નોબેલ-વિભૂષિત લૂઇસ ગ્લિકની કાવ્યસૃષ્ટિ વિશે

સુમન શાહ
19-10-2020

નૉંધ : આ લેખ અનિવાર્યતયા દીર્ઘ છે. એને ટુકડે ટુકડે પણ વાંચી શકાશે ...

= = = = મારી વ્યથાને છેડે એક દ્વાર જરૂર ઊઘડે છે, સાંભળો, એ છે, જેને તમે મૃત્યુ કહો છો; તેની ઉપર હોય છે, ઘૉંઘાટ અને પાઈનની ડાળીઓની બેફામ અવરજવર. ને પછી? કશું નહીં. = = = =

લૂઇસ ગ્લિકનો જન્મ : ૧૯૪૩. નાનપણથી ગ્લિકને કવિતા વાંચવી ને લખવી ગમતી. માબાપ પણ સમજદાર હતાં તે સૂતી વખતે એને પુરાણકથાઓ સંભળાવતાં. ગ્રીક દેવતાઓ અને મહાનાયકોની ગાથાઓથી ગ્લિકને ત્યારે ખૂબ અચરજ થતું. પાછળથી આ ઉછેર ગ્લિકના સર્જનમાં પ્રતિબિમ્બિત થયો છે. શેક્સપીયરની સૃષ્ટિમાંથી એને ઘણું ગમતું, પણ, ગ્લિક કહે છે -ત્યારે મને કેટલાયે શબ્દો સમજાતા નહીં, થતું કે નાટકોમાં કઈ જરૂરિયાતે ઠઠાડ્યા છે. નાટકનો જ ભાગ છે એમ માનવા પણ મન મારું તૈયાર થતું નહીં. પણ હું વાંચ્યે રાખતી, મન્ત્રમુગ્ધ થઈ જતી. કેટલુંક તો મને મૉઢે થઈ જાય તો પણ વાંચ્યા જ કરતી. ગ્લિકે પાંચ વર્ષની ઉમ્મરે કેટલાંક પદ્ય રચેલાં ને થર્ટીનથી શરૂ થતી ટીન એજથી સંકલ્પ કરી લીધેલો કે - હું કવિ થઈશ. અને આપણે જોઈએ છીએ કે, એ કવિ થઈ છે.

૨૦૦૪-માં યેલમાં જોડાયા પછી ગ્લિકે કાવ્યસર્જનયાત્રાને નિરન્તર વિકસાવી છે. અનેક કાવ્યગ્રન્થો છે. તદુપરાન્ત : ૨૦૦૬-માં “ઍવેમો”. ૨૦૦૯-માં “વિલેજ લાઇફ”. ૨૦૧૪-માં “ફેઇથફુલ ઍન્ડ વર્ચ્યુઅસ નાઇટ”. અને ૨૦૧૭-માં “અમેરિકન ઓરિજીનાલિટી”. નોબેલથી વિભૂષિત સ્ત્રી-સાહિત્યકારોમાં તેઓ ૧૬-મા ક્રમે છે.

કહે છે : લેખક થવા શું કરવું જોઈએ એનું મને કશું સાનભાન ન્હૉતું. પણ અર્લિ ટીન એજમાં મેં કાવ્યો લખેલાં. પહેલું પુસ્તક થાય એટલી સામગ્રી મોકલેલી, ત્યારે હું ૧૩ કે ૧૪ની હોઈશ, જો કે બધું પાછું ફરેલું. પછી સામયિકોમાં અને એમ, સતત મથતી રહેલી. કિશોરાવસ્થામાં ખાસ કશું કરી શકેલી નહીં. બીજાંઓને હું વિચિત્ર લાગતી ને તેઓ મને બરબાદ દેખાતાં, મને બહુ ચીડ થતી. સંકોચની મારી હું પાછી પડી ગયેલી. મને ખાવાપીવાનું ભાવે નહીં, અરુચિ થઈ ગયેલી - જઠરાગ્નિ માન્દ્ય વ્યાધિ થયેલો. એ વર્ષો હતાં ઊગતી જુવાનીનાં. એક લેખમાં એ માંદગીના કારણમાં ગ્લિકે મા-થી સ્વાયત્ત થવા માટેની પોતાની મથામણને પણ ગણાવી છે. પોતાની બહેનના મરણ સાથે પણ એ માંદગીને જોડી છે. સીનિયર યરના ફૉલમાં ગ્લિકની સાયકોઍનાલિટિક ટ્રીટમૅન્ટ શરૂ થાય છે, થોડા સમય પછી રીહૅબિલિટેશન શરૂ થાય છે. તેમ છતાં, ૧૯૬૧માં ગ્રેજ્યુએટ થવાયું છે. આ સંદર્ભમાં ગ્લિક લખે છે : મને થતું કે ક્યારેક પતી જઈશ, પણ ખાસ અને વિવિધ રૂપે મને એમ થતું કે મારે નથી જ મરવું ! સાત વર્ષ લગી થૅરપી ચાલે છે. પણ ગ્લિક સરસ કહે છે કે એથી છેલ્લે તો મને સારી રીતે વિચારાય કેમ, એ શીખવા મળ્યું …

