જમનાલાલ બજાજ – કથની તેવી કરણી

ગુણનિવેદનમ્ : વિનોબા — અનુવાદ : ભદ્રા સવાઈ
12-02-2021

સન 1942ની 11 ફેબ્રુઆરીએ જમનલાલજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. પાંચમા પુત્ર તરીકે બાપુની સાથે પૂરી રીતે જોડાયેલા હતા. બાપુના મિત્રમંડળમાં અને પરિવારમાં કોઈ ફરક હતો નહીં. જે પ્રેમ બાપુનો દેવદાસ પર હતો, તેવો જ, અને તેટલો જ પ્રેમ એમણે જમનાલાલજી પર કર્યો. આ રીતે જ્યાં પ્રેમક્ષેત્ર અને કર્મક્ષેત્ર એક થઈ જાય છે, ત્યાં ધર્મક્ષેત્ર થઈ જાય છે.

જમનાલાલજી સાથે મારો જે સંબંધ હતો એનું વર્ણન શબ્દોમાં નહીં થઈ શકે. મારો ચાર પરિવારો સાથે પરિચય છે. એક મહાત્મા ગાંધીનો પરિવાર, બીજો જમનાલાલજીનો પરિવાર, ત્રીજો અણ્ણાસાહેબ દાસ્તાને પરિવાર અને ચોથો રમાદેવી ચૌધરીનો પરિવાર. આ સિવાય બીજા કોઈ પરિવાર સાથે મારો પરિચય નથી. જમનાલાલજીની તીવ્ર ઇચ્છાને વશ થઈને બાપુએ સત્યાગ્રહ-આશ્રમની એક શાખા વર્ધામાં ખોલવાનું વિચાર્યું અને તેના સંચાલન માટે મને અહીંયાં આવવાનો આદેશ થયો. હું મારા કેટલાક સાથીઓ અને વિદ્યાર્થીઓની સાથે વર્ધા આવ્યો. (8-4-1921) અને અહીં આશ્રમ થયો.

બાપુ અહીંયાં – વર્ધા આવીને 15 વર્ષ રહ્યા. એમને લાવવાનું શ્રેય જમનાલાલજીને ફાળે જાય છે. જ્યાં જ્યાંથી જે-જે પવિત્રતા વર્ધામાં લાવી શકાય, જમનાલાલજી લાવ્યા. તેઓ ભગીરથની જેમ અહીંયાં ગંગા લાવ્યા અને વર્ધાને એક પુણ્યક્ષેત્ર બનાવ્યું. આ જે અનેક સંસ્થાઓ દેખાઈ રહી છે તે બધી જમનાલાલજીની જ કૃતિ છે. બાપુ વિચાર કરે અને જમનાલાલજી એને અમલમાં મૂકે, એવો એમનો સંબંધ હતો. બંનેએ જાતિ, ધર્મ વગેરે કોઈ પ્રકારનો ભેદ રાખ્યા વગર મનુષ્યમાત્ર બધા એક જ છે, એવું સમજીને સેવા કરી. ગરીબો સાથે એકરૂપ થવાનો નિરંતર પ્રયત્ન કર્યો.

परहित बस जिनके मनमांही,
तिन कहं जग दुर्लभ कछु नाही

તુલસીદાસજીના આ વચન પ્રમાણે પરહિતનું આચરણ કરીને દુનિયાનું બધું જ તેમણે પ્રાપ્ત કર્યું.

આજે હું જમનાલાલજીના કેટલાક પત્ર જોઈ રહ્યો હતો. એક પત્રમાં એમણે લખ્યું છે, “ગાંધીજીનું ઉત્તમ માર્ગદર્શન આપણને મળ્યું છે. એમણે બતાવેલા માર્ગ પ્રમાણે જો નિષ્કામ જનસેવા કરી, તો આ જન્મમાં મોક્ષને મેળવી શકીશું. આ જન્મમાં મોક્ષ મળ્યો નહીં તો પણ ચિંતાની કોઈ વાત નથી. અનેક જન્મ લઈને સેવા કરતા રહેવામાં પણ આનંદ છે. બુદ્ધિ શુદ્ધ રહે તો બસ છે.” પોતાની ડાયરીમાં એમણે આ લખ્યું છે.

