કોરોનાવાઇરસઃ રખે માનતા કે વાઇરસે તમારી જિંદગીમાંથી એક્ઝિટની તૈયારી કરી છે

ચિરંતના ભટ્ટ
22-11-2020

હાલમાં તો તમારી પાસે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને મનોબળ જ છે જેનાથી વાઇરસ સામે લડવાનું છે

કોરોના વાઇરસની પકડ મજબૂત બની ગઇ અને લૉકડાઉન આખી દુનિયા માટે એક રૂટીન થઇ ગયું. આપણા દેશમાં ક્યાંક અનલૉક થયું તો ક્યાંક ફરી લૉકડાઉનના એંધાણ માથે ભમવા માંડ્યા. યુરોપિયન દેશોમાં સૌથી પહેલાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઇ અને તાજા રિપોર્ટ અનુસાર યુરોપમાં કોરોના વાઇરસે ફરી એકવાર પોતાનો કાળમુખો ચહેરો બતાડ્યો છે. સ્પેન, ફ્રાંસ, ઇટાલી અને જર્મની જેવા દેશો જ્યાં આ રોગચાળો કાબૂમાં આવ્યો હતો ત્યાં બીજા લૉકડાઉનની જાહેરાતો અને ચેતાવણીઓ અપાઇ છે. આ તો વિદેશની વાત થઇ પણ આપણી વાત કરીએ તો પાટનગર દિલ્હીમાં હોટસ્પોટ પર લૉકડાઉન લાગુ કરવાની તજવીજ રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે. તો ગુજરાતમાં પણ અમુક વ્યાપારી એસોસિયેશન્સ સ્વૈચ્છિક લૉકડાઉન પાળશે તેવા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં અધિકારીઓએ કોવિડ-૧૯ના ટેસ્ટિંગમાં વધારો કરવા તાકીદ કરી છે કારણ કે સેકન્ડ વેવની વકી છે. કર્વ ફ્લેટ થયો હોવા છતાં ય આ પગલાં લેવાઇ રહ્યાં છે. આંધ્ર પ્રદેશનાં જગન મોહન રેડ્ડીએ પણ નાગરિકોને સેકન્ડ વેવ માટે તૈયાર રહેવા કહ્યું છે.

