વિનોબાજીએ દરેક યુગની સંસ્કૃતિને પીછાણી છે

રમેશ ઓઝા
10-09-2020

તમારે માણસને પ્રેમ કરતા શીખવું છે? તો બધા માણસો સમાન છે, બધામાં ઈશ્વરનો વાસ છે, દરેકનું ખૂન એક સરખું લાલ છે, બધા ખાલી હાથે આવે છે અને ખાલી હાથે પાછા જાય છે, જનમ મરણ નિંદ્રા મૈથુન જેવા કુદરતના નિયમો બધા માટે એક સરખા છે એવા શુભાષિતો દ્વારા તમે માણસને પ્રેમ નહીં કરી શકો. આ તો આપણે સદીઓથી કહેતા-સાંભળતા આવ્યા છીએ પણ માણસ હજુયે માણસને પ્રેમ કરતા શીખ્યો નથી.

એનો અવલ્લ માર્ગ છે; દર્શનોને, ધર્મોને, ભાષાઓને, સંગીત અને ચિત્રકળા જેવા સંસ્કૃતિ અને સભ્યતાના વિવિધ આવિષ્કારોને પ્રેમ કરવાનો. મેં એને અવ્વલ માર્ગ કહ્યો છે અને એ માર્ગ મને વિનોબા ભાવે પાસેથી મળ્યો છે. અનાયાસ કેવી કૂંચી હાથ લાગી! ૧૯૭૦ના દાયકામાં હજુ થોડી થોડી અક્કલ આવી રહી હતી ત્યારે સર્વોદય વિચારનું ગુજરાતી સામયિક ‘ભૂમિપુત્ર’ હાથ લાગ્યું. એમાં પહેલા પાને વિનોબાનો સંકલિત લેખ હોય. દર દશવારે (ત્યારે ‘ભૂમિપુત્ર દશવારિક હતું એટલે કે મહિનામાં ત્રણ વાર નીકળતું) એક લેખ વાંચવા મળે અને જેમ જેમ એ હું વાંચતો જાઉં એમ એમ મનોજગતનો પરિઘ વિસ્તરતો જાય, સીમાડાઓ તૂટતા જાય, અજાણ્યા માટે આકર્ષણ વધતું જાય, વધારે મેળવી-પામી લેવાની ઇંતેજરી પેદા થાય. આપણામાંથી આપણાપણાનો અહંકાર ખરતો જાય. કોઈ એક માણસને વાંચીને આવું બને? બને જો વિનોબાને વાંચો તો. વિનોબાએ પોતે પોતાના માટે કહ્યું છે કે, ‘મારી જિંદગીનો એક માત્ર ઉદ્દેશ માનવ-હ્રદયોને જોડવાનો રહ્યો છે.’

ચારે બાજુ શ્રેષ્ઠ જ શ્રેષ્ઠ છે, એમાં આપણું શું અને પરાયું શું? વિનોબાજી કહેતા કે જે શ્રેષ્ઠ છે, અમૃતમય છે, જીવનપાથેય છે એ આપણા બધાનું સહિયારું છે અને જે કચરો છે એ કોઈનો ય નથી. આખા જગતમાં, દરેક યુગમાં અને દરેક પ્રજાએ કલ્યાણમાર્ગ માટે પુરુષાર્થ કર્યો છે. એ પુરુષાર્થ પ્રચંડ હતો, ભવ્ય હતો અને પ્રમાણિક પણ હતો. એ પુરુષાર્થ આજે પણ ચાલી રહ્યો છે. એ જુદી વાત છે કે દરેક ઉત્પાદનની પ્રક્રિયામાં બને છે એમ કચરો પણ નીકળતો હોય છે જેને આપણે અંગ્રેજીમાં ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ કહીએ છીએ.

