓળખતી હતી. તે સમયના લોકો ગાંધીજીનાં બહિષ્કાર અને સત્યાગ્રહ, કાનૂનભંગની લડાઈ એ બધી જ લડતોને તિલકના બહિષ્કારયોગની પરિપૂર્તિ માનતા હતા. ૧૯૨૧માં ગાંધીજી ‘તિલક-સ્વરાજ-ફંડ’ ભેગું કરતા હતા. સત્યાગ્રહના માર્ગથી અને ચરખો ચલાવીને ‘એક વર્ષમાં સ્વરાજ્ય’ની મહાત્માજીની ઘોષણા હતી. ખિલાફતના કારણે તેમની સાથે મુસ્લિમ નેતાઓ પણ હતા. મહમદઅલી-શૌકતઅલી, મહાત્માજીના ખાસ ભાઈઓ તરીકે ઓળખાતા. આવા ગાંધીજીનું નેતૃત્વ સુભાષબાબુએ સ્વીકાર્યું. એનો અર્થ સુભાષબાબુ અહિંસાવાદી થયા હતા એવો કરવાનો નથી. ગાંધીજીના અનુયાયીઓમાં ૧૦૦% અહિંસાવાદીઓ હંમેશાં ગણ્યાગાંઠ્યા હતા. ગાંધીજીના અનુયાયીઓ અહિંસાનો સ્વીકાર અપરિહાર્ય સાધન તરીકે જ કરતા. આ વાત નહેરુ-સરદારને જેટલા જ પ્રમાણમાં નેતાજીને પણ લાગુ પડે છે. સુભાષ ગાંધીજીના અનુયાયી બન્યા એનો એક જ અર્થ તારવી શકાય કે લોકજાગૃતિ માટે તેમને એ જ રસ્તો અનુકૂળ લાગ્યો. તેમને ખિલાફત-આંદોલન પણ તે વખતે યોગ્ય લાગ્યું હતું અને અંગ્રેજો સામે પ્રક્ષોભ ઊભો કરતું ખાદીનું હથિયાર પણ માન્ય હતું.

બંગાળમાં સુભાષ ચિંત્તરજનદાસના અનુયાયી હતા અને દાસબાબુ ગાંધીજીના અનુયાયી હોવા છતાં, ગાંધીજીની મહત્તા માન્ય કરી હજારો રૂપિયાની કમાણીવાળી વકીલાત એમણે ગાંધીજીની સલાહથી છોડી હોવા છતાં તેઓને કાઉન્સિલ-બહિષ્કાર માન્ય ન હતો. આ પછી લાંબા ગાળા સુધી સુભાષ, દાસબાબુના ખાસ વિશ્વાસપાત્ર યુવક કાર્યકર અને મંત્રી હતા. મોટા ભાગના લોકો એ જાણતા નથી કે ‘લખનૌ કરાર’ બંગાળના મુસ્લિમોને બિલકુલ ગમ્યો ન હતો. મુંબઈ-મદ્રાસમાંના ૯.૧૦% મુસલમાનોને ૨૫% પ્રતિનિધિત્વ આપ્યા છતાં તેઓ તે કરાર સમાધાન માટે યોગ્ય માનતા ન હતા, ત્યારે બંગાળના મુસ્લિમોને વસ્તી પ્રમાણે પ્રતિનિધિત્વ આપનાર કરાર અપૂરતો લાગતો, એમાં નવાઈની વાત નથી. આખા ભારતમાં મુસ્લિમોને વિશેષ પ્રતિનિધિત્વ આપનાર કરારના જનક લોકમાન્ય તિલક પોતે હતા અને આ કરાર બંગાળ માટે અપૂરતો છે. એથી આગળ જવાની જરૂર છે એમ માનનાર દાસબાબુ હતા. ચિત્તરંજનદાસે બંગાળ માટે અલગ કરાર કર્યો. આ કરાર ‘દાસ પૅકેટ’ નામે ઓળખાય છે. આ કરાર બંગાળના ૫૨% મુસ્લિમો માટે ૬૦% પ્રતિનિધિત્વ અને ૫૫% નોકરીઓ આપનાર હતો. બાકી રહેલી ૪૦% સીટો અને ૪૫% નોકરીઓમાં હિંદુઓ સાથે જ બીજી લઘુમતીઓ પણ સમાવી લેવાની હતી. સુભાષબાબુ આ કરારના સહભાગી હતા. દાસ અને મૌલાના આઝાદ આ કરારના આગ્રહી સમર્થક હતા, એ હકીકત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

‘દાસ-કરાર’ કૉંગ્રેસ નેતાગીરીને માન્ય થયો નહીં. એ નામંજૂર કરવામાં આવ્યો એ વાત ખરી પણ તેથી એક વાત તો સાબિત જ થાય છે, હિંદુસ્તાનમાં હિંદુઓ અને મુસ્લિમોને લડાવનારી ત્રીજી શક્તિ ‘અંગ્રેજ સામ્રાજ્યવાદ’ અસ્તિત્વમાં છે, ત્યાં સુધી તેઓની ચાલ કામયાબ ન થાય તે માટે વધુ ઉદારનીતિ અપનાવી, થોડું વધુ આપીને ઘટ સહન કરીને પણ મુસ્લિમોને જીતી લેવા એમ બધા જ માનતા હતા. ‘ઉદારતા અપનાવી મન જીતો’ આ તે પરિસ્થિતિમાં બધાનો જ મંત્ર હતો. તિલકથી સુભાષ સુધી બધા જ ઉદાર હતા. આ નીતિમાં ગાંધી-નહેરુનો અપવાદ ન હતો તેમ જ દાસ-સુભાષ પણ વિરોધમાં ન હતા. બંનેમાં ફરક એટલો જ હતો આ ઉદારતા દાસ-સુભાષમાં વધુ પ્રમાણમાં હતી. ગાંધીજી દાસબાબુ જેટલા ઉદાર થવા તૈયાર ન હતા. કૉંગ્રેસમાં ‘ઓછી ઉદાર’નીતિના સમર્થકોની બહુમતી હતી. તેથી જ વધુ ઉદાર નીતિવાળાઓનો એટલે દાસ-સુભાષ પક્ષનો પરાજય થયો. આ બધી જ ઘટનાઓમાં નહેરુ ગાંધીજી પાછળ અને સુભાષ ચિંત્તરંજન પાછળ ઊભા રહ્યા હતા. બંને યુવાન નેતાઓએ પોતાના જ્યેષ્ઠ નેતાઓને સહકાર આપ્યો.

મુસ્લિમસમાજ અંગે સુભાષબાબુની ઉદારતા ફક્ત જુવાનીની ભાવનાશીલતા ન હતી. જે સમયે સુભાષ બોઝ કૉંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા તે વખતે તેઓએ ફરી એક વાર લીગ જોડે સમજૂતી સાધવા કોશિશ કરી હતી. જ્યારે ગાંધીજીની સામે જઈ તેઓ અધ્યક્ષપદેથી છૂટા થયા ત્યારે પણ તેઓ મુંબઈ ખાસ જઈ મોહમદઅલી ઝીણાને મળ્યા. ૨૨ જૂન, ૧૯૪૦ના રોજ સુભાષ-ઝીણા મુલાકાત થઈ ત્યારે લીગ જો અંગ્રેજો સામેની સશસ્ત્ર ક્રાંતિમાં સહકાર આપે તો ગાંધીજી કરતાં પણ કંઈક વધુ આપવા સુભાષે ઑફર કરી હતી એ વાત પ્રસિદ્ધ છે. ગાંધીજી કરતાં કંઈક વધુનો એનો અર્થ ૧૯૪૦માં શું થઈ શકે તે આપણે સમજી લેવું જોઈએ. ઈ.સ. ૧૯૩૯થી પંડિત નહેરુ સ્વતંત્ર ભારતના સંવિધાનની ચર્ચા કરતા હતા. આ નવા સંવિધાનમાં લઘુમતીઓના રક્ષણની બાંહેધરી હતી. આ સમય સુધી લીગનો પાકિસ્તાનની માગણીનો ઠરાવ થયેલો ન હતો. પણ ‘પાકિસ્તાન’ની ભાષા ચર્ચાતી હતી. એપ્રિલ, ૧૯૪૦માં ગાંધીજીએ જાહેર કર્યું કે કોઈ પણ પ્રાદેશિક ઘટકને તેની ઇચ્છા વિરુદ્ધ આઝાદ હિંદમાં સમાવી રાખવાની તેમની ઇચ્છા નથી. આમાં પ્રાદેશિક ઘટકનો અર્થ પૂર્વ બંગાળ, પશ્ચિમ પંજાબ, સિંધ, વાયવ્ય સરહદપ્રાંત, આ બધાનું મળી એક પાકિસ્તાન માનવા અમે તૈયાર છીએ, એવો પણ કરી શકાય. એપ્રિલ ૧૯૪૦માં ગાંધીજી આ પગલા સુધી જવા તૈયાર હતા. સુભાષચંદ્ર બોઝ જૂન, ૧૯૪૦માં આથી પણ બે ડગલાં આગળ જવા પોતે તૈયાર છે એમ મહમદઅલી ઝીણાને કહેતા હતા. આઝાદીના જંગમાં મુસ્લિમો સાથે રહે એ માટે જ લખનૌ કરાર હતો. એ માટે જ ‘દાસ-પૅકેટ’ હતો એ માટે જ ગાંધીજીએ સ્વયંનિર્ણયને માન્યતા આપી હતી. એ માટે જ સુભાષબાબુ ગાંધીજીથી બે પગલાં આગળ જવા તૈયાર હતા. સુભાષબાબુના મનમાં કઈ વાત હતી એ જાણી ન શકાય. પણ અંદાજ કરી શકીએ છીએ. એક વાત નક્કી કે લોકો સમજે છે તે અર્થમાં સુભાષબાબુ હિંદુત્વવાદી ન હતા. તેઓની ભૂમિકા મુસ્લિમો અંગે વધુ ઔદાર્યપૂર્ણ હતી.

