‘જયનો જય જયકાર’

સૂચિ વ્યાસ
08-10-2020

નિશાળમાં કે કૉલેજમાં ભણતાં ભણતાં આપણે સૌ લોકો અમુક ચેપ્ટર બસ ધૂનમાં ને ધૂનમાં ઓમિટ કરતાં હોઈએ છીએ. પછી પરીક્ષામાં આ જ ચેપ્ટરના બે પ્રશ્નો આવે, આવે ને આવે! હવે મોટી ઉંમરે આવી ભૂલ ન કરવી એમ સમજીને આગલા ચેપ્ટર ‘બિનકુ’માં જયને ઓમિટ કરવાનો વિચાર બદલાવી જય વિશે લખવું એવો હકારાત્મક વિચાર રજૂ કરું છું.

જય મારી મોટીબહેનની વહાલસોયી નાની દીકરી, ને આપણી બિનકુની નાની બહેન. જય નાની દીકરી છે અને આમ પણ શરીરે નાની નમણી નાર છે. માંડ પાંચ ફૂટ બે ઇંચ (કદાચ) હોય તો હોય! લાંબા, સીધા, ભરાવદાર વાળ, ૫૦૦-૫૦૦ની લાઇટના ગોળા જેવી ગોળ ભાવભરી આંખો, નિર્ભયતાથી ભરપૂર આંખો. એની તેજદાર બુદ્ધિનું ધસમસતું ધારદાર મોજું તમને એકાદ મિનિટ પાડી દ્યે જ, હોં!

જોરજોરથી બોલવું, જોરજોરથી હસવું અને સતત પ્રશ્નોની ઝડી વરસાવતી જય, ‘ચેટર બોક્સ’ તરીકે પ્રખ્યાત છે. બુદ્ધિગમ્ય વાતો કરી કરી આખી વંશાવળી જાણી લે. કાઠિયાવાડી ભાષામાં આવાં લોકોને અમે ‘સળી માસ્તર’ કહીએ છીએ.

૧૯૯૦માં જય પોતાનાં મા-બાપ, મોટીબહેન બિનકુ પાસે આવે છે. જેમ બિનકુને સેટ કરવાની હતી, એમ જયને સેટ કરવાનું બીડું ઝડપ્યું. જય ફક્ત ૧૮ વર્ષની કુમળી કન્યા હતી. છોકરીને સાચવવાની. પાછી આવી તરવરાટથી ઊભરાતી, દેખાવડી, ટેસડેદાર દીકરીનું કેમ ધ્યાન રાખશું? દોડાદોડ ચાલુ કરી. અનેક કૉલેજો, યુનિવર્સિટી વગેરેમાં એડમિશન ક્યાં લેવું …. વગેરે ચર્ચાઓ કુટુંબમાં ચાલી. અમારાં ઘરમાં સૌ પોતાના અભિપ્રાયો આપે. કુટુંબજીવનનું આબેહૂબ દર્શન થાય. વાતે વાતે ગરમ ચર્ચાઓ વચ્ચે મતભેદની તલવારુ ઊડે. અમેરિકામાં વસતાં તમામ કુટુંબીજનો એવું માનતાં કે ‘ધીમે બોલવું’. રાડારાડી જ ઘરનું સુખ દેખાડે છે, શાંતિ દેખાડે છે. મોટેથી હસવું અને મોટેથી બોલવું એ જ સંસ્કાર અને શિષ્ટાચાર છે. લાખો મતભેદ થાય, પણ ક્યારે ય મનભેદ નહીં. આમ, યુદ્ધ પછી શાંતિ થાય, એ રીતે જયને બિનકુ પાસે રેડિંગ પેન્સિલવેનિયામાં ઓલ-બ્રાઇટ કૉલેજમાં કમ્પ્યૂટર સાયન્સમાં ફ્રેશ મેન (એટલે કે કૉલેજનાં પહેલાં વર્ષમાં) એડમિશન અપાવી, સ્ટુડન્ટ વિઝા અપાવ્યો. તે દી’ની ઘડી ને આજનો દી’. જય, બિનકુના સહારે સહારે પોતાની સંઘર્ષમય જિંદગીમાં સિદ્ધિઓ પામતી જાય છે.

