એકતાનો આવો વિરાટ પ્રયોગ ગાંધીજી પહેલાં કોઈએ નહોતો કર્યો

રમેશ ઓઝા
18-10-2020

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ભારતમાં જેટલા સમાજો છે, એટલી ઓળખો છે અને જેટલી ઓળખો છે એટલી તિરાડો છે. એ તિરાડોનો અંગ્રેજો લાભ લે છે અને અંગ્રેજો એક પ્રજાને બીજી પ્રજાની નજીક આવવા દેતા નથી. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે ઓળખો અને અસ્મિતાઓને પાતળી પાડવા અને તિરાડો બૂરવા માટે કોઈ પણ પક્ષે કોઈ પ્રયાસ પણ કરવામાં આવતો નથી. સંવાદનો જ અભાવ છે. જે છે એ કાં તો પોતાના મતનો પ્રચાર છે અથવા બીજાનો પ્રતિવાદ છે, સંવાદ નથી.

વળી તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે રાષ્ટ્રની સંકલ્પના અને તેનો ઢાંચો પણ તેમને આખેઆખો પાશ્ચાત્ય જોઈએ છે. એમાં ભારતીય કશું નથી. હા, કેટલાક લોકો મહાન ભારતીય સંસ્કૃતિના ગુણગાન ગાય છે, પરંતુ તેને સર્વસ્વીકાર્ય કેવી રીતે બનાવવી એનો કોઈ ઉપાય તેમની પાસે નથી. બીજા કેટલાક લોકો ભારતને આધુનિક રાષ્ટ્ર બનાવવા માગે છે, પરંતુ તેમની આધુનિકતાની વ્યાખ્યા નહોતી સ્પષ્ટ કે નહોતી સર્વસમાવેશક. ટૂંકમાં ઘરઆંગણેના પ્રશ્ને વ્યાપક ચર્ચા કે સંવાદ કર્યા વિના દરેક જણ સ્વરાજની અપેક્ષા રાખતા હતા. તેમને એ વાતથી પણ કોઈ ફરક પડતો નહોતો અથવા તો તેની ગંભીરતા સમજાઈ નહોતી કે ભારતમાં મુસલમાનો અને અન્ય લઘુમતી કોમ, હિંદુઓમાં સુશિક્ષિત ઉચ્ચભ્રૂ વર્ગ અને અશિક્ષિત બહુજન સમાજ તેમની સ્વરાજની માગણીનો વિરોધ કરે છે. ભારતની લગભગ ૭૦ ટકા પ્રજા સ્વરાજને નકારતી હતી. 

આ બાજુ લંડનમાં અને અન્ય દેશોમાં ભારતીય યુવકો ભારતીય સ્વરાજની માગણી કરતા હતા, પરંતુ જી.કે. ચેસ્ટરટન જેવા લોકો જ્યારે ભારતીય સ્વરાજમાં ભારતીય શું એવો સવાલ કરતા હતા ત્યારે તેમની પાસે તેનો કોઈ જવાબ નહોતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં બેઠાબેઠા આ બધું જોતા હતા અને લંડનમાં તેઓ ભારતીય સ્વરાજની વકીલાત કરનારાઓ સાથે પ્રત્યક્ષ ચર્ચામાં ઉતર્યા હતા. ૧૯૦૯માં લખાયેલો ‘હિન્દ સ્વરાજ’ નામનો નાનકડો ગ્રંથ (કહો પુસ્તિકા) આનું પરિણામ છે. એ પહેલાં ૧૯૦૩ના જૂન મહિનામાં તેમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ નામનું સામયિક શરૂ કર્યું હતું અને તેમાં પણ તેઓ વખતોવખત ભારતના પ્રશ્નો વિશે લખતા રહેતા હતા. આ ઉપરાંત તેઓ હેન્રી ડેવિડ થોરો, જૉન રસ્કિન અને લેવ ટૉલ્સટૉયના પ્રભાવમાં આવ્યા હતા અને વધુમાં વધુ સુખની પ્રાપ્તિ એ વિકાસ એવી પશ્ચિમની સમજ વિશે શંકા ઊઠાવતા થયા હતા.

ટૂંકમાં ભારતમાં હોવી જોઈતી એકતાના પ્રશ્ને, રાષ્ટ્ર/રાજ્યની અવધારણાના પ્રશ્ને, વિકાસના પ્રશ્ને ક્યારે ય દગો ન આપે એવી ટકાઉ ચિરંતન શક્તિના સ્રોતના પ્રશ્ને એમ ચારેય બાબતે તેમની અંદર મનોમંથન ચાલતું હતું. એમ કહી શકાય કે ૧૯મી સદીનો પહેલો દાયકો પૂરો થયો ત્યાં સુધીમાં તેઓ આ ચારેય બાબતે ચોક્કસ તારણ ઉપર પહોંચી ગયા હતા. વળી ગાંધીજી જે વિચારે એ કહે અને કહે એ કરે એટલે ૧૯૧૦ સુધીમાં નવા અભિગમની અને નવા રાજકારણની ડાઈ પણ કાસ્ટ થઈ ગઈ હતી.

