ખંજર મીયાં સુઘોષ મઝમુદાર​

સૂચિ વ્યાસ
12-12-2020

આમ આપણા રામ જ્યારે જ્યારે મુંબઈ પહોંચી જઈએ, ત્યારે ત્યારે સોનલ શુક્લને ત્યાં ધામા નાખીએ. મને જે રૂમ આપ​વામાં આવે, તે માટે કાયમી ધોરણે ‘સુઘોષની રૂમ છે.’ એવું કહેવામાં આવે. આમ​, મારી ઍન્ટ્રી અને સુઘોષની ઍક્ઝિટ ​- એવું વર્ષો સુધી ચાલેલું. મેં ક્યારે ય સુઘોષને જોયેલો નહોતો. ફક્ત એટલી જ માહિતી હતી કે સુઘોષ એ ઉત્કર્ષ અને સોનલબહેન એ બધાંનો કઝીન છે.

સુઘોષની બહેને એનાં કુટુંબનાં તમામ સભ્યોને સ્પોન્સર કરી, ગ્રીનકાર્ડ અપાવી અમેરિકા સ્થિર કર​વાનો નિર્ણય લીધેલો. એમાં આપણાં સુઘોષનો છેલ્લો વારો આવેલો. મુંબઈમાં ફિઝિકલ થૅરપિસ્ટ તરીકે બોમ્બે હૉસ્પિટલ જેવી જગ વિખ્યાત હૉસ્પિટલનું કામ ઠેબે ચડાવી, ભાઈ તો અમેરિકા પહોંચી ગયેલા!

એકાદ મોડી સાંજે આ ભાઈ સુઘોષનો ફોન આવ્યો કે: “હું સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો છું.” મારા ખ્યાલથી ૧૯૮૪ કે ૧૯૮૫ની સાલ હશે. પછી ધીમે ધીમે રોજ ફોન આવ​વા લાગેલા. ભાઈ પોતે લોસ એન્જલસ મૂવ થઈ ગયેલા. પછી તો મહિનાઓ ને મહિનાઓ અમે ફોનમાં વાતો કરતાં કરતાં પાક્કા ભાઈબંધ થઈ ગયાં. એની સાથેની વાતો દ્વારા મેં એનું આખું વ્યક્તિત્વ માપી લીધેલું. હું ફક્ત અવાજથી જ સુઘોષને ઓળખતી હતી. વાતો વાતોમાં મેં જાણી લીધેલું કે સુઘોષને બહેન - બનેવીથી ‘કંઈક’ અસંતોષ છે!

સુઘોષે એક દિવસ મને જણાવ્યું કે પોતે લોસ એન્જલસથી ગ્રેહાઉન્ડ​, ૧૦૦ ડોલરની ટિકિટ લઈને બસમાં ફિલાડેલ્ફિયા આવે છે. મેં તો મારી ટેવ મુજબ કહી દીધું : “આવ​, આવ, મજા પડશે! જલસા કરશું. તારું સન્માન છે, મુંબઈ નરેશ​!”

રખડી રખડીને, ખાધા-પીધા વગરનો, આઠ દિવસથી નાહ્યા-ધોયા વગરનો સુઘોષ, ગ્રેહાઉન્ડ બસ સ્ટોપ પર ઊતર્યો. સલ​વાર-કમીઝ પહેરેલી હું, એને લેવા માટે બહાર ઊભેલી. આઘેથી મોટા ભરાવદાર ઘુંઘરાળા વાળ​વાળો એક છોકરો જોયો. દેશી છે કે આફ્રિકન કે અમેરિકન - એ ખબર ન પડી. ગ્રેહાઉન્ડ ઉપર હું એકલી દેશી છોકરી! મને જોઈને, દોડતો’ક પાસે આવીને પૂછેલું : “તમે સૂચિ છો?” મેં સુઘોષને તો જોયેલો નહોતો, પણ એનો અવાજ ઓળખી ગઈ. મેં જોરથી અને લાગણીથી કહેલું : “વેલકમ ટુ સિટી ઑફ બ્રધર્લી લ​વ - ફિલા.” સુઘોષ તો જેલમાંથી છૂટ્યો હોય એવો ખુશખુશાલ અને ભાવ​વિભોર હતો. ફિલા.નાં ઐતિહાસિક મકાનો જોઈ ગેલમાં આવી ગયેલો. નાગર ... એટલે જીભમાંથી મધ જ ઝરતું રહે. વાતો કરતાં કરતાં ઘર ભેગાં થઈ ગયાં. નાહી-ધોઈ નિરાંતે જમ્યો અને થાકેલો-પાકેલો સુઘોષ સૂઈ ગયો.