વર્ધાની સેવા એમણે પ્રેમથી કરી. ફક્ત સ્વદેશી ધર્મને માટે એમણે વર્ધાને પ્રેમ કર્યો. તુલસીરામાયણમાં ભરતનું ચરિત્ર એમને બહુ જ ગમતું હતું. બાપુને પણ તે બહુ જ પ્રિય હતું. અહીંયાં જે ભરત-રામનું મંદિર છે તે જમનાલાલજીનું ઉત્તમ સ્મારક છે. સન 1938ની વાત છે. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે આ બધી મૂર્તિઓ દેખાય છે તે નહોતી. ખેતી માટે જમીન ખોદવા માંડી ત્યારે મારા હાથમાં પહેલી મૂર્તિ આવી તે ભરત-રામની, અને આશ્ચર્યની વાત એ છે કે ભરત-રામની તે મૂર્તિ એવી હતી કે જે ગીતા-પ્રવચનમાં વર્ણવી છે. ધુલિયા જેલમાં ગીતા પર મારાં પ્રવચન થતાં હતાં. તે સાંભળવા જે શ્રોતાઓ આવ્યા હતા એમાં જમનાલાલજી પણ હતા.

ગીતા પ્રવચનના 12મા અધ્યાયમાં ભરત-રામની ભેટનું વર્ણન કરવામાં આવ્યું છે : “એક જંગલમાં રહેતા હતા, એક અયોધ્યામાં રહેતા હતા બંને પૂરા તપસ્વી હતા. કોઈ ચિત્રકાર એમનું ચિત્ર કરે તો કેટલું પાવન ચિત્ર થાય. જમનાલાલજીએ નીકળેલી મૂર્તિ જોઈ અને એમના પર એવી વિલક્ષણ અસર પડી ! એમણે કહ્યું, “1932માં તમે જે ઇચ્છા પ્રગટ કરતા હતા તેના જેવું ચિત્ર મળ્યું 1938માં તો ભગવત્-સાક્ષાત્કારનો એમને અનુભવ થયો. એક અદ્ભુત આશ્ચર્યકારક ઘટના બની ગઈ. એને હું મારી જિંદગીની સર્વશ્રેષ્ઠ ઘટના માનું છું. એનું પરિણામ એ આવ્યું કે જમનાલાલજીના મનમાં બહુ જ શ્રદ્ધા પ્રગટ થઈ. શ્રદ્ધા તો પહેલાથી જ હતી. એક બીજાને પોતાના સાથી માનતા હતા. પણ એ દિવસથી એમની મારા માટેની ગુરુભાવના વધી.

ગીતાઈના પહેલા પ્રકાશક જમનાલાલજી હતા. અમે બંને ધુલિયા જેલમાં હતા ત્યારે ચર્ચા ચાલી કે ગીતાઈની કિંમત કેટલી રાખવી જોઈએ. મેં પૂછ્યું કે “બીડીનું બંડલ કેટલામાં મળતું હશે ? તેઓ બોલ્યા, “મને ખબર નથી. મેં કહ્યું, “વ્યાપારી થઈને પણ તમને ખબર નથી ! બોલ્યા, “એ વ્યાપારમાં હું કદી પડ્યો નથી. પછી શોધતાં ખબર પડી કે એક બંડલ એક આનામાં મળે છે. તો ગીતાઈની જે પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ એની કિંમત એક આનો રાખવામાં આવી.

જમનાલાલજીની બાબતમાં જ્યારે હું બોલું છું, વિચારું છું તો બે વાત, જે તેઓ હંમેશાં કહેતા અને જેની એમના જીવન પર અસર હતી તે મને યાદ આવે છે. નાનપણમાં તેર-ચૌદ વર્ષની ઉંમરમાં કેજાજી- મહારાજનાં કીર્તન સાંભળવા જતા હતા. કેજાજીમહારાજ, કીર્તન માટે ઘોરાડમાં આવ્યા હતા. કબીરનું એક પદ એમણે ગાયું. ‘हीरा तो गया तेरा कचड़े में ’………’ वगैडी कौड़ी माया जोड़ी’, સંપત્તિ એકઠી કરો છો, પણ નરદેહ જેવું અમૂલ્ય રત્ન, તે કચરામાં જઈ રહ્યું છે ! એની તરફ ધ્યાન નથી આપતા ? આ વાક્યને પરિણામે સંપત્તિનો મોહ એમને જરા પણ રહ્યો નહીં.

એમણે કહ્યું ત્યારથી મારા ધ્યાનમાં આવ્યું કે આપણા હાથમાં જે ધન છે, તે તો એક ઉપાધિ છે. એટલે એનાથી જેટલા જલદી છૂટી શકીએ તેટલું સારું છે. પણ ધનને એમ જ ફેંકી દેવાથી છુટકારો મળશે નહીં. વ્યર્થ દાન આપવું પણ યોગ્ય નથી. યોગ્ય વ્યક્તિને દાન આપવું જોઈએ, ત્યારે જ એનો ઉપયોગ છે. જમનાલાલજી એવું જ કરતા. યોગ્ય વ્યક્તિને તેઓ શોધતા અને ધન આપતા. તેઓ માનતા હતા કે આ રીતે ધન ચરિતાર્થ થાય છે. તેનાથી દાન ગ્રહણ કરવાવાળાનો તેઓ ઉપકાર માનતા.

