મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર પટેલ …

કિરણ કાપુરે
22-02-2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે અને અઠવાડિયે આડે રહેલી ચૂંટણીનો રંગ ધીરે ધીરે જામી રહ્યો છે. આજકાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રિય મુદ્દા અને રાષ્ટ્રીય આગેવાનોની જ બોલબાલા છે. સ્થાનિક સ્તરના રાજકારણનું પણ કેન્દ્રિયકરણ થઈ ચૂક્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડેલા આ ટ્રેન્ડના કારણે હવે જરૂરી હોય તેવી સેવા પરથી ધ્યાન હટીને માત્ર ને માત્ર મોટાં મોટાં પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત થયું છે. અમદાવાદનું જ ઉદાહરણ લઈએ તો એક સમયે શહેરની જાહેર બસ સેવા શ્રેષ્ઠ ગણાતી, પરંતુ આજે તે વ્યવસ્થા પડી ભાંગી છે અને તેના સ્થાને શહેરમાં બી.આર.ટી.એસ.નું નેટવર્ક ગોઠવાઈ ચૂક્યું છે. એ જ રીતે હવે મેટ્રોનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આજે શહેરનો વિકાસ તેની તાસીર મુજબ નહીં પણ ઉપરથી લાદેલા પ્રોજેક્ટથી થાય છે. તેમાં શહેર મૂળ ઓળખ તો ગુમાવે જ છે, પણ સાથે સાથે જે જંગી નાણાં ખર્ચાય છે તેનો લાભ આમ આદમી સુધી પહોંચતો નથી.

સ્થાનિક સ્વરાજ બોડીમાં ચૂંટાયેલા આગેવાનો આજે ધાર્યું કરી શકતા નથી, પણ અંગ્રેજોના શાસન દરમિયાન 1924ના અરસામાં દેશભરમાં સ્થાનિક સ્વરાજની બોડીમાં દેશના આગેવાનોનો પ્રવેશ થયો હતો. જુદા જુદા પ્રાન્તોમાં દેશના આગેવાનોએ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કરીને સ્થાનિક સ્વરાજના કાર્યો હાથ ધર્યા હતા. અલ્હાબાદમાં જવાહરલાલ નેહરુ, પટણામાં રાજેન્દ્રપ્રસાદ, કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ, મુંબઈમાં વિઠ્ઠલભાઈ પટેલ અને અમદાવાદમાં સરદાર પટેલ ચૂંટાઈ આવ્યા હતા. આ તમામ આગેવાનોમાં સરદાર પટેલે કરેલાં કાર્યની નોંધ દેશભરમાં લેવાઈ હતી. જો કે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં 1917માં જ દાખલ થઈ ચૂક્યા હતા, પરંતુ તેમના હાથમાં પૂરી બાગડોર પ્રમુખકાળ દરમિયાન 1924માં આવી હતી. તેમણે આ અગિયાર વર્ષમાં કેટલાંક કામ ખૂબ ઝડપથી પૂર્ણ કર્યા અને શહેરની કાયાપાલટ કરી હતી. સરદારના આ કામનો ઉલ્લેખ તેમનાં બૃહદ્દ ચરિત્ર લખનાર રાજમોહન ગાંધી, રામનારાયણ ના. પાઠક અને યશવંત દોશીએ વિસ્તારથી લીધી છે.

રા.ના. પાઠક લખે છે : “સરદારે પ્રમુખપદે આવતાં જ પ્રજાહિતનાં એક પછી એક કાર્યો હાથ ધર્યા. અમદાવાદનો મોટામાં મોટો પ્રશ્ન પાણીનો હતો. શહેરમાં ગટરો ન હતી. આ બંને કાર્યોમાં તેમણે મ્યુનિસિપાલિટીના એન્જિનિયર તથા તેના સાથીઓને એકાગ્ર બનાવ્યા. પરંતુ તેઓ બે કલાક ટેબલ પર બેસીને સહીઓ કરનારા પ્રમુખ ન હતા; ચોવીસ કલાકના પ્રજાસેવક હતા. સવારમાં ઇજનેર સાથે પોતે શહેરમાં ગટરો નંખાતી તે જગ્યાએ પહોંચી જતા. વૉટર વર્ક્સ અને બીજા કામો શરૂ થયેલાં એ સ્થળે ચક્કર લગાવતા અને ફરતા ફરતા બપોરે બાર વાગ્યે ઘેર પહોંચતા. પાછા ત્રણ વાગ્યે ઑફિસમાં હાજર થઈ જતા. દરેક કાગળ જાતે વાંચતા. તે ખાતાના અધિકારીને બોલાવી તેની સાથે ચર્ચાવિચારણા કરી કામનો ઝડપી નિકાલ લાવવા માટે સૂચનાઓ આપતા. આજનો રાજનગરનો વિકાસ એ વલ્લભભાઈની દીર્ઘદૃષ્ટિને આભારી છે. … એ વખતે અમદાવાદ ફરતો કોટ હતો. અંદરના ભાગનું ક્ષેત્રફળ 1,200 એકરનું હતું તેમા ત્રીજા ભાગમાં – 425 એકરમાં જ ગટરો હતી. તેમણે આખા શહેરમાં ગટરો નાખી દેવાની યોજના કીર અને ચાર વર્ષમાં પોતાની પ્રમુખ તરીકેની કારકિર્દી દરમિયાન એ કાર્ય પૂરું કર્યું. ગટરના પાણીનો ખેતી માટે ઉપયોગ થાય તે માટે જમાલપુર દરવાજા બહાર એક પમ્પિંગ સ્ટેશન અને સુએજ ફાર્મ હતું, તેમાં નવાં એન્જિનો તથા સાધનો વસાવી સગવડ કરી.”

