આશાની પતંગ લઈને, અરમાનોની ફીરકી ઉપાડી આસમાને ઊડવા ચલી સવારી...

નંદિની ત્રિવેદી
14-01-2021

હૈયાને દરબાર

આજની નવી પેઢી સંગીત ક્ષેત્રે કમાલ કરી રહી છે! ખાસ કરીને ગુજરાતમાં. માતૃભાષા માટે એ કટિબદ્ધ છે. પોતાની ભાષા સાચવીને યુવા પેઢીને ગમે એવાં ઉમેરણ કરી રહી છે. કન્ફ્યુઝ થવાય એવું ફ્યુઝન તેઓ નથી આપતા. એમના વિચાર સ્પષ્ટ છે, સંગીત સરળ છે, અભિવ્યક્તિ સચોટ છે. ગુજરાતની યુવા પેઢી આ નવાં ગુજરાતી ગીતો સાંભળીને ઊછરી રહી છે. બે દિવસ પહેલાં એવું જ એક આધુનિક પતંગ ગીત સાંભળ્યું. રાગ મહેતાનો કંઠ અને આકાશ શાહનું સ્વરાંકન. રાગ મહેતા યુવા સંગીતકાર અને ગાયક છે. છેલ્લાં આઠ વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. આજે ઉત્તરાયણ નિમિત્તે આ ગીત તો સાંભળવું જ પડે એવું સુંદર છે.

ઉતરાણ એ એવો તહેવાર છે જે નાના-મોટા, આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર, હિંદુ-મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી સૌ ઉત્સાહપૂર્વક ઊજવે છે. મકરસંક્રાંતિ તરીકે ઓળખાતા આ તહેવારની મજા તો ગુજરાતમાં જ.

ઉતરાણની આગલી રાતથી જ સુરત-વડોદરા-અમદાવાદ જેવાં શહેરોમાં આખી રાતનું પતંગ બજાર ભરાય. શોખીન લોકો તો આગલી રાત્રે જ ડઝનબંધ પતંગો કિન્ના બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે-છાપરે જઈને ચગાવીએ એની રાહમાં સરખું ઊંઘે પણ નહીં! ગૃહિણીઓ આગલે દિવસે તલ-સાંકળી કે તલના લાડુ બનાવી રાખે છે. સાથે બોર, જામફળ ને શેરડીની જ્યાફત તો ખરી જ! અમદાવાદીઓ ઊંધિયું-જલેબી કે ધનુર્માસની ખીચડી બનાવીને ઉતરાણ ઊજવે છે.

ઉતરાણના દિવસે વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્યા વિના હાથે ગરમ મોજાં સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધનો મંગલ પ્રારંભ કરી દે. આઠ-નવ વાગતાંમાં તો આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય. પેચ માત્ર આકાશમાં જ લડાય એવું નહીં, ધાબા પર પહોંચેલાં યુવા હૈયાંના પેચ પણ લાગી જાય. આ બધાની સાથે સંગીત તો જોઈએ જ. એના વિના તો રંગ જામે નહીં. ગુજરાતી ફિલ્મોમાં પતંગની વાત આવે તો લોકોને જલસા પડે જ, પરંતુ હિન્દી ફિલ્મોમાં ય પતંગ ગીતો ઊજવાય છે, જેમ કે,

ઊડી ઊડી જાય, દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય
કહેને કો તો ખેલ હૈ યે તેરા મેરા સાંઝા
પર મેરા દિલ હૈ પતંગ ઔર તેરી નઝર માંઝા
માંઝે સે લિપટી હૈ પતંગ જુડી જુડી જાએ ...!

કેટલાંક ગીતો સાથે વળી માનવ સ્વભાવ અને ચિંતન પણ રજૂ થાય, જેમ કે,

ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઉસ પતંગ કો ઢીલ દે
જૈસે હી મસ્તી મેં આયે ઉસ પતંગ કો ખીંચ દે ..!

રમેશ પારેખની આ ગુજરાતી કવિતા જુઓને;

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!

ખરેખર, ગુજરાતીઓનો ઉમળકો ઉતરાણને દિવસે પતંગ જેટલો જ ઊંચે ચગે છે.

રઈશ મનીઆર લિખિત મેહુલ સુરતીએ સ્વરબદ્ધ કરેલું આ ગીત

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઊમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો ...

ગુજરાતીઓની શાન જેવું છે. સુરતનાં ધાબાંઓ પર અચૂક સાંભળવા મળે. ફિલ્મી ગીતોની ભરમાર વચ્ચે હવે નવાં ગુજરાતી ગીતો પણ પ્રજા સાંભળતી થઈ છે. તેથી અમદાવાદના યુવા કલાકાર રાગ મહેતાએ એક સરસ મજાનું પતંગ ગીત આ ઉતરાણે રિલીઝ કર્યું.