ગાંધીજી માનતા હતા કે હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ તેમ જ દલિતોને ન્યાય અને લોકસુલભ રાષ્ટ્રભાષા આ ત્રણ ચીજ ભારતની સ્વતંત્રતા માટે અને સ્વાતંત્ર્ય ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. આના સિવાય હિન્દ હિન્દ નહીં બની શકે અને જો રાજકીય સંજોગોને લઈને સ્વતંત્ર હિન્દ સ્થપાશે તો ટકી નહીં શકે. ૧૯૦૩માં ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ શરૂ કર્યું ત્યારથી લઈને ૧૯૧૪માં તેમણે આફ્રિકા છોડ્યું ત્યાં સુધીમાં આ ત્રણ પ્રશ્ને તેમણે સેંકડો લેખ લખ્યા હતા. એ બધા લેખો ‘ગાંધીજીના અક્ષરદેહ’માં સંગ્રહાયેલા છે. દૂર બેસીને સેંકડો વખત તેમણે અરણ્યરુદન કર્યું હતું કે આ ત્રણ ચીજ જ્યાં સુધી સાકાર નહીં થાય ત્યાં સુધી ભારતનું કોઈ ભવિષ્ય નથી. ભારતમાં આવ્યા પછી ગાંધીજીએ આ ત્રણ પ્રશ્ને હજારો લેખો લખ્યા હશે અને  વક્તવ્યો આપ્યાં હશે. ભારતને જોડવા માટે આ અનિવાર્ય છે અને એક વાર ભારતનો ભાવનાત્મક પીંડ બની જશે પછી અંગ્રેજો ભારત પર રાજ નહીં કરી શકે અને આઝાદ ભારતને કોઈ મિટાવી નહીં શકે.

પણ આને માટે તો પૂર્વગ્રહો છોડવા પડે, બીજાને સાંભળવા પડે, તેમના તરફ સહ્રદયતા કેળવવી પડે, અપનાવવા પડે, જતું કરવું પડે, બાંધછોડ કરવી પડે, સંસ્કારમુક્ત થવું પડે, વગેરે કેટલું બધું કરવું પડે! વાત વાંચવામાં કે સાંભળવામાં જેટલી સહેલી છે એટલી તેને સાકાર કરવી સહેલી નથી. દક્ષિણ આફ્રિકામાં રહ્યે ગાંધીજી આ બાબતે ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લેખો લખીને ધ્યાન દોરતા હતા. એવું પણ નહોતું કે દક્ષિણ આફ્રિકામાં જે ભારતીય પ્રજા હતી એ સંગઠિત હતી અને તેમની વચ્ચે કોઈ પૂર્વગ્રહો નહોતા. ભારતથી જ ગયેલી એ પ્રજા હતી એટલે પૃથકતાના સંસ્કારો સાથે લઈને ગયા હતા. જેમ ભારતમાં કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને ભાષાના પ્રશ્ને ગાંધીજીનો પ્રતિકાર કરવામાં આવ્યો એમ દક્ષિણ આફ્રિકામાં પણ ભાષા છોડીને બાકીના બે પ્રશ્ને ગાંધીજીનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જેમ ભારતમાં કોમી એકતા અને અસ્પૃશ્યતા નિવારણના પ્રશ્ને ગાંધીજીની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા અને છેવટે હત્યા કરવામાં આવી એમ દક્ષિણ આફ્રિકામાં પણ મુખ્યત્વે કોમી પ્રશ્ને ગાંધીજીની હત્યા કરવાના એક કરતા વધુ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

લગભગ બધું એકસરખું હતું. જેમ ગાંધીજીને ભારતમાં સામાજિક-કોમી એકતા દ્વારા ભારતને જોડવામાં નિષ્ફળતા મળી હતી એમ દક્ષિણ આફ્રિકામાં પણ પ્રજાને જોડવામાં એકંદરે સફળતા નહોતી મળી. એમ કહી શકાય કે દક્ષિણ આફ્રિકા ગાંધીજીનો પાયલોટ પ્રોજેક્ટ હતો. લગભગ એક સરખો અનુભવ ગાંધીજીને બન્ને સ્થળે થયો હતો. તો પછી નિષ્ફળ નીવડ્યા હોવા છતાં ગાંધીજી અમર શા માટે છે? કારણ કે દેશને જોડવાનો આવડો મોટો રાજકીય પ્રયોગ ગાંધીજી પહેલાં કોઈએ કર્યો નહોતો. આને માટે સતત તેઓ મથતા રહ્યા હતા અને દેશને જોડવા માટે છેવટે તેમણે બલિદાન આપ્યું હતું. લાખ ગાળો આપવા છતાં ગાંધીજી મરતા નથી એનું આ પહેલું કારણ છે. સદીઓથી વિભાજીત ભારતને જોડવાના પહેલા રાજકીય-સાંસ્કૃતિક પ્રયોગના કર્તા ગાંધીજી હતા.

e.mail : [email protected]

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 ઑક્ટોબર 2020

Category :- Opinion / Opinion