ટ્રમ્પિઝમ : અમેરિકન લોકતંત્ર સામેનો ખતરો

રાજેન્દ્ર દવે
30-11-2020

સિત્તેરીના દાયકામાં અમે રાજ્યશાસ્ત્ર ભણતા, ત્યારે તુલનાત્મક રાજકારણ - કમ્પેરેટિવ પોલિટિક્સની બોલબાલા હતી. તુલનાત્મક રાજકારણમાં રાજકીય સંસ્કૃતિ ભણાવાતી. અમે અહોભાવથી લ્યૂસિયન પાઈએ અમેરિકી રાજકીય સંસ્કૃતિ લખેલું લખાણ ભણતા ને ભણાવતા. એક પીઢ લોકતંત્રની રાજકીય સંસ્કૃતિ કેવી હોય તેનો તે નમૂનો - મૉડેલ ગણાવાતું. બસો ચુંમાળીસ વર્ષ જૂની અમેરિકન લોકશાહીની રાજકીય સંસ્કૃતિનું જે ચિત્ર અમારા મનમાં હતું તે અને આજની અમેરિકી લોકશાહીમાં ખાસ્સું અંતર છે.

છેલ્લાં ચાર વર્ષમાં, વિશેષ તો છેલ્લાં ચાર અઠવાડિયાંમાં અમેરિકા ને વિશ્વે ટ્રમ્પના, રિપબ્લિકન પક્ષના ને તેના લાખો સમર્થકોના જે આચાર જોયા, તેણે અમેરિકામાં લોકતંત્રના ભાવિ વિશે ચિંતા ફેલાવી છે. આ લખાણ લખતાં પહેલાં હું છેલ્લાં ત્રણ અઠવાડિયાંના ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’ ને ‘એટલાન્ટિક’ સામયિક ઉથલાવી ગયો. મોટા ભાગનાં લખાણો આ ચિંતાના છે. બરાક ઓબામાએ પણ છેલ્લાં અઠવાડિયાંઓમાં જે ટી.વી. કે અખબારની મુલાકાતો આપી છે, તેમાં અમેરિકાના લોકતંત્ર વિશે ચિંતા વ્યક્ત કરી છે.

થૅંક્સગિવિંગની પૂર્વસંધ્યાએ આ લખી રહ્યો છું ત્યારે બે મિનિટના અંતરે બે મુખ્ય સમાચારો ટી.વી. પર આવ્યા. એક સમાચાર અમેરિકી લોકતંત્રમાં શ્રદ્ધા જન્માવનારા છે, ને બીજા લોકતંત્રની અસરકારકતા પર આશંકા પેદા કરનારા. પ્રથમ સમાચાર છે નવા ચૂંટાયેલ પ્રમુખ જૉસેફ બાઇડનનો દેશજોગ સંદેશ. એમાં તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ૧૫૦ મિલિયન મતદારોએ મતદાન કરીને આપણી લોકશાહી જીવતી, ધબકતી છે, તે બતાવી આપ્યું છે, ને બીજા વાક્યમાં ઉમેર્યું કે હવે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. જીત્યા પછી એમણે અનેક વાર રિપબ્લિકન મતદારો સાથે સહકારની વાત કરી છે. આજે ફરી આ વાત દોહરાવી ને પેન્ડેમિકને હટાવવા સાથે કામ કરવા હાકલ કરી. બે મિનિટ પછી ટ્રમ્પનો પેન્સિલવેનિયાના સાંસદોજોગ સંદેશ આવ્યો કે તેમના રાજ્યમાં ચૂંટણીમાં બહુ ગેરરીતિઓ આચરાઈ છે. કોઈ પણ આધાર વિના તેમણે ફરી કહ્યું કે કાનૂની રીતે પડેલા મતોને આધારે તેઓ પેન્સિલવેનિયા જ નહિ, પરંતુ બધાં જ સ્વિંગ સ્ટેટ્‌સમાં જીત્યા છે. પછી વ્હાઇટહાઉસમાં આગળની રણનીતિ ઘડવા આવવા સૂચવ્યું. આ બે વિરોધાભાસી સમાચારો આજના અમેરિકાની રાજકીય સ્થિતિ બતાવે છે. બાઇડન સારી પેઠે જાણે છે કે અમેરિકાની લોકશાહી એક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. સામે છેડે, ટ્રમ્પ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના લોકતંત્રને દાવ પર મૂકી રહ્યા છે.

