અમેરિકામાં ગુજરાતી સાહિત્ય — નાયગ્રામાં તરતી નૌકા

નટવર ગાંધી
26-01-2021

1977માં દેશમાંથી કવિશ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા, ત્યારે એમણે એવું સૂચન કર્યું કે અહીંના સાહિત્યરસિકોએ વારંવાર મળવું જોઈએ અને નિયમિત સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એ સૂચનને ખ્યાલમાં રાખી અહીંના થોડાંક સાહિત્યરસિક મિત્રોએ ‘ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકા’ નામે એક સંસ્થા સ્થાપી. આ અકાદમી હવે રામભાઈ ગઢવી અને અશોક મેઘાણીના પ્રશંસાપાત્ર નેતૃત્વ નીચે, દર બે વરસે, જુદાં જુદાં શહેરોમાં ગુજરાતી સાહિત્યનું  સમ્મેલન યોજે છે જેમાં દેશમાંથી જાણીતા કવિ લેખકોને અમેરિકામાં બોલાવાય છે અને અમેરિકાનાં મોટાં શહેરોમાં એમની બેઠકો યોજાય છે. આ રીતે અકાદમીના આશ્રયે સર્વશ્રી મનુભાઈ પંચોળી “દર્શક,” ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, મણિલાલ પટેલ, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ, ચિનુ મોદી, હરીશ મીનાશ્રુ, મનોજ ખંડેરિયા, હિમાંશી શેલત, રતિલાલ બોરીસાગર જેવાં ખ્યાતનામ સાહિત્યકારો અમેરિકામાં આવી ગયાં.  વધુમાં સુરેશ દલાલ, બકુલ ત્રિપાઠી, સિતાંશુ યશશ્ચન્દ્ર, ચંદ્રકાંત ટોપીવાળા, ધીરુભાઈ પરીખ, બળવન્તરાય જાની, શોભિત દેસાઈ જેવા જાણીતા સાહિત્યકારો પણ અમેરિકા આવી ગયા જેની ઉપસ્થિતિનો પણ અકાદમીને લાભ  મળ્યો છે.

અકાદમીના આ દ્વિવર્ષીય સમ્મેલન ઉપરાંત દેશમાંથી આવતા જતા અનેક કલાકારો અને સાહિત્યકારોના કાર્યક્રમો ખાસ તો ન્યુ યોર્ક અને ન્યુ જર્સી એરિયામાં વારંવાર થાય છે જેમાં આશિષ દેસાઈ અને ગીની માલવિયા અગત્યનો ભાગ ભજવે છે. વધુમાં આજે જો કોરોના વાયરસને કારણે આ કાર્યક્રમો બંધ થઈ ગયા છે, તો આ બન્ને ઉત્સાહી અને કુશળ કાર્યકર્તાઓએ ઓનલાઇન ઝૂમની વ્યવસ્થા કરી મૂલ્યવાન સાહિત્યિક શિબિરો શરૂ કરી છે. હમણાં જ જાણીતા નાટ્યલેખક અને વાર્તાકાર મધુ રાયની દોરવણી નીચે એક વાર્તા લેખનની શિબિર યોજાઈ હતી. એ પહેલા રઈશ મનીઆરના માર્ગદર્શન નીચે એક ગઝલ લેખનની શિબિર પણ થઈ હતી. અમેરિકામાં વસતા ઘણા સાહિત્યરસિકોએ આ બન્ને શિબિરોમાં ભાગ લીધો હતો.

અકાદમી જેમ જ બીજી સંસ્થાઓને આશ્રયે જુદાં જુદાં શહેરોમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ થતી રહે છે.  ફિલાડેલ્ફિયાની એક જાણીતી સંસ્થા ‘ફ્રેન્ડ્સ ઑફ ફિલાડેલ્ફિયા’ વરસે બે વરસે અહીંના જાણીતા સાહિત્યકારોનું મૂલ્યાંકન કરતાં સુંદર કાર્યક્રમો યોજે છે. આ પ્રવૃત્તિમાં પન્ના નાયક, મધુ રાય, અને બાબુ સુથારના સુંદર કાર્યક્રમો સાહિત્યપ્રેમી સુચી અને ગિરીશ વ્યાસના નેતૃત્વ નીચે થઈ ગયા.  આ ઉપરાંત ફિલાડેલ્ફિયામાંથી છેલ્લાં ત્રીસેક વરસથી કિશોર દેસાઈ સંપાદિત “શિષ્ટ સાહિત્યનું” સામયિક ‘ગુર્જરી’ નીકળે છે. વધુમાં ત્યાંથી જ બાબુ સુથારે થોડાં વર્ષો ‘સંધિ’ જેવું ઉચ્ચ કક્ષાનું મેગેઝિન પ્રકાશિત કર્યું હતું. ગુજરાતી સાહિત્યનું પહેલું ડિજીટલ ગુજરાતી મેગેઝિન “કેસૂડાં” પણ થોડાં વર્ષો ફિલાડેલ્ફિયા નિવાસી સ્વ. કિશોર રાવળે સૂક્ષ્મ કલાસૂઝથી ચલાવેલું. ગુજરાતીઓની પ્રમાણમાં ઝાઝી સંખ્યા હોવાને કારણે ન્યૂ જર્સીમાં “ચલો ગુજરાત,” કે “ગ્લોરિયસ ગુજરાત” જેવા મેળાઓ ભરાય ત્યારે એના આશ્રયે કવિસમ્મેલન અને મુશાયરા જરૂર યોજાય અને દેશમાંથી લોકપ્રિય કવિઓ અને ગઝલકારોને લોકો હજારોની સંખ્યામાં સાંભળે.