કહે છે, આમ બધું વિચિત્ર હતું તેમ છતાં મારે અંગેના મારા પ્લાન્સ બાબતે મારું મગજ ઠેકાણે હતું. મને થાય - મારે કલાકાર થવાનું છે - હું પ્રૉફેસર થવા માટે છું. મગજમાં ‘સ્વાની રીવર’ અને ‘લિટલ બ્લૅક બૉય’ વચ્ચે કાવ્યસ્પર્ધા ચાલતી પણ મને ગડ બેસી જતી કે મારે કેવુંક લખવાનું છે. વળી, ક્યારેક હું ફંટાઈ જતી - મને ઍક્ટ્રેસ થવાના વિચાર આવે ! પાછળથી સમજાયેલું કે ખરેખર તો મને તાળીઓના ગડગડાટ જોઈતા’તા ! મારામાં નાટક ને રંગભૂમિ માટેની કશી છત હતી જ નહીં. પણ યાદદાસ્ત સારી હતી. લાઇનો બરાબર યાદ રહે, પણ પરફૉર્મન્સમાં હું વૂડન હતી. કશા રોલ માટે જાતને ઢાળવાની મથામણ વ્યર્થ નીવડતી. એ દિવસોમાં હું મા જોડે ઝકાઝકી બહુ કરતી. મા ક્હૅ મને : ડાર્લિન્ગ, ઍક્ટ્રેસ થવું છે તારે? શરમા જરા, ખરેખર તો તું કેટલી સારી લેખક છું, પેઇન્ટર છું ! : એટલે પછી હું મારા મૂળ સ્વપ્નમાં ચાલી જતી. ૧૯૫૮માં ‘ફર્સ્ટબૉર્ન’ સંગ્રહ પ્રકાશિત થયો, વિવેચકોએ પ્રશંસા કરી. એ પછી ગ્લિક રાઈટર્સિ'સ બ્લૉકનો શિકાર બનેલી પણ વર્મૉન્તમાં ગોદાર્દ કૉલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવા મળ્યું એટલે વળી પાછી કલમ ચાલવા લાગેલી.

ગ્લિક મુખ્યત્વે કવિ છે. છતાં એમણે એક વાર એમ કહેલું કે પોતાને ફિક્શન - કથાસાહિત્ય - વાંચવાનું ગમે છે કેમ કે એથી જરા જુદી દિશામાં જવાય છે, સુખાનુભવ થાય છે. કહે - જ્યારે પણ સુખી થવું હોય, હું એકાદ નવલકથા વાંચવા માંડું છું. કદાચ એવા મનોવલણને કારણે જ ગ્લિકની કાવ્યસૃષ્ટિ આત્મકથનાત્મક રહી છે. એવે રૂપે તેઓ સવિશેષે પંકાયાં છે. એમનામાં ભાવાત્મક રાગાવેગ છે. અંગત જીવન અને આધુનિક જીવનશૈલી વચ્ચેના દ્વન્દ્વનું ચિન્તન છે. ટ્રૉમા, ડીઝાયર અને નેચરનાં વિવિધ રૂપો પર એમનું ધ્યાન રહ્યું છે. પરિણામે, એમની સૃષ્ટિમાં એકલતા અને વિષાદ ઘુંટાયાં છે. 

