અમૅરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ જોસફ આર. બાઈડન જુનિયરની ૨૦ જાન્યુઆરીના શપથ સમારોહ પ્રસંગની ઈનોગ્યુરલ સ્પીચ

અનુવાદ : રૂપાલી બર્ક
24-01-2021

બાઈડન યુગનો આવકાર

ચીફ જસ્ટીસ રૉબર્ટ્સ, વાઇસ પ્રૅસિડન્ટ હૅરિસ, સ્પીકર પલોઝી, લીડર સ્ક્યુમર, લીડર મૅકૉનૅલ, વાઇસ પ્રૅસિડન્ટ પૅન્સ, વિશિષ્ટ મહેમાનો તથા મારા સાથી અમૅરિકનો :

આજે અમૅરિકાનો દિવસ છે.

આજે લોકશાહીનો દિવસ છે.

ઇતિહાસ અને આશાનો દિવસ.

નવીનીકરણ અને નિશ્ચયનો દિવસ.

યુગો સુધી યાદ રહેશે એવી આકરી કસોટી દરમ્યાન અમૅરિકાની નવી કસોટી થઈ છે અને અમૅરિકાએ પડકાર ઝીલી બતાવ્યો છે.

આજે, આપણે એક ઉમેદવારનો નહીં બલકે એક માન્યતાનો, લોકશાહીની માન્યતાનો વિજય મનાવી રહ્યાં છીએ.

લોકોની મરજી સાંભળવામાં આવી છે અને લોકોની મરજીને લક્ષમાં લેવામાં આવી છે.

આપણે શીખ્યાં છીએ કે લોકશાહી મૂલ્યવાન છે.

લોકશાહી નાજુક છે.

અને આ ક્ષણે, મારા દોસ્તો, લોકશાહીનું પ્રભુત્વ જળવાયું છે.

તેથી હવે, આ પાવન સ્થળ ઉપર જ્યાં થોડાક જ દિવસો અગાઉ હિંસાએ આ કેપિટલનો પાયો હચમચાવી કાઢવા ધાર્યો હતો, આપણે ઈશ્વર હેઠળ, એક રાષ્ટ્ર તરીકે એકઠા મળ્યાં છીએ, અવિભાજ્ય, બે સદીથી વધુ કરતા આવ્યાં છીએ એમ સત્તાની શાંતિપૂર્ણ ફેરબદલી પાર પાડવા માટે.

આપણે આગળ જોઈએ છીએ, આપણા આગવા અમૅરિકી અંદાજમાં — બેચેન, સાહસિક અને આશાવાદી — અને એ રાષ્ટ્ર ભણી મીટ માંડીને જે આપણે જાણીએ છીએ કે બની શકીએ છીએ અને બનવું પડશે.

અત્રે હાજર બન્ને પક્ષોના મારા પૂર્વગામીઓનો હું આભાર માનું છું.

મારા હૃદયના ઊંડાણથી હું એમનો આભાર માનું છું.

આપણાં બંધારણની સ્થિતિસ્થાપક્તા અને આપણાં રાષ્ટ્રની શક્તિ તમે જાણો છો.

જેમ પ્રૅસિડન્ટ કાર્ટર પણ જાણે છે જેમની સાથે મેં ગઈ કાલે રાત્રે વાત કરી, પરંતુ તેઓ હાજર રહી શક્યા નથી, એમની જીવનભરની સેવા માટે આપણે એમને સલામ કરીએ છીએ.

સૌ પ્રથમ જ્યૉર્જ વૉશિંગ્ટને લીધાં પછી, આ તમામ રાષ્ટ્રભક્તોએ લીધેલાં પવિત્ર સોગંદ મેં હમણાં જ લીધા.

પરંતુ અમૅરિકાની કહાણી અમારામાંનાં કોઈ એક પર નહીં, અમારામાંનાં અમુક પર નહીં બલકે આપણા સૌ પર આધાર રાખે છે.

વધુ પરિપૂર્ણ સંમિલનની ખેવના રાખનાર “વી ધ પીપલ” ઉપર આધાર રાખે છે.

આ મહાન રાષ્ટ્ર છે અને આપણે ભલા લોકો છીએ.