બીજું વાક્ય તુકારામનું હતું ‘ बोले तैसा चाले, त्यांची वंदीन पाउलें’ (કથની જેવી કરણી જેની હોય, ચરણ વંદના કરું છું તેની) હંમેશાં જેવું બોલે તેવું જ આચરણ હોવું જોઈએ, એની એમને નિરંતર ચિંતા રહેતી હતી.

એક વાર જાનકીમાતાજી સાથે વાતો થઈ રહી હતી. માતાજીને મરાઠી, ગુજરાતી, હિંદી, મારવાડી, ઉર્દૂ વગેરે કોઈ પણ ભાષામાં બોલવામાં સંકોચ થતો નહોતો. એમના વ્યાખ્યાનમાં ગ્રામીણોને બહુ મઝા આવતી. નાનાં નાનાં વાક્યો છટાદાર રીતે બોલતાં હતાં. મેં એમને કહ્યું, “આપ તો કેવું સરસ વ્યાખ્યાન આપો છો. પણ જમનાલાલજી દુનિયાભરનું કામ કરે છે પણ બોલવાનું એમને માટે મુશ્કેલીભર્યું થાય છે. તેઓ બોલ્યાં, “આનું કારણ છે, એમને હંમેશાં ચિંતા રહેતી હોય છે કે જેવું બોલું છું તેવું કરવું પડશે એટલે વિચારી વિચારીને બોલે છે. પછી વિનોદમાં કહ્યું, “પણ મારે તો આવું વિચારવાની ફરજ જ નથી. પછી રૂકાવટ શા માટે ? એથી બોલવાનું ફાવી ગયું છે.

મને યાદ આવે છે, હું હંમેશાં કોઈને વચન આપતો નથી. એનો ચિત્ત પર ભાર પડે છે. હું એવું કહું છું કે થઈ શકશે તો કરી આપીશ. કોઈને ‘પરમદિવસે મળશું’ કહેવું એટલે વચન થઈ ગયું. એનો અર્થ બે દિવસ જીવવાની જવાબદારી આવે છે અને જિવાડવાનું તો ઈશ્વરના હાથમાં છે. આવી ચર્ચા જમનાલાલજીની સાથે થયેલી. એમણે કહ્યું, “બહુ ગજબનું છે આ બધું. અમારે તો કાલે મુંબઈ, પરમ દિવસે કલકત્તા, આ રીતે કાર્યક્રમ બનાવવો પડે છે. તો વચન આપ્યું એવો જ એનો અર્થ થાય છે તો શું કરીએ ? તો નક્કી થયું કે, “પાંચમી તારીખે આવશું એમ નહીં કહેવાનું. “પાંચમી તારીખે મુંબઈ જવાનો અમારો કાર્યક્રમ થયો છે એવું કહીશું. ત્યારથી પોતાના શબ્દને સાચો કરવા માટે કોઈને પણ આવીશું એવું નહોતા કહેતા, “આવવાનો કાર્યક્રમ ગોઠવાયો છે એવું કહેતા હતા.

જમનાલાલજી અસાધારણ વ્યક્તિ તો નહોતા પણ છતાં એ બિલકુલ સાચી વાત છે કે છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષોમાં કોઈ બીજા જમનાલાલજીએ જન્મ લીધો નથી. જમનાલાલજીએ વેપાર-વાણિજ્યમાં ઘણું કામ કર્યું. મહિલાશ્રમ વગેરે સંસ્થાઓની સ્થાપના કરી, બાપુનાં ઘણાં કામોમાં સહયોગ આપ્યો અને છેલ્લું કામ એમણે ગોસેવાનું ઉપાડ્યું. ગોસેવાનો સર્વોત્તમ નમૂનો કૃષ્ણ હતા. કૃષ્ણ પછી કોઈ હોય તો તે જમનાલાલજી છે. તેઓ ગોસેવા સાથે તન્મય થઈ ગયા હતા. એ કામ માટે પોતાનો મોટો મહેલ છોડીને ઝૂંપડીમાં રહેવા માંડ્યા હતા.

તે દિવસે સાંજે મહિલાશ્રમમાં મારું વ્યાખ્યાન હતું. હું પ્રવચન શરૂ કરવા જતો હતો અને એક મોટર આવી. આવેલી વ્યક્તિએ કહ્યું, જમનાલાલજી માંદા છે અને આપને બોલાવે છે. આમ તો તેઓ ગંભીર રીતે બીમાર નહોતા. બપોર સુધી હંમેશની જેમ કામ કરતા રહ્યા એ હું જાણતો હતો એટલે એમની બીમારીનો ઊંડો અર્થ સમજી શક્યો નહીં. છતાં વ્યાખ્યાન છોડીને ગાંધી ચોકમાં પહોંચી ગયો.

