તંત્રોની અને પ્રજાની બેદરકારી કોરોના કરતાં પણ વધારે ભયંકર છે ...

રવીન્દ્ર પારેખ
30-11-2020

આપણાં તંત્રો મતલબી ને પ્રજા બેદરકાર છે. આ પ્રજા જીવને જોખમે પણ, બેદરકારી દાખવવામાં જરા ય શરમાતી કે અચકાતી નથી. કોરોના એકંદરે કાબૂમાં આવ્યો હતો. કેસ ઘટવા માંડ્યા હતા. તઘલખી સરકાર પર દયા આવતાં કોરોનાને જ એમ થયું કે હવે ઘટવું જોઈએ એટલે એ ઘટવા માંડ્યો, પણ પ્રજા એમ એને ઘટવા દે? તેણે કોરોનાને કહ્યું કે અમે ઘટીશું, પણ તને ઘટવા નહીં દઈએ. સરકાર બરાબર જાણતી હતી કે દિવાળી આવી રહી છે ને લોકો રસ્તે આવી ગયા હોય તો પણ, રસ્તે ઊતરી પડવાના છે, પણ તેણે ચાલવા દીધું ને ટેવ પ્રમાણે સરકારી રાગ - માસ્ક, અંતર અને સેનેટાઈઝેશનનો આલાપ્યા કર્યો. લોકોને એવું થઈ ગયું કે કોરોનાથી કૈં થવાનું નથી, એટલે દિવાળી વખતે ઠેર ઠેર રસ્તે ઠલવાઈ ગયા. સરકાર લોકો માટે કોરોનાથી સાવચેતીનું રટણ કરતી રહી ને લોકો તેના તરફ ધ્યાન આપ્યા વગર મનમાની કરતા રહ્યા. પછી કોરોના ન વકરે એવું તો કેમ બને? તેણે પણ તેની જાત બતાવવા માંડી. રોજના 1,500થી 1,600 લોકો સંક્રમિત થવા લાગ્યા ને મરણનો આંકડો રોજનો પંદર સત્તર પર પહોંચવા લાગ્યો.

સરકાર આમ તો જાગતી જ હતી, તેમાં ફરી જાગી ને રઘવાઈ થઈને નિર્ણયો લેવા લાગી. 23મીથી સ્કૂલ-કોલેજો ખૂલી જશે એવું ડંકેકી ચોટ પર 5 વાગે કહ્યું ને સાત વાગે કહ્યું કે નહીં ખૂલે. આવું શેખચલ્લી જેવુ તો થતું જ રહે છે. એકદમ શુક્રવાર, 20મી નવેમ્બરથી અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગશે તેવું કહ્યું ને તે ઠીક ન લાગ્યું તો શુક્રવાર રાતથી જ સોમવાર સવાર સુધીનો કરફ્યુ ઠોકી દીધો. એની સાથે જ સુરત, વડોદરા, રાજકોટની મહાનગરપાલિકાઓએ પણ ઘેટાંની ચાલે શુક્રવારથી રાત્રિ કરફ્યુનો ખેલ પાડી દીધો. આમાં શું છે કે લાંબું વિચારવાનું હોય તો પણ, તેવી શક્તિ ન હોવાથી ઉપરથી હુકમો છૂટે તેમ તેમ કારીગરો કામે લાગતાં હોય છે. બાકી આ અક્કલ તહેવારોમાં ચાલી હોત તો પ્રજાની મુશ્કેલીઓ વધી ન હોત. લોકો પર કાબૂ પહેલાં મેળવવાનો હતો તેને બદલે ઘોડા ભગાડીને તબેલાને તાળાં મારવા જેવું તંત્રોએ કર્યું.

રસીનું પણ રેઢિયાળ રીતે જ બધું ચાલી રહ્યું છે. કોઈ ચોક્કસ ને અસરકારક રસી હાથ લાગી નથી તે પહેલાં મહિનાઓથી તેના દાખલા ગણાયા કરે છે ને લોકો વારંવાર છેતરાયાની લાગણી અનુભવે છે તે ઠીક નથી. આગોતરી વ્યવસ્થા થાય તેનો વાંધો નથી, પણ આ આખા વેપલામાં કામ ઓછું ને દેખાડો વધારે છે. લગ્ન વખતે વાડી, કપડાં, કંકોતરી ને કન્યાની વ્યવસ્થા વિચારાય તે સમજી શકાય, પણ બાળક જનમ્યું જ ન હોય ને કોઈ વરઘોડો કાઢે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આ તો મરવા પહેલાં જ ખભે ધોતિયાં નાખ્યાં કરતાં હોય એવું વધારે છે.

