જયંત મેઘાણી : આજીવન 'પુણ્યનો વેપાર' કરી 'જ્ઞાનમાળી' બનનાર બુકમૅનનું જીવનકવન

સંજય શ્રીપાદ ભાવે
10-12-2020

'જ્ઞાનમાળી' જયંત મેઘાણી

ઇમેજ સ્રોત, ડૉ. અશ્વિનકુમાર

ઝવેરચંદ મેઘાણીએ તેમના અને ચિત્રાદેવીના દીકરા બંટુની આઠ વર્ષની ઉંમરે 27 માર્ચ 1946ના રોજ મુંબઈથી લખેલા એક પત્રમાં લખ્યું હતું :

‘બંટુની કશી ચિંતા કરવી નહીં. ખૂબ રમે છે. એને તો બધું નવીન પણ દરેક નવીનનો ઝીણી નજરે અભ્યાસ કરે છે, જ્યાં જઈએ છીએ ત્યાં ઝીણું ઝીણું જોઈ લે છે ... તે શીખે જ છે. એનું જ્ઞાન વધી રહ્યું છે.’

પછીનાં વર્ષોમાં બંટુ પોતાનું જ્ઞાન તો વધારતો ગયો, સાથે દુનિયાભરનું જ્ઞાન પુસ્તકો થકી ઘણા લોકો સુધી પહોંચે તેવાં કામ કરતો કરતો રહ્યો. એ ગ્રંથપાલ બન્યો. પછી પિતાને અભિપ્રેત એવો ‘શહેરના જ્ઞાનમાળી’ સમો ‘બુકસેલર’ બન્યો, નામે જયંત.

જયંત મેઘાણીનાં રળિયામણાં પુસ્તક ભંડારનું નામ ‘પ્રસાર’, મુકામ ભાવનગર. આ સંસ્કારનગરીમાં પુસ્તકવ્યવસાયનો ‘પુણ્યના વેપાર’ કરવાની સાથે જયંતભાઈએ પ્રકાશન, સંપાદન અને અનુવાદનાં મનભર કામ કર્યાં. નરવાઈ અને નમ્રતા, આભિજાત્ય અને અભિરુચિ, હળવાશ અને હેતભરી જિંદગીમાં આબાલવૃદ્ધ દોસ્તારો બનાવ્યા. એક ઉમદા સંસ્કારવ્યક્તિ તરીકે સ્થાન પામ્યા અને 4 ડિસેમ્બરે 83 વર્ષની વયે વિદાય લીધી.

જયંતભાઈએ ઝકઝોળી દે તેવાં પુસ્તકો દ્વારા પિતા ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યને વાચકો સમક્ષ મૂક્યું. આ રીતે પુસ્તકો તૈયાર કરવાનું, એટલે કે મેઘાણીસાહિત્યનાં સંપાદનનું, આગવી દૃષ્ટિથી કરેલું કામ તે જયંતભાઈનું ચિરંજીવી પ્રદાન. તેની ગુજરાતી વિવેચનમાં નહિવત્ કદર થઈ છે. જો કે લખતા-વાંચતા જનોના એક વર્ગને પ્રિય જયંતભાઈ એટલે ‘પ્રસાર’ ચલાવનાર પુસ્તક વિક્રેતા.

આયાસ વિનાની સૌંદર્યદૃષ્ટિથી સજાવેલી આ પુસ્તકોની દુકાન બહુ મોટી ન હતી. પુસ્તકો અને ખરીદનાર બહોળી સંખ્યામાં હતા એવું ય ન હતું. છતાં અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુ વાચકો, ગૃહિણીઓ અને બાળકો માટે ચૂંટેલાં પુસ્તકોનું નાનું ઝરણું અહીં નિરંતર વહેતું રહેતું.

ગામડાંગામનો કોઈ ગ્રંથપાલ અહીં આવીને પુસ્તકો વીણતો જોવા મળે. દેશ-વિદેશની કેટલીક શિક્ષણ-સંશોધન સંસ્થાઓ અને લાઇબ્રેરીઓ માટેનાં પાર્સલો પણ અહીંથી રવાનાં થતાં હોય, એક તબક્કે તો ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ માટેનાં પણ !