ડાયનેમિક કલાકારો રાગ મહેતા અને આકાશ શાહે મળીને છેલ્લાં થોડાંક વર્ષોમાં દસ ઓરિજિનલ ગુજરાતી ગીતો આપ્યાં છે. ‘ઊડે ઊડે રે પતંગ ...’ ગીત વિશે રાગ મહેતા કહે છે, ‘ઊડે રે પતંગ ગીત માટે અમે સૌ ઉત્તેજના અનુભવીએ છીએ. વિડિયોગ્રાફી, શબ્દ અને સૂરના સુંદર સંયોજનને લીધે આખું ગીત મજેદાર બન્યું છે.’

ઉજ્જ્વલ દવે લિખિત આ ગીત કમ્પોઝ અને ડિરેક્ટ કર્યું છે આકાશ શાહે. મૌલિકા પટેલ, રાગ મહેતા અને આકાશ શાહના અભિનય સાથેનો આ વીડિયો પણ રોમેન્ટિક અને મસ્તીસભર છે. ગીતની પંક્તિઓને અનુરૂપ ભાવ સાથે રજૂ થયેલું આ ગીત ‘ઊડે રે પતંગ ...’ આ વખતે અમદાવાદનાં ધાબાંઓ પર સાંભળવા મળે તો નવાઈ નહીં.

ગીતનું હાર્દ ઉત્તરાયણ અને ધાબાંઓ પર પાંગરતી પ્રેમ કહાણી છે. રંગબેરંગી પતંગોની વચ્ચે બે દિલોની ધડકનની અભિવ્યક્તિ થઈ છે.

રાગ મહેતાએ આ પહેલાં ‘નવ નવરાત’, ‘આવી નવરાત્રિ’, ‘લીલા લહેર’, ‘તરવરાટ’ જેવાં ટ્રેક્સ આપ્યાં છે. આકાશ શાહનાં રક્ષાબંધન અને હોળી ગીત પણ લોકપ્રિય થયાં છે.

રાગ મહેતાએ માતા-પિતા ગાયત્રી-રિષભ મહેતા પાસેથી જ સંગીતના સંસ્કાર મેળવ્યા છે. ગાયત્રી-રિષભ મહેતા એ સુગમ સંગીતની અગ્રગણ્ય ગાયક બેલડી છે. રાગ મહેતાએ ગુરુ અનિકેત ખાંડેકર પાસે સંગીતની વિશેષ તાલીમ લીધી છે. રાગ કહે છે, ‘પિતાએ હંમેશાં મને આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની સલાહ આપી હોવાથી હું પોતે જ મારું મ્યુઝિક બનાવું છું. ક્યારેક પપ્પાનાં લખેલાં ગીતો સ્વરબદ્ધ કરું છું. ગુજરાતી સુગમ સંગીત પણ મને ગમે છે, કારણ કે એમાં સુંદર કાવ્યતત્ત્વ સાથે કર્ણપ્રિય મેલડી હોય છે. ઉતરાણનું અમારું આ ગીત યુવાનોને પસંદ આવશે જ.’

આજે ઉતરાણના તહેવારે પતંગની મજા સાથે નવી અરેન્જમેન્ટ સાથેનું ગીત માણજો. હેપ્પી ઉત્તરાયણ.

------------------------

આશાની પતંગ લઈને
અરમાનોની ફીરકી ઉપાડી
આસમાને ઊડવા ચલી સવારી
આખું ધાબું એ ગજાવે
આજુબાજુ સૌને સતાવે
ફીરકીથી ખુશીઓ ચગાવે
ઊડે ઊડે રે પતંગ
જાણે આકાશે જામ્યો છે મસ્તીનો જંગ
એની પતંગ કોઈ કાપી જો નાખે તો,
ગુસ્સામાં બીજો ચગાવે,
કિન્નાઓ બાંધીને, ફીરકીઓ પકડીને
જુસ્સો આ એનો વધારે,
ઢીલ ખેંચથી પેચ લડાઈ
સામેની જો પતંગ કપાઈ
ખુશીઓ આ બધા મનાવે
આખું ધાબું એ ગજાવે
ફીરકીથી ખુશીઓ ચગાવે
ઊડે ઊડે રે પતંગ ...!

•   ગીતકાર : ઉજ્જ્વલ દવે   •   સંગીતકાર: આકાશ શાહ   •   ગાયક : રાગ મહેતા

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 જાન્યુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=673112

Category :- Opinion / Opinion