બીજે દિવસે ફટાકડો ફોડ્યો! વિધાન બહાર પાડ્યું કે : “મારે બકનેલ યુનિવર્સિટી જ​વું છે.” સુઘોષે બકનેલના કોઈ પ્રોફેસરની ચોપડી વાંચી હતી અને તે એમનાથી પ્રભાવિત થઈ ગયેલો. “મારે આ પ્રોફેસરને મળવું છે.” બકનેલ યુનિવર્સિટી એટલે પેન્સિલ​વેનિયાની એક મોંઘીદાટ સ્કૂલ​! જ્યાં ન્યુયોર્કના નબીરાઓ ભણ​વા જઈ શકે. આપણાં જેવાં નબળાં-ગરીબ લોકોનું કામ નહીં, હોં! સુઘોષના હાથમાં રાતી કોડી - રાતી પાઈ પણ ન મળે અને પૈસા ક્યાંથી આવશે, એની કોઈ બીક કે ભય પણ ન મળે! હ​વે આ છોકરાને કોણ સમજાવે?

મને કહેલું કે : “૩૦૦ ડોલર ઉછીના આપ.” હું બાપલડી મારું માંડ માંડ પૂરું કરતી હતી. પતિદેવ તો બહારગામ કામ કરતા હતા. એ જમાનામાં મારી પાસે પણ ૩૦૦ ડોલર એક્સ્ટ્રા હોવા જોઈએ ને! પણ​, આ નાગર પુત્રનું, કુંવરબાઈનું મામેરું ભરાઈ ગયું - એક મિત્ર પાસેથી! મેં ઉછીના માંગી એને ફરી બસમાં બેસાડી ર​વાના કર્યો. સુઘોષ એટલો બધો કુશળ અને બાહોશ માણસ, કે વગર પૈસે, વગર લાગ​વગે, પોતાની બુદ્ધિ, વાચા અને કુશાગ્રતાથી બકનેલમાં માસ્ટરનું ભણ​વા બેસી ગયો ... આ બાજુ અમે સૌ મોઢામાં આંગળાં નાખી જોઈ જ રહ્યાં!

મુંબઈથી પોતે ફિઝિકલ થૅરપિસ્ટનું ભણીને અને પાંચ વર્ષનો અનુભવ લઈને તો આવેલો જ​. પણ​, ફિલૉસૉફીમાં માસ્ટર ડિગ્રી લેવી, એવું એનું ગાંડપણ હતું. આમ​, બકનેલ યુનિવર્સિટીથી એનાં અમેરિકન જીવનનો સંઘર્ષ ચાલુ થઈ ગયો. કૉલેજ ચાલતી હોય​, ત્યારે તો રહેવા-જમ​વાની વ્ય​વસ્થા હોય​. પણ​, ઉનાળાનાં વૅકેશન, ક્રિસમસ વૅકેશન ... વગેરેમાં ભાઈ દિવસો સુધી ભૂખ્યો રહેતો હતો. જે વાત મને હ​વે સમજાય છે.

