હર્ષદ મહેતાઃ રિસ્ક, મહત્ત્વાકાંક્ષા, લાલચ અને ખંધાઇ જેના ચરિત્રના શૅર હતા એવા માણસની વાત

ચિરંતના ભટ્ટ
18-10-2020

આ કૌભાંડ છતાં ય લોકો હર્ષદ મહેતાથી પ્રભાવિત છે અને તેમનું કહેવું છે કે તેણે તો તંત્રમાં જે પોલ હતી તેનો ઉપયોગ કર્યો. કહેનારા એમ પણ કહે છે કે તેને બલિનો બકરો બનાવાયો કારણ કે કોઇની પર દોષનો ટોપલો ઢોળાય એ જરૂરી હતું.

આપણા ગુજરાતીઓમાં એક બહુ કૉમનલી જોવા મળતી બાબત છે. ઘણાં ગુજરાતીઓને પૂછીએ કે તેમનો વર કે ભાઇ કે દીકરો કે કઝિન શું કરે છે ત્યારે એક જવાબ સૌથી કૉમન હોય છે અને એ છે, ‘શૅરનું કરે છે’, ‘શૅર માર્કેટનું કરે છે’, હવે આમાં માળું સમજ ન પડે કે એ જે ‘કરે’ છે એ છે શું? આ જે તે માણસ છે એ કોનું કરી નાખે છે? શૅર બજારમાં ફુલેકાં ફેરવવાને ‘કરે છે’ સાથે સાંકળવાનું તરત મન થઇ જાય. સાચા અર્થમાં શૅરબજારનું કરી નાખનારો એક જ માણસ હતો, અને એ હતો હર્ષદ મહેતા. જો કે કેતન પારેખે એના કરતૂતોની સિક્વલ આપી હતી એમ કહી જ શકાય પણ અત્યારે તો વાત કરવાની છે હર્ષદ મહેતાની અને એનું કારણ છે હંસલ મહેતા દિગ્દર્શિત સિરીઝ ‘સ્કેમ 1992’. મજબૂત એક્ટર પ્રતિક ગાંધીએ આ સિરીઝમાં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી છે, સાથે છે ચિરાગ વોરા, જય ઉપાધ્યાય, હેમંત ખેર, અંજલી બારોટ, અનંત મહાદેવન, રજત કપૂર, શ્રેયા ધનવંતરીએ પણ શૅર બજારના આ કૌભાંડની વાર્તા ઘડનારા, ઉઘાડી પાડનારા અને કહેનારાઓનાં પાત્રો ભજવ્યાં છે. આ સિરીઝની સફળતાને કારણે અત્યારે એવી હાલત છે કે હર્ષદ મહેતા ગૂગલ કરનારાઓને પ્રતિક ગાંધીનો ચહેરો જોવા મળે છે. જો કે સિરીઝનો પ્રભાવ તો એને જોશો ત્યારે જ કળી શકાશે એટલે આજે જેણે શૅર બજારનું ‘કરી’ નાખ્યું તેની વાત કરીએ.

આજે આપણે વિજય માલ્યા અને નીરવ મોદીની છેતરપીંડી પર છાતી પીટીએ છીએ પણ હર્ષદ મહેતાએ જે કર્યું હતું તેનો વ્યાપ આ બધા કરતાં કંઇક ગણો મોટો હતો. અહી એક રડી-ખડી બૅંકને છેતરવાની વાત નહોતી, પણ આખા દેશ સાથે ૨૪,૦૦૦ કરોડની (હાલના ફુગાવાને ગણતરીમાં લઇએ તો ) છેતરપીંડીની વાત હતી અને એ પણ માત્ર ત્રણ વર્ષનાં ગાળામાં કરાયેલું કૌભાંડ હતું. જો તમે વુલ્ફ ઑફ વૉલસ્ટ્રીટ ફિલ્મ જોઇ હોય તો આ બિગ બુલ હર્ષદ મહેતાને વુલ્ફ ઑફ દલાલ સ્ટ્રીટ કહેવો પડે. હર્ષદ મહેતાથી લોકો પ્રભાવિત થઇ જતા કારણ કે ગજવામાં ચાળીસ રૂપિયા લઇને મુંબઇ ખુંદવા નિકળેલા માણસે કરોડોનું ‘કરી’ નાખ્યું અને એ પણ એટલી સિફતથી કે આખેઆખું તંત્ર જ છેતરાયું. સુચેતા દલાલ જે ત્યારે એક યંગ જર્નાલિસ્ટ હતાં જેમણે હર્ષદના કૌભાંડને બહાર પાડવામાં બહુ મોટો ફાળો આપ્યો હતો, તેમણે હર્ષદ મહેતા વિષે કહ્યું હતું કે તેનામાં ગજબ કરિશ્મા હતો, તે આનંદી હતો અને અસાધારણ રીતે મહત્ત્વાકાંક્ષી પણ હતો. પહેલાં મુંબઇના કાંદિવલીમાં તેના પિતા રહેતા પણ પછી તેઓ અહીંથી છત્તીસગઢ ચાલી ગયા હતા અને હર્ષદ સ્કૂલિંગ પછી એકલો મુંબઇ શિફ્ટ થયો, ગ્રેજ્યુએટ થયો અને આઠ વર્ષ સુધી તેણે છૂટક કામ કર્યાં.