કશા સંદર્ભ પ્રત્યેની સભાનતાને લીધે ચ્હૅરાઈ ગયેલાં સત્યને વિશેનો લગાવ ગ્લિકનો નૉંધપાત્ર કાવ્ય - વિશેષ છે. એમની સૃષ્ટિમાં મુખ્ય વિષયવસ્તુ છે - વ્હૅતા રહેવું કે ઠરી જવું વચ્ચે ચાલ્યા કરતી સ્પર્ધા. એક આ અંશ જુઓ :

મને થયું કે 
મનુષ્યો બે ભાગમાં વ્હૅંચાઈ ગયા છે
એક કે જેઓ આગળ ધપવા માગે છે
બીજા કે જેઓ પાછા જવા માગે છે
અથવા તમે કહી શકો કે 
એક કે જેઓ વ્હૅતા રહૅવાનું ઇચ્છે છે
ને બીજા કે જેઓ કશી તીખી તલવારના ચમકારે જીવનમાર્ગમાં અટકી જવા માગે છે.

એમની સૃષ્ટિમાં વિષયવસ્તુ એકધારાં નથી, વિવિધ છે. પણ વિદ્વાનોના મતે કેટલાંક વસ્તુ સતત કેન્દ્રમાં રહ્યાં છે : ટ્રૉમા - જો કે એ જીવનના મહિમાનું પ્રવેશદ્વાર બની જાય છે. મૃત્યુ - મૃત્યુ વિશે તો એમણે વારંવાર લખ્યું છે. અવહેલના, તિરસ્કાર, સમ્બન્ધવિચ્છેદ, વગેરે. પણ એમણે સાજા થઈ જવાની બલકે નવપ્રાણિત થવાની પ્રોત્સાહક વાતો પણ સરસ કરી છે.

ગ્લિકની કાવ્યસૃષ્ટિમાં વિષયવસ્તુ તરીકે પરિવાર પણ છે. ‘ધ ડ્રાઉન્ડ ચિલ્ડ્રન”-માં એમણે માતા પિતા અને બાળકો વચ્ચેના ખટમીઠા સમ્બન્ધોની સમીક્ષા પીરસી છે. જો કે એ પ્રકાશનવર્ષમાં ગ્લિકના વર્મૉન્તના ઘરને આગ લાગેલી અને એમનું લગભગ બધું રાચરચીલું બળીને નાશ પામેલું. સાથોસાથ, ગ્લિક વધતી વય વિશે પણ કહ્યા કરે છે. એક મુલાકાતમાં કહેલું કે મારી વ્યથાને છેડે એક દ્વાર જરૂર ઊઘડે છે, સાંભળો, એ છે, જેને તમે મૃત્યુ કહો છો; તેની ઉપર હોય છે, ઘૉંઘાટ અને પાઈનની ડાળીઓની બેફામ અવરજવર. ને પછી? કશું નહીં.

‘ધ રેડ પપિ’-માં પૂછે છે :

ઓ મારાં ભાઈઓ અને બહેનો, 
બહુ પહેલાં, તમે મારી જેવાં હતાં - માણસ હતાં? 
એક વાર ફરી હતાં તેવાં થવા તત્પર થશો? કેમકે હાલ હું તમારી જેમ જ બોલું છું. હું બોલું છું, એટલા માટે, કે હું હવે વેરવિખેર છું …

એમનામાં અનાથ હોવાની વાત પણ ફંટાયા કરે છે -

ગઈ રાતે મા મરી ગઈ 
મા કદી મરતી નથી :

ગ્લિક લખે છે :

હવામાં શિયાળો સૂસવતો’તો
મહિનાઓ પછી હવામાં
૧૦ તારીખ હતી મે માસની.
હાયાસિન્થ અને એપલનાં પુષ્પો 
ઝૂમતાં ખીલેલાં પાછળના ગાર્ડનમાં. 
અમે સાંભળી શકેલાં 
મારિયા ચૅકોસ્લોવેકિયાનાં ગીતો ગાતી’તી. 
કેટલી એકલી છું હું
એ જાતનાં ગીતો - 
કેટલી એકલી છું હું 
નથી માતા નથી પિતા 
મારું મગજ એમના વિના મને ખાલી લાગે છે.

