નહિતર

ભરત મહેતા
20-10-2020

સદીઓથી ઢાંક્યાં તમારાં તન
હરફ સરખો ય કાઢ્યા વિના ઢાંકી તમારી નાગાઈ પણ.
ધોમધખતા તાપે ચામડી મારી બાળીને
તમને ટાઢક વળે એવાં વસ્તર વણ્યાં !
કડકડતા હેમાળે ધરૂજતો રહ્યો હું
પણ તમને હૂંફ વળે આઠે પહોર એવી વણી’તી ચાદર
જાણે તમને ભેટતો હોંઉ એમ દેતો’તો છાનો છાનો આદર
નોરતાના દા’ડે ખપ આવી’તી મારી રંગચૂંદડી !
તો ય
વારેતેવારે પડછાયો પડી જાય તો
ઢીબી નાંખતા’તા બાપલા
તો ય
મારતો રહ્યો સલામ કાયમ રાતના વાળુ માટે !
તમે
વરઘોડિયા થઈ નાચતા’તા ત્યારે
હું ય ઊભો’તો ખૂણામાં ચપટીક બૂંદી ગાંઠિયા માટે
જે કૂવેથી મારે પાણી પીવાય જ નહીં
એ કૂવાના કોસમાં ફરતી મારી આંગળીઓ ટેભેટેભે
તમારાં ખેતરમાં, ઢોરઢાંખરમાં ભળી છે
મારા પરસેવાની ગંધ !
તો ય તમારે ઘરઆંગણે આવવાનું બંધ !
જે સપાટું પહેરી તમે ઉનાળાના ઉનાળા કાઢી નાખ્યા
એ સપાટું અમારે તો કાઢી નાંખવી પડે
તમે દેખાવ કે અબઘડી !
પછી તો આવી આઝાદી
હેન્ડલૂમ, હેન્ડલૂમની થઈ બૂમાબૂમ
અમે ય થયાં પાંદડે, બે-પાંદડે
હવે તો તું છાલ મેલ,
નહિતર સાચું કહું ફરીથી કરી મેલીશ નાગો !

[દલિતોની બહેન-દીકરી પર થતા હાથરસ જેવા બળાત્કારોના સંદર્ભમાં]

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 16

Category :- Poetry