ગૂજરાત વિદ્યાપીઠની શતાબ્દી પ્રસંગે સુદર્શન આયંગર સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ
09-10-2020

પ્રશ્ન : સુદર્શનભાઈ, નમસ્કાર. ગૂજરાત વિદ્યાપીઠ હમણાં શતાબ્દી પૂર્ણ કરી રહી છે અને આપનો વિદ્યાપીઠ સાથેનો સંબંધ ખાસ્સો દીર્ઘ રહ્યો છે. વિદ્યાપીઠની સ્થાપનાથી વાતચીતની શરૂઆત કરીએ. ગાંધીજીના મનમાં વિદ્યાપીઠની સ્થાપનાનો હેતુ શું હતો? સ્થાપન સમયે વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ કેવું હતું?

ઉત્તર : ગાંધીજી જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે એમના મનમાં શિક્ષણને લઈને કેટલાક પ્રશ્નો હતા. તે પહેલાં આપણા દેશમાં જે પદ્ધતિ હતી તે મકોલેની શિક્ષાપદ્ધતિ તરીકે ઓળખાતી હતી, એને લઈને ઘણા રાષ્ટ્રવાદી લોકોને પ્રશ્નો હતા. એટલે ગાંધીજી આવ્યા તે પહેલાં પણ ઘણી એવી રાષ્ટ્રીય સંસ્થાઓ ઊભી થઇ હતી, પરંતુ ગાંધીજી જેને રાષ્ટ્રીય સમજતા હતા એની ચોખવટ એમણે ઓગસ્ટ મહિનમાં અમદાવાદમાં થયેલી પોલિટીકલ કોન્ફરન્સમાં કરી, અને કહ્યું કે આપણા દેશને અને આપણી સંસ્કૃતિને છાજે એવું, આપણી માતૃભાષામાં અને આપણે સ્વતંત્ર થઇ શકીએ એ દિશામાં બાળકોને તૈયાર કરવા માટેનું, હિંદ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટેનું, શિક્ષણ હોવું જોઈએ. એમણે દક્ષિણ આફ્રિકામાં પોતાનાં બાળકો સાથે ફિનિક્સમાં અને ટોલ્સટોય ફાર્મમાં શિક્ષક તરીકે છ વર્ષ સુધી શિક્ષણના જે પ્રયોગો કરેલા એ બધા અનુભવોનો એમાં નીચોડ હતો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે એમના મનમાં રાષ્ટ્રવાદી, એટલે આજે જેને આપણે રાષ્ટ્રીયતા ગણીએ છીએ એ સંદર્ભે નહીં, પણ આપણી ગ્રામ્ય સંસ્કૃતિને પોષણ આપે એવા સમાજના નિર્માણ માટેનું, શિક્ષણ હતું. એમને એમ હતું કે હિન્દુસ્તાન પાસે પોતાની એક યુનિવર્સિટી હોવી જોઈએ. આવી કલ્પના કોઈ પણ રાજનીતિક નેતાએ અત્યાર સુધીમાં કરી નહોતી. અને પાંચ જ વર્ષમાં ૧૮ ઓક્ટોબર ૧૯૨૦એ એમણે એક રાષ્ટ્રીય પ્રયત્ન તરીકે આ યુનિવર્સિટી શરૂ કરી. યુનિવર્સિટીનાં મુખ્ય બે ઉદ્દેશ હતા. ગાંધીજીના મનમાં એવું હતું કે અમુક સંસ્કાર છેક બાળપણથી પાડવા જોઈએ, એટલે છેક પ્રિ-સ્કૂલથી માંડીને પીએચ.ડી સુધી અભ્યાસ થઇ શકે એવી સંસ્થા હોવી જોઈએ, એ એક ઉદ્દેશ.