ગ્લિક કરુણ રસનાં સર્જક છે. એમની સૃષ્ટિ તાપસ છે. એમાં શિસ્ત છે, ઊછળતો ઉત્સાહ છે. એ સૃષ્ટિ સઘન અને આઘાતક પણ છે. તેમ છતાં, એ સુન્દર અને રસપ્રદ છે. એમાં એકધારાપણું નથી. એમાં સંકુલતા છે, સાદગી પણ છે.

ગ્લિક આ ધરતી પરની માનવીય પરિસ્થતિને લક્ષ્ય કરે છે. પરિવાર ઉપરાન્ત પ્રેમ કામ સુખ લગ્ન એકલતા અલગતા એમનાં વિષયવસ્તુ છે. ‘સુખ’ કાવ્ય જુઓ :

સફેદ પથારીમાં એક પુરુષ ને એક સ્ત્રી સૂતાં છે 
સવાર છે. મને લાગે છે 
હમણાં જ તેઓ જાગશે. 
બેડની બાજુના ટેબલ પર ફૂલદાની છે ને એમાં લિલિ-પુષ્પો છે 
સૂર્યપ્રકાશ એમનાં ગળાંમાં પથરાય છે. 
હું પુરુષને સ્ત્રીની તરફ વળતો જોઉં છું 
જાણે એ એને એનું નામ કહેવા માગતો હોય 
પણ ધીમેશથી, સ્ત્રીના મૉંમાં ઊંડે 
એક પંખી બોલે છે, બારી પાસે, એક વાર, બીજી વાર. 
ને એ પછી સ્ત્રી હલે છે, શ્વાસથી એના, શરીર એનું, સભર સભર.
હું આંખો ખોલું છું; તું મને જુએ છે. 
લગભગ આખા આ રૂમમાં તડકો તરે છે. 
તારો પોતાનો ચ્હૅરો મારી સામે ધરીને 
તું કહે છે, તારો ચ્હૅરો જો, દર્પણ રચવાને. 
તું કેટલી શાન્ત છું. 
અને ઊના ઉચ્છ્વાસની લહર આપણી ઉપર ધીમેથી વહેતી રહે છે …

‘ડોન’ કાવ્યમાં —

અંધારિયા રૂમમાં ચાલતાં ચાલતાં બાળક બૂમો પાડતું’તું - મને મારું ડક પાછું જોઈએ - મને મારું ડક પાછું જોઈએ 
ભાષા એની એવી કે કોઈ કરતાં કોઈને જરાય સમજાય નહીં —
ડક હતું નહીં 
પણ ડૉગ હતું 
સફેદ રેશમી પોચી ગાદીમાં —
ડૉગ છે ક્રિબમાં બિલકુલ એની બાજુમાં…. 
વરસોનાં વરસો —સમય તો વીતી જતો હોય છે 
બધું સ્વપ્નમાં. 
પણ ડક— કોઈ નથી જાણતું કે એનું થયું શું.
કાવ્ય ૩ ભાગમાં છે. બીજા ભાગમાં  —
હમણાં જ મળ્યાં છે બન્ને, અત્યારે  
સૂઈ ગયાં છે ઉઘાડી બારી પાસે 
જરૂરી છે
રૂમમાં હવે અજવાળું થાય 
એમને જગાડવા, થોડીક એમને ખાતરી કરાવવા  
કે એ રાતની એમને જે યાદ છે તે સાચી છે  
એમને એમ પણ બતાડવા કે બધું બન્યું તે કેવી રીતે: 
ડર્ટિ મૅટ નીચે મોજાં અરધાંપરધાં સંતાઈ ગયેલાં, 
લીલાં પાનની ડિઝાઈનવાળી રજાઈ — 
તડકામાં બધું તો નહીં પણ એટલું દેખાવા લાગેલું

… વગેરે. ભાગ ત્રીજામાં આ કથા આગળ વધે છે ...

