ક્યાં લગ

વજેસિંહ પારગી
27-02-2021

૧.

મજૂરી કરતાં-કરતાં
પેઢીઓની પેઢીઓ
માટીમાં મળી ગઈ

હુંય જોઉં છું
વરસોવરસ વિસ્તરતી
અમીરોની સત્તા

બે હજાર વરસથી
ખોટી પડતી આવી છે
ઈસુની ભવિષ્યવાણી

ગરીબગુરબાં
જીવીજીવીને ક્યાં લગનું જીવશે
કોઈના વચનના વિશ્વાસ પર ?

૨.

એક હાથમાં
ફૂલ
ને બીજા હાથમાં
રોટલો
લઈને ઊભો કાળ
ને કરવાની મારે
એકની પસંદગી

મનને ગમતું
ફૂલ
પણ ભૂખ્યા પેટથી
કાયર થયેલા હાથ
પકડી બેઠા
રોટલો

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2021; પૃ. 04

Category :- Poetry