બે જનેતા

આશા વીરેન્દ્ર
25-09-2020

આ ગામને હમણાં હમણાં જ રેલવેનું સ્ટોપ મળ્યું હતું, એટલે નાનું એવું રેલવે સ્ટેશન હતું અને નાનકડું પ્લેટફોર્મ હતું. આખા દિવસમાં માત્ર બે કે ત્રણ આવતી ને જતી ટ્રેનો ત્યાં ઊભી રહેતી. ટ્રેનમાં ઊતર-ચઢ કરનારા મુસાફરો, સ્ટેશન માસ્તર અને એક હવાલદાર સિવાય પ્લેટફોર્મ પર ખાસ કોઈ દેખાતું નહીં.

પણ કાયમ સૂમસામ રહેતા આ પ્લેટફોર્મ પર આજે નાનકડું ટોળું જમા થઈ ગયું હતું. કહેવત છે ને કે ‘તમાશાને તેડું ન હોય!’ એ મુજબ સૌને મફતમાં તમાશો જોવા મળતો હતો એટલે મજા આવતી હતી. લોકો અંદરોઅંદર વાતો કરતા હતા, “આ બે બાઈડિયું ઘડીવાર પે’લા તો હસી હસીને, તાળી દઈ દઈને વાતું કરતી’તી ને ઘડીકમાં હું થઈ ગ્યું?’

‘હા, જો ને, એકબીજીને ગાળું દઈ દઈને બાઝે (ઝઘડે) છે ને ભેગાભેગી રડતી ય જાય છે.’

થોડી વારમાં લાકડી હલાવતો હવાલદાર આવીને દમ મારવા લાગ્યો, “એ ય, ઈધર મારામારી નૈ કરનેકા. મેરેકુ બોલો, શું થ્યા હૈ?’

“સાયેબ, આને મારો છોરો જોવે છે. મારે કંઈ વધારાનો સે તે એને આલી દઉં?” પોતાની છાતીએ વળગાડેલા મરિયલ જેવા લાગતા, કાળામશ છોકરા પર ભીંસ વધારતાં એક સ્ત્રીએ કહ્યું.

“આ ખોટ્ટાડી સે, હોં સાયેબ! છોરો એનો નથ. ઈ તો મારો સે. કટલી ય માનતા માની તારે રાંદલ માએ માંડ માંડ આલ્યો સે. મરી જઈસ પણ એને નૈ આલું.” બીજી સ્ત્રીએ રડતાં રડતાં કહ્યું.

આ બેઉમાં સાચું કોણ એ હવાલદારને સમજાયું નહીં. હવે તો હાથોહાથની મારામારી પર આવી ગયેલી સ્ત્રીઓને પોતાની લાકડીથી છૂટી પાડતાં એણે કડકાઈથી પૂછ્યું, “આ કેતી હૈ કે છોરા મેરા હૈ, તુ કેતી હૈ કે મેરા હૈ. ચાલો, સચ બોલો, કૌન ઈસકી મા હૈ?”

બેમાંથી ઉંમરમાં નાની દેખાતી સ્ત્રીની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી. એણે હિબકાં ભરતાં કહ્યું, “ખોટું બોલું તો મને રાંદલ મા પૂછે. ભીખલો મારો જ સે. આ રૂપલી ઈને લઈને આગગાડીમાં બેહીને ભાગી જવાની સે. સાયેબ, છોરા વના હું મરી જઈસ. ઈને રોકો સાયેબ, તમારે પગે પડું.”

હવે રૂપલી કંઈક ઢીલી પડી હતી. એણે ધીમા અવાજે વાત માંડી, “ભીખલાને આ મંગીએ જલમ આપ્યો ઈ વાત હાવ હાચી, સાયેબ, પણ પૂછો એને જ કે, સાત સાત મૈનાથી દૂધ કોણે પાયું? ઈ જલમ્યો પછી મંગીની છાતીમાં હમૂળગું દૂધ જ નો’તું આવતું. માના દૂધ વના ભીખલો મરી જ જવાનો હતો. ઈ વખતે મારે ય ચંદૂડો ધાવણો હતો. મંગી મારી પડોસણ. એક દી’ ઈ રોતી રોતી મારી પાંહે આવીને મને કે’ આ છોરાને હવે તું જ જિવાડ.”