સદીઓ પર્યંત તોફાન અને સંઘર્ષ, શાંતિ અને યુદ્ધ વટાવી આટલે દૂર આવ્યાં છીએ. પરંતુ હજુ આપણે વધુ દૂર જવાનું છે. 

આપણે ઝડપ અને ઉતાવળથી આગળ ધપીશું કારણ કે સંકટ અને શક્યતાના શિયાળામાં આપણે ઘણું કરવાનું છે.

ઘણું સમારકામ કરવાનું છે.

ઘણું પુન:સ્થાપિત કરવાનું છે.

ઘણાં ઘા ભરવાનાં છે.

ઘણું બાંધવાનું છે.

અને ઘણું મેળવવાનું છે.

હાલ આપણો જે કાળ ચાલી રહ્યો છે એનાથી વધુ પડકારરૂપ કાળ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં ઓછા આવ્યા છે.

સદીમાં એકવાર આવે એવો વાયરસ ચૂપચાપ આપણા દેશમાં શિકાર પર નીકળ્યો છે.

સમગ્ર બીજા વિશ્વ યુદ્ધમાં જેટલી જાનહાનિ નહોતી થઈ એટલી એક વર્ષમાં અમૅરિકામાં થઈ છે.

લાખો નોકરીઓ જતી રહી છે.

હજારો વેપારો બંધ થઈ ગયા છે.

૪૦૦ વર્ષથી સંભળાતો આવતો વંશીય ન્યાય માટેનો પોકાર આપણને ઝંઝોળે છે. ન્યાયનું સ્વપ્ન સાકાર કરવામાં હવે વિલંબ નહીં થાય.

આપણો ગ્રહ જ અસ્તિત્વ માટે પોકારી રહ્યો છે. એના પોકારને હવે વધુ મરણિયો કે વધુ સ્ફુટ થવા દેવામાં નહીં આવે.

ને હવે, રાજકીય ઉગ્રવાદ, શ્વેત સર્વોપરિતા, ઘરેલું આતંકવાદે માથું ઊંચક્યું છે જેને આપણે પડકારવાનાં છે અને જેને આપણે પરાજિત કરીને જંપીશું.

આ પડકારોને પહોંચી વળવા — અમૅરિકાના આત્માને પુન:સ્થાપિત કરવા અને અમૅરિકાના ભાવિને સુરક્ષિત બનાવવા — શબ્દો કરતાં વધુનો ખપ પડશે.

એના માટે લોકશાહીમાં હાથમાં આવવી સૌથી મુશ્કેલ ચીજનો ખપ પડશે :

એકતા.

એકતા.

વૉશિંગ્ટનમાં અન્ય એક જાન્યુઆરીમાં, ૧૮૬૩ના નવા વર્ષના દિવસે ઍબ્રહૅમ લિંકને ઇમૅન્સિપેશન પ્રોક્લમૅશન પર હસ્તાક્ષર કર્યા હતા.

જ્યારે એમણે કાગળ પર કલમ મૂકી, એમણે કહ્યું, “જો મારું નામ ઇતિહાસમાં યાદ રખાશે તો એ આ કાર્ય માટે હશે અને આમાં મારો સમગ્ર આત્મા પરોવાયેલો છે.”

મારો સમગ્ર આત્મા પરોવાયેલો છે.

આજે, આ જાન્યુઆરીએ, મારો સમગ્ર આત્મા આમાં પરોવાયેલો છે :

અમૅરિકાને એકઠું લાવવું.

આપણાં લોકોને એક કરવા.

આપણાં રાષ્ટ્રમાં એકતા સ્થાપવી.

આ કાર્યમાં પ્રત્યેક અમૅરિકનને મારો સાથ આપવા આહ્વાન કરું છું.

આપણી સમક્ષ ઊભા થયેલાં દુશ્મનો સામે એક થઈને લડવું.

આક્રોશ, નારાજગી, ઘૃણા.

ઉગ્રવાદ, અરાજક્તા, હિંસા.

રોગચાળો, બેરોજગારી, નિરાશા.

એકતા રાખીને આપણે મહાન કાર્યો કરી શકીશું, મહત્ત્વનાં કાર્યો કરી શકીશું.

