એક અધૂરું કથન ..

દેવિકા રાહુલ ધ્રુવ
10-09-2020

‘એક અધૂરું કથન’માં એક વટવૃક્ષની કથા છે, જેનું કલેજું કરવતથી કપાઈ જાય છે. નીલમબહેન દોશી લિખીત એકાંકી નાટક : ‘એક અધૂરો ઈન્ટરવ્યુ’ના આધારે ૨૦૧૧માં લખેલ આ રચના આજે ફરી મઠારીને પ્રસ્તૂત છે.

મૂળ નાટકમાં એક નવયુવાન પત્રકારને પહેલો ઈન્ટરવ્યુ વડલાનો લેવાનો થાય છે. પહેલા દિવસે જરૂરી પ્રશ્નોત્તરી પછી વડલો એ યુવાનને બીજા દિવસે બોલાવે છે. દરમ્યાનમાં વડને ઘણી બધી કથનીઓ સાંભરે છે. છેવટે એ વિશ્વને એક મહાન સંદેશ આપવા તૈયાર થાય છે. બીજા દિવસે પત્રકાર આવે તે પહેલાં તો વટવૃક્ષને કાપી નાંખવામાં આવે છે અને એમ જ ઈન્ટરવ્યુ અને વડનું કથન બંને અધૂરા  રહી જાય છે.

(વિવિધ અક્ષરમેળ છંદ)

******************************************

(મંદાક્રાંતા)

રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી જ દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી જ દીધાં.

 

(અનુષ્ટુપ)

છોરું એ ધરતીના ને, ભેરું એ વનનાં હતાં.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે એ ભણતાં હતાં.

(હરિગીત)

ડાળો પરે પંખી તણા માળા મજાના સોહતા
મીઠા ટહૂકા કાનમાં એના સદાયે ગૂંજતા.
હો ટાઢ કે હો તાપ વા વર્ષા અને વંટોળ હો;
એ ગામના આબાલવૃદ્ધોના શિરે છાંયો હતાં.

(શાર્દૂલવિક્રીડિત)

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યા,
નાનાં માસુમ બાળકો અહીં રમ્યાં, પ્રીતે જુવાનો ઝુલ્યાં;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની, તીણી જ ચીસો સહી …

(મંદાક્રાંતા)

કાળી યાદો મનથી નિસરી, મીંચી આંખો નિતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને પલાળે,
નારી પ્રેમે હસતી અહીંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.
(અહીં અવર ભગિની દ્વારા હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનનો નિર્દેશ છે)

(અનુષ્ટુપ)

હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું.

(મંદાક્રાંતા)

ત્યાં તો આવી, પરિજન વળી, પાન ફેંદી જ દીધાં,
એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!

e.mail : [email protected]

http://devikadhruva.wordpress.com

Category :- Poetry