નાનપણથી જય માંદી રહે. એટલે બહેન-બનેવીનાં વધુ પડતાં લાડકોડમાં ઊછરેલી. જય સ્કૂલેથી આવે ત્યારે એની મા એને જાતજાતનાં ફ્રૂટ સુધારી આપે. દૂધનો ગ્લાસ ભરેલો તૈયાર હોય. બે’નબા તૈયાર થાય, ત્યારે નીચે ગાડી-ડ્રાઇવર ઊભાં જ હોય. મોંઘાંદાટ કપડાં અને ચંપલ પહેરી નિશાળે જાય, તો તો શુંયે વાત! હવે જયને જ્યારે ઓલ-બ્રાઇટ સ્કૂલમાં ભણવાનું તો ખરું જ, પણ સાથે સાથે કામ પણ કરવાનું માથે આવ્યું. કૉલેજનાં કાફેટ એરિયામાં ફ્રૂટ સુધારવાની નોકરી હતી! (મા ક્યાં ગઈ!)

આ વાર્તામાં હવે જુવાની, કૉલેજ, સ્વતંત્રતા અને સુંવાળા સાથની વાત આવે છે. કૉલેજમાં જયને પાકિસ્તાનથી આવેલી દસ-બાર છોકરાની ટોળકી સાથે દોસ્તી થાય છે. એમાંનો એક ફૂટડો જુવાન. જેનું નામ છે અદનાન અહમદ. અમે લોકો એને ગુજરાતીમાં જુદા જુદા નામે બોલાવીએ છીએ. ‘અદનાન’, ‘અદુમિયાં’. તેની સાથે બે’નબા પ્રેમમાં પડે છે. અમે લોકો અણીશુદ્ધ બ્રાહ્મણ અને છોકરો પાક મુસલમાન. બંને એક ક્લાસમાં ભણે. એક જ હોસ્ટેલમાં સાથે રહે અને ધીમે ધીમે પ્રેમમાં ને પ્રેમમાં લગ્ન કરવાં છે, ત્યાં સુધી આગળ વધી ગયાં. બંને કુટુંબના અનેક તોફાનો, ઝંઝાવાતો સાથે ઝઝૂમી, ઝઝૂમી પોતાનું વહાણ ચલાવ્યે રાખ્યું. ૧૯૯૩માં બંને લોકોએ ૩ વર્ષનો અભ્યાસ પૂરો કરી અમેરિકા(Work force main stream)માં ઝંપલાવ્યું. એ જમાનામાં કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરેલા માણસોને ઢગલો ભરી ખણ...ખણ...ખણ પૈસા મળતા હતા. બંને જણાં મંડી પડ્યાં પૈસા કમાવા. કેલિફોર્નિયામાં ઘર રાખ્યું હતું અને નોકરી આખાયે અમેરિકામાં કરે. દર શુક્રવારે ઊડીને ચકલો-ચકલી પોતાનાં માળામાં મળે. કાળક્રમે લગ્નગ્રંથિથી જોડાઈને જલસા કરતાં થઈ ગયાં.

અમારાં કુટુંબમાં તમામ લોકોને એક ખાસ પ્રકારનો રોગ છે. આ માનસિક પ્રશ્નનો કોઈ જવાબ નથી. જેનું નામ અમે જ આપ્યું છે : ‘ઉધામો’. જયના કેસમાં આ રોગનું વિશેષ પ્રમાણ છે. જયના દાદાને પણ આ રોગ હતો. આખી જિંદગી તેઓ ક્યાં ય ઠરીઠામ થઈને નોકરી-ધંધો કરી શક્યા નહોતા. આજે જ્યાં મુંબઈમાં ચોપાટી ઉપર ‘ક્રીમ સેન્ટર’ છે, તેના તેઓ માલિક હતા. સો વર્ષ જૂની વાત છે. ત્યાં બ્રાહ્મણભાઈએ ભજિયાં વેંચવાની દુકાન ખોલેલી. બહારથી જુઓ તો ઘરાકથી ઊભરાતી દુકાન દેખાય. પણ દુકાન ફાડચામાં ગઈ. કારણ શું હતું ખબર છે? મુંબઈમાં રહેતા તમામ હરિજન તથા બ્રાહ્મણને મફત ભજિયાં ખાવા મળતાં હતાં. મોસાળપક્ષે પણ ઉધામાની માંદગીથી સૌ પિલાય છે. જેમાં જયનો નંબર પહેલો આવે.