કવિ દંપતી મધુમતી મહેતા અને અશરફ ડબાવાલા વર્ષોથી શિકાગો આર્ટ સર્કલના ઉપક્રમે સાહિત્યિક કાર્યક્રમો કરે છે. કેલીફૉનિયામાં કવિ જયશ્રી મર્ચન્ટ સાહિત્યિક કાર્યક્રમો ઉપરાંત સ્વ. પી.કે. દાવડાનો જાણીતો બ્લોગ “દાવડાનું  આંગણું” હવે ચલાવે છે. તો વાર્તાકાર પ્રવીણ શાસ્ત્રીએ પોતાના નોંધપાત્ર બ્લોગમાં એક આગવી મુદ્રા ઘડી છે. હ્યુસ્ટનનું ગુજરાતી સાહિત્ય સરિતા ગ્રુપ પણ અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. આમ અમેરિકાનાં નાનાંમોટાં શહેરોમાં કઈંક ને કંઈક સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ થતી રહે છે.

ડાયસ્પોરા સાહિત્ય?

આ બધી સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે અમેરિકામાં વસતા સાહિત્યકારોને ઘણું પ્રોત્સાહન મળે છે. અને અહીં ઢગલાબંધ લખાય પણ છે. જો કે આ સાહિત્યને ડાયસ્પોરા સાહિત્ય કહેવું કે નહીં તે વિવાદાસ્પદ પ્રશ્ન છે.  ડાયસ્પોરા સાહિત્યનો આંતરરાષ્ટ્રીય ઇતિહાસ બહુ મોટો છે.  હડધૂત થયેલી યહૂદી પ્રજાએ અસહિષ્ણુ ત્રાસવાદીઓથી બચવા પોતાના ઘરબાર છોડીને દુનિયામાં રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરા સાહિત્યની મુખ્યત્વે શરૂઆત થઈ. એના મૂળમાં સ્વદેશમાં પાછા જવાની, મા ભોમના ખોળામાં ફરી રમવાની ઝંખના છે. આવું ઘરઝુરાપાનું સાહિત્ય તે ડાયસ્પોરા સાહિત્ય.

યહૂદીઓ પર જે યાતનાઓ પડી તે આજે ઓછા વધુ પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર પડી રહી છે. આખી ય વીસમી સદીમાં અને આ સદીનાં પહેલાં વીસ વરસમાં નિરાશ્રિતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદી સરમુખત્યારો કે અન્ય અત્યાચારીઓની કોઈ કમી નથી. આપણી આંખ સામે અત્યારે મિડલ ઇસ્ટમાંથી હજારો અને લાખોની સંખ્યામાં લોકો પહેર્યે કપડે નીકળી પડે છે અને યુરોપનાં બારણાં ખખડાવે છે. વધુમાં માઈલોના માઈલો સુધી બાળબચ્ચાંઓ સાથે પગપાળે ચાલી આવતા લેટિન અમેરિકાના હજારો નિરાશ્રિતો અમેરિકાનો આશરો માગે છે. આ અસહ્ય યાતના અને દુઃખદ અનુભવમાંથી નોંધપાત્ર ડાયાસ્પોરા સાહિત્ય જરૂર રચાશે.

આ દૃષ્ટિએ જોઈએ તો અમેરિકામાં આવેલા ગુજરાતીઓ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા એમ પશ્ચિમના દેશોમાં આવ્યા અને સ્થાયી થયા.  પશ્ચિમના સુંવાળા અને સુખાવળા જીવનથી એ ટેવાઈ ગયા છે. ભાગ્યે જ કોઈ પાછું જવાનું નામ લે છે. એટલે સાચા અર્થમાં અહીં રચાતું ગુજરાતી સાહિત્ય એ ઘરઝુરાપાનું સાહિત્ય નથી. અને છતાં અહીં આવનારાઓમાંથી ઘણા સાહિત્યરસિકોને લખવું છે અને લખે પણ છે. આ સાહિત્યની દેશમાં નોંધ પણ લેવાય છે.  ગ્રીડ ઇન્સ્ટિટ્યૂટ અને તેના નિયામક બળવંત જાની આ પરદેશમાં લખાતા સાહિત્યને સંગ્રહિત કરી એનો દસ્તાવેજી ઇતિહાસ તૈયાર કરે છે. જાણીતા વિવેચક અને સૂક્ષ્મ સાહિત્યમર્મી મધુસૂદન કાપડિયાએ પણ અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકારોનો ઊંડો અભ્યાસ કરી એક પુસ્તક તૈયાર કર્યું છે તે અભ્યાસીઓને ખૂબ ઉપયોગી નીવડશે. [1]