પુસ્તકો ઉપરાંત લોકકલા-હસ્તકલાની વસ્તુઓ, કલાત્મક કાગળો, સુશોભિત સ્ટેશનરી, ગ્રીટિંગ કાર્ડ્સ, ડાયરીઓ, સુગમ તેમ જ શાસ્ત્રીય સંગીતની કૅસેટો અને સી.ડી. જેવું વસ્તુવૈવિધ્ય પ્રસારના કલા-હાટમાં સુલભ હોય. માહોલમાં કલાસ્પર્શ અનુભવાય. પુસ્તકો-સંગીત-કલાના સહુ રસિકજનોનું અહીં નિત્ય સ્વાગત હોય.

આજીવન 'જ્ઞાનમાળી' જયંતભાઈ

જયંત મેઘાણી

ઇમેજ સ્રોત, નિખિલ મોરી

મોટા ભાઈ મહેન્દ્રભાઈની ભાવેણાની પુસ્તકોની દુકાન ‘લોકમિલાપ’, તેમનાથી નાના ભાઈ દિવંગત નાનકભાઈની અમદાવાદની દુકાન ‘ગ્રંથાગાર’ અને જયંતભાઈની દુકાન ‘પ્રસાર’. ત્રણેયમાં ‘દુકાન’ શબ્દ દિવ્યતા ધારણ કરે. ત્રણેય ‘બુકસેલર’ મેઘાણીપુત્રોએ, તેમના પિતાએ 16 જૂન 1934ના ‘જન્મભૂમિ’માં લખેલાં શબ્દોને સાર્થક કર્યા છે : ‘બુકસેલર તો પોતાનાં શહેરનો જ્ઞાનમાળી બની શકે.’

‘પ્રસાર’ના બુકસેલરને તો બેવડો ફાયદો હતો. બી.કૉમ.ની અણગમતી પદવીનાં ચાર વર્ષ દરમિયાન ‘લોકમિલાપ’ની તાલીમ અને પછી વડોદરામાંથી મનગમતા વિષય ગ્રંથાલય વિજ્ઞાનનો ડિપ્લોમા. ભાવનગરના ‘ગાંધી સ્મૃતિ ગ્રંથાલય’માંની અત્યાર સુધીની સક્રિયતા 1962માં ગ્રંથપાલ તરીકેની નિમણૂકમાં પરિણમી.

હવે જયંતભાઈ ગ્રંથાલયને અદકો ઘાટ આપવા લાગ્યા. કબાટોનાં તાળાં દૂર કરી દીધાં. ગ્રંથાલયને ઓરડાઓમાં વહેંચનારી દીવાલોને દૂર કરીને તેને એક વિશાળ રૂપ આપ્યું. વાચકોને ડગલે ને પગલે આત્મીયતાથી મદદ કરી.

પુસ્તકાલયના સંકુલમાં પુસ્તક પ્રદર્શન, ગ્રંથગોષ્ઠી અને સંગીતની મહેફિલો જેવા કાર્યક્રમો યોજ્યા. કેટલાક પીઢ ભાવેણાવાસીઓને રસિક વાચકો માટેના પુસ્તકબાગની ઉજાણી જેવાં અને સંશોધકો માટેના સુવર્ણકાળ જેવાં એ વર્ષો સાંભરે છે.

ઇમેજ સ્રોત, નીરજ મેઘાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રંથાલય વિભાગના અધ્યક્ષ તરીકે જયંતભાઈની જ નિમણૂક થશે એવું લગભગ ધારી લેવામાં આવેલું. પણ ‘ગાંધીસ્મૃતિ સંસ્થામાંના રસ અને લગાવ’ને કારણે જયંતભાઈએ અરજી સુધ્ધાં ન કરી.

