બદલતું ઑસ્ટ્રૅલિયા : આદિમવાસીઓથી લઈને આપણા સુધીનું — 2

જેલમ હાર્દિક
03-11-2020

ભાગ 2. બહુસાંસ્કૃતિક બનતું ઑસ્ટ્રેલિયા

આજે દુનિયાના અનેક દેશોનાં અઢળક લોકો માટે Dream country બનેલ ઑસ્ટ્રેલિયા સદીઓ પૂર્વે એના આદિમવાસીઓ માટે કેવી રીતે ઉપસ્યો હતો Dreamtime Storiesમાં, એ જાણ્યું આપણે આ લેખમાળાની પહેલી કડીમાં. એમાં આદિમવાસીઓની સાથે આપણે ય હિસ્સો બન્યાં, અંગ્રેજોએ બનાવેલ ઑસ્ટ્રેલિયાનો કે પછી એમણે બદલાવેલ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસનો. એ ઇતિહાસ પાછળ રેડાતાં લોહીના છાંટા આપણને ઉડ્યા તો આગળ જતાં આદિમવાસીઓની ક્રાંતિએ આપણું શેર લોહી પણ ચડાવ્યું. પછી કઈ રીતે એ ક્રાંતિ સમજદારીથી શાંતિમાં અને સહકારમાં ફેરવાઈ, અને આદિમવાસીઓનું એ ઑસ્ટ્રેલિયા અંગ્રેજોના રંગે રંગાયું એ આખી સફરમાં આપણે સહયાત્રી બન્યાં. અંગ્રેજો માટે એ ઑસ્ટ્રેલિયા હવે એક આદર્શ રાજ્ય બનવા જઈ રહ્યું હતું. જાણે એક અંગ્રેજી રામરાજ્ય ! એ તો આપણે સમજ્યાં કે આદિમલોકો તો સૈકાઓથી અહીંની ભૂમિ પર આવી વસ્યાં હતાં, પણ આ ઑસ્ટ્રૅલિયાને યોજનાપૂર્વક પોતાનું બનાવનાર અંગ્રેજો સાથે, એ અણધાર્યા આગંતુકો સાથે વાત અટકી નહિ, ઊલટું એણે તો જાણે આખાં વિશ્વ માટે શ્રીગણેશ માંડ્યા દેશાંતરના. તો પછી શું પૂરું થયું અંગ્રેજી રામરાજ્યનું એમનું સ્વપ્ન? અને તો કઈ રીતે બન્યું આજનું બહુરંગી ઑસ્ટ્રૅલિયા? આ બધા સવાલોના જવાબ મેળવતાં પહેલાં આપણે કેમ નહિ એ જાણી લઈએ કે કોઈ પોતાનો દેશ કેમ અને કયા સંજોગોમાં છોડતાં હશે કે પછી એમને છોડવો પડતો હશે !

કૅનેડામાં જન્મેલા અમેરિકન કવિ માર્ક સ્ટ્રૅન્ડ સરસ કહે છે :

We all have reasons
for moving.
I move
to keep things whole.

આવાં કોઈ દેશાંતરનાં મૂળ તપાસીએ તો કેટલાંક ખાસ કારણો હાથ લાગે; જેમાં અમુક તમને દેશની બહાર ધકેલતાં હોય, જેમ કે જે તે પ્રદેશનું વાતાવરણ; દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતો, જે તે દેશની રાજકીય પરિસ્થિતિ, એટલે કે એ દેશમાં થયેલ અશાંતિ, આંતરવિગ્રહ કે શાસન પલટો, જેને લીધે લોકો જુલમોનો ભોગ બનતા હોય, તો અમુક કારણો તમને એ નવા દેશ તરફ સ્થળાંતર કરવા ખેંચતાં હોય, જેમ કે આર્થિક સદ્ધરતા માટે જે તે દેશમાં સારી નોકરીની અનુકૂળતા, ઉચ્ચ શિક્ષણ માટેની સાનુકૂળતા કે પછી જુદી કે બહેતર જીવનશૈલી માટે પહેલેથી જ તે દેશમાં સ્થાયી થયેલાં કુટુંબીજનો. આમાંના એક યા એકથી વધુ કારણસર લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં વસવાનો પ્રયાસ કરતાં હોય છે. ભલે, કેટલાંક કાયમી બીજે જઈ વસે છે, તો કેટલાંક થોડા સમય પૂરતાં સ્થળાંતર કરે છે. ચાલો, દેશાંતરની આ સમજને આપણે ઑસ્ટ્રૅલિયાના સંદર્ભમાં વિસ્તારવાનો પ્રયત્ન કરીએ.

ઑસ્ટ્રૅલિયાના આદિમવાસીઓની જેમ હવે આપણે પણ જાણી ગયાં છીએ કે એમના માટે અણધાર્યા આવી પડેલા અંગ્રેજો એમના પ્રદેશમાંથી ક્યારે ય ન જવા માટે આવી ગયા હતા. કાયમી દેશાંતરનાં એમનાં કારણો વિષે આપણે પહેલા લેખમાં વાત કરી ગયાં. એ લેખમાં જ આદિમવાસીઓની આંગળી પકડીને આપણે લગભગ વીસમી સદી પૂરી કરી. અત્યારે આપણી સરળતા માટે આદિમવાસીઓને આપણે મૂળ ઑસ્ટ્રૅલિયાવાસીઓ ગણી લઈએ, તો એમના પછી ઑસ્ટ્રૅલિયામાં વસી જવાની શરૂઆત કરનાર અંગ્રેજોની સાથોસાથ અન્ય પ્રજાનાં દેશાંતરને સમજવા, ચાલો, ટાઈમ-મશીનમાં બેસીને ફરીવાર જઈએ ઓગણીસમી સદીમાં. કેમ કે અઢારમી સદીના કેટલાક દશક તો આદિમવાસીઓનો સફાયો કરવામાં જોતજોતાંમાં વીતી ગયા હતા ને !

પોર્ટ જેકસન ખાતે લાંગરતો પહેલો નૌકા કાફલો

(Source : http://www.acmssearch.sl.nsw.gov.au/search/itemDetailPaged.cgi?itemID=845003)

હવે અંગ્રેજોનું ધ્યેય હતું આ પ્રદેશને નવું ઈંગ્લેન્ડ બનાવવાનું; આદિમવાસીઓનો કુદરત આધીન પ્રદેશ હતો એવું નહિ, પણ હવે એ બનવો જોઈએ એક સાવ નવો, શિષ્ટ દેશ. સ્વાભાવિક રીતે દેશ નવો વસી રહ્યો હોય ત્યારે બધું જ એકડેએકથી શરૂ કરવાનું થાય. પહેલાં તો એના માટે જોઈએ વસતિ ને પછી એમના વસવાટની વ્યવસ્થા; મકાન, રસ્તા, તળાવ, પુલ ને રેલગાડીના પાટા જેવું કેટલું ય. આ વ્યવસ્થા પાર પાડવા માટે લોકોનું દેશાંતર કરવાનું થયું. ઑસ્ટ્રૅલિયામાં રાજનીતિશાસ્ત્રના સંશોધક અને નિષ્ણાત બ્રિટિશ - ઑસ્ટ્રૅલિયન ડો. જેઈમ્સ જુપ્પ (Dr. James Jupp) દરિયાપાર થયેલાં આ દેશાંતરને મુખ્યત્વે ત્રણ વહેણ, ત્રણ પ્રવાહોમાં વહેંચે છે: ગુનેગારો, સહાય પર આવનારાં લોકો અને વ્યક્તિગત પસંદગીથી આવનારાં લોકો.

