પરિષદધર્મ અને પરિષદકર્મઃ એક મીમાંસા

સિતાંશુ યશશ્ચન્દ્ર
28-12-2020

આદરણીય સ્નેહી જનો, પરિષદના નવનિર્વાચિત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ન. શાહ, આપણા અનોખા અતિથિવિશેષ શ્રી વિપુલભાઈ કલ્યાણી, પરિષદના સર્વ સમાદરણીય પૂર્વપ્રમુખો, ટ્રસ્ટી મંડળના સન્માન્ય સભ્યો, હાલની અને આગામી મધ્યસ્થ સમિતિના સર્વ માનનીય સભ્યો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, અન્ય મંત્રીઓ, ઉપસ્થિત અન્ય સાહિત્ય રસિક ભાઈ બહેનો,

કોરોના મહામારીના આ સમયે આ પચાસમા અધિવેશનનું કામ બહુધા વીજાણુ-પ્રત્યક્ષ રીતે, ન કે દર વર્ષ જેમ મોટા શામિયાણામાં, આ વખતે થાય છે. આ વીજાણુ મંડપ વિશાળ છે અને એકઠા થવું, એકઠા રહેવું એ તો જેવો કર્મનો તેવો વિચાર અને ભાવનાનો વિષય છે. સાહિત્ય, એટલે કે સહિતપણું અભિધામાં સીમિત નથી હોતું, એ વાત તો આજે આપણા પ્રથમ ડાયાસ્પોરિક અતિથિવિશેષ, વિપુલભાઈ, છેક લંડનથી અહીં પ્રત્યક્ષ છે, એ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. પરિષદનો વીજાણુ માધ્યમમાં થતો પ્રવેશ એવા વ્યાપનને શક્ય બનાવે છે. વિપુલભાઈએ ભારત બહાર ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો એક પ્રજ્વલિત, તેજે દીપતો ધૂણો આજ દશકોથી અખંડ રાખ્યો છે. સાહિત્યયોગાસને એ રીતે અડોલ, સ્થિર બેસવું એ જે તે વાત નથી. એ યે નિશ્ચેનો એક મહેલ છે. એવા વિપુલભાઈ કલ્યાણીનું હૃદયપૂર્વક સ્વાગત.

આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ પોતાના આજીવન સભ્યોની દોરવણી પ્રમાણે ચાલતી સંસ્થા છે. આજીવન સભ્યોની સામાન્ય સભાનાં મંતવ્યો, એ આ પરિષદ માટે મૂળ અને અંતિમ પ્રમાણ છે. એ પ્રમાણિકતા તો ગુજરાતી પ્રજાના આંતર  જીવવનની રખેવાળી આજ સુધી કરતી આવી છે. પરિષદના આજીવન સભ્યોની સામાન્ય સભાએ ઠરાવ્યા મુજબ પરિષદનાં સર્વ સત્તામંડળો આજ સુધી વર્તે છે, અને હંમેશ વર્તશે, એ વિશ્વાસ. એ મર્યાદાપાલન આપણા દરેકની બૌદ્ધિક, ભાવનાત્મક પ્રમાણિકતા (intellectual and emotive honesty) જાળવવા માટે અનિવાર્ય છે. પરિષદની સામાન્યસભાનું સર્વોપરિપણું એક વ્યાપક અર્થવત્તા ધરાવે છે. ગુજરાતની કોઈ પણ સાહિત્યિક સંસ્થામાં 1975 જેવી ઇમર્જંસી દાખલ કરવા માટેની કોઈ પણ કુચેષ્ટા કોઈ પણ ન કરે, એ જોવાની જવાબદારી આપણી સહુની છે. ઉમાશંકર જોશી, યશવંત શુક્લ અને મનુભાઈ પંચોળીના, નારાયણભાઈ દેસાઈ અને નિરંજન ભગતના સ્મરણ સાથે.