જયંતભાઈ ગ્રંથાલયનું કાર્યક્ષેત્ર છોડીને 1968માં ‘લોકમિલાપ ટ્રસ્ટ’માં ગયા. એ કાળ હતો મહેન્દ્રભાઈનાં સ્વપ્નસમી ‘ભારત-દર્શન’ પુસ્તક-પ્રદર્શનોની ગાંધી શતાબ્દી યોજનાની તૈયારીનો.

ભારત વિશેનાં પુસ્તકોનો એક ચુનંદો સંગ્રહ અનેક દેશોમાં પ્રદર્શિત કરવાની યોજના હતી. યુરોપ-અમેરિકાના દેશોમાં પ્રદર્શન લઈને મહેન્દ્રભાઈ ગયા હતા. જયંતભાઈને ભાગે આફ્રિકાના પાંચ દેશો અને ઑસ્ટ્રેલિયા-ન્યુઝીલૅન્ડ-ફિજી હતા.

લોકમિલાપ 1972માં છોડવાનું થયું. જયંતભાઈ માટે ગ્રંથાલય ક્ષેત્રે પાછા ફરવાની તક એ અર્થમાં હતી કે તેમને અમેરિકાની પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટશીપ સાથે પ્રવેશ મળ્યો હતો.

ઇન્ડિયન સ્ટડીઝના એક વિશિષ્ટ ગ્રંથપાલ બનવાની મુરાદ હતી. બીજી બાજુ ‘પ્રસાર’ નામે પુસ્તકભંડાર શરૂ કરવાનું સ્વપ્ન હતું. આખરે એ જ વર્ષે ‘પ્રસાર’નો વિકલ્પ અપનાવ્યો. વર્ષોના પુસ્તક સંગાથે જયંતભાઈને ‘બુકમૅન’ બનાવ્યા. પુસ્તકમાં જેનો જીવ હોય અને પુસ્તક જેની જિંદગી હોય તેવા માણસનું - બુકમૅનનું કુળ આપણે ત્યાં દોહ્યલું છે.

પુસ્તકો અંગે સઘળું જ્ઞાન

ઇમેજ સ્રોત, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય

પુસ્તકની ગુણવત્તા ઉપરાંત તેની માંડણી, છપામણી, બાંધણી, ગોઠવણી, સારણી, સાચવણી, વહેંચણી જેવી બાબતો વિશે જયંતભાઈ જેટલું જાણનારા ઓછા મળે. મુદ્રણ અને પ્રકાશન, ગ્રંથવ્યવસાય તેમ જ ગ્રંથાલય પ્રવૃત્તિના ઇતિહાસ તેમ જ વર્તમાન એ જાણે. ગ્રંથસંગ્રાહકો અને ગ્રંથઘેલાઓને પિછાણે. પુસ્તકોની દુનિયાનાં અનેકવિધ પાસાં વિશેનાં ‘બુક્સ અબાઉટ બુક્સ’ તરીકે ઓળખાતાં દુર્લભ પુસ્તકોનો જયંતભાઈ પાસે સંગ્રહ હતો.

આવા ગ્રંથજ્ઞ જયંતભાઈ વર્ષો સુધી એક મહત્ત્વનું વ્યાવસાયિક કામ કરતા હતા. અમેરિકાના વૉશિન્ગટન ડી.સી. ખાતેનાં દુનિયાનાં સહુથી મોટી ગણાતી ‘લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ’માં ગુજરાતી પુસ્તકો વ્યાવસાયિક ધોરણે પૂરાં પાડવાનું કામ ‘પ્રસાર’ ત્રણેક દાયકાથી કરતું રહ્યું છે. લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસની મહત્તા, તેમાં સ્વીકાર પામતાં પુસ્તકોનો પ્રકાર, પસંદગીનાં ધોરણો, પુસ્તકો સૂચવવાં અને મોકલવાની કાર્યપદ્ધતિ જેવી બાબતો અંગે જયંતભાઈ સાથે વિગતવાર વાત કરતાં સમજાય કે આપણા એક પુસ્તક વિક્રેતાની આ ઘણી મોટી સિદ્ધિ હતી. લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ માટે જયંતભાઈ નફો-નુકસાન કરતાં વેપારી, ડીલર કે એજન્ટ ન હતા. તે ગુજરાતી ભાષાનાં ઉત્તમ પુસ્તકો પસંદ કરવા અને મોકલવા માટે જવાબદાર વ્યક્તિ હતા.