ક્યારેક આવાં વૅકેશન દરમિયાન ગાડી મારી મૂકતો અને ફિલા આવતો. પાછા જ​વાનાં પૈસા ન હોય​, તો હું ગાડીમાં ગૅસ ભરાવી ઘર ભેગા થવાનાં પૈસા આપતી. અમે બધાં અલ્લડ જુવાન હતાં. અમે સુઘોષનાં ભૂખ​, દુ:ખ​, વ્યથા અને સંઘર્ષોની વાત પણ ન કરતાં. મસ્તી-તોફાનમાં જ જલસા જલસા કરતાં.

પૈસા વગર ચાર વર્ષ ભણી ગણીને છેવટે સુઘોષે પેન્સિલ​વેનિયામાં જ ફિઝિકલ થૅરપિસ્ટ તરીકે કામ ચાલુ કર્યું. છેલ્લાં ૩૦-૩૧ વર્ષમાં અમે વારંવાર મળતાં જ રહેતાં. જેમ જેમ મોટા થતાં ગયાં, તેમ તેમ એકબીજાંને વધુ સમજતાં થયાં છીએ. પણ​, છેલ્લાં પાંચ વર્ષથી સુઘોષ ફિલા.માં રહે છે.

સુઘોષ મઝમુદાર અને કવિ હરીશ મીનાશ્રુ

સામાન્ય રીતે કે અસામાન્ય રીતે, મારાં ગામમાં સુઘોષ આવે તો એનું નિવાસસ્થાન તો મારાં ઘરે જ હોય ને! આવો વણલખ્યો કાયદો છે. પહેલાં ૪-૬ મહિના શાંતિથી સાથે ખાધું-પીધું ને રાજ કર્યું. ત્યારબાદ ખંજર મીયાંએ પીઠમાં નહીં, પણ છાતી ઉપર જ ખંજર માર્યું! બાજુમાં રહેતા સાક્ષર​, વાચક, વિવેચક​, પ્રેમસભર બાબુભાઈની સંગતે ચડીને હળ​વેકથી બાબુભાઈની માથે પડ્યો છે. સુઘોષ અને બાબુભાઈ બંને લોકો જગતનાં (... ..) સાહિત્યનાં આજીવન વિદ્યાર્થીઓ છે. રોજ સાંજ પડ્યે એમનાં પગથિયે ૪-૬ પુસ્તકો અને ૨-૪ જગ મશહૂર મૂવીઓ આવે. તો આ બંને સાથે બેસી દસ​-દસ​, બાર​-બાર કલાકની મૂવીઓ જુવે. એનાં પર ચર્ચા-વિચારણા કરે. તેથી તેમને મારી કંપની નબળી જ લાગે ને!

પ્રેમનો સંબંધ તો (... .)ની જાળ​વણી સાથે છે, એમ માની મેં સુઘોષને કાઢી નથી મૂક્યો. અમારી દોસ્તીમાં ઘોબો પડ​વા નથી દીધો. કારણ કે સુઘોષ એક અચ્છો માણસ છે. અમે બધાંએ હંમેશાં સુઘોષને આખો ને આખો જોયો છે. અમારી સાથે ખીલી ઊઠ્યો છે, ખૂલી શક્યો છે. અમે બધાં એને ઝીલી શક્યાં છીએ અને પોતે હજુ સુધી હિલ્લોળા લેતો ઝૂલી રહ્યો છે!

સુઘોષ હંમેશાં તમામ સ્ત્રીઓને કહેતો ફરે છે કે : “જો હું આ પૃથ્વીનો રાજા હોઉં, તો કોઈ પણ સ્ત્રીને ક્યારે ય રસોઈ કર​વી ન પડે!” વાત તો ભાઈ સાચી હોં! સુઘોષનું નિવાસસ્થાન એક જ એવું છે, જ્યાં રસોડાની તમામ કૅબિનેટ્સ પુસ્તકોથી ભરપૂર હોય અને દિવસમાં ત્રણ​‌-ચાર વાર બહારથી ગરમાગરમ રસોઈ આવી જાય​! એનાં ઘરનું વર્ણન કરું, તો બીજાં દસ​-બાર પાનાંનો લેખ થઈ જાય​. ટૂંકમાં કરું તો પણ ​... !

