શ્રીધરાણીની સાહિત્યસૃષ્ટિ

દીપક મહેતા
16-09-2020

કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૧. એમની જન્મશતાબ્દી પ્રસંગે લખાયેલું લખાણ આજે અહીં મૂક્યું છે. આ પ્રસંગે ‘શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ’ પુસ્તકનું સંપાદન કરવાનું પણ બન્યું હતું. એ વખતે તેમનાં પત્ની સુંદરીબહેન અને પુત્ર અમરભાઈ તથા અન્ય કુટુંબીજનો પાસેથી કેટલાક ફોટા, પત્રો, દસ્તાવેજો, અને અન્ય સામગ્રી ઉદારભાવે મળી હતી, જેમાંની કેટલીકનો સમાવેશ પુસ્તકમાં થઈ શક્યો હતો. આજે અહીં એ સામગ્રીમાંની કેટલીક પણ અહીં રજૂ કરી છે

°°°°°°°°°°

ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીના સમગ્ર સાહિત્યનાં આજે પ્રગટ થયેલાં બે પુસ્તકો વિષે બોલતી વખતે બે અંગત વાતોથી શરૂઆત કરું છું, તે માટે પહેલેથી જ આપ સૌની ક્ષમા માંગી લઉં છું. ડૉ. શ્રીધરાણીને દૂરથી પણ કયારે ય જોયા હોય એવું યાદ નથી. પણ લેખક શ્રીધરાણીનો પહેલો પરિચય મુંબઇની ન્યૂ ઇરા સ્કૂલમાં ભણતો હતો ત્યારે થયો, અને એ પરિચય હતો નાટયકાર શ્રીધરાણીનો. ચોકકસ વર્ષ તો યાદ નથી, પણ અમે વિદ્યાર્થીઓએ ‘વડલો’ નાટક ભજવેલું. તેમાં ‘વડલો’નું પાત્ર ભજવવાનું બન્યું હતું. આ નાટક પહેલી વાર છપાયું ત્યારે લેખકની ઉંમર માંડ ૨૦ વર્ષની હતી. વડલોનું પાત્ર ભજવનારની ઉંમર તો તેના કરતાં ય ઓછી હતી. પણ મોટેરાંઓ માટે લખાયેલું નાટક ભજવી રહ્યાં છીએ એવું અમને કયારે ય નહોતું લાગ્યું બલકે અમારે માટે જ આ નાટક લખાયું હોય એમ લાગેલું. પિનાકિન ત્રિવેદી અને સુષમાબહેન દીવેટિયા જેવાં અમારાં સંગીત શિક્ષકોએ વડલોનાં ગીતોની જે બંદિશ બાંધેલી, તે આજે પણ યાદ છે અને વડલાના ઘણા સંવાદ પણ કંઠસ્થ છે. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. નાટયમહર્ષિ ચન્દ્રવદન મહેતા એમના લાક્ષણિક લહેકામાં કહે છે : “કવિ એને શોકપર્યવસાયી નાટક કહે છે. કહે, કવિ છે, એને ફાવે તેમ કહે. શેનો શોક – શેની ગ્લાનિ - વડલો વાયુએ વીંઝાઇ ગયો એનો ? દરેક માણસ મરે છે. એથી આજના અર્થમાં દરેકની ટ્રેજેડી નથી થતી.” સાવ સાચી વાત છે એમની. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઇને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું અમને સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું.

૧૯૫૨માં ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલા - અને આ પુસ્તકના પરિશિષ્ટમાં સંગ્રહાયેલા - ‘હું અને કવિતા’ નામના લેખમાં ડૉ. શ્રીધરાણીએ કહ્યું છે : “આમ તો વડલો એક નાટક છે. પણ મારે મન એ એક સૉનેટ સિકવન્સ છે. ઉંમર વધતી જાય તેમ તેમ આપણને પહેલાં લખેલું સુધારવાનું મન થાય પણ વડલો મારી એક એવી કૃતિ છે કે એમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. ‘વડલો’થી હું કૃતાર્થતા અનુભવું છું.” શ્રીધરાણીની પહેલી જ પ્રગટ થયેલી આ કૃતિ, છતાં દાયકાઓ પછી પણ લેખકે પોતે જેનું આટલું ગૌરવ કર્યું છે તે નાટયકૃતિથી તેમના લેખનનો પરિચય થયો તેનો આનંદ છે.