પરદેશમાં જે લખાય છે તે મોટા ભાગનું માત્ર લખાણ જ છે, એને સાહિત્ય પણ કહેવું કે કેમ એ એક મુશ્કેલ પ્રશ્ન છે. અહીંના લખનારાઓ પ્રયત્ન જરૂર કરે છે, પણ એમની સજ્જતા ઓછી.  એમની લેખનપ્રવૃત્તિમાં દેશમાં જે અને જેવું લખાય છે તેનું અનુકરણ જોવા મળે છે. એ જ વિષયો--રાધા, કૃષ્ણ, ગોપી, રામ-શબરી,  સીમ, સહિયર, ફૂલ, મેંદી, પતંગિયા, પાનખર, ટહુકો, માટીની મહેક વગેરે -- અને એ જ ગીત ગઝલનો રાફડો. વધુમાં ઘરઝુરાપાની બોદી વાતો. એકાદ બે અપવાદ સિવાય એમ કહી શકાય કે આ સાહિત્યકારો અમેરિકા ન આવ્યા હોત તો દેશમાં એ આવું જ કઈંક લખતા હોત. જે દેશ અને સમાજમાં દાયકાઓથી વસે છે એના વાતાવરણનો એમને જાણે કે કોઈ સ્પર્શ જ થયો નથી એમ લાગે છે. છતાં એમને કવિ થવું ગમે છે. તેમાં તે ગ્લેમર જુએ છે. પણ સાહિત્યસર્જન માટે જે તૈયારી કરવી પડે, જે વાંચવું પડે, લખ-છેક-ભૂંસ કરવું પડે, તે એમને માન્ય નથી. અંગ્રેજી કે વિશ્વસાહિત્યની વાત બાજુમાં મુકો, એમણે અગત્યનું ગુજરાતી સાહિત્ય પણ વાંચ્યું નથી. 

દેશના શિષ્ટ સાહિત્યકારોમાં અહીં લખાતા સાહિત્ય વિષે બહુ ઊંચો અભિપ્રાય નથી. છતાં આ સાહિત્ય વિષે પ્રામાણિક વિવેચન જોવા મળતું નથી. આ કારણે અહીં લખનારાઓ પોતે કવિ કે લેખક હોવાના ભ્રમમાં રહે છે. વધુમાં દેશના કેટલાક સાહિત્યકારો--વિવેચકો, સંપાદકો, સંયોજકો, વગેરે — પોતાના સ્વાર્થ માટે અહીંના કવિ લેખકોની નામના મેળવવાની તીવ્ર ઘેલછાનો લાભ લે છે. દેશના આ સાહિત્યકારોને વારંવાર અમેરિકા આવવું છે. વગર ખર્ચે લાંબો સમય અહીં રહીને અમેરિકન આતિથ્ય માણવુ છે. બદલામાં તેઓ અહીંના કવિ લેખકોના સાહિત્યિક ગુણવત્તા વગરનાં પુસ્તકો પબ્લિશ કરી આપે છે, એમને એવોર્ડ મળે અને દેશમાં એમના કાર્યક્રમો થાય, એવી વ્યવસ્થા કરી આપે છે. આ વાટકી વ્યવહારમાં અહીંના લખનારાઓ હરખપદૂડા થઈને એટલો જ  ભાગ લે છે અને દેશના મુલાકાતીઓનું હોંશે હોંશે આતિથ્ય કરે છે. વધુમાં પોતે પૈસેટકે સુખી હોવાથી ગાંઠનું ગોપીચંદન કરી પુસ્તકો છપાવે છે.  પ્રકાશકો માટે આ તો ભાવતું’તું અને વૈદ્યે કીધા જેવું થયું! અહીંના સાહિત્યકારોને મુખ્યત્વે ખ્યાતિ, નામના જોઈએ છે, માન સન્માન જોઈએ છે. દેશમાં જાય ત્યારે સાહિત્યસમારંભોમાં પહોળા થઈને બેસવું હોય છે. સ્ત્રી સાહિત્યકારોને નવી ફેશનની સાડી પહેરી, મેકપ કરીને પોતાનાં ગીત ગઝલ ગાવાં વાંચવાં હોય છે. આ પ્રપંચમાં બન્ને બાજુ રાજી રહે છે. માત્ર સાહિત્યને જ હાનિ પહોંચે છે.

હવે તો કોરોના વાયરસને કારણે સાહિત્યના કાર્યક્રમો, ખાસ કરીને કવિ સમ્મેલનો મોટા પ્રમાણમાં ઝૂમ પર થવા લાગ્યા. દર શનિ-રવિએ આવા કાર્યક્રમો થતાં હોય છે. ઝૂમની ટેક્નોલોજીને કારણે એનું ઓડિયન્સ પણ હવે દેશના સીમાડાઓ વટાવીને આંતરરાષ્ટ્રિય થયું છે. આ સાહિત્યકારો હવે માત્ર અમેરિકા જ નહીં, પણ દુનિયાના બીજા સમૃદ્ધ દેશોમાં પણ પોતાની જાળ પાથરે છે. જેમ એમણે અમેરિકાના કવિ લેખકોને લલચાવ્યા છે તેવી જ રીતે અન્ય દેશોમાં પણ એમની આ રમત રમાય છે. જ્યાં જ્યાં આપણા સાહસિક અને સમૃદ્ધ ગુજરાતીઓ વસ્યા છે ત્યાં બધે આપણા વેપારી સાહિત્યકારો પહોંચી જાય છે!

