ચંપારણની લડાઈ ગાંધીજીએ કૉન્ગ્રેસના નામ વગર લડી હતી !

રમેશ ઓઝા
22-11-2020

ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં ભાષણ આપ્યું હતું ૧૯૧૬ના ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જેણે એક સાથે સરકારને, દેશના પ્રસ્થાપિત નેતાઓને, હવે પછી જેનો ઉદય થવાનો હતો એવા નેહરુ-પટેલ-રાજેન્દ્રબાબુ-રાજાજી જેવા નેતાઓને અને પ્રજાને ચોંકાવી દીધા હતા. દેશભરમાં એ ભાષણની ચર્ચા ચાલતી હતી. એ જ વરસમાં એટલે કે ૧૯૧૬ના ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં બનારસની નજીક લખનૌમાં કૉન્ગ્રેસનું અધિવેશન મળ્યું હતું જેમાં લોકમાન્ય તિલક અને મહમ્મદ અલી ઝીણા વચ્ચે સમજૂતી થઈ હતી જે લખનૌ કરાર તરીકે ઓળખાય છે. એ સમજૂતી વાસ્તવમાં કૉન્ગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થઈ હતી અને એમ પણ કહી શકાય કે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે થઈ હતી.

કૉન્ગ્રેસના એ અધિવેશનમાં ગાંધીજી હાજર હતા, પરંતુ લગભગ નિષ્ક્રિય સાક્ષી તરીકે. ગાંધીજી ભારત આવ્યા એ પછીનાં શરૂઆતનાં બે-ત્રણ વરસ તેમની પાસે કૉન્ગ્રેસના અધિવેશનોમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓના પ્રશ્ન વિશે બોલવાનું કહેવામાં આવતું હતું અને દક્ષિણ આફ્રિકા વિશે એક ઠરાવ પસાર કરવામાં આવતો હતો. લખનૌમાં પણ ગાંધીજીની આટલી જ ભૂમિકા હતી અને ખરું પૂછો તો એનાથી વધારે તેમની ભૂમિકા હતી સંડાસ સાફ કરવાની હતી.

કનૈયાલાલ મુનશીએ તેમના ‘પિલ્ગ્રીમેજ ટુ ફ્રિડમ’ નામના ગ્રંથના પહેલા ભાગમાં લખ્યું છે કે ભારતીય નેતાઓએ મોરલે-મિન્ટો સુધારા તરીકે વધારે જાણીતો ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ-૧૯૦૯’નો સ્વીકાર કર્યો એ સાથે ભારતનાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં. એ કાયદાકીય સુધારા હેઠળ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓને ધારાસભાઓમાં સ્થાન મળ્યું હતું, પણ ચૂંટણીનું સ્વરૂપ કોમી હતું. મુસલમાનો માટે અલગ મતદાર સંઘ આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર મુસલમાનો જ મતદાન કરી શકે. ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં કૉન્ગ્રેસ તરફથી અથવા એમ કહો કે હિંદુઓ તરફથી લોકમાન્ય તિલકે અને મુસ્લિમ લીગ તરફથી અથવા કહો કે મુસલમાનો તરફથી મહમદઅલી ઝીણાએ વિભક્ત મતદાર સંઘની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી હતી. મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં ઘણી વધુ બેઠકો અલગ મતદાર સંઘ તરીકે મંજૂર રાખીને ફાળવવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી તેમના ગ્રંથમાં લખે છે કે એ સમજૂતી આગળ જતા દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં પરિણમશે એની ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી. માત્ર મદનમોહન માલવિયાએ લખનૌ કરારનો વિરોધ કર્યો હતો.