ખરું કે અમેરિકાની આજની કરુણ રાજકીય સ્થિતિ માટે એકલા ટ્રમ્પ જવાબદાર નથી. છેલ્લા બે દાયકાથી અમેરિકી રાજકારણમાં આત્યંતિક ધ્રુવીકરણની પ્રક્રિયા ચાલતી’તી. ટ્રમ્પ આ ધ્રુવીકરણનું વરવું પરિણામ છે. સિનિયર બુશને હરાવીને ક્લિન્ટન પ્રમુખ બન્યા ત્યારથી, ને વિશેષ તો ૧૯૯૪માં રિપબ્લિકન પાર્ટીના ન્યૂટ ગિંગરીચ નીચલા ગૃહના અધ્યક્ષ બન્યા ને ક્લિન્ટન પર મહાભિયોગ ચાલ્યો ત્યાર પછી ધ્રુવીકરણ વધ્યું. ટી.વી.માં કન્ઝર્વેટિવ રિપબ્લિકન ચૅનલો ને લિબરલ મેઇન સ્ટ્રીમ ચૅનલોએ ધ્રુવીકરણને ધાર આપી. બુશ પછી અશ્વેત ઓબામાનું આઠ વર્ષનું શાસન ને ત્યાર પછીનો શ્વેતઘાત ટ્રમ્પને સત્તા પર લઈ આવ્યા.

ટ્રમ્પ પ્રમુખ બન્યા ને જે રીતે રશિયાએ તેમને ચૂંટાવામાં મદદ કરી ત્યારથી જ અમેરિકી લોકતંત્ર વિશે ચિંતા શરૂ થયેલી. ટ્રમ્પની ચાર વર્ષની શાસન કરવાની પદ્ધતિ, પોતાની જ સરકારના ન્યાયતંત્ર ને ગુપ્તચરતંત્રને ઉતારી પાડવું કે કાવતરાબાજ કહેવું. કેબિનેટના સભ્યોને નોકરીમાંથી કાઢી મુકાતા હોય તે રીતે છૂટા કરવા. તેમને જાહેરમાં અપમાનિત કરવા, વિરોધીઓને જેલમાં પૂરી દેવાની જાહેર ધમકીઓ આપવી, બંધારણે નથી આપી તેવી સત્તા પોતા પાસે છે તેવી ઘોષણા કરવી, આ બધું આપખુદશાહી ભરેલું વર્તન હતું ને હજુ છે.

ટ્રમ્પની નીતિઓ, વિચારો ને આચારને રાજ્યશાસ્ત્રીઓ હવે ટ્રમ્પિઝમ તરીકે ઓળખે છે. આમ તો જમણેરી લોકરંજકવાદ આપણા માટે નવો નથી. તેના પર અંધરાષ્ટ્રવાદ, જાતિવાદ, ઇમિગ્રેશનનો કટ્ટર વિરોધ, લઘુમતીઓને કચડવાનો મસાલો ભભરાવો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનિલેટરાલિઝમ ઉમેરો. વૈશ્વિકીરણનો વિરોધ કરવો. આપખુદશાહી ને જાતિવાદી શાસકો પ્રત્યે મમત્વ બતાવો. ટ્રમ્પિઝમની મુખ્ય ખાસિયત છે દરેક વિરોધી વ્યક્તિ કે વિચાર કે ઘટનામાં કાવતરાં જોવાં ને અન્યને તેમાં મનાવવું. ટ્રમ્પના વિચારો ને વાતોનું આકર્ષણ આવા જ લોકોને છે. જેમને બૌદ્ધિક રીતે વિચારવા કરતાં બધે કાવતરાં દેખાય છે. ટ્રમ્પના રાજકીય ઉભારનો મુખ્ય મુદ્દો ઓબામાના જન્મસ્થળના કાવતરાનો જ હતો. ઓબામા પ્રમુખ રહ્યા ત્યાં સુધી તેમણે તે અમેરિકામાં નથી જન્મ્યા તે મુદ્દો ચલાવે રાખ્યો. ૨૦૧૬ની ચૂંટણી સમયે ટ્રમ્પના ૬૦ ટકાથી વધુ સમર્થકો માનતા હતા કે ઓબામા અમેરિકામાં નથી જન્મ્યા.