આપણે પહેલા લેખમાં વિગતે જાણ્યું એમ ઑસ્ટ્રૅલિયામાં સૌ પહેલાં ગુનેગારો આવ્યા હતા. આવનારા એ ગુનેગારોમાં વધુ સંખ્યા પુરુષોની હતી, એટલે એમને મહેનતનાં, શારીરિક શ્રમનાં કામમાં લગાડી દેવામાં આવ્યા હતા. પણ સમાજ વિકસાવવા હવે જરૂર હતી સારાં અને કુટુંબ જીવનમાં ગોઠવાઈ શકે એવાં લોકોની, એટલે શરૂઆત થઈ સરકારી સહાયની. આર્થિક નીચલા વર્ગનાં લોકોને ઈંગ્લેન્ડમાં મુશ્કેલી તો હતી જ, સાથે ત્યાં બેરોજગારી જેવી તકલીફો વધવા લાગી હતી. એવાં લોકો જો ઑસ્ટ્રૅલિયા આવી જાય તો અહીં બધી રીતે ખપમાં આવે ને ત્યાં ઈંગ્લેન્ડનું ભારણ ઘટે. આ તો બંને હાથમાં લાડુ જેવી વાત હતી.

ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં ઈંગ્લેન્ડ અને અમેરિકામાં ઔદ્યોગિક ક્રાંતિના પાયા નંખાયા હતા, જેની અસર મુખ્યત્વે શહેરોને થઈ હતી. એ જ અરસામાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટ્લેન્ડના અમુક વિસ્તારો ગરીબીનો સામનો કરી રહ્યા હતા. અંગ્રેજ સરકાર લંડન આસપાસનાં નાનાં ગામો, પરગણાંઓમાં દેખા દીધેલાં આ દારિદ્રયને દૂર કરવાનો રસ્તો શોધી રહી હતી. એક તરફ જ્યાં આવાં લોકો માટે અમેરિકા અને કૅનેડાના દરવાજા લગભગ બંધ જેવા દેખાતા હતા, ત્યાં બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં નવી વસી રહેલી એમની કૉલોનીમાં ખેડૂતો અને અન્ય શ્રમજીવીઓની જરૂર ઊભી થઈ હતી. આપણે આગળ વાત કરી એમ ઑસ્ટ્રેલિયામાં એ સમયે પુરુષોની સંખ્યા વધુ હોતાં જાતિની સાથોસાથ મતિ અને સંસ્કૃતિ સંતુલન જાળવવા સ્ત્રીઓને લાવવી પણ જરૂરી બની હતી. એટલે ખાસ કરીને આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ બાજુથી સ્ત્રીઓને ઑસ્ટ્રૅલિયા આવવા તૈયાર કરવામાં આવી. ઈંગ્લેન્ડમાં ઈ.સ. 1834માં નવો ગરીબી કાયદો Poor Law અમલમાં આવ્યો હતો, જેના ભાગરૂપે ગરીબોને બેઠા-બેઠ આપવામાં આવતી આર્થિક મદદને બદલે એ લોકોને કામે લગાડી પગભર બનાવવાનું  ઠરાવવામાં આવ્યું હતું. એટલે એ આસપાસના સમયગાળામાં વધુમાં વધુ શ્રમિકો અને કારીગરોને થોડી બ્રિટનની અને મોટા ભાગની ‘નવાં બ્રિટન’ની મદદ વડે એ નવાં બ્રિટન - ઑસ્ટ્રૅલિયા તરફ રવાના કરવામાં આવ્યા. આમ, ઈ.સ. 1831થી 1860ની વચ્ચે સરકારી કે ચર્ચની સહાય પર ઘણી મોટી સંખ્યામાં લોકોએ દેશાંતર કર્યું. આ બધા બીજાં વહેણમાં એટલે કે સહાય પર દેશાંતર કરનારા થયા. ‘સસેક્સ એડવર્ટાઇઝર’ નામનાં અખબાર માટે સાઉથ ઑસ્ટ્રૅલિયામાં કામ કરતા જે. હૅક. 23 જૂન, 1838નાં સસેક્સ એડવર્ટાઇઝરમાં નોંધે છે :

‘Ship loads of emigrants were constantly arriving, but such was the demand for labour that there was not a single individual who was not employed, and at  very high wages …’

ઑસ્ટ્રૅલિયામાં ઠલવાતાં વહાણ ભરી ભરીને આવતાં દેશાટની વસાહતીઓ

(Source : https://neoskosmos.com/en/143830/learning-from-regional-migration-success-stories/)

અને હજી તો ઑસ્ટ્રૅલિયાનું અસ્તિત્વ જુદા- જુદા પ્રદેશો તરીકેનું હતું. ઈ.સ. 1850માં બ્રિટિશ સરકારે ઑસ્ટ્રૅલિયન કોલોનીઝ ગવર્મેન્ટ એક્ટ પસાર કર્યો, જેના ભાગરૂપે એ પ્રદેશોને પોતાની રીતે શાસન ચલાવવાની સ્વતંત્રતા મળી. હવે રાજકીય પરિસ્થિતિ મુજબ એ દરેક પ્રદેશ વધુમાં વધુ લોકોને પોતાના તરફ આકર્ષવા ઘણા ખરા અંશે સ્વાયત્ત રીતે કામ કરતો થયો. આ જ અરસામાં, ઈ.સ.1880 આસપાસ ઑસ્ટ્રૅલિયાના ન્યુ સાઉથ વૅલ્સની કોલસાની ખાણો માટે અને કવીન્સલૅન્ડના દરિયા કિનારાના વિસ્તારો તરફ કામ માટે ઘણાં લોકોએ દેશાંતર કર્યું. જો કે એ પ્રવાહમાં આવનારાં લોકો આયર્લેન્ડને બદલે નોર્થ ઇંગ્લેન્ડ અને સેન્ટ્રલ સ્કોટલેન્ડનાં હતાં.