31મી ડિસેમ્બર, 2020ના દિવસના અંત સાથે નિવૃત્ત થતી પરિષદની મધ્યસ્થ સભાના સભ્ય અને પરિષદ પ્રમુખ તરીકે જ નહીં, આપણી માતૄભાષાના એક અદના લેખક અને ભાવક રૂપે પણ મને હાલ એક વાતનો ભારે સંતોષ છે, બલકે ધરપત છે. એ વાત એ કે પરિષદના હાલના આજીવન સભ્યોએ 2021થી 2023ના મહત્ત્વના સમયગાળા માટે પરિષદ પ્રમુખ રૂપે શ્રી પ્રકાશભાઈ ન. શાહને ચૂટ્યા છે. સાહિત્ય સર્જનના મૂળમાં માનવ ગરિમા, માનવ સ્વાતંત્ર્ય અને સહુ કોઈની સર્જકતા માટેનો જે આગ્રહ રહેલો છે, જે અણનમતા પડેલી છે અને જે નિષ્કલંક નિસ્વાર્થ એવી, ગાંધીનો શબ્દ યોજું તો ‘આપભોગ’ આપવાની કે ત્યાગ કરવાની જે તૈયારી જરૂરી છે, એ આગ્રહ, એ અણનમતા અને એ સહજ ત્યાગવૃત્તિનો સરવાળો એટલે પ્રકાશ ન શાહ, પરિષદના ચૂટાયેલા પ્રમુખ. એમનું સ્વાગત અને ગણતરીના દિવસોમાં આરંભાતા એમના કાર્યકાળ માટે એમને સાધનોની સોંપણી અને સર્વ શુભેચ્છા હું વ્યક્ત કરું છું.

નવનિર્વાચિત મધ્યસ્થ સમિતિ અને કારોબારીના સભ્યોને, મહામંત્રી, અન્ય સર્વ મંત્રીને, બન્ને ઉપપ્રમુખોને, સર્વેને સ્નેહવંદન, અભિનંદન અને શુભેચ્છા. પરિષદનાં મૂલ્યોને, બંધારણને, એની સામાન્ય સભા અને મધ્યસ્થ સમિતિએ કરેલા ઠરાવોને દ્રઢાવવામાં અને પરિષદના (ન કે કોઈ પણ અન્યના) ઉદ્દેશો પાર પાડવામાં, આપ સર્વની સહિયારી શક્તિ કામે લાગશે, એ વિશ્વાસ. નિવૃત્ત થતા પ્રમુખ તરીકે જ નહીં, પરિષદની સામાન્ય સભા અને મધ્યસ્થ સમિતિના કાર્યાન્વિત સભ્ય તરીકે પણ મારી એ શુભેચ્છા છે.

પરિષદના અનુબંધોની યોજના પર ધ્યાન અપાશે, તો પરિષદનું સ્વરૂપ બહુકેન્દ્રી, ગુજરાતીભાષી પ્રજાના નાનાં ગામોથી વિદેશનાં મહાનગરો સુધી વ્યાપક અને લયબદ્ધ બનશે. પંચમહાલના કાલોલથી ડાયાસ્પોરાના કેલિફોર્નિયા સુધીના પરિષદના વૈવિધ્યસભર અનુબંધોનો હું આજે આભાર માનું છું. એ પરિષદ-ઊર્જાની કેન્દ્રોત્સારી ગતિ છે. આ વર્ષોનાં બે જ્ઞાનસત્રો, સૂરત અને પાલનપુરમાં યોજાયાં, એમાં કેટલીક આંતર્બાહ્ય પહેલ કરવી જે શક્ય બની, એ શક્યતાનાં મૂળમાં પડેલી, અવરોધોને વિવેકપૂર્વક છતાં દૃઢતાથી ઓળંગતી સર્જક ઊર્જાનું હવે નિરંતર જતન કરવા જેવું છે. સાથોસાથ, આયોજનનું જે કૌશલ્ય, અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે, સૂરતની નિમંત્રક સંસ્થાએ દાખવ્યું, એ શક્ય ત્યાં અજમાવવા જેવું છે. આ વર્ષના કોરોનાકાળના વીજાણુ મંડપ વ્યાપ્ત અધિવેશનને પણ સૂરતની એ ક્ષમતાનો ટેકો છે. તો પરિષદની શક્તિની કેન્દ્રગામી ગતિ ‘આનંદની ઉજાણી’-ના (નવલરામના એ શબ્દોએ સૂચવેલી આસ્વાદમૂલક વિવેચનના) કાર્યક્રમો, પરિષદની અગાસીમાં યોજાયા, એમાં અને પરિષદના ગ્રંથાલયમાં જે કાર્યક્રમો નિરંતર યોજાયા, એમાં છે. ‘આનંદની ઉજાણી’ના અનુસંધાને, વીજાણુ માધ્યમનો વ્યાપક ઉપયોગ કરી, ‘નોળવેલની મહેક’ની બેઠકો રચાઈ. એના નિયમિત કાર્યક્રમો કોરોના મહામારીના શરૂઆતના સમયથી, એપ્રિલ 15, 2020થી આજ પર્યંત દર પંદર દિવસે વર્ચ્યુઅલ સ્પેસમાં એકત્ર થતી બેઠકોમાં થયા. વિશ્વભરની ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, શિલ્પ, સિનેમા જેવી કલાઓ અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓની ઉત્તમ કૃતિઓ સાથે યુવાચેતનાના, બલકે સહુ રસિકજનોના આ રસભર્યા અનુબંધો હતા. ‘નોળવેલ’-ની દ્રઢનિશ્ચય, ખંતીલી, નિસ્વાર્થ, કાર્યકુશળ ટીમનો આભાર માનીએ એટલો ઓછો. પરિષદની વિવિધ સ્વાધ્યાયપીઠોમાં કેટલુંક ઉત્તમ કામ, રસજ્ઞ વિદ્વાનોનો સાથ મેળવીને, નિશ્ચયપૂર્વક પાર પાડી શકાયું. આ બધામાં અને અન્ય કામોમાં પરિષદને ‘ન કે ના’વ્યાં વિષ, વિષમ ઓથાર, અદયા / અસત્ સંયોગોની, પણ . . .’. સાહિત્યની એ સંજીવની વિદ્યા આપણા સહુનું રક્ષણ કરો અને આપણે એ વિદ્યાનું રક્ષણ કરીએ.