અમૃત મેળવવા દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું હતું એવું પુરાણકલ્પન છે. એ પછી અમૃત કોણ રાખે અને વિષ કોણ રાખે એ વાતે ઝઘડો થયો હતો. સમુદ્રમંથન તો કલ્પના છે, પણ વિનોબાજીએ સંસ્કૃતિમંથન કર્યું હતું એ આપણી નજર સામેની ઘટના છે. જગતની દરેક યુગની અને દરેક પ્રજાની સંસ્કૃતિઓનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. આવું મૌલિક અને સુલભ સંસ્કૃતિમંથન આ જગતમાં ભાગ્યે જ કોઈએ કર્યું હશે. પ્રેરણા હતી, માત્ર અને માત્ર માનવકલ્યાણની. જ્યારે શુભ સર્વત્ર વેરાયેલું પડ્યું છે ત્યારે ભૂંડની જેમ ઉકરડો શા માટે ફેંદો છો? એક જ આયખું મળ્યું છે તો તેમાં અમૃતપાન કરવાનું હોય કે વિષપાન? પણ ઘણા અભાગિયા એવા હોય છે જે બીજાનાં ઘરનો કૂડો-કચરો શોધતા રહેતા હોય છે. મુસલમાનો આવા અને ફલાણા આવા વગેરે.

આગળ કહ્યું એમ ‘ભૂમિપુત્ર’ દ્વારા વિનોબા હાથ લાગ્યા અને પછી તો પુસ્તકો શોધીને વિનોબા વાંચ્યા. મને એમ લાગતું હતું કે મારું પ્રક્ષાલન થઈ રહ્યું છે. થોડો અઘરો શબ્દ વાપરું તો હું શુચિર્ભૂત થઈ રહ્યો હતો. વિનોબાએ મને મારાં મૂળનો પરિચય કરાવ્યો. મારી સંસ્કૃતિની તમામ ઉદાત્ત બાજુનો પરિચય કરાવ્યો. મને મારો પરિચય કરાવ્યો અને સાથે સાથે મારી અંદર રહેલાં ભારતીય હોવાના, હિંદુ હોવાના, બ્રાહ્મણ હોવાના, ગુજારાતી હોવાના મિથ્યાભિમાનથી મુક્ત કર્યો. બધી અસ્મિતાઓ ખરી પડી. ઇસ્લામ વિષે વાંચો તો અબુ બક્ર માટે આદર ન જાગે એવું બને જ નહીં. દક્ષિણના સંતો વિષે વાંચીએ તો દક્ષિણના પ્રેમમાં પડો. ચૈતન્ય મહાપ્રભુ વિષે વાંચો તો બંગાળ અને પૂર્વ ભારત પોતાનું લાગવા માંડે. વિનોબાજીએ વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, મનુ-સ્મૃતિ, વિષ્ણુસહસ્ત્રનામ, શંકરાચાર્યનું સાહિત્ય, સમણસુત્તં, ધમ્મપદ, કુરાન, બાયબલ, યોગસૂત્ર, મધ્યકાલીન સંતો અને સૂફીઓ એમ જગતના લગભગ તમામ મહત્ત્વના ધર્મો અને સંપ્રદાયોનો તેમ જ આધ્યાત્મિક વ્યક્તિઓનો પરિચય કરાવ્યો છે. તેમનો વિવિધ ભાષાઓનો અભ્યાસ ખૂબ ઊંડો હતો.

વિનોબાની શૈલી શંકરાચાર્ય જેવી પ્રસન્ન ગંભીર હતી એટલે વાંચશો તો વાંચતા અટકશો નહીં એની ગેરંટી. માત્ર પ્રારંભમાં પૂછ્યું એમ માણસ થઈને માણસને પ્રેમ કરવાની ઈચ્છા હોવી જોઈએ. બાકી ભૂંડો માટે ઉકરડાઓ ઉપલબ્ધ છે.

આવતીકાલે ૧૧મી સપ્ટેમ્બરે ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે વિનોબાને પ્રણામ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 સપ્ટેમ્બર 2020

Category :- Gandhiana