થોડા મહિનાઓ પહેલાં સુરતના એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગેલી અને થોડાં બાળકો તેમાં ભડથું થઈ ગયેલાં તે યાદ છે? એ પછી તંત્રોમાં જે જીવ આવેલો તે પણ ખબર હશે જ. બધા ક્લાસો પર તવાઈ આવેલી ને ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાની ઝુંબેશ ચાલેલી તે પણ બધાં જાણે છે. એની વિગતો હજી થોડે થોડે દિવસે છાપાંઓમાં આવતી રહે છે. હજી આવશે ને પછી બધું પેલાં મરેલાં બાળકોની રાખમાં ઢબૂરાઈ જશે. એમાં જેનું બાળક ગયું તે સિવાય ક્યાં ય કોઈ કાંગરો ખર્યો નથી. ધારો કે ફરી આગ લાગે છે તો બાળકોનું રક્ષણ થાય એવી વ્યવસ્થા હવે થઈ છે? ના. વ્યવસ્થાનું નાટક એ જ એક મોટી વ્યવસ્થા છે ને બીજો બનાવ બને તો વળી નવી તપાસનું નાટક ચાલશે ને એમ ચાલ્યા કરશે.

આવું ખાતરીથી કહેવાનું એટલે બને છે કે આગની સંખ્યાબંધ ઘટનાઓ ગુજરાતનાં શહેરોમાં બનતી આવી છે અને આપણાં નઘરોળ ને નિર્લજ્જ તંત્રો ગેંડાને શરમાવે એવી જાડી ચામડીથી નફ્ફટની જેમ કામ કરી રહ્યાં છે અથવા તો કામનો દેખાવ કરી રહ્યાં છે. તંત્રોને કોઈ ફરક પડતો નથી. ગયા ઓગસ્ટમાં અમદાવાદની કોવિદ હોસ્પિટલમાં આગ લાગેલી અને કોરોનાના આઠેક દરદીઓ એમાં મૃત્યુ પામેલા. તંત્રો જરાતરા સળવળ્યાં ને વળી ઢબૂરાઈ ગયાં. એ પછી ગઈ 28 નવેમ્બરે છાપાંઓમાં રાજકોટની એક કોવિદ હોસ્પિટલમાં આગ લાગી ને વેન્ટિલેટર પર મૂકાયેલાં પાંચ કોરોના દરદીઓ બેડ પર જ ભડથું થઈ ગયા. આ થયું એટલે તંત્રો વળી રાબેતા મુજબ જીવતાં થયાં. તપાસનું નાટક ચાલ્યું ને વળી ચાલશે. એ સાથે જ બીજા શહેરોમાં ફાયર સેફ્ટીનાં સાધનોની તપાસનું ચક્કર પણ ચાલું થયું છે. ક્યાંક મોક ડ્રીલ પણ શરૂ થઈ છે. એમાં સમિતિની રચનાઓનું નાટક પણ ખરું. થોડાં દિવસ વળી તપાસ-તપાસની ચલકચલાણી રમાશે ને બીજી દુર્ઘટના બને ત્યાં સુધી ફરી પૂર્ણવિરામ મૂકાઈ જશે. આ બધું પાછું મરેલાંની છાતી પર ચાલે છે તે સૌથી વધુ કઠે એવું છે.

