મહામારીનું એક વર્ષ : બાર માસ - બાર કાવ્યો

અનુરાગ અનંત [અનુવાદક : હરીશ મીનાશ્રુ]
13-01-2021

સમકાલીન હિન્દીકવિ અનુરાગ અનંત (જન્મ : ૯ જુલાઈ, ૧૯૮૯) : મૂળ અલાહાબાદના આ યુવા કવિ પ્રકૃતિએ કર્મશીલ છે, અને પ્રકાશનથી બેપરવા. અહીં પ્રસ્તુત કવિતાઓ ’નીંદ’ શીર્ષક ધરાવતી એક બૃહદ્દ કાવ્યયોજનાનો અંશ છે. હાલ એ બાબાસાહેબ આંબેડકર કેન્દ્રિય વિશ્વવિદ્યાલય, લખનૌમાં પત્રકારત્વ અને જનસંચાર વિભાગમાં રિસર્ચ કરી રહ્યા છે.  

જાન્યુઆરી

ધુમ્મસમાં ડૂબેલી સવાર
પ્રાર્થના કરતી રહે છે કોઈ નિષ્ઠુર દેવતાને
સાંજ શોધતી રહે છે તાપણું,
જેમ મારી હથેળીઓ શોધતી રહે છે તારા હાથ.
દિવસો હોય છે આવા.
જેમ સૂનમૂન બેસી રહેતો હતો નદીકિનારે
પાછલા જનમમાં
હૂંફાળા તડકામાં સૂકવી રહ્યો છું મન
જેમ અથાણું બનાવતી હતી મા
અને બેવકૂફ બનાવતી હતી તું.

ફેબ્રુઆરી

ચંદ્ર પર પહોંચેલો પહેલો મનુષ્ય અમર થયો
બીજાને ભૂલી ગઈ દુનિયા
વર્ષના પહેલા મહિનાને મળ્યાં સ્વપ્ન અને ઉત્સવ
બીજા મહિનાને દિનચર્યા
તારા પહેલા પ્રેમીને મળ્યો પ્રેમ
અને મને સ્મૃતિ

માર્ચ

ફાંસીના ફંદા પર ઊગી નીકળ્યાં છે રાઈનાં ફૂલો
અને સૂફીઓએ બાંધી દીધાં છે ઘૂંઘરું
રંગ ઊડી રહ્યો છે ચારેબાજુ
ભીંજાઈ રહ્યું છે ભીતરનું એકાંત
જીવંત થઈ રહ્યા છે પથ્થર
મુઠ્ઠીઓ ભીંસાઈ રહી છે
તાનાશાહોના માથા પર પસીનો વળી ગયો છે
અને વિશ્વવિદ્યાલયોમાં વિદ્રોહ અને પ્રેમ
બન્નેના વાવટા ફરકી રહ્યા છે ઉન્નત
એ બધાની દરમિયાન હું ઊભો છું સડક વચ્ચે
જેમ પાશ ઊભા હતા પોતાના ખેતરમાં

એપ્રિલ

ખરી રહ્યાં છે પાંદડાં,
વૃક્ષોનાં હૃદય ખંડિત છે,
નદીને કિનારે તીર વાગ્યું છે
તરસથી તરફડતા જળદેવતાને
પુસ્તકોમાં માથું ઘાલીને બેઠો છું
કે કશું તો પગેરું મળે રાજાના નિર્દયી હોવાનું
ઘરથી દૂર ઘરની સ્મૃતિમાં
ચાલ્યો જાઉં છું ઘર તરફ

મે

સંદેહ સંદેહ વ્યાપી વળ્યો છે,
દરેક જણ પોતાને માટે ઉપયુક્ત સંદિગ્ધ શોધી રહ્યો છે
જેમ નિર્વસ્ત્ર શોધતા હોય છે વસ્ત્ર
મોસમમાં મહામારી છે
વ્યાકુળતા, વિષાદ અને વિકલ્પહીનતા
પરસ્પર મળી રહ્યાં છે
જેમ મારા શહેરમાં મળે છે ત્રણ નદીઓ.
ટીવી ચૅનલોના નહોરમાંથી ટપકી રહ્યું છે રક્ત
અને આસમાનમાંથી આગ
મજૂરો હજી પણ પાછા ફરી રહ્યા છે
જાણે પાછાં ફરી રહ્યાં હોય ભગ્ન સ્વપ્ન
એક જોડી આંખની તરફ.