આવી ધીકતી નોકરી છોડી, પૈસા-વૈભવ છોડી જયને ઉધામો ચડ્યો કે કોર્પોરેટ વર્લ્ડ-કમ્પ્યૂટરમાં નોકરી કરવા કરતાં આપણે એક સરસ મજાનું આગવું, બાળકો માટે - શિક્ષણ માટે ડે-કેર સેન્ટર ખરીદવું અને આદર્શ શિક્ષણ સંસ્થા ઊભી કરવી. અને ખરેખર … સુંદર વ્યવસ્થા કરી, શિક્ષણમાં જીવ નિચોવી નાખ્યો. લબડ ધક્કે ૧૦ વર્ષ સુધી આ સંસ્થામાં પોતાના પ્રાણ પાથરી દીધાં. પણ છેવટે તો બ્રાહ્મણભાઈ ને! ધંધો એટલો ખોટમાં ચાલતો હોવાથી વેંચી નાખ્યો. આ ઉધામામાં એક જમા પાસું એ છે કે પોતે ભાગી ભાગીને કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી Educationમાં માસ્ટર ડિગ્રી મેળવી લીધી. અદનાન મિયાંએ પણ તે દરમિયાન રડગર યુનિવર્સિટીમાંથી M.B.A. પતાવી દીધું. બંને લોકો ફરી કોર્પોરેટ વર્લ્ડમાં જોડાઈ ગયાં. અમેરિકન ભાષામાં કહું તો on going stressમાં સંઘર્ષોની વચ્ચે સિદ્ધિઓ પામતાં જ ગયાં. આ બાજુ અદનાનને મિડલ ઇસ્ટમાં સારી નોકરી મળતાં તેઓશ્રી ધંધાર્થે ત્યાં ઊડી ગયા.

વચ્ચે એક લાંબી આડવાત કરવી જરૂરી જણાતાં કહું છું કે જયલાલ જન્મ્યાં, ત્યારે આશા હતી કે દીકરો આવશે. પણ પુત્રીરત્ન દીકરાથી પણ વધુ બાહોશ નીકળતાં અમે સૌ જયદેવીને બદલે એને જયલાલ કહીએ છીએ. મોટીબહેનનાં લગ્નમાં પણ ભાઈ તરીકે જવ-તલ હોમવા જયલાલ ઊભા રહેલાં. દર વર્ષે રક્ષાબંધનમાં મોટીબહેન જયલાલને રાખડી બાંધે છે. પિતાશ્રીના અવસાન પછી બંને બહેનોએ અગ્નિદાહ આપેલો અને શ્રાદ્ધ કરવા છેક સોમનાથ ગયેલાં. આવા તમામ પ્રસંગે અધાધોંગ બ્રાહ્મણો-પંડિતો સાથે દલીલબાજી નિર્ભયતાથી કરવા હરહંમેશાં જયલાલ તૈયાર ઊભાં રહે છે.