ડૉ. શ્રીધરાણીની શાખ આપણે ત્યાં મુખ્યત્વે કવિ તરીકેની છે, પણ તેમનું નાટયસર્જન પણ પહેલેથી છેલ્લે સુધી કવિતા લેખનની સમાંતર રહીને ચાલતું રહ્યું છે. તેમનું પહેલું નાટક ‘વડલો’ ૧૯૩૧માં પ્રગટ થયું. ‘સંસ્કૃતિ’ના ઑકટૉબર ૧૯૫૬ના અંકમાં ‘મારે થવું છે’. - (એકાંકી ઠઠ્ઠા પ્રહસન) છપાયું છે. ઘણા ‘મારે થવું છે’ને બાળનાટક ગણે છે. ‘સંસ્કૃતિ’માં બાળ સાહિત્યની કૃતિઓ છપાતી? અપવાદ રૂપે છાપી હોય તો ઉમાશંકરે તે અંગે નોંધ ન મૂકી હોત? વચમાંનાં વર્ષોમાં ડો. શ્રીધરાણીએ ‘પીળાં પલાશ’, ‘બાળા રાજા’, ‘સોનાપરી’, જેવાં બાળકો માટેનાં નાટક આપ્યાં. ‘મામાને ઘરેથી’ નામની પ્રસ્તાવનામાં લેખક કહે છે “એક નિશ્ચય પહેલેથી : છોકરાંઓ માટે લખવું છે, છોકરાંને સમજાવવા નથી લખવું. બાલસાહિત્યનો મારો આદર્શ વર્ડવર્ઝથી લ્યૂસી ગ્રેનો છે. વિષય બાળકો સમજી શકે તેવો સાદો અને સહેલો, છતાં સ્નાતકો પણ એમાં રસ લઇ શકે તેવા કાવ્ય તત્ત્વવાળો હોવો જોઇએ.” બાળકો માટે ડૉ. શ્રીધરાણીએ વધુ લખ્યું હોત તો આજે આપણું બાળસાહિત્ય થોડું ઓછું રાંક લાગતું હોત. આ ઉપરાંત ‘મોરનાં ઇંડા’ જેવું સામાજિક ત્રિઅંકી નાટક અને ‘પદ્મિની’ જેવું ઐતિહાસિક ત્રિઅંકી નાટક પણ તેમણે આપ્યું. તો ‘પિયોગોરી’ પુસ્તકમાં તેમનાં દસ એકાંકી સંગ્રહાયાં છે. બંગાળના કે મહારાષ્ટ્રના લોકોના લોહીમાં નાટક અને રંગભૂમિ જેટલાં ભળી ગયાં છે એટલાં આપણાં લોહીમાં ભળ્યાં નથી, એટલે ભજવાતાં કે છપાતાં નાટકોની આપણા વિવેચને ઝાઝી દરકાર કરી નથી. પણ ચન્દ્રવદન મહેતાએ કહ્યું છે તે સાવ સાચું છે. આ કૃતિઓમાં અર્ક કાવ્યનો છે, મહેક નાટકની છે.”