જે કૂવામાં તે હવાડામાં

જો કે દેશમાં પણ સાહિત્યનાં ધોરણ ખખડી ગયાં છે. ત્યાં પણ જેવુંતેવું લખાય છે. વળી જેવું લખાય છે તેવું જ છપાય છે. કદાચ આ ટેકનોલોજીનું પરિણામ હશે. કહેવાય છે કે આજે ગુજરાતીમાં સેંકડોની સંખ્યામાં બ્લોગ ચાલે છે. અને એટલી જ સંખ્યામાં પુસ્તકો, ખાસ કરીને કાવ્યસંગ્રહો પણ નિયમિત પ્રગટ થાય છે.  જેની પાસે લેપ ટોપ તે હવે લેખક! જેવું લખાય તેવું જ ફેઈસ બુક, યુટ્યુબ કે વોટ્સએપ જેવા સોશ્યિલ મીડિયાની આઉટલેટ પર મુકાઈ જાય. હજારો અને લાખોની સંખ્યામાં લોકો તુરત જ  “લાઈક” કરે, “શેર” કરે. વીસમી સદીના પૂર્વાર્ધના કોઈ સાહિત્યકારે કલ્પના પણ નહીં કરી હોય કે એટલા વિશાળ વાચક વર્ગ પાસે કોઈ કવિ લેખક આટલી સહેલાઈથી પહોંચી શકે. એક વખતે ગુજરાતી સાહિત્યમાં દ્વારપાલની (door keeper)ની જે અમૂલ્ય પ્રથા હતી તે લગભગ ભૂંસાઈ ગઈ છે.  એક જમાનામાં કવિ થવું હોય તો બચુભાઈ રાવત કે ઉમાશંકર જોશી જેવા દુરારાધ્ય તંત્રીઓની આકરી પરીક્ષામાંથી પસાર થવું પડતું. અને પછી જ કવિતા ‘કુમાર’ કે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના મેગેઝિનમાં પ્રગટ થાય. આ દ્વારપાળોને સાહિત્યનાં ઊંચાં ધોરણો અને શ્રેષ્ઠ પ્રથાઓ જાળવવી હતી. જો કે આવા સામયિકોની ગ્રાહક સંખ્યા પણ ઘણી મર્યાદિત હોય છે. કહેવાય છે કે ગુજરાતી સાહિત્યનું ઉત્તમ ગણાતું સામયિક ‘સંસ્કૃતિ’ જ્યારે બંધ થયું ત્યારે એની ગ્રાહક સંખ્યા માત્ર સાતસોએક જેટલી હતી.  

વધુ દુઃખની વાત એ છે કે આપણે ત્યાં જો શિષ્ટ સાહિત્યની ચોકીદારી કરતા કડક દ્વારપાળ નથી તો જે લખાય છે તે જોડણીની ભૂલો વગર છપાય તેવી પ્રાથમિક  સંભાળ લે એવા પ્રૂફરીડર પણ નથી. ગુજરાતીમાં જોડણીભૂલો વગરનાં પુસ્તકો જોવાં એ હવે વિરલ વાત બની ગઈ છે. જૂના જમાનામાં પત્રો નીચે એક નોંધ મૂકાતી, “તા.ક. ભૂલચૂક સુધારીને વાંચવા વિનંતિ.”  મને લાગે છે કે હવે એવી વિનંતિભરી ચેતવણી લગભગ બધા જ ગુજરાતી પુસ્તકોમાં મૂકવી અનિવાર્ય થઈ ગઈ છે. એમ પણ થાય છે કે સ્વામી આનંદ જેવા અત્યંત ચીકણા લેખક જે એમના પ્રગટ થયેલા લેખોમાં એક પણ જોડણી ભૂલ ન ચલાવી લે તે કદાચ હવે કાંઈ પ્રગટ જ ન કરી શકે.

આજનો ગઝલકાર કે ગીતકાર તો રમત રમતમાં કમ્પ્યુટર પર ગઝલ લખી નાખે અને તરત વેબ ઉપર પોતાના બ્લોગમાં કે સોશિયલ મીડિયામાં મૂકી દે. એને કોણ કહે કે આવું ન લખાય? એને કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. અને જો પરીક્ષા ન આપવાની હોય તો પછી તૈયારી કરવાની શી જરૂર? કશું પણ લખતાં પહેલાં સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ અને પ્રથાને આત્મસાત્ કરવા જે અસાધારણ પરિશ્રમ કરવો પડે, અઢળક વાંચન અને અભ્યાસ કરવા પડે, એવી સુફિયાણી વાત હવે કોઈ કરતું નથી. વધુમાં કેટલાક ગુજરાતી લેખકો તો હવે લખતા પણ નથી, લખાવે છે! જેવું બોલાય, તેવું ટાઈપીસ્ટ ટાઈપ કરે અને તેવું જ પ્રેસમાં જાય! દર અઠવાડિયે એકાદ બે કોલમ અને દર વરસે બે ત્રણ દળદાર પુસ્તકો પ્રગટ થઈ જાય. આવા ગુજરાતી સાહિત્યકારોનાં નામે દોઢસો બસો પુસ્તકો તો રમત રમતમાં જ  થઇ જાય!

