નોકરિયાતોની માલિકીની કંપનીની વિભાવના સાથે ગાંધીના ઉદ્દેશોનો સમન્વય

ગ્રેઅમ નટલ [અનુવાદક : આશા બુચ]
11-01-2021

(ગ્રેઅમ નટલ (Graeme Nuttall), OBE, વકીલો માટે મુકદ્દમા તૈયાર કરનાર સોલિસિટર અને કરવેરાના ચાર્ટર્ડ સલાહકાર છે. તેઓ ફીલ્ડફિશર નામની યુરોપીઅન લૉ ફર્મ(કાયદાની પેઢી)માં એક ભાગીદાર છે. તેઓ યુનાઇટેડ કિંગ્ડમની ખાનગી વેપારી ક્ષેત્રની કંપનીઓમાં નોકરિયાતોની માલિકીનો સિદ્ધાંત મુખ્ય વિચારધારા તરીકે અપનાવવામાં આવે, તે માટે સરકારની સલાહકાર સમિતિમાં આગળ પડતો ભાગ ભજવે છે.) 

ગાંધી ફૉઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા આયોજિત 2020નું વાર્ષિક પ્રવચન આ વર્ષે ઈન્ટરનેટના માધ્યમથી પ્રસારિત થયું. તેના વ્યાખ્યાતા, ગ્રેઅમ નટલના વક્તવ્યના ભાષાંતરનો સાર તેમના જ શબ્દોમાં તેમની અનુમતિ સાથે વાચકો માટે પ્રસ્તુત છે.

પ્રસ્તાવના: 

“ગાંધી ફૉઉન્ડેશન યુ.કે. દ્વારા આયોજિત 2020ની સાલનું વાર્ષિક પ્રવચન આપતાં હું ગૌરવ અનુભવું છે. એમ.કે. મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયેલ પરિષદમાં મેં પ્રવચન આપેલું. આપણા વિકાસ માટે સમાજ એક ઉત્તમ અસરકારક પાયાનો આધાર છે એવી ગાંધીજીની માન્યતા હતી એ વિષે તે સમયે વાત થયેલી. એના પ્રતિભાવમાં કામદારો કે નોકરિયાતોની માલિકીની કંપનીઓ સ્થાનિક સમુદાયો માટે કેવી રીતે સીધી જવબદારી લઈને ફાયદાકારક નીવડે છે, તે વિષે મેં વાત કરેલી. ગાંધી ફૉઉન્ડેશનના ટ્રસ્ટીઓનો પ્રસ્તાવ હતો કે ગાંધીના સિદ્ધાંતો અને નોકરિયાતોની માલિકીની કંપનીઓ વચ્ચેના સહિયારા આદાન-પ્રદાન વિષે વધુ સ્પષ્ટતા કરું. આ પ્રવચન આપવાનું આમંત્રણ સ્વીકાર્યા બાદ આ મુદ્દા વિષે વધુ તપાસ કરવાનું મારું મુખ્ય કામ રહ્યું છે. 

કોવીડ-19ની મહામારીને કારણે ઉત્પાદન અને વેપારી નિગમોના ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રિત થયું છે. સામાન્ય રીતે ચાલતા વ્યાપારી જગતમાં આવેલ અણધાર્યા ભંગાણે દર્શાવી આપ્યું કે કંપનીઓ માત્ર નફો કરવા માટેના સાધન કરતાં વિશેષ કશું છે. કેટલીક આર્થિક સંકડામણમાં ફસાઈ ગયેલી વ્યાપારી પેઢીઓએ પોતાના નોકરિયાતોને સહાયરૂપ થવાના માર્ગો શોધી કાઢ્યા. કંપનીઓએ આપણને રોજિંદી અનિવાર્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડીને અને પોતાના કામદારોને સમાજના બહોળા વર્ગને મદદરૂપ થવા સતત કાર્યરત રહેવાની ક્ષમતા જાળવી રાખવા પ્રોત્સાહિત કરીને બતાવી આપ્યું છે કે તેઓ આપણા સમાજના પાયારૂપ છે. નવી કાર્ય પદ્ધતિઓ ઝડપતથી શીખી લેવાને પરિણામે આપણને પર્યાવરણની સમસ્યાઓને કઈ રીતે હલ કરવી તેનો માર્ગ મળી શક્યો હોય તે સંભવ છે. 

આપણે આમાંની ઉત્તમ વર્તનભાતને કેવી રીતે સાચવી લઈએ જેથી કંપનીઓ ભવિષ્યમાં પણ સદાય આ રીતે વહીવટ કરતી રહે તેની ખાતરી થાય એ વિચારવાનું રહે.

હું નોકરિયાતોની માલિકીની કંપનીઓનો નમૂનો કેવો હોય તે વિષે સમજ આપીશ; અને ખાસ કરીને નોકરિયાતોની માલિકીનું ટ્રસ્ટ કેવી રીતે લાંબા ગાળે વ્યાપારી નિગમના સભ્યપદ માટે પ્રોત્સાહન આપી શકે જેથી કરીને કોવીડ-19 પહેલાં ઘણા સમયથી નીતિ ઘડનારાઓને જે ચિંતાઓ સતાવી રહી છે તેનો નિવેડો લાવી શકે તેનો ઉલ્લેખ કરીશ.

હું ગાંધીના વિચારો અને જીવનકાર્યો, ખાસ કરીને તેમના વાલીપણાના (ટ્રસ્ટીશીપના) સિદ્ધાંતો આપણે નોકરિયાતોની માલિકીની કંપનીઓની જે વ્યાખ્યા આપીએ છીએ તેને કેવી રીતે પુષ્ટિ આપે છે તેના વિષે વિશદ છણાવટ કરીશ, જેથી એ આપણા સમાજ અને પર્યાવરણની જરૂરતોને સારી રીતે સંતોષી શકે તેનું પણ વિવરણ કરીશ. એટલે કે નોકરિયાતોની માલિકીની કંપનીઓમાં ગાંધીના ઉદ્દેશોનો ઉમેરો કેવી રીતે થઇ શકે તે વાત કરીશ.   