ડૉ. શ્રીધરાણી સાથેનો પહેલો ઋણાનુબંધ ‘વડલો’ નાટકમાંની ભજવણીમાં ભાગ લીધો તે, તો બીજો ઋણાનુંબંધ તેમના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિષે એક લેખ લખ્યો તે. મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતો હતો ત્યારે ‘કોડિયાં’ની બીજી આવૃત્તિ વિષે લખેલો લેખ બહુ સંકોચપૂર્વક પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાને બતાવ્યો. મનમાં હતું કે ઉપર ઉપરથી નજર નાખીને પાછો આપી દેશે. પણ એ તો અક્ષરેઅક્ષર વાંચી ગયા. થોડાક સુધારા સૂચવ્યા. બે દિવસ પછી ફેર કૉપી કરીને ફરી તેમની પાસે લઇ ગયો. કહે : ‘મારી પાસે મૂકતા જાવ.’ એ જમાનામાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજનું ગુજરાતી સાહિત્ય મંડળ ‘રશ્મિ’ નામનું મુદ્રિત વાર્ષિક પ્રગટ કરતું. તેમાં કૉલેજના વિદ્યાર્થીઓનાં લખાણો ઉપરાંત આપણી ભાષાના અગ્રણી લેખકોનાં લખાણો પણ છપાતાં એટલે ‘રશ્મિ’ની શાખ સારી હતી. થોડા મહિના પછી ‘રશ્મિ’નો અંક પ્રગટ થયો ત્યારે તેમાં ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખ છપાયેલો જોઇને જે અધધધ આનંદ થયેલો તે પછી કયારે ય થયો નથી. સમીક્ષા, અનુવાદ, સંપાદન, સંશોધનનાં ક્ષેત્રે જે થોડુંઘણું કે ઘણું થોડું કામ થઇ શક્યું છે તેનો આરંભ ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખથી થયેલો એ ભૂલી શકાય એમ નથી.

અત્યારે આપણે જ્યાં બેઠાં છીએ તે દક્ષિણામૂર્તિની ભૂમિ એ ડૉ. શ્રીધરાણીની કવિતાની જન્મભૂમિ. સ્થૂળ અર્થમાં તો ખરી જ, પણ તેથી વધુ તો સૂક્ષ્મ અર્થમાં. જૂનાગઢની નવાબી નિશાળમાં નપાસ થઇને અહીં ભણવા આવેલો પંદર-સોળ વર્ષનો કિશોર એક સાંજે પ્રાર્થનામંદિરની અગાસી પર બેસીને શુક્રના તારા સામે તાકી રહ્યો છે. એકાએક કાવ્યપંક્તિઓ ટપકવા લાગે છે. છોકરો એ રચના ગુજરાતીના શિક્ષક ગિરીશભાઇને બતાવે છે અને શિક્ષક કહ્યા કારવ્યા વિના એ કૃતિ ‘કુમાર’ માસિકને મોકલી દે છે. છપાઇને આવે છે ત્યારે છોકરાની છાતી ગજગજ ફૂલે છે. પણ આપણે માટે થોડો ગૂંચવાડો ઊભો થાય તેમ છે : શ્રીધરાણીનું આ પહેલું કાવ્ય તે કયું ? ૧૯૩૪માં પ્રગટ થયેલી ‘કોડિયાં’ની પહેલી આવૃત્તિમાં અંતે ‘કાલક્રમિકા’ આપી છે તેમાં પહેલું કાવ્ય નોંધાયું છે તે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૭ના દિવસે લખાયેલું ‘હું જો પંખી હોત’. તેનો આરંભ “પ્રભુ પાથર્યા લીલમડા શા / ખેતર વાઢ મહીં વિચરું” એ પંક્તિઓથી થાય છે. પણ ‘કુમાર’ના જૂન ૧૯૨૭ના અંકમાં ૨૫૭મા પાના પર (એ વખતે આખું વર્ષ સળંગ પૃષ્ઠ ક્રમાંક અપાતા) બાળવિભાગમાં શ્રીધરાણીના નામ વગર છપાયું છે તે કાવ્ય આ નથી, એ તો છે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે” એ પંક્તિઓથી શરૂ થતું કાવ્ય. આ કાવ્ય કોડિયાંની પહેલી આવૃત્તિમાં ૧૭૭માં પાને છપાયું છે. પણ ‘કાલક્રમિકા’માં તો તેની રચ્યા તારીખ ૨૪ એપ્રિલ ૧૯૨૮ આપી છે ! સંભવત: અહીં બે કાવ્યોની રચ્યા તારીખની અદલાબદલી થઇ ગઇ છે. જેનું શીર્ષક ‘કોડિયાં’માં ‘અભિલાષ’ છે તે “તારા, તારા તારા જેવી મીઠી આંખ દે”થી શરૂ થતું કાવ્ય ૧૯૨૭ના જૂન અંકમાં તો ‘કુમાર’માં છપાયું છે. એટલે તે ૧૯૨૮માં ન જ રચાયું હોય. ડો. શ્રીધરાણીના અવસાન પછી ઑગસ્ટ ૧૯૬૦ના ‘કુમાર’ના અંકમાં તેમને અપાયેલી અંજલિમાં લખ્યું છે: “તેમણે લખેલું કાવ્ય ‘તારા, તારા’ ‘કુમાર’ના છેક ૪૨માં અંકમાં પ્રગટ થયું, એ તેમનું પહેલું પ્રસિદ્ધ કાવ્ય. ત્યારથી આખર સુધી ‘કુમાર’ સાથેનો તેમનો સંપર્ક અખંડ રહ્યો હતો.” (પા. ૩૪૨). એટલું જ નહીં, ૧૯૫૨ના જાન્યુઆરીના ‘સંસ્કૃતિ’ના અંકમાં પ્રગટ થયેલ લેખ ‘હું અને કવિતા’માં શ્રીધરાણીએ પોતે ‘તારા, તારા’થી શરૂ થતા કાવ્યને પોતાના પહેલા કાવ્ય તરીકે અને ‘કુમાર’માં છપાયેલા પોતાના પહેલા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે. પછી કહે છે “કવિજીવનની શરૂઆત આમ અભિલાષથી જ થઇ, અને એક કુમારની પહેલી કૂંપળ પ્રગટી. સન ૧૯૨૭ની વાત છે.” એટલે ‘હું જો પંખી હોત’ એ કાવ્ય શ્રીધરાણીનું પહેલું કાવ્ય નહીં, ‘તારા, તારા, તારા જેવી...’ થી શરૂ થતું કાવ્ય તે જ તેમનું પહેલું કાવ્ય.