"અ મિથ ઑફ ડીવોશન"-માં હેડ્સ નામનો નાયક નક્કી કરે છે કે છોકરીને એ ચાહવા લાગ્યો છે. એણે પેલીને માટે એક ડુપ્લિકેટ અર્થ બનાવી - સમજો, નવી દુનિયા, અને બધું જ નવું. પણ એમાં એણે બેડ ઉમેર્યો. બધું જ સેમ સેમ હતું - સૂર્યપ્રકાશ પણ. કેમ કે જુવાન છોકરીને પ્રકાશમાંથી અન્ધકારમાં એકાએક જવાનું તો અઘરું પડી જાય. નાયક વિચારે છે કે સૌ પહેલાં પોતે દાખલ કરશે રાત્રિ, પછી ચાંદ-તારા, પછી ન ચાંદ, ન તારા. આ બધાંથી એ ક્રમે ક્રમે ટેવાઈ જશે. છેલ્લે, નાયકે વિચાર્યું કે છોકરીને બધું કમ્ફર્ટિન્ગ લાગશે … આવા સૂક્ષ્મ વ્યંગની રીતે કાવ્યમાં ડીવોશનની મિથનો, એટલે કે વફાદારીની ગાથાનો વિકાસ થયો છે.

‘પુવર બ્લિઝાર્ડ’ કાવ્યમાં પતિ-પત્ની એમના બ્લિઝાર્ડ નામના કૂતરા માટે ઝઘડતાં હોય છે. કાવ્યનાયક રમૂજમાં પૂછે છે :

શા માટે એ કૂતરો છે?
કાવ્યનાયક બોલે છે :
બ્લિઝાર્ડ, ડૅડીને તારી જરૂર છે; ડૅડીનું હૈયું સૂનું છે,
એટલા માટે નહીં કે તેઓ મૉમિને તજી રહ્યા છે પણ એમને જોઈએ છે એ જાતનો પ્રેમ મૉમિ પાસે નથી, મૉમિ બહુ ટીખળી છે - ડ્રાઇવવેમાં રમ્બા ડાન્સ નહીં કરે …

ગ્લિક મશ્કરી કરે છે અને પતિ કરતાં પત્નીને વિશે વધારે કડક છે. કેમ કે પત્નીને બહુ રોમાન્ટિક પ્રકારનો પ્રેમ જોઈએ છે, ઉતાવળો ને મૂરખામીભર્યો … વગેરે.  

‘થીયરી ઑફ મૅમરી’ ગદ્યકાવ્ય છે. એમાં એક જોષી છે, ભવિષ્ય ભાખે છે : મહાન વસ્તુઓ તારી આગળ આગળ છે, અથવા કદાચ તારી પાછળ છે, ચૉક્કસ કહેવું મુશ્કેલ છે. ગ્લિક ઉમેરે છે કે ફર્ક શો પડ્યો? બચી તે પરિશુદ્ધ લૂઇસ ગ્લિક !

પરન્તુ એકંદરે ગ્લિકનો કાવ્યશબ્દ એમ સૂચવે છે કે જીવન નશ્વર છે, મનુષ્યો ભયભીત છે, આયુષ્ય દરમ્યાન પ્રસન્નતા વિરલ છે. “ધ ટ્રાયમ્ફ ઑફ ઍચિલસ”-માં દર્શાવાયું છે કે ઍચિલસે જીવનની નશ્વરતાનો સ્વીકાર કરેલો એટલે જ એ પોતાને એક સભર સભર વ્યક્તિ રૂપે પામી શકેલો. એ જ એનો જીવન-વિજય હતો.

'ફેઇથફુલ ઍન્ડ વર્ચ્યુઅસ નાઈટ'-માં ગ્લિકે પોતાના અને વિશ્વના અસ્તિત્વની તેમ જ મનુષ્યજાતિના સાતત્યની - સર્વાઇવલની - વાતને સરસ રીતે વિકસાવી છે. કાવ્યનાયક એક ચિત્રકાર છે. એ પણ ગ્લિકના મન્તવ્યને જ દૃઢ કરે છે. એમ કે, જીવન આપણાં ચાલુ રહેવાં જોઈએ, પણ અન્ત અવશ્ય પામે છે; એ એક અસ્તિત્વવિષયક કોયડો છે, પણ સાથોસાથ, એ એક કલાવિષયક કોયડો પણ છે. રચનામાં, ગ્લિકે જીવન અને કલા, પ્રકાશ અને અન્ધકાર, સ્મૃતિ અને સ્વપ્ન, કૉમિક અને ટ્રેજિકનાં સમુપકારક સાયુજ્ય સાધ્યાં છે.

ગ્લિકમાં વાસ્તવ અને કાવ્ય, ગહનતા અને ઉત્કટતાનાં સાયુજ્ય સધાતાં હોય છે. જુઓ, કેવું કહે છે : મને થયેલું કે પતી ગઈ હું હવે, મારું હૃદય ભાંગી પડેલું. પછી હું કૅમ્બ્રિજ પ્હૉંચી ગઈ.