આ વાત આજે યાદ કરતાં પણ લોકોને આશ્ચર્ય થાય છે. કારણ એક જ છે. સુભાષબાબુ બંગાળના નેતા હતા અને બંગાળ મુસ્લિમ બહુમતીનો પ્રાંત હતો. મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતમાં નેતાગીરીની ઇચ્છા રાખનાર કોઈ પણ હિંદુ નેતાએ મુસ્લિમો અંગે વધુ ઉદાર વલણ રાખ્યા વગર છૂટકો ન હતો. બિપિનચંદ્ર પાલ અને ચિત્તરંજનદાસ ઉદારમતવાદી હતા. એ જ પરંપરામાં સુભાષ ઊછર્યા હતા. મુસ્લિમ કોમવાદનો અર્થ લાલા લજપતરાય જેટલો જ સુભાષ બોઝ પણ જાણતા હતા. ખિલાફત-આંદોલન પછીનાં હુલ્લડો ફક્ત કેરળના મોપલાએ જ કર્યા ન હતા. એના અંગાર પંજાબ-બંગાળમાં પણ સળગ્યા હતા. ખરી વાત તો એ છે કે હિંદુ-મુસ્લિમ હુલ્લડોનો પ્રારંભ જ બંગાળથી થાય છે. ભાષાની એકતા હોવા છતાં બંગાળમાં હિંદુ-મુસ્લિમ સવાલ પહેલેથી જ ગંભીર રહ્યો. દરેક આંદોલન પછી નાનાંમોટાં હુલ્લડો થતાં જ રહેતાં. બંગભંગ પછી પણ એ હુલ્લડો થયાં. ખિલાફત પછી પણ થયાં. આઝાદીનાં ઉષઃકાલે અને આઝાદી પછી પણ એ હુલ્લડો ચાલુ જ રહ્યાં. મહારાષ્ટ્રમાંનાં હુલ્લડોથી દુઃખ થાય અને ચર્ચાઓ થાય તેવી આ વાત નથી. એ એક ચૅલેન્જ હતી. હિંદુ-મુસ્લિમ સવાલના નિરાકરણ વગર બંગાળના કોઈ પણ નેતાને માટે ભવિષ્યનું સપ્નું જોવું અશક્ય હતું.

મહાત્મા ગાંધી સંપૂર્ણ અહિંસક હતા. તેઓનો કોઈ પણ શસ્ત્રબળ પર વિશ્વાસ ન હતો. પંડિત નહેરુ સશસ્ત્ર સેના પર ભરોસો રાખનાર હતા. સશસ્ત્રક્રાંતિ પણ તેમને ન્યાયસંગત લાગતી. છતાં ભારતની ખાસ પરિસ્થિતિમાં તેઓએ સશસ્ત્ર - ક્રાંતિનો પુરસ્કાર કર્યો નહિ. કૉંગ્રેસમાં એવા અનેક લોકો હતા, જેઓ સશસ્ત્ર ક્રાંતિને જ આઝાદીનો એક માત્ર વિકલ્પ માનતા. એ સશસ્ત્ર ક્રાંતિ માટે લોકજાગૃતિ માટેની યોજના તરીકે જ તેઓ સત્યાગ્રહનું મૂલ્યમાપન કરતા. સશસ્ત્ર ક્રાંતિમાં માનનાર બધા જ સોશિયાલિસ્ટો અને કમ્યુનિસ્ટો તે વખતે કૉંગ્રેસમાં જ હતા. મોટા ભાગના આર્યસમાજી પણ કૉંગ્રેસમાં હતા. શસ્ત્ર ધારણ કરવા અંગે પોતાના ધાર્મિક હક્ક માનનાર શીખો પણ કૉંગ્રેસમાં હતા. કૉંગ્રેસને અહિંસકોનું સંગઠન માની આપણે એક ભૂલ કરીએ છીએ. જે સશસ્ત્ર ક્રાંતિમાં માનતા બધા જ ગાંધીજીના વિરોધક હતા અને જે ગાંધીજીના વિરોધક હતા એ બધા હિંદુત્વવાદી હતા, એમ માનવાની બીજી ભૂલ પણ આપણે હંમેશાં કરીએ છીએ. આકલનમાં એક પછી એક એવી ભૂલો કરવાથી સત્ય જડતું નથી.

સુભાષબાબુ પરદેશ જતાં પહેલાં સ્વાતંત્ર્યવીર સાવરકરને મળ્યા હતા એ વાત ખરી છે, પણ તેઓ સાવરકરને મળ્યા તેમ ઝીણાને પણ મળ્યા. પછી તેઓએ જ્યારે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી ત્યારે તે ફોજમાં અખંડ ભારતવાદીઓ સાથે પાકિસ્તાનવાદીઓ પણ હતા. આઝાદ હિંદ ફોજના બળવાની તુલનામાં આ બળવાઓ થયા. ૧૯૪૬ સાલના ખલાસીઓના બળવાની તુલનામાં આ બળવાઓ થયા. ૧૯૪૬ સાલના ખલાસીઓના બળવાની તુલનામાં આ બળવાઓ નાના હતા તેથી તેમની યાદ આપણે ભૂલી ગયા છીએ. સેનામાંના હિંદુ સૈનિકોેએ હંમેશાં કૉંગ્રેસ ધ્વજ રાખીને જ બળવો કર્યો અને મુસ્લિમોએ લીગનો ઝંડો ફરકાવ્યો. મહાત્મા ગાંધીને ગાળો આપનાર અને એ સિવાય બીજી કોઈ કામગીરી ન કરનાર હિંદુત્વવાદીઓને આ વાત કોઈ દિવસે સમજાઈ નહિ કે હિંદુ જનતા જો કૉંગ્રેસ નેતાગીરીને જ માનતી હોય તો તેનાં જ સગાંવહાલાં લશ્કરમાં હોય છે. હિંદુ સેના કૉંગ્રેસને જ નેતાગીરી આપતી હતી અને મુસ્લિમ સેના લીગને, લશ્કરમાં પાકિસ્તાન અંગે મુસ્લિમોમાં એટલી તીવ્ર લાગણી હતી. ભારતવિભાજન વખતે લશ્કરમાં ૪૫% મુસ્લિમ ફોજ હતી એમાંથી માંડ એક યા દોઢ ટકા છોડી બાકીના સૈનિકોએ પાકિસ્તાનને અપનાવ્યું. કાશ્મીર પર પાકિસ્તાને હુમલો કર્યો તેમાં પણ બે સેનાપતિઓ આઝાદ હિંદ ફોજમાં સેનાની હતા. અંગ્રેજો સામે લડવા માટે ‘અખંડ ભારત’ પર શ્રદ્ધા સુભાષ માટે અનિવાર્ય શરત ન હતી.

સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદને ગુરુસ્થાને ગણતા. વિવેકાનંદ અંગે એમના હૃદયમાં અસીમ આદરની ભાવના હતી. આજે એવી સમજ ફેલાવવામાં આવે છે કે સ્વામીજી માટેની શ્રદ્ધા એટલે અખંડ હિંદુસ્તાન અને હિંદુત્વ અંગે અંતિમ પુરાવો ગણાય. આજની આ સ્થિતિ આઝાદી પહેલાંની સ્થિતિ સાથે મળતી ન હતી. અંગ્રેજોને પણ મહાત કરે એવી શૈલીમાં અંગ્રેજીમાં નેતૃત્વ કરનાર આ ભારતનો સંન્યાસી પરતંત્ર ભારતમાં, ભારતની અસ્મિતાના પ્રતીક સમો હતો. તેથી બધા જ હિંદુઓ માટે એ વંદનીય હતો. વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, રમણ મહર્ષિ, યોગી અરવિંદ આ બધાના ચાહકો અને પૂજકો તે વખતે કૉંગ્રેસમાં હતા. ખાસ કરીને વિવેકાનંદ તો બધાના જ પ્રિય હતા. પંડિત નહેરુથી માંડીને બધા જ વિવેકાનંદને આદરાંજલિ અર્પણ કરતા. વિવેકાનંદ અંગેનો આદર બધાને જ ખપે એવો હતો. એ અંગે કોઈ મુશ્કેલી ન હતી. વિવેકાનંદ, સમાજ અને રાષ્ટ્રની સેવાને જ પ્રભુસેવા માનતા હતા. તેથી લોકમાન્ય તિલકના નિષ્કામ કર્મયોગને એક મહાન સંતની માન્યતા મળતી હતી. બીજી વાત, વિવેકાનંદ અધ્યાત્મને જ ધર્મ માનતા. રૂઢિના એ વિરોધી હતા. સુધારણામાં માનનાર એ સંત હતા. બધા જ ધર્મો મૂલતઃ સત્ય છે એમ તેઓ માનતા હોવાથી કૉંગ્રેસના સર્વધર્મસમભાવ સાથે એનો મેળ ખાતો હતો. આઝાદી પહેલાના રાજકીય જીવનમાં વિવેકાનંદ કૉંગ્રેસે સંપૂર્ણપણે સ્વીકારેલા રાષ્ટ્રીય સંત હતા. વિવેકાનંદ અંગે સુભાષબાબુની ભૂમિકા શું હતી એ અંગેનાં અવતરણોથી કોઈ અલગ સિદ્ધાંત સમર્થનીય બનતો નથી.