બીજું એમને એમ પણ હતું કે આના આધારે જ્યારે દેશમાં રાષ્ટ્રીય શાળાઓ-કોલેજો ખુલશે ત્યારે આ યુનિવર્સિટી એક એફીલિયેટિંગ સંસ્થા તરીકે પણ કામ કરશે. આ સમજ સાથે એમણે એની શરૂઆત કરી. નોંધવા જેવી બાબત એ છે કે અસહકારની લડત ચાલુ હતી, પંજાબમાં આગ લાગેલી હતી તેથી એના સ્થાપના દિવસે ગાંધીજી પોતે અમદાવાદમાં હાજર નહોતા પરંતુ એ દિવસે વિદ્યાપીઠ શરૂ થઇ હતી. શરૂઆતનું જે શિક્ષણ છે એમાં બે-ત્રણ વસ્તુઓ બહુ નોંધપાત્ર છે. ગુજરાત કોલેજ એ વખતે સરકારી કોલેજ હતી. એટલે સરકારી કોલેજોમાં શિક્ષણ મેળવતા બહુ હોશિયાર વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈ ગુજરાત કોલેજ છોડીને આવ્યા, શિક્ષકો પણ આવ્યા અને ઓક્સફર્ડના વિદ્વાન પ્રોફેસર ગિદવાણીની પસંદગી ગાંધીજીએ પ્રથમ કુલનાયક તરીકે કરી. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેઓ આજીવન એના કુલપતિ રહેશે અને એ ૧૯૪૮ સુધી રહ્યા. ૧૯૨૦-૧૯૩૦ વચ્ચે ત્યાં બહુવિધ શિક્ષણના પ્રયોગો થયા, અમદાવાદમાં પણ એને સંલગ્ન ઘણી શાળાઓ શરૂ થઇ.

એક સમયે તો ૩૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એમાંથી મેટ્રીક્યુલેશનની પરીક્ષા આપીને પાસ થયા. ૧૯૨૦-૩૦ ના દાયકામાં ઝળહળતા લોકો પણ ત્યાં આવીને ગયા, જેમાં રંગ અવધૂત, પૂ. શ્રીમોટા જેવા આધ્યાત્મિક પુરુષો હતા. પછી એમાં મગનભાઈ દેસાઈ, બબલભાઈ મહેતા જેવા લોકો શિક્ષકો અથવા વહીવટકારો તરીકે જોડાયા, એમાંના અનેક લોકો આઝાદીની લડતમાં પાછળથી જોડાયા અને જેલમાં ગયા. પંડિત સુખલાલજી જેવા પણ શિક્ષણ માટે આવ્યા, એક સમયે ધર્માનંદ કોસાંબી પણ આવીને ભણાવી ગયા. ૧૯૨૯-૩૦નું વર્ષ વિદ્યાપીઠના ઇતિહાસમાં બહુ મહત્ત્વનું હતું કારણ કે ખેડા જિલ્લામાં પડેલા દુષ્કાળમાં માતર તાલુકાનો પહેલો સર્વે થયો, જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યો. ત્યાર પછી ૧૯૬૫-૬૬માં અને ૧૯૭૫-૭૬માં આ સર્વે ફરી થયો. એ ઉપરાંત શાસ્ત્રો પર, સંસ્કૃતમાં-ફારસીમાં વગેરે ખૂબ સરસ કામો થયાં. મારે કહેવું જોઈએ કે બાપુ હિન્દુસ્તાની ભાષાના આગ્રહી હતા. એટલે હિન્દુસ્તાની અને સાથે સંસ્કૃત અને ફારસી એ વિદ્યાપીઠના દરેક વિદ્યાર્થીને શિખવાડવામાં આવતી. એટલે સમ્યક સંસ્કૃતિ ઊભી થાય એ રાષ્ટ્રવાદી સંદેશ ગાંધીજી આપવા માંગતા હતા.

પ્રશ્ન : સુદર્શનભાઈ, ઉત્ક્રાંતિ એ જીવનનો ક્રમ છે. સમય સાથે મેળ સાધીને વિદ્યાપીઠમાં કેટલા માળખાકીય અને શૈક્ષણિક ફેરફારો થયા? અને આજે વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ વિદ્યાર્થીઓને કેટલી હદે જીવનનિર્વાહ માટે પગભર થવા સજ્જ કરે છે?