જૂન

સમય બિલ્લીઓના પંજામાં પલટાઈ ચૂક્યો છે,
ટ્રેનો થંભી ગયેલી છે,
બસોના વશમાં કશું નથી.
એક ફિકર છે
જે ડોલ્યા કરે છે બે ટંકના રોટલા વચ્ચે,
કવિ અત્યાચારની જેમ કરી રહ્યા છે કવિતા
નેતા નૃત્યની જેમ કરી રહ્યા છે રાજનીતિ
ક્ષુદ્રતા એટલી વિશાળ છે
જેટલું રાજાનું વક્ષઃસ્થળ.
રસોઇયામાં પલટાઈ ગયા છે એ લોકો
જેમણે પલટાઈ જવાનું હતું રોટલામાં
આ સમયે

જુલાઈ

બહાર વરસી રહ્યાં છે વાદળ
ભીતર પ્રસરતું જઈ રહ્યું છે મરુથળ
સ્પર્શ પર પ્રતિબંધ છે
અને ચહેરા પરના નકાબોને મળી ચૂકી છે
વૈધાનિકતા અને અનિવાર્યતા બન્નેય
કલ્પના સંક્રમિત છે
એટલે કળા રોગી
મેં ક્યારેય જોયો નથી મનુષ્યને આટલો એકાકી
જેટલો આ મોસમમાં
આત્મહત્યાનો વિચાર
એ રીતે આવી રહ્યો છે
જેમ બચપણમાં દરરોજ સાંજે મોભારે
આવતું હતું ભૂરી ગરદનવાળું કબૂતર

ઑગસ્ટ

દૂરથી આવી રહ્યા છે
અણગમતા અવાજો
માહિતીઓ,
શોકસંદેશાઓ
પાસે ને પાસે બેસતી જાય છે
આશંકાઓ
અનિશ્ચિતતાઓ
ચિંતાઓ
જડ થઈ ગયો છે સમય,
આઈનામાં કેદ થઈ ગયું છે દૃશ્ય
ઉદાસ ચહેરાઓ
જોઈ રહ્યા છે અનંતની તરફ
જાણે ખરેખર કોઈ ઈશ્વર ક્યાંક હોય
જાણે ખરેખર એની પાસે પણ હોય
કોઈ હૃદય

સપ્ટેમ્બર

મરી ચૂક્યા બહુ લોકો
હવે ગણિત નથી થતું પરેશાન
ગણના નિરર્થક કર્મ છે
જેને ન સરકાર કરી રહી છે
ન તો નાગરિક.
કંટાળીને લોકો કરી રહ્યાં છે લગ્ન
જ્યારે ખરેખર તો એમણે કરવો જોઈતો હતો પ્રેમ.
પ્રેમના દુષ્કાળમાં
લગ્નથી વિશેષ કરુણાંતિકા બીજી એકેય નથી
પછી વિચારું છું
ભલે, કરુણાંતિકાની મોસમમાં એક ઓર કરુણાંતિકા

ઑક્ટોબર

ફરીથી વધી રહી છે ઠંડી
જગ્યા બદલી રહ્યા છે લોકો
લૅમ્પપોસ્ટનું અજવાળું હજુય ઉદાસ છે
સવાર હજુય સ્તબ્ધ છે
સાંજના પગ હજુય ઘાયલ છે
ગાંધી ત્રણ મહિના પછી માર્યા જશે
હજી હમણાં જન્મ્યા છે ગાંધી
હાય રામ! ગાંધીનું જીવન આટલું ટૂંકું
હાય રામ! આપણે આટલા નિષ્ઠુર

નવેમ્બર

ચોરોને કોઈ ચિંતા નથી,
ન દાઢીની, ન તણખલાની
બધી જવાબદારી રાજાએ પોતાના માથે લઈ લીધી છે
દાઢીની પણ અને તણખલાંની પણ
રાજાએ દાઢી વધારી લીધી છે
તણખલાં હવે રાજાની દાઢીમાં છે
સમ્માનપૂર્વક, અભિમાનપૂર્વક
ચોર અદૃશ્ય થઈને ચોરી કરી રહ્યા છે
અદૃશ્યના ચહેરા નથી હોતા
એટલે એમની દાઢી પણ નથી હોતી
તોય તણખલાં હોય છે એમની પાસે
જેને એ રાજાની દાઢીમાં સંતાડી દે છે

ડિસેમ્બર

ખુલ્લા આસમાનની નીચે વીતી રહી છે રાતો
ખેડૂત કૈં ઈશ્વર નથી
એટલે લડી રહ્યો છે મનુષ્યોની જેમ
ભૂખ અને અનાજ માટે
એનાં ખેતરોને જોઈ રહ્યાં છે ગીધડાં
પોતાનાં ખેતરોને જોઈ રહ્યો છે એ
પોતાની માવડીની જેમ
ગાંઠ પડી ગઈ છે દોરીમાં
આ થીજવી નાખે એવી ઠંડીમાં
આશાની એક જ્યોત ઊભી છે રાજધાનીની સરહદ પર

અનુવાદક : હરીશ મીનાશ્રુ

૯/એ,‘સુમિરન’, સૌરમ્ય બંગલા, વિનુકાકા માર્ગ, બાકરોલ - ૩૮૮ ૩૧૫ જિલ્લાઃ આણંદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 03-04

Category :- Poetry