કૉંગ્રેસ-આંદોલન એક રાષ્ટ્રીય આંદોલન હતું. ભારત એ અંગ્રેજોને જીતીને તેઓના શાસન નીચે રાખેલ પ્રદેશથી નિર્માણ થયેલું રાષ્ટ્ર નથી પણ હજારો વર્ષની પરંપરાથી જીવી રહેલું રાષ્ટ્ર છે. આવતી કાલ આ રાષ્ટ્રનો ઉજ્જવળ ભવિષ્યનો કાળ છે. ભારતે સમસ્ત દુનિયાને નવો સંદેશ આપવાનો છે. એવી જ ધારણા બધા રાષ્ટ્રવાદીઓની હતી. કૉંગ્રેસ સંસ્થાપક ન્યાયમૂર્તિ રાનડેની લોકમાન્ય તિલકની, મહાત્મા ગાંધી અને વીર જવાહરની હતી. સુભાષની ભૂમિકા પણ એ જ હતી. બધા જ રાષ્ટ્રવાદીઓની ભૂમિકાને વિવેકાનંદ એક આધાર આપનાર સંત હતા. તેથી વિવેકાનંદને ગુરુસ્થાને માનવાથી હિંદુત્વવાદ સાથે કોઈ સંબંધ પ્રસ્થાપિત થતો નથી.

હિંદુત્વવાદ એ શબ્દની પણ ફરીથી વ્યાખ્યા કરવાની જરૂર છે. આ દેશમાં બહુસંખ્ય પ્રજા હિંદુધર્મ પાળનાર છે એ બધા જ માને છે, જેની પાછળ હિંદુ બહુસંખ્ય જનતા હશે તે જ નેતા બહુમતનો નેતા બનશે એ વાત પણ સ્પષ્ટ હતી. આઝાદી પછીના ભારતમાં હિંદુ સમાજ, નિર્ણાયક પરિબળ રહેશે એ પણ બધાને માન્ય હતું. આ વાતો કહેવાની પહેલાં અલગ રીત હતી. રાનડે કહેતા કે દુનિયાની પ્રાચીન સંસ્કૃતિનો વારસો ચલાવનાર આ રાષ્ટ્ર પરમેશ્વરને પ્રિય છે માટે તે અમર રહેશે. ગાંધી કહેતા, મને ભારતમાં રામરાજ્ય જોઈએ. નહેરુ કહેતા કે આ રાષ્ટ્રને પાંચહજાર વર્ષનો ઇતિહાસ છે. આ ભૂમિકા હિંદુત્વવાદની ભૂમિકા નથી. આ ભૂમિકા તો બધાની જ હતી. પણ નવા ભારતમાં બધા જ ધર્મોની જનતાને સમાન નાગરિક તરીકેના અધિકાર રહેશે. સરકાર ધર્મ પર આધારિત રહેશે નહીં. આ કેન્દ્રીય રાષ્ટ્રીય ભૂમિકા હતી. આ રાષ્ટ્ર હિંદુઓનું છે. હિંદુધર્મ પર આધારિત રાજ્ય રહેશે. બીજા ધર્મોને પંથોને હિંદુઓ સાથે સમાન અધિકાર મળશે, એ હિંદુત્વવાદી ભૂમિકા હતી. સુભાષબાબુની વાત બાજુએ મૂકીએ પણ સ્વામી વિવેકાનંદ પણ આ ભેદભરી ભૂમિકા સ્વીકારતા ન હતા. કારણ તે બંગાળના સંતાન હતા.

બાબુ સુભાષચંદ્ર બોઝની રાજકીય કારકિર્દી બહિષ્કાર-આંદોલનથી શરૂ થાય છે. સ્વદેશી બહિષ્કાર ઇ. ચતુઃસૂત્રી કાર્યક્રમ લોકમાન્ય તિલકે કહ્યો એનો બંગાળ અંગે ખાસ અર્થ છે. મધ્યયુગમાં બંગાળ કપાસના વ્યાપારનું કેન્દ્ર હતું. ઝીણા સૂતરનાં ઉત્તમ વસ્ત્રો વણવા અને દુનિયાભરમાં વેચવામાં બંગાળ અગ્રેસર હતું. રાજસત્તાના જોરે આ ઉદ્યોગ નષ્ટ કરીને જ અંગ્રેજોેએ પોતાના કાપડઉદ્યોગનો વિસ્તાર કર્યો. શોષણ પર આધારિત અંગ્રેજી સમૃદ્ધિ મેળવી. બંગાળમાંના નરમ દળના રમેશચંદ્ર દત્ત હોય કે સુરેન્દ્રનાથ બૅનર્જી હોય, અંગ્રેજોએ કરેલી લૂંટ એમનાં ભાષણોનો કાયમનો વિષય હતો. વીસમી સદીના પ્રારંભમાં પણ એ યાદ તાજી હતી. હજુ હાથ વણાટઉદ્યોગ ચાલતો. વણકરો મોટા ભાગે મુસલમાન હતા. પરદેશી કાપડનો બહિષ્કાર મુંબઈના કામદારોને બેકારી લાદનાર લાગ્યો હોય, મૂડીપતિઓનો સ્વાર્થ જોખમાતો હોય છતાં આ કાર્યક્રમ બંગાળી મૂડીપતિઓને પ્રિય હતો. કારણ તેઓ પરદેશમાં શણ વેચતા હતા. સ્વદેશી કપડાંને એમનો ટેકો હતો. અને લાખો મુસ્લિમ વણકરોને એ કાર્યક્રમ અત્યંત પ્રિય હતો. ૧૯૦૫-૬ના બહિષ્કારયુગમાં બંગાળમાં તિલક મહારાજ એટલા લોકપ્રિય હતા કે ઢાકાના મુસ્લિમોએ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષપદે તિલકનું નામ સૂચવ્યું હતું. આ સભામાં એક લાખ મુસલમાનો હાજર હતા. લોકમાન્ય તિલકનું નામ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સર્વપ્રથમ બંગાળના મુસ્લિમોએ સૂચવ્યું, બીજા પ્રાંતોના હિંદુઓએ નહીં, એ વાત ધ્યાનમાં રાખવી આવશ્યક છે. બંગભંગના આંદોલન પછી બિહાર-બંગાળના કોઈ પણ નેતા પરદેશી માલ પરના બહિષ્કાર-આંદોલનની અવગણના કરી શકે એવી સ્થિતિ ન રહી. બંગાળની એક ખાસ પરિસ્થિતિ હતી. દરિદ્રો, ગરીબ જનતા અસ્પૃશ્ય અને મુસલમાન હતી, તેથી બંગાળનો લોકપ્રિય નેતા કોણ થઈ શકે તેનો જવાબ પરિસ્થિતિમાંથી જ નક્કી થઈ ચૂક્યો હતો. હંમેશાં ધર્મસુધાર, સમાજસુધારનો પુરસ્કાર કરનાર, સમાજવાદી વિચારસણીને અપનાવનાર અને મુસલમાનો માટે ઉદાર દૃષ્ટિ ધરાવનાર એ જ બંગાળના નેતાનું રૂપ શક્ય હતું. આ પરિસ્થિતિમાંથી સુભાષબાબુનું નેતૃત્વ ઘડાયું હતું.