ખોટાને ખરામાં ફેરવી શકીશું.

લોકોને સારી નોકરીઓ અપાવી શકીશું.

આપણાં સંતાનોને સુરક્ષિત શાળાઓમાં ભણાવી શકીશું.

આ ખતરનાક વાયરસને માત આપી શકીશું.

આપણે કાર્યને પુરસ્કૃત કરી શકીશું, મધ્યમ વર્ગને બેઠો કરી શકીશું અને આરોગ્ય સેવાઓ બધાંને મળે એની ખાતરી કરી શકીશું.

વંશીય ન્યાયનો અમલ કરી શકીશું.

એક વાર ફરી સારા અર્થે અમૅરિકાને આપણે વિશ્વને દોરનારું બનાવી શકીશું.

હું જાણું છું કે એકતાની વાત અમુકને મૂર્ખ તુક્કા જેવી લાગતી હશે.

હું જાણું છું કે આપણું વિભાજન કરનારા પરિબળો ઊંડા અને વાસ્તવિક છે.

પરંતુ હું એ પણ જાણું છું કે એ નવા નથી.

આપણે સર્વ સમાન બનાવાયા છીએ એ અમૅરિકન આદર્શ અને આપણને લાંબા સમયથી વિભાજિત કરનાર વંશવાદ, દેશીયતાવાદ, ભય અને રાક્ષસીકરણની વરવી અને અધમ વાસ્તવિક્તા વચ્ચેનો અવિરત સંઘર્ષ આપણાં ઇતિહાસમાં નોંધાયેલો છે.

યુદ્ધ સાર્વકાલિક છે.

વિજય ક્યારે ય નિશ્ચિત હોતો નથી.

આંતરવિગ્રહ, મહામંદી, વિશ્વ યુદ્ધ, ૯/૧૧ દરમ્યાન, સંઘર્ષ, બલિદાન અને અડચણો દરમ્યાન આપણા “સારા દૂતો” હંમેશાં પ્રવર્ત્યાં છે.

આ દરેક પળમાં આપણે પર્યાપ્ત સંખ્યામાં ભેગા મળીને આપણને આગળ લઈ જઈ શક્યાં છીએ.

અને, આપણે આજે પણ એવું કરી જ શકીશું.

ઇતિહાસ, વિશ્વાસ અને વિચારશક્તિ માર્ગ ચીંધતા હોય છે, એકતાનો માર્ગ.

આપણે એકબીજાને શત્રુ તરીકે નહીં પરંતુ પાડોશી તરીકે જોવા જોઈએ.

આપણે એકબીજા સાથે માન સંમાનથી વર્તવું જોઈએ.

આપણે સહિયારી શક્તિથી બૂમાબૂમ બંધ કરીને આવેશને ઠંડા પાડવા જોઈએ.

એનું કારણ એ કે એકતા વિના શાંતિ ન હોઈ શકે, માત્ર કડવાશ અને આક્રોશ હોઈ શકે.

પ્રગતિ નહીં, માત્ર થકવી નાખતો આક્રોશ.

રાષ્ટ્રને સ્થાને અંધાધૂંધીનું વાતાવરણ.

કટોકટી અને પડકારની આ આપણી ઐતિહાસિક ક્ષણ છે અને આગળ વધવાનો માર્ગ કેવળ એકતા છે.

અને આ ક્ષણને આપણે યુનાઈટૅડ સ્ટેટ્સ ઑફ અમૅરિકા તરીકે વધાવવાની છે. 

જો આપણે એમ કરીશું તો હું તમને ખાતરી આપું છું કે આપણે નિષ્ફળ નહીં જઈએ.

જ્યારે ક્યારે પણ આપણે અમૅરિકામાં સાથે મળીને કર્મ કર્યું છે, આપણે ક્યારે ય પણ નિષ્ફળ ગયાં નથી.

અને માટે આ ક્ષણે, આ સ્થળે, ચાલો નવી શરૂઆત કરીએ.

આપણે સૌ.

ચાલો એકબીજાને સાંભળીએ.

એકબીજાને કાન ધરીએ.

એકબીજાને જોઈએ.

એકબીજાને સંમાન આપીએ.