મોટરમાંથી ઊતર્યો તો દિલીપ ઉપરથી આવી રહ્યો હતો એને પૂછ્યું, “જમનાલાલજીની તબિયત કેવી છે ? એણે કહ્યું, “તે તો ચાલ્યા ગયા. આટલી અચાનક, અનપેક્ષિત અને ચિત્તને દુ:ખ પહોંચાડનારી ખબર સાંભળીને પણ મને બિલકુલ વિલક્ષણ અને અલગ જ અનુભવ થયો. મારા અંતરમાં કંઈક વિશેષ પ્રકારના આનંદનો આભાસ થયો અને એ આનંદની અવસ્થામાં જ તે ઓરડામાં પહોંચ્યો. જ્યાં એમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો.

ત્યાં બેઠેલા લોકોના મોઢા પર જ્યારે મેં દુ:ખની છાયા જોઈ ત્યારે એવું લાગ્યું કે કોઈ એવી ઘટના બની છે, જેને કારણે ઘણાંને દુ:ખ થઈ જાય. પણ મારે કબૂલ કરવું પડશે કે મને અંદરથી જે આનંદનો અનુભવ થતો હતો તે સહેજપણ ઓછો થયો નહીં. છેલ્લે સાંજે અગ્નિસંસ્કાર માટે મૃતદેહને ચિતા પર મૂક્યા પછી ઈશોપનિષદ અને ગીતાઈના શ્લોકો બોલાવા લાગ્યા ત્યારે તે આનંદનો ઊભરો આવી ગયો. મારી આવી સ્થિતિ રાત્રે સૂવા ગયો ત્યાં સુધી રહી.

સવારે ઊઠ્યા પછી એમના મૃત્યુથી કેટલી ખોટ પડી છે અને અમારા બધાની જવાબદારીઓ કેટલી વધી ગઈ છે એનું ધીમે ધીમે ભાન થવા માંડ્યું. પણ મને આ આનંદનો અનુભવ શા માટે થયો એ જણાવવું અગત્યનું છે.

જમનાલાલજીએ ગોસેવાનું કામ પોતાના હાથમાં લીધું છે, એ સમાચાર મને જેલમાં જ મળ્યા હતા. એ સાંભળી મને સમાધાન થયું. મને લાગ્યું કે એનાથી દેશનું ભલું તો થશે જ પણ એનાથી એમને પણ શાંતિ મળશે. પણ એની સાથે હું એ પણ જોઈ રહ્યો હતો કે એમના થાકેલા શરીર માટે આ કામ ભારે પડશે. હું જેલમાંથી છૂટ્યો પછી પહેલી મુલાકાતમાં એમણે મને પૂછ્યું કે “મેં ગોસેવા-સંઘનું કામ હાથમાં લીધું, એ બાબતમાં તમારો મત શું છે ? મેં કહ્યું, “એ સમાચાર સાંભળીને મારા ચિત્તને સમાધાન થયું.

મારા આ શબ્દ સાંભળીને એમની આંખોમાં પાણી આવી ગયાં. પ્રેમભાવ ઉત્પન્ન કરવાવાળા અને આત્માની ઉન્નતિના સાધનરૂપ આ કામ મળી જવાને કારણે એમના ચિત્તમાં સમાધાન થયું હોય તેવું લાગ્યું હતું. અને તેઓ આ કામને હંમેશાં વધારે એકાગ્રતા અને તત્પરતાથી કરી રહ્યા હતા.

છેલ્લાં વીસ વર્ષોથી હંમેશાં પોતાના મનનું પરીક્ષણ કરતા રહેતા હોવા છતાં ઉન્નત અવસ્થા તેઓ મેળવી શક્યા નહોતા. તે આ બે-ત્રણ મહિનામાં એમણે બહુ ઝડપથી પ્રાપ્ત કરી લીધી. શરૂઆતથી નજીકનો પરિચય હોવાને કારણે હું આ વસ્તુને જોઈ શકતો હતો. આવી ઉન્નત અવસ્થામાં મૃત્યુ પ્રાપ્ત થવું તે બહુ મોટા આનંદની વાત છે. મૃત્યુ તો બધાનું થાય છે પણ મૃત્યુ-મૃત્યુમાં પણ અંતર હોય છે. છેલ્લે સુધી કામ કરતા કરતા, કોઈની સેવા લીધા વગર અને મનની એવી ઉચ્ચ અવસ્થામાં શરીરનો નાશ થાય એ મોટા ભાગ્યની વાત છે. આનાથી સુંદર જીવનનો અંત કેવો હોઈ શકે ? એ બધું વિચારતાં મને આનંદ થઈ રહ્યો હતો.

https://bhoomiputra1953.wordpress.com/2021/02/07/jamanalal-bajaj/

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 03-04

Category :- Gandhiana