વૈશ્વિક સ્તરે કોરોનાવાઇરસને કારણે મૃત્યુ આંક ઘટી રહ્યો છે છતાં ય યુરોપમાં શિયાળાની શરૂઆત એટલે કે ઇન્ફ્લુએન્ઝા અને હે ફિવરની મોસમ માથે આવી અને ત્યાં કેસિઝ વધવા માંડ્યા. આપણે ત્યાં પણ શિયાળાની શરૂઆત છે અને આખા એશિયા માટે ઇનફ્લુએન્ઝાની આ મોસમ ચિંતાનો વિષય છે. અમુક ગતિએ ઘટેલા વાઇરસનો મૃત્યુ આંક ફ્લુની મોસમમાં પાછો વકરે એવી પૂરી શક્યતા છે તેવું વિશેષજ્ઞોનું માનવું છે. જો કે કોરોનાવાઇરસનું ભવિષ્ય અત્યારે ભાખવું અઘરું છે પણ વૈશ્વિક સ્તરે મૃત્યુ આંક ચોક્કસ ઘટ્યો છે. જો કે કોરોનાવાઇરસને રાષ્ટ્રોની સમજણ, આવક, સવલતો બધા સામે સવાલ પણ ખડા કર્યા છે. યુ.એસ.એ. જ્યાં પર કેપિટા આવક મોટી છે અને સ્વાસ્થ્ય પર ખૂબ ખર્ચ કરાય છે ત્યાં મૃત્યુ આંક દર છ અઠવાડિયાને ગાળે પણ ૩૦ ટકા જેટલો રહ્યો છે. બીજી તરફ ભારતે અન્ય એશિયાઇ દેશો કરતાં આ મામલે બહેતર દેખાવ કર્યો છે. આપણે ત્યાં કોવિડથી થતાં મૃત્યુનો આંકડો અન્ય પશ્ચિમી અને પૂર્વીય એટલાન્ટિક પ્રદેશો કરતાં ઓછો રહ્યો છે પણ ઑક્ટોબર ૨૧ પહેલાનાં છ અઠવાડિયાના ગાળામાં મૃત્યુ આંક વધ્યો. આખા વિશ્વમાં જેટલા ટેસ્ટ થાય છે તેના કરતાં જેટલા કેસિઝ સામે આવે છે તે આંકડા મોટા હોય છે જે વાસ્તવિકતા બધાએ જ સ્વીકારવી રહી. એરોસોલ અને પાણીનાં ટીપાં દ્વારા પ્રસરતા આ વાઇરસનો ફેલાવો એસી વાતાવરણને કારણે થાય છે કે પછી એકની એક હવાના બંધ માહોલમાં ફરતા રહેવાથી થાય છે કે પછી બહારની હવાથી થાય છે. બહાર કદાચ વાઇરસનું રિસ્ક ઓછું છે પણ તેનો ફેલાવો હજી પણ સાવચેતીનાં પગલાં સતત ભરવાથી રોકી તો શકાશે જ. આપણે ત્યાં નાકની નીચે અને દાઢી પર માસ્ક લટકાવીને ફરનારા કોવિડિયટ્સ (કોવિડ ઇડિયટ્સ), માસ્કને વારંવાર હાથ અડાડનારાઓ અને બીજી બધી છૂટ લેનારાઓની સંખ્યા ઓછી નથી. હર્ડ ઇમ્યુનિટીની વાતો કરનારાઓએ સમજવું રહ્યું કે એ મેળવવું આસાન નથી કારણ કે અહીં વાઇરસ પણ એ જ ઝડપે પ્રસરે છે.

વાઇરસ તો કાળમુખા જેવો બેઠો છે પણ તેને નાથવાનાં વેક્સિનને મામલે ફાઇઝર અને મોડેર્ના વચ્ચે જાણે રેસ લાગી છે. વેક્સિનના સમાચાર સાંભળવા આખી દુનિયા તત્પર છે પણ નવા જમાના, નવા રોગ સાથે એક નવી તકલીફ એ પણ છે કે એક નવો ફોબિયા લોકોમાં વિકસી રહ્યો છે. એવા ઘણાં લોકો હોય છે જેમને કોઇ પણ પ્રકારની વેક્સિનથી વાંધો હોય અને તેઓ કોઇ પણ વેક્સિન લેતાં ખચકાય. એક તરફ વેક્સિન શોધાઇ રહ્યાં છે તો બીજી તરફ લોકોમાં તે ટાળવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. લોકોને કશું પણ ટાળવાનું ગમે છે, એ પ્રકૃતિ બહુ સાહજિક રીતે માણસ જાતમાં રહેલી છે. જો વેક્સિન સરળતાથી નહીં મળતી હોય તો લોકો તેને બિંધાસ્ત ટાળશે. બીજી બાબત છે ઑપ્ટિમિઝમ બાયસ, એટલે કે લોકોની જાત અંગે માન્યતા કે, “હું તો બહુ જ ધ્યાન રાખું છું મને તો ચેપ લાગવાનો જ નથી” – આવું માનનારાએ વેક્સિનની અગત્યતા ઘટાડી દે છે. ત્રીજું પાસું છે આત્મવિશ્વાસ - લોકો મોટેભાગે વેક્સિન ટાળતા હોય છે કારણ કે તેમને તેની પર વિશ્વાસ નથી હોતો. એમાં ય પાછું એક જ વર્ષના ગાળામાં તૈયાર થયેલા વેક્સિન પર ભરોસો કરવાનું લોકોને બહુ ગમશે નહીં. વળી સોશ્યલ મીડિયાના જમાનામાં જાતભાતની સાચી-ખોટી માહિતી માથે થોપાયા કરશે એમાં લોકોને વેક્સિન અંગે શંકા કુશંકાઓ પણ થયા કરશે. આ સંજોગોમાં વેકિસન અંગે સ્પષ્ટ માહિતીઓ, સરળ ઉપલબ્ધિ, અગત્યતા પર ધ્યાન આપવાનું રહેશે જેથી લોકોના મનમા કોઇ અસમંજસ ન રહે અને લોકો કોરોનાને નાથવાના કોઇ પણ પ્રયત્નોમાં પાછી પાની ન કરે.