રાજકારણ પોતાના માર્ગમાં આવતી દરેક ચીજને નષ્ટ કરનારી ભભૂકતી આગ ન હોવી જોઈએ.

દરેક અસંમતિ સંપૂર્ણ યુદ્ધ માટેનું કારણ ન હોવી જોઈએ.

અને આપણે એવી સંસ્કૃતિને નકારવી પડશે જેમાં હકીકતોને જ તોડી મરોડીને અને ઊપજાવીને પણ રજૂ કરવામાં આવે છે.

મારા સાથી અમૅરિકનો, આપણે આનાથી જુદાં બનવું પડશે.

અમૅરિકાએ આના કરતાં વધુ સારું હોવું પડશે.

ને હું માનું છું કે અમૅરિકા આના કરતાં સારું છે.

તમારી આસપાસ નજર ફેરવો.

આપણે અહીં ઊભા છીએ કેપિટલ ડોમના પડછાયા તળે જેનું બાંધકામ આંતરવિગ્રહ દરમ્યાન પૂરું કરવામાં આવેલું જ્યારે સંમિલનની  શક્યતા જ ધૂંધળી હતી.

તેમ છતાં આપણે યાતનામાંથી હેમખેમ પાર ઊતર્યાં.

આપણે અહીં ઊભા છીએ સામે પથરાયેલાં ગ્રેટ મૉલ સામે જ્યાં ડૉ. કિંગે એમનાં સ્વપ્ન વિશે વાત કરેલી.

આપણે અહીં ઊભા છીએ જ્યાં ૧૦૮ વર્ષ પહેલાં હજારો વિરોધ કરનારાઓેએ બહાદુર અશ્વેત મહિલાઓને મતાધિકાર માટે કૂચ કરતાં અટકાવવાનો પ્રયાસ કરેલો.

આજની તવારીખમાં આપણે અમૅરિકન ઇતિહાસમાં રાષ્ટ્રીય પદે ચૂંટાયેલાં પ્રથમ મહિલા — વાઇસ પ્રૅસિડન્ટ કમલા હૅરિસની સોગંદ વિધિનો પ્રસંગ નોંધાશે.

ના કહેશો મને કે પરિસ્થિતિ બદલાવાની નથી.

આપણે અહીં ઊભા છીએ આર્લિંગટન નેશ્નલ સૅમૅટૅરીથી પોટોમૅક સામે જ્યાં સમર્પણના છેલ્લાં પૂરા પરિમાણ આપેલા વીરો ચીર નિદ્રામાં પોઢેલાં છે.

અને અહીં આપણે ઊભા છીએ થોડઅક જ દિવસો બાદ જ્યાં એક તોફાની ટોળાએ વિચાર્યું હતું કે લોકોની મરજીને દબાવવા, લોકશાહીનું કાર્ય અટકાવવા અને આ પવિત્ર ભૂમિ પરથી આપણને નસાડવા માટે હિંસાનો ઉપયોગ કરી શકશે.

એવું થયું નહીં.

એવું ક્યારે ય થઈ શકશે નહીં.

ના આજે.

ના કાલે.

ના ક્યારે ય.

જે તમામે અમને ટેકો આપ્યો એમણે અમારામાં મૂકેલાં વિશ્વાસથી મારું શીષ નમી જાય છે.

જે તમામે અમને ટેકો નથી આપ્યો, એમને મારે આ કહેવું છે :

આપણે આગળ વધી રહ્યાં છીએ ત્યારે મને સાંભળો. મારા અને મારા હૃદયનો તાગ મેળવો.

અને તો ય તમે અસંમત હોવ તો ભલે.

આ જ તો લોકશાહી છે. આ જ તો અમૅરિકા છે. આપણાં ગણતંત્રના દાયરામાં રહીને શાંતિપૂર્ણ અસંમતિ વ્યક્ત કરવાનો હક, એ જ તો આપણાં રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે.

તો ય મને ધ્યાન દઈ સાંભળો : અસંમતિને કારણે આપણાંમાં ફૂટ પડવી ના જોઈએ.

ને હું તમને વચન આપું છું : હું તમામ અમૅરિકનો માટે રાષ્ટ્રપતિ હોઈશ.