'સમગ્ર મેઘાણી સાહિત્ય'નું સંપાદનકાર્ય

ઇમેજ સ્રોત, પ્રજાક્તા

‘પ્રસાર’ પુસ્તક પ્રસાર અને વેચાણ ઉપરાંત પ્રકાશનમાં પણ વિસ્તર્યું. મેઘાણીભાઈનાં પુસ્તકો ઉપરાંત, ગુજરાતી વાચકોમાં ‘પ્રસાર’નું હંમેશ માટે યાદગાર બની રહેલું પુસ્તક તે ‘સળગતાં સૂરજમુખી’ (1994). તેમાં જયંતભાઈના મોટા ભાઈ વિનોદ મેઘાણીએ વિખ્યાત અમર ચિતારા વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન લેખક અરવિન્ગ સ્ટોનની નવલકથા ‘લસ્ટ ફૉર લાઇફ’ને ગુજરાતીમાં ઉતારી છે. વાચક પર અસાધારણ અસર ઉપજાવનાર અનુવાદ ઉપરાંત દુર્લભ ચિત્રોનું ઉત્તમ પુનર્મુદ્રણ આ પુસ્તકની જણસ છે.

‘સમગ્ર મેઘાણી સાહિત્ય’નું જયંતભાઈનું સંપાદનકાર્ય એ ગુજરાતી સાહિત્યના પુસ્તક સંપાદનક્ષેત્રે અત્યારના સમયમાં કદાચ એક સર્વોચ્ચ શિખર છે. મેઘાણી-સાહિત્યનાં, જોતાં જ ગમી જાય તેવાં અને અનેક રીતે ઉત્તમ ગુણવત્તા ધરાવતાં પંદર પુસ્તકો ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ નામની ગ્રંથ-શ્રેણી હેઠળ ગુજરાત સાહિત્ય અકાદમીએ આ વર્ષની શરૂઆતમાં બહાર પાડ્યાં છે.

ઇમેજ સ્રોત, ‘પ્રસાર’

અસાધારણ સંપાદક જયંત મેઘાણીની સમજ અને માવજત સાથેનાં 7674 પાનાંની આ ગ્રંથમાળામાં ઝવેરચંદ મેઘાણીનાં પંચ્યાશી જેટલાં પુસ્તકોમાંથી છેંતાળીસ પુસ્તકોનો પંદર ગ્રંથોમાં સમાવેશ થયો છે. ધ્યાનમાં ન આવતી બાબત એ છે કે જયંતભાઈએ આ કામ એકંદરે અણદીઠ રહીને કરેલું છે. જયંતભાઈની મહત્તા તેમની નમ્રતા અને શાલીનતા હેઠળ હંમેશાં ઢંકાતી રહી છે. બધા જ ગ્રંથોમાં જયંતભાઈનું નિવેદન મીતભાષી અને ઉઘડતાં જમણાં પાને નહીં પણ ડાબા પાને છે. તેમનું નામ નાના ફૉન્ટમાં આછી છપામણીમાં જોવા મળે છે.

આમ તો જયંતભાઈ એ મૂકવાનું પસંદ ન કરે. પણ બંધુવર્ય મહેન્દ્રભાઈની વાત માની લીધી કે ‘પ્રસિદ્ધિ તરીકે નહીં પણ જવાબદારી તરીકે પણ નામ મૂકવું પડે’!

સમગ્ર મેઘાણી સાહિત્ય ગ્રંથશ્રેણીમાં મેઘાણીનું ખૂબ લોકપ્રિય પુસ્તક ‘સૌરાષ્ટ્રની રસધાર’ સહુથી દળદાર એટલે કે સાડા છસો પાનાંનો નવમો ગ્રંથ બને છે. તેના પછી ‘બેલડા બંધુ’ જેવું ‘બહારવટિયા કથાઓ’ પુસ્તક છે.

