સુધરાઈ પ્રમુખ તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ!

કિરણ કાપુરે
22-02-2021

ગત્ રવિવારે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર પટેલની વાત કરી અને તેમણે તે પદ પર રહીને અદ્વિતીય કાર્યની ઝલક પણ મેળવી. અંગ્રેજ શાસન દરમિયાન 1924ના અરસામાં જ્યારે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા, તે ગાળા દરમિયાન અન્ય શહેરોમાં પણ પછીથી સરદારની જેમ રાષ્ટ્રીય આગેવાન બનેલાં આગેવાનો ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અલ્હાબાદમાં જવાહરલાલ નેહરુ, પટણામાં રાજેન્દ્રપ્રસાદ અને કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ હતા. તેમાં જવાહરલાલ નેહરુ તો દેશના પ્રથમ વડા પ્રધાન પદે બિરાજ્યા હતા. તેમનો પણ પહેલોવહેલો જાહેર કાર્યક્ષેત્રમાં પદભાર સંભાળવાનો પહેલોવહેલો અનુભવ અલ્હાબાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકેનો હતો. એ જ પ્રમાણે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનનાર રાજેન્દ્ર પ્રસાદે પણ પટણામાં જવાબદારી સ્વીકારી હતી.

જવાહરલાલ નેહરુએ પોતાના મ્યુનિસિપલ કાર્યકાળને વિસ્તૃત રીતે પોતાની આત્મકથા ‘મારી જીવનકથા : જવાહરલાલ નેહરુ’માં જગ્યા આપી છે. આ અનુભવ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ત્યારે જાણવા છે. સરદારે જેમ અમદાવાદ શહેરની કાયાપાલટ કરવાનું કાર્ય કર્યું હતું અને તેઓ મ્યુનિસિપિલ કાર્યમાં ઓતપ્રોત રહ્યા હતા, તેવું નેહરુના કિસ્સામાં અલ્હાબાદ સંદર્ભે અનુભવાતું નથી. તેઓ ‘મ્યુનિસિપલ કામ’ના પહેલાં જ પેરેગ્રાફમાં લખે છે : “બે વર્ષ સુધી મે અલ્લાહાબાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખનું કામ ચલાવ્યા કર્યું. પણ એને વિશેની મારી અનિચ્છા વધતી જતી હતી. હું પ્રમુખનું ત્રણ વર્ષને માટે હતો, પણ બીજું વર્ષ શરૂ થયું ન હતું ત્યાં તો હું મારી જવાબદારીમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કામ મને ગમ્યું હતું, અને તેની પાછળ પુષ્કળ સમય અને વિચાર આપ્યો હતો. મને ઠીક ઠીક સફળતા પણ મળી હતી, અને મારા સાથીઓનો સદ્દભાવ પણ પ્રાપ્ત કર્યો હતો. પ્રાંતિક સરકાર(એટલે કે અંગ્રેજ સરકાર)ને મારા રાજકીય વિચારો વિશે અણગમો હતો, તે ભૂલી મારા કેટલાંક મ્યુનિસિપલ કામોની તેણે પ્રશંસા સુધ્ધાં કરી હતી, પણ કોણ જાણે મને એમ લાગ્યું કે હું કોઈ વાડામાં બંધાઈ ગયો છું, અને કંઈક સંગીન કાર્ય કરવા જતા રસ્તામાં અંતરાયો અને બંધીઓ ઊભી જ છે.”

સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કામ બતાવીને પછીથી રાજીનામું આપ્યું હતું, પરંતુ નેહરુના કિસ્સામાં નોંધપાત્ર કાર્ય અલ્લાહાબાદમાં થયું હોય તેવું તેમના લખાણમાં અભિપ્રેરીત થતું નથી. ઉપરાંત નેહરુ આ મ્યુનિસિપાલિટીમાં તે વખતે કેવી રીતે કાર્ય થતું તે મૂકી આપે છે. તેઓ લખે છે : “મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ તરીકે મારે એક તરફથી સત્તાવાદી સરકારની(અંગ્રેજોના) નોકરશાહીના ગાડા સાથે કામ લેવાનું હતું – આ રગશિયું ગાડું જૂને ચીલે જ ચાલનારું હતું અને તેની ગતિ અને દિશા બદલાવવી અશક્ય હતું. બીજી તરફથી મારા સાથી મ્યુનિસિપાલિટીના સભ્યો જોડે કામ લેવાનું હતું, અને એમાંના ઘણાંખરા  પણ કામ ઉત્સાહથી ઉપાડી લેતા, પણ એકદંર રીત જોતા તેમનામાં દૂરદૃષ્ટિ ન હતી, બદલવાને માટે કે સુધરવા માટે ધગશ ન હતી. જે રસ્તે ચલતા આવ્યા છીએ તે રસ્તો કાંઈ ખોટો નથી, સફળ ન થાય એવા નવા પ્રયોગોમાં શા સારું પડવું ? આદર્શવાદી અને ઉત્સાહી સભ્યો પણ ધીમે ધીમે જડ ચીલે ચાલવાથી ઉપન્ન થતા પ્રમાદને કેફને વશ થતા. માત્ર એક વિષય એવો હતો કે જેની ચર્ચા ઊભી થતાં સભ્યોમાં નવું ચેતન આવવાની ખાતરી રહેતી – સગાંવહાંલાઓને ઠેકાણે પડાવાનો અને નિમણૂકોનો વિષય. આ વિષયમાં તેઓ રસ લેતા તેથી હંમેશાં મ્યુનિસિપાલિટીનનું કામ સુધરે એમ તો ન જ બનતું.”

મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદેથી તેઓ કેવી રીતે અલગ થયા અને તે વિશે પણ તેઓ લખે છે. તેમના શબ્દોમાં ‘છૂટકારો’ મેળવ્યો હોય તેવો અનુભવ દેખા દે છે. તેઓ લખે છે : “મ્યુનિસિપાલિટીનું કામ એક બે વર્ષ કર્યા પછી મને લાગ્યું કે હું મારી શક્તિઓનો સારામાં સારો ઉપયોગ ત્યા કરતો નથી. બહુ બહુ તો હું ત્યાં કામને કંઈક વેગ આપી શકતો અથવા તો એમાં વધારે કુશળતા લાવી શકતો. પણ હું કોઈ કરવા જેવો સુધારો તો દાખલ કરાવી શકું એમ હતું જ નહીં. મારે પ્રમુખપદનું રાજીનામું આપવું હતું, પણ બોર્ડના બધા સભ્યોએ મને ચાલું રહેવાનું દબાણ કર્યું. તેમની પાસેથી એકસરખી માયા અને સદ્દભાવનો મેં અનુભવ કર્યો હતો, એટલે તેમને ના પાડવી કઠણ હતી. પણ બીજા વર્ષની આખરે મેં રાજીનામું આપ્યું.” આ રાજીનામું આપવા પાછળ નેહરુએ દર્શાવેલાં ઉપરના કારણો તો હતા જ, પણ સાથે તેમના પત્નીની સતત બગડતી જતી તબિયત પણ હતી. પત્નીના સારવાર અર્થે યુરોપ લઈ જવાનું બન્યું અને તેઓએ રાજીનામું આપ્યું. પછીથી તો તેઓ જ્યારે ભારત પાછા ફર્યા ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં જ વધુ સક્રીય થયા. જો કે તેમનો મ્યુનિસિપાલિટીના પ્રમુખપદનો કાર્યકાળ સરદાર જેટલો યશસ્વી અને કાર્યશીલ ન રહ્યો.

e.mail : [email protected]

પ્રગટ : 21 ફેબ્રુઆરી 2021

Category :- Opinion / Opinion