મને ટેકો આપનારા માટે જેટલા દિલથી લડીશ એટલો જ મને ટેકો નહીં આપનારા માટે લડીશ.

ઘણી સદીઓ પૂર્વે મારા ખ્રિસ્તી પંથના સંત ઑગસ્ટીને લખેલું કે લોકો એમને પ્રિય એવાં સર્વસામાન્ય હેતુઓથી ઓળખાતો જનસમૂહ હોય છે.

આપણને અમૅરિકનો તરીકે ઓળખાવે એવાં આપણને પ્રિય કયાં સર્વસામાન્ય હેતુઓ છે?

મને લાગે છે હું ઉત્તર જાણું છું.

તક.

સુરક્ષા.

આઝાદી.

સંમાન.

આદર.

માન.

અને, હા, સત્ય.

તાજેતરના અઠવાડિયાઓએ આપણને દુ:ખદ પાઠ ભણાવ્યો છે.

એક તરફ સત્ય હોય છે અને બીજી તરફ અસત્ય હોય છે.

સત્તા અને લાભ માટે બોલાયેલું અસત્ય.

ને નાગરિકો તરીકે, અમૅરિકનો તરીકે અને વિશેષ આગેવાનો તરીકે — બંધારણનું સંમાન કરવાના અને આપણાં રાષ્ટ્રની રક્ષા કરવાના જેમણે સોગંદ લીધા છે —સત્યની રક્ષા કરવાની અને અસત્યને પરાજીત કરવાની આપણા દરેકની ફરજ છે.

હું સમજી શકું છું કે ઘણાં અમૅરિકનો ભાવિ તરફ થોડાંક ભીતિ અને ગભરાટથી મીટ માંડી બેઠા છે.

હું સમજી શકું છું એમને એમની નોકરીની ફિકર છે, એમના પરિવારોની સંભાળની ચિંતા છે, હવે શું થશે એની ઇંતેજારી છે. 

હું બરાબર સમજુ છું.

પરંતુ એનો ઉત્તર અંતર ભણી જવાની નહીં, હુંસાતુંસીમાં પડેલાં ભાગલાંઓ તરફની ગતિ નહીં, તમારા જેવો દેખાવ નથી અથવા તમારી જેમ ભક્તિ કરતાં નથી અથવા તમે જે સ્રોતોથી સમાચારો મેળવો છો ત્યાંથી જે લોકો સમાચારો મેળવતાં નથી એમને શંકાની નજરથી જોવામાં નથી.

લાલને ભૂરાની સામે, ગ્રામીણને શહેરી સામે, ઉદારને રૂઢિચુસ્ત સામે ખડા કરી દેતા આ આંતરવિગ્રહને ખતમ કરવો જ રહ્યો.

આપણે આપણાં હૃદયને કઠોર કરવા કરતાં આપણા આત્માને ખુલ્લું કરીશું તો એ જરૂર સિદ્ધ કરી શકીશું.

જો આપણે થોડીક સહિષ્ણુતા અને નમ્રતા કેળવીશું.

એક ક્ષણ માટે જો આપણે બીજાના બૂટમાં પગ મૂકી ઊભાં રહીશું.

કારણ કે જિંદગીનું આવું છે : તમારી નિયતિ શું હશે એ કહી શકાતું નથી.

કોઈક દિવસો એવા હોય છે કે આપણને મદદની જરૂર પડે છે.

બીજી એવા દિવસો હોય છે જ્યારે મદદ આપવાનો આપણો વારો આવે છે.

આપણે એકબીજા સાથે આવાં હોવું જોઈએ.

જો આપણે આવાં બનીશું તો આપણો દેશ વધુ મજબૂત, વધુ સમૃદ્ધ, ભવિષ્યનો સામનો કરવા વધુ સજ્જ બનશે.

મારા સાથી અમૅરિકનો, આપણી સમક્ષ જે કાર્ય પડેલું છે તેનાં માટે આપણને એકબીજાની જરૂર પડશે.

આ કાળા શિયાળાને પહોંચી વળવા આપણને આપણી તમામ શક્તિઓની જરૂર પડશે.

વાયરસના સૌથી વિકટ અને જીવલેણ ગાળામાં આપણે પ્રવેશી રહ્યાં છીએ.