હવે મંગી વાંકી વળીને રૂપલીના પગમાં પડીને કહેવા લાગી, “તારા ચંદૂડાના ભાગમાંથી કાઢીને તેં ભીખલાને દૂધ પાયું ઈ તારો પાડ ઉં નૈ ભૂલું ને મને યાદ સે કે ઈ ટાણે મેં કીધેલું કે ઈને જિવાડે તો ભીખલો તારો દીકરો, પણ આમ મારી નજર હામે તું ઈને લૈને આગગાડીમાં જાતી રે’ તો ઉ તો છતે દીકરે વાંઝણી જ થઈ જાઉં ને?” આ બધી અફડા-તફડીમાં રૂપલી છોકરાને લઈને ભાગી ને ઊભી રહેલી ટ્રેનના ડબ્બામાં ચઢી ગઈ.

મંગી જોર જોરથી છાતી ફૂટીને રડવા ને હવાલદારને વિનંતી કરવા લાગી, “સાયેબ, ઈ લોકો તો વણઝારા સે. ઈનો આખો કબીલો ફિરોજપુર જતો રયો સે. એનો વર પોતાની હંગાથે ચંદૂડાને ય લઈ ગ્યો સે. એની પાંહે તો બધાય સે ને ઉં તો હાવ એકલી સું. મારા ભીખલા વના મારું કોઈ નથ સાયેબ …” હવે હવાલદારને મંગીની દયા આવી. ટ્રેન શરૂ થવાને થોડીક જ વાર હતી. ડબ્બાના દરવાજા પાસે ઊભેલી રૂપલીને એણે કડક અવાજે કહ્યું, “ચાલ, આપી દે, આપી દે. જો છોકરાની મા હૈ ઉસકો છોકરા વાપસ દે દે.”

હવાલદારના હુકમ પાસે પોતાનું કંઈ નહીં ચાલે એ સમજીને રૂપલી હવે ભીખલાને માથે ને મોઢે હાથ ફેરવતી અને બચ્ચીઓ ભરતી રડવા લાગી, “પૂછો સાયેબ, પૂછો ઈને કે કોણ સે છોરાનો બાપ? ઈને ખબર હોય તો ઈ બોલસે ને? ઈ તો નીત નવા મરદો પાછળ ભાગતી ફરે છે.” રૂપલીએ છેલ્લો દાવ અજમાવી જોયો.

“જો ભી હો પણ લડકેકી મા વો હૈ. બચ્ચા દે દે.” હવાલદારે છોકરાને પરાણે ખેંચીને મંગીના હાથમાં આપી દીધો. ક્યારનો સૂઈ રહેલો ભીખલો આંખ ખૂલતાંની સાથે દૂધ માટે વલખાં મારતાં ચીસો પાડીને રડવા લાગ્યો. મંગી મૂંઝાઈ ગઈ કે એને છાનો શી રીતે રાખવો? એક હાથે ટ્રેનનો સળિયો પકડીને બીજો હાથ લાંબો કરીને રૂપલી રડતી જતી હતી ને બોલતી જતી હતી, “મારી નાખજે ઈને. ઈ મરી જસે ત્યારે તને નિરાંત થસે. હવારથી બચાડાના પેટમાં દૂધનું ટીપું ય નથ ગ્યું. ઈ બચાડો જીવ રડે નૈ તો સું કરે?”

મંગી ગભરાઈને ભીખલાના મોંમાં શીંગ-ચણાના દાણા મૂકવાનો પ્રયત્ન કરવા લાગી. ગાડી ઊપડવાની સીટી વાગી ગઈ હતી ને રૂપલીએ આ જોયું. ધડામ કરતી ચાલુ થઈ ગયેલી ટ્રેનમાંથી કૂદીને એ પ્લેટફોર્મ પર આવી ગઈ.

“મારી નાખીસ મારા છોરાને હરામજાદી, આ સું ખવડાવે છ? અક્કલનો છાંટો સે કે નૈ તારામાં?” દોડીને મંગી પાસે જઈને એણે ભીખલાને ખેંચી લીધો. થોડીવારમાં પ્લેટફોર્મ પર પૂર્વવત્‌ શાંતિ ફેલાઈ ગઈ.

ફરી પાછા રોન પર નીકળેલા હવાલદારને નવાઈ લાગી કે એકમેકને ગાળો દેતી ને રડતી પેલી બંને બાયડીઓ ગઈ ક્યાં? એણે ધ્યાનથી જોયું તો નજીકના ઝાડને છાંયે બેઠેલી રૂપલી સાડલાનો છેડો ઊંચો કરીને. ભીખલાને ધવડાવતી હતી અને મંગી ધીમું ધીમું હસતી છોરાને માથે હાથ ફેરવતી હતી.

(ભીષ્મ સહાનીની હિંદી વાર્તાને આધારે)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2020

Category :- Opinion / Short Stories