કોઈ પણ પ્રકારના આધાર વગર અસત્ય ફેલાવવાની કળામાં ટ્રમ્પ માહેર છે. સત્ય ને તથ્ય સાથે તેમને વેર છે. અસત્ય બોલવામાં ને આચરવામાં તેમને કોઇ છોછ નથી. ચૂંટણીમાં બાઇડન કરતાં ૬૦ લાખ મતે પાછળ હોવા છતાં ને ઇલેક્ટોરલ કૉલેજમાં પણ પાછળ હોવા છતાં તે પોતાની હાર કબૂલવા તૈયાર નથી. અલગ-અલગ રાજ્યની કોર્ટમાં ત્રીસ કેસમાં તે હારી ગયા હોવા છતાં પોતે કાનૂની મતોથી જીત્યા છે, તે ગાણું એમણે ચાલુ રાખ્યું છે. આમ કરવાથી તેમને બે ફાયદા છે, એક તો તેમના સમર્થકોમાં આ માન્યતા ચાલુ રહે કે ખરેખર તેમને કોઈ કાવતરાંને કારણે હરાવાયા છે. એક મોજણી પ્રમાણે ૭૦ ટકા ટ્રમ્પસમર્થકો માને છે કે બાઇડન કાવતરું કરીને જીત્યા છે. બીજું જે અમેરિકી લોકતંત્ર માટે વધુ જોખમકારક છે તે એ કે ચૂંટણીઓમાંથી લોકોનો વિશ્વાસ હટાવી દેવો.

નોંધવું જોઈએ કે ટ્રમ્પને ૭૪૦ લાખ મત મળ્યા છે, જે આ પૂર્વે બાઇડન સિવાય કોઈને નથી મળ્યા. ૨૦૨૪ની ચૂંટણીમાં ફરીથી ઊભા રહેવા માટે આ સમર્થન જરૂરી છે. બીજું કે આટલા સમર્થન સાથે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી પરની પોતાની પકડ ચાલુ રાખી શકે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના રિપબ્લિકન નેતાઓ બાઇડનના વિજયને અંગત રીતે સ્વીકારતા હોવા છતાં મીંઢું મૌન રાખીને બેઠા છે. ઘણાને ટ્રમ્પ સાથે વેર રાખવું પોસાય તેમ નથી. બીજી બાજુ એવા પણ રિપબ્લિકન નેતાઓ છે, જેમણે ચૂંટણીપૂર્વે જ બાઇડનનું સમર્થન કરેલું ને બીજા એવા પણ છે, જેમણે ચૂંટણી પછી બાઇડનનું સમર્થન કર્યું છે. રિપબ્લિકન પાર્ટીમાં આ લોકોનું શું સ્થાન હશે તે આગામી થોડા સમયમાં નક્કી થશે. જોવાનું એ રહ્યું કે રિપબ્લિકન પાર્ટી એક રહે છે કે તેમાં ભંગાણ પડે છે.

એ નક્કી છે કે ટ્રમ્પ ના હોય તો પણ ટ્રમ્પિઝમ હમણાં તો અમેરિકી રાજકારણનો ભાગ છે. અમેરિકી લોકતંત્ર પર જમ ઘર ભાળી ગયાનો હાઉ રહેવાનો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 03

Category :- Opinion / Opinion