વરસ હતું ૧૯૧૬. ૧૯૧૬ના પ્રારંભમાં ગાંધીજીએ બનારસમાં ભાષણ આપીને નવા રાજકારણનો શંખ ફૂંક્યો હતો અને ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં આગલી પેઢીના નેતાઓએ લીધેલો છેલ્લો નિર્ણય હતો અને છેલ્લી સમજૂતી હતી. કનૈયાલાલ મુનશીના કહેવા મુજબ ૧૯૦૯ના સુધારાનો સ્વીકાર કરીને અને લખનૌની સમજૂતી કરીને કૉન્ગ્રેસના નેતાઓએ મુસલમાનોને એટલું બધું આપી દીધું હતું કે તેના દ્વારા વિભાજનનાં બીજ વવાયાં હતાં અને મહમદઅલી ઝીણાને એમ લાગવા માંડ્યું હતું કે તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના આર્કિટેક્ટ છે. આખા દેશને એમ લાગવા માંડ્યું હતું અને એ રીતે તેમને વધાવવામાં પણ આવ્યા હતા. વિધિનો ખેલ એવો નીવડ્યો કે ઝીણાનું પણ એ છેલ્લું ગિર્યારોહણ સાબિત થયું. એ પછી ઝીણા બે દાયકા સુધી ભારતીય રાજકારણની બહાર ધકેલાઈ ગયા હતા.

હમણાં કહ્યું એમ લખનૌમાં ગાંધીજી હતા ખરા પણ લગભગ સાક્ષીની ભૂમિકામાં. સફાઈ અને નેતાઓની સેવા કરવા સિવાય તેમની બીજી કોઈ ભૂમિકા નહોતી. એની વચ્ચે એક રાજકુમાર શુક્લ નામનો બિહારનો ખેડૂત ગાંધીજીને શોધતો ગાંધીજીની રાવટીમાં આવી ચડે છે. એકથી એક દિગ્ગજ નેતાઓ લખનૌમાં હાજર હતા, પરંતુ એ ગાંધીજીને શોધતો હતો અને એનું કારણ બનારસનું ભાષણ હતું. એણે કોઈના મોઢે બનારસના ભાષણની વાત સાંભળી હતી અને પછી તે વાંચ્યું પણ હતું અને તેને સમજાઈ ગયું હતું કે આ માણસ ભડવીર તો છે જ પણ તે સાથે ગરીબોની પીડાને તે એટલી જ તીવ્રતાથી અનુભવી શકે છે જેટલી તીવ્રતા પીડા ભોગવતો ગરીબ અનુભવતો હોય. સત્ય અને ન્યાયનો તકાદો હોય તો કોઈ પ્રશ્ન તેના માટે નાનો નથી અને કોઈ માણસ તેના માટે મોટો નથી. આ વાત એક ગ્રામીણ, લગભગ અભણ ખેડૂતને સમજાઈ ગઈ હતી. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારતની પ્રજાને સમજાઈ ગયું હતું કે કોઈ દમદાર માણસ આવ્યો છે જે ગરીબ-રાંક પ્રજાના કામનો છે.

રાજકુમાર શુક્લએ ગાંધીજીને કહ્યું હતું કે બિહારમાં ચંપારણ નામનો એક પ્રદેશ છે જ્યાં ગળી ઊગે છે. કેટલાક અંગ્રેજ વેપારીઓ અમારે ત્યાં કોઠીઓ સ્થાપીને બેઠા છે અને અમારી પાસે બળજબરી ગળીનું વાવેતર કરાવે છે. સરકાર પણ તેમાં અંગ્રેજ કોઠીવાળાઓને મદદ કરે છે અને જમીનના એક હિસ્સમાં અમારે ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડે છે. ગળી ઉગાડવાથી જમીનને નુકસાન થાય અને સામે કોઈ ખાસ વળતર મળતું નથી. જો કોઈ ગળીનું વાવેતર કરવાની ના પાડે તો ગોરાઓની ખાનગી સેના બળવાખોર ખેડૂતો સાથે અત્યાચાર કરે છે. તેમણે ગાંધીજીને કહ્યું કે આપ અમારે ત્યાં આવો, તમારી સગી આંખે અમારી યાતના જુઓ અને અમને તેનાથી મુક્ત કરો. 