જાતિગત ભેદભાવ અને ચેપીરોગ 

ગાંધીનું અવસાન 70થી વધુ વર્ષ પહેલાં થયું. તેમના અનુભવો હજુ આજે પણ એટલા પ્રસ્તુત છે એ હકીકત અસાધારણ લાગે છે. જાતિગત ભેદભાવનો અંગત અનુભવ થયા બાદ તેમણે ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટમાં વસતા ભારતીય લોકોના જીવનની દશા સુધારવા ચળવળ શરૂ કરી. ભારતથી દક્ષિણ આફ્રિકા ગયા, ત્યારે તેમને સૂતક પાળવા અલગ રાખવામાં આવ્યા હતા કેમ કે તેઓ રવાના થયા ત્યારે મુંબઈમાં પ્લેગ ફાટી નીકળેલો. ગાંધીને પ્લેગના બીજા પણ અનુભવો થયેલ. જ્યારે જોહાનિસબર્ગ પાસે ન્યુમોનિક પ્લેગ ફાટી નીકળ્યો, ત્યારે તેઓ અને તેમના ક્લાર્કે એક ખાલી મકાનનો કબજો લઈને ગંભીર રીતે બીમાર હાલતવાળા ભારતીયોની સારવાર કરેલી. ભારતીય વસાહતના ભાડૂતીઓને તંબુઓમાં રહેવા ખસેડવામાં તેમનો હિસ્સો હતો, જેથી પ્લેગથી છુટકારો મેળવવા એ વસાહતને બાળી નાખવામાં આવે. ગાંધીએ બેંકના મેનેજરને એ લોકોની રોકડ બચતને સ્વીકારવા કબૂલ કરાવ્યા. જમીનમાંથી ખોદી કાઢેલી માલમત્તાને બેંકના કર્મચારીઓ હાથમાં લે તે પહેલાં જંતુ રહિત કરવામાં આવી હતી.  

જાતિગત ભેદભાવ અને ચેપીરોગ, હાલના સંયોગોને કેટલા બધા બંધબેસે એવા અનુભવો છે! આ અનુભવો ઉપરથી આપણે ગાંધી વિચારો આવી સમસ્યાઓનો હલ શોધવામાં કેટલા વ્યવહારુ પૂરવાર સાબિત થઇ શકે એ વાત જરૂર સમજી શકીએ. 

સત્ય: 

ગાંધીએ જેને પોતાના સત્યના પ્રયોગો તરીકે ઓળખાવેલ તેના અમુક પાસાંઓને આજની હાલત સાથે ઘણો મેળ બેસે છે. સત્ય એ ગાંધી માટે સર્વોપરી સિદ્ધાંત હતો. તેઓ હિન્દુ ધર્મગ્રંથ ભાગવત ગીતાથી ખૂબ પ્રભાવિત થયેલા. તેમની બેરિસ્ટર તરીકેની તાલીમે પણ તેમાં ઘણો ભાગ ભજવેલો. જ્યારે કોઈ ખાસ નિર્ણય લેવાનો હોય ત્યારે તેમણે અવલોકન કરેલું કે : 

“સ્નેલનું ઇંગ્લિશ કાયદાની મહત્તા વિશેનું વિવરણ મારા સ્મરણમાં આવ્યું. મને ‘ટ્રસ્ટી’ શબ્દની અસરકારકતા ગીતાના ઉપદેશની પાર્શ્વ ભૂમિકા દ્વારા વધુ સારી રીતે સમજાઈ.”

ગાંધીનું પહેલું જાહેર પ્રવચન ‘ધંધામાં સત્ય પાલન’ એ વિષય પર હતું જે દર્શાવે છે કે તેમને મન સત્ય કેટલું મહત્ત્વ ધરાવતું હતું. તેમના વાલીપણાના (ટ્રસ્ટીશીપના) સિદ્ધાંતનો જ આ એક હિસ્સો છે. આપણે જ્યારે અગાઉ ઘણા સમયથી પ્રવર્તતી આવેલી અને હાલમાં કોવીડ-19ની વૈશ્વિક મહામારીથી વધુ વણસી ગયેલી આર્થિક પરિસ્થિતિના ભાવિ વિષે ચિંતા સેવી રહ્યા છીએ, ત્યારે ગાંધીનું વાલીપણા વિશેનું ઊંડું જ્ઞાન આપણને પ્રોત્સાહન, અને ખરું કહું તો બોધ પૂરો પાડે તેમ છે. 

ગાંધી મૂડીવાદ તેમ જ સામ્યવાદના ટીકાકાર હતા. એક સામાન્ય વેપારી કંપનીને સારી રીતે ચલાવવા માટે તેઓના વિચારો કઇં ખાસ ઉપયોગી ન  થાય. પરંતુ જેઓ નોકરિયાતોની માલિકીની કંપની અને ખાસ કરીને નોકરિયાતોની માલિકીના ટ્રસ્ટના વિચારોથી પરિચિત છે તેઓ આપણે ગાંધીના વાલીપણાના સિદ્ધાંત પાસેથી ઘણું શીખી શકીએ તે માટેના મારા રસમાં ભાગીદાર થશે તેવી આશા રાખું છું. 

વાલીપણાનો સિદ્ધાંત

ગાંધી કેટલા વ્યવહારુ સાબિત થઇ શકે એ વિષે અગાઉ મેં ઉલ્લેખ કર્યો છે. જો કે એ વાત પણ સ્વીકારી છે કે તેમના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોને ક્યારે ય પૂરેપૂરો આકાર નહોતો મળી શક્યો, અને ખાસ કરીને તેમણે ક્યારે ય તેના વ્યાવહારિક અમલ માટે વિચારોને ઠોસ સ્વરૂપ નહોતું આપ્યું. એટલે કે ટ્રસ્ટીશીપ એ ખરેખર એક સિદ્ધાંત છે. લોર્ડ ભીખુ પારેખે પોતાના ગાંધીની રાજકીય દર્શનના અભ્યાસમાં સ્પષ્ટ કર્યું છે કે ગાંધીનો “ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એ તેમની તત્ત્વજ્ઞાનની વિભાવનાનો આર્થિક વિસ્તાર જ છે. તેઓ માનતા કે માણસ પોતાની તમામ મિલકતનો માત્ર નિધિરક્ષક જ છે. તેમની એવી ધારણા હતી કે દરેક ઉદ્યોગપતિ પોતાના ઉદ્યોગને વ્યક્તિગત માલિકીની વસ્તુ ન માનતા તેને એક સામાજિક જવબદારી ગણીને તેનો રક્ષક અને વહીવટકર્તા માનશે.” 

ગાંધીજીએ લખેલું, “મૂડી ધરાવનારે જેના પર તે આધાર રાખે છે તેવા પોતાને માટે મૂડી ઊભી કરનાર, સાચવનાર અને વૃદ્ધિ કરનારાઓનો પોતાને નિધિરક્ષક ગણવો જોઈએ.” 