આ વાત વિસ્તારપૂર્વક કહેવાની જરૂરત એટલા માટે છે કે સુભાષબાબુ આરંભમાં, મધ્યમાં અને અંત સુધી કૉંગ્રેસમાં હતા. ત્રિપુરી કૉંગ્રેસ સુધી તેઓ સંપૂર્ણ રીતે કૉંગ્રેસમય હતા એ વાત તો બધા જ જાણે છે. લોકો એમ માને છે કે કૉંગ્રેસ એમને ગાંધીજીના વિરોધના કારણે છોડવી પડી અને ત્યાર બાદ તેઓએ ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના કરી તેથી તેઓએ કૉંગ્રેસનો ત્યાગ કર્યો હતો. સામાન્ય માણસો એમ માને છે કે નેતાજીના રાજકીય જીવનનો પ્રારંભ થયો હોવા છતાં ગાંધીજીના નેતૃત્વથી કંટાળી આગળ જતા તેઓએ કૉંગ્રેસનો ત્યાગ કર્યો આ સવાલ મહત્ત્વનો છે. ઘડાયેલા સુભાષબાબુનો ગાંધીજી પરનો અને અહિંસા પરનો વિશ્વાસ ડગી ગયો હતો એમ કહ્યા વગર એમને હિંદુત્વવાદી કેવી રીતે સાબિત કરી શકાય ? અને તેઓને હિંદુત્વવાદી સાબિત કર્યા વગર તેમની સાવરકર જોડેની મુલાકાતનો અર્થ જ શું રહ્યો? આ બધા જ વિવેચનના માળખામાં એક મોટી ખામી છે. એ વાત છે કે સુભાષબાબુએ આખર સુધી કૉંગ્રેસનો ત્યાગ કર્યો ન હતો. તેમનો ફૉરવર્ડ બ્લૉક ૧૯૩૯ સુધી કૉંગ્રેસના અંદર અનેક પક્ષ હતા એમાંનો એક પક્ષ હતો. કૉંગ્રેસમાંના નવજુવાનો, કૉંગ્રેસમાંના સમાજવાદીઓને પોતાના તરફ વાળી શકાય તો બહુમત તેમના પક્ષે હશે એમ નેતાજીની માન્યતા હતી. સત્તા છોડીને કૉંગ્રેસ ફક્ત સ્થગિત થઈ છે. આ ચુપકીદી ઠીક નથી. કૉંગ્રેસે અંગ્રેજવિરોધી આંદોલન છેડવું જોઈએ એમ તેઓ માનતા હતા. કૉંગ્રેસીઓ આંદોલનના માર્ગે આગળ વધો એ ફોરવર્ડ બ્લૉક શબ્દનો અર્થ હતો. ત્રિપુરી અધિવેશનમાં છ માસમાં સ્વરાજ ન સોંપાય તો દેશભરમાં કાનૂનભંગનું આંદોલન એ નેતાનો કાર્યક્રમ હતો. આ ભૂમિકા અમાન્ય થઈ તેથી એમણે ફોરવર્ડબ્લૉકની સ્થાપના કરી હતી. તેમાંનો ફોરવર્ડ એ શબ્દ પણ જૂનો જ છે. ચિત્તરંજનદાસે સ્થાપન કરેલા સામયિકનું એ નામ હતું. તેમાં સુભાષબાબુ લેખો લખતા ત્યાર બાદ ૧૯૪૦માં તે સાવરકર અને ઝીણા બન્નને મળ્યા - પણ બન્ને સાથેની વાતચીતમાં તેમની ભૂમિકા કૉંગ્રેસમાંના પ્રગતિશીલ બહુમતના નેતાની જ હતી. પછી તેઓ અફઘાનિસ્તાન માર્ગે રશિયા થઈ જર્મની ગયા. પછી જાપાન આવ્યા. ત્યાર બાદ ૨૧ ઑક્ટોબર, ૧૯૪૩માં મલાયામાં તેઓએ આઝાદ હિંદ હુકૂમતની આરઝી હકૂમત કાયમ કરી. આરઝી હકૂમતના પ્રમુખ તરીકે તેઆએ જે ભૂમિકા રજૂ કરી છે, તેનું સ્વરૂપ પણ વિચારવા જેવું છે.

સુભાષબાબુએ કહ્યું કે આ સરકારનો ધ્વજ કૉંગ્રેસનો ચરખા અંકિત તિરંગો જ રહેશે, કારણ એ ધ્વજને અમે રાષ્ટ્રધ્વજ માનીએ છીએ. કમસે કમ એ સમય સુધી તો બીજો કોઈ ધ્વજ તેમને પૂજ્ય લાગ્યો ન હતો. આગળ તેઓએ કહ્યું હતું કે અમારી સરકાર કૉંગ્રેસને જ ભારતીય જનતાનો એકમેવ પ્રતિનિધિ પક્ષ માને છે. અમે સ્વતંત્ર ભારતની સરકારની રચના કરવાની કે આઝાદ હિંદનું બંધારણ ઘડવાની જવાબદારી માથે લીધી નથી. તે કામ આઝાદ હિંદની જનતાએ કરવાનું છે. આઝાદી પછી કૉંગ્રેસે એ કામગીરી કરવાની રહેશે. અમે ફક્ત અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરી ભારત આઝાદ કરવાની જવાબદારી માથે લીધી છે. આગળ એક ભાષણમાં સુભાષબાબુએ કહ્યુંઃ ‘અમે ગાંધીજીને રાષ્ટ્રપિતા માનીએ છીએ’. આઝાદ હિંદ સરકારના તાબાના બધા જ પ્રદેશમાં રાષ્ટ્રપિતાની જયંતીએ અધિકૃત અભિવંદના અને રાષ્ટ્રીય તહેવાર જાહેર કરાયો હતો. ફરી આગળ એક વ્યાખ્યાનમાં તેઓએ કહ્યું કે લાહોરમાં સંપૂર્ણ આઝાદીના સોગંદ લીધા હતા તે જ સોગંદની પરિપૂર્તિ માટે અમારી લડાઈ છે. દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ધ્વજ લહેરાવી અમો રાવીના કિનારે લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માગીએ છીએ અને સુભાષબાબુએ પોતાના સૈનિકોને આખરી સંદેશમાં ભારતમાં જઈ કૉંગ્રેસની નેતાગીરી નીચે સ્વદેશસેવા કરવાનું જણાવ્યું હતું.

સુભાષબાબુનો ગાંધીજી સામેનો વિરોધ અહિંસાના સવાલ પર ન હતો. ગાંધીજી અહિંસા છોડે એવી કોઈની પણ માંગણી ન હતી. કૉંગ્રેસે પૉલિસી તરીકે અહિંસાનો સ્વીકાર કર્યો હતો. તેથી કૉંગ્રેસના ધ્યેયધોરણમાં મૂળભૂત ફરક કરવાનો સવાલ ન હતો. નેતાજીની માગણી કૉંગ્રેસ આંદોલન શરૂ કરે એ હતી. એક વાર સામૂહિક આંદોલન શરૂ થાય પછી ૪૨નું આંદોલન જે પ્રમાણે જનતાએ પોતાની તાકાત પ્રમાણે ચલાવ્યું એ જ રીત ૧૯૩૯માં અમલમાં મુકાઈ હોત. નેતાજીનો આગ્રહ એટલો જ હતો કે ચૂપ ન બેસો, આંદોલન શરૂ કરો. ૧૯૪૨માં કૉંગ્રેસે આંદોલન શરૂ કર્યું અને આ મુદ્દા પરનો મતભેદ પણ ભૂંસાઈ ગયો. બાકી રહેલા સુભાષ કાયમ કૉંગ્રેસમાં જ હતા. તે કૉંગ્રેસવાળા જ રહ્યા. આઝાદ હિંદ ફોજના સૈનિકોની મુક્તિનું કામ કરનારા કૉંગ્રેસવાળા જ રહ્યા. આઝાદ હિંદ ફોજના સૈનિકોની મુક્તિનું કામ કૉંગ્રેસના માથે જ રહ્યું. તે કામ કૉંગ્રેસે જ માથે લઈ પાર પાડ્યું જે વકીલો સૈનિકોની મુક્તિ માટે કોર્ટમાં ઊભા રહ્યા તેઓ કૉંગ્રેસવાળા જ હતા. આ બંદીઓને મુક્ત કરવાનું આંદોલન કૉંગ્રેસે જ કર્યું. નેતાજીના ભાઈ શરદ બોઝ કૉંગ્રેસમાં જ હતા. ત્યાર બાદ કૉંગ્રેસના મંત્રીમંડળમાં પણ હતા. સુભાષચંદ્ર ખાસ આપણા જ છે એ જાણ આંદોલન બહાર રહેલાઓને બહુ મોડી થઈ!

સુભાષબાબુ કૉંગ્રેસવાળા હતા. ખરું જોતાં કૉંગ્રેસના ઘડતરના એક શિલ્પકાર હતા. ૧૯૨૦ પછી કૉંગ્રેસે જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું એના પંડિત નહેરુ અને સુભાષ બોઝ બન્ને પ્રમુખ ઘડવૈયા હતા. ૧૯૨૭માં આ બન્ને નેતા યુવાન હતા, બન્નેના સ્વભાવમાં બહુ અંતર હતું. સાદી સમય સાચવવાની વાત હોય તો પંડિતજી ઘડિયાળના ગુલામ હતા ત્યારે નેતાજી ઘડિયાળની ગુલામીથી પણ આઝાદ હતા! પણ પોતાના સ્વભાવભેદ દૂર રાખી બન્ને નજીક આવ્યા. તેમાં પંડિતજી જ્યેષ્ઠ હતા, કારણ ઉંમરમાં થોડા મોટા હતા. આ સમય સુધી કૉંગ્રેસનું ધ્યેય ફક્ત ‘સ્વરાજ્ય’ એ જ હતું. ‘સ્વરાજ્ય’નું ધ્યેય બદલી સંપૂર્ણ ‘સ્વાતંત્ર્ય’નું ધ્યેય કૉંગ્રેસે અપનાવવું એ આગ્રહ નહેરુ-સુભાષ એ જોડીનો હતો. ગાંધીજીનો આ ફેરફારનો વિરોધ હતો. ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ આ બે યુવાન નેતાઓ કૉંગ્રેસ સંપૂર્ણ આઝાદીનો ઠરાવ કરે એ માટે સંઘર્ષ કરતા રહ્યા. પંડિત નહેરુના નામને આ પહેલાં પણ મહત્ત્વ મળેલું હતું. ૧૯૨૩માં તેઓ કૉંગ્રેસ સ્વયંસેવક દળના વડા હતા. ૧૯૨૪-૨૫માં તે કૉંગ્રેસના મંત્રી હતા. બ્રસેલ્સ ખાતે ભરાયેલી પરિષદમાં તેઓ ભારતના પ્રતિનિધિ હતા. તેથી નહેરુના નામની મહત્તા હતી. ૧૯૨૭માં ગાંધીજીની મરજી વિરુદ્ધ સંપૂર્ણ આઝાદીનો ઠરાવ એ નેતાઓએ પાસ કરાવ્યો ત્યારે ગાંધીજી બહુ જ ચિઢાયા. કૉંગ્રેસની અંદર એક મોટા સંઘર્ષ નહેરુ અને બોઝે સતત બે-અઢી વર્ષ સુધી ચાલુ રાખ્યો. ઈ.સ. ૧૯૨૯માં પણ ગાંધીજી ‘સાંસ્થાનિક સ્વરાજ’ એ ભૂમિકા પર અડીખમ હતા. છતાં આ પાર્શ્વભૂમિ પર કૉંગ્રેસે કરેલ સંપૂર્ણ આઝાદીનો ઠરાવ નહેરુ-સુભાષનો સંયુક્ત વિજય હતો. સંપૂર્ણ આઝાદી માનનાર કૉંગ્રેસ ગાંધીજીની કૉંગ્રેસ ન હતી. ગાંધીજીની નેતાગીરી નીચે ગાંધીજીને રાષ્ટ્રપિતા માનનારી છતાં એ નહેરુ-સુભાષની કૉંગ્રેસ હતી.