પડકાર અને અવસર બન્ને એ છે કે વેક્સિનને મામલે પણ બધાંએ અજાણ્યા પાણીમાં ઊતરવાનું છે અને માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. વાઇરસ સામે બચવા આપણે ઘણી આદતો બદલી છે, ઘણું બધું ત્યજ્યું છે તો વાઇરસની વેક્સિનને સ્વીકારવાની તૈયાર માટે અભિગમ બદલવાની તૈયાર પણ રાખવી પડશે.

બાય ધી વેઃ

આપણે આકરા ઉનાળામાં વાઇસનો પ્રકોપ જોયો છે પણ શિયાળામાં તેનું જોર બમણું હશે એ ભૂલતા નહીં. ૧૯૧૮ના સ્પેનિશ ફ્લૂની વાત કરીએ તો તેનું પહેલું વેવ માર્ચમાં આવ્યું હતું અને તે યુરોપમાં કામ કરતા ચાઇનિઝ કામદારોને કારણે ફેલાયું હોવાની ધારણા છે. તે યુરોપમાં ફેલાયો અને પછી જૂન સુધીમાં તે ઑસ્ટ્રેલિયા, રશિયા, ચીન, ભારત, જાપાન અને મોટા ભાગનાં યુરોપમાં વકર્યો હતો અને જુલાઇમાં તેનું જોર ઘટ્યું અને સપ્ટેમ્બરમાં તેનું બીજું વેવ આવ્યું અને શિયાળામાં તેને કારણે બધી જ વયનાં લોકોનો મૃત્યુ આંક આભે આંબ્યો. પહેલા વેવ પછી સમાજમાં એક પ્રકારની આળસ – જેને માટે અંગ્રેજીમાં કોમ્પ્લિસન્સી શબ્દ છે એટલે કે (ઠીક હવે, જોયું જશે) અને વાઇરસનો કંટાળો પેસે છે જે બહુ જોખમી સાબિત થઇ શકે છે. માણસ પાસે આધુનિક વિજ્ઞાન છે પણ સ્વભાવની લાક્ષણિકતાઓ હજી પણ ૧૦૨ વર્ષ પહેલાં હતી તેવી હોઇ જ શકે છે, કાનેથી એક બાજુ લટકતાં માસ્ક તેનો પુરાવો છે. આપણો સાવચેતી ભર્યો વહેવાર આ સામેનું એક માત્ર શસ્ત્ર છે. ૨૦માંથી ૧૯ વેક્સિન શરૂઆતમાં પ્રોમિસિંગ હોય છે અને પછી ટ્રાયલના છેલ્લા તબક્કામાં તે પ્રભાવી પુરવાર નથી થતા. વેક્સિન આવી જશે તો ય તે તમારા સુધી પહોંચશે તેમાં સમય લાગશે, તેની વહેંચણી સૌથી મોટો પડકાર રહેશે. માટે જ યાદ રાખજો કે ત્યાં સફળ વેક્સિન ન શોધાય અને એ તમારા સુધી પહોંચે ત્યાં સુધી તમારી પાસે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને મનોબળ જ છે જેનાથી વાઇરસ સામે લડવાનું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 નવેમ્બર 2020

Category :- Opinion / Opinion