એ જ રીતે ધનિક લોકોએ : “પોતાના કબજાની તમામ મિલકત અંગત માલિકીની નથી, મારું ગણાય તેવી એક જ વસ્તુ છે; રોજી રળવાનો માનભર્યો અધિકાર - કે જે અન્ય લાખો લોકોને મળે છે, એનાથી વિશેષ કશું નહીં. બાકીની તમામ મિલકત સમાજની છે અને તેનો ઉપયોગ બહોળા સમાજના હિત માટે થવો જોઈએ.” એમ પણ કહેલું.

અલબત્ત, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મૂળે તો ઉદ્યોગ સાહસિકો માટે હતો, પરંતુ નોકરિયાતોની પણ કોઈ જવાબદારી હોય છે. ગાંધીએ નોકરિયાતો-કામદારોને કહેલું; “તમારે સહુએ પોતાની જાતને તમારા સાથી મજૂરોના હિતના રખેવાળ સમજવા જોઈએ.” અને, “તમારા માલિકનો ધંધો તમારો પોતાનો હોય એમ માનીને પ્રામાણિકપણે અને પૂરી લગનથી કામ કરવું જોઈએ.”

આપણે આ વિચારોને સાથે સાંકળીએ. જ્યોર્જ ગોયડરે 1979માં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો ઉપસંહાર આપતાં જે જણાવ્યું તે વર્તમાન સમયમાં પણ ઔદ્યોગિક અને વ્યાપારી નિગમો માટેની પરિષદો માટે ઘણું મહત્ત્વનું સાબિત થઇ શકે તેવું છે, જે આ મુજબનું છે, “ગાંધીનો ટ્રસ્ટીશીપનો ખ્યાલ વેપારી પેઢીની પોતાના ગ્રાહકો, કંપનીના શેરમાં ભાગીદારી ધરાવનારાઓ અને સમાજ પ્રત્યે અને એ બધા ઘટકોની પણ પરસ્પર પ્રત્યે જવાબદારી હોય છે એ દર્શાવે છે.” 

ગાંધીના ટ્રસ્ટીશીપ માટેના પ્રતિભાવો સમય જતાં થોડા વધુ ક્રાંતિકારી બન્યા છે. તેમાંનો એક વિચાર ડૉ. દાંતવાલા અને અન્યોએ તૈયાર કરેલા મુસદ્દામાં સામેલ છે, જેમાં ગાંધીએ થોડા સુધારા કરેલા. તેમાં રાજ્યના નિયંત્રણ હેઠળના ટ્રસ્ટીશીપની કલ્પના કરવામાં આવી છે, જેમાં અંગત મિલકત પર મર્યાદા હોય અને એક વ્યક્તિ વધુમાં વધુ કેટલું અર્થોપાર્જન કરી શકે તેની સીમારેખા આંકી હોય. આ નિયમ મુજબ ‘કોઈ વ્યક્તિ સ્વાર્થને પોષવા કે સમાજના હિતનો વિચાર કર્યા વિના મિલકત ધરાવવા કે વાપરવા સ્વતંત્ર નહીં હોય’ તેવી જોગવાઈ થઇ હશે.  

ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વ્યવહારુ અભિવ્યક્તિ 

સમયે સમયે ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને વ્યવહારમાં શી રીતે અમલી બનાવી શકાય તે માટેના પ્રયાસો થયા છે. તેમાં મોટે ભાગે તેમના સહુથી વધુ ક્રાંતિકારી વિચારોને થોડા સુપાચ્ય બનાવવાની કોશિશ થઇ, જેથી વ્યાપાર ધંધા કરનારાઓ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને કેવી રીતે અપનાવી શકે તેની યોજના થઇ શકે. આજે આપણે વ્યાપારી સંકુલોએ માત્ર નફો કરવાના હેતુથી થોડા વિશાળ ફલક પર વિચાર કરવો જોઈએ તેની ચર્ચા કરીએ છીએ તેમાં એ પ્રયાસોનો પડઘો પડે છે.  

1965માં ભરાયેલ એક પરિષદના ફળસ્વરૂપ એક નિવેદન બહાર પાડવામાં આવેલું.

“કામદારો અને વહીવટી માળખા વચ્ચે ઉત્તરોત્તર વધુ ને વધુ સંગઠિત પ્રયાસ રચાવો જોઈએ. તેમાંનો એક રસ્તો છે, કંપનીના શેરનું ટ્રસ્ટ બનાવીને અથવા અન્ય કોઈ રીતે કામદારોને તેમના કામની કદર કરવાની અને કંપનીના હિતમાં રસ લેતો કરવાની ગુંજાઈશ ઊભી કરીને તે દ્વારા નફાની ન્યાયી વહેંચણી કરવી.” 

વધારવામાં સહકાર કરવો જોઈએ, મુખ્ય બાબતો વિષે સૂચનો કરવા આગળ આવવું જોઈએ અને એ ઉદ્યોગમાં સંલગ્ન સમૂહના જીવનમાં જવાબદારીપૂર્વક ભાગ લેવો જોઈએ.”   

આ નિવેદન/અહેવાલ નોકરિયાતોની માલિકીની કંપનીઓ માટેના અમેરિકન નેશનલ સેન્ટર અને યુનાઇટેડ કિંગ્ડમના નોકરિયાતોની માલિકીના સંઘ માટે પણ એટલું જ ઉપયુક્ત થઇ શકે. 

1979ની પરિષદમાં ટ્રસ્ટીશીપની સમીક્ષા કરતાં એવું તારણ નીકળ્યું કે 1965ના જાહેરનામા બાદ મહત્ત્વનું કહી શકાય તેવું ભાગ્યે જ બન્યું છે. ઇંગ્લિશ કાયદાના નોકરિયાતોના ટ્રસ્ટની જોગવાઈને પણ અલ્પ પ્રમાણમાં ધ્યાનમાં લેવામાં આવેલું એ રસ પડે તેવી બાબત છે. વક્તાઓએ યુનાઇટેડ કિંગ્ડમની ‘સહકારી માલિકી’ની ચળવળ વિષે સમજણ આપી. જ્હોન લુઈસ જેવા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો ઉલ્લેખ થયેલો, પરંતુ ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકાય એ માટેની તેમાં રહેલ સંભાવના સ્પષ્ટ કરવાનું ચૂકાઈ ગયું. તેને બદલે જવાબદાર ઉદ્યોગ સાહસ માટેનો કોઈ એક નમૂનો બધાને લાગુ ન પાડી શકાય એવી એક સામાન્ય સમજણ સ્વીકારાઈ. જ્હોન લુઈસ ભાગીદારી અને સખાવતી સંગઠનની માલિકીના સ્કોટ બાડર ગ્રુપને આ પ્રાયોગિક દિશામાં પહેલ કરનાર ગણવામાં આવ્યા. એ પ્રાયોગિક સમયમાં યુનાઇટેડ કિંગ્ડમમાં નોકરિયાતોની ભાગીદારીની કંપની વિષે વિભિન્ન વલણો ધરાવાતા હતા. ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોને વ્યવહારમાં મુકવા માટે શા કારણે કોઈ એક દ્રષ્ટાંત રૂપ માર્ગ ઉભરી ન આવ્યો તે સમજી શકાય તેમ છે. 