આઝાદી એ આ યુવકો સામે ફક્ત ભાવનાશીલતાનો સવાલ ન હતો. રશિયન રાજ્યક્રાંતિ બાદ ભારતીય યુવકોમાં સમાજવાદ માટે જિજ્ઞાસા પેદા થવા માંડી હતી. ઠેઠ આરંભ વખતે જે જ્યેષ્ઠ નેતાઓમાં સમાજવાદ અંગે વિચાર પેદા થયો તેઓમાં સુભાષ-નહેરુ હતા. મીરત કાવતરા કેસથી સમાજવાદનો વિચાર વધુ ગંભીરતાથી થવા માંડ્યો. રશિયાની મુલાકાત પછી પંડિતજી વધુ સમાજવાદી બન્યા હતા, અને સમાજવાદના સવાલો અંગે સુભાષ નહેરુ કરતાં વધુ કટ્ટર હતા. આઝાદીના ઠરાવ પછી એક મોટું આંદોલન થયું અને સંપૂર્ણ આઝાદીનું કૉંગ્રેસનું ધ્યેય વધુ દૃઢ બન્યું છતાં નહેરુ અને સુભાષ બંનેને પણ પૂર્ણ સમાધાનકારક પરિસ્થિતિ ન હતી. તેથી જ ૧૯૩૧માં આ બંનેએ મળીને કરાંચી કૉંગ્રેસ સમક્ષ આર્થિક કાર્યક્રમ અંગેનો ધોરણ વિષયક પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઠરાવમાં ‘સમાજવાદ’ શબ્દ મૂકવામાં આવ્યો ન હતો. પણ આઝાદ હિંદના બધા મહત્ત્વના ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણની ઘોષણા હતી. આ જ અધિવેશનમાં જનતાના મૂળભૂત હકો અંગે ઠરાવ રજૂ થયો. એ જ ઠરાવ આજે અલગ શબ્દોમાં ભારતીય બંધારણમાં સામેલ કરવામાં આવ્યો છે. ૧૯૨૯માં નહેરુજીને અધ્યક્ષ બનાવવા માટે સુભાષનો આગ્રહ હતો. ૧૯૩૬ અને ૩૭માં પણ પંડિતજી જ અધ્યક્ષ થાય તે માટે સુભાષે પોતાની તાકાત વાપરી હતી. ૧૯૩૮માં પંડિતજીના પીઠબળથી જ સુભાષબાબુ વિવાદ વગર કૉંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા. ૧૯૩૯માં પટ્ટાભિ સીતારામૈયાનો પરાભવ કરી સુભાષબાબુ ફરી અધ્યક્ષ ચૂંટાયા, ત્યારે પંડિતજીનો ટેકો ન હતો. ગાંધીજીનો વિરોધ હતો. છતાં પંડિતજીનો ટેકો સુભાષને છે એની જ છાપ હતી. તેથી જ સુભાષ જીતી શક્યા એ વાત ત્યારનાં સામયિકો વાંચવાથી પણ સ્પષ્ટ થાય છે. ૧૯૩૬થી જ કૉંગ્રેસમાં એક નવો સંઘર્ષ શરૂ થયો હતો. સ્વાતંત્ર્યવાદી કૉંગ્રેસને સમાજવાદી બનાવવા માટેનો આ સંઘર્ષ હતો. કૉંગ્રેસને સમાજવાદી બનાવવા સામે પોતાનો સંપૂર્ણ વિરોધ વ્યક્ત કરવા વર્કિંગ કમિટીના ૭ જ્યેષ્ઠ નેતાઓએ રાજીનામાં આપ્યાં. ૧૯૩૬ની આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર સરદાર પટેલ હતા. ગાંધીજીના એમને આશીર્વાદ હતા. કૉંગ્રેસને તત્કાલ સમાજવાદી રૂપ આપવાની વાત અશક્ય છે પણ ધીરે-ધીરે એ માટે પ્રયત્ન કરવો જોઈએ, એવી પંડિતજીની ભૂમિકા હતી. સુભાષબાબુ આ બાબતમાં વધુ ઉદ્દામ હતા એટલો જ અર્થ આમાંથી તારવી શકાય. સુભાષ બોઝના ફૉરવર્ડ બ્લૉકના સાથીઓ સમાજવાદી જ હતા. કેટલાક તો સીધા કમ્યુનિસ્ટ હતા. ફૉરવર્ડ બ્લૉકના જે અવશેષો આજે બંગાળમાં છે, તે કાયમ કમ્યુનિસ્ટોના સહપ્રવાસી રહ્યા છે.

સુભાષબાબુને નહેરુનું મહત્ત્વ માન્ય જ હતું. તે પંડિતજીને કાયમ પોતાના નેતા માનતા. જ્યેષ્ઠ માર્ગદર્શક અને સલાહકાર  માનતા. તેઓએ પંડિતજીને લખેલા અને હવે પ્રસિદ્ધ થયેલા એમના પત્રો જરૂર વાંચવા જેવા છે. ડાબેરી, જમણેરી, બહુજનસમાજ, બહુમતી, લઘુમતી બધાને માન્ય અને ગાંધીજી પણ જેને માને એવા એકમેવ નેતા નહેરુ છે એમ સુભાષબાબુ માનતા. સુભાષબાબુ જીવતા હતા ત્યારે પણ બંગાળ અને ઇતર પ્રાંતો પણ ભારતના નેતા તરીકે પંડિતજીને જ ગણતા. એ વાતના અનેક પુરાવાઓ મળશે. સુભાષબાબુએ પોતે નિયોજનમંડળ નીમ્યું એની નેતાગીરી પંડિતજીને જ સોંપી હતી. અને ૧૯૩૭ની ચૂંટણી પંડિતજીની નેતાગીરી હેઠળ જ લડાય એ માટે પ્રયત્ન કર્યો હતો. પંડિત નહેરુ અને સુભાષ એકબીજાના પ્રતિસ્પર્ધી હતા. પંડિત નહેરુ સુભાષને પોતાના પ્રતિસ્પર્ધી ગણતા એવી વાતો એક ગપગોળો જ છે. જયપ્રકાશ, નરેન્દ્ર દેવ, સુભાષ જેવા જુવાનોના લાડીલા નેતાઓ કૉંગ્રેસમાં હતા પણ તેમાંથી કોઈ પણ પંડિતજીના સ્પર્ધક ન હતા. કારણ સાર્વત્રિક માન્યતાનું પંડિતજીનું સ્થાન બીજા કોઈએ હાંસલ કરેલું ન હતું.