સાહિત્યની અધકચરી સમજ

જો ગુજરાતમાં કવિ લેખકોની ખોટ નથી તો સુજ્ઞ વાંચકોની તો છે જ. જે વંચાય છે તે બહુધા પુસ્તકો કરતાં છાપાં અને મેગેઝિનો, અને ખાસ તો તેમાં આવતી કોલમો. મુંબઈની પરાંની ટ્રેનમાં લોકોના હાથમાં પુસ્તકો કરતાં છાપાં અને મેગેઝિનો વધુ જોવા મળે. એક જમાનામાં થોડા ઘણા પણ લોકો રમણલાલ વસંતલાલ દેસાઈ કે કનૈયાલાલ મુન્શીની નવલકથાનાં દળદાર પુસ્તકો વાંચતા. હવે મુખ્યત્વે છાપાં કે મેગેઝિનોમાં ધારાવાહિક આવતી નવલકથાઓ વંચાય છે. લોકોનો વાંચવાનો સમય ટી.વી. અને સોશિયલ મીડિયાએ  ભરખી ખાધો છે. વધુમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું શિક્ષણ ક્ષીણ થતું જાય છે. મુંબઈમાં તો ગુજરાતી માધ્યમની શાળાઓનો લગભગ અસ્ત આવી ગયો છે. મોટા શહેરોના ગુજરાતી કુટુંબોમાં ઉછરતી પેઢીનાં બાળકો ભલે ગુજરાતી બોલે, પણ એમનું ગુજરાતી વાંચન કે લેખન તો નહિવત્ થઈ ગયું છે.

મોટાં શહેરોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો મહિમા મોટો છે. આ કારણે શિષ્ટ ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય એ મોટી ચિંતાનો વિષય છે. જો કે આ બાબતમાં ગુજરાતી માબાપનો વાંક કાઢવો બરાબર નથી. જેમ પ્રોફેસર નગીનદાસ સંઘવી કહ્યું છે  તેમ, “આપણુ બંધારણ અંગ્રેજીમાં લખાયું છે, આપણા કાયદાઓ અંગ્રેજી ભાષામાં ઘડાય છે, દેશના શ્રેષ્ઠ અખબારો, ગ્રંથો અંગ્રેજીમાં હોય છે, અને જ્ઞાન વિજ્ઞાનની પરિભાષા હજુ પણ અંગ્રેજીમાં છે.” [2] વધુમાં જેની પાર્લામેન્ટમાં અને કોર્ટમાં ચર્ચાઓ હજી એંગ્રેજીમાં થતી હોય, જેની મોટી મોટી કંપનીઓનો વ્યવહાર મુખ્યત્વે અંગ્રેજીમાં થતો હોય, એવા દેશમાં માબાપ પોતાના સંતાનોનું ભવિષ્ય સુધારવા માટે તેમને અંગ્રેજી માધ્યમમાં મૂકે એમાં નવાઈ શી?

પણ વધુમાં કિરીટ દૂધાતે નોંધ્યું તેમ, “ગુજરાતીઓ અને ગુજરાતી સાહિત્યકારો (હાજી, આ બન્ને અલગ જાતિઓ છે!) વધુ ને વધુ લઘુ થતા” જાય છે. [3] જો કે મારી દૃષ્ટિએ ગુજરાતીઓ — શું દેશના કે શું અમેરિકાના — પહેલા હતા તેવા જ છે, પણ સાહિત્યકારો જરૂર લઘુ થતા જાય છે. ગુજરાતી ભાષા-સાહિત્યના વેરાનમાં હરિશ્ચન્દ્ર ભટ્ટ કે સુરેશ જોશી જેવા સાહિત્યકાર ઉપજે એ જ એક અકસ્માત છે. બાકી તો બજારમાં  જે ખપે છે, જેની ફેશન છે, તે લખાય છે, તે પબ્લિશ થાય છે અને તે વેચાય છે. આમ માર્કેટ જ સાહિત્યનું ધોરણ બની ગઈ છે. જેવું ટૂથપેસ્ટ કે ચોકલેટનું તેવું જ સાહિત્યનું! તેથી આપણે ત્યાં ભાગ્યે જ કોઈ પ્રકાશક એડિટર કે ફેક્ટચેકર રાખવાનો ખર્ચો કરે. એ તો નફામાં નુકસાન કરવાની વાત થઈ. વળી એડિટર અને ફેક્ટચેકર તો હા-ના કરે, સુધારા-વધારા કરે, એ કેમ ચાલે? પુસ્તક પ્રકાશન એ નર્યો પૈસા બનાવવાનો ધંધો નથી, પણ સાથે સાથે એ એક સાંસ્કૃતિક જવાબદારી પણ છે એ સમજનો આપણા પ્રકાશકોમાં મુખ્યત્વે અભાવ છે.

શું ખપશે અને શું નહીં ખપે એ બાબતની આપણા વર્તમાન સાહિત્યકારોની માર્કેટ સૂઝ કોઈ એમ.બી.એ.ને શરમાવે એવી છે. જેમ કોઈ હોશિયાર માર્કેટિંગ મેનેજર માર્કેટ સેગ્મેન્ટેશન કરે તેમ, આ વેપારી સાહિત્યકારો કવિ લેખકોના જુદા જુદા ચોકા પાડે છે અને વાચકોને અનુરૂપ વિધવિધ કાર્યક્રમો કરે છે. આમ અત્યારે સ્ત્રી કવિઓ, ગઝલકારો, દલિત લેખકો, ચારણ, મેમણ જેવા હાંસિયામાં રહી ગયેલા સર્જકોના વિશિષ્ટ કાર્યક્રમો યોજાય છે. સાહિત્યમાં માત્ર કૃતિ કેન્દ્રિત જ વિચાર વિવેચન હોય, નહીં કે સર્જક કેન્દ્રિત એ મૂળભૂત વાત હવે બાજુમાં મુકાઈ છે. જે કઈ લખાયું છે તે સાહિત્યિક કૃતિ થઈ છે કે નહીં એ અગત્યનો પ્રશ્ન છે, નહીં કે કોણે ક્યારે લખ્યું છે.  લખનાર સ્ત્રી છે, દલિત છે, ચારણ છે, અને ક્યારે લખાયું છે એ હકીકત ગૌણ છે. તેથી જ તો એવો કોઈ વિચારભેદ કર્યા વગર આજે પણ આપણે નરસિંહ મહેતા કે મીરાંનાં પદો કે અખાના છપ્પાઓ ઉત્તમ સાહિત્ય ગણીને માણીયે છીએ.