ઑસ્ટ્રૅલિયામાં સોનું મેળવવા સારુ ધસારો

(Source : https://www.nationalgeographic.org/thisday/feb12/australian-gold-rush-begins/)

ઓગણીસમી સદીનો આ મધ્યકાળ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સુવર્ણકાળ બની રહ્યો, ખરેખરો સુવર્ણકાળ. કઈ રીતે એ જાણવા ચાલો, આપણે ય ખાણિયા થઈએ. એ સમય હતો ઈ.સ. 1851નો જ્યારે અચાનક વિશ્વભરમાં જાહેર થયું કે ઑસ્ટ્રેલિયામાં સોનું મળી આવ્યું છે. આ ‘જાહેર’ શબ્દ વાપરવા પાછળનું મારું કારણ તમને સમજાવું, તો મૂળ વાત એમ હતી કે બ્રિટિશ કોલોની વસાવવા આવેલા પહેલા અંગ્રેજોમાંના એક ભૂસ્તરશાસ્ત્રીને ઈ.સ. 1841ના અરસામાં સિડનીના બ્લુ માઉન્ટેઇન્સ તરીકે ઓળખાતા વિસ્તારમાં સોનું દેખાયું હતું, જે ત્યારના ગવર્નરને ગુનેગારોથી ભરેલાં ઑસ્ટ્રેલિયામાં જાહેર કરવું સુરક્ષિત નહોતું લાગ્યું. પણ ઈ.સ.1848માં જ્યારે અમેરિકાનાં કેલિફોર્નિયા પાસે સોનું મળી આવવાના સમાચારે બ્રિટિશ કૉલોનીમાંથી હજારો લોકો ભાગ્ય અજમાવી જોવા ત્યાં સ્થળાંતર કરવા લાગ્યા, ત્યારે ઑસ્ટ્રેલિયાનું અર્થતંત્ર ખોરવાઈ પડ્યું. અને એટલે સત્તાધીશોને ઑસ્ટ્રેલિયામાં મળી આવેલાં સોનાંને જગજાહેર કરવું પડ્યું. ઈ.સ. 1851માં પહેલાં ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યમાં, પછી વિક્ટોરિયામાં, ટાઝમેનિયામાં, નોર્ધન ટેરિટરીમાં અને પછી તો પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એમ એક પછી એક સોનાની ખાણો મળતી આવી. ઑસ્ટ્રેલિયાની સમૃદ્ધિની આ તો માત્ર ઝલક જ હોય, એમ વધુમાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના દરિયામાં મોતી મળી આવ્યાં. ભલે, આદિમવાસીઓ તો સદીઓથી આ મોતીઓનો ખપજોગો વ્યવહાર કરતા હતા, પણ હવે એ અંગ્રેજોની નજરમાં આવી ગયું હતું. અને અંગ્રેજો એને છોડે? એમણે તો આગળ જતાં કવીન્સલૅન્ડમાં પદ્ધતિસરનો મોતી ઉદ્યોગ સ્થાપી દીધો. આ ઝવેરાતોએ ઑસ્ટ્રેલિયાની કિસ્મત ચમકાવી દીધી અને વિશ્વની આંખો. ને એ ચમકથી આકર્ષાઈને શરૂઆત થઈ વ્યક્તિગત પસંદગીથી આવનારાં લોકોની; એટલે કે દેશાંતરના ત્રીજા પ્રવાહની. મોતીના જાણકાર મરજીવાઓ આવ્યા હતા જાપાનથી, અને સોનું શોધવા લોકો આવ્યાં યુરોપ સિવાય અમેરિકા અને ચીનથી. જો કે એમાં સૌથી વધારે બિનઅંગ્રેજીઓ ચીનના હતા. ઈ.સ.1850થી 1860ના દસકામાં દેશાંતર કરી ઑસ્ટ્રેલિયા આવનારાં લોકોએ દેશની વસતિ સવાચાર લાખમાંથી ચારગણી વધારી અંદાજે સત્તર લાખ જેટલી કરી નાખી. સોનાની ખાણમાં કામ કરવા માટે માત્ર ચીનમાંથી જ વીસ હજાર તો બાંધેલા કારીગરો આવ્યા હતા. કેટલા ય ઉદ્યોગપતિઓ પણ આ દરમિયાન ઑસ્ટ્રેલિયાની સમૃદ્ધિ સર કરવા આવી પહોંચ્યા હતા. વિશ્વના નકશામાં ઑસ્ટ્રેલિયા રાતોરાત રાજાશાહી ઠાઠનું સરનામું બની ગયું હતું. પણ આ રાજાશાહી દરેકને ખુદ ભોગવી લેવી હતી, એટલે શરૂ થયા વાદ, વિવાદ ને વિખવાદ. યુરોપિયન મૂળના અને ચીનના કારીગરો વચ્ચેના ઝગડા મારામારી ને કાપાકાપી સુધી પહોંચી ગયા. ચીની કારીગરો એ પ્રદેશ છોડી શહેર આવી ગયા અને ત્યાં ઓછા પગારનાં શોષણ છતાં જે મળે એ કામ કરવા લાગ્યા. એમાં પણ શ્વેતોને પોતાનો નોકરી-ધંધો છીનવાતાં લાગ્યાં. સરકારને પણ અંગ્રેજી રામરાજ્યનું પોતાનું આદર્શ સ્વપ્ન ડોલતું લાગ્યું, એટલે સમાજમાં પ્રસરેલા ઊંચનીચના આંતરિક ભેદભાવને એમણે હવા આપી અને બીજ રોપાયાં વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી(White Australia Policy) - Australia for the Australiansનાં.

ઈમિગ્રેશન રિસ્ટૃિકશન એક્ટ, 1901

(Source : National Archives of Australia)

ઈ.સ. 1901ની પહેલી જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયાનું ફૅડરેશન સ્થપાયું, એટલે કે ત્યાર સુધી જે છ રાજ્યો - કવીન્સલેન્ડ, ન્યુ સાઉથ વૅલ્સ, વિક્ટોરિયા, ટાઝમેનિયા, સાઉથ ઑસ્ટ્રૅલિયા ને વૅસ્ટર્ન ઑસ્ટ્રૅલિયા જુદી-જુદી બ્રિટિશ કૉલોની હતાં, એ હવે રાજકીય બાબતોમાં એક સ્વતંત્ર દેશ અને આંતરિક રીતે એ દેશનાં સ્વાયત્ત રાજ્યો બન્યાં. સામાન્ય રીતે સ્વાયત્તતા કે સ્વતંત્રતા સાથે જોર- જુલ્મ, શોષણ કે બીજી કોઈપણ નકારાત્મક પરિસ્થિતિઓનો અંત આવતો હોય, પણ ઑસ્ટ્રેલિયાના સંદર્ભમાં એનાથી સાવ ઊંધું થયું. દેશ સ્વાયત્ત થયો, પણ વિચારધારા સંકોચાઈ. કેમ કે એ જ વર્ષની, ઈ.સ. 1901ની,  23મી ડિસેમ્બરે ‘શ્વેતો એ જ ઑસ્ટ્રેલિયન્સ’ એ આખી ભેદભાવ ભરેલી બાબતને ઈમિગ્રેશન રિસ્ટ્રિક્શન એક્ટ (Immigration Restriction Act) દ્વારા કાયદાકીય મહોર લાગી. આ કાયદો મુખ્યત્વે ચીની લોકોને નામે એશિયાનાં લોકોને બહાર રાખવા ઘડાયો હતો, પણ એમાં તમામ અ-શ્વેતોનો સમાવેશ થતો હતો. એટલે સુધી કે મૂળ જેમનો આ દેશ હતો એ આદિમવાસીઓને પણ ડાર્વિનને રવાડે ચડીને ‘લુપ્ત થતી જાતિ’ ગણીને નામશેષ કરવાનો આ પેંતરો હતો. ટૂંકમાં, સ્પષ્ટ રંગભેદ ઉપર આ કાયદો પસાર થયો. આનાથી વધુ હાસ્યાસ્પદ બીજું શું હોય કે આ એ જ ઑસ્ટ્રેલિયા દેશ કરી રહ્યો હતો જેણે વિશ્વ સમક્ષ લાયકાતવાળાં દરેકને સમાન તક અને સમાન હક્કો આપવાનાં, અને દરેક કારીગર માટેનો એક પ્રગતિશીલ અને આદર્શ સમાજ ઘડવાનાં બણગાં ફૂંક્યાં હતાં !