સુભાષબાબુ કૉંગ્રેસમાં હતા એનો અર્થ શંકરરાવ દેવ કે માનવેન્દ્રનાથ રૉય કે પુરુષોત્તમદાસ ટંડન કૉંગ્રેસમાં હતા એ હકીકતની સાથે મૂકવા જેટલો સાદો નથી. કૉંગ્રેસ સંગઠન હંમેશ રાષ્ટ્રવાદી અને લોકશાહીપ્રધાન રહ્યું. કૉંગ્રેસની લોકશાહીને સંસદીય લોકશાહીનું અને કૉંગ્રેસના રાજકારણને પૂર્ણ આઝાદીનું અને કૉંગ્રેસના લોકશાહી રાષ્ટ્રવાદને સમાજવાદનું રૂપ જેઓએ આપ્યું એ માણસો માત્ર કૉંગ્રેસવાદી ન હતા. તેઓ કૉંગ્રેસના ઘડવૈયા હતા. કૉૅંગ્રેસ સંગઠન તેમના ધ્યેયવાદનો આવિષ્કાર હતો. આજની કૉંગ્રેસ પંડિત નહેરુની કૉંગ્રેસ છે. તે પછી નામ લેવું હોય તો સુભાષબાબુની કૉંગ્રેસ છે. ગાંધીજી અને સરદાર જેટલા અર્થમાં કૉંગ્રેસી હતા તે કરતાં વધુ ઊંડા અર્થમાં સુભાષબાબુ કૉંગ્રેસમૅન હતા. ઉપરના વિવેચનનો અર્થ કૉંગ્રેસમાં અંતર્ગત સંઘર્ષો હતા જ નહીં એવો નથી. બધા જ એક વિચારના હતા એ અર્થ યોગ્ય નથી. કૉંગ્રેસમાં સંઘર્ષ હતા. પ્રમુખ સંઘર્ષ ડાબેરી અને જમણેરી વિચારસરણીમાં હતો. મહાત્માજીને ડાબેરી કે જમણેરી એવાં લેબલ લગાડવાથી અર્થ સરતો નથી. ગ્રામીણ જનતા માટે તેમનો પ્રેમ, દલિતો માટે એમનું મનદુઃખ અને ધનસંપત્તિના કેન્દ્રીકરણ સામેનો એમનો વિરોધ આ વાતો એટલી સ્પષ્ટ હતી કે સમાજવાદીઓને હંમેશાં તેઓ આપણામાંના જ એક લાગતા અને પોથીપંડિત સમાજવાદીઓ કરતાં વધુ ક્રાંતિકારી વલણ રાખનાર જનતાના નેતા તરીકે માન્ય હતા. છતાં તેમનાં રાજકીય પગલાં કોઈને પણ માન્ય રહેતાં નહિ. એક બાજુ જનઆંદોલનો અચાનક પાછાં ખેંચી તેઓ બાંધછોડ કરતા. તેમનો નિર્ણય સમય જતાં યોગ્ય સાબિત થાય છતાં તે તે વખતે તેમના નિર્ણયોથી અનેક કાર્યકરો અને નેતાઓ ગુસ્સે થતા. બીજી વાત એ કે જમણેરી પરિબળોને તેમના આશીર્વાદ કાયમ મળતા રહેતા. જમણેરી પ્રવૃત્તિ સામે કૉંગ્રેસમાં જે અંતર્ગત સંઘર્ષ હતો, તેમાં હંમેશાં એક બાજુ પર નહેરુ-સુભાષ અને સામે સરદાર-રાજેન્દ્ર પ્રસાદ એ પ્રમાણે વહેંચણી હતી અને જરૂર લાગે તો ગાંધીજી સાથે બધાં જ જમણેરી પરિબળોને હરાવવાનો પેંતરો તેમને લેવો પડતો. આ જમણેરી ગ્રૂપને ખેંચીને જ સંપૂર્ણ આઝાદીના ધ્યેય સુધી લાવવા પડ્યા. સમાજવાદી સંકલ્પના કમમાં કમ ઉચ્ચારમાં માન્ય કરવાની ફરજ પાડવામાં આવી. રાજામહારાજાઓ અંગે આ લોકોમાં પ્રેમભાવ હતો એ ખતમ કરવો પડ્યો. ગતિ ભલે મંદ હોય છતાં કૉંગ્રેસ હંમેશાં ડાબેરી વલણ સાથે જ આગળ વધી અને જમણેરી ગુટ આ ગતિ મંદ કરવાથી અધિક કાંઈ જ સાધી શક્યો નહિ.

આ સંઘર્ષમાં જમણેરી ગુટમાંથી ગાંધીજી જ ડાબેરીઓને નજીકના લાગતા અને ડાબેરીઓમાંથી નહેરુ જ જમણેરીઓને નજીકના લાગતા. તેથી જ સુભાષબાબુની ભાષા ટીકાટિપ્પણી કરતી વખતે કઠોર રહેતી. છતાં એક જ પ્રસંગ બાદ કરીએ તો નહેરુની નેતાગીરીનો એમણે કોઈ દિવસે ઇન્કાર કર્યો નથી. સુભાષ પોતે જેલમાં હોય, દેશમાં હોય કે વિદેશમાં હોય, આ સંઘર્ષ સતત ચાલુ રહ્યો. સમાજવાદી ગુટ, પંડિતજી અને સુભાષમાં એકંદરમતિ હતી ત્યાં સુધી સુભાષની હાર અશક્ય હતી. ગણગણાટ સિવાય જમણેરી ગુટ વધુ કાંઈ કરી શકત નહીં.

છતાં સુભાષબાબુની જિંદગીમાં એક પ્રસંગ એવો આવ્યો કે સમાજવાદી ગુટ, નહેરુ, ગાંધીજી અને જમણેરી ગુટ એકત્ર થયાં. તેથી સુભાષની હાર નિશ્ચિત બની. આ એવી ઘડી હતી કે જ્યારે ઉપરથી આ સંઘર્ષ સુભાષ અને મહાત્માજી વચ્ચે દેખાતો હતો. છતાં ખરો સંઘર્ષ સુભાષ અને નહેરુ વચ્ચે હતો. સંઘર્ષનું કારણ સમાજવાદનો મુદ્દો ન હતો. પણ આઝાદીની લડતના દાવપેચ અંગેના મતભેદો એ મુખ્ય કારણ હતું. આ મુદ્દાના ઊંડાણમાં ઊતરી જોવાની જરૂર છે. આટલા દૂરથી કે તટસ્થ- વૃત્તિથી આ પ્રસંગે કોણ ખરો અને કોની ભૂલ એ કહેવું ઠીક નથી.

સુભાષબાબુ ૧૯૩૩થી ૩૬ સુધી યુરોપમાં હતા. ફેસિઝમનો ઉદય અને મુસોલિનીએ કરેલ સત્તા પરનો કબજો નજરે જોતા હતા. બીજી બાજુ પર નાઝીવાદનો ઉદય અને હિટલરના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ તેઓ જોતા હતા. એશિયામાં જાપાનમાં જનરલ ટોજોની હાક વાગતી હતી. જર્મની, ઇટલી અને જાપાન એ ત્રણ મહાસત્તાઓ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ સામે ઊભી હતી. રશિયા અને અમેરિકાને જો આ લડાઈમાં તટસ્થ રાખી શકાય તો ઇંગ્લૅન્ડ અને ફ્રાંસનું સામ્રાજ્ય વિનાશના આરે આવી ઊભું હતું એમ સુભાષ માનતા હતા. આ તક હિંદની આઝાદી માટે ઝડપી લેવી એમ તેઓ માનતા. આજે આટલાં વર્ષો પછી સુભાષબાબની આ યોજનાને ફેસિઝમ, નાઝીઝમ સાથે હાથ મેળવ્યાનું કહેવું સહેલું છે. પણ સુભાષ આ વિચારો રજૂ કરતા હતા અગર યોજના કરતા હતા ત્યારે પરિસ્થિતિ ગૂંચવણભરી હતી. સમાજવાદી રશિયા મહાયુદ્ધ શરૂ થયા પછી પણ લાંબા સમય સુધી જર્મની સાથે અનાક્રમણના કરારથી બંધાયેલું હતું અને સમાજવાદી રશિયા જોડે દોસ્તીનો કરાર કરનાર જર્મનીને દુશ્મન માનવા ૧૯૪૦ સુધી મોટા ભાગના સમાજવાદીઓ તૈયાર ન હતા. એશિયામાં ઇંગ્લૅન્ડ અને ફ્રાંસનું સામ્રાજ્ય હતું. આ શાહીવાદી રાજ્યોનું દુશ્મન અને સમાજવાદી રશિયાનું મિત્ર એ જર્મનીની પ્રતિમા ૧૯૩૯માં લોકોની નજર સમક્ષ હતી. આવા જર્મનીનો ઇંગ્લૅન્ડ સામેનો જંગ ચાલતો હોય, અમેરિકા તટસ્થ હોય અને રશિયા જર્મનીનું મિત્ર હોય ત્યારે જર્મનીની મદદ લઈ બ્રિટિશ શાહીવાદ સામે લડવામાં કોઈ ખોટી ચાલ છે એમ સુભાષબાબુને લાગ્યું નહીં. આંતરરાષ્ટ્રીય રાજકારણનું, સુભાષબાબુનું મૂલ્યાંકન ભૂલભરેલું હતું એવું આજે કદાચ કહી શકાય પણ એનો અર્થ ફેસિસ્ટો જોડે હાથ મેળવ્યાની રીતે કરવાની વાતમાં ખોટી રજૂઆત થાય છે. આઝાદીની ઉત્કટ પ્રેરણાથી ભરેલા એક રણસેનાનીની એ આઝાદી અંગેની યોજના હતી. આ જ વિચારધારા લઈ સુભાષબાબુ ૧૯૩૯માં ત્રિપુરી કૉંગ્રેસના અધ્યક્ષ થયા અને એવા પ્રસંગે અનેક કટ્ટર જમણેરી આપણા સુભાષબાબુ વિચારધારા સાથે સહમત થયા હતા. આવા પ્રસંગે પંડિતજીએ સુભાષ સાથે દગો કર્યો એવો પંડિત નહેરુ ઉપર આરોપ મુકાય છે. ગાંધી વિરુદ્ધ સુભાષની લડતમાં, સુભાષની પડખે રહેવાની નહેરુની ફરજ હતી છતાં ગાંધીજીના દબાવના કારણે તેઓએ પીછેહઠ કરી એવો આરોપ પંડિત નહેરુ પર થાય છે. એ સાચી વાત છે કે પંડિતજી અવશ્ય બાંધછોડમાં માનતા હતા પણ પ્રસંગે ગાંધીજીને બાજુ પર રાખીને તે આગળ વધ્યા હતા અને કો’ક વાર ગાંધીજીને પણ એમની બાજુ પર રહેવાની તેઓએ ફરજ પાડી હતી એ વાત ભુલાય એમ નથી.