ગાંધીનો ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પાછળનો ઉદ્દેશ શો હતો? ગાંધીને વ્યાપારી પેઢીઓની માલિકી કઈ રીતે મેળવવામાં આવતી હતી અને તેનું જે રીતે સંચાલન કરવામાં આવતું હતું તેમાં પરિવર્તન લાવવાની ઈચ્છા શા માટે હતી? એવા પ્રશ્નોઇ સહેજે ઊભા થાય. લોર્ડ ભીખુ પારેખના લખાણમાંથી હું વાંચી સંભળાવું: 

“ગાંધી માનતા કે મૂડીવાદે બન્ને, કામદારો અને મૂડીપતિઓને અમાનુષી બનાવી દીધા છે અને માનવ જાતનું અસ્તિત્વ નીચી કક્ષાએ ઉતારી દીધું છે.” 

તેમનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આ મુજબનો હતો:

“મૂડીવાદના દુષિત તત્ત્વોને દૂર રાખવાં અને સામ્યવાદ તથા મૂડીવાદના લાભદાયી પાસાંઓનો સમાસ કરવો એવી ઉમેદ રાખવી.”

ભારતમાં કેટલીક પેઢીઓ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો અમલ કરે છે, પરંતુ મોટા ભાગના વિવેચકો કહેશે કે ગાંધીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મોટે ભાગે એક સિદ્ધાંતની મર્યાદામાં જ બંધાયેલો રહ્યો છે. આમ છતાં આપણે હજુ તેની પાસેથી ઘણું શીખી શકીએ. 

નોકરિયાતોની માલિકી 

હું જો નોકરિયાતોની માલિકીવાળા ધંધાના નમૂનાની વાત તરફ વળું તો આપણી પાસે નિદર્શન કરી શકાય તેવા પ્રયોગ કરીને સફળતા મેળવી ચૂકેલા ધંધાના ઉદાહરણો છે. યુ.કે.માં નોકરિયાતોની માલિકીવાળી 50 મોટી કંપનીઓની કુલ આવક 2020માં £20.1 બિલિયનની હતી. આગલા વર્ષના વેંચાણમાં 4.3%નો વધારો થયો હતો. એ કંપનીઓ પાસે 1,78,000 નોકરિયાતો/કામદારો છે અને 5% જેટલા કામદારો કંપનીનું  સંચાલન કરે છે. જો કે આ આંકડાઓમાં જ્હોન લુઈસ પાર્ટનરશીપ જેવા મોટા વ્યાપારી ઘટકનો સમાવેશ થાય છે. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે નાના અને મધ્યમ કદની વેપારી પેઢીઓમાં નોકરિયાતોની માલિકીનો કેટલો પ્રચાર થઇ રહ્યો છે તે નોંધવું રહ્યું. એમ્પ્લોઈ ઓનરશિપ (EO) દિન 2020 એ યુ.કે.માં નોકરિયાતોની માલિકીની કંપનીઓમાં થયેલ વધારાનું ઉત્તમ વર્ષ પુરવાર થયું તેનો જશ્મ માનવવામાં આવેલ. 12 જૂન 2020 સુધીના બાર મહિના દરમ્યાન 100 નવી નોકરિયાતોની માલિકીની કંપનીઓ નોંધાઈ. યુ.કે.માં નાની અને મોટી તથા વિવિધ ક્ષેત્રોની કંપનીઓ હવે નોકરિયાતોની માલિકીની જોવા મળે છે. નોકરિયાતોની માલિકીની કંપનીઓ સફળ થાય છે તે સાબિત થયું. આપણે હવે પ્રાયોગિક સ્તરે પહેલ કરનારાઓના યુગથી આગળ નીકળી ચુક્યા છીએ. 

એમ્પલોયીઝ ઓનરશિપ ટ્રસ્ટ (EOTs) (નોકરિયાતોની માલિકીનું ટ્રસ્ટ) 

વ્યાપારી જગતમાં આટલું પરિવર્તન શાથી આવ્યું? એ મુખ્યત્વે એમ્લોયીઝ ઓનરશિપ ટ્રસ્ટને પ્રતાપે. યુ.કે.માં એમ્પલોયીઝ ઓનરશિપ ટ્રસ્ટની 2014માં ભલામણ કરવામાં આવી ત્યારથી એમ્પલોઈઝ ઓનરશિપ સેક્ટરમાં 300%નો વધારો થયો છે. 90% જેટલી વૃદ્ધિ જેમણે એમ્પલોયીઝ ઓનરશિપ ટ્રસ્ટ અપનાવી તેમનાથી થયો છે. 

2020માં યોજાયેલ Employee Ownership (EO) દિનનો મુખ્ય વિષય હતો, #EOIsThe Answer. નોકરિયાતોની માલિકીની કંપનીઓ દ્વારા તમામ વ્યાપાર થાય એ જ જાણે આપણી સમસ્યાઓનો ઉત્તર છે, તેમ વધુને વધુ સ્વીકારાતું જાય છે. કોઈ કંપનીના સ્થાપકોને પોતાના હરીફોને માલ વેંચવો ન પડે અને કંપનીના મૂળભૂત સિદ્ધાંતોને જોખમમાં મુકવાથી બચવા માટે પોતાનો માલ નોકરિયાતોની માલિકીના ટ્રસ્ટને વેંચી શકે તેવી જોગવાય થઇ. નોકરિયાતોની માલિકીનું ટ્રસ્ટ બધી કંપનીઓના તમામ શેર ધરવનારાઓ વતી તેમના શેર્સ હંમેશને માટે ટ્રસ્ટના કબજામાં સલામત રાખે. કંપની ખરીદવા માટેનું નાણું કંપનીના નફામાંથી મળે. ટ્રસ્ટની સ્થાપક કંપનીઓને ચુકવણી થઇ જાય ત્યાર બાદ પહેલાં જે ડિવિડંડ તરીકે અપાતું તે હવે બધા નોકરિયાતોને બોનસ તરીકે સરખે હિસ્સે મળે. EOTના ટ્રસ્ટીઓ પોતાના નોકરિયાતોના લાંબા ગાળાના હિતને સુરક્ષિત રાખી શકે. હવે વધુને વધુ એવી પ્રતીતિ થાય છે કે એમ્પલોયીઝ ઓનરશિપ એ જ કંપનીને મળતા નફાને નોકરિયાતો વચ્ચે સમાન ભાગે વિતરિત  કરવાનો એક માત્ર માર્ગ  છે. 