સૌથી પહેલાં તો એમણે નૈતિક અને બૌદ્ધિક દૃષ્ટિએ ‘શ્વેતોથી ઊતરતાં’(!) તમામને બહારનો રસ્તો દેખાડવાનું શરૂ કર્યું. જેમાં સોનું ખોદવા આવેલા ચીની મજૂરો તો હતા જ, સાથે કવીન્સલેન્ડમાં શેરડીનાં અને બીજાં ખેતરો પર કામ કરનાર મજૂરો પણ હતા. હોશિયાર તો અંગ્રેજો પહેલેથી જ, એટલે બીજાઓની જેમ ખેતીકામ માટેના એ મજૂરોને પણ દક્ષિણ પૅસિફિક ટાપુઓ પરથી બાંધી મુદ્દતના કરાર સાથે લાવ્યા હતા. એટલે રાતોરાત વહાણો ભરી-ભરીને એમને પાછા રવાના કર્યા. વર્ષો સુધી ઑસ્ટ્રેલિયામાં રહીને, એને ઘર માનીને લોકોએ પોતાનાં કુટુંબ વસાવ્યાં હતાં, એ તમામ વેરવિખેર થઈ ગયાં. એક રહી શક્યું ને બીજાંને જવું પડ્યું. પતિ, પત્ની, બાળકો ને એનાં માતાપિતા કાયમ માટે એકબીજાંથી છૂટાં પડી ગયાં. કેટલા ય માનવવંશનો દેશમાંથી સફાયો કરવાનો આ પ્રયત્ન હતો. હવે વાત હતી નવાંને આવતાં રોકવાની. એ માટે ઈમિગ્રેશન ઑફિસર્સને છૂટ દેવામાં આવી કે એમણે ઑસ્ટ્રૅલિયામાં દાખલ થવા ઇચ્છતા દરેકની 50 શબ્દોની ડિક્ટેશન ટેસ્ટ- શ્રુતલેખનની પરીક્ષા કરવી. અંગ્રેજો સિવાય બીજું કોઈ આ દેશમાં ન આવી શકે એ માટે તેમની યુરોપની કોઈ પણ ભાષામાં પરીક્ષા લેવાતી. અને આવનારો જો એશિયાનો કોઈ હોય, તો એ નિષ્ફળ ન થાય ત્યાં સુધી પરીક્ષા લેવાતી ! પરિણામ ધાર્યું જ આવ્યું; ઑસ્ટ્રેલિયાની વસતિની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. મોતી કાઢવામાં નિષ્ણાત એવા જાપાનના ખલાસીઓ ને મરજીવાઓની દેશને ગરજ હતી, એ સિવાય તમામ અ-શ્વેતો માટે ઑસ્ટ્રેલિયાના દરવાજા બંધ થઈ ગયા. વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસીના મુખ્ય શિલ્પીઓમાંના એક એવા ઍટર્ની જનરલ આલ્ફ્રેડ ડીકિને એમનાં એક જાણીતાં ભાષણમાં કહ્યું હતું કે, ‘આ ‘વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસી’ એક એવી વ્યવહારકુશળ નીતિ છે, જે પારકાંઓને- ‘aliens’ને બહાર કાઢીને ઑસ્ટ્રેલિયાનું ચારિત્ર્ય જાળવશે, અને અહીંના સમાજમાં ન્યાયનું પુનઃ સ્થાપન કરશે.’ અને ‘aliens’ કહીને અ-શ્વેત એશિયનો જ નહિ, સાથે ‘પહેલા ઑસ્ટ્રેલિયન’ એવા આદિમવાસીઓની પણ બાદબાકી કરનાર ડીકિન ઑસ્ટ્રેલિયાના બીજા વડા પ્રધાન બન્યા!

પરિસ્થિતિ વૈશ્ચિક સ્તરે પણ ખાસ સારી નહોતી. એમાં પહેલું વિશ્વયુદ્ધ થયું. ઈ.સ.1914થી ઈ.સ. 1918 સુધી ચાલેલાં વિશ્વયુદ્ધે મોટા મોટા દેશોની પણ હાલત બગાડી નાખી. વિશ્વની ખોરવાયેલી શાંતિ પુનઃ સ્થાપિત કરવા ઈ.સ. 1919માં પૅરિસ ખાતે એક શાંતિ સભા યોજાઈ. લગભગ એક વર્ષ સુધી ચાલેલી આ Paris Peace Conferenceમાં પહેલું વિશ્વ યુદ્ધ જીતેલા શક્તિશાળી દેશો હારેલાં રાષ્ટ્રો માટે શાંતિ વ્યવસ્થા નિયત કરવા ભેગા થયા હતા. એમાં વૈશ્ચિક પ્રશ્નોને ઉકેલીને સુલેહ શાંતિ સ્થાપવા માટેનાં લીગ ઑફ નેશન્સ(League of Nations)ની રચના કરવાની હતી. અન્ય રાષ્ટ્રોની સાથે ત્યાં જાપાનની હાજરી પણ હતી. દસ્તાવેજી વાટાઘાટ દરમિયાન જાપાને જૂના ભેદભાવ ભૂલી પોતાને બીજાં અંગ્રેજી રાષ્ટ્રોની સમકક્ષ સ્વીકારવાની દરખાસ્ત મૂકી, ત્યારે સૌથી ઉપર ઊઠીને એને નકારી કાઢવામાં મુખ્ય હતા બિલી હ્યુઝ (William Morris (Billy) Hughes). ઑસ્ટ્રેલિયાના એ સમયના અને સાતમા વડા પ્રધાન બિલી હ્યુઝ જાપાન તરફ અસમાનતા દેખાડીને પોતાના શ્વેત દેશનો વિશેષ પ્રેમ મેળવવા માગતા હતા. પહેલાં વિશ્વયુદ્ધમાં એમણે ઑસ્ટ્રેલિયાનું સારું પ્રતિનિધિત્વ તો કર્યું જ હતું, હવે જાપાનને ઊતરતું દેખાડી, એનો તમામ રીતે અસ્વીકાર કરી એમણે વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસીને વધુ સુરક્ષિત બનાવી. ભલે, પછી ઑસ્ટ્રેલિયાની રાજનીતિમાં એમનું સારું લગાડનાર આ પગલું જાપાનનાં મનમાં ઑસ્ટ્રેલિયા માટેનાં વેરનું કારણ જરૂર બન્યું.