‘કોડિયાં’ની ૧૯૩૪ની અને ૧૯૫૭ની આવૃત્તિને સરખાવતાં એક મુશ્કેલી નજરે પડે છે : બંને આવૃત્તિના ૬૦મા પાના પર ‘મંદિર’ શીર્ષકવાળું કાવ્ય છપાયું છે. પણ બંને કાવ્યો સદંતર અલગ છે. “કનકમૂર્તિમહીં દેવ દેખું નહીં,! દીપમાં ગરીબનાં દુઃખ ધ્રૂજે !” એ પંક્તિથી શરૂ થતું ‘મંદિર’ કાવ્ય ૧૯૫૭ની આવૃત્તિમાં જોવા મળતું નથી. તેમાં જે ‘મંદિર’ કાવ્ય છપાયું છે તે શરૂ થાય છે “દેવદુવારાની ગાવડી રેણુ / ચરતી વગડા પાર” એ પંક્તિથી. એ કાવ્ય પહેલી આવૃત્તિમાં પણ છે. અહીં પહેલા ખંડમાં સંપાદકોએ આ બંને કાવ્યો સમાવી લીધાં છે. આ ઉપરાંત બીજી આવૃત્તિમાં શ્રીધરાણીએ કાવ્યોનો ક્રમ બદલ્યો છે, કેટલાંક કાવ્યોનાં શીર્ષક બદલ્યાં છે, કેટલાંક કાવ્યોમાં પંક્તિઓ વધારી, ઘટાડી કે બદલી છે. ‘બાને’ એ કાવ્ય પહેલી આવૃત્તિમાં છ ખંડમાં વહેંચાયેલું છે. બીજી આવૃત્તિમાં તે ‘મારી બા’ બન્યું છે એટલું જ નહીં, પહેલી આવૃત્તિની પહેલી ૨૮ પંક્તિ બીજી આવૃત્તિમાંથી કાઢી નાખી છે, અને કાવ્યનું ખંડોમાંનું વિભાજન પણ દૂર કર્યું છે. પહેલી આવૃત્તિ ‘જીવન દેવતા’ને અર્પણ કરી હતી. એ અર્પણ અને તેની સાથેની અઢી કાવ્યપંક્તિ પણ બીજી આવૃત્તિમાં નથી. બીજી આવૃત્તિ કોઇને અર્પણ થઇ નથી.