જયલાલ! આમ જોવા જઈએ તો મારું પોતાનું બાળસ્વરૂપ છે. દેખાવે તો મારા જેવી લાગે જ છે, પણ કૌતુક જેવી વાત તો એ છે કે રોજે રોજેની જિંદગીમાં એટલું બધું સામ્ય રહે છે કે કુટુંબનાં લોકો અમને ‘ભૂત’ કહે છે. આધ્યાત્મિક વાત પ્રમાણે અમે બે સ્વરૂપે એક જિંદગી જીવીએ છીએ. દાખલા તરીકે મને ડાબી બાજુની દાઢ દુખતી હોય, તો એની પણ એ જ દાઢ દુખે. નવા ઘરમાં અમે બંને એક જ દિવસે મૂવ થયાં. અમારાં બંનેનાં ઘરમાં આઠ દિવસ બાદ રૅફ્રિજરેટર આવે. બંનેને સાથે જ શરદી-તાવ, ઝાડા-ઊલટી થાય. મારી જેમ ૪૦ વર્ષ પછી જ જયલાલને પણ માસ્ટર ડિગ્રી મળે. અને હવે એની દીકરી સાવે સાવ મારી દીકરી જેવી લાગે. ક્યારેક અમને બંનેને બીક લાગે છે કે જો કાંઈ ખરાબ કરશું તો ...! કાંઈ ખરાબ વિચારશું તો ...! અમે ક્યારે ય એકબીજાંને ફોન નથી કર્યાં. કારણ કે ખબર જ છે કે સામે કાંઠે શું વિચારધારા ચાલી રહી હશે. છેવટે એક જગ્યાએ ઊભા રહી નક્કી કરી નાખ્યું છે કે જય મારી સાથે છે એ મારું ભાગ્ય છે અને હું એની સાથે છું તે અમારાં બંનેનું સદ્દભાગ્ય છે. જય જ્યારે પણ મળે ત્યારે મનમાં સુગંધ મઘમઘે. મારા કાનમાં નાખેલો અત્તરનો ફોયો નાક વાટે આખી કાયાને જગાડે!!

આમ ને આમ જય ૨૮ વર્ષ સુખી સંસાર ભોગવે છે. અનેક તોફાન- ઝંઝાવાતો, સંઘર્ષો હોવા છતાં જલસેથી ચાલતી જિંદગી હતી. ક્યારેક વેકેશનમાં જાય તો ધરતીકંપમાં ફસાય. ક્યારેક વેકેશન દરમિયાન મા-બાપને ત્યાં આગ લાગે. અરે! જય-અદનાન ‘9/11’ જેવા અમેરિકાને લાગેલા ઘામાં, તોફાનમાં ફસાય. બંને આવા ભયંકર અંધાધૂંધીમાં છૂટા પડી જાય. અનાયાસે ફરી ભેટો થઈ જાય. છતાંયે સુખી સંસારમાં, લગ્નજીવનમાં મોટો ઘા લાગે છે. અદનાને કોઈ પણ કારણ વગર છૂટાછેડા માગ્યા, ત્યારે મારાં મનનાં મનોજગતમાં સાચવેલી મોંઘેરી મૂડીના ભાંગીને ભુક્કા થઈ ગયાં. જયલાલે નહીં નહીં તો ૨૮ વર્ષની યાત્રામાં ૧૪ વખત ઘર બદલાવ્યાં હશે. પાંચ-સાત સ્ટેટ (પ્રાંત) અને ૧૭-૧૮ શહેરમાં રહી હશે. ૩-૪ વાર કૅરિયર બદલી હશે. પાંચ-સાત નોકરી બદલી હશે. પતિ મિડલ ઇસ્ટમાં નોકરી કરે એટલે દીકરીને એકલા હાથે જતનથી મોટી કરતી રહી છે. આવી કપરી સ્થિતિમાં હસતી રમતી જયને જોઈને હંમેશાં થાય છે કે હકારાત્મક અભિગમથી નરમાં પણ નારાયણનાં દર્શન જોવા મળે.

નાના એવા હ્રદયમાં લાખો જખમ હોય છે. પણ મોટીબહેન, માસી, કાકા તથા તમામ કુટુંબીજનોની હૂંફમાં-દુવાઓમાં બહુ દમ હોય છે એવું જય કહેતી ફરે છે.

આવી પાણીદાર, જોરદાર જયને મળીએ ત્યારે અંદરથી છલકાઈ જવાય છે. અમને સૌને સભર કરવા આવા અકારણ સ્નેહનાં સરનામાં જ પૂરતાં છે.

જયનો હરહંમેશાં જય જયકાર હો!!

e.mail : [email protected]

Category :- Profile