પૅરિસ શાન્તિ પરિષદ [પૅરિસ પીસ કૉન્ફરન્સ] પછી ઑસ્ટ્રેલિયા પરત થયેલા બિલી હ્યુઝ

(Source: theaustralians.com.au)

એ જ અરસામાં, ઈ.સ. 1919માં, ઑસ્ટ્રેલિયામાં પ્લૅગ ફેલાયો. એવું માનવામાં આવે છે કે પહેલાં વિશ્વયુદ્ધમાંથી પાછા ફરેલા સૈનિકો આ રોગ પોતાની સાથે લાવ્યા હતા. જે બન્યું તે, પણ આ રોગે ઓછામાં ઓછાં સાડા અગિયાર હજાર લોકોનો ભોગ લીધો. હવે ઑસ્ટ્રેલિયાને પોતાનાં ગામડાં વિકસાવવાં હતાં, એટલે પોતાની ‘શ્વેત’ વસતિ વધારવા એમણે ફરી બ્રિટિશ સામ્રાજ્ય તરફ દૃષ્ટિ માંડી. એના ભાગરૂપે, બ્રિટિશ સરકારે પોતાનાં લશ્કરમાંથી નિવૃત્ત થયેલી વ્યક્તિઓને ઑસ્ટ્રેલિયા દેશાંતર માટે નિઃશુલ્ક સગવડ કરી આપી, અને કેટલાંકને ચર્ચે સહાય કરી. ચર્ચમાં ત્યારે કહેવામાં આવતું કે દેશાંતર કરવાથી વ્યક્તિનો ઉદ્ધાર થાય છે! એટલે એ સમયમાં ઇંગ્લેન્ડથી ઑસ્ટ્રેલિયા નોંધપાત્ર સ્થળાંતર થયું. અંદાજે સવા બે લાખ લોકો ‘Land of milk and honey’ કહેવાતા આ નવા દેશ તરફ આવ્યાં. જો કે આ વખતે પણ ગામડાંઓને બદલે શહેરમાંથી આવનારા અંગ્રેજોની સંખ્યા વધુ હતી. શહેરી અંગ્રેજો ગામડાંનાં જીવનથી ટેવાયેલા નહોતા કે નહોતો એમને ખેતીનો ખાસ અનુભવ. એટલે કેટલાક ઑસ્ટ્રેલિયાના ખડકાળ વિસ્તારમાં સફળતાથી ખેતી કરી શક્યા, ટકી શક્યા, પણ બીજા ઘણા એ પ્રતિકૂળ વાતાવરણ અને અતિશય શારીરિક શ્રમ સહન ન કરી શક્યા. ઑસ્ટ્રૅલિયા ઇંગ્લેન્ડ કરતાં સારું હોવાની એમની માનસિક પ્રતિમા ભાંગી પડતાં એમાંના મોટા ભાગના ઓસ્ટ્રેલિયાનાં શહેરોમાં અને કેટલાક ઇંગ્લેન્ડ પાછા ફર્યા.

વીસમી સદીનો બીજો દસકો જેમ અમેરિકા માટે સારો હતો એમ ઑસ્ટ્રેલિયાના ઉદ્યોગ-ધંધા માટે પણ ઉજાશવાળો હતો. પણ અચાનક અમેરિકાની શૅર બજાર પડી ભાંગતાં ત્યાં મહામંદી આવી પડી. અને એના પર આધારિત ઉદ્યોગપતિઓએ અન્ય દેશોમાં કરેલું રોકાણ ઉપાડી લીધું, એટલે સ્વાભાવિક રીતે આ મંદીએ વિશ્વના તમામ દેશોમાં દેખા દીધી. ઑસ્ટ્રેલિયા પણ એમાંથી બાકાત ન રહ્યું. ઇંગ્લેન્ડથી ઘણી આશાઓ સાથે આવી ગયેલાં લોકો આમે ય માંડ ગોઠવાયાં હતાં, ત્યાં મંદીને લીધે ઉદ્યોગો ભાંગી પડતાં બેરોજગારી વધી ગઈ. એવામાં ‘દુકાળમાં અધિક માસ’ની જેમ પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં સોનું ય ખાલી થવા માંડ્યું. ઈ.સ. 1930થી ઈ.સ. 1939ની વચ્ચે ઑસ્ટ્રેલિયાનો વિકાસ લગભગ અટકી પડ્યો. દેશની સરકાર અને એનાં અર્થતંત્ર પરથી દુનિયાનો ભરોસો ઊઠી ગયો. આ સમય એવો હતો કે જ્યારે ઑસ્ટ્રેલિયામાં જન્મદર ઘટી ગયો અને નવાં લોકોનું એ તરફનું દેશાંતરણ પણ ખોરવાઈ ગયું. 

આખી દુનિયા પરની પહેલાં વિશ્વ યુદ્ધની અસર હજુ પૂરેપૂરી ઓસરી નહોતી ને ત્યાં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. કોણ જાણે કેમ પણ વીસમી સદી જાણે વિશ્વયુદ્ધોની સદી બની ગઈ! દુનિયામાં દરેકને સત્તાની શક્તિ મેળવી લેવી હતી. એકબાજુ યુરૉપ લડી રહ્યું હતું, જર્મની યહૂદીઓના સંહારે ચડ્યું હતું, તો બીજી તરફ જાપાનને દક્ષિણપૂર્વી એશિયા સર કરવું હતું. અમેરિકા પોતાનાં એ લક્ષમાં આડખીલી ન બને, એ માટે જાપાને અચાનક અમેરિકાના પર્લ-હાર્બર પર પણ હુમલો કરી દીધો હતો. ઑસ્ટ્રેલિયા સ્વાભાવિક રીતે જ ઇંગ્લેન્ડ અને અમેરિકા બાજુથી લડી રહ્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધ જેટલી ખાનાખરાબી કરે છે એટલી બીજી ક્યારે ય થતી નથી. અહીં પણ એવું જ બન્યું. યુરોપનાં યુદ્ધમાં લડી રહેલા ઑસ્ટ્રેલિયાના સૈનિકો તો મરી જ રહ્યા હતા, ત્યાં અચાનક ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વી દરિયા કાંઠે, એનાં ડાર્વિન શહેર પર જાપાને એશિયા બાજુથી હુમલો કરી દીધો. ઑસ્ટ્રેલિયા પર ચડાઈ કરવાની જાપાનની કોઈ યોજના નહોતી, પણ ઑસ્ટ્રૅલિયાના દરિયાઈ કે હવાઈ માર્ગનો અથવા તો એમનાં સૈન્ય વિમાનો કે સામગ્રીનો પોતાના વિરોધીઓ ઉપયોગ ન કરી શકે, ખાસ કરીને અમેરિકા, એટલે એનાં સામર્થ્યને નબળું પાડવા આ હુમલો કરવામાં આવ્યો હતો. મને તો જો કે આમાં ક્યાંક ને ક્યાંક આપણે વાત કરી ગયાં એ Paris Peace Conferenceના પડઘા સંભળાયા. 