નોબેલ વેબસાઇટ પેજ પર એમના પુલિત્ઝર પ્રાઇઝ-વિનિન્ગ કાવ્યસંગ્રહ “ધ વાઇલ્ડ આઇરિસ”-માંની ‘સ્નોડ્રૉપ’ રચના પણ મુકાઈ છે. એમાં એ આવા મતલબનું કહે છે -

મારે નથી જીવી જવું 
મને ધરતી અવરોધે છે. પણ રચનામાં બોલે છે તો સ્નોડ્રૉપ-નામી પુષ્પ : મારે ફરીથી નથી પ્રગટવું
મારે નથી અનુભવવું મારા શરીરને 
ભીની માટીમાં 
વસન્તના કૂણા પ્રકાશમાં 
નથી ખીલવું ફરીથી … ડર લાગે છે, હા, પણ તમારા બધાંની વચ્ચે 
રડતાં રડતાં, હા, જોખમ, આનન્દ
નવી દુનિયાના પવનની લહરોમાં …

'ક્રૉસરોડ્સ' કાવ્યમાં ગ્લિક જીવનને સંકટગ્રસ્ત કલ્પે છે. આત્મા અને શરીર છૂટાં પડી ગયાં છે અને વાતોએ વળગ્યાં છે : હે મારા શરીર ! હવે આપણી સહયાત્રા ઝાઝું નથી ચાલવાની એટલે તારા માટે મને અનેરું વ્હાલ થાય છે, એકદમનું તાજું ને અજાણ્યું, મારી જુવાનીમાં મને મળેલા પ્રેમ જેવું. કાવ્યના અન્તે ગ્લિક કદાચ એમના પોતાના અવાજમાં આવા ભાવથી કહે છે :

હું આ ધરાને યાદ નહીં કરું 
પણ તને યાદ કરીશ, તને કેમ ભૂલીશ …

“મૅડોલૅન્ડ્સ”-માં પ્રેમના સ્વરૂપ વિશે તેમ જ લગ્નમાં ક્રમે ક્રમે થતા ક્ષય વિેશેનાં કાવ્યો સંઘરાયાં છે. નારીવાદી ચિન્તકો અને ઝુંબેશકારોને બહુ ગમી ગયેલું કાવ્ય છે, ‘મોક ઑરેન્જ’. કહે છે :

તમને કહું, એ ચન્દ્ર નથી 
એ તો છે આ પુષ્પો
યાર્ડને તેજસ્વી કરે છે 
મને નથી ગમતાં
હું એમને ધિક્કારું છું જેમ હું સૅક્સને ધિક્કારું છું
પુરુષનું મૉં 
મારા મૉંને બંધ કરી દેતું મૉં 
પુરુષનું મને પૅરેલાઇઝ્ડ કરી દેતું બૉડી 
ને હમેશાં થઈને છટકી જતી આહ 
સાયુજ્યને માટેનો એ અપમાનજનક પ્રસ્તાવ …
આજે રાતે મારા મનમાં
મેં સાંભળ્યો પ્રશ્ન અને ગળે ઊતરી જાય એવો ઉત્તર 
એક જ અવાજમાં 
ઊંચે ને ઊંચે વધતો ને પછી 
બે જૂનાં શરીરોમાં છૂટો પડી જતો 
થાકેલાં વિરોધીઓ 
જોયું તમે? 
અમને મૂરખ બનાવાયેલાં 
અને મોક ઑરેન્જની પીમળ તો બારી વાટે ધીમે ધીમે આવ્યા કરે છે.
મને શી રીતે આરામ મળે? 
મને શી રીતે કળ વળે? જો હજી છે દુનિયામાં એ દુર્ગન્ધ?

આ કાવ્યને વિવિધ સમ્પાદનોમાં અને કૉલેજોના અભ્યાસક્રમોમાં ઘણી હૉંશથી સમાવાયું છે.