ઉત્તર : તમે બહુ પેચીદો અને અઘરો સવાલ પૂછી લીધો છે. તમે એમ કહ્યું કે આપણે સમય સાથે બદલાતા રહેવું જોઈએ. મારે એમ સ્વીકારવું જોઈએ કે આપણી કેફિયતમાં ઈમાનદારી હોવી જોઈએ. આઝાદી પહેલાંનું એ રાષ્ટ્રીય શિક્ષણ અને પછી ૧૯૩૭માં જે નયી તાલિમની નીતિ આવી, જેમાં શિક્ષણમાં કૌશલ્ય એ એક ભાગ હોય, જેનો સૌથી પહેલાં અમલ ગુજરાત વિદ્યાપીઠમાં થયેલો. વસ્ત્રવિદ્યા ઉપર ખૂબ ભાર હતો, ચરખો એની ઓળખ થયેલી, કાંતવું અને વણવું એ મુખ્ય પ્રયાસ હતો. ગાંધીજીએ એમના કુલપતિ તરીકેના એક ભાષણમાં એવું પણ કહ્યું કે મારો વિદ્યાર્થી બીજું કશું ન શીખે પણ કાંતતાં શીખી જાય તો હું સમજીશ કે શિક્ષણ થયું. એટલે ચરિત્ર-નિર્માણ અને કૌશલ્ય એ બે મુદ્દા પર ભાર હતો. આઝાદી પછી ૧૯૬૩ સુધી આ કામ વિદ્યાપીઠે કર્યું અને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ અપાતું હતું અને એમાં ૩૯ વિષયો હતા. ઉદ્યોગના શિક્ષકો જ વિષયોનું શિક્ષણ પણ આપતા. ગાંધીજીની સમજણ એ હતી કે કૌશલ્ય મારફત વિષયો શીખવવા.

જુવો, આજની પરિસ્થતિને ગાંધીજી ત્યારે પણ જોઈ શકેલા. ૧૯૬૪માં યુ.જી.સી.એ વિદ્યાપીઠને યુનિવર્સિટી સમકક્ષ ગણીને એને મદદ કરવાની કોશિશ કરી, પણ ધીમેધીમે પરિસ્થતિ એવી થઇ કે વિદ્યાપીઠે મુખ્ય ધારાના શિક્ષણનું અનુકરણ કરવા જતાં એની અસર વિદ્યાપીઠના શિક્ષણ પર થઇ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના વડપણ હેઠળના યુ.જી.સી.ના પહેલા રિપોર્ટમાં આવ્યું કે ગાંધીજીના ગ્રામીણ શિક્ષણને અનુસરવાથી કદાચ ભારતીય પ્રજાને આધુનિક શિક્ષણથી વંચિત રહેવાનો વખત આવે. એટલે વિદ્યાપીઠ એ માળખામાં ગઈ, ધીમેધીમે યુ.જી.સી.ની ગ્રાન્ટ વધતી ગઈ. અને હવે તો આ આર્થિક અનુદાન મેળવતી એક યુનિવર્સિટી બની છે, જેમાં પગાર, પેન્શન બધું જ આવ્યું. એની સાથે સાથે શિક્ષકોની લાયકાતો આવી, અને એ લાયકાતો એ ગાંધીવિચારને લગતી લાયકાતો ન હતી, પણ એ સામાન્ય યુનિવર્સિટી જેવી લાયકાતો હતી. પરંતુ મારે એટલું કહેવું જોઈએ કે કેટલીક બાબતો, જેને આપણે વિદ્યાપીઠનાં મૂલ્યો અને પરિપાટી કહીએ, એમાં સમાધાન નહોતું થયું. એટલે કાંતવાનું ચાલુ રહેલું, પ્રાર્થના ચાલુ રહેલી, સમૂહજીવન હતું.