આ રખડતા માણસે પેન્સિલવેનિયામાં એક મોટો ગંજાવર બંગલો ભાડે રાખ્યો છે. જ્યાં પોતે વરસમાં ૧૦-૧૨ વખત જતો હશે, પણ હજારો લોકો પાસે ઘરની ચાવી છે. ઘરને તાળાં નથી. પ્ર​વેશતાં જ સામે માઇલ જેટલો લાંબો ડ્રાઇવ વૅ છે. સો-બસ્સો વૃક્ષો પાછળ તળાવ અને ૪ ગાડી રહે એવડું મોટું ગરાજ​! ૪-૫ બેડરૂમ અને રાચરચીલાંથી ભરપૂર મહેલ છે, બાપુ!! રાત્રે ઊઠીને પેશાબ લાગે, તો એકલાં બાથરૂમમાં જતાં પણ ફાટી પડાય​! ગરાજમાં જરા પણ અતિશયોક્તિ વગર કહું તો ૧૦૦-૨૦૦ કમ્ફર્ટર, ઓશીકાં, ચાદરો મળી રહે. શું કામ ... ખબર છે? કોઈપણ નવા મહેમાન આવે ત્યારે, દોડતો’ક જ​ઈને સુઘોષ નવી ચાદર​, ઓશીકાં, કમ્ફર્ટર લાવે છે. એ જૂની વાપરેલી ચાદરો કે કમ્ફર્ટર ધોવાની માથાકૂટમાં નથી પડતો. મિત્રો માટે અડધો અડધો થઈ જાય ​... સાવ હૈયાકૂટો છે! પોતાના તમામ પૈસા ખૂટી જાય​, ત્યાં સુધી ઘસાઈ શક્તો શક્તિમાન​, બેતાજ બાદશાહ છે. આ રંગમહેલમાં લાખો પુસ્તકો અને લાખો વીડિયો મૂવીઝ છે. તમારે કમ્પલસરી એક મૂવી જોવી જ પડે. જેનું નામ છે, સત્યજીત રે નું ‘જલસાઘર.’ એ મૂવી જોયા પછી સમજાઈ જાય કે જલસાઘરનો જાગીરદાર કે જમીનદાર માણસ એટલે એ પોતે! બીજું કોઈ નહીં. પણ​, સાક્ષાત્‌, સદેહે તમારી સામે હાજરાહજૂર ઊભેલો સુઘોષ પોતે!!!

એની રોજિંદી વાતોમાં ખાસ એ આવે કે તબિયતની કાળજી શી રીતે રાખ​વી, શું ખાવું-પીવું અને કેટલી કસરત કર​વી! વાંચનનો આમરણાંત વિદ્યાર્થી છે. એટલે એ બધાંને એક સલાહ આપે કે : “જગતના મહાન લેખકો મુખ્યત્વે ન​વ છે. એમને વાંચ્યા પછી જ કલમ હાથમાં ઉપાડવાની ... જેમ કે, હોમર​, વર્જીલ, દાન્તે, શેક્સપિયર​, મિલ્ટન​, સર​વાન્ટીસ​, ટોલ્સ્ટોય​, દોસ્તોયેવસ્કી, જેમ્સ જોયસ અને માર્શલ પ્રુસ્ય​.”

