પ્રજાસત્તાકમાં પ્રજાને સટ્ટાક?

રવીન્દ્ર પારેખ
25-01-2021

ઉત્તમ રાજ્યની વાત થાય છે ત્યારે રામરાજયનું ઉદાહરણ અપાય છે. તે એ રીતે કે રામે ધોબીની ટીકા પરથી નિર્દોષ સીતાનો ત્યાગ કરેલો. રામ જાણતા હતા કે સીતા નિર્દોષ છે, પણ રામરાજયમાં સામાન્ય પ્રજાનો પણ અવાજ મહત્ત્વનો છે એ સિદ્ધ કરવા રામે સીતાનો ત્યાગ કર્યો. રામના સમયમાં બહુ પત્નીત્વ સામાન્ય બાબત હતી, પિતા દશરથને ત્રણ રાણીઓ હતી એટલે અશ્વમેધ યજ્ઞ વખતે એ જ પ્રજાએ બીજા લગ્ન કરવાનું કહ્યું તો રામે રાજસત્તાનું મહત્ત્વ સ્થાપતાં, લગ્ન ન કરતાં યજ્ઞમાં મૂર્તિ મૂકીને સીતા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો. એ નિમિત્તે રાજા તરીકે રામે કેટલી મોટી હાનિ વેઠી છે તે પણ પ્રજાએ જોયું. પ્રજાને ત્યારે કોઈ સત્તા ન હતી, પણ રામે એક સામાન્ય પ્રજાજનની વાત અવગણી ન હતી ને તેથી રામરાજ્યનું ઉદાહરણ આજે પણ અપાય છે.

આજે ભારત 71 વર્ષથી પ્રજાસત્તાક દેશ છે. આ દેશમાં પ્રજાનો વહીવટ છે એવું કહેવાય છે, દેશમાં લોકશાહી છે, પણ હકીકત એ છે કે પ્રજાતંત્ર કે લોકતંત્ર નામ પૂરતું જ દેશમાં જણાય છે. સાચું તો એ છે કે પ્રજા અને તંત્ર, બંને ભ્રષ્ટ છે. પ્રજા અને તંત્ર જેને લાયક છે તે જ તે મેળવે છે. કૉન્ગ્રેસને કારણે દેશને સ્વતંત્રતા મળી એ પછી દેશ પર કૉન્ગ્રેસી સરકાર દાયકાઓ સુધી માથે રહી. સુધરેલી ભાષામાં દેશ સ્વતંત્ર હતો એટલું જ, બાકી નહેરુશાહી ને ગાંધીશાહીનું વર્ચસ્વ જ દેશ પર રહ્યું. 2014થી કૉન્ગ્રેસી શાસન પણ આથમ્યું ને ભાજપી શાસનનો ઉદય થયો ને હવે મોદીશાહી ચાલે છે. એમાં કેટલાંક સારાં કામો પણ થયાં જ છે, પણ ખંડનમંડનની જે પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સ્તરે ચાલે છે તે અંગે પુનર્વિચાર થવો ઘટે.

જેમ કે નહેરુને બદલે સરદાર વડા પ્રધાન થયા હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત, એ વાત છાશવારે કહેવાયા કરે છે. સરદાર વડા પ્રધાન હોત તો કમ સે કમ નહેરુ, ગાંધી પરિવારનું વર્ચસ્વ ઘટ્યું હોત તે ખરું, પણ હવે તો પરિવારવાદ નથીને ! તો હવે એ રાગ આલાપવાનો કોઈ અર્થ ખરો? ભા.જ.પ.ની સરકારને પણ છ વર્ષ થયાં. હવે કૉન્ગ્રેસી શાસનની ટીકા કર્યા કરવાનો કોઈ અર્થ છે? ભા.જ.પ. સુશાસન આપી જ શકે એમ છે, તો ટીકા કરવા કરતાં પરિણામો આપે એ જરૂરી છે.