ચિંતાજનક વાત તો એ છે કે આજના સાહિત્યકારને જ પોતાની જવાબદારીનું ભાન નથી.  સાહિત્ય એ એક Heroic Struggle  (શૂરાનો જંગ?) છે, એ પાર્ટટાઈમ કામ નથી, કે પૈસા કમાવાનું એક સાધન નથી, અને એની સાધનામાં આખુંએ જીવન હોમી દેવું પડે, એવી સમજ નથી. મારા મર્યાદિત વિચાર વિનિમયમાં મને માત્ર ઉમાશંકર જોશી, સુરેશ જોષી, અને નિરંજન ભગતમાં જ સાહિત્ય વિશેની આ સમજ અને જીવનભરની સાધનાવૃત્તિ જોવા મળી હતી. વીસમી સદીના અમેરિકન સાહિત્યકારોમાં આ પ્રકારની ધગશ એડમન્ડ વિલ્સન અને લાયોનલ ટ્રીલિંગમાં જેવા અગ્રગણ્ય સાહિત્યકારોમાં જોવા મળી છે.

હું જ્યારે જ્યારે અમદાવાદ કે મુંબઈ જાઉં છું ત્યારે કવિઓ, લેખકો, પ્રાધ્યાપકો અને અન્ય બૌદ્ધિકોને મળવા અને એમની સાથે વિચારવિનિમય કરવા પ્રયત્ન કરું છું. એમને મળ્યા પછી બહુ જ ઓછા અપવાદ સિવાય, એવી છાપ પડે છે કે એમાંના મોટા ભાગનાને વિશ્વસાહિત્ય કે વિચારની વાત તો બાજુ મૂકો, દેશની અન્ય ભાષા-સાહિત્યનો પણ ઝાઝો પરિચય નથી. એમ લાગે કે એમણે વૈચારિક કે બૌદ્ધિક કુતૂહલ જ કેળવ્યું નથી. આવી પરિસ્થિતિ જો દેશમાં હોય તો અહીંના સાહિત્યકારો પાસેથી જુદી અપેક્ષા કેમ રાખી શકાય? આખરે એ કવિ લેખકો ત્યાંથી જ આવ્યા છે ને? જે કૂવામાં હોય તે હવાડામાં આવે. ત્યાંના ગુજરાતીઓ જે લખે વાંચે છે તે અહીંના ગુજરાતીઓ લખે વાંચે છે.

નાયગ્રામાં તરતી નૌકા

દેશમાં ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જન થતું હોત તો પણ હું અમેરિકામાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઉજ્જવળ ભવિષ્ય જોતો નથી, કારણ કે અહીંની સાહિત્યિક પ્રવૃત્તિઓ એ અમેરિકામાં વસતા ગુજરાતીઓની પહેલી પેઢીની જ રમત છે. વધુમાં અહીંની સંસ્થાઓ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને ભાષા સાહિત્ય જાળવવા જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે તે મુખ્યત્વે ઉપરછલ્લા અને અધકચરા છે.  આ બધામાં પહેલી પેઢીના ભારતીયોના વિદેશવાસનાં વલખાં સિવાય બીજું બહુ ઓછું છે. અહીં કાર્યક્રમોમાં જઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે એમાં હાજર રહેતા લોકો બહુધા 60-70ની ઉંમરના પેલી પેઢીના ઇમિગ્રન્ટ્સ હોય છે. આવા કાર્યક્રમોમાં અન્ય સમવયસ્ક ગુજરાતીઓને  હળવામળવાથી એમને પરાઈ ભૂમિમાં થોડી ઘણી ધરપત મળે છે. પોતે ગુજરાતી ભાષા અને સાહિત્ય અહીં ટકાવી રાખે છે એવો આભાસ થાય છે. આ બાબતમાં દેશમાંથી આવતા સાહિત્યકારો આગળ જણાવ્યું તેમ એમને પ્રોત્સાહન આપે છે અને એમના ભ્રમને જાળવી રાખે છે.  દેશમાં જે કાંઈ અને જેટલું વાંચતા હતા તે અહીં વાંચવું અને ત્યાં જે કવિ લેખકોને સાંભળતા હતા તેમને અહીં બોલાવીને સાંભળવા એમાં જ એમની સાહિત્યપ્રીતિ સમાઈ જતી હોય એમ લાગે છે. જ્યારે અહીંની મહાન યુનિવર્સિટીઓમાં અને સંસ્થાઓમાં અમેરિકનો દ્વારા ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સમજવા અને સમજાવવા જે પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે તેનાથી આપણા ગુજરાતીઓ મોટા ભાગે અજાણ હોય છે.