યોગાનુયોગ એવો થયો છે કે ગુજરાતી કવિતામાં નવા યુગની નાન્દી જેવાં બે કાવ્ય ૧૯૫૬માં થોડા સમયને અંતરે લખાયાં છે. ૧૯૫૬ના ફેબ્રુઆરીની ૬થી ૧૯ તારીખ દરમિયાન ઉમાશંકર જોશી ‘છિન્નભિન્ન છું’ લખે છે તો એ જ વર્ષના મેની ૧૯મીએ શ્રીધરાણી ‘આઠમું દિલ્હી’ કાવ્ય લખે છે. ૧૯૫૬ પછી ઉમાશંકરને જેટલો સમય મળ્યો તેટલો સમય શ્રીધરાણીને મળ્યો હોત તો તેમની કવિતાએ કેવાં કેવાં રૂપ બતાવ્યાં હોત અને આધુનિક કવિતાના ઘડતરમાં શ્રીધરાણીએ કેવો ભાગ ભજવ્યો હોત તેનો વિચાર કે વસવસો કરવાનો હવે અર્થ નથી.

આપણે ત્યાં કોઇ લેખકના સમગ્ર સાહિત્યના પ્રકાશન વખતે તેનાં બધાં પુસ્તકો એક સાથે ફરી છાપવાનો ચાલ છે, પણ અગાઉ ગ્રંથસ્થ ન થયાં હોય તેવાં લખાણો શોધીને ભાગ્યે જ સમાવવામાં આવે છે. ૧૯૪૬ પછી ‘સંસ્કૃતિ’માં છપાયેલા શ્રીધરાણીના ૧૫ લેખ અને ‘કુમાર’માં પ્રગટ થયેલા ત્રણ લેખ જન્મશતાબ્દી નિમિત્તે ગ્રંથસ્થ કરી લેવા જેવા છે. બીજાં સામયિકોની ફાઈલો ઉથલાવીએ તો શ્રીધરાણીનાં બીજાં અગ્રંથસ્થ લખાણો પણ જરૂર મળે.

શ્રીધરાણીના જીવન અંગેની એક ભૂલ ઘણા વખતથી જુદાં જુદાં પ્રકાશનોમાં જોવા મળે છે. તેમનાં પત્ની સુંદરીબહેનને દયારામ ગિડુમલનાં પુત્રી તરીકે ઓળખાવવામાં આવે છે. પણ દયારામ ગિડુમલ તો હતા ગોવર્ધનરામ ત્રિપાઠીના સમકાલીન. સરસ્વતીચંદ્રના અંત અંગેની બંને વચ્ચેની ચર્ચા જાણીતી છે. દયારામ ગિડુમલનો જન્મ ૧૮૫૭માં, અવસાન ૭૦ વર્ષની વયે, ૧૯૨૭માં. કૃષ્ણલાલ શ્રીધરાણી અને સુંદરીબહેનનાં લગ્ન થયાં ૧૯૫૦માં. આ શકય છે ? એવો વિચાર કોઇને કેમ નહીં આવતો હોય ? હકીકતમાં સુંદરીજી દયારામ ગિડુમલનાં પુત્રી નહીં પણ દૌહિત્રી છે. સુંદરીજીનો જન્મ ૧૯૧૯ના એપ્રિલની ૧૫મીએ હૈદરાબાદ સિંધમાં. માતા રુકમિની સિંધમાં સ્નાતકની ડિગ્રી મેળવનાર પ્રથમ મહિલા. પિતા રામચંદ ભાવનાનીની ગણના સિંધના લબ્ધપ્રતિષ્ઠ લોકોમાં થતી. (શંકા જતાં દિલ્હી રહેતાં જાણીતા લેખિકા અને મિત્ર ડો. વર્ષા દાસને સાચી વાત જાણવા વિનંતી કરી. તેમણે સુંદરીબહેન પાસેથી આ સાચી વિગત મેળવી આપી તે માટે તેમનો આભાર.) દિલ્હીમાં ૧૯૫૦માં સ્થાપેલી સંસ્થા ત્રિવેણી કલા સંગમની ઑફિસમાં ૯૨ વર્ષની ઉંમરે આજે પણ સુંદરીબહેન રોજ સવારે ૧૧ વાગે અચૂક હાજર થઇ જાય છે ! દિલ્હીના સાંસ્કૃતિક જગતમાં ‘ત્રિવેણી’ની ખાસ્સી પ્રતિષ્ઠા છે.