ઇમેજ સ્રોત, પાર્થ ત્રિવેદી

લોકસાહિત્યના ગ્રંથોમાં ‘લોકકથા સંચય’, ‘રઢિયાળી રાત’ ‘લોકગીત સંચય’નાં પુસ્તકો છે. લોકવાણીના સંગ્રહોમાં મેઘાણીએ લખેલા પ્રવેશકો ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’માં, અને લોકવિદ્યાને લગતા તેમનાં લેખો-વ્યાખ્યાનો ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય’માં વાંચવા મળે છે. મેઘાણીનાં વર્ષોનાં રઝળપાટનાં સંભારણાં ‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ નામના સોળમા ગ્રંથમાં મળે છે. તે પછી ‘સોરઠી સંતો અને સંતવાણી’ ગ્રંથ છે. મેઘાણીએ ભજનોને લોકવાણીનો અંતિમ પરિપાક કહ્યો છે. એમના સાહિત્યજીવનનું પણ એ અંતિમ કર્મ હતું.

સર્જનનો આરંભ કવિતા અને વાર્તાલેખનથી થયો હતો. મેઘાણી શ્રેણીનો પહેલો ગ્રંથ ‘સોના નાવડી’ છે જે કવિની તમામ 450 પદ્યરચનાઓને સમાવે છે. આ સહુથી રમણીય પુસ્તકમાં ‘યુગવંદના’ સહિત નવ સંચયો છે.

ઇમેજ સ્રોત, ‘પ્રસાર’

બીજા ક્રમના ગ્રંથ ‘પરિભ્રમણ’ના બે ખંડ છે. તેમાં ‘બીજા પ્રદેશના, દરિયાપારનાં સાહિત્ય, પત્રકારત્વ અને કળાનાં વિવિધ પાસાં પરનાં સંખ્યાબંધ લેખો અને નોંધો’ છે. મૂળે વેરવિખેર અને વર્ગીકરણમાં પડકારરૂપ એવી સામગ્રીથી ખીચોખીચ એવાં ‘પરિભ્રમણ’નાં તેરસો પાનાં જયંતભાઈ(અને સહસંપાદક અશોક મેઘાણી)ના પરિશ્રમની પરાકાષ્ઠા સમાં છે.

ત્રીજો ગ્રંથ મેઘાણીની ‘સમગ્ર નવલિકા’ નામે બે ખંડમાં છે. ચોથા ગ્રંથમાં મુખ્યત્વે બંગાળીમાંથી અનુવાદિત બે નાટકો છે. સમગ્ર મેઘાણી સાહિત્ય યોજના હેઠળ હજુ નવેક પુસ્તકો પર જયંતભાઈ કામ કરી રહ્યા હતા. તેમાં નવલકથાના ચાર ઉપરાંત ચરિત્ર, ઇતિહાસ, પત્રકારત્વ અને મેઘાણીના અંગ્રેજી લેખો પરનું એક-એક પુસ્તક હતું.

ઓગણીસમા ક્રમનો ગ્રંથ ‘મેઘાણી-સંદર્ભ’ નામનો ખૂબ વિશિષ્ટ શાસ્ત્રીય ગ્રંથ તરીકે પ્રયોજ્યો હતો. તેની અજોડ સામગ્રી આ મુજબ હતી : ‘જીવનક્રમ, છબિ-સંગ્રહ, મેઘાણી-ગ્રંથસૂચિ, મેઘાણી વિષયક સાહિત્ય સૂચિ, રચનાક્રમ-આલેખ, સમગ્ર મેઘાણી-સાહિત્યની પાત્રસૂચિ અને સ્થળસૂચિ, મેઘાણીનાં જીવન અને સાહિત્ય વિષયક નકશા’.