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ અમેરિકામાં વસતા ગુજરાતીઓનું ભવિષ્ય શું છે? પોતે ક્યાં સુધી દેશના જ ગુજરાતી જ રહેશે? (આ બાબતમાં ઉમાશંકર જોશીનો પ્રશ્ન અહીંના ગુજરાતીઓને વધુ લાગુ પડે છે : એ તો કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?).  ઉપરાંત આ ગુજરાતીઓ એમના સંતાનોના અમેરિકીકરણમાં શો ભાગ ભજવશે? દરેક ઈમિગ્રન્ટ પ્રજાની પહેલી પેઢી પોતાના વિશિષ્ટ સંસ્કૃતિ અને ભાષા સાહિત્ય જાળવી રાખવા પ્રયત્ન કરે છે,  તેમ આ ગુજરાતીઓ આવી પ્રવૃત્તિઓ કરે તેમાં નવાઈ નથી. પરંતુ આ સાહિત્યિક પ્રવૃત્તિઓ, સાહિત્યકારો, સુગમ સંગીતકારો, વગેરેનું  મહત્ત્વ જ્યાં સુધી આ પહેલી પેઢી હયાત છે ત્યાં સુધી છે. અહીં જન્મીને અહીં જ ઊછરેલી બીજી, ત્રીજી કે ચોથી પેઢીના ગુજરાતીઓ માટે આ બધું એકમાત્ર વિસ્મયનો જ વિષય બની રહેશે.

અહીંની નવી પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની પ્રવૃત્તિઓમાં કોઈ ઝાઝો રસ નથી. અહીં ઉછરેલા સંતાનોની ગુજરાતી ભાષાની જાણકારી ઉપરછલ્લી હોય છે, અને સાહિત્યની સમજૂતી તો નહિવત જ હોય છે. આ નવી પેઢીના સંતાનો ગુજરાતી નથી પણ અમેરિકન છે. એમના આચાર અને વિચાર, સંસ્કાર અને સંસ્કૃતિ, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ છે. એનો અર્થ એ નથી કે એ પેઢી ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની અન્ય વંશીય પ્રજા પોતાના પૂર્વજોના મૂળ શોધવા પૂર્વજોની જન્મભૂમિમાં યાત્રાએ જાય છે તેવી જ રીતે આ પેઢી પણ ભારતીય સંસ્કૃતિ અને જીવન વિષે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે. એ અમેરિકન પ્રજાનો ભારતીય સંસ્કૃતિ અને જીવન પ્રત્યેનો રસ તે ઐતિહાસિક સંશોધન અને પ્રદર્શનથી વધુ નહીં હોય. ધર્મ અને વાણીસ્વાતંત્ર્યના આ દેશમાં સૌને પોતાની સંસ્કૃતિ જાળવવાની છૂટ છે, પણ તે જાળવણી અહીં ઊછરતી ગુજરાતી પ્રજા અમેરિકન ઢબે અને અહીં યોગ્ય થઈ રહે તેવી જ રીતે કરશે.

દેશમાંથી ઊછરીને અમેરિકામાં આવી વસેલા ગુજરાતીઓ પોતાનાં મૂળિયાં પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે, પણ તેઓ જ્યારે એમની અહીં ઊછરતી અમેરિકન પ્રજાને ગુજરાતી બનાવવા મથે છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઊપજે છે. અમેરિકામાં ઊછરીને અમેરિકન ન થવું પણ ગુજરાતી બનીને રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે. અહીં આવેલી અન્ય ઇમિગ્રન્ટ પ્રજાઓએ આવા પ્રયત્નો જરૂર કર્યા છે, પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના લેન્કેસ્ટર જિલ્લામાં જર્મન અને સ્વિસ ઈમિગ્રન્ટ્સ દાયકાઓથી ઠરીઠામ થયેલી એમિશ પ્રજામાં આવા અખતરાનો એક દાખલો મળે છે. એમિશ પ્રજાએ આજે દાયકાઓના અમેરિકન વસવાટ પછી પણ પોતાના રીતરિવાજો, રૂઢિઓ અને વિશિષ્ટ જીવનપ્રણાલી જાળવી રાખવા પ્રયત્નો કર્યો છે. વીસમી સદીનાં આધુનિક અમેરિકામાં એમિશ લોકો અઢારમી સદીનું જર્મનજીવન જીવવા મથે છે, અને આધુનિક અમેરિકાથી અસ્પૃષ્ટ રહીને પોતાનાં ધર્મ અને સંસ્કૃતિ જાળવવાનો ભગીરથ પ્રયત્ન કરે છે. પરંતુ એમનું અપવાદરૂપ બની ગયેલું જીવન, બંધિયાર જીવનવ્યવસ્થા, ઘટતી જતી વસતી, અને તેમનું પ્રદર્શનરૂપ બની ગયેલું અસ્તિત્વ — આ બધામાંથી જે ઈમિગ્રન્ટ લોકો કોઈ પણ શરતે અમેરિકામાં પોતાની ભાષા સંસ્કૃતિનો જુદો તંબૂ તાણવા મથે છે તેમણે ચેતવણી લેવાની જરૂર છે.

