ટેક્સાસની તેજસ્વી ધારા:

દેવિકા રાહુલ ધ્રુવ
26-11-2020

ઇન્ટરનેટના માધ્યમને કારણે અને કમ્પ્યુટરમાં ગુજરાતી લિપિમાં લખવાનું સુલભ થવાને લીધે, વિશ્વભરમાં ગુજરાતી ભાષાનું લેખન અને વાંચન વ્યાપક બન્યું છે, ખરું. પરંતુ એક તરફ સરેરાશ ૬૦ ઉપરની ઉંમરના લોકો ખરી ખોટી સમજને આધારે કાચી-પાકી રચનાઓ ગોઠવીને આહ અને વાહની તાળીઓ મેળવી રહ્યાં છે, અને એનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો બીજી બાજુ  યુવાનવર્ગ પોતાના વ્યવસાય અને બાળકોનાં ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં એક-બે પેઢી પછીના, અહીં જન્મેલાં ગુજરાતી બાળકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન કે જાણકારી કેવી રીતે મળી શકે એવો સવાલ જરૂર થાય.

અહીં બહુ સરળતાથી ફ્રેંચ,સ્પેનિશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકાય છે, બાળકો શીખે પણ છે. તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું એક સરસ કામ અમેરિકામાં જન્મેલી, અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી બે સાવ નાની ગુજરાતી બાળાઓ (વય ૫ અને ૯!) દ્વારા થઈ રહ્યું છે, તે અંગે મેં વિગતવાર લેખ લખ્યો છે જે અહીં સાદર છે.

ગુજરાતી ભાષા તરફનો ભાવ, લગાવ અને આવી કાર્યનિષ્ઠા સાચે જ સરાહનીય છે.

— દેવિકા રાહુલ ધ્રુવ; હ્યુસ્ટન


હ્યુસ્ટન, ટેક્સાસની બે તેજસ્વી ધારાઃ સ્વરા અને આજ્ઞા મોણપરા:

“Gujarati Fun with Swara and Agna”ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ....  “નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણ. આઇ એમ સ્વરા; આઇ એમ આજ્ઞા.”ના  મીઠા સંવાદથી ચાલુ થતો વીડિયો અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે આજ્ઞા KGમાં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતાં ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છે. તેમના વીડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતા-પિતાની મદદ વિના પણ માત્ર વીડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતા, વાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “ક”થી લઇને “ઝ” સુધીના મૂળાક્ષરોના વીડિયો આવરી લેવાયા છે. આગળના અક્ષરો માટેના વીડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલુ જ છે. આ આખીયે વાત રસપ્રદ તો છે જ પણ ખૂબ ખૂબ મહત્ત્વની છે, પ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છે. આના અનુસંધાન માટે તેના ઘરનાં વાતાવરણ અને માતા-પિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડ’ના સંશોધક વિશાલ મોણપરા. માતા નયનાબહેન માઈક્રોબાયોલોજીનાં અનુસ્નાતક છે અને હાલ યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ક્લિનીકલ લેબોરેટરી સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

એ વાત તો સૌને વિદિત છે જ કે, ૨૦૦૪-૨૦૦૫ના સમયગાળા સુધી નોન-યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખૂબ જ પ્રચલિત હતાં. જેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા જ નોન-યુનિકોડમાં હતાં. પરંતુ તેમાં કેટલીક તકલીફો હતી. ૨૦૦૫માં હ્યુસ્ટન-સ્થિત વિશાલ મોણપરાએ “ગુજલીશ”માં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ કર્યાને માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ એ સાથે જ ગુજરાતીમાં ટાઇપ થાય એ માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું, અને ૫ જાન્યુઆરી ૨૦૦૬માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યું. ગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી, ત્યારે તેમના આ ‘પ્રમુખ ટાઇપ પેડે’ લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગ, ગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ એ આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈ પણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખવી શકાય તેવું કામ ચાલુ કર્યુ છે. તેઓ કહે છે કે, “આ કાર્યનાં બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયાં હતાં. આ સમયે સ્વરા ચાર વર્ષની હતી. તેનાં મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કો, બારાખડી અને શબ્દો વાંચતાં શીખવાડી દીધાં હતાં. આ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો.”

સ્વરા તેના વીડિયો ટ્યુટોરીઅલમાં કહે છે કે, “Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતાં જોતાં સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યું, તેમાંથી ગુજરાતી શિખવા-શિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો તેણે એક સવારે રાત્રિનાં એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો.

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી, ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા, ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતાં શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશાં ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.
વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે, “૨૦૨૦ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કૂલ અને નોકરી હોવાને કારણે પરિવારનાં સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વીડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યે આ પડકાર ઝીલી લીધો.”
સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વીડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વીડિયોમાં આવરી લેવા માટેની એનિમેશનની ટેકનિક તૈયાર કરી રાખે છે. સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે, કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વીડિયોનું રેકોર્ડીંગ થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વીડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાનાં નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વીડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વીડિયો રૅકોર્ડ થયા બાદ, વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.
ત્રણથી ચાર મિનિટના વીડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતાં બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતાં, કે બોલતાં ન આવડતું હોય તેનાં કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતાં નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વીડિયો હાલમાં ઉપલબ્ધ છે, તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય, જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઊડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વીડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી, બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાનાં માતા-પિતાની મદદ વિના પણ માત્ર વીડિયોના આધારે જ ગુજરાતી વાંચતાં અને લખતાં શીખી જાય છે.

કક્કામાં બાળકોને પા-પા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્નાં સ્વરા અને આજ્ઞાએ સેવેલાં છે. આ સ્વપ્નાંને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. છતાં અહીં જન્મેલાં ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનિશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું આ એક સરસ કામ અમેરિકામાં જન્મેલી, અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનું સ્વપ્ન આ www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીનાં શિક્ષણને આવરી લેવાનું છે. તેમનાં માતાપિતા ફુલ ટાઈમ જોબ, અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે જ ખૂબ સરાહનીય છે.

અતિ નમ્ર, મીતભાષી અને માત્ર ૩૮ વર્ષના આ યુવાન વિશાલ મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
આ રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?


ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?


બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,


નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

વિશાલ, તેમનાં પત્ની અને બંને પુત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા આ પરિવારને સલામ. સ્વરા અને આજ્ઞાને અઢળક શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

નવેમ્બર 23, 2020

લેખક સંપર્કઃ  [email protected]

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ [email protected]

Category :- Diaspora / Language