હમણાં નેતાજી સુભાષચંદ્ર બોઝની સવાસોમી જન્મજયંતીને “પરાક્રમ દિવસ” તરીકે રાષ્ટ્રભરમાં ઉજવવાનું થયું. નેતાજી બારડોલી પાસેની હરિપુરામાં 1938માં કૉન્ગ્રેસનાં 51માં અધિવેશનના અધ્યક્ષ થયેલા તો તેવા જ ઠાઠથી ગુજરાતના મુખ્ય મંત્રી પણ 51 બળદની શણગરાયેલી જોડીમાં જોડાયા અને બોલ્યા પણ ! સાહેબ નથી બોલતા ત્યારે વધારે શોભે છે, પણ હરિપુરામાં બોલ્યા વિના ના રહી શક્યા. ગુજરાત સાથે નેતાજી, સરદાર અને ગાંધીજી કઈ રીતે સંકળાયેલા છે તેનું પુણ્યસ્મરણ કર્યું, ત્યાં સુધી તો સમજ્યા, પણ પછી નહેરુથી ચાલે પરિવારવાદની કથા માંડી અને કૉન્ગ્રેસે ઇતિહાસ ભૂંસવાનું કામ કર્યું છે એવી વાતો પણ કરી. તે પછી વડા પ્રધાને કેવી રીતે સરદારને વિશ્વવિખ્યાત કર્યા તેનું પંચામૃત વહેંચ્યું. એમાં બધું ખોટું હતું એવું નથી, પણ નહેરુએ સરદારને ને સુભાષને પણ ખસેડ્યા જેવી વાતો કરવાથી હવે કશું સિદ્ધ થાય એમ નથી, એ વાત સૌએ સમજી લેવાની જરૂર છે. એ સાચું કે કૉન્ગ્રેસે સરદારને ભૂંસ્યા, તો ભા.જ.પ.ના નેતાઓ પણ નહેરુ, ગાંધી પરિવારોને ભૂંસે જ છેને ! એ કઈ આરતી ઉતારે છે? એ તો મારે તેની તલવાર જેવું જ છે. કાલે કૉન્ગ્રેસ હતી તો તેણે સરદાર, સુભાષને ભૂંસવાનું કર્યું તો આજે ભા.જ.પ. છે તો એ સરદાર, સુભાષને સ્થાપવાનું “પરાક્રમ“ કરે એમ પણ બને.

- ને સરદારને આગળ કરાય છે તે શુદ્ધ ભક્તિભાવને કારણે? એવું હોય તો તેનો આનંદ જ હોય ! પણ મતાધિકાર તો પાટીદારોને, પટેલોને પણ છે એ ય ખરુંને ! કેવડિયાથી આખું રાષ્ટ્ર રેલવેથી જોડાય તે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું જ ને ! એ ભલે થાય, પણ મોહનદાસ કરમચંદ ગાંધી પણ ગુજરાતના જ ને! તો પોરબંદર પણ આખા દેશથી સાંકળી શકાયને ! પણ ગાંધીને નામે મત મળે એમ નથી એટલે તે હવે સડકો પર છે અથવા તો તિજોરીમાં ગૂંગળાય છે. એનો અર્થ એવો નથી કે સરદાર માટે જે થયું તે ન થવું જોઈએ. મુદ્દો ઉચ્ચ સ્તરે તાટસ્થ્ય જળવાય એટલો જ છે. સરદાર, ગાંધીજી કરતાં મહાન છે એવું તો સરદાર પણ ન માને તો એટલો વિવેક બધા જ દેશવાસીઓ જાળવે એ અપેક્ષિત છે.

આજે રાષ્ટ્ર આખું કોરોનાની મહામારીમાં સપડાયું છે ને વિશ્વ આખું આર્થિક મંદીમાં સપડાયું છે ત્યારે દેશની આર્થિક વ્યવસ્થા જાળવવાનું ને પ્રજાને મહામારીથી બચાવવાનું અઘરું છે. એમાં ચીન, પાકિસ્તાનની લુચ્ચાઈ, બદમાશી સાથે સરહદી સુરક્ષા જાળવવાનું તો વધારે કપરું છે. કહેવું જોઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ભારે મથામણો સાથે ઘણા મોરચે ઝઝૂમે છે. એમાં ચૂંટણીઓ ને તહેવારો તો રોકાતાં જ નથી. એ વખતે સરકાર ને તંત્રો જે સગવડિયો ધર્મ બજાવે છે તે નિંદનીય છે. એક તરફ ગુજરાત સરકાર કોરોના નિમિત્તે ગાઈડલાઇન્સનું કડક પાલન કરાવવાનો આગ્રહ રાખે છે ને બીજી તરફ રાજકીય હેતુઓ સિદ્ધ કરવાના હોય તો નિયમોમાં ઢીલ નથી રાખતી, નિયમો જ બદલી કાઢે છે.