ઈ.સ. 1939થી ઈ.સ.1945 સુધી ચાલેલાં બીજાં વિશ્વ યુદ્ધે તમામ દેશોને એક યા બીજી રીતે અરીસો દેખાડી દીધો. જાપાનના અચાનક થયેલા હુમલાથી ઑસ્ટ્રેલિયાને પોતાનાં લશ્કરી બળ વિષે વિચાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. ઑસ્ટ્રેલિયામાં ત્યારે સોળમા વડાપ્રધાન તરીકે બેન ચીફલી હતા. એમની સરકારે પહેલા ઈમિગ્રેશન મિનિસ્ટર તરીકે આર્થર કોલવેલની નિમણૂંક કરી. આર્થર કોલવેલને લાગ્યું કે દેશની આર્થિક અને લશ્કરી શક્તિ વધારવા માટેનો એક માત્ર રસ્તો હોય તો એ છે દેશની વસતિ વધારવી, અને એમણે નારો આપ્યો, ‘Populate or perish.’ આ વિચારને ચરિતાર્થ કરવા એમણે ફરી બ્રિટિશ સરકાર સાથે ‘આસિસ્ટેડ માઈગ્રેશન પૅસેજ સ્કીમ’ની શરૂઆત કરી. આ સ્કીમના ભાગરૂપે કોઈ પણ બ્રિટિશ નાગરિક દસ પાઉન્ડ જેવી નજીવી ફી આપીને ઑસ્ટ્રેલિયા સ્થાયી થઈ શકતો હતો. ઑસ્ટ્રેલિયાના લોકોના Immigrant શબ્દના મશ્કરા ઉચ્ચાર Pomegranate પરથી આ દરમિયાન બ્રિટનથી ઑસ્ટ્રૅલિયા આવી વસનાર લોકો 10 Pound Poms કહેવાયા. જો કે આર્થર કોલવેલે આ Pommies માટે સારો શબ્દ શોધ્યો; New Australians. આમ, ઈ.સ.1945થી ઈ.સ.1972ની વચ્ચેના ગાળામાં આવાં દસ લાખથી ય વધુ ‘ન્યુ ઑસ્ટ્રેલિયન્સ’ ઑસ્ટ્રેલિયા આવ્યાં. જો કે બે એક વર્ષમાં બ્રિટનમાંથી ધારી સંખ્યા ન મળતાં, ઈ.સ. 1947માં આર્થર કોલવેલે ‘White’ની સમજણને થોડી વિસ્તારી ને માત્ર બ્રિટનને બદલે એને યુરૉપ ખંડ સુધી પહોંચાડી. પણ આપણે એ ભૂલવા જેવું નથી કે એમણે હજુ ‘શ્વેત’ રંગ સાથે તો સમાધાન નહોતું જ કર્યું. બદલાવ માત્ર એટલો હતો કે હવે બ્રિટન ઉપરાંત એમણે સાઉથ, નોર્થ, ઈસ્ટ ને સેન્ટ્રલ યુરોપના શરણાર્થીઓને લેવા શરૂ કર્યા. ઑસ્ટ્રેલિયાની નવી ઓળખના જાણે એ સમયે જ ક્યાંક ઊંડે ઊંડે પાયા નંખાયા.

અત્યાર સુધી આદિમવાસીઓ સિવાય માત્ર અંગ્રેજોને જોવા અને અંગ્રેજોની જ સાથે રહેવા ટેવાયેલી પ્રજાને આ વાત ગળે ઉતરાવવા આર્થર કોલવેલે એવી બાંહેધરી આપી હતી કે સરકાર દર એક બિનઅંગ્રેજ઼ સામે દસ અંગ્રેજ લોકોને દેશમાં લાવશે, જેથી એમનું ‘વ્હાઈટ યુટોપિયા’- White Utopia જેમ છે એમ જળવાઈ રહેશે. ઑસ્ટ્રેલિયાનાં લોકોનાં મનમાં રહેલું એ ‘શ્વેત-સુંદર’ ચિત્ર ખરડાય નહિ એ માટે આર્થર કોલવેલે એવી ગોઠવણ કરાવી હતી કે, યુરોપના શરણાર્થીઓને લઈને આવી પહોંચેલાં એ વહાણમાંથી સૌથી પહેલાં ઉત્તર-પૂર્વી યુરોપના બાલ્ટીક દેશની સ્ત્રીઓ ઊતરે. એ ‘beautiful balts’ના શ્વેત રંગ અને આકર્ષક દેખાવને લીધે લોકો એમને ઝડપથી સ્વીકારે. ભલે, એ તો માત્ર શરૂઆત હતી. હજી અંદાજે પોણા બે લાખ જેટલા આ નવા આગંતુકોએ ઑસ્ટ્રૅલિયા આવતાંવેંત એને આત્મસાત કરવાનું હતું, પૂરેપૂરું પચાવવાનું હતું. રંગ, રૂપ, વાણી, વર્તન ને વ્યવહારથી અંગ્રેજ બનવાનું હતું. અને એમાં પસંદગી જેવી કોઈ છૂટછાટ નહોતી. કોઈ વૃક્ષે જાણે કે પોતાની જમીનમાંથી ઉખડીને ક્યાંક બીજે રોપાવાનું જ નહિ, વિકસવાનું પણ હતું. બસ, એ જ રીતે એ લોકો ગોઠવાવા માટે, ઑસ્ટ્રેલિયાના અંગ્રેજી સમાજનો હિસ્સો બનવા માટે બનતું બધું જ કરવા લાગ્યાં. ઑસ્ટ્રેલિયાના નોબૅલ વિજેતા લેખક પેટ્રિક વ્હાઈટની નવલકથા ‘The Tree of Man’નાં પાત્ર ડૉલ કવિગ્લીનો એક સંવાદ આ લાગણીને બહુ સરસ રીતે વ્યક્ત કરે છે; ‘It’s funny the way you take root. You get to like people.’