કોરોના હોય તેવા દરદીઓ હોસ્પિટલે જવા બહુ તૈયાર થતા નથી, કારણ મરી જવાનો એમને ભય લાગે છે. એમને કહી શકાય કે ચિંતા ના કરો. હોસ્પિટલે ગયા પછી કોરોનાથી જ મરાય એવું નથી, કોરોનાથી તો કદાચને બચી પણ જવાય, પણ આગમાં બળી મરાય એવી જોગવાઈ હોસ્પિટલોએ કરી છે. એટલે હોસ્પિટલો હવે રોગથી જ મારે એવું નથી, તે અકસ્માતે પણ ભોગ લે એ શક્ય છે. આ અકસ્માત ટાળી શકાયો હોત, પણ ટાળવાની દાનત જ ન હતી. અમદાવાદનો, ઓગસ્ટનો હોસ્પિટલમાં આગ લાગવાનો દાખલો સામે હતો જ, પણ તેમાંથી કૈં જ શીખવાનું ન થયું, જો બોધપાઠ લેવાયો હોત તો રાજકોટની ઘટના ટળી હોત. પણ એ ઘટના બને એટલે પણ શીખવાનું ન બને એમ બને ને ! ને આ કૈં એક બે ઘટનાઓ પૂરતું જ સીમિત છે એવું ક્યાં છે? છેલ્લા ત્રણ મહિનામાં માત્ર હોસ્પિટલમાં જ આગ લાગવાની સાત ઘટનાઓ રાજ્યમાં બની છે એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે અમદાવાદની ઘટના પરથી બોધપાઠ લેવાયો હોત તો બાકીની ઘટનાઓ નિવારી શકાઈ હોત, પણ ખાટલે મોટી ખોડ એ છે કે તંત્રો જીવ વગર જ કામ કરે છે. એનામાં યંત્રો જેટલી સક્રિયતા પણ ઘણીવાર હોતી નથી. ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાનું કહ્યું છે તો તે વસાવી દેવાશે, પછી એનું મેઇન્ટેનન્સ એ જાણે એની જવાબદારી જ ન હોય એવી રેઢિયાળ રીતે કામ ચાલતું રહે છે. જવાબદારી કોઈ લેતું નથી, પણ જવાબદારીની ઢોળાઢોળ બધાંને જ આવડે છે. સમિતિઓની રચના થતી રહે છે ને કાળજી એટલી રખાય છે કે રિપોર્ટ બને એટલો મોડો આવે ને તથ્યોને વફાદાર ન હોય. બધી બાજુએથી ભીનું સંકેલાય એ માટેના પ્રયત્નો થતા રહે છે.

આગ લાગવાનુ કારણ નથી જડતું ત્યારે શોર્ટ સર્કિટ એ હાથવગું બહાનું છે. સતત બેદરકારી રાખવી, આર્થિક લાભ સિવાય બધું જ ગૌણ ગણવું ને સજીવ વ્યક્તિનું કોઈ જ મૂલ્ય ન આંકવું એ તંત્રોની અને પ્રજાની નિકૃષ્ટ કોટિની માનસિકતા રહી છે ને એમાં નિર્દોષ માણસોનો ભોગ લેવાતો રહે છે. માણસ સજીવ છે, પણ તે મૃતક્નો આંકડો હોય એ રીતે જ ઘણાં તેની સાથે વર્તતાં હોય છે. જેની પાસે સત્તા અને સંપત્તિ છે તે કોઈ પણ રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથે છે ને જેની પાસે ઓછું છે તે વેઠવામાં જ જન્મારો પૂરો કરે એવી વ્યવસ્થા છે. મૃત્યુ પણ હવે માણસોને ડરાવતું નથી ને કોઈ જીવે કે મરે એની ચિંતા હવે તંત્રો કે લોકો ખાસ કરતા નથી. આ સંવેદનહીનતા એ આ સદીનો કોરોના કરતાં પણ ભયંકર રોગ છે ને તે વધારે ઘાતક છે. માણસ એટલે ત્રણચાર લાખ રૂપિયા આટલી જ વ્યાખ્યા માણસની બચી છે. એટલે જ તો સરકાર ગાય-કૂતરાને નાખતી હોય તેમ બે પાંચ લાખ મૃતકને આપીને છૂટી જતી હોય છે, કેમ જાણે મરનાર વ્યક્તિ એ બે પાંચ લાખ લેવા જ મરી હોય ! એટલે જ એક મરનારની બહેને કહેવું પડ્યું કે ચાર લાખ તો શું, ચાર કરોડ અપાય તો પણ મારો ભાઈ પાછો આવવાનો નથી. લાગે છે કે બધાં સરકારી મદદ મળે એટલાં પૂરતાં જ આતુર હોય છે?

એ ખરું કે સરકારનો હેતુ મદદ કરવાનો જ હોય છે, પણ તે જે રીતે અપાય છે એમાં મરનારનું માન જળવાતું નથી. આ બધું યાંત્રિક રીતે, વેઠ ઉતારવા થતું રહે છે તે બરાબર નથી.

એ અત્યંત દુખદ છે કે મનુષ્યની સજીવ તરીકેની કિંમત તેનાં મૃત્યુ પછી અપમાનજનક રીતે લગાવાતી હોય છે. વધારે શું કહેવું? સબ કો સન્મતિ દે ભગવાન ...

0

e.mail : [email protected]

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 30 નવેમ્બર 2020  

Category :- Opinion / Opinion