નોકરિયાતોની માલિકીના ટ્રસ્ટની સ્થિતિસ્થાપકતા  

નોકરિયાતોની માલિકીના ટ્રસ્ટની માલિકીની લવચીકતા પર ભાર મુકવો જરૂરી છે. જેઓ નોકરિયાતોની માલિકી વિષે જાણે છે તેમને હું જે કહેવા જઈ રહ્યો છું એ બાબતનો ખ્યાલ હશે, પરંતુ ગાંધી ફાઉન્ડેશન સાથે સંલગ્ન લોકોને નોકરિયાતોની માલિકીનું ટ્રસ્ટ કેટલું અનુકૂલન સાધી શકનારું છે, તે ટૂંકમાં કહેવું ઉચિત થશે. 

નોકરિયાતોની માલિકીના ટ્રસ્ટનો વિચાર કોઈ પણ કાળના સભ્યપદ ધરાવતી કંપની મટે લાગુ પાડી શકાય. મોટા ભાગની કંપનીઓ કે જેણે આવા ટ્રસ્ટમાં જોડાવા નિર્ણય કર્યો હોય તે 10થી 49 જેટલી નોકરિયાતોની સંખ્યા ધરાવનારી હતી, પરનું તેનાથી વધુ નાની અને મોટી કંપનીઓએ પણ આ પદ્ધતિ અપનાવી અને સફળ થયા છે. નોકરિયાતોની માલિકીના ટ્રસ્ટમાં કોઈ એકલ દોકલ નોકરિયાત કે કંપનીને શેર ખરીદવા ને વેંચવા બિલકુલ જટિલ પ્રક્રિયામાંથી પસાર નથી થવું પડતું. નોકરિયાતોની ગમે તેવડી સંખ્યા કે પ્રકાર હોય તેને માટે સહિયારા શેર ધરાવતી ટ્રસ્ટી કંપની એક સરખી લાભદાયી નીવડે છે. કોઈ પણ પ્રકારનો ધંધો કે વ્યવસાય ધરાવતી કંપનીને પણ આ ટ્રસ્ટની માલિકીમાં ભાગીદારી સરખી જ ઉપયોગી નીવડે છે. 

નોકરિયાતોની માલિકીના ટ્રસ્ટની કાર્યવાહીમાં રહેલી સરળતા. 

વ્યવસ્થિત રીતે સ્થાપેલી ટ્રસ્ટી કંપનીના વહીવટી સંચાલન માટે ઓછું ખર્ચ ભોગવવું પડે છે. EOTમાં જોડાવા માટે અનુભવીની કુશળ સલાહની જરૂર પડે ખરી, પરનું એ એક વખત થયેલું ખર્ચ તરત ભુલાઈ જાય. આ માળખું આટલું રુચિકર છે, તેનું કારણ એ છે કે એ પ્રાપ્ત સંસાધનો એટલે કે કંપનીના નોકરિયાતો થકી મળેલ સફળતા ઉપર આધારિત રહેતું હોય છે. સહુથી સારી કામ કરવાની રીત તો છે એક પ્રતિનિધિમંડળ હોવાની; જેમાં અનુભવી વહીવટકર્તાઓ પ્રતિનિધિઓ અને તેટલી જ સંખ્યાના બીજા નોકરિયતો સામેલ હોય. આ રીતે બે મુખ્ય ભાગીદારોના હિત સમાન રીતે જળવાઈ રહે. બંને જૂથ પોતાના ટ્રસ્ટી વ્યવસ્થાપકની નિમણૂક કરી શકે કે જે ટ્રસ્ટીઓની વિશ્વસ્ત ફરજો સાથે સુમેળ ધરાવતા હોય. આ રીતે વ્યાપાર અને ધંધાઓને તેમના નોકરિયાતોના હિત જળવાય તે રીતે સફળતાપૂર્વક ચલાવવા પ્રોત્સાહિત કરવા અને છતાં તેનો ગેરવહીવટ અટકાવવા સમતોલન જાળવવામાં આવે છે. 

મહાત્મા ગાંધીના વિચારો નોકરિયાતોની માલિકીની કંપનીના નમૂનાને વધુ આગળ ધપાવવા માટે કઈ રીતે મદદ રૂપ થઇ શકે? 

નોકરિયાતોની માલિકીની કંપનીનો ખરો અર્થ શો? 1987માં મેં નોકરિયાતોની માલિકીના કાયદાકીય અને ટેક્સ વિશેના પાસા પર એક પુસ્તક લખવા માટે  સહાય  કરેલી. તેમાં આ વિભાવના માટે કોઈ સર્વમાન્ય વ્યાખ્યા નહોતી. મેં કોઈ એક કંપનીમાં તેના શેરના માલિક કોણ એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આને હું EO version 1 તરીકે ઓળખવું છું. એ પુસ્તકમાં નોકરિયાતોની માલિકીના ત્રણ પ્રકારો ઓળખાવાયા છે :

દરેક નોકરિયાત વ્યક્તિગત રીતે પોતાની કંપનીના શેરનો માલિક બને. 