આ તો વીસમી સદી અર્ધે પહોંચી હતી, પણ કહેવાતી આવી જ assimilation policy સરકારે અમલમાં મૂકી હતી વીસમી સદીની શરૂઆતમાં આદિમવાસીઓ સાથે. આ લેખમાળાની પહેલી કડીમાં મેં જેનો ઉલ્લેખ કર્યો હતો એ Stolen generationsની વાત પણ કૈંક આવી જ હતી. સરકારે આદિમવાસીઓનાં બાળકોને એમનાં માતાપિતા, કુટુંબીઓ અને સમાજથી ઝૂંટવી લઈને ચર્ચ કે એવી કોઈ કલ્યાણકારી(!) સંસ્થાને સોંપી દીધાં હતાં, જેથી એ લોકો અંગ્રેજી રીતભાત અને જીવનશૈલી ઝડપથી અપનાવી લે. આપણે ધારી લઈએ કે એ બાળકો ધીમે-ધીમે અંગ્રેજ જેવાં બની ગયાં, પણ પછી શું એ પાછાં પોતાનાં માતાપિતાને મળી શક્યાં ? આ પ્રશ્નનો જવાબ મોટે ભાગે નકારમાં આવે કેમ કે માહિતીના અભાવને લીધે દરેકનાં ઘરની કે ઘરનાંની ભાળ ન મળી શકી. આનું પરિણામ એ આવ્યું કે પેઢીઓની પેઢીઓ પોતાનાં કુટુંબથી હંમેશ માટે વિખૂટી પડી ગઈ. આ વર્તન બદલ ઑસ્ટ્રેલિયા સરકારે 26 મે, 1998ને National Sorry Day જાહેર કર્યો. જો કે એ માટે આદિમવાસીઓની ઔપચારિક ક્ષમાયાચના તો છેક 13 ફેબ્રુઆરી, 2008ના, કુટુંબોને તોડી પાડ્યાનાં લગભગ સો વર્ષે, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રડે (Kevin Rudd) કરી.

વિખૂટી પડેલી પેઢીની ક્ષમા યાચતા તત્કાલીન વડા પ્રધાન કેવિન રડ

(Source: The Australian news paper)

ઈ.સ. 1940 આસપાસ, બીજાં  વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેટ યુનિયન વચ્ચે રાજકીય અને આર્થિક અથડામણો થઈ, જે કૉલ્ડવૉર તરીકે ઓળખાઈ. એના પરિણામે દક્ષિણ એશિયાના દેશો સહિત અનેક દેશોમાં સામ્યવાદની પક્કડ વધી. એશિયા અને પૅસિફિકના કેટલાક દેશોને આ ‘Red Scare’ને વધતો ડામવો હતો, ઑસ્ટ્રૅલિયા અને કૅનેડા જેવા પશ્ચિમના દેશો સાથેના આંતરિક સંબંધો ગાઢ કરવા હતા અને પોતાના દેશોનો પણ આર્થિક વિકાસ કરવો હતો. આવા આશયથી ઈ.સ. 1951માં શ્રીલંકામાં કોલંબો પ્લાનની રચના થઈ. ઑસ્ટ્રૅલિયાને પોતાના દેશના મૂડીવાદી વિકાસથી લોકોને જાગૃત કરવામાં રસ હતો, એટલે કોલંબો પ્લાનના જે દેશો સભ્ય હતા, એના વિદ્યાર્થીઓ માટે ઑસ્ટ્રેલિયન સરકારે શિષ્યવૃત્તિની એક યોજના બહાર પાડી, જેના ભાગરૂપે એ લોકો ઑસ્ટ્રૅલિયામાં આવીને રહે, ત્યાંની ટેક્નોલોજી, અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, ને રાજનીતિ ભણે, અને સામ્યવાદથી ભિન્ન એવી પોતાની મુક્ત જીવનશૈલી અને વિચારધારા વિષે જે નવું જાણે એને પોતાના દેશમાં પાછાં ફરીને ઉપયોગમાં લાવે. અંદાજે વીસ હજાર વિદ્યાર્થીઓ આ દરમિયાન ઑસ્ટ્રેલિયા આવ્યા. એક રીતે જોઈએ તો ભલે, માર્યાદિત સમય પૂરતું, પણ આ પહેલું સત્તાવાર બિનઅંગ્રેજી સ્થળાંતર હતું. શરૂઆતમાં તો એશિયાના આ ‘ગરીબ’ અને ‘ઓછા ભણેલા’ દેખાતા વિદ્યાર્થીઓ શ્વેતોને પોતાના દેશ માટે ખતરો લાગ્યા, પણ ધીમે- ધીમે એમનાં ‘Rice and curry’-એ એમની છાપ બદલીને એકદમ સ્વાદિષ્ટ બનાવી દીધી, એટલે સુધી કે શ્વેતો પોતાનાં ઘરની બહાર પાટિયાં લગાવવા માંડ્યા કે; ‘Rooms available to Asian students only !’

ઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટૃીય વિદ્યાર્થીઓ, કોલમ્બો યોજના [The Colombo Plan]

(Source: Southerncrossings.com.au)

યુરૉપ સિવાયનાં લોકોનું બીજું નોંધપાત્ર દેશાંતર થયું ઈ.સ. 1949માં હૅરોલ્ડ હૉલ્ટના સમયમાં. ઈમિગ્રેશન મિનિસ્ટર તરીકે ત્યારે એમણે 800 જેટલા નોન-યુરોપિયન્સ શરણાર્થીઓને આ દેશમાં રહેવાની મંજૂરી આપીને એમનાથી આગળની સરકારની માત્ર શ્વેત તરફી નીતિને હળવી બનાવી. પોતાની આ ઉદારમતવાદી નીતિને એમણે ઑસ્ટ્રેલિયાના સત્તરમા વડા પ્રધાન તરીકે આગળ વધારી ઈ.સ. 1966માં. આ સમય ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં મુખ્ય બદલાવ લાવનારો બની રહ્યો કેમ કે હૉલ્ટ પ્રમુખ સ્થાને આવ્યા તે પહેલાં શ્વેતો અને અશ્વેતો માટે ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટેના માપદંડો જુદા હતા. શ્વેતો માટે જે જરૂરી સમયગાળો પાંચ જ વર્ષ હતો, એ અન્યો માટે પંદર વર્ષનો હતો. હૅરોલ્ડ હૉલ્ટે દરેક માટે એને કાયદેસર પાંચ વર્ષનો એટલે કે સમાન કરી નાખ્યો. એટલું જ નહિ, એના સમયથી જ ઓસ્ટ્રેલિયા દેશાંતર માટેનું મૂલ્યાંકન વ્યક્તિનો રંગ, જાતિ કે રાષ્ટ્રીયતા નહિ, પણ એની યોગ્યતા, શૈક્ષણિક લાયકાત અને આ દેશમાં ગોઠવાવામાં અને દેશના વિકાસમાં ખપ લાગે એવાં એનાં કૌશલ્યો આધારિત થઈ ગયું. ‘વ્હાઇટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’નાં આ વળતાં પાણી હતાં અને ‘સ્કિલ્ડ માઈગ્રેશન’નાં ચડતાં. લગભગ સાત સબળ દાયકાઓ પછી, છેવટે હવે શ્વેતરંગી ઑસ્ટ્રેલિયા બહુરંગી બનવાને પંથે હતું.