આ ઠેકાણે પંડિતજીની ખાસ અડચણ એ હતી કે તેમને સુભાષની ભૂમિકા સંપૂર્ણ રીતે અમાન્ય હતી. આ પ્રસંગથી જ નહેરુ-સુભાષ સ્પર્ધાનો આરંભ થાય છે. ખરી સ્પર્ધા ગાંધી-સુભાષની નથી. ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ ચૂંટણી જીતવાથી ફાટી નીકળેલો આ સંઘર્ષ નથી. અધ્યક્ષીય ચૂંટણીને આટલું મહત્ત્વ ગાંધીજી પણ આપતા ન હતા. પૂર્વે ગાંધીજીએ શું સુભાષને અધ્યક્ષ બનાવ્યા ન હતા? ૩૬, ૩૭ અને ૧૯૩૮ આ ત્રણે વર્ષોમાં કૉંગ્રેસ નહેરુ-સુભાષની નેતાગીરી નીચે ચાલતી હતી. આ ત્રણે વર્ષોમાં વર્કિંગ કમિટીમાં જમણેરીઓની બહુમતી હતી. ૧૯૩૯માં સુભાષ ચૂંટાઈ આવવાથી કયું આભ તૂટી પડવાનું હતું? વર્કિંગ કમિટીમાં ૧૫માં ૪ સમાજવાદીઓ રહેતા. સુભાષબાબુના કારણે ૪ના ૫ થાત, છતાં બહુમતી જમણેરી જ રહેત. ગાંધીજી જોડે સહમતી સાધતાં સુભાષબાબુ પણ કદાચ જગ્યા પર જ સંતોષ માનત. ખરી લડાઈ આ ન હતી. એ જુદું કારણ હતું. પંડિત નહેરુ પોતે સમાજવાદી હતા. કૉંગ્રેસ સમાજવાદી થાત તો તે તેમને ગમત. સુભાષબાબુ માનતા હતા કે કૉંગ્રેસને સત્વરે સમાજવાદી રૂપ આપવું જોઈએ. પંડિત નહેરુ માનતા હતા કે આઝાદીની પ્રાપ્તિ સુધી કૉંગ્રેસ ડાબેરી-જમણેરી મિશ્ર રહે એ જરૂરી છે.

જમણેરી ગુટ તો વહેલી તકે ડાબેરીઓને હાંકી કાઢવા તક શોધતો હતો. તેઓ અનુકૂળ ઘડીની રાહ જોતા હતા. આ તક તેમને નહેરુ-સુભાષ મતભેદથી મળી. નવેસર પ્રકાશમાં આવેલ પત્રવ્યવહારથી એક વાત સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાહોનું આકલન અને લડતના દાવપેચ અંગે પંડિતજી અને સુભાષમાં મૂળભૂત મતભેદો હતા. બીજી વાત એ કે ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ ચૂંટણી ન લડવાની સલાહ પંડિતજીએ સુભાષને આપી હતી. નહેરુ પડખે રહે તો ગાંધીજીનો ગુસ્સો ટાળી શકાય એવી સુભાષની ગણતરી હતી. ગાંધી-સુભાષના મતભેદોનું નિરાકરણ કરવા માટે પંડિતજીએ જહેમત ઉઠાવી. તે શ્રમને જશ મળ્યો નહીં, છતાં સુભાષના રાજકારણની એ સમાપ્તિ ન હતી. વ્યક્તિ તરીકે સુભાષ પંડિતજીને પ્રિય હતા, પણ સુભાષબાબુની રાજનીતિનો સંપૂર્ણ પરાભવ કરવો જ રહ્યો એમ પંડિતજીનો પાકો મત હતો.

પંડિતજી માનતા હતા કે આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી અલગ રીતે રાષ્ટ્રીય નીતિનું મૂલ્યાંકન ભૂલભરેલું રહેશે. રશિયા આજે જર્મનીનું દોસ્ત છે. અમેરિકા તટસ્થ છે. બીજી બાજુ પર બ્રિટનના મુખ્ય પ્રધાન હંમેશ હિટલરને ખુશ રાખવાની નીતિ પર ચાલી રહ્યા છે. છતાં મહાયુદ્ધ નજીક આવ્યું છે એ વાત પર નહેરુ-સુભાષની એકમતી હતી. નહેરુ માનતા કે ઇંગ્લૅન્ડ અને જર્મનીમાં મહાયુદ્ધ થશે જ. પહેલા મહાયુદ્ધમાં અમેરિકા તટસ્થતા જાળવી શક્યું નહીં તે જ પ્રમાણે આ જંગમાં પણ તે તટસ્થ ન રહી શક્યું. અમેરિકાને ઇંગ્લૅન્ડ તરફથી લડાઈમાં ઊતરવું જ પડશે અને રશિયાને પણ સ્વરક્ષણ માટે યોગ્ય સમયે આ લડાઈમાં ઊતરવું જ પડશે. અમેરિકા, ઇંગ્લૅન્ડ, રશિયા, ચીન આ પક્ષ વિરુદ્ધ ઇટાલી, જર્મની અને જાપાનનો પરાભવ અટલ છે. તેઓ સાથે બાંધેલા સંબંધો વિનાશકારી સાબિત થશે. આ લડાઈમાં ભાગ લઈ રશિયા વિજયી નીવડશે અને અમેરિકા, પ્રચંડ ઔદ્યોગિક દેશ બનશે. તેથી અમેરિકા, રશિયા અને ચીનની મહત્તા વધશે. તેથી બ્રિટન અને ફ્રાન્સ પોતાના એશિયા-આફ્રિકાના સામ્રાજ્યના વિસર્જનની ઘડીઓ ગણે છે. તેથી વ્યવહાર અને સિદ્ધાંત બન્નેનો વિચાર કરી આપણે લોકશાહી રાષ્ટ્રોના પડખે રહેવું જોઈએ.

૧૯૩૬-૩૭ના અરસામાં પંડિતજી અને સુભાષ બન્ને યુરોપમાં હતા. સુભાષચંદ્રે આ તક ઝડપી જર્મની અને ઇટાલીના પ્રતિનિધિઓ સાથે પ્રદીર્ઘ ચર્ચા કરી હતી. તેઓ હિટલર અને મુસોલિનીને મળ્યા. નહેરુએ તો કમલાના નિધનના કારણથી મુસોલિનીએ માંગેલી મુલાકાતનો પણ ઇન્કાર કર્યો હતો! બન્નેની ભૂમિકામાં તે સમયે જ યોજનાનું અંતર પડ્યું હતું પછી એ અંતર વધતું જ ગયું. બન્નેના આંતરરાષ્ટ્રીય રાજકારણના આકલનનો વિચાર કરીએ નહેરુજીનું આકલન વધુ વાસ્તવલક્ષી હતું, એ કહેવું જ પડે છે. નહેરુની ભૂલ થઈ હોય તો બીજાં બે ક્ષેત્રે છે. ચાંગ-કાઇ-શેકના નેતૃત્વ નીચે નવું ચીન સ્થિર થશે એ એમનું ભવિષ્યકથન ખોટું સાબિત થયું. રશિયા-અમેરિકા લડાઈ પછી દોસ્તો રહેશે એ માન્યતા પણ ખોટી સાબિત થઈ. બાકીનું વિવેચન એક ક્રાંતિકારી તરીકે સાચું ઠર્યું. નહેરુએ મંચુરિયા પરના જાપાની આક્રમણને વખોડી કાઢ્યું. એબીસીનિયા અંગે ઇટાલીનો વિરોધ કર્યો. સ્પેન અંગે જર્મનીનો વિરોધ કર્યો. યહૂદીઓ પર નાઝી જુલ્મો સામે સહાનુભૂતિ વ્યક્ત કરી. આમાંથી કશું જ સુભાષબાબુને પસંદ ન હતું. સુભાષબાબુની ભૂમિકા ખરેખર ડાબેરી નથી, પણ જમણેરી છે, પ્રત્યાઘાતી છે, એવી નહેરુની માન્યતા હતી. સુભાષબાબુ માનતા કે નહેરુજીની નિષ્ક્રિયતા શાહીવાદીઓના લાભમાં છે.

નહેરુ સાચા ઠર્યા એ આજે કહેવું સહેલું છે. ૧૯૩૯માં કોણ સાચું એનો નિર્ણય કરવાનું કામ સમકાલીનો માટે અઘરું હતું. કારણ તે વખતે પર્લ હાર્બર પર હુમલો થયો ન હતો. અમેરિકા જંગમાં ઊતર્યું ન હતું. રશિયા-જર્મનીની લડાઈ સળગશે એ પણ ભવિષ્યકથન હતું. એ સાચું પણ પડે કે ખોટું પણ પડે એવી સ્થિતિ હતી. આવા વાતાવરણમાં નહેરુ-સુભાષના મતભેદો જમણેરી પરિબળો માટે સોનેરી તક હતી. તેઓએ જાહેરમાં તો સુભાષ સામે પણ વ્યવહારમાં સમસ્ત ડાબેરી વિચારધારા સામે પેંતરો લીધો હતો. સમાજવાદીઓને હંમેશ મુજબ નહેરુ-સુભાષની એકતા માની લીધી તે ભેગા છે એ જ સમજથી સુભાષબાબુ ચૂંટાયા. એમનામાંના મતભેદો જાહેર થતાં જ સુભાષનો પરાજય થયો. આ પરાજયના તબક્કા પણ તપાસવા જોઈએ. સુભાષબાબુ ચૂંટાયા. એમનામાંના મતભેદો જાહેર થતાં જ સુભાષનો પરાજય થયો. આ પરાજયના તબક્કા પણ તપાસવા જોઈએ. સુભાષબાબુ ચૂંટાયા તે સમયે કૉંગ્રેસમાં તેઓ બહુમતીમાં હતા. ૧૯૩૮માં મૈસુરના પ્રશ્ન પર ગાંધીજી જોડે મતભેદ થયો. તેવો ઝઘડો જાગ્યો હોત તો નહેરુ પ્રમાણે સુભાષ પણ જીતત. તેમની બહુમતી નિશ્ચિત હતી. તેઓને ૧૫૦૮ તો પટ્ટાભીને ૧૩૭૫ મત પડ્યા હતા. વિજય ૨૦૫ મતોનો હતો. જે રક્ષણે નહેરુ વિરોધમાં ગયા, એ જ ક્ષણે સુભાષનો પરાજય થયો.

