'બિહાર પછી દિલ્હી'

દક્ષા વ્યાસ
02-02-2021

યુદ્ધની કથા રમ્ય ગણાઈ છે, તો ગાંધીકથા ભવ્ય છે. મહાત્મા ગાંધીજીએ જીવનભર જાતની સામે, નૈતિક અધઃપતનની સામે, જગતના કલ્યાણ માટે, માનવતાને ઉજાગર કરવા માટે જંગ ખેલ્યો. આ એકલપંથ પ્રવાસીની દિનચર્યા, એમનાં વિચારો-કાર્યો, એમનું તપ-સાધના ... આ બધાં વિશે વાંચીએ, ત્યારે અભિભૂત થઈ વ્યાપકપણે, આટલી દૂરંદેશિતાથી કોઈ પણ વિષય પર વિચારી શકે ? અખંડ આચરણ કરી શકે? ‘બિહાર પછી દિલ્હી’ ૪૪૦ પાનાંનો દળદાર ગ્રંથ છે; ૨૫-૫-૧૯૪૭થી ૩૧-૭ ૧૯૪૭ સુધીનો-બરાબર બે મહિના અને આઠ દિવસનો ગાંધીજીનો જીવનક્રમ એમાં વણાયો છે! ગાંધીજી જેના ખભાનો ટેકો લઈ ચાલતા તે, માત્ર સત્તર વર્ષની મનુએ આ પુસ્તકના ગાંધીજીના રોજબરોજના નિત્યક્રમની, મુલાકાતીઓ સાથેની વાતચીતની અક્ષરશઃ નોંધ લીધી છે. આઝાદીની પૂર્વસંધ્યાનો આ સમય છે, જ્યારે સીધાં પગલાંની ઝીણાની જાહેરાત પછી હિંદુ-મુસ્લિમ કોમી કત્લેઆમથી દેશ ભડકે બળતો હતો અને આ એકલવીર નોઆખલી અને બિહારમાં ભાઈચારાનો સંદેશ ફેલાવીને પંજાબ જતાં દિલ્હીની આગ હોલવવા રોકાઈ ગયા હતા. રાજકીય આંટીઘૂંટીઓ, ભાગલાના બાબતે નેતાગીરી મૂંઝાયેલી હતી. દેશવાસીઓ ગેરસમજના ઘેરામાં અને નેતાગીરી મહત્ત્વાકાંક્ષાના ગઢમાં ઘેરાયેલાં હતાં. સૌનો સહિયારો કેવળ ગાંધી હતા - એવા ગાંધી, જેમની અવજ્ઞા કરીને ભાગલાનો નિર્ણય લઈ લેવાયો હતો!

બિરલા હાઉસને બદલે ભંગી કૉલોનીમાં ઊતરેલા ગાંધીજીને ઊંડી વેદનાએ ઘેરી લીધા હતા. કોમી દાવાનળે એમને પોતે જેને શુદ્ધ-વીરની અહિંસા માની હતી, તે ખોખલી-નિર્બળની અહિંસા નીકળી હતી, તેનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. નેતાગીરીની સ્વાર્થી મનોવૃત્તિ અને મહત્ત્વાકાંક્ષાએ એમને દેશના ભાવિ વિશે ચિંતિત કર્યા હતા. હિંદુ-મુસ્લિમ એકતાની એમની મથામણને અંતે દેશના ભાગલા પોતાની ઇચ્છા વિરુદ્ધ થઈ રહ્યા હતા, છતાં હિંમત હાર્યા વિના આવી પડેલી પરિસ્થિતિ સામે ઊંડી અંતરવ્યથા સાથે તેઓ વૃદ્ધવયે, નાદુરસ્ત તબિયતે, માન-અપમાનનો ખ્યાલ રાખ્યા વિના જે રીતે ઉકેલ દર્શાવે છે; ને જે પ્રયાસો અણથક રીતે કર્યે જાય છે, તેનો આપણા હૃદયને હચમચાવી મૂકે એવો દસ્તાવેજ આ પુસ્તકમાં અંકિત છે.