ઇમેજ સ્રોત, ‘પ્રસાર

જયંતભાઈનું સંપાદનકાર્ય પિતૃતર્પણથી આગળ વધીને સાહિત્ય માટેનો ઊંડો લગાવ, સંપાદનકળાની જાતે કેળવેલી સમજ અને વંદનીય કર્તવ્યનિષ્ઠા બતાવે છે. ઔપચારિક અર્થમાં જયંતભાઈ સાહિત્યના અધ્યાપક કે સંશોધક નથી. પણ તેમનાં સંપાદનકમાં વૈજ્ઞાનિકતા, તેમના વ્યાપ અને વ્યાસંગ વિરલ છે.

ઘણા લોકો નિવૃત્ત થાય તે વયે અને એટલે કે અઠ્ઠાવનમાં વર્ષે જયંતભાઈએ સમગ્ર મેઘાણી સાહિત્યની દસ હજાર પાનાંની યોજના મેઘાણી જન્મશતાબ્દીના 1996ના વર્ષમાં ઉપાડી અને પછીની જ સાલમાં અસલ સોના જેવું ‘સોના-નાવડી’ આપ્યું. મેઘાણી પરિવારની આ યોજનાનો મુખ્ય હેતુ ‘લેખકના સાહિત્યની પ્રમાણભૂત વાચના’ લોકો સમક્ષ મૂકવાનો હતો. આ જરૂરી પણ હતું.

અનેક કારણોસર મેઘાણીનું સર્જન-સંશોધન પુસ્તકો, તેમની અનેક આવૃત્તિઓ, અખબારી લખાણો, સંશોધનનાં ટાંચણો, વ્યાખ્યાનો જેવાં કેટલાં ય સ્વરૂપે અસ્તવ્યસ્ત હતું. પ્રકાશનસાલ, તખલ્લુસો વચ્ચેથી લેખકની ઓળખ, લખાણોમાં લેખકે પોતે કરેલા સુધારા-વધારા, પુસ્તકોની પછીની આવૃત્તિઓમાં સંપાદકો થકી ઉમેરણો-બાદબાકીઓ, પ્રસ્તાવનાઓ અને ટિપ્પણીઓ જેવા સંખ્યાબધ પ્રશ્નો જયંતભાઈએ તર્કપૂર્ણ રીતે હલ કર્યા છે.

અગ્રંથસ્થ લખાણો ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ’ અખબારોની જૂની ફાઇલો ઉપરાંત સામયિકોના અંકોમાંથી શોધ્યાં છે. આ બધા થકી જયંતભાઈએ મેઘાણી-સાહિત્યનો અધિકૃત પાઠ તૈયાર કર્યો છે. આ પ્રક્રિયાની માહિતી તેમણે જે-તે ગ્રંથમાં ટૂંકાં, તટસ્થ નિવેદનોમાં આપી છે. તેમાંના પડકારો સંશોધકે બિટવિન ધ લાઇન્સ વાંચવા પડે છે.

સંશોધક ન હોય એવા વાચનપ્રેમી માટે સહુથી નોંધપાત્ર બાબત તે જયંતભાઈનાં પુસ્તકોની સુરુચિપૂર્ણ આકર્ષકતા છે. અકાદમીની ગ્રંથમાળાનાં પાકાં પૂંઠાંનાં આવરણો તો બહુરંગી છે. રેખાંકનો અને તસવીરોની જયંતભાઈની આગવી સૂઝ જાણીતી છે. પૂરક સામગ્રી તરીકે તે કેટલીક જગ્યાએ મેઘાણીના હસ્તાક્ષરનો ઉપયોગ વાચકને રોમાંચિત કરી દે છે. શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થ પણ કેટલાક ગ્રંથોમાં છે.

પુસ્તકને શક્ય એટલું યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે જયંતભાઈ જે સૂચિઓ આપે છે તે એમની અનોખી સિદ્ધિ છે. તેમને હાથે તૈયાર થયેલી સ્થળસૂચિ, પાત્રસૂચિ, ગીતો/કવિતાઓની સ્મરણપંક્તિઓની સૂચિ, અનુકૃતિઓની તેમ જ તેમની મૂળ કૃતિઓની સૂચિ અને ઉલ્લેખસૂચિ ખાસ અભ્યાસ કરવા જેવી છે.