નેતાજી અફઘાનિસ્તાન રશિયા માર્ગે જર્મન રેડિયો પરથી ભારતીય જનતાને બળવા માટે આવાહન કરવા લાગ્યા. છતાં ભારતીય જનમાનસ પર તેની ખાસ અસર દેખાઈ નહીં. ઈ.સ. ૧૯૪૧માં નેતાજી જાપાન ગયા હોત અને આરઝી હકૂમત કાયમ કરી હોય, તો કંઈક અર્થ સરત. પણ તેમનું જાપાન આગમન અને સરકારની સ્થાપના એ બધું જ પારકી શક્તિને આધીન હતું. જ્યારે જર્મની-જાપાનને અનુકૂળ લાગ્યું ત્યારે જ તેઓ સરકાર કાયમ કરી શક્યા.

આઝાદ હિંદ સરકારની સ્થાપના ઑક્ટોબર ૧૯૪૩ના આખરમાં થઈ. આ ઘટનાનું લાગણીની નજરે મૂલ્યાંકન ગમે તેટલું હોય વ્યવહારમાં એનો પરાજય નક્કી થઈ ચૂક્યો હતો. ૧૯૪૩માં રશિયામાંથી જર્મનીની પીછેહઠ શરૂ થઈ ગઈ હતી. મલાયા, બ્રહ્મદેશ, સિયામ, ઇન્ડોનેશિયાની જનતા મિત્ર રાષ્ટ્રોની મદદથી જાપાન સામે આઝાદીની લડાઈ લડતી હતી. આઝાદ ભારત સરકાર બનવાથી ત્યાંના ભારતીયો તે તે દેશોમાં જાપાનના ભાડૂતી એજન્ટો તરીકે નાહક બદનામ થયા. મલાયા બ્રહ્મદેશમાંના સ્થાનિક ભારતીયો હંમેશ ત્યાંની જનતાનાં દ્વેષપાત્ર રહ્યા છે.

આઝાદ હિંદ ફોજ જે નેતાએ નિર્માણ કરી એ પહેલા નેતા છે રાસબિહારી અને બીજા નેતા સુભાષ. બંનેની દેશભક્તિ, ત્યાગ, બલિદાન અને નિઃસ્વાર્થ સેવા વિવાદથી પર છે. આ ફોજો હારી એ માટે તકરાર નથી. તકરાર એ માટે છે કે આ ફોજ નીડરતાથી લડી જ નહીં. આ ફોજીઓનો બચાવ કરવાની કૉંગ્રેસની ફરજ હતી. કૉંગ્રેસે તે નિભાવી. ખરો પ્રશ્ન સુભાષના સાહસનું મૂલ્યાંકન કરવાનો છે. ખરી વાત તો એ છે કે પૂરતી શક્તિ ભેગી કર્યા વગર લડત આપવી જ નહીં, એવી કોઈ આંદોલનની ધ્યેયધારણા હોતી નથી. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સેના ઊભી કરે છે, તે માટે પૂરી તૈયારીની રાહ જોતા નથી. સાવરકર રાષ્ટ્રવ્યાપી સશસ્ત્ર સંઘર્ષ માટે તૈયારી કરતા જ હતા. એનું કારણ સંપૂર્ણ તૈયારી એ નથી. ઉત્કટ દેશભક્તોને હુતાત્મા બનવાના કોડ હોય છે. પોતાનું લોહી એળે નહીં જાય એવી એમને શ્રદ્ધા હોય છે, હોય તે શક્તિ સાથે તેઓ બળવો પોકારે છે. અપજશ માટે દુઃખ કે પસ્તાવો કરતા નથી. આવા સેંકડો પરાજયોમાંથી જ ભવિષ્યનો ભવ્ય વિજય શક્ય બને છે.

ટૂંકા શસ્ત્રસરંજામ સાથે કમજોર દિલના વીસ હજાર સૈનિકો સાથે લઈ યુદ્ધભૂમિ પર ભારત જીતવાનું કોઈ દિવસે શક્ય ન હતું. તે સમયે ભારતીય ફોજમાં પણ બળવાની પરિસ્થિતિ ન હતી. પણ આ વાત જે પ્રમાણે સુભાષ માટે કહેવાય તે જ રીતે ઘોર નિરાશામાંથી સળગેલી ૧૯૪૨ની લડત અંગે પણ કહી શકાય. જીતવાની શક્યતા છે કે નહીં એ સવાલ જ આઝાદીની લડતમાં અસ્થાને હોય છે. લડતની જનતા પર શું અસર થઈ એ સવાલનું જ મહત્ત્વ હોય છે. સુભાષબાબુના બળવાથી ભારતીય સેનાની મનોવૃત્તિ જ બદલાઈ. જેના જોરે અંગ્રેજી સલ્તનત ઊભી હતી એ આધારો કડડભૂસ થઈ તૂટી પડ્યા. આઝાદી અંગે ઉદાસીન એવી જનતા સતત ૨૫ વર્ષથી ચાલતા આંદોલનથી ધીરે ધીરે ઉગ્ર બનતી ગઈ. સવિનય કાનૂનભંગની બધી જ લડતો શું આપણે હાર્યા ન હતા? છતાં દરેક લડતમાં લોકજાગૃતિ વધી. ૪૫ પછી જો કોઈ લડત કરવી પડત તો આગળની લડતોથી વધુ ઉગ્ર સ્વરૂપની જ થાત.

જનતા આઝાદી માટે ઉત્સુક બની એ બ્રિટિશરાજનો એક આધાર ગયો. આમાં પણ નેતાજીનો હિસ્સો મોટો હતો. કૉંગ્રેસે આઝાદી માટે કરેલા દરેક આંદોલનના એ મહત્ત્વના સેનાની હતા. તેઓ કૉૅંગ્રેસના એક શિલ્પકાર હતા. સામ્રાજ્યનો બીજો આધાર બ્રિટનનું આર્થિક હિત એ હતો. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનની અર્થવ્યવસ્થા ભાંગી પડી. તે ફરી ઊભી કરવાના બદલામાં અમેરિકાએ એશિયા, આફ્રિકાનાં બજારો પોતાના માલ માટે ખુલ્લાં કરાવ્યાં. આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના બદલાવામાં કૉંગ્રેસમાંના કોઈનો પણ કોઈ હિસ્સો નથી. ત્રીજો આધાર રાજસત્તા તરફ સંપૂર્ણ નિષ્ઠા રાખનાર લશ્કરનો હતો. સુભાષબાબુએ એવી પરિસ્થિતિ પેદા કરી કે ફરી લડત થાત, તો લશ્કરનો મોટો ભાગ બળવામાં સામે થાત. આ ત્રીજી ઘટના પાછળ નેતાજીનો દાવ હોવાથી તે પણ આઝાદીના શિલ્પકાર પૈકી સાબિત થાય છે.

મુસ્લિમો અંગે વધુ ઉદારતા એ નેતાજીનો હું દોષ સમજતો નથી. પરિસ્થિતિ એવી હતી કે બધાને ઉદાર બનવું પડતું. ફરક ફક્ત ઉદારતાના પ્રમાણનો હતો. ૩૯માં કૉંગ્રેસે સામૂહિક કાનૂનભંગનું આંદોલન શરૂ કરવું જોઈએ એમ સુભાષ માનતા. આ મતને પણ ભૂલ ન ગણી શકાય. શાહીવાદી સત્તાએ વાટાઘાટ માટે તૈયાર થવા માટે એ દબાણ આવશ્યક હતું. પછીના વર્ષે વ્યક્તિગત સત્યાગ્રહનો પ્રયોગદબાવ કરવામાં આવ્યો.

આખરે તેઓએ સ્થાપેલ આરઝી હકૂમતનો મુદ્દો બાકી રહે છે. આઝાદીની યોજના તરીકે તે તરફ જોવામાં જ કંઈ અર્થ નથી. બલિદાનની ઉત્કટ તમન્ના તરીકે જ આ ઉગ્ર ભીષણ નાટ્યનું મૂલ્યાંકન કરવું પડે. છતાં આમ છૂટા-છૂટા ટુકડા ન પાડીએ અને સુભાષબાબુના જીવનનો એકત્રિત વિચાર કરીએ, તો ગાંધીવિરોધી અંતિમવાદી, હિંદુત્વવાદી ન હતા. એમનું રૂપ ગાંધીજીની છત્રછાયા નીચે ઉછરેલા છતાં આગળ જતાં સ્વતંત્ર વિચાર કરી આગળ વધનાર લોકશાહીવાદી સમાજવાદી સ્વાતંત્ર્યવીરનું રૂપ છે. આ ખરી પ્રતિમા આજે વિસરાઈ ગઈ છે. તે ફરીથી પ્રકાશમાં આણવાનું આપણું કર્તવ્ય છે.

[શબ્દો − 6531]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2021; પૃ. 09-15

Category :- Gandhiana