રેશિયલ ડિસ્ક્રીમિનેશન એક્ટ [Racial Discrimination Act]

(Source: https://castancentre.com/ )

હૉલ્ટ સરકારે ‘વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’ને વેરવિખેર કરી, પણ ઈ.સ. 1973માં એને કાયદેસરની હાંકી કાઢી વિટલમ સરકારે. ઑસ્ટ્રેલિયાના એકવીસમા વડા પ્રધાન ગૌફ વિટલમની સરકારમાં મિનિસ્ટર ફોર ઈમિગ્રેશન હતા અલ ગ્રાસબી (Al Grassby). ઑસ્ટ્રેલિયામાં પ્રસરેલા વંશ અને જાતિના ભેદભાવના એ સખત વિરોધી હતા. પોતાના સમયમાં ‘વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’ને નાબૂદ કરી માનવ હક્કોને લગતા ઘણા સુધારા કરવાને લીધે તેઓ ‘Father of Australian multiculturalism’ કહેવાયા. આગળ જતાં, ઈ.સ.1975માં વિટલમ સરકારે Immigration Restriction Actને લગભગ ઊંધો વાળતો Racial Discrimination Act પસાર કર્યો, જેના ભાગરૂપે દેશનાં કોઈપણ પ્રકારનાં સત્તાવાર કામ માટે જાતીય ધોરણોનો ઉપયોગ ગેરકાયદેસર ઠરાવવાનું જાહેર થયું. ઈ.સ. 1978માં ફ્રેઝર સરકારે એને કાયદાની મહોર મારી દીધી. ઈ.સ. 1981માં સરકારે Special Humanitarian Assistance Programme (SHP) જાહેર કર્યો, જેના ભાગરૂપે એશિયાના શરણાર્થીઓને પણ ઑસ્ટ્રૅલિયામાં રક્ષણ મેળવવાની છૂટ અપાઈ.

વીસમી સદી વિશ્વયુદ્ધો ઉપરાંત અનેક દેશોના આંતરવિગ્રહ ને આંતરિક ઊથલપાથલની પણ સાક્ષી બની હતી. ક્યાંક સામ્યવાદ ફેણ ચડાવીને બેઠો હતો તો ક્યાંક કેટલાંક રાષ્ટ્રો સ્વાતંત્ર્ય ચળવળમાં વ્યસ્ત હતાં. કારણ એક હોય યા બીજું, શરણનું કોઈ નિવારણ નહોતું. ઈ.સ. 1975થી 1985 વચ્ચે, વિયેતનામ યુદ્ધને અંતે નેવું હજાર જેટલા શરણાર્થીઓ તો માત્ર વિયેતનામ, કંબોડિયા અને લાઓમાંથી જ ઑસ્ટ્રેલિયા આવ્યા. લગભગ એ જ ગાળામાં લેબેનન આંતરવિગ્રહના સોળ હજાર શરણાર્થીઓ પણ આ દેશમાં ઉમેરાયા. બાકી, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, ઈરાક, અફઘાનિસ્તાન અને સુદાનથી લોકો હજી આજે પણ અહીં આવતા રહે છે. નહિ તો શું સાવેસાવ એકવિધ હતું એ ઑસ્ટ્રેલિયા આટલું અનેકવિધ બને !

આજે ઑસ્ટ્રેલિયામાં દેશાંતર માટે બે પદ્ધતિઓ અસ્તિત્વમાં છે; એક તો લાયકાત કે કૌટુંબિક કારણ અને બીજી શરણાર્થીઓ માટે માનવતાનાં ધોરણે રાજકીય આશ્રય. એનું પરિણામ એ આવ્યું છે કે અત્યારે વિશ્વના લગભગ તમામ દેશોનાં લોકો ઑસ્ટ્રેલિયામાં આવી વસ્યાં છે, જે પોતાની જુદી ભાષા, સંસ્કૃતિ અને આસ્તિકતાને અકબંધ રાખીને આનંદથી અહીં જીવે છે. અરે, વિશ્વમાં કદાચ સૌથી વધુ આંતરજ્ઞાતિ તો શું, આંતરસંસ્કૃતિ લગ્નો થતાં હોય તો એ ય ઑસ્ટ્રેલિયામાં છે!

જો કે આપણને વિચાર તો આવી જાય કે ક્યાં 1788ની એ સાલ, જ્યારે હજજારો આદિમવાસીઓનાં ઑસ્ટ્રેલિયામાં એ હજારેક શ્વેત આગંતુકોનું અણધાર્યું આવી ચડવું ! ક્યાં લગભગ સવા સદી પછીની 1901ની એ સાલ, જ્યારે તમામ અ-શ્વેતો તો શું મૂળ ઑસ્ટ્રેલિયન એવા આદિમવાસીઓની એ અઢીસો જાતિ સામે નાકનાં ટેરવાં ચડાવીને એમને બહારનો રસ્તો દેખાડી દેવો ! ને ક્યાં સવા બે સદી પછી, આ જ વર્ષ 2020નો ‘ઑસ્ટ્રૅલિયા દિવસ’(હા, આપણે પહેલા લેખમાં જાણ્યું એમ આ એ જ દિવસ જ્યારે આદિમવાસીઓની આ ભૂમિને અંગ્રેજોએ પોતાની જાહેર કરી દીધી હતી), જેને સત્કારવા ‘નવા ઑસ્ટ્રેલિયન્સ’ની એક નહિ, અનેક જાતિને લાલ જાજમ બિછાવી આવકાર અપાવો, અને એ એક જ દિવસે દસ દેશોનાં સત્યાવીસ હજાર લોકોને ઑસ્ટ્રેલિયાનું નાગરિકત્વ અપાવું ! ભલે, શ્વેતરંગી રંગાયેલ રાષ્ટ્રમાં આ બહુરંગી રંગોળી ફરી કેટલી મુશ્કેલીઓ વચ્ચે પૂરી શકાઈ, એ તો સાચું ‘ઉપરવાળા’ જ જાણે (બ્રિટન ઑસ્ટ્રેલિયાથી તો ઉપર જ ને) ! પણ આપણે જેટલું જાણ્યું એના પછી એટલું કહી શકીએ કે All’s well that ends well. જો કે અંત તો વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસીનો થયો છે, આપણી લેખમાળાનો નહિ. ને આપણી આ લેખમાળાની, આ બહુરંગી ઑસ્ટ્રેલિયાની રંગોળી ભારતીય રંગ વિના પૂરી ય ક્યાંથી થાય ! બસ, તો લેખમાળાની ત્રીજી અને અંતિમ કડીમાં, આ બહુરંગી ઑસ્ટ્રેલિયામાં આપણે પૂરીશું ભાતીગળ ભારતીય રંગ ..

~~~~~~~~~~~~~

જેલમ હાર્દિક સિડની(ઓસ્ટ્રેલિયા)સ્થિત મીડિયા બ્રૉડકાસ્ટર છે.

e.mail : [email protected]

પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”; પુસ્તક 85, અંક 1; જાન્યુઆરી−માર્ચ 2020; પૃ. 23-35

Category :- Diaspora / Features