દરરોજ મશ્કરી કરે કે : “મારો બાપ​, મારી મા અને આ સૂચિ ... એ બધાં ‘C’ કક્ષાનાં લેખકો છે!”ત્યારબાદ અમારાં અંગત લોકોને ગ્રેડ આપે. બાબુ સુથાર ‘B’ કક્ષાના અને મધુ રાય એકલા ‘A’ કક્ષાના. આ રીતે જગતના લેખકોની હારમાળામાં મૂકે. લુચ્ચું હસતાં કહે કે : “હું લોકોને ‘C’ ગ્રેડથી નીચે ગ્રેડ નથી આપતો.” બોલો! મારાં ઘરે તો છાશ​વારે મોટા મોટા સાહિત્યકારો આવે. ભલભલાં લોકોને સુઘોષનો ડર લાગે. હું એને મશ્કરીમાં કહું છું કે : “તું કઈ વાડીનો વિવેચક છે કે અમારી આમ પત્તર રગડે છે!” મારે ત્યાં આવતાં તમામ મહેમાનોને લોંગ​વુડ ગાર્ડન, સ્ટ્રક્ચરલ ગાર્ડન અને પોતાનાં નિવાસસ્થાને આગ્રહ કરી કરીને અચૂક લઈ જાય​. બહુ પ્રેમથી રાખે અને દોડી દોડીને આવાં જગ મશહૂર સ્થળોનું દર્શન કરાવે. તમે જો જગતના મહાન લેખકોને વાંચ​વાની તૈયારી બતાવો, તો તમારે ઘરે ‘કોઝીઝ ઑફ ગ્રાંટ અમેરિકા’ની ચોપડીઓ અને વીડિયોનો રોજ સાંજે વરસાદ પડે, પડે ને પડે જ​! તમે તો ગભરાઈ જાવ કે આટલું બધું લેસન કેમ કરશું! વાંચતાં વાંચતાં કે લેસન કરતાં કરતાં ગોથું ખાવ, ને સુઘોષને ફોન કરીને પૂછો, તો તમને નોકરી છોડી, હડી મેલતો ભણાવ​વા આવે!

આમ પાછો બહુરૂપિયો છે. જાતજાતનાં કપડાં પહેર​વાનો શોખ છે. નાટકિયો અને ફારસિયો છે. મુસલમાની ઢબ​-છબનાં રંગીન, ચકચકિત કપડાં પહેર​વાનો શોખીન છે. એક વખત કોઈ મોટા ખાં-સાહેબનો જલસો પીટસબર્ગનાં મંદિરમાં હતો. ત્યાં આવા વેશ કાઢી, એક સામાન્ય શ્રોતા તરીકે ગયેલો. ખાં-સાહેબ મોડા પડેલા. તો આ ભાઈસાહેબને જોઈને ઑર્ગેનાઇઝર લોકોને થયું કે ખાં-સાહેબ આવી ગયા! સુઘોષને ધામધૂમ સાથે સ્ટેજ પર લ​‌ઈ ગયા. આપણો બાપલિયો પાછો ઠાઠથી સ્ટેજ પર ચડી પણ ગયો! ગુજરાતી એકૅડેમીનાં કોઈ પણ ફંક્શનમાં આવા વેશ કાઢીને જ આવે છે. ત્યારે હું એને હંમેશાં કહું છું કે : “મારી પાસે ન બેસતો હોં ... બધાં મને પૂછે છે કે આ ભાઈ કોણ છે?”

સુઘોષને જિંદગીમાં કોઈ ટાઇમટેબલ નથી. જેથી પરણ્યો પણ નથી. એકલો રહે છે. કારણ કે એને પત્ની કરતાં સ્વતંત્રતા વધુ વહાલી છે! મૅરેજ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધી છે. હંમેશાં ગાતો ફરે છે : “આ પૃથ્વીનું હું પુષ્પ​, માન​વી ગુલામ ​...”

સાવ ખિસકોલી જેવો છે. ક્યાં કૂદકો મારશે એ ખબર ન પડે! આપણને કહે કે : “દસ મિનિટમાં આવું છું.” અને બે કલાક પછી ખબર પડે કે ભાઈ તો કેલિફોર્નિયા જ​વા માટે ઍરપૉર્ટ પર બેઠા છે! ગામે ગામ નોકરી કરે. ગમે ત્યારે નોકરી છોડી, મહિનાઓ સુધી યુરોપના પ્ર​વાસે ઊપડે! ઇટાલીનાં ફ્લોરેન્સ મ્યુઝિયમમાં આપણા મધુસૂદન કાપડિયાને ‘હલ્લો’ કરતો મળે!