દેશસ્થિતિએ એમને જે દુઃસહા પીડા આપી હતી તેના ઉદ્‌ગારો હૃદયને સારી નાખે એવા છે : “મારી ચારેય તરફ અગ્નિની જ્વાળાઓ અહીં ઊઠી છે. એ જ્વાળાઓ મને ભરખી નથી જતી તેમાં શું ઈશ્વરની કરુણા છે કે તે મારી હાંસી કરે છે?” (પૃ. ૧૫) “તો તે હું હમણાં-હમણાં અનુભવી રહ્યો છું.” (પૃ. ૨૨) ભાગલાનાં ગંભીર પરિણામ તેઓ સ્પષ્ટ જોઈ શકતા હતા. તેમણે કહેલું, “દેશના ભાગલા થાય એ કલ્પના જ ધ્રુજાવનારી છે ... ભાગલા પડે તે પણ કદાચ પોષાય, પણ આ ભાગલા બ્રિટિશરો પાડે એ જ મને વસમું લાગે છે.” (પૃ. ૧૬) … “ભાગલા પડ્યા તેનું મને દુઃખ છે તેના કરતાં જે રીતે ભાગલા પડ્યા એ રીત મને ગમી નથી.” “આપણે આપણા દેશભાઈઓ સાથે સહકારથી, આનંદથી વર્તવાને બદલે પરદેશીઓ સાથે સહકારથી વર્તવા પ્રયત્ન કરીએ છીએ. અને એનો તો તાદૃશ દાખલો પરમ દહાડે વાઇસરૉયને વચ્ચે નાખીને ભાગલા પડ્યા તેનો જ છે.” (૫-૬-૪૭)

આપણે બે બિલાડી અને વાંદરાની વાર્તા બાળપણથી સાંભળીએ છીએ, પણ આજે ય સમજ્યા નથી! ભાગલાને અંતે સર્જનાર ગંભીર પરિસ્થિતિને તેઓ જોઈ શકતા હતા, તેથી માન મૂકીને વારંવાર ઝીણાને મનાવતા-સમજાવતા રહ્યા. એમણે કહ્યું, “તમે ભાગલાની, વસ્તીબદલીની વગેરે વાતો કરો છો, તેમાં કરોડો નિર્દોષો તો માર્યા જવાના, પણ દેશની સંસ્કૃતિ બરબાદ થશે અને અંગ્રેજો તેમ જ દુનિયાની પ્રજા આપણી પર થૂંકશે. એ ન કરવાની વિનવણીની ભિક્ષા માંગવી છે.” (પૃ. ૧૪૩)

નિર્મમ કત્લેઆમ સંદર્ભે પોતાનું દર્શન સ્પષ્ટ કરતાં તેઓ કહે છે : “આ અશાંતિ કેવળ સહિષ્ણુતાના અભાવને લીધે જ છે. સહિષ્ણુતા દોષો જોતી વેળા ખૂબ કોમળ બની જાય છે, નાની-નાની બાબતોને મોટું સ્વરૂપ આપીને શાંતિ નહીં, પણ અશાંતિ ઊભી કરીએ છીએ. અમારા દેશમાં હમણાં હમણાં જે અશાંતિ ઊભી થઈ છે - તે કેવળ ધર્મને નામે ‘દાઢી’ અને ‘ચોટલી’ના ભેદભાવને ખાતર જ આવી અમાનુષી કત્લેઆમ ચાલી રહી છે.” (પૃ. ૬૪) આ અસહિષ્ણુતાની સાથે એમને ચિંતા હતી નૈતિક અધઃપતનની. ચારિત્ર્યની શુદ્ધિનો એમનો આગ્રહ સ્પષ્ટ હતો. તેમણે કહ્યું, “આપણું નૈતિક ધોરણ એ ગુલામીના જમાનામાં કેટલું ઊંચું હતું! તેનાથી વધારેમાં વધારે પતનની દશા ‘મહામૂલી આઝાદી’ના નામે જેને સહુ સંબોધે છે, તે આવી રહી છે ત્યારે છે.” (પૃ. ૨૮૪) દેશના સળગતા પ્રશ્નો સામે આંખ આડા કાન કરીને સત્તાના લાલચુઓ ઠેઠ ગાંધીજીની  પણ વગ લેવા દોડી જતા હતા. આવા ભ્રષ્ટ નેતૃત્વ સામે એમણે જાહેર ચેતવણી આપી હતી કે “થોડાક સ્વાર્થ ખાતર આખા સમાજને નૈતિક અધઃપતનમાં મૂક્યાનું પાપ દેશના કહેવાતા કાર્યકરો જ કરશે? આમ થયા કરશે તો કૉંગ્રેસ જેવી બળવાન સંસ્થા હલી ઊઠશે ... એથી દેશમાં ન કલ્પેલું કૌભાંડ જાગશે.” (પૃ. ૨૪૯)