હિન્દુ સંસ્કૃતિની એક વિશિષ્ટતા એ છે કે એનું અસ્તિત્વ હિન્દુ જીવન અને હિન્દુ સમાજ વગર અસંભવિત છે. આ દૃષ્ટિએ હિન્દુ સંસ્કૃતિનું યહૂદી સાથે સામ્ય છે. આપણી સંસ્કૃતિમાં સામાજિક સંદર્ભ અને અનુસંધાન અનિવાર્ય છે. નવરાત્રિ અને દશેરા, નાગપાંચમ, રાંધણછઠ અને શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને મહાશિવરાત્રિ — આ બધા તહેવારોનું સાંસ્કૃતિક મહત્ત્વ એના સામાજિક સંદર્ભથી અવિભાજ્ય છે. તેવી જ રીતે આપણા વર્ણાશ્રમો અને જ્ઞાતિપ્રથાનું સાંસ્કૃતિક સત્ત્વ એના સામાજિક સંદર્ભમાં જ છે. આ બાબતમાં સરખામણીએ ખ્રિસ્તી, ઇસ્લામ અને બૌદ્ધ સંસ્કૃતિને સામાજિક સંદર્ભની અનિવાર્યતા નથી. આથી આ ત્રણે સંસ્કૃતિનો દુનિયાના વિધવિધ દેશોનો પ્રચાર થઈ શક્યો છે. અત્યંત ઔદ્યોગિક અને આધુનિક પશ્ચિમના દેશો હોય કે સંસ્કૃતિસમૃદ્ધ અને સદીઓ જૂના એશિયાના દેશો હોય — આ વિભિન્ન સામાજિક અને ભૌગોલિક વાતાવરણોમાં ખ્રિસ્તી સંસ્કૃતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આમ જ ઇસ્લામનું અને બૌદ્ધ સંસ્કૃતિનો પ્રચાર સાવ નિરાળા અને અજાણ્યા દેશોમાં થઈ શક્યો.

હિન્દુ સંસ્કૃતિને જો સામાજિક સંદર્ભની અનિવાર્યતા હોય તો પછી અમેરિકામાં એ સંસ્કૃતિ લાવવા અને પેઢીઓ સુધી જાળવવા માટે આપણે હિન્દુ જીવન લાવવું અને જાળવવું જોઈએ. આ શક્ય છે ખરું? આ બાબતનો આકરો અખતરો હરેકૃષ્ણ સંપ્રદાયના અમેરિકન અનુયાયીઓ અત્યારે કરી રહ્યા છે. અત્યારે તો આ કઠોર પ્રયોગ નાના પાયા ઉપર થઈ રહ્યો છે. આધુનિક અમેરિકન જીવનથી વિમુખ અને અપવાદરૂપ એમનું અસ્તિત્વ વિસ્તરશે કે વિલીન થશે એ વાત ભવિષ્ય જ કહી શકે.  પરંતુ અહીંના ગુજરાતીઓ કે બીજા ભારતીયો હરેકૃષ્ણવાળાઓ સાથે જોડાય એ બહુ સંભવિત દેખાતું નથી. જે હોંશ અને ઉમળકાથી આ ભારતીયો અમેરિકન સુવિધાઓ, સાધનસામગ્રી, સમૃદ્ધ જીવનધોરણ અને સ્વતંત્ર જીવનશૈલી અપનાવે છે અને માણે છે તે બતાવે છે કે એમણે હરેકૃષ્ણ ધર્મના આકરા જીવનને દૂરથી જ નમસ્કાર કર્યા છે.

દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક વંશોની પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ગુજરાતી ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે વિશિષ્ટતા — એમની ગુજરાતીતા — હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાં ય એકાકાર થઈ ગઈ હશે. અન્ય વંશીય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. જેવું ગુજરાતીઓનું તેવું જ અહીં આવેલી અન્ય ભારતીય પ્ર્જાઓનું.  અમેરિકીકરણના આ ઐતિહાસિક સત્યને આપણા અહીં સ્થાયી થઈને વસતા ગુજરાતીઓ અને અન્ય ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું પડશે. વિશાળ નાયગ્રા નદીના ધસમસતા પ્રવાહમાં કોઈ નાનકડી નૌકા જેમ લાંબો સમય તરી ન શકે તેમ અમેરિકાના ભરખી ખાતા મેલ્ટીંગ પોટમાં ગુજરાતી ભાષા કે સાહિત્ય પહેલી પેઢીથી આગળ ઝાઝો સમય ટકી રહે એમ લાગતું નથી.

(શબ્દ સંખ્યા 3136)

[1] મધુસૂદન કાપડિયા, અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, ગાંધીનગર: ગુજરાતી સાહિત્ય અકાદમી, 2011

[2] નગીનદાસ સંઘવી, નગીનદાસ સંઘવીની સોંસરી વાત, રાજકોટ, કે બૂક્સ, 2019, પાનું.186

[3] કિરીટ દૂધાત, ‘નવનીત સમર્પણ’ એપ્રિલ 2018, પાનું 56

4301 Military Road NW, #510, Washington, DC 20015

e.mail : [email protected]

‘એતદ્દ”, ઓક્ટોબર-ડિસેમ્બર 2020ના અંકમાં, પૃ. 81-87 વચ્ચે પ્રથમ પ્રકાશિત આ લેખમાં, લેખકે જરૂરી સુધારાવધારા કર્યા હોઈ, આને સંવર્ધિત આવૃત્તિ લેખવી.  − વિ.ક. 

Category :- Diaspora / Features