*છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને*

પંચમ શુક્લ
01-03-2021

છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને,
સાંપ્રતને ખરીદ્યો છે ભૂતકાળ વટાવીને.

સીધાની નથી આશા, ત્રાંસાની નરી અટકળ,
ફેંકે છે દડો કેવો ફરતો એ લટાવીને.

બોલે છે હવે એક જ એ નામ રટાવેલું,
રાખ્યો છે નજર સામે પોપટને રટાવીને.

નરસિંહને કહે નાચો, મીરાંને કહે ગાઓ,
પરજા છે! લખે હૂંડી  કૈં ગટ્ટગટાવીને.

બે-જણને જમાડે બે, બાજોઠ બિછાવીને,
રૈયતને કરે રાજી, કોણીઓ ચટાવીને.

27/2/2021

Image courtesy : "The Deccan Chronicle", 26 February 2021

Category :- Poetry