નોકરિયાતોના ટ્રસ્ટના ટ્રસ્ટી બધા નોકરિયાતો વતી તેમના શેરની રખેવાળી કરે અને એવા ટ્રસ્ટીઓને પદ પરથી દૂર કરી શકે. તેવી જોગવાય છે. તે ઉપરાંત તેમાં એક તટસ્થ પ્રમુખ પણ હોય છે. રોજબરોજનો વહીવટ વ્યાપારી કંપનીના નિર્દેશકો કે જે નોકરિયાતોનું પ્રતિનિધિત્વ કરવા ખાસ નિમાયેલા કે ચૂંટાયેલા સભ્યોના બનેલ પ્રતિનિધિ મંડળના હાથમાં હોય છે. તેમાં એકાદ નોકરિયાતોનું સલાહકાર મંડળ હોવાની પણ શક્યતા છે જે વ્યાપારી કંપનીના સંગઠન સાથે નિયમિત રીતે વાટાઘાટ કરતું રહે. આ રીતે ટ્રસ્ટી બોર્ડ કંપનીના નોકરિયાતોની માલિકીના ખ્યાલોના સંરક્ષક કે પાલક તરીકેની ફરજ બજાવવામાંથી મુક્ત રહે છે; કે જે EOTના દસ્તાવેજમાં દર્શાવ્યા પ્રમાણે કામ કરે છે. 

ઉપરોક્ત બંને પ્રકારનું મિશ્રણ હોય તેવી શેરની માલિકી 

આ વ્યાખ્યા, કાયદા અને ટેક્સની આંટીઘૂંટીઓ સમજાવવા અને એમ્પ્લોઈઝ ઓનરશિપ એસોસિયેશનના મહત્ત્વને સમજાવવા તે સમયે યોગ્ય રીતે કામમાં આવી.1987 સુધીમાં યુ.કે.માં શેર ખરીદવા માટે વિકલ્પો હતા જે કંપનીના સંચાલકો અને બીજા કર્મચારીઓને પોતાની કંપનીમાં શેર ખરીદવાની છૂટ આપે. 

નટલ તપાસ :

2012ની સાલમાં ગઠબંધન વાળી સરકારે યુ.કેના ખાનગી ક્ષેત્રોમાં નોકરિયાતોની માલિકીની કંપનીનો વિચાર કેમ હજુ સુધી પ્રચલિત નથી બન્યો, એ વિષે તપાસ કરવાનો નિર્ણય  કર્યો. તેમાંથી એક વાત સ્પષ્ટપણે ઉભરી આવી અને તે એ હતી કે માત્ર થોડા નોકરિયાતો શેરના મલિક બને તેનાથી આ વિચારની સાર્થકતા ન સધાય, કંપનીના તમામ નોકરિયાતો શેર ખરીદે તો જ તે અસરકારક બને. તદુપરાંત નોકરિયાતોની ભાગીદારી અર્થપૂર્ણ બનાવવા તેઓ નોંધપાત્ર પ્રમાણમાં શેરના માલિક બને તે જરૂરી  ગણાયું.

નટલ તપાસને પરિણામે ફાયદો એ થયો કે, નોકરિયાતોની માલિકીના ટ્રસ્ટને પોતાના શેર વેંચનાર વ્યક્તિને તેના નફા પર કર ભરવામાંથી માફી મળે એટલું જ નહીં, EOTના નોકરિયાતોને દર વર્ષે £3,600 જેટલી રકમના બોનસ પર પણ કર ભરવામાંથી મુક્તિ મળે. આથી જ તો EOT યુ.કે.માં નોકરિયાતોની માલિકીની કંપનીઓમાં વધુ પ્રચલિત પ્રકાર સાબિત થયો. 

ગાંધીએ મને નોકરિયાતોની માલિકીની કંપની માટે એવી વ્યાખ્યા કરવાને માટે પ્રોત્સાહન આપ્યું કે જેથી એવી કંપનીઓ નિગમની સામૂહિક નાગરિકતાનો સમાનાર્થી ખ્યાલ બની રહે. આ ખ્યાલને મૂર્તિમંત કરવા નોકરિયાતો કંપનીનું સંચાલન અને તેના નફાની વહેંચણી વિષે વ્યક્તિગત રીતે અને સમૂહગત રીતે પોતાનો મત વ્યક્ત કરી શકે તેવી જોગવાઈ થઇ. સમાજ અને પર્યાવરણની સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સંભાળ લેવા માટે શેરની માલિકી ધરાવનાર નોકરિયાતો વાળી કંપની સિવાય ઉત્તમ સંગઠન બીજું કયું હોઈ શકે? 

જો કે નોકરિયાતોની માલિકીની કંપનીઓ ઊભી કરવાથી કામ પૂરું નથી થઇ જતું. કંપનીના માલિક અને નોકરિયાતોના વેતન વચ્ચેના તફાવત વિષે પણ કંપનીનું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ. જો કે ઘણી કંપનીઓએ એ વિષે પોતાનું હેતુલક્ષી કથન જાહેર કર્યું છે અને કેટલીક કંપનીઓએ તો પોતાના ઉચ્ચ હોદ્દેદારોને નોકરિયાતોના સરેરાશ વેતન કરતાં અમુક સીમાથી વધુ વેતન લેવા પર મર્યાદા પણ બાંધી છે, એ જાણીને આનંદ થાય. ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં ‘લઘુતમ જીવન નિભાવ માટે જરૂરી વેતન’ અને ‘સમાજ માન્ય મહત્તમ વેતનની મર્યાદા’ના વિચારનો ઉલ્લેખ જોવા મળે છે. તે ઉપરાંત કંપનીની પેદાશોનો નિર્ણય જરૂરિયાતો પ્રમાણે લેવાશે, નહીં કે વ્યક્તિની મુનસફી કે લોભને આધારે એવો વિચાર પણ તેમાં સ્પષ્ટ થયો છે. 

Scott Bader Commonwealth નામની નોકરિયાતોની માલિકીની કંપની અર્નેસ્ટ બેડરે ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને ચરિતાર્થ કરવા સ્થાપેલી. ભારતમાં કેટલાક લોકો આ કંપનીને ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને વ્યવહારમાં કઈ રીતે મૂકી શકાય તે માટેનું ઉત્તમ ઉદાહરણ માને છે. 

હું એવી અપેક્ષા રાખું છું કે આ તપાસના પરિપાક રૂપે મારી આ નવી વ્યાખ્યા આ યુગમાં ઊભા થયેલા નવા સંયોગોમાં જ્યારે આપણે અસમાનતા, ટકાઉ વિકાસ અને પર્યાવરણમાં આવતા ઘાતક બદલાવનો ઉકેલ શોધવા મથીએ ત્યારે આ વિષમતાઓનો હલ શોધવા માટે તે વ્યાખ્યા ઉપયુક્ત સાબિત થશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક અને પર્યાવરણ વિષયક સમસ્યાઓને હલ કરવા માટે વિવિધ પગલાંઓની પહેલ કરવામાં આવી રહી છે જેમ કે જવાબદાર વ્યાપારની  નીતિ ,પર્યાવરણ સુરક્ષા બિલ્સ અને નફાની બદલે વેપારના ઉદ્દેશનને મધ્ય નજરમાં રાખવું વગેરે.