હર્ષદ મહેતાને ખરાબ ચિતરવો કે પછી ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી આપણી બૅંક વ્યવસ્થાની ચર્ચા કરવી? ૧૯૯૧માં ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ આવ્યું. આજે ૨૧મી સદીમાં આપણે આ પરિવર્તનને વખાણીએ છીએ, પણ ત્યારે ભારતીય બિઝનેસિઝને આગવા પડકારોનો સામનો કરવો પડ્યો. જાહેર સાહસોને આકરી સ્પર્ધા વેઠવી પડી અને નવાં વાતાવરણમાં પોતાની પ્રાસંગિકતા, પોતાનું મૂલ્ય અને પોતાના નફા બતાડવાં માટે તેમને કમર કસવાનો વારો આવ્યો. ખાનગી સાહસોને માટે ઉદારીકરણની નીતિ ફાયદાકારક હતી, તેમને વિદેશી રોકાણોની અને નવા બિઝનેસિઝ શરૂ કરવાની લાલચ હતી. શૅર માર્કેટમાં માહોલ તેજીનો હતો અને તેની પાછળ ઉદારીકરણ ઉપરાંત નવાં ભંડોળની ડિમાન્ડ પણ કામ કરી રહી હતી. બૅંક્સને પોતાની બૉટમ લાઇન સુધારવાની હતી, નફો બતાડવાનો હતો, બેંકમાં સરકારે ઇશ્યુ કરેલા બોન્ડ્ઝ દ્વારા દેશમાં મોટા માળખાકીય પ્રોજેક્ટ્સને આગળ ધપાવવાના હતા અને આ બોન્ડમાં સારામાં સારું રોકાણ બેંકની માંગ અને ટાઇમ લાયેબલિટીને આધારે થવાનું હતું અને સરકારી બૅંક પાસે ટકી રહેવાનો એક માત્ર રસ્તો હતો પરિસ્થિતિનો લાભ લેવો. શૅર બ્રોકર્સે બેંકનો લાભ લેવાનું શરૂ કર્યું.

હર્ષદ મહેતા જેવા બ્રોકર્સ રૂપિયા ધિરનાર બૅંક અને પૈસા ઉછીનાં લેનાર બૅંક માટે વચેટિયાનું કામ કરતા અને આ રોલને એ હદે ઘુંટવામાં આવ્યો કે બ્રોકર્સને જ નાણાં અપાતા અને તેમની પાસેથી જ લેવાતા, આ નાણાં લોનનો જ એક પ્રકાર ગણાતો. હર્ષદ મહેતાએ બૅંક્સ પાસેથી પોતાને નામે ચેક્સ લઇ પોતાના ખાતામાં પૈસા ડિપોઝિટ કરી શૅર બજારમાં રોકતો. બે બેંકના વહેવારમાં જે વાત પૂરી થવી જોઇએ તેમાં હર્ષદે ત્રીજી બેંકનો વિકલ્પ પણ વાપર્યો એટલે કે એક બેંકના પૈસા બીજીમાં અને બીજીના ત્રીજીમાં અને તે પાછા ચોથીમાં જતા, આ બધું જ રેડી ફોરવર્ડ ડીલ્સની સિસ્ટમમાં ચાલ્યા કરતું. બૅંકમાંથી મળતા પૈસાનો ઉપયોગ કરી, હર્ષદ મહેતા મંદીના મહારાજાઓને હંફાવતો તથા અમુક શૅર્સની કિંમત આકાશે અંબાવતો, તેના કહેણ પર લોકો શૅર્સ ખરીદી લેતા અને માર્કેટમાં ભારે કરેક્શન આવતું. બૅંક્સ હર્ષદની આ હરકતોથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરતી કારણ કે બૅંકના જે પૈસાને કારણે સ્ટૉક માર્કેટમાં ફાયદો થતો તેના અમુક ટકા બૅંકને મળતા.