ગાંધીજીએ કૉન્ગ્રેસના અધિવેશનમાં આવેલા બિહારના નેતાઓ સાથે આ પ્રશ્ને વાત કરી તો દરેકે કહ્યું કે હા ચંપારણમાં આવું બની રહ્યું છે ખરું, પણ કોઈની પાસે પાકી વિગત નહોતી. પ્રજાના નેતા બનવા માટે પ્રજાની વચ્ચે જવું જોઈએ અને એમાં પણ ગામડે જવું જોઈએ એવી ત્યારે કોઈ કલ્પના જ નહોતી. નેતા બનવા માટે ભાષણ કરતા આવડવું જોઈએ, વધારે મોટા નેતા બનવું હોય તો અંગ્રેજી આવડવું જોઈએ, કૉન્ગ્રેસના અધિવેશનોમાં પ્રતિનિધિ તરીકે અને પ્રતિનિધિઓને લઈને જવું જોઈએ, સરકાર સાથે જે તે માગણી લઈને પત્ર-વ્યવહાર કરવો જોઈએ, પ્રતિનિધિમંડળોમાં જોડાવું જોઈએ વગેરે પૂરતું હતું.

ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં ગરીબોની લડાઈ ગરીબોમાંથી પેદા થતા બિરસા મુંડાઓ લડતા હતા અને શહીદ થતા હતા, કોઈ કૉન્ગ્રેસી કે મુસ્લિમ લીગી નેતાએ લડી હોય એવું બન્યું નહોતું. આ નિવેદન હું અત્યંત જવાબદારીપૂર્વક કરી રહ્યો છું. ગરીબોની તેમના શોષણ સામેની લડાઈનો ઇતિહાસ પણ આપણા ધોરીમાર્ગના ઇતિહાસકારોએ લખ્યો નથી, એ પણ કેટલાક ઇતિહાસકારોએ ‘સબાલટર્ન સ્ટડીઝ’ તરીકે અલગથી લખ્યો છે. ગરીબોએ શોષણથી કંટાળીને અને ઉશ્કેરાઈને કેટલી બધી લડાઈઓ લડી હતી જેની કૉન્ગ્રેસી-લીગી નેતાઓએ ઉપેક્ષા કરી હતી. તેમનું નેતૃત્વ તો બહુ દૂરની વાત છે. ગાંધીજી પહેલા એવા કૉન્ગ્રેસી નેતા હતા જેણે ગરીબોની લડાઈ લડી હતી અને આ માણસ લડશે એની રાજકુમાર શકલને ખાતરી હતી. એટલે તો રાજકુમાર શુક્લે ગાંધીજીની પૂંઠ પકડી હતી. ગાંધીજીને વિનવણી કરતા પત્રો લખ્યા, અમદાવાદ જઈ આવ્યા, ગાંધીજી જ્યાં જ્યાં જાય ત્યાં તેઓ પાછળ પાછળ જતા અને ગાંધીજી કલકત્તા જવાના હતા તો ત્યાં પણ પહોંચી ગયા.

૧૯૧૭ના એપ્રિલ મહિનામાં ગાંધીજી ચંપારણ જાય છે અને ભારતીય રાજકારણમાં એક નવો યુગ શરૂ થાય છે. યાદ રહે, ગાંધીજીએ ચંપારણની લડાઈ કૉન્ગ્રેસનું નામ વાપર્યા વિના લડી હતી, કારણ કે કૉન્ગ્રેસી નેતાઓ માટે તો આ માફક ન આવે એવા દમદાર માણસનું શું કરવું અને તેની સાથે કેમ કામ પાડવું એનો કોયડો હતો.

e.mail : [email protected]

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 નવેમ્બર 2020

Category :- Opinion / Opinion