વિશ્વ સ્તરે લેવાયેલ પગલાં જોઈએ. યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલ ટકાઉ વિકાસ - 2030ના લક્ષ્યાંક વિશ્વના દરેક દેશના વિકાસને સ્પર્શનારા છે. તેમાં ગરીબી નાબૂદી, ભૂખમરાનો સદંતર નાશ અને સારા સ્વાસ્થ્ય સહિતના 17 લક્ષ્યાંકોનો સમાવેશ છે. યુનાઇટેડ નેશન્સના સહકારથી Principles for Responsible Investment (PRI) પર્યાવરણમાં આવતા બદલાવ ઉપરાંત જળ સંકટ, જમીનનો ટકાઉ ઉપયોગ, ફ્રેકિંગ, પર્યાવરણને પ્રદૂષિત કરનાર મિથેઈન ગેસની સમસ્યા અને પ્લાસ્ટિકના વપરાશથી ઊભી થતી સમસ્યાઓ તરફ બધાનું ધ્યાન દોર્યું છે. PRI માનવ અધિકાર, મઝદૂરના કુશળતાનાં ધોરણો, માલિકોના નોકરિયાતો સાથેના સંબંધો અને સંઘર્ષની સંભાવનાના સ્થાનોને પણ આવરી લીધાં છે. સાથે સાથે કર ચોરી, લાંચ-રુશવત, ઉચ્ચ હોદ્દેદારોના વેતન અને સાઇબર સલામતીના જોખમો જેવા વહીવટી મુદ્દાઓને પણ આવરી લીધા છે.

રાષ્ટ્રીય સ્તરે લેવાયેલ પગલાંઓમાં ભારતના 2014ની સાલમાં અમલમાં આવેલ કંપની કાયદામાં આવેલ પરિવર્તન ગણાવી શકાય. આ કાયદાને કારણે મોટી સરકારી અને ખાનગી કંપનીઓને પોતાના નફાનો  2% જેટલો હિસ્સો સામાજિક રીતે જવાબદાર એવા પ્રકલ્પો પર ખર્ચ કરવાનું ફરજિયાત બન્યું. આ બદલાવ ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુરૂપ છે. એવા પ્રકલ્પોની યાદીમાં લિંગ સમાનતા, સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓ અને અનાથ બાળકો માટે આશ્રયસ્થાન અને હોસ્ટેલો બાંધવી, વૃદ્ધાશ્રમો બાંધવા વગેરેનો સમાવેશ થયો છે. 

વ્યક્તિગત કંપનીના સ્તરે વિચાર કરતાં કંપનીએ વ્યાપાર કેવી રીતે ચલાવવો કે જેથી વિશાળ સમાજના હિતની જાળવણી તેના વહીવટના અંતર્ગત ભાગ તરીકે વણાઈ જાય અને આ પ્રકારે વહીવટ કરવો ફરજિયાત ગણાવો જોઈએ કે નહીં જેવા મહત્ત્વના મુદ્દાઓ નજર સામે આવે. મારો પ્રસ્તાવ છે કે આવી કંપનીઓ પોતાના વહીવટમાં એવો બદલાવ લાવે કે જેથી સમાજ અને પર્યાવરણને ફાયદો જ થાય. 2006ના કંપની એક્ટમાં એવો સ્પષ્ટ નિર્દેશ છે કે કંપનીના સંચાલકે ઉપરોક્ત બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી ગણાશે. આથી યુ.કે. કંપનીના કાયદા મુજબ જો કોઈ કંપનીના માલિક ઈચ્છે તો વધુમાં વધુ નફો મેળવવા સિવાય બહોળા સમાજના હિતને ખ્યાલમાં રાખવાની નીતિ અપનાવી શકે અને એ રીતે કંપનીનો સંચાલક માત્ર શેરની માલિકી ધરાવનારાઓ પ્રત્યે જ નહીં પરંતુ વિશાળ સમાજ અને પર્યાવરણની  જાળવણી માટે પણ જવાબદાર બની શકે.

અલબત્ત, હું ઈચ્છું છું કે માત્ર યુ.કે.માં જ નહીં, પણ વિશ્વ આખામાં નોકરિયાતોની માલિકીની તમામ કંપનીઓ સમાજના હિતમાં હોય તેવી વહીવટની નીતિ અપનાવે, પણ તેનો અમલ કઈ રીતે કરવો એ જે તે કંપની અને વ્યાપારી પેઢીનાં સંસાધનો અને કામદાર વર્ગ પર નિર્ભર કરે એ સ્વીકાર્ય છે.

ઉત્પાદક કંપની અને વ્યાપારી પેઢીઓનું સંચાલન આ સિદ્ધાંતોને આધારે કરવું એ વિચાર કેટલો નવીન અને ક્રાંતિકારી છે એ વિચાર જરૂર આવે. કંપનીઓને સારા નાગરિક બનીને સંચાલન કરવા કહેવું એ નવો વિચાર નથી, આ તો ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં સમાવિષ્ટ હતું જ. નોકરિયાતોની માલિકીની કંપનીઓ જેવી કે રિવરફર્ડ ઓર્ગનિકસ અને પારાડીમ નોર્ટન  તો અસ્તિત્વ ધરાવે જ છે કે જેઓ સમાજ અને પર્યાવરણ માટે હિતકારી વહીવટ પૂરો પાડે છે. પબ્લિક સર્વિસ મ્યુચુઅલ પણ નોકરિયાતો દ્વારા નિર્દેશિત સંગઠનો હોય છે જેમાં કમ્યુનિટી ઇંટ્રેસ્ટ કંપનીનો સમાવેશ થાય છે. (અહીં હું ખાદી લંડન, કે જે કમ્યુનિટી ઇંટ્રેસ્ટ કંપની છે તેનો ઉલ્લેખ કરીશ.) એ જ રીતે લોકો દ્વારા સંચાલિત, તેમની જ માલિકીની અને તેમના તાબામાં રહેતી સહકારી મંડળીઓ લોકોના હિતને મધ્ય નજરમાં રાખી કામ કરે છે, એથી એ સંગઠનો પણ આ આદર્શોને અનુસરે છે. 