બૅંક સાથે સતત કામ પાર પાડતા હર્ષદે બેંક રિસિપ્ટ એટલે કે બી.આર.નું કૌભાંડ કર્યું જ્યારે તેણે રસીદ લીધી પણ સામે કોઇ પ્રકારની સિક્યોરિટી ન આપી, આ સંજોગોમાં બી.આર. માત્ર એક નકામો કાગળનો ટુકડો જ હતો. સુચેતા દલાલના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમને કારણે હર્ષદ મહેતાનું કૌભાંડ બહાર આવ્યું, સી.બી.આઇ.એ તપાસ આદરી, ઘણાં સવાલો થયા, તેને જેલ ભેગો કરાયો. જો કે આ બધાંની સાથો સાથ શૅર માર્કેટમાં અબજોની ખોટ ગઇ, સરકારે બ્રોકર્સ દ્વારા વેચાયેલા શૅરની લે-વેચ પર પ્રતિબંધ મૂકી દીધો. કેટલા ય લોકોએ ભારે ખોટને પગલે આત્મહત્યા કરી લીધી. રાજકીય સ્તરે વિરોધ પક્ષ દ્વારા ત્યારના નાણામંત્રી મનમોહન સિંઘ અને આર.બી.આઇ.ના ગવર્નર એસ વેંકટરામન્‌નાં રાજીનામાની ડિમાન્ડ થઇ, બૅંક્સે પૈસા પાછા મેળવવા હવાતિયા માર્યા અને જ્યારે સમજાયું કે હર્ષદ મહેતાના રોકાણો તો કલંકિત સાબિત થયાં છે અને તેની હવે કોઇ કિંમત નથી ત્યારે તો વિજયા બેંકના ચેરમેને પણ આત્મહત્યા કરી લીધી હતી.

તપાસમાં ઘણાં લોકોના નામ બહાર આવ્યા, આર.બી.આઇ. ગવર્નર જ નહીં પણ પી. ચિદંબરમે પણ હર્ષદ મહેતાની કન્સલ્ટન્સી સર્વિસની મદદ લીધી હતી. હર્ષદ મહેતા ૭૨ ક્રિમિનલ ઑફેન્સ અને ૬૦૦થી વધારે ક્રિમિનલ એક્શન સૂટ્સનો બોજ લઇને ત્રણ મહિના જેલમાં રહ્યો. જામીન મળ્યાં ત્યારે વડા પ્રધાન નરસિંહા રાવને એક કરોડ રૂપિયાની લાંચ અપાઇ હોવાની વાત પણ તેણે કરી, એ મોટી બૅગ પ્રેસ કોન્ફરન્સમાં પણ દેખાડાઇ. હર્ષદ મહેતાએ માર્કેટ ગુરુ તરીકે ફરી અડિંગો જમાવ્યો પણ સપ્ટેમ્બરમાં બોમ્બે હાઇકોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી અને ક્રિમિનલ કસ્ટડીમાં જ હાર્ટ અટેકથી તેનું મોત થયું. હર્ષદના પરિવારને વિવિધ બેંકોને ૪,૬૬૨ કરોડ અને આઇ,ટી, વિભાગને ૧૧,૧૭૪ કરોડ આપવાનાં નીકળતા હતા. હર્ષદ મહેતાની પત્નીએ લાંબો સમય સુધી કોર્ટમાં હાજરીઓ ભરી, તેના ભાઇ અશ્વિને લૉમાં ડિગ્રી મેળવી અને પોતાના પરિવારની લડત હેન્ડલ કરી. આજે પણ હર્ષદ મહેતાની કાર્સ, તેનું ભવ્ય ઘર અને તેની નફકરી લાઇફસ્ટાઇલ આજે પણ ચર્ચાનો વિષય બને છે. આ કૌભાંડ છતાં ય લોકો હર્ષદ મહેતાથી પ્રભાવિત છે અને તેમનું કહેવું છે કે તેણે તો તંત્રમાં જે પોલ હતી તેનો ઉપયોગ કર્યો. કહેનારા એમ પણ કહે છે કે તેને બલિનો બકરો બનાવાયો કારણ કે કોઇની પર દોષનો ટોપલો ઢોળાય એ જરૂરી હતું.

બાય ધી વેઃ

આ લેખમાં ઘણું લખી શકાય એમ છે. હજી પણ આ કૌભાંડના પડઘા વર્તાય છે. સિક્યોરિટી સ્કેમ સાથેના કેસિઝ હજી પણ સ્પેશ્યલ કોર્ટમાં છે, અઢી દાયકાની ઉપર સમય થયો હોવા છતાં. ડૉક્યુમેન્ટ અને પુરાવા આઉટ ડેટેડ થઇ ગયા છે, સાક્ષીઓ કાં તો રહ્યા નથી અથવા દેશ છોડી ગયા છે અને આપણે હવે માલ્યા અને નીરવ મોદીમાં અટવાયેલા છીએ. ન્યાય મોડો મળે તો તે ન મળવા બરાબર છે તે અમસ્તા જ નથી કહેવાતું. અરે હા, બીજું બાય ધી વે એમ કે અભિષેક બચ્ચનની ફિલ્મ બિગ બૂલ પણ આ જ વિષય પર બની છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑક્ટોબર 2020 

Category :- Opinion / Opinion