આ બધાંમાંથી પસાર થવા છતાં તેઓ સતત હિંદની એકતા માટે મથતા રહ્યા. એ કરુણામૂર્તિ હતા. પોતાની અવહેલના - માનહાનિને ગણકાર્યા વગર એમણે કહ્યું કે “મા પોતાના બાળકને પ્રેમથી ધવડાવે છે, અને દૂધ પિવડાવતી વખતે તેનું પોતાનું બાળક પોતાના દૂધ વડે તંદુરસ્ત હૃષ્ટપુષ્ટ બને એ જ મનોકામના સેવે છે. આપણે આજના આવી પડેલા કાર્યને એ રીતે વિચારવાનું રહે છે. તેઓ અંગ્રેજોની કપટનીતિને સ્પષ્ટ સમજ્યા હતા,” ‘અહીંથી જતાં પહેલાં એક કોમને બીજી કોમની સામસામે મૂકી આપવાની નીતિ પર તે પોતાની મંજૂરીની મહોર લગાવતા જાય છે (પૃ. ૨૯૧) ...” હમણાં-હમણાં દેખાતાં આ લક્ષણો એવાં અપશુકનિયાળ છે કે અંગ્રેજોની દાનતને વિશે સહેજેય વહેમ પડે. પણ સાચેસાચ મડદું થઈને પડીએ તે પહેલાં જ મરી જવાની કલ્પનાની વાત મને મંજૂર નથી” (પૃ. ૨૯૨)

જીવન પ્રત્યેનો આ વિધાયક અભિગમ અને અહિંસામાં અવિચળ શ્રદ્ધા એમનામાં છેવટ લગી અકબંધ રહ્યાં. તેઓ કહે છે,” હિંદીઓ નબળા છે, અથવા હિંદીઓને શસ્ત્રોની તાલીમ નથી મળી, માટે મેં અહિંસા નથી શોધી કાઢી. પણ જગતની પ્રજાનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે, વેરની સામે વેર વાળવાથી ‘વેરની ન્યાત’ વધતી ચાલી છે અને માનવીની શાંતિ જોખમાઈ છે. અને જો વેરઝેરને નાબૂદ કરવાં હોય તો પ્રેમ અને અહિંસા સિવાય કોઈ કીમિયો નથી.” (પૃ. ૧૨૦) “એ સમય આવવાનો જ છે કે જગને અહિંસ-સત્યને જ માર્ગે જવાનું રહેશે.” (પૃ. ૨૦૩).