ઇમેજ સ્રોત, ‘પ્રસાર’

ગ્રંથોમાંની સૂચિઓ ઉપરાંત વાચકોને પુસ્તકો અંગે માહિતી માટેના સૂચિપત્રો (કેટલોગ્સ) જયંતભાઈની બીજી એક ઉપલબ્ધિ. ‘પ્રસાર’ વારંવાર નમણાં અને ગ્રંથનામ સભર સૂચિપત્રો બહાર પાડતું રહેતું. એક સૂઝવાળા અને રસિક ગ્રંથજ્ઞની છાપ સૂચિપત્રઓનાં પાને પાને જોવા મળે છે. બે-ત્રણ લીટીમાં પુસ્તકોનો લઘુ પરિચય આપવાની જયંતભાઈની હથોટી નોંધપાત્ર હતી.

આવી સૂચિઓ પાછળ પ્રકાશન વ્યવસાયનો અભ્યાસ, ગ્રંથાવલોકનોનું વાચન અને પુસ્તકોની સમજ રહેલી હોય છે. સૂચિપત્ર બનાવવા પાછળ લાગણી હોય છે તે પુસ્તકના આગમનની જાણ કરવાની.

એટલે જ એક સૂચિપત્રમાં જયંતભાઈ લખે છે : ‘ ... પાર્સલ આવે ત્યારે બીજું બધું કામ પડતું મૂકીને એ ખોલવાની ને નવી નવી ચોપડીઓ જલદી જોવાની ઉત્કંઠા રોકી શકાતી નથી. અને એક એક પુસ્તક જોતાં નજર સામે તેના વાચકની પ્રતિમાઓ ખડી થઈ જાય છે. એમ થાય છે કે ‘ક્યારે વાચકોને બોલાવીને કહીએ કે ‘જુઓ તો ખરા, આ કેવી સરસ ચોપડી તમારા માટે આવી છે !’, ‘આ પુસ્તક જોયા વિના તમારે નહીં જ ચાલે...’

પુસ્તકોની આવી સંગતનો, ચોપડીઓની આવી દોસ્તીનો, આ રસભર સૃષ્ટિ સાથે તેના ચાહકોનું મિલન કરાવવાનો અકથ્ય રોમાંચ છે. આ માત્ર દુકાનમાં બેસીને જણસો વેચ્યા કરવાની વાત નથી, પુસ્તક-પ્રસારનો ‘રોમાન્સ’ છે.’ આ રોમાન્સ પાછલાં વર્ષોમાં ઈ-મેઇલ દ્વારા માણતા રહ્યા છે.

બુકમૅનની અલવિદા

ઇમેજ સ્રોત, ‘પ્રસાર’

પાછલાં વર્ષો રવીન્દ્રનાથનાં અનુવાદથી તરબોળ રહ્યાં. ગુરુદેવનાં મૌક્તિકોનો અત્યંત રળિયામણો નાનકડો સંચય ‘તણખલાં’ 2007માં આપ્યો હતો. હમણાં બે વર્ષ ઉપર ત્રેપન કાવ્યોનાં ‘અનુવાદ મનોયત્નો’ તરીકે ‘અનુકૃતિ’ સંગ્રહ આવ્યો. તેની સાથેના ‘રવીન્દ્રસાન્નિધ્યે’ ગદ્યસંચયમાં કવિવર વિશેનાં કેટલાંક સંસ્મરણાત્મક લખાણો અને કવિવરનાં ચાર આત્મકથનો વાંચવા મળે છે. તેની અર્પણ પંક્તિઓ છે :

વિનોદભાઈ અને નાનકભાઈ

વહેલેરાં પ્રયાણ આખરી પંથે થયાં તમારાં,

હવે વાટડીએ જરા થોભજો ને વળીવળીને આ નાનેરાની વાટ જોજો

નાનેરો ચોથી ડિસેમ્બરની મોડી સવારે નાહીધોઈને કામ કરવાનાં હંમેશનાં ટેબલ-ખુરશીએ બેઠો અને પછી ચાલી નીકળ્યો. નહીં દવાખાનું, નહીં દરદ. દેહદાન કર્યું. જીવન જેવું જ શાંત, નિર્મળ પ્રયાણ.