ગુજરાતના આજના રાજકીય આગેવાનો અને સામાજિક શક્તિના સંરક્ષકો માટે ગુજરાતના એક અનોખા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીની એક કવિતાનો ઉલ્લેખ કરી આ વક્તવ્ય આટોપું. એ કૃતિનું શીર્ષક છે, ‘સ્વરાજ રક્ષક.’ કથા કાવ્ય છે અને આજે પણ એ સહુને અને બીજાં સહુને કામ લાગે એવું છે. કથા એ છે કે શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ એક વાર એમને મળવા સવારના સમયે ચાલતા જતા હતા. સાથે એમના બીજા યુવાન ચેલાઓ અને  છત્રપતિ મહારાજના થોડા સૈનિકો પણ હતા. જુવાનિયાઓ, સવારે ચાલતાં થોડા ભૂખ્યા થયા. પાસે શેલડીનું ખેતર આવ્યું. આપણને આજે ગુજરાતની સાહિત્યની, વિદ્યાની સંસ્થાઓ યાદ આવે. સહુ જુવાનિયા, ચેલાઓ અને સૈનિકો, ખેતરમાં ઘૂસ્યા અને સાંઠા કાપી ચૂસવા લાગ્યા. પણ ખેડૂત મજબૂત હતો. દૂરથી આ વર્તન જોઈ એ લાઠી લઈને દોડ્યો. જવાનિયાઓને ચાતરી એમના મુખિયા જેવા લાગ્યા એ સ્વામીજી પાસે જઈ એમને વાંસે બેત્રણ ફટકા લગાવ્યા. ‘મારી શેરડી મને પૂછ્યા વગર કેમ કાપી? પૂછત તો રસ કાઢીને પીવડાવત!’ ચેલા અને સિપાઈઓ ઝાઝા હતા, ખેડૂતને પકડીને સ્વામીને પૂછે, વાઢી નાખીએ આને? સ્વામી મધુર હસીને કહે કે સાથ લે લો, મહારાજ સે મિલાયેંગે. ગયા. શિવાજીને સહુએ વાત કરી. છત્રપતિ મહારાજ ગુરુ રામદાસને પૂછે, તમને ફટકા મારનારનો હાથ કાપી નાખું કે ગરદન વાઢું? સ્વામી હસીને કહે, શિવાજી, આનું બહુમાન કર. આણે પોતાના ખેતરનું રક્ષણ કર્યું. એ તારો ખરો સાથી છે, ખરો સ્વરાજ રક્ષક છે. ઔરંગઝેબ સામે લડવામાં તારી પડખે એ પહેલો હશે. – આજે એ કાવ્ય યાદ આવે છે. સાહિત્યની, વિદ્યાની સંસ્થાઓની સ્વાયત્તાતાનું રક્ષણ કરવા ખડા થયેલાઓની વાત, આજની સત્તા પાસે રજૂ કરનાર સ્વામી રામદાસ કોઈ નજરે પડતા નથી. અને જે છે એ સ્વાર્થવશ સલાહકારોમાં સ્વામીનું દૂરંદેશીપણું કે નિસ્વાર્થતા ક્યાંથી હોય?

આપણે અણનમ રહી સ્વાયત્તતાનું રક્ષણ, ઔરંગઝેબી તાકાતો સામેની લડત આપી, કરતા રહીએ, અને જોઈએ છત્રપતિ આજે શિવાજી જ છે ને, સાહિત્ય અને વિદ્યા ક્ષેત્રે લાંબું જોનારો અને નગુરો નહીં એવો?

શુભેચ્છા, મિત્રો.

* *

24 ડિસેમ્બર, 2020. સમા, વડોદરા.

Category :- Opinion / Literature