દેશ મરી રહ્યો છે

બારીન મહેતા
30-08-2020

દેશ મરી રહ્યો છે,
છેલ્લા સંશોધન પ્રમાણે
થોડી ઝડપથી મરી રહ્યો છે આ દેશ

આમ તો
મૂળમાંથી એને આંતરવાનું
પછી ચાતરવાનું શરૂ કરેલું
એ લોકોએ
આયોજન પ્રમાણે
પહેલાં થડને બથવ્યું
પછી શાખાઓને
પછી પ્રશાખાઓને
પછી પર્ણેપર્ણને પણ
લીલા રંગથી વેગળો કરાઈ રહ્યો છે
એમ જ ત્રિરંગામાંથી
એક રંગ થઈ રહ્યો છે બાકાત
આમ જ
આમ જ
દેશ મરી રહ્યો છે ....

સાચે જ દેશ એ રાષ્ટ્ર છે
કે રાષ્ટ્ર એ દેશ છે,
એવા દ્વૈતપ્રશ્નોની પીઠ પાછળ
લોહીની તપાસ થઈ રહી છે
નાગરિકતાના નામે
ક્રમશઃ ટીપે ટીપે
લાલ રંગનું વહેણ
ઝરણામાં
પછી નદીમાં
પછી મહાનદમાં પલટાઈને
ત્રિરંગામાંથી ખેંચી રહ્યા છે
લાલ રંગને
આમ જ આપણી હાજરીમાં જ
મરી રહ્યો છે
આ દેશ ...

જુઓને
ત્રિરંગામાંનો આ સફેદ રંગ
સાવ અશોક ચક્ર વિનાનો
કલિંગવિજયમદથી છકેલ અશોક
લોહીભીની માટીમાં
ડૂબકી મારી
બહાર આવ્યા પછી
નિતાંત ભાંગી ગયેલો,
એને ઝાલીને બેઠો કરેલો બુદ્ધસ્પર્શે
એ ઇતિહાસનું આ ચક્ર
થઈ ગયું વેગળું
ને આ એકલોઅટૂલો સફેદ રંગ
તાણી રહ્યાં છે કબૂતરો
જોશભેર
એમને ય અંદેશો છે,
શાંતિ સાવ ઓળપાઈ જાય
એ પહેલાં
જો સેરવી લેવાય
જાળવી લેવાય
આ સફેદ રંગ
તો શાંત ઊડાન તો ભરી શકાય ...

આમ જ
આમ જ
મારી
તમારી
આપણા સહુની સામે
એ લોકોના આયોજનના વાંકે
મરી રહ્યો છે
આ દેશ!?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 16

Category :- Poetry