“એવી જ રીતે શહેરને તાત્કાલિક જરૂરિયાત હૉસ્પિટલની હતી. સિવિલ હૉસ્પિટલ વધતી જતી વસ્તીને પહોંચી વળતી ન હતી. એને માટે દાન મેળવવાની તજવીજ થઈ. સ્વ. શેઠ વાડીલાલ સારાભાઈની મિલકતનો વહીવટ, એક્ઝિક્યૂટર તરીકે મુંબઈના શેઠ મનસુખલાલ છગનલાલ અને શેઠ મણિલાલ ઝવેરીના હસ્તક આવ્યો. સ્વર્ગસ્થના વસિયતનામા મુજબ એ મિલકતનો ઉપયોગ વૈદકીય મદદ કેળવણી વગેરે પ્રકારનાં કામોમા કરવાનો હતો. આ ગૃહસ્થો – ખાસ કરીને મનસુખલાલ – વલ્લભભાઈના પ્રશંસક હતા. એમની – વલ્લભભાઈની – જ સૂચનાથી ટ્રસ્ટીઓએ, અમદાવાદના જનરલ હૉસ્પિટલ માટે રૂપિયા ચાર લાખની ઉદાર સખાવત આપવાનું જણાવ્યું. આમ સામાન્ય હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ અંગે જે યોજનાઓ મ્યુનિસિપાલિટી વિચારતી હતી તેને મૂર્ત સ્વરૂપ આપવાનું સરળ થઈ ગયું.”

સરદારના કોર્પોરેશનના કાર્યને લઈને રાજમોહન ગાંધીએ વિસ્તૃત વર્ણન કરવાની જગ્યાએ મહત્ત્વની બાબતોને જ સમાવી છે, જેમાં તેઓ લખે છે : “જાતમહેનત વલ્લભભાઈના પ્રભાવનું રહસ્ય હતું. રોજ સવારે વલ્લભભાઈ દરેક વોર્ડમાં જતા અથવા ઇજનેર કે ઓવરસિયરને સાથે લઈને કામ ચાલતું હોય ત્યાં પહોંચી જતા. … શહેરમાંની ગરદી ઘટાડવા માટેની તેમની યોજના સામે ઉગ્ર વિરોધ થયો. કિલ્લા વિસ્તારની બહારની જગાના વિકાસની તરફદારી કરવા માટે તેમને ખેડૂતોના દુશ્મન કહેવામાં આવ્યા. અને જૂના સુલતાનોએ બાંધેલા કિલ્લાનો થોડો ભાગ તોડી નાખવા માટેની જૂની દરખાસ્તને ટેકો આપવા માટે તેમને મુસ્લિમ વિરોધી ઠરાવવામાં આવ્યા. આ દીવાલ તે જમાનાના સ્થાપત્યનો ઉત્તમ નમૂનો હોવાથી તે તોડી નાખવામાં વિરોધમાં કેટલાક બિનમુસ્લિમો પણ જોડાયા. વલ્લભભાઈએ વૈકલ્પિક યોજનાની માગણી કરી, તેનો જવાબ કોઈની પાસે હતો નહીં. અને તેથી દીવાલ તોડવાનું કામ શરૂ થયું. … ઉંદરો અને રખડતાં કૂતરાંઓને મારી નાખવાની દરખાસ્તને વલ્લભભાઈએ ટેકો આપ્યો.આ ખોડાં ઢોરને મારી નાખવાની તેમણે હિમાયત કરી ત્યારે જૈનો અને હિંદુઓ નારાજ થયા. રખડતાં કૂતરાં પકડવા સામે વિરોધ દર્શાવનાર જૈનોને તેમણે કૂતરાંઓ પર દયા દાખવીને તેમને પોતાના ઘરમાં રાખવાની વિનંતી કરી. મુસલમાનો ગાયબળદની કતલ કરે છે તે ખાળવાની વિનંતી કરનાર હિંદુઓને તેમણે સણસણતો સવાલ પૂછ્યો, “આ ગાયબળદ વેચવા કોણ જાય છે?” આવું વેચાણ હિંદુઓ કરતા હતા તે બધા જાણતા હતા.”