લગ્નમાં હોલમાં બધી નીતિઓ સાથે 100 માણસોની છૂટ જેમની તેમ છે, પણ ખુલ્લાં મેદાનોમાં કોઈ મર્યાદા નથી. મતલબ કે મેદાનમાં ગમે તેટલા માણસો હોય તો ચાલે. કોરોના પણ હવે સમજદાર થઈ ગયો છે. તે મેદાનોમાં કોઈને પજવતો નથી, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી સભાઓ કરશે, પ્રચાર કરશે કે ભાષણો ઠોકશે, ત્યારે જો કોરોના જાત બતાવે તો ચૂંટણી સભાઓ શોકસભાઓ જેવી થઈ રહે ને એ કયા રાજકારણીને પરવડે એમ છે એટલે સરકારે લગ્નનું ઓઠું લઈને લોકોને મેદાનમાં ગમે તે સંખ્યામાં મળવાની છૂટ આપી છે.

આ રમતો નિર્દોષ નથી.

કોરોના કાળમાં સરકારે ઘણી રમતો કરી છે. એ સાચું કે આર્થિક સ્થિતિ કથળી છે. સરકાર પાસે પૈસા નથી, પણ પેકેજો જાહેર કરવામાં ખાસ મુશ્કેલીઓ પડી નથી. આમાં આડ - આવક મેળવવાનું પણ સરકાર ચૂકતી નથી. એનો તાજો દાખલો પેટ્રોલ-ડિઝલમાં છાશવારે થતો ભાવ વધારો છે. જાન્યુઆરીમાં આઠ વખત ઓઈલના ભાવો વધ્યા છે. કોરોના પિક પર હતો ત્યારે 6 મે, 2020માં પેટ્રોલમાં સીધો 10નો અને ડિઝલમાં 13નો વધારો નોંધાયેલો. આ વધારો કેમ? તેનો કોઈ ખુલાસો સરકાર પાસે નથી. લોકડાઉનમાં પેટ્રોલનો ઉપાડ જ ન હતો. આખું વિશ્વ થંભી જવા જેવી સ્થિતિ હતી. ઓઇલના ભાવ માઈનસમાં ગયા હતા, ત્યારે ભારતે એક્સાઈઝ ડ્યૂટી વધાર વધાર કરીને લાખો કરોડોની કમાણી કરી. એક્સાઈઝ ડ્યૂટીમાં સરકાર લિટરે 33 રૂપિયા સીધા કમાય છે. પૈસા ન હોય તો આવી રીતે પૈસા કમાવાના? એને બદલે સરકારે કોરોનાને નામે ટેક્સ નાખ્યો હોત તો તેને કોણ રોકવાનું હતું? પણ પેટ્રોલ-ડિઝલને નામે સરકારે લૂંટાયેલા લોકોને લૂંટ્યા છે. સરકાર પાસે પૈસા ન હતા, તો પ્રજાને કૈં લોટરી લાગી હતી, શું? આ લૂંટ હજી પણ ચાલે છે ને તે કોઈ રીતે યોગ્ય નથી. એને બદલે સીધો ટેક્સ વસૂલ્યો હોત તો? તો બજેટ વખતે ટેક્સ નાખી શકાયો ન હોત. આ તો પેટ્રોલથી નવડાવ્યા પછી, બજેટમાં ટેક્સ નખાય તો એમ તો ન કહેવાય કે બબ્બે વખત પૈસા વસૂલ્યા. બજેટમાં ટેક્સ લાગશે જ એવું નથી, પણ ન જ લાગે એવું પણ નથી.

કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રજા અપ્રમાણિક છે, તો સરકાર પણ પ્રમાણિક નથી જ. પ્રજાસત્તાક ભારતમાં 71 વર્ષે  ને સ્વતંત્ર ભારતમાં 73 વર્ષને અંતે પણ પારદર્શી વહીવટ જોવા ન મળે એ કેવી કરુણતા છે !

પ્રજાસત્તાક પર્વે પ્રજા, સટ્ટાક દઈને લપડાક ખાતી હોય એવી સ્થિતિ છે. એક વાત સ્પષ્ટ છે, સરકાર કોઈ પણ હોય, સામાન્ય પ્રજાનું કોઈને કોઈ રીતે શોષણ થતું રહે છે ને તેનો છેડો નથી દેખાતો એટલે છેડો મૂકવા સિવાય કોઈ આરો નથી રહેતો ...

0 0 0

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 જાન્યુઆરી 2021

Category :- Opinion / Opinion