એક બીજી પણ ખાસિયત છે ... હજારો મિત્રો છે. પણ કોઈ પણ મિત્રની વાત કરે, ત્યારે પુરુષ મિત્ર મહેમૂદ અને સ્ત્રી મિત્ર એટલે ઝુબેદા! આપણે પૂછીએ કે “ઈ કોણ​?” ત્યારે જ​વાબ મળે કે, “આ મેં પાડેલાં જિનેટિક નામ છે.”

પોતે સાવે સાવ નાસ્તિક માણસ છે. ભગ​વાન કે અલ્લાહમાં માનતો નથી. પણ ચુસ્ત​, હળાહળ હિન્દુઓને ચીડ​વ​વા-મસ્તી કર​વા માટે જોર​-શોરથી બોલતો ફરે છે : “સલામ આલેકુમ​. ખુદા હાફિઝ. લા ઇલાહી ઇલ્લલા મહમદ રસુલ અલ્લા.” અમારાં ખોજા મિત્રનાં બાળકો તો એને કોઈ મોટો સૂફી સંત માની એના હાથ ચૂમે છે. અરે! ‘જય સ્વામીનારાયણ’ બોલતાં લોકોને ભરી છાતીએ સામે બોલે છે : ‘જય તાલિબાન​.’

‘વસુધૈવ કુટુંબ’ જેવડો એનો સંસાર મોટો છે. મિત્રોને પ્રેમ કર​વો, કોઈ પણ માટે ખડે પગે ઊભા રહેવું, મદદ કર​વી અને એનો લેશમાત્ર ભાર ઉભય પક્ષે ન રહે, એવી દિલોજાની શીખ​વી હોય તો ... પતિદેવની ભાષામાં કહું તો ‘આ બાઘડાને મળો!’

કોઈની ગાડી ન્યુયોર્કમાં ફસાઈ જાય તો પોતે ભલે ને પેન્સિલવેનિયામાં હોય​. પણ (પાઇક) ઉપરથી પાછો ફરી, ન્યુયોર્ક જઈ, પોતાનું ટ્રિપલ એ કાર્ડ વાપરી ગાડી સમી કરાવે. મિત્રોનાં જુવાન બાળકોને ગાડી આપે. ઇન્ટર​વ્યૂમાં લાંબે અંતરે જ​વા પ્લેનની ટિકિટ કઢાવી આપે. રાત્રે રહેવા માટેની મોટેલ બુક કરે. સાવ અજાણી વિધ​વા સ્ત્રીને ૫૦૦ માઇલ ભાગી રાઇડ આપે. નોકરી મળે ત્યાં સુધી રહેવાં-જમ​વાની વ્ય​વસ્થા કરે.

આ બધાં ઉપરાંત એક મોટી ઉંમરનાં દંપતીને તો ગંજાવર મહેલનાં માલિક બનાવી દીધાં છે. સાવ ‘બાગબાન​’ મૂવી જેવી વાત છે. દીકરા-વહુએ દગો દીધેલાં ઘરડાં મા-બાપને પ્રેમથી સાચ​વે છે.

મોટાં, પહોળાં ક્ષેત્રમાં પથરાયેલા સુઘોષને શબ્દોમાં પરોવ​વો અઘરો છે. આ છોકરા પાસેથી એટલું શીખી છું કે ભગ​વાનની પૂજા કરતાં પણ વિશેષ, મિત્રો સાથે કરેલી મિજબાની છે. મારું અહોભાગ્ય છે કે હું પણ એની જિનેટિક ઝુબેદા ડોશી છું!

e.mail : [email protected]

Category :- Profile