રાજકારણને બાજુએ મૂકી આપણે એક રાષ્ટ્ર તરીકે આ મહામારીનો સામનો કરવો રહ્યો.

હું તમને આ વચન આપું છું : જેમ બાઇબલમાં કહ્યું છે કે રાતભર રૂદન ચાલે પરંતુ સવાર આનંદ લઈને આવશે.

આપણે સાથે મળીને આમાંથી પાર નીકળીશું.

વિશ્વ આજે જોઈ રહ્યું છે.

તેથી આપણી સીમા પારના લોકોને મારો સંદેશ છે : અમૅરિકાની કસોટી કરવામાં આવી અને એમાંથી અમે વધુ મજબૂત થઈને બહાર આવ્યાં છીએ.

અમે અમારા જોડાણો સુધારીશું અને વિશ્વ સાથે ફરી એકવાર જોડાઈશું.

માત્ર ગઈકાલનાં પડકારોને પહોંચી વળવા નહીં પરંતુ આજનાં અને આવતીકાલનાં પણ.

અમે આગેવાની કરીશું, અમારી શક્તિના ઉદાહરણથી નહીં પરંતુ અમારા ઉદાહરણની શક્તિથી.

શાંતિ, પ્રગતિ અને સુરક્ષા માટે અમે મજબૂત અને વિશ્વાસુ સાથી પુરવાર થઈશું.

આ રાષ્ટ્રમાં અમે ઘણું બધું વેઠ્યું છે.

અને રાષ્ટ્રપતિ તરીકે મારા પ્રથમ કાર્યમાં ગત વર્ષ દરમ્યાન મહામારીમાં આપણે જેમને ખોયાં છે એમને યાદ કરીને શાંત પ્રાર્થનામાં એક ક્ષણ માટે મારી સાથે જોડાવવા હું તમને વિનંતી કરું છું.

એ ૪,૦૦,૦૦૦ સાથી અમૅરિકનો —માતાઓ અને પિતાઓ, પતિઓ અને પત્નીઓ, દીકરાઓ અને દીકરીઓ, મિત્રો, પાડોશીઓ અને સહકર્મચારીઓ.

લોકો તરીકે અને રાષ્ટ્ર તરીકે આપણે કરી શકીશું અને કરવું જોઈએ એવી આપણને ખાતરી છે એવાં બનીને આપણે એમનું સંમાન કરીશું.

જેમણે જીવ ગુમાવ્યાં છે એમના માટે, શોક મનાવતા એમના સ્વજનો માટે અને આપણા દેશ માટે શાંત પ્રાર્થના કરીએ.

આમેન.

આ પરીક્ષાનો સમય છે.

લોકશાહી અને સત્ય પર પ્રહારનો સમય છે.

બેકાબૂ વાયરસ.

વધતી અસમાનતા.

પ્રણાલીગત વંશવાદનો ડંખ.

હવામાન સંકટ.

વિશ્વમાં અમૅરિકાની ભૂમિકા.

આમાંનું કોઈ પણ એક આપણને અગાધ રીતે પડકારી શકે છે.

પરંતુ હકીકત એ છે કે આપણે એ તમામનો સામનો કરી રહ્યાં છીએ જેથી આ રાષ્ટ્રના માથે અતિ ગંભીર જવાબદારીઓ છે.

આપણે હવે કમર કસવી પડશે.

આપણે બધાંએ.

આ સાહસનો સમય છે કારણ કે કેટલું બધું કરવાનું છે.

અને આ નિશ્ચિત છે.

આપણા યુગનાં પ્રપાતી સંકટોનું નિરાકરણ આપણે કેવી રીતે લાવીએ છીએ એ માટે આપણને, તમને અને મને મૂલવવામાં આવશે.

શું આપણે આ ક્ષણને પહોંચી વળી શકીશું?

આ દુર્લભ અને કઠિન ઘડી પર વિજય મેળવી શકીશું?

શું આપણાં કર્તવ્યોનું પાલન કરીને આપણાં સંતાનોને નવું અને વધુ સારું વિશ્વ વારસામાં આપી શકીશું?