પુસ્તકમાં એવા અનેક પ્રસંગો મળે જે ટાંકવાનું પણ થાય; પણ ગાંધીજીના સૌજન્ય, સંસ્કારિતા, વિનમ્રતાને પ્રગટ કરતો એક પ્રસંગ માણી લઈએ. સમયપાલનના તેઓ આગ્રહી હતા હિંદુ મહાસભાના આગેવાન રામધરની મુલાકાત ગોઠવાઈ હતી; પરંતુ તે વેળા તેમની તબિયત નરમ હતી. ઝાડા થવાને કારણે નબળાઈ લાગતી હતી ને ઘડી પર આંખ મીંચાઈ ગઈ. બે-પાંચ મિનિટમાં જ આંખ ખૂલતાં તેમણે રામધર વિશે પૂછપરછ કરી. મનુએ કહ્યું, “બાપુ, તમારી તબિયત સારી નથી, એટલે તેમને બહાર બેસાડ્યા છે.” બાપુ કહે, આ તો બેવડો ગુનો થયો. માણસ દૂરથી મળવા આવે ને તેને મુલાકાત ન આપવી અને આપણે સમય આપેલો છતાં ચૂક થઈ. રામધરને એમણે કહ્યું, “માફ કરના આપકો બહુત દેર તક બૈઠે રહના પડા. ઉસ બેચારી છોટી લડકી કો મેરે પર દયા આ ગઈ. લડકી કો લગા કી આપકી સજ્જનતા કા લાભ લે ... ઈશ્વર કી મેરે પર કિતની કૃપા હૈ કિ આપ યહીં હૈ. મગર આપ ચલે ગયે હોતે તો મુઝે બહુત હી દુઃખ હોતા, લેકિન ઈશ્વરને મેરી લાજ રાખી. રામધર કહે, “મહાત્માજી! મૈં માનતા થા કિ ધર્મ ઔર ઈશ્વર કે લિયે ભલે હી આપ વ્યાખ્યાન તો બહુત દેતે હૈં મગર વહ સબ કહને કે લિયે હોગા, મગર મુજે આજ અબ કુછ ભી ચર્ચા નહીં કરની હૈ, ક્યોંકિ આજ મૈંને તો આપકા ઔર હી સ્વરૂપ મેં દર્શન પાયા. ઔર આપકે પાસ ધર્મ કી જો વિશાલ દૃષ્ટિ હૈ ઉસસે બઢકર ઈશ્વરભક્ત આજ કે સંસાર મેં શાયદ હી કોઈ હો સકતા.” જતાં-જતાં મનુને કહે, અરે બેટી, તુમને તો સચમુચ આજ મેરી સેવા હી કી હૈ. મૈંને આજ તક ઇસ મહાપુરુષ કો સમજને મેં બડી ભારી ગલતી કી થી. (પૃ. ૨૧૪) આજે પણ ગાંધીજીને વાંચ્યા વિના-સમજ્યા વિના આપણે એમને વિષે ગેરસમજ કરતા જ રહીએ છીએ! પૃ. ૯૭ પર કસ્તૂરબાનું એમણે કરેલું પુણ્યસ્મરણ અને એમને આપેલુ શ્રેય તો અપૂર્વ છે.

ગાંધી શાથી મહાત્મા હતા, તેનો અહીં ડગલે ને પગલે પરિચય મળે છે. ૭૮ વર્ષની વયે, જ્યારે સેવા લેવાનો સમય છે, ત્યારે તેઓ કેવા સેવારત હતા, તે જોઈ વિસ્મય થાય. ત્રણ-સાડા ત્રણે દિવસ શરૂ થાય તે રાત્રે ૧૦, ૧૧ વાગ્યે પૂરો થાય.

નિત્ય ૧૮થી ૨૦ કલાક કામ, કામ ને કામ. નિયમિતતા એવી કે આંખે ઊડીને વળગે. પળેપળની કિંમત, પોતાની જ નહીં, સામી વ્યક્તિની પણ. સ્નાન કરતા હોય ને પંડિતજી આવે તો તેમનું આસન બાથરૂમ પાસે મુકાવે, જેથી એમનો સમય ના બગડે ને જરૂરી ચર્ચા થઈ શકે. નિયમિત પ્રાર્થના, ચાલવા જવાનું, કાંતવાનું તે સતત અસંખ્ય મુલાકાતો સાથે. આ બધાં વચ્ચે મનુની તબિયતની માતૃવત્‌ કાળજી. અસંખ્ય પત્રોનો જવાબ આપવાનો વિચાર-વાણી-વર્તનમાં ક્યાં ય કટુતા, સંદિગ્ધતા નહીં-નહીં પારદર્શકતા; અખંડિતતા; એકરૂપતા ... જેટલા બહિર્મુખ દેખાય તેટલા જ અંતર્મુખ-આત્મશોધક-જન જન સાથે એકાત્મતા-આત્મીયતા ... એમને મૂલવવા શબ્દો વામણા પડે ... ગાંધીજી ખરેખર જીવનકલાધર હતા.

[અહીં દર્શાવેલ પૃષ્ઠ ક્રમાંક ‘બિહાર પછી દિલ્હી’ એ નવજીવન પ્રકાશનના ૨૦૧૮ના સંસ્કરણ મુજબ છે.]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 18-19

Category :- Gandhiana