એ બધું હોવા છતાં ધીમેધીમે એ વસ્તુઓ કર્મકાંડ થતી ગઈ અને એનું હાર્દ જતું રહ્યું. ૨૦૦૪માં ‘લોકભારતી’થી અરુણ દવે વાઈસ-ચાન્સેલર બનીને આવ્યા, રજીસ્ટ્રાર તરીકે રાજેન્દ્ર ખીમાણી આવ્યા. અને ત્યારે એ બંનેએ એક નવો પ્રયાસ આદર્યો. ત્યાર પછી મને જોડાવાનો મોકો મળ્યો અને ૨૦૦૫થી એક નવો અધ્યાય શરૂ કરવાની, ‘બેક ટુ બેઝિક્સ’ જવાની કોશિશ અમે બહુ ઈમાનદારીપૂર્વક કરી. યુ.જી.સી.ના માળખાને નુકસાન પહોંચાડ્યા વગર અમે ઉદ્યોગ અને સમૂહજીવન સરસ રીતે ચાલે અને સાથે વિદ્યાર્થી કૌશલ્ય ખીલવી શકે એ પ્રયત્ન કર્યો. અને મારે કહેવું જોઈએ કે એ પ્રયત્ન ઠીક રહ્યો. કારણ કે અમે વિદ્યાર્થીઓને કહ્યું કે તમને ખાદી ખરીદવી મોંઘી પડે છે તો તમારા પોતાના ડ્રેસ કાંતો અને વણી લો. તમે જો કાંતીને અમને આપશો તો અમે વણીને ખાદી તમને પાછી આપીશું. આને ભારે પ્રતિસાદ મળ્યો. અને છાત્રાલય, જે મરજિયાત થયેલું, એને ૨૦૦૬થી અમે ફરી ફરજિયાત કર્યું. અમે સમૂહજીવનને મજબૂત કર્યું, અમે ગ્રામજીવન તરફ જવા માટે પદયાત્રાઓ શરૂ કરી. ખાસ કરીને અમારે ત્યાં ગામડાંમાંથી આવતા વિદ્યાર્થીઓ જ હતા, ખાસ કરીને આદિવાસીઓ અનુસૂચિત જાતિના લોકો હતા, બધું મળીને વિદ્યાપીઠમાં ૮૫ ટકા વિદ્યાર્થીઓ એ હોય. એ લોકો નોકરીઓ મળે એ માટે જ અહીં ભણવા આવે. કારણ કે અહીં ફી ઓછી અને રહેવાની સગવડ મળે, વગેરે. પણ એક વસ્તુ મારે કબૂલવી જોઈએ કે અહીંના વાતાવરણમાં કર્મકાંડ સ્વરૂપે બધું ચાલતું હતું તેમ છતાં મને જ્યારે વિદ્યાર્થીઓ મળે, ત્યારે એક વસ્તુ કહે કે, ‘જીવનનાં મૂલ્યો અમે વિદ્યાપીઠમાં શીખ્યા. પહેલાં અમને ખૂબ કંટાળો આવતો કે આ શું ખાદી પહેરવાની અને રસોડામાં ઘૂસવાનું અને સફાઈ કરવાની, કાંતવાનું. પણ જીવનમાં અનુશાસનનું મૂલ્ય અહીંથી શીખ્યા.’ અને હવે ગુજરાતમાં કોઈપણ એન.જી.ઓ. અથવા ગુજરાત સરકારનું સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ જ્યારે સોશિયલ વર્કર લેવાની વાત આવે ત્યારે વિદ્યાપીઠના સ્નાતકોને પહેલી પસંદગી આપે છે. કારણ કે એ સ્નાતકોમાં આવડત કદાચ થોડી ઓછી હોય પણ ચરિત્ર મજબૂત હશે, ઈમાનદાર હશે, નિષ્ઠાવાન હશે, ગામમાં જવાની તૈયારી રાખશે.

પ્રશ્ન : હિન્દુસ્તાની ભાષામાં શિક્ષણ અપાય એ ગાંધીજીના વિચારનો આપે ઉલ્લેખ કર્યો. આજે ભારતમાં શિક્ષણના માધ્યમ તરીકે અને રોજ-બ-રોજના જીવનમાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે. આવા કાળમાં વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ ગાંધીજીનો હેતુ સિદ્ધ કરે છે?

ઉત્તર : આમાં શું થયું કે ‘માતૃભાષાનું શિક્ષણ’ એનો બહુ સંકુચિત અર્થ કરવામાં આવ્યો. જ્યારે ગાંધીજી માતૃભાષાની વાત કરતા હતા, ત્યારે એમના મનમાં એમ હતું કે કોઈ પણ ભાષા વર્જ્ય નથી. એટલે સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, ફારસી બધા જ વિષયો હતા. અને ગાંધીજી પોતે પણ અંગ્રેજીમાં બહુ સારા હતા. આ સંદર્ભ વિદ્યાપીઠ ચૂક્યું. પછીથી એક સંદેશ આવેલો એ પણ વિદ્યાપીઠ ચૂક્યું. એ સંદેશ કોનો હતો? નિરંજન ભગતનો. એમણે એમ કહ્યું ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’. આ બાબત વિદ્યાપીઠ ચૂકી ગયું. હું જ્યારે વિદ્યાપીઠમાં જોડાયો ત્યારે અંગ્રેજીના એક પણ શિક્ષક નહોતા. બધા નીકળી ગયેલા, અંગ્રેજી વિષયે જ વિદાય લઇ લીધેલી. પણ પછી અમે અંગ્રેજીના ત્રણ શિક્ષકો લીધા. આજે અંગ્રેજીમાં એમ.એ.નો કોર્સ શરૂ થયો છે અને સ્નાતક કક્ષા સુધી બધા માટે અંગ્રેજી એક વિષય તરીકે ભણવાનું આવે જ છે. અને વિજ્ઞાનની જે તરાહો છે જેમાં કોમ્પ્યુટર એપ્લિકેશન્સ કે માઈક્રોબાયોલોજી છે એમાં વ્યાકરણ ગુજરાતી વપરાય છે પણ બાકી બધા શબ્દો અંગ્રેજી હોય છે. કારણ કે આપણે કેટલાક વિષયો આપણી ભાષામાં વિકસિત નથી કરી શક્યા. જાપાન, ચીન અને યુરોપે પોતપોતાની ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી બધું જ વિકસિત કર્યું, પણ ભારત અંગ્રેજીની અસરમાંથી બહાર નીકળ્યું જ નહીં. એટલે નવાં જ્ઞાનને પોતાની ભાષામાં અનુદિત ન કરો ત્યાં સુધી આપણે જે બીજી-ત્રીજી કોટિના અનુવાદો કરાવીએ એમાં કોઈ ભલીવાર આવે જ નહીં. પણ હવે આ સભાનતા આવી છે અને હવે આપણી પાસે જે ટેકનોલોજી છે એના આધારે આ પ્રશ્ન ઉકેલી શકાય એમ છે.