ડૉ. શ્રીધરાણીનાં ગુજરાતી પુસ્તકો વિષે આપણે ગમે તેટલા ઉત્સાહથી વાત કરીએ તો પણ એ વાત અધૂરી જ છે. અંગ્રેજીમાં તેમણે સર્જનાત્મક કશું નથી લખ્યું. ૧૪ વર્ષ પછી લખાયેલું કાવ્ય ‘ઘરજાત્રા’ ‘કુમાર’ના ડિસેમ્બર ૧૯૪૮ના અંકમાં પ્રગટ થયું ત્યારે તેની સાથેની નાનકડી નોંધમાં કવિએ લખેલું : “અંગ્રેજીમાં અખબારી લખાણો લખ્યાં, ચોપડીઓ લખી, ને એનાં વખાણ પણ થયાં. પણ અંગ્રેજીમાં કવિતા - ખરી કવિતા ન લખી શકયો. પરભાષામાં એક પછી એક એમ તમે અનેક વિજયો મેળવી શકો, પણ કવિતાનો દુર્ગ તો અજેય જ રહેવાનો.” શ્રીધરાણીનું અંગ્રેજી લેખન ભલે સર્જનાત્મક ન હોય, સંગીન ઘણું જ છે. અંગ્રેજી પુસ્તકોની બાબતમાં શ્રીધરાણી કનૈયાલાલ મુનશીના અનુગામી છે. પણ બંનેનાં અંગ્રેજી પુસ્તકો વિષે આપણે ઝાઝી વાત કરતા નથી. પણ તેમનાં ‘માય ઇન્ડિયા માય અમેરિકા’ તથા ‘વોર્નિંગ ટુ ધ વેસ્ટ’ જેવાં પુસ્તકો આજે પણ અમેરિકામાં વંચાય, વેચાય અને ફરી ફરી છપાય છે. પહેલા પુસ્તકની ૨૦૧૦ની અને બીજા પુસ્તકની ૨૦૧૧ની આવૃત્તિઓ અત્યારે અમેરિકામાં વેચાય છે. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી તેમને અંજલિ આપતા લેખમાં ગગનવિહારી મહેતાએ કહ્યું હતું તેમ “અમેરિકાનો લોકમત કેળવવામાં શ્રીધરાણીનો ફાળો કીમતી હતો. આપણા રાજયના નહીં, પણ સ્વતંત્ર થવા મથતા રાષ્ટ્રના એ એલચી હતા.”

વડલો તો સો વર્ષની આવરદા ભોગવ્યા પછી ધરાશાયી થયેલો. ‘વડલો’ના લેખકને તો તેનાથી માંડ અડધું જ આયુષ્ય મળ્યું. તેમની કૃતિઓ પણ ઢળી પડેલા વડના ટેટાની જેમ વિખરાયેલી, વિસરાયેલી, ક્યારેક વગોવાએલી પણ, પડી હતી. જન્મશતાબ્દી નિમિત્તે એમની કૃતિઓ બે પુસ્તકમાં સુલભ થઈ એ આનંદની વાત.

દક્ષિણામૂર્તિ એટલે શ્રીધરાણીની કવિતાની જન્મભૂમિ. એમની જન્મશતાબ્દી નિમિત્તે એ ભૂમિ પર યોજાયેલા આ સમારંભમાં સહભાગી થવાની તક આપવા બદલ દિલ્હીની સાહિત્ય અકાદમી અને ડૉ. વિનોદ જોશીનો તથા ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમી અને હર્ષદ ત્રિવેદીનો આભારી છું.*

_________________________________________________

*સાહિત્ય અકાદેમી (નવી દિલ્હી) અને ગુજરાત સાહિત્ય અકાદેમી (ગાંધીનગર) દ્વારા ભાવનગર ખાતે સપ્ટેમ્બર ૨૪-૨૫, ૨૦૧૧ના રોજ આયોજિત કૃષ્ણલાલ શ્રીધરાણી જન્મશતાબ્દી પરિસંવાદમાં રજૂ કરેલું વક્તવ્ય, થોડા ફેરફાર સાથે.

[દીપકભાઈ બી. મહેતાની ફેઈસબૂક દિવાલેથી સ-આદર અને સાભાર]

Category :- Opinion / Literature