અમેરિકાના કાવ્યવિશ્વમાં પાંચ દાયકાથી ગ્લિકનો એક સર્જકવિશેષ આકર્ષક અને આવકાર્ય નીવડ્યો છે. એ છે, વિસ્મય અને નવ્યનો આવિષ્કાર. એ એમના કાવ્યનાયકો અને પાત્રોનો સ્વાનુભવ હોય છે. એને આપણે ચીલાચાલુ આશાવાદનું પરિણામ કે રૂઢ થઇ ગયેલી નિ:સામાન્ય વાત નથી ગણી શકતા. ‘ધ વાઈલ્ડ આઇરિસ’-ના અન્તમાં કહે છે :

તને કહું કે હું બોલી શકું છું 
વિસ્મૃતિ જે આપે, તે આપે, પણ એક નવો અવાજ શોધવાને આપે 
મારા જીવનકેન્દ્રમાંથી એક મશમોટો ફુવારો ફૂટશે 
ઘાટી ભૂરી છાયાઓ નીલા દરિયાનાં જળ પર પથરાશે … વગેરે.

મજા તો એ છે કે આ કાવ્યસષ્ટિમાં બાગનાં ફૂલો જીવનના સ્વરૂપ બાબતે માળી અને દેવતા સાથે વાતો કરે છે.

બહુ દબાણ અનુભવાય ત્યારે ગ્લિક ભાવજગતને નવ-પ્રાણિત પણ એટલી જ સારી રીતે કરી શકે છે. દાખલા તરીકે, 'વિટા નોવા' કાવ્યમાં લખે છે :

સાચે જ, વસન્ત આવી પ્હૉંચી છે મારી કને … પણ તરત એ આવિષ્કારને રોકી દે છે, ઉમેરે છે - આ વેળા પ્રિયજનની જેમ નહીં, પણ મૃત્યુના દૂત રૂપે … પણ તરત એ ભાવનું ય નિયમન કરી દે છે, કહે છે - જો કે વસન્ત હજી તો છે, એની નજાકત ક્યાં જતી રહી છે …

સવાલ એ છે કે દૂત સંદેશો શો લાવ્યો હશે -? મૉતની વાટ જોવાતી હોય ત્યારે સમયના એ આછા અમથા ગાળાનો શો અર્થ કરી શકાય? ભવિષ્ય, હોય તે બધું ભૂંસવા બેઠું હોય ત્યારે નવતાશોધક કવિ કરી કરીને શું કરી શકે? જો કે ગ્લિકનો એક વિચાર જાણીતો છે - લાઇફ ઈઝ વીયર્ડ - જિન્દગી અજીબ છે. ભલે ને કોઈપણ રીતે પતી જાય, સ્વપ્નોથી તો ભરી છે. તારો ચ્હૅરો હું કદી નહીં ભૂલું, તારી બિહામણી માનવીય આંખો - આંસુભીની ને સૂજેલી …

૧૧ સપ્ટેમ્બરના ઍટેક્સ પછી લખાયેલું દીર્ઘકાવ્ય “ઑક્ટોબર” છ ભાગમાં છે. વેદનારસિત પૃચ્છાના સૂરમાં રચના વહે છે - વળી પાછો શિયાળો, વળી પાછી ઠંડી … એમને યાદો બધી સતાવે છે, જેમ કે - આઇસ પરથી લપસી ગયેલા ફ્રૅન્કને શું સારું ન્હૉતું થઈ ગયું … વવાયેલાં બીજ વસન્તમાં અંકુરિત ન્હૉતાં થયાં … રાત પૂરી થઈ ગયેલી ને પીગળેલો બરફ શું ગટરમાં ન્હૉતો સરી ગયો … શું મારા શરીરને ન્હૉતું બચાવી લેવાયેલું … શું એ સલામત ન્હૉતું … ઈજાની જગ્યાએ શું ન્હૉતો થયો અદૃશ્ય છેદ … ત્રાસ અને ઠંડી, શું ન્હૉતાં શમી ગયાં … પાછલા બાગમાં શું ખેડ ને પછી વાવણી ન્હૉતી થઈ … વગેરે.  ગ્લિકને પ્રશ્ન થયેલો કે શું આ જ છે ભવિષ્ય -? કહ્યું કે - હું તમને નથી માનતી. શું હું જીવું છું? કહ્યું કે - હું તમને નથી માનતી. પછી દૃઢપણે જણાવે છે :  હે વ્હાલી મારી જિન્દગી ! તેં કરી છે એટલી ઇજા તો મને મૃત્યુ પણ કરી શકવાનું નથી …

ગ્લિકે એક લેખમાં જણાવ્યું છે કે કલાકારો સંરક્ષાત્મક રમતા હોય છે, એવી સમજથી કે ભવિષ્ય આપણા વર્તમાનને ચૅંકી નાખશે.

