શુભ દિપાવલી

પ્રતિષ્ઠા પંડ્યા
13-11-2020

આ દિવાળી આપણ
દીવડા ના પેટવીએ
સૌને સૌનું ભાગ મળ્યું
આ અંધારું સહિયારું
છાનુંમાનું લઈ સોડમાં
પોતાનું કરી લઈએ
લીંપી ને દીવાલો કાળી
ઘેરી ઘેરી ને સુંવાળી
ઘરના આંગણ કરવી ના
આપણ આ ફેરી રંગોળી
ઠંડા ચૂલા 
કડાઈ કોરી
પેટના ઊંડા ખાડા ઉપર
ઢાંકી રાતની ચાદર કાળી
આંખ મીંચીને વહેલાં આજે
લઈ સપનું ગણગણતું સૂઈએ
લાહ્ય ઘણી છે અંદર ઊંડે
છે વિસ્ફોટો નાના મોટા
ઊડી હવામાં અધ્ધર
રચી ભાતભાતની ભાત
પછી નહિ સેવેલાં સપનાં ફૂટે
તેજ લીસોટા ગોળગોળ
આંખોની કીકીએ ચિતર્યાં
ભોંય ચકરડી જેમ ફરીને
અડધીપડધી આશા ફૂટે
ફ્ટફટફટફ્ટફટફટફટ .......
ભારોભાર ભરી
ઠેઠ અંદરના ઓરડેથી લઈને
લાંબીલચ એક વેદનાની લૂમ ફૂટે
અંદર કંઈ ના અજવાળે
ના બહાર કંઈ પ્રજવાળે
એવી આતશબાજી લઈને
શું દિવાળી કરીએ?

e.mail : [email protected]

Category :- Poetry