પ્રશ્ન : આ મુલાકાતના સમાપને બે પ્રશ્નો, સુદર્શનભાઈ. આ સો વર્ષમાં ગાંધીજીનો હેતુ કેટલી હદે સિદ્ધ થયેલો જણાય છે? અને આવતાં સો વર્ષમાં વિદ્યાપીઠનું ભાવિ કેવું લાગે છે?

ઉત્તર : ગાંધીજીએ વાવેલું બીજ વિશાળ વટવૃક્ષ તો નથી થયું. પણ એ છોડ મોટો થયો છે અને એનું નવેસરથી સિંચન કરવાની જરૂર છે. ગાંધીજીનો એ વિચાર અને એનું વાતાવરણ બંને જીવે છે. એ બહુ જ વિધેયાત્મક વસ્તુ છે. વિદ્યાપીઠ ફરીથી વાઈબ્રન્ટ થઇ શકે છે. વ્યક્તિ સ્વાતંત્ર્યમાં વ્યક્તિ નિયમનની તાલિમ વિદ્યાપીઠમાં મળે છે. વ્યક્તિગત સ્વરાજ્ય હોય અને એકાદશ વર્ષનો અભ્યાસ એને થાય તો એવી વ્યક્તિઓને માળખાકીય નિયમનની જરૂરત બહુ નથી પડતી. એટલે દાખલા તરીકે મારો આદર્શ છે કે મારી ઓફિસમાં બાયોમેટ્રિક્સ નહીં લાગવું જોઈએ, મારા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પકડવા માટે મારે સી.સી.ટી.વી. કેમેરા નહીં રાખવા જોઈએ કારણ કે અમે દિલથી એટલા શુદ્ધ છીએ, એ રહેવું જોઈએ. અને તંત્ર વ્યક્તિના સ્વાતંત્ર્યનું નિયમન ન કરે કારણ કે એમ કરવાથી આપણે રિસોર્સ વાપરીએ છીએ અને પર્યાવરણ પર ખતરો ઊભો કરીએ છીએ. અહિંસક જીવનશૈલી, સાદગીપૂર્ણ જીવનશૈલીથી શાંતિ પ્રવર્તે અને પોતાની જરૂરિયાતનો લોપ થઇ જાય તો કુદરત પરનું ભારણ ઓછું થાય. એટલે વ્યક્તિ, સૃષ્ટિ અને સમષ્ટિની વચ્ચે સમ્યકતા લાવવી હોય અને એક સિમ્ફની બનાવવાની હોય તો અત્યારની વિસંવાદિતા વચ્ચે ગાંધીવિચાર આવી સિમ્ફની રચી શકે છે એ હવે લોકોને દેખાઈ રહ્યું છે. વિદ્યાપીઠ આવતાં સો વર્ષમાં આ દિશામાં સતત પ્રગતિ કરે તો આપણે સમાજને એક સરસ દાખલો પૂરો પાડી શકીશું અને ગાંધીજીને એ સાચી શ્રદ્ધાંજલિ હશે.

e.mail : [email protected]

https://sursamvaad.net.au/dr-sudrashan-iyengar/

છવિ સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર ચૌહાણ 

Category :- Opinion / Interview