નિર્મળતા અને નમ્રતા, સંસ્કારિતા અને સંકોચશીલતા જયંતભાઈના રોમેરોમમાં હતી. ઓછાબોલા અને અતડા હોવાની છાપ ઝડપથી ભૂંસાઈ જતી, અને તેમના વ્યક્તિત્વની હૂંફનો અનુભવાતી. સ્વામી આનંદના ‘બંટુ દોસ્ત’ની મોટી મિરાત મૈત્રીની છે. એક નાની છોકરીની ડાયરીમાં સહી સાથે સંદેશ આપે છે : ‘આપણી દોસ્તી પાકી !’ કોઈ પગે લાગવા જાય તો છણકો કરે : ‘બધી ભાઈબંધી બગાડી નાખી!’

મિત્રો સાથે ઘણા પ્રવાસ કરેલા. દેવરાજ પટેલ નામના યાર સાથે 1977માં બે મહિના યુરોપના પંદરેક દેશોમાં રખડપટ્ટી કરી હતી. મિત્રોને પોતે બનાવેલાં પી-નટ બટર, બુક માર્ક્સ્, અનોખા વૉલ પીસેસ, દુર્લભ પુસ્તકોની મૂળ કદમાં કઢાવેલી ઝેરોક્સ પ્રત જેવી ભેટ આપે. પ્રસંગે તેમણે લખેલા પત્રો ફરી ફરી વાંચવાનું મન થાય.

શાંત અને મૃદુ

જયંત મેઘાણી

ઇમેજ સ્રોત, નીરજ મેઘાણી

બોલવે-ચાલવે પરમ શાંત અને મૃદુ. પણ ઇન્ટેન્સિટી બરકરાર, અને પુણ્યપ્રકોપ પણ. નોકરી નહીં કરવા પાછળનું એક કારણ ‘નોકરી થઈ જ ન શકે એવો સ્વભાવ.’ પોતે સ્વતંત્રપણે કરેલા અતિ મૂલ્યવાન કામ વિશે અભિમાન નહીં, બલકે અલ્પતાનો અહેસાસ. પોતાની જાતને ઓછી મહત્ત્વની માને. નામ કરતાં કામ વિશે વાત કરવાનું વારંવાર કહે.

પુસ્તક પ્રસારના કામ પાછળ ‘રસ અને મહેનત ચોક્કસ છે’ એ જણાવીને સ્પષ્ટ કરે કે એમનો ‘એ વ્યવસાય છે, મિશન નથી’. તેમનાં કામ માટેનું શ્રેય તેમનાં ઉછેર, સંજોગો અને ભાવનગરને આપે.

તેઓ કહેતા : ‘બબ્બે ગ્રંથભંડારો ચલાવનારા આ નાનકડા શહેર ભાવનગરના લોકોને ધન્ય છે.’

જયંતભાઈએ ખુદ વિશેની એક નોંધમાં લખ્યું છે : ‘મિત્રો, પુસ્તકપ્રેમીઓ, જ્ઞાનરસિકો મને બુકમૅન તરીકે ઓળખે છે. એથી વધુ આકાંક્ષા નથી. આ ‘બુકમૅન’-પણાએ મને કેટલાક સરસ મિત્રોનું વૃંદ આપ્યું છે. જગતનાં ઉત્તમ પુસ્તકોની સોબત આપી છે – પછી એમ થાય કે બસ, બીજું કાંઈ નથી જોઈતું.’

સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી માટે; 09 ડિસેમ્બર 2020

Category :- Profile