આગળ રાજમોહન ગાંધી એક સરસ વાત ટાંકે છે : “એલિસબ્રિજ યોજનાના વિરોધમાં આયોજિત કરવામાં આવેલી ત્રણ જાહેર સભાઓમાં તેમણે હાજરી આપી. આજના આગેવાનો કરતાં અળગા પડીને વલ્લભભાઈ ટીકાકારોના સામી છાતીએ મુકાબલો કરતા. આ સભાઓમાં વલ્લભભાઈનાં પ્રવચનોમાં હિંમત, નિખાલસતા અને સમજાવટની છાંટ જણાઈ આવે છે. તેમ કેટલીક જગાએ તેમાં અધીરાપણું, અહંકાર અને ધાકધમકી પણ જોવા મળે છે. … એકંદરે જોઈએ તો એલિસબ્રિજ યોજનાની ચર્ચામાં વલ્લભભાઈનો લોકશાહી અભિગમ જણાઈ આવે છે. કાઉન્સિલમાં મોટી બહુમતિ હોવા છતાં ટીકાકારો પાસે જઈને વાત સાંભળવાની તેમની તૈયારી હતી.”

સંગીન રીતે મ્યુનિસિપાલિટીનો વહિવટ ચલાવ્યા બાદ આ અનુભવની આપલે અન્ય મ્યુનિસિપાલિટીઓ સાથે થાય તે માટે 1927ના જુલાઈ માસમાં સુરતમાં પ્રથમ સ્થાનિક સ્વરાજની પરિષદ બોલાવવામાં આવી. વલ્લભભાઈએ તેમાં પ્રમુખ સ્થાને હતા. આ પરિષદમાં સરદાર પટેલે પોતાના અનુભવ વિશદ રીતે રજૂ કર્યા. નગરજનોની સુવિધાની વાત તેમણે કરેલી, તે ટૂંકમાં રા.ના. પાઠકે મૂકી આપી છે. સરદારની આ વાતમાં તેઓ કહે છે : “સ્વચ્છ અને પૂરતા પાણીની, સારી ગટરોની, સાંકડા અને ગલીચ રસ્તાઓ ખુલ્લા કરવાની, સારા રસ્તાઓની, હવાઅજવાળાવાળાં શાળાઓનાં મકાનોની, બાળકોની રમવાની જગ્યાઓની, સફાઈ સુધારવાની, મ્યુનિસિપાલિટીની ઑફિસનાં મકાનોની, દવાખાનાંના મકાનોની, બજારોની, કતલખાનાની, એવી એવી તાત્કાલિક જરૂરિયાતોની ચોમેરથી બૂમ પડે છે, જ્યારે નાણાંને અભાવે ઘણીખરી મ્યુનિસિપાલિટીઓ પીડાય છે અને એમાંનું કાંઈ કરી શકતી નથી.” સદ્ભાગ્યે આજે નાણાં કમી નથી, પરંતુ ઉપર સરદારે જણાવેલી નગરજનોની પાયાની જરૂરિયાતથી ધ્યાન હટી ગયું છે અને એટલે જ 1935માં ભરૂચમાં યોજાયેલી ત્રીજી સ્થાનિક સ્વરાજની પરિષદના વક્તવ્યમાં સરદારે કહેલી વાત દરેક જાહેર સેવકે યાદ રાખવી રહી. તેમણે પરિષદને સંબોધતા અંતે કહ્યું હતું : “મ્યુનિસિપાલિટી અને લોકલ બોર્ડના સભાસદની જગ્યાએ માનમરતબની કે સ્વાર્થ સાધવાની ઉમેદથી જવું એ પાપ છે. સેવાધર્મનું એ સ્થાન છે. ગરીબ ને અજ્ઞાન કર ભરનારાઓના નાણાંના વહીવટના ટ્રસ્ટી બની બેસવું એ ભારે જવાબદારીભર્યું કાર્ય છે. એ જવાબદારી અદા કરવાની બુદ્ધિ અને શક્તિ પ્રભુ તમને આપો.”

e.mail : [email protected]

પ્રગટ : 14 ફેબ્રુઆરી 2021

Category :- Opinion / Opinion