આપણે હવે કયું કદમ ભરવાનું રહે? ગાંધીએ મને સાહસ કરીને બધા પ્રસ્તાવને સમાવી લે તેવા વિચાર અન્ય સમક્ષ મુકવા પ્રેરિત કર્યા છે. એ વિચારોને કઈ રીતે પ્રોત્સાહન આપવું તે માટે વ્યવહારુ માર્ગ ગાંધીએ શોધવા કહ્યું હોત, અને હું ખાતરીપૂર્વક માનું છું કે ‘એક ડગલું બસ થાય’ એ નીતિ અપનાવવા પણ તેઓ મારી સાથે કબૂલ થયા હોત. 

બધી નોકરિયાતોની માલિકીની કંપનીઓ આ તમામ આદર્શોને અનુસરવા બદ્ધ થાય તે શક્ય ન પણ હોય. પરંતુ કંપનીના ધ્યેય પ્રગટ કરતા વિધાનમાં તેઓ સમાજ અને પર્યાવરણની સુરક્ષા માટે પોતાની કંપનીના સંયોગોને અનુકૂળ હોય તે રીતે ફાળો આપશે તેવી ઘોષણા કરી શકે. મારી પેઢી ફિલ્ડ ફિશરના વહીવટમાં એવી કલમ છે કે પોતે જે કંપનીઓનું નિર્દેશન કરે છે તેના ટ્રસ્ટીએ ખાતરી કરવી કે પોતાની કંપનીના નોકરિયાતો સંચાલનમાં સારી રીતે ભાગીદાર થયેલા હોય.

1979માં ટ્રસ્ટીશીપ વિષય આધારિત એક સંમેલન ભરાયેલું, એ જો હાલના તબક્કે યોજાય તો એમ્પ્લોયીઝ ઓનરશિપ ટ્રસ્ટ અને તેમાં ગાંધીના હેતુઓને ઉમેરીને ગોઠવેલી યોજનાને એક જવાબદાર વેપારી નીતિ કે જે સહુના હિતમાં હોય તેવી યોજના તરીકે સ્વીકારવામા આવે તે સંભવ છે.

નોકરિયાતોની માલિકીની કંપનીઓ સારું સામૂહિક નાગરિકત્વ કેળવવામાં સક્રિય છે. તેઓ પોતાના કામદાર વર્ગની કાળજી કરે છે અને ગ્રાહકોને સારી સેવાઓ પૂરી પાડે છે. એવી કંપનીઓની વહીવટી વ્યવસ્થા સારી હોય છે જે નવા હેતુલક્ષી કાર્યોને અપનાવી શકે. આવી કંપનીઓ પોતાના નોકરિયાતોની કંપનીની માલિકી માટે સ્થિરતા પૂરી પાડે છે જેથી નોકરિયાતો સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવા સક્ષમ અને કટિબદ્ધ બને.

હું નોકરિયાતોની માલિકીની કંપનીઓને માત્ર એક નામના દ્રષ્ટાંત રૂપે જ જોવા નથી માંગતો. હું ઈચ્છું છું  કે નોકરિયાતોની માલિકી એક ‘ism’, ‘વાદ’ બની જાય, એક એવી અનોખી માન્યતા કે જે સારી સામૂહિક નાગરિકતાનો સમાનાર્થી ખ્યાલ બની જાય. લોકો એમ કહેતા થઇ જાય કે ‘હું નોકરિયાતોની માલિકીની કંપનીમાં માનુ છું.’ આ પરિભાષાનું સૂચન મને ગાંધીજીએ કર્યું છે. 

ગાંધીજીએ પોતાના વાલીપણાના સિદ્ધાંત વિષે કહેલું કે “આ કોઈ કામ ચલાઉ વિભાવના નથી અને છદ્મવેષી અથવા છેતરપિંડીનું સાધન તો ખસૂસ નથી. મને ખાતરી  છે કે આ સિદ્ધાંત અન્ય સિદ્ધાંતોની સરખામણીમાં વધુ લાંબો સમય ટકી રહેવા પામશે. તેને તત્ત્વજ્ઞાન અને ધર્મનું પીઠબળ છે.” જો કે નોકરિયાતોની માલિકીની કંપની માટે આવો દાવો ન કરી શકાય, પરંતુ ગાંધી આપણને એવા આદર્શના અનુસરણ તરફ કૂચ કરવા જરૂર પ્રોત્સાહિત કરે છે.

આપણે સમાજ અને પપર્યાવરણ સાથેના માનવ સંબંધોમાં હકારાત્મક બદલાવ આવે તે દ્રષ્ટિએ જોતા શીખવું જોઈશે. તે માટે કંપનીના માલિક તરીકે નોકરિયાતોની શક્તિઓને જ એ આદર્શોનો અમલ કરવામાં અને આ સમસ્યાનો ઉકેલ લાવવા તરફ વાળવામાં આવે તેનાથી વધુ સારું શું હોઈ શકે? 

Build back Better એ આજનો નવો સૂત્રોચ્ચાર પ્રચલિત થતો જણાય છે. કોવીડ 19ની મહામારીને કારણે સારી ય દુનિયા માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પણ આર્થિક બાબતોમાં પણ જે રીતે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે, તે જોતાં એક હકીકત સ્પષ્ટ થઇ છે કે દરેક વ્યક્તિ અને વ્યાપારી પેઢીને હવે આપણે શા માટે સામૂહિક લક્ષ્યાંકોની જરૂર છે એ સમજાયું છે. Build back Betterના યુ.કે.ના પ્રચારને હું ગાંધી દ્વારા પ્રેરાયેલ મારા વિચારોની પુષ્ટિ રૂપે રજૂ કરી શકું, જે નીચે મુજબ છે :

“હવે આપણે યથાવત પરિસ્થિતિ તરફ પાછા ન જઈએ. સમય પાકી ગયો છે કે આપણે એક એવો કરાર કરીએ કે જે લોક સેવા પૂરી પાડતી રોજગારીઓનું રક્ષણ કરે, આપણા સમાજમાં ઘર કરી ગયેલી અસમાનતાનો હલ શોધે, પૂરતી આવકવાળી અને સલામત રોજગારીની તકો પૂરી પાડે અને પર્યાવરણમાં આવનારી કટોકટીનો સામનો કરી શકે તેવી અર્થવ્યવસ્થા નિર્માણ કરીએ.”  

અનુવાદક : આશા બુચ

e.mail : [email protected]

Category :- Gandhiana