ગ્લિકના અધ્યેતાઓ જણાવે છે કે એમને પોતાથી ચડિયાતા ચૅમ્પીયન્સમાં રસ છે, નહીં કે પોતાના વિવેચકોમાં. તેમ છતાં એમના વિવેચકોએ એમને ઠીક ઠીક ન્યાય કર્યો છે. સમીક્ષકોએ નૉંધ્યું છે કે જીવન અને મૃત્યુ જેવાં સામસામેનાં પરિબળો સાથે ગ્લિકની સર્જકતા જોડાય છે ત્યારે કેટલાંક વિષયવસ્તુ એમને સહજપણે જડી આવે છે, દાખલા તરીકે, ડીઝાયર - ઇચ્છા કે મંશા જેવું વિષયવસ્તુ. એ વિશે એમણે અવારનવાર લખ્યું છે - જેમ કે, અન્યોનું ધ્યાન ખૅંચવાની અને પ્રેમ પામવાની મંશા. જેમ કે, સૂઝબૂઝ ખીલે, સત્ય કહેવાની ક્ષમતા વિકસે, વગેરે અંગેની ઇચ્છા.

પણ ઇચ્છાને વિશેનો ગ્લિકનો અભિગમ સંદિગ્ધ રહે છે. માનમતરબબો, સત્તા, નીતિમત્તા, લિન્ગ અને અરે ભાષાને વિશે પણ એમની સૃષ્ટિમાં પરસ્પર વિરોધી દૃષ્ટિબિન્દુઓ સવિશેષે જોવા મળે છે. જેમ કે, પીછેહટ હોય પણ અડગતા ય હોય. સેન્દ્રિય તત્પરતા ખરી પણ ચિન્તન પણ હોય. એનું કારણ છે એમની પોતાની આત્મપૃચ્છા, આત્મનિરીક્ષા, આત્મપરીક્ષા. ગ્લિકે પોતે જણાવ્યું છે કે પોતાની સૃષ્ટિમાં સાયકોઍનાલિસિસનો - મનોવિશ્લેષણનો - ખૂબ પ્રભાવ રહ્યો છે. સાથોસાથ, એમ પણ જણાવ્યું છે કે શરૂઆતનાં વરસોમાં દન્તકથાઓ બોધકથાઓ અને પુરાણગાથાઓમાં પોતાને ઘણો રસ હતો. આવા બધા વિરોધાભાસને કારણે જ કદાચ એમના સમીક્ષકોને એમની સૃષ્ટિમાં રૉબર્ટ લૉવેલ અને રિલ્કેનો પ્રભાવ વરતાયો છે.

એમની કાવ્યભાષામાં બોલચાલની છટાઓ છે. તેઓ હમેશાં વિભિન્ન રીતિઓનો આશ્રય કરે છે, પણ સંતુલન ગુમાવતાં નથી. એમને વિશે કહેવાયું છે કે તેઓ યથાતથનું નિરૂપણ સરસ કરી જાણે છે, તો વળી, મેં જોયું કે તેઓ અવનવું શોધવા માટે વાસ્તવ અતિવાસ્તવ કે ધીંગાં સન્નિધીકરણો કરે છે. અને એમ, રચનાને કલાસમ્પન્ન કરવા માટેની સફળ મથામણો કરે છે. પરિણામે, રચના પરમ્પરાગત નથી લાગતી બલકે એથી એમની પોતાની પણ પરમ્પરા નથી બનતી. ઘણી વાર તેઓ પંક્તિને અધૂરી છોડી દે છે. શબ્દગુચ્છને ઝૂલતો મેલી દે છે. એકલા એક કોઈ શબ્દને બોલવા દે છે. પરિણામ એ આવે છે કે કેટલીક રચનાઓ સરેરાશ કાવ્ય ન લાગે એ હદે પ્રતિ-કાવ્ય ભાસતી હોય છે.

= = =

(October 19, 2020 : Peoria, IL, USA)

Category :- Opinion / Literature