હું માનું છું કે આપણે એવું કરવું જ જોઈએ અને આપણે એવું જરૂર કરીશું.

અને એમ કરીશું ત્યારે અમૅરિકન કહાણીનો નવો અધ્યાય લખીશું.

મારા માટે ખૂબ અર્થ ધરાવતાં ગીત જેવી આ વાર્તા કદાચ લાગશે.

એનું શીર્ષક છે “અમૅરિકન ઍન્થમ” અને એનો એક ફકરો મારા મને ખાસ છે :

“સદીઓના કાર્ય અને પ્રાર્થનાએ
આપણને આ દિવસ સુધી પહોંચાડ્યાં છે
શું હશે આપણો વારસો?
શું કહેશે આપણાં સંતાનો?…
મારા દિવસોનો અંત આવે ત્યારે
જાણવા દેજો મને હૃદયમાં
અમૅરિકા
અમૅરિકા
મારું શ્રેષ્ઠ મેં તને આપ્યું.”

ચાલો, આપણા રાષ્ટ્રની લખાતી કહાણીમાં આપણા કાર્ય અને પ્રાર્થનાને ઉમેરીએ.

આપણા દિવસોનો અંત આવે ત્યાં સુધી જો આપણે આમ કરીશું તો આપણાં સંતાનો અને તેમનાં સંતાનો કહેશે કે આપણે આપણું શ્રેષ્ઠ આપીને ગયાં.

એમણે એમની ફરજ નિભાવી હતી.

એમણે ઘવાયેલી ભૂમિને મલમ લગાવેલો.

મારા સાથી અમૅરિકનો, મેં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં વિરમીશ, પવિત્ર સોગંદ સાથે.

ઈશ્વરની અને તમારા બધાંની સાક્ષીએ હું તમને વચન આપું છું.

હું હંમેશાં તમને સાથ આપીશ.

હું બંધારણની રક્ષા કરીશ.

હું આપણી લોકશાહીની રક્ષા કરીશ.

હું અમૅરિકાની રક્ષા કરીશ.

મારી ક્ષમતાની સંપૂર્ણ શક્તિ તમારી સેવામાં ખર્ચી કાઢીશ, સત્તાનો નહીં પરંતુ શક્યતાઓનો વિચાર કરીશ.

અંગત લાભનો નહીં પરંતુ જાહેર હિતનો.

એકતાનો, વિભાજનનો નહીં.

પ્રકાશનો, અંધકારનો નહીં.

શિષ્ટાચાર અને માનસંમાનની અમૅરિકન કહાણી.

પ્રેમ અને સાજાપણાંની.

મહાનતા અને સારપની.

આપણ સૌને માર્ગદર્શન આપનારી આ કહાણી બનો.

જે કહાણી આપણને પ્રેરણા આપે છે.

આવનારી પેઢીઓને કહેનારી કહાણી કે આપણે ઇતિહાસનો પોકાર ઝીલી બતાવેલો.

આપણે એ પળને પહોંચી વળેલાં.

કે આપણી નજર સામે લોકશાહી અને આશા, સત્ય અને ન્યાય મૃત્યુ ના પામ્યાં પરંતુ બહાલ થયાં કે આપણાં અમૅરિકાએ ઘરઆંગણે સ્વતંત્રતા જાળવી રાખી અને ફરી એકવાર વિશ્વ માટે દીવાદાંડી બની બતાવ્યું.

આપણા પૂર્વજોને, એકબીજાને અને આવનારી પેઢીઓ પ્રત્યે આપણું આ ઋણ છે.

તેથી, ઉદ્દેશ્ય અને નિર્ધાર સાથે આપણાં સમયના કામો તરફ વળીએ.

વિશ્વાસના ટેકે.

પ્રતીતિથી પ્રેરિત.

ને એકબીજાને તથા આ દેશ જેને આપણે ચાહીએ છીએ એને સમર્પિત થઈને.

ઈશ્વર અમૅરિકાને આશીર્વાદિત કરો અને આપણાં સૈન્યોની રક્ષા કરો.

આભાર, અમૅરિકા.

~

સ્રોત :  https://edition.cnn.com/2021/01/20/politics/joe-